વગડાનાં વાસી – રણછોડભાઈ પોંકિયા

[‘અખંડઆનંદ’ માંથી સાભાર.]

દિવાળી ટાણે અમારા એરિયામાં ખેતીની લણણીની સીઝન ચાલુ થાય ત્યાં પંચમહાલ, ગોધરા બાજુથી મજૂરોની ટુકડીઓ ઊતરી પડે. આમાં શંકર અને જીતુભાઈની પંદરથી વીસ સ્ત્રી-પુરુષોની ટુકડી અમારી વાડીથી થોડે છેટેના મોટા ખેડૂતની વાડીએ પડતરમાં દંગો નાખી – પોતપોતાની રીતે ઘાસનાં છાજ કે પ્લાસ્ટિક ઢાંકેલાં ઝૂંપડાં કરી વ્યવસ્થા ગોઠવી લેતા હોય છે. અમો આજુબાજુના ખેતરોવાળાઓને એ ફાવી ગયેલા, એથી અમારી અને એની વચ્ચે થોડો અંગત ઘરોબો પણ બંધાઈ ગયો હતો. તેઓનું રહેઠાણ સીમમાં અને ખુલ્લામાં હોવાથી સંબંધના કારણે તેઓ તેની મજૂરીની બચત મૂકી મારે ત્યાં અવારનવાર લે-મૂક કરી જતા હોય છે. ઘણા સમયથી અમારો આ વહેવાર આમ ચાલે છે.

શંકર સ્વભાવે શરમાળ, ભલો ભોલો ને સાવ ઓછો બોલો – પૂછીએ એનો જ જવાબ આપે. સામે તેની પત્ની પૂની તેનાથી સાવ ઊલટા સ્વભાવની. બોલવામાં વાચાળ-જરાય શરમાય નહીં તેવી. આપણે કંઈક શંકરને પૂછીએ તો શંકરની પહેલાં પૂની જવાબ દઈ દયે. છતાં સ્વભાવે આમ નિખાલસ, વાતે વાતે હસવું – સાવ નાના બાળક જેવું. પ્રકૃતિએ એ ચંચળ અને બધાં સાથે હળીમળી જાય એવી. મળતાવી અને આનંદી એવી કે, કોઈ સાથે પહેલી ઓળખાણે જ એવી છૂટથી બોલે કે, બીજાને એમ જ થાય કે આને જૂનો ઘરોબો હશે.

શરીરે એ એની કોમ પ્રમાણે ભીનેવાન હતી. છતાં દેહના બાંધામાં સવળોહી એવી હતી કે, ભીનેવાનમાં યે રૂપાળી ગણવી પડે. જે માણસ એકવાર એના ઉપર નજર કરે તેની નજર ઘડીક ત્યાંથી ખસે નહીં તેવી નમણી લાગતી. જોનારને સમજાતું કે, રૂપ કંઈ ઊજળા વાનમાં જ પૂરું થઈ જતું નથી ! સુરેખ દંતાવલી, નમણું નાક, અણીવાળી આંખો, ગાલ અને હડપચી સાથે આખો ચહેરો સહેજ લંબગોળ. આ બધામાં મરક મરક હસવું – અહીં આવતા મજૂરોમાં પૂની જેવી કોઈ છોકરી જોઈ નથી ! તે દરેક કામમાં ઉતાવળી, સૂઝવાળી અને ચોખ્ખી. સીમમાં કામ કરતાં હોય તો તે સૌની આગળ નીકળી જાય. શંકરનેય પાછળ રાખી દયે. પછી આગળ જઈને શંકરને મદદ કરાવી સૌની આગળ રાખે.

પોતાના મલકના રીતરિવાજોની, ત્યાંના માણસોની ખાસિયતોની મલાવી મલાવીને વાતો કરે ત્યારે મારા મશ્કરા સ્વભાવ પ્રમાણે મારાથી ભાંગરો વટાઈ જતો !
‘એલા શંકરિયા, આ પદમણી તું ક્યાંથી ઉપાડી લાવ્યો ? – ક્યાંક રાત માથે લીધી નથીને ?’
શંકર પહેલાં જ પૂની જવાબ દઈ દેતી : ‘કાકા, તમે ય પણ…. હું હંધાયની હરૂભરૂ ચાર ફેરા ફરીને આવી છેય હો !…’ ઊલટું મારે શરમાઈ જવું પડ્યું…. સાતેક વરસથી શંકરનાં લગન થયેલાં હતાં. બેત્રણ વરસ એણે રાહ જોયેલી. પૂનીનો ખોળો ભરાયો નહીં. આ લોકોમાં એ મોટી ખોટ ગણાતી. શરૂઆતમાં તેણે કંઈ બહુ ગણકાર્યું નહીં. પછી બે’ક ઠેકાણે જોવરાવ્યું. એના કહેવા પ્રમાણે બેયે કળી રાખી પણ કંઈ વળ્યું નહીં. પછી જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ આ બાબતે બેયને ચિન્તા થવા માંડી ! બીજાઓની સલાહો લઈ કર્મકાંડીઓનાં ગજવાં ભરી પિતૃઓને શાંત કર્યા છતાં પરિણામ કંઈ આવ્યું નહીં. છેલ્લાં બે વરસથી એ ભૂવા-ભારાડીના રવાડે ચડી ગયેલાં. દરસાલની મજૂરીની કમાણી ધુતારા અને ભૂવા બાજુ પગ કરી જતી હતી. આ લોકોમાં ભૂવાનું જોર વધારે હોય છે. જરાક સાજુમાંદુ થવાય કે બીજુ કોઈ અડચણ આવે તો તરત ભૂવાઓ પાસે હડી કાઢતા હોય છે. દોરાધાગા કરાવે, એમાંથી એને નિષ્ફળતા મળે તો સામે ઘણી દલીલો તૈયાર હોય પણ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાનું તો નામ જ નહીં !

મેં શંકર અને પૂનીને સમજાવીને એક દિવસ વાત કરેલી : ‘તમે બન્ને અવળે રસ્તે ચડી ગયાં છો. જોશ જોવાવાળા અને ભૂવા તમને ખાઈ જશે. એમના ધંધા અભણ અને ભોળા માણસોને લૂંટવાના હોય છે. જેનાં મેલાં શરીર ગંધાતાં હોય એવા ભૂવાઓ પાસે દેવદેવી આવે ખરાં ?…. માટે ખોટી અંધશ્રદ્ધા રાખી આવા ખોટા રવાડે ચડોમા !…. બાળક થવું ન થવું – કાં તો પુરુષમાં ને કાં તો સ્ત્રીના શરીરમાં ખામી હોય. કોઈ સારા ડોક્ટરને બતાવી તેની સલાહ કે દવા લ્યો. જો ફાયદો થવો હશે તો તેનાથી થશે, નહીં તો ઉપરથી ભગવાન આવશે તોય કંઈ વળશે નહીં. આ કાળાહાડની કમાણીથી એવા લેભાગુનાં ગજવાં ભરોમા ?’
પણ મારી આ સલાહ એને ગળે ઊતરી હોય એવું લાગ્યું નહીં. ત્યાર પછી ઘણી જગ્યાએ એ જઈ આવ્યાં. કંઈ વળ્યું નહીં. વખત આમ વીતતો ગયો. બીજે વરસે શંકર આવ્યો ત્યારે ખૂબ હરખમાં હતો. પૂનમ આવી નહોતી. મેં કારણ પૂછ્યું તો ખુશ થઈને જવાબ આપેલો : ‘કાકા, તમારા મોંમાં સાકર ! પૂની તમને ખાસ યાદ કરે છે તમને ખુશખબર આપવા છે….’ હું મોં વકાસી તેની સામે જોઈ રહ્યો.
‘કાકા, શંકરના ઘેર ઘોડિયું બંધાય તેમ છે. પૂની બેજીવી છે એટલે આવી નથી.’ જીતુભાઈએ કહ્યું.
‘સારું સારું, ભગવાનની દયા – એ બધું સારું જ કરતો હોય છે….’ હું બહુ ખુશ થયેલો.
‘ભગવાન હાર્યે તમારીએ દુઆ કાકા, સારું થયું તમે અમને દવાખાનાની સલાહ આપી. અહીંથી જઈને અમે તમારી સલાહ પરમાણે અમદાવાદ મોટા દાક્ટરની દવા લીધેલી….’ વાત સાંભળીને મને બહુ આનંદ થયો. મારી નજર સામે એ ચબરાક છોકરી તરવરવા માંડી…. મેં મનોમન એ છોકરીને ખૂબ ખૂબ આશિષ આપી.

પછી એ વરસે શંકરનો કાગળ આવેલો; પૂનીને દીકરી આવેલી અને મા-દીકરી બેય સાજી નરવી છે… વિગેરે… આમ કરતાં કરતાં નવી સીઝન આવી ગઈ. એક દિવસ સાંજના વાળુ કરીને હું બેઠો થયો ત્યાં ડેલીનું બાર ખખડ્યું. એ બાજુ નજર કરી તો ડેલીમાં શંકર અને પૂની બેય આવતાં દેખાયાં.
‘એ પગે લાગી એ કાકા’ ઓસરીની કોર પાસે આવી બેય એક સાથે બોલી ઊઠ્યાં. શંકર નીચો નમીને પગે લાગ્યો. પૂનીએ પોતાના હાથની કળાઈ ઉપર તેડેલી નાની બાળકીને મારા પગ પાસે મૂકી, પોતે પણ પગે લાગી.
‘આટલું બધું ન હોય બેટા, બેઠી થઈ જા…..’ કહી મેં તેના માથા ઉપર હાથ મૂક્યો.
ખુશી થઈને પૂછ્યું : ‘ક્યારે આવ્યાં ?’
‘આજ બપોરના આયા કાકા’, શંકર બોલે એ પહેલાં છોકરીને ખોળામાં લઈ બાજુ પર બેસતાં પૂની બોલી.
‘સારું સારું કેમ બધાં મજામાંને ?’
‘હોવે બધાં મજામાં, અયાં મારાં કાકીને તમે બધાંને હારું સેને ?’ બેય બેઠાં, મારી પત્નીએ પાણી આપ્યું. બેયે પીધું. હું બત્તીના અજવાળામાં પૂની સામે જોઈ રહ્યો. એ આજ એના વેશમાં સજીધજીને આવી હતી. આંખે આંજણ, સેંથામાં કંકુની છાંટ, હાથમાં નવી બંગડીઓ, કાનમાં ખોટાં પણ ફેન્સી એરીંગ, ડોકમાંયે પીળો ઝગારા મારતો ઈમીટેશન ચેન. નવાં નવાં કપડાં અને પગમાં ઝાંઝર, બાળકીનેય નવું નકોર ફરાક ને બેયના મોઢે દેખાઈ આવે એવો ભીનાવાન ઉપર આછો આછો પાવડર-
‘પૂની, આજ તો તું બહુ રૂપાળી લાગ છ. હતા એટલા બધાય શણગાર કરી લીધાને કાંઈ…’ મેં એના શણગાર જોઈને મીઠી રમૂજ કરી.
પૂની શરમાઈને નીચું જોઈ ગઈ : ‘કાકા, તમેય પણ….’
શંકર ખડખડાટ હસી પડ્યો : ‘તમારી વાત ખરી કાકા, જાણે મેળામાં જાવાની હોય એમ કે’વારની મોઢે લપેડા કરતી’તી.’ એ વાત ઉપર બધાંએ એક સાથે હસી લીધું. પૂનીએ શંકર સામે જોઈ આંખો કાઢી – ખોટી રીસ કરી.

‘હવે હાલો ઈ બધુંય પછી, પેલાં ક્યો વાળુ કરવું છે ને ?’ મારી પત્નીએ મૂળ વાત કરી.
‘ના હો કાકી, અમે વાળું કરીને આયાં છૈ.’
‘ઠીક તો હું ચા મૂકું.’ કહી તે રસોડા બાજુ વળી ત્યાં પૂની તરત ઊભી થઈ. છોકરીને શંકરના ખોળામાં મૂકી – ‘તમે બેહો કાકી, હું ચા બનાવી લાઉં.’ કહી તે રસોડામાં ગઈ. થોડીવારે પૂની ચા બનાવીને આવી.
મેં પૂછ્યું : ‘પૂની આ બેબી તો અસલ તારા ઉપર ઊતરી છે. મોં-કળા જાણે તારી જ છે. શંકરનું તો રૂવાડું નથી ચોર્યું, શું નામ રાખ્યું એનું ?’
‘શારદા,’ બોલતાં બોલતાં પૂનીના મોં ઉપર શરમના શેરડા પડ્યા.
‘બહુ સારું નામ ગોત્યું, પણ હવે એ નામ શારદામાંથી શાદુ શાદુ કહીને તારા નામની જેમ ફેરવી નાખતી નહીં.’ પૂનીનું નામ આમતો પૂનમ કહેવાય પણ એની ભાષામાં બધાં એને પૂની કહેતાં. એના લોકને ખબર જ નહોતી કે પૂની નામ પૂનમ ઉપરથી થયું છે. નાનપણેથી જ બસ એ પૂની હતી….. ચા પી અમે ખૂબ બેઠાં. પૂની એના સ્વભાવ પ્રમાણે એક પ્રશ્ન પૂછીએ અને ત્રણના જવાબ આપે એવી વાતઘેલી. અલકમલકની ઘણી વાતો કરી એ ઊઠ્યાં.

પહેલી સીઝન બેય માણસોએ તનતોડ મહેનત કરીને કાઢી. શિયાળુ સીઝનમાં પણ એ રોકાઈ ગયાં. હવે ખેતરોમાં કપાસના છોડ ખાલી થઈ ગયા હતા. ઘઉં પણ પાકી જતાં વઢાવા માંડ્યા હતા. એક દિવસ હું અમારી વાડીએ ગયો. મારા ખેતરની બાજુના ખેતરમાં કપાસના ખાલી થયા પછી ઉપાડી નાખેલા છોડ (જેને અમારી સ્થાનિક ભાષામાં અમે ‘સાંઠીઓ’ કહીએ છીએ.) આખા ખેતરમાં હજુ એકઠા કર્યા વગર વેરણ છેરણ પડ્યા હતા. પડખેના બીજા ખેતરમાં શંકર અને જીતુભાઈના માણસો ઘઉં વાઢવા મજૂરીએ આવેલા હતા.

પૂની અને શંકરે કપાસની સુકાઈ ગયેલ સાત-આઠ સાંઠીઓનો નીચે જગા રાખી પોલો પોલો ઢગલો કરેલો. એની ઉપર કપડું નાખી છાંયો કરેલો. ઢગલાના અડધા ઓથે અને અડધા નીચે બખોલ કરીને નીચે હાથ ફેરવી થોડી જમીન સાફ કરેલી. એની ઉપર તૂટેલ કપડું પાથરી પૂનીએ એ છાંયે શારદાને સુવડાવેલ હતી. બાજુમાં બીજા મજૂરનો નાનકડો છોકરો રમતો હતો. આવી ગોઠવણ આ લોકો કરી લેતા હોય છે. બાળક રડે એટલે મા સિસકારા કરી એને છાનું રાખે. છાનું રહે એટલે કપડું ઓઢી એ સૌની સાથે કામે વળગી જાય…. કામમાં પાછી એને ચીવટ રાખવી પડે. પોતાના ભાગનું કામ ઉતાવળથી કરી બધાંની આગળ નીકળી જઈ પછી આવીને બાળકને ધવરાવી-પેટ ભરાવી લ્યે. વળી પાછી ઉતાવળ કરી બધાંની સાથે થઈ જાય….! સારા વર્ગના લોકોને આ વાત કરીએ ત્યારે ગંભીર થવાના બદલે કહેશે : ‘આ લોકોને છોકરાંવની કંઈ ખેવના ન હોય. એનાં છોકરાં તો આમ જ મોટાં થાય !’

સૂરજના તડકે કચરાના ઢગલા નીચે ઊછરતું બાળપણ જોઈ હું ઘડીભર ત્યાં ઊભો થઈ રહ્યો ! નજીવી માગણીઓમાં ધરાઈ ગયેલા અને સંગઠિત નાગરિકો હડતાલો પાડે, આંદોલનો કરે. પોતાની જ (સાર્વજનિક) મિલકતોને તોડીફોડી સળગાવે… એને અનાજ, તેલ, શાકભાજી મોંઘાં પડે છે…. હાથમાં બેનરો લઈ ટીવીવાળા કે છાપાંના કેમેરા સામે ઊભા રહી જોરશોરથી બરાડા પાડે છે…. ત્યારે આ લોકો ટાઢ, તડકો, વરસાદ બધું વેઠીને કાળી મજૂરી કરે છે !… પાવડા-ત્રિકમ પકડી જમીનોનાં પડ ઉથલાવે છે !… સુખી માણસોના ઉકરડા અને ગટરો સાફ કરે છે !… એના પેટે જન્મેલાં સાંઠીકડાંને છાંયે મોટાં થાય અને પછી એ આપણા માટે મકાનો બાંધે છે !… એને કદી મોંઘવારી નડતી નથી… કદી કોઈ પ્રશ્નો નથી, અને એ બધું હોય તો એ સાંભળવાની કોઈને ફુરસદ નથી !… આ વિચારોમાં હું ઘડીક ત્યાં ઊભો રહ્યો. ત્યાં એ લોકો પોતપોતાની હારો પૂરી કરી શેઢે આવ્યાં. થોડો વિસામો ખાવા અને પાણી પીવા બેઠાં. પૂનમે છાંયેથી શારદાને ખોળામાં લઈ ધવરાવવા માંડી. બધાંએ વિસામો ખાઈ લીધો ત્યાં શારદા ધરાઈને પૂનીના ખોળામાં રમવા માંડી. તેના હોઠના ખૂણે બાઝેલાં ધાવણનાં સફેદ ટીપાં એના ખિલખિલાટમાં વધારો કરતાં હતાં.

કુદરતે આ ધરતી પરની પ્રાણીસૃષ્ટિ માટે અનેક જાતનાં સ્વાદ-રસવાળાં ફળો બનાવ્યાં હતાં. માના ધાવણ જેવું અમૃત દઈને હાથ ધોઈ નાખ્યા ! પૂનીએ બાળકીને બચી ભરી, પાછી તે જ છાંયે હળવેથી સરકાવી દીધી ! માની ચૂમીમાં જે મીઠાશ છે તે કદાચ દેવ-દાનવોએ સમુદ્રમંથનમાંથી મેળવેલા અમૃતમાં નહીં હોય ! વળી સૌ પોતપોતાની હારો લઈ કામે વળગ્યાં. હું મારા ખેતર બાજુ વળ્યો.

શિયાળો ઊતરી ઉનાળો બેસતો હોય ત્યારે એવી બે ઋતુઓના સંધાણે પવનના પ્રવાહો પલટાતા હોય છે. સૂરજ તપે ત્યારે હવા સાવ થંભી જઈ પછી નાનામોટા વંટોળ ઊઠતા હોય છે. હું મારા ધ્યાનમાં ચાલ્યો જતો હતો. પાછું વળીને જોયું તો થોડે દૂર એક નાનો એવો વંટોળ ચડતો હતો. ખેતરમાંથી સૂકાં ઘાસ-પાન જે હડફેટે ચડે તેને ઉપર ચડાવી ગોળગોળ ફંગોળતો હતો. હમેશાં વંટોળની ચાલ એકધારી હોતી નથી. એ ઘડીક પેલી બાજુ ચાલે તો વળી બીજી ઘડીએ બીજી તરફ ફંટાતો હોય છે. વંટોળ ચાલતો ચાલતો વધવા માંડ્યો. આમથી તેમ ચાલતાં-ચાલતાં તે અમારી તરફ આવતો હતો. આવા નાનામોટા વંટોળ આ સમયે વારંવાર ઊઠતા હોઈ પેલા મજૂરો કે મારું તેમાં ધ્યાન બહુ ખેંચાયું નહીં.

થોડીવાર થઈ ત્યાં એ વંટોળે મોટું સ્વરૂપ પકડ્યું. જમીનથી છેક ઉપર આકાશમાં ગોળગોળ મોટો અને પહોળો કચરા અને ધૂળનો સ્થંભ રચાઈ ગયો… ! પોતાના સાજસામાન અને કુટુમ્બ કબીલા સાથે ક્યારેક ધીમી અને ક્યારેક ઝડપી ગતિએ તે અમારી બાજુ ફંટાયો. ચાલતાં-ચાલતાં મારું ધ્યાન એ બાજુએ ખેંચાયું. પેલા શંકરનું બાળક કપાસના સૂકા છોડ (સાંઠીઓ) ના ઢગલા નીચે સુવરાવેલ હતું. આ વંટોળ બરાબર એ બાજુ જ આવતો હતો ! મને ધ્રાસકો પડ્યો ! તરત મેં રાડ પાડી :
‘શંકર, પૂની, દોડજો ! વંટોળિયો તારી છોકરી ઉપર જ આવે છે !’
તરત કામ મેલી શંકર અને પૂની દોડ્યાં – હું પણ હતો ત્યાંથી દોડ્યો, પણ અમે મોડાં પડ્યાં ! અમે પહોંચીએ એ પહેલાં વંટોળિયો ત્યાં પહોંચી ગયો ! વંટોળના કુંડાળામાં પવનની બેસુમાર ઝડપે છાંયે કરેલ સાંઠીઓને ખૂબ આમતેમ ઘુમાવી. ધૂળ, કચરો, સાંઠીઓની સૂકી સોયા જેવી ડાળીઓના ખીપા-બધું સૂતેલ બાળકી ઉપર ખૂબ રગદોળાયું ! સાવ નાનું ને કુમળું બાળક – વંટોળિયે તેને બહોળી જગ્યામાં સાંઠીકડાં સાથે રગદોળી બેરહમ અત્યાચાર કર્યો ! અમે ત્યાં પહોંચ્યાં – અમારી કોઈની આંખો ઊઘડતી નહોતી. સ્થિર ઊભાં રહી શકતાં નહોતા ! એ આંધીમાં બાળક ક્યાં છે એ અમને દેખાતું નહોતું !
પૂનીએ બેબાકળી થઈ ચીસાચીસ કરી મૂકી !….. અમારાથી સાંત્વનાના બે શબ્દોય એને કહી શકાય એમ નહોતું. ફક્ત બે-ત્રણ મિનિટ જ આ ઘમસાણ ચાલ્યું ત્યાં તો તેણે એ બાળકીને સાવ પીંખી નાખી ! દોડીને પૂનીએ એકદમ તેને ગોદમાં લઈ લીધી. એ આખે શરીરે લોહીલોહાણ થઈ ગઈ હતી. ક્યાંક ક્યાંક શરીરમાં સાંઠીઓના ખીપા ખૂંચી ગયા હતા… ! એના શ્વાસ સાથે ફેફસાંમાં ધૂળ ચડી જતાં એને એકધારી ધાંસ ઊપડી ગઈ હતી…! આંખોમાં અને મોઢામાં પણ ધૂળકચરો ભરાઈ ગયાં હતાં… એના રુદનનો તો અવાજ પણ બહાર આવી શકતો ન હતો…!!

તરત જ કામ છોડીને અમે બધાં ગામમાં આવ્યાં. દવાખાને લઈ ગયાં પણ છોકરી ભાનમાં ન આવી. બીજે દિવસે શહેરના મોટે દવાખાને એ માસૂમ બાળકીએ બેભાન અવસ્થામાં જ દમ તોડ્યો….!! અમે શંકર અને ખાસ તો પૂનીને ખૂબ આશ્વાસન આપ્યું પણ પૂની આઘાતમાં સાવ બેબાકળી થઈ ગઈ હતી. એને રોવરાવવા અમે ખૂબ પ્રયત્નો કર્યા પણ એ રડી શકી નહીં !

આમને આમ ઘણા દિવસો નીકળી ગયા. દિવસે દિવસે ભાન ગુમાવી પૂની બેખબરી થવા માંડી… જેના સામું જુએ એની સામે જોઈ જ રહે… કોઈ બોલાવે તો હા કે ના કશું જ બોલે નહીં….. આમ જ એનું ભાન જતું રહ્યું. સ્મૃતિ ઓછી થઈ ગઈ…. એ હવે કંઈ કામ કરતી નથી. રાંધતી નથી. શંકર પરાણે ખવરાવે ત્યારે ખાય…. બધી પળોજણ શંકર ઉપર આવી પડી. નહાવું-ધોવું પરાણે કરાવે ત્યારે કરે…. અમે થોડાક ખેડૂતોએ મળી થોડી થોડી આર્થિક મદદ કરી. પણ પૂની અને શંકરનું દુ:ખ એવું હતું કે, કોઈથી લઈ શકાય તેમ નહોતું. હવે શંકર જાણીતાઓમાં જ કામે જાય છે. સાથે પૂનીને લઈ જાય છે. આખો દિવસ પોતે મજૂરી કરે અને પૂનીને જ્યાં બેસાડે ત્યાં આખો દિવસ બેઠી રહે છે…

એક દિવસ મને વાડીના રસ્તે શંકર સામે મળ્યો. કાખમાં અનાજનો ડબો લઈ ગામની ઘંટીએ દળાવવા જતો હતો. પૂની પાછળ પાછળ એના ધ્યાનમાં ચાલી આવતી હતી. મેં એને ઊભો રાખી પૂછ્યું : ‘શંકર કાંઈ ફેર દેખાય છે ?’
‘ના કાકા, કાંઈ વળતર જેવું નથી…’
‘શંકર તું પુરુષ આમ ક્યાં સુધી કરી શકીશ ? શહેરમાં સ્ત્રીઓની સંસ્થા હોય છે, જો તું કહે તો તપાસ કરાવું – આપણે પૂનીને ત્યાં મૂકીએ…. તને લાગણી રહેતી હોય તો વાર-આંતરે આંટો મારતો રહેજે….’ શંકર મારી સામે જોઈ રહ્યો. એની આંખોમાં ભીનાશ તરી આવી…. પછી એ એકદમ ધ્રૂસકે ધૂસકે રડી પડ્યો… ! મેં એને રડવા દીધો. ખૂબ રડ્યા પછી એ બોલ્યો : ‘કાકા, પૂનીની જગાએ હું હોત તો ?….’

મારી પાસે આનો કોઈ જવાબ નહોતો….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous યુવાન પ્રેમ – ફાધર વાલેસ
વકીલ વીફર્યો – દામુ સાંગાણી Next »   

26 પ્રતિભાવો : વગડાનાં વાસી – રણછોડભાઈ પોંકિયા

 1. siddharth desai says:

  બહુ જ હ્ર્દય્સ્પરિ વાત ચ્હેઆખમા અન્સુ આવિ ગયા.

 2. સંવેદનાઓને કદાચ વાણી હોત તો કહેત કે લાગણી ફક્ત વ્યક્ત કરવાની વાત નથી. આજ ના ફાસ્ટ યુગમાં આ ઊદાહરણ અને એક બીજાનો સાથ આપવાની આ ધગશ, કહો કે ઈચ્છા ખરેખર બહુ સુંદર અનુભૂતી કરાવી જાય છે…સરસ

 3. Sam says:

  Very Touching Story!

 4. Dhaval B. Shah says:

  ખુબ જ સુન્દર વાર્તા.

 5. Pinki says:

  સંવેદનશીલ વાર્તા……

 6. pragnaju says:

  ‘કાકા, પૂનીની જગાએ હું હોત તો ?….’
  આવી ઘણી સંવેદનશીલ વાર્તાઓ અમારા સૂરત જીલ્લાનાં આદીવાસીઓમાં અને ખાનદેશી શ્રમજીવીઓમાં જોઈ છે-અનુભવી છે.સંવેદનશીલતા અને આર્થિક રીતે નબળાઈને વધુ લગાવ હશે?
  ધન્યવાદ રણછોડભાઈ

 7. Dipika says:

  શું આ સાચી વાર્તા છે? મ્રુગેશભાઈ લેખક રણછોડભાઈનો કોઈ સમ્પર્ક (ઈ મેલ, ફોન) મલી શકે?

 8. ભાવના શુક્લ says:

  માનવીય ભાવના,સ્નેહ અને સંવેદનાનોનુ સુંદર શબ્દોમા નિરુપણ….

 9. manvantpatel says:

  તદ્દન સરળ છતાઁ વ્યવહારુ દૃષ્ટિએ લખાયેલી આ વાર્તા
  ગ્રામ્યજીવનની સુઁદર દ્યોતક છે.છેવટના પ્રશ્નનો કોઇ ઉત્તર
  ના હોઇ શકે ;પરન્તુ લેખક અભિનઁદનને પાત્ર છે જ !

 10. Maharshi says:

  khub khub saras!

 11. Maharshi says:

  લેખક અભિનઁદનને પાત્ર !

 12. tulsi says:

  સરસ , અભિનંદન,
  સૌ પ્રથમ તો હુ Dipika ને એ કહેવા માગીશ કે આ સાચી વાર્તા હોઇ શકે છે.
  One boy , who met with an accident two years before, lives near my house. He got very injured that still he can’t walk, his leg’s treatment is running now. When i go to see him, sometimes i think that , if any girl were instead of him, cannot bear this situation, for two years, in the bed.

  it may be true .

 13. Atul Pandya says:

  બહુ સરસ અને સુન્દર , લેખક ને અભિનન્દન …

  Very nice emotional story, congratulations

  if every person of family have such emotions like “Shankar”
  then today’s major family problem can be solved … and everybody’s life may become heaven

  After reading this story I came to know that Ranachhod bhai ponkia belongs from Majevadi ,
  Me too is from Majevadi So am very proud of this auther…

 14. Hiren Ponkia says:

  Nice Emotional Story with village culture background.

  @Dipika; Auther is my relative and living in Majevadi (village), 10k away from Junagadh.

  You can reach at him at :

  Ranchhodbhai Jinabhai Ponkia,
  Ponkia Street,
  Majevadi – 362011.
  Dist :- Junagadh.

 15. Vaishali Maheshwari says:

  Heart-touching story.

  Nice to read about the feelings and emotions that Shankar has for her wife.

  Good moral to learn. We should put ourselves in exactly the same situation as the opponent and then react to it. We will never complain, scream or shout at anything.

  Thank you Author. Very touching story that taught the value of relationships in life.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.