યુવાન પ્રેમ – ફાધર વાલેસ

[‘ભરજુવાની’ પુસ્તકમાંથી સાભાર.]

તમારો પત્ર ધ્યાનથી વાંચ્યો અને સૌથી પ્રથમ તો તમને અભિનંદન આપું છું. તમને નવાઈ લાગશે. કારણ કે મારી પાસેથી તમે અભિનંદનની અપેક્ષા રાખી નહોતી એ તમારા પત્રમાં સ્પષ્ટ છે. પણ તમને અભિનંદન ઘટે એ પણ મારા મનમાં એટલું સ્પષ્ટ છે, એટલે કહી દઉં છું. જેની સાથે ખૂબ નાની ઉંમરે તમારી સગાઈ થઈ હતી, જેને તમે હજી કદી જોઈ નહોતી, તેની સાથે હવે પહેલો પરિચય થતાં, અરે, પહેલાં દર્શન જ થતાં તમે ‘પ્રેમમાં પડ્યા છો’ એ માટે દિલથી અભિનંદન. એ થયું તે ઘણું સારું થયું છે અને એ જાણીને મને સાચો આનંદ થયો છે.

જરા કલ્પના કરો કે જો ઊલટું થયું હોત તો કેટલું ભારે થાત. તમારા પત્રનાં પહેલાં વાક્યો વાંચીને મને એ જ વહેમ ગયો કે હવે એ કહેશે કે એ છોકરીને છેવટે જોઈ છે અને ગમી નથી અને ખાતરી થઈ ચૂકી છે કે એની સાથે ફાવશે નહિ એટલે સગાઈ તોડવી છે; પણ ઊલટી વાત નીકળી. એટલે કે જેની સાથે તમારાં લગ્ન થવાનાં છે એને માટે તમને પ્રથમ મિલનથી ખૂબ લાગણી થઈ અને પ્રેમગ્રંથિ બંધાઈ ત્યારે મને રાહત થઈ. સગાઈ હતી એમાં હવે પ્રેમ આવ્યો. પૂર્વયોજિત લગ્ન હતું એ હવે પ્રેમલગ્ન થશે. વડીલોનો આશીર્વાદ અને હ્રદયની લાગણી. સોનું અને સુગંધ. એટલે અભિનંદન જ ઘટેને !

એક વાત આ ઉપરથી તમને સમજાઈ હશે : પ્રેમ કેવો આંધળો છે, ઓચિંતો છે, મનમોજી છે. તમને કલ્પના સરખી નહોતી કે આવું થશે. તમે ફક્ત કુતૂહલથી ને કંઈક તમારો અધિકાર બતાવવાના ખ્યાલથી એ મિલનની માગણી કરી હતી; યોગ્ય પણ હતી. તમને એમ કે સહજ પરિચય થશે, પ્રાથમિક ઓળખાણ થશે, ફાવી શકશે કે કેમ એ ખબર પડશે, ને ધીરે ધીરે આગળ વધાશે અને યોગ્ય થશે. પણ કંઈક બીજું થયું. ધીરે ધીરે નહિ પણ હુમલાની સાથે પૂર આવ્યું, પાળ તૂટી અને તમે એ ઘોડાપૂરમાં તણાઈ ગયા. કોઈ વાર જ્યાં પ્રેમ થવો જોઈએ ત્યાં થાય છે. કોઈ વાર જ્યાં થવો જોઈતો હતો ત્યાં થતો નથી ને કોઈ વાર જ્યાં થવો જોઈતો નહોતો ત્યાં થાય છે. કહેવાય નહિ. આ છોકરાને અને આ છોકરીને સાથે ફાવશે કે કેમ એ સર્વ જન્માક્ષર ને હસ્તરેખા ને કુટુંબ ને સ્વભાવ ને મુહૂર્ત ને આશીર્વાદ જોયા પછી પણ નક્કી કહી ન શકાય. અનુભવે જ ખબર પડશે. પ્રેમની ગતિ અકળ છે.

પણ એ તમારો પ્રશ્ન નહોતો. તમારા પત્રમાંનો પ્રશ્ન બીજો હતો. પ્રશ્ન એ હતો કે હવે એને માટે તમને એટલો પ્રેમ છે કે તમારા કામમાં વિક્ષેપ પડ્યો છે. હવે તમારાથી વંચાતું નથી. વાંચવા બેસો તો એના જ વિચારો આવે. સામે ગણિતનું પુસ્તક હોય, પણ નજરમાં એનો જ ચહેરો રમે. પછી ગણિતના આંકડાઓ વંચાય જ નહિ અને પાઠ્યપુસ્તકનું પાનું કલાકો સુધી ફેરવાય નહિ. અત્યાર સુધી તો તમે સારા વિદ્યાર્થી હતા. ગમે તે સંજોગોમાં તમે સારી રીતે વાંચી શકતા અને વાંચતા જ હતા. એકાગ્રતા હતી અને નિયમિતતા હતી, પણ હવે એકાગ્રતા ગઈ, નિયમિતતા ગઈ, વાંચવાની શક્તિ જ ગઈ અને પરીક્ષા તો નજીક છે અને વર્ષ અગત્યનું છે. શું થશે ? ને એમાં મેં તમને એક વાર કહ્યું હતું કે જો પ્રેમ સાચો હોય તો પ્રેરણારૂપ બને અને કામ કરવા ને ફરજ બજાવવા પણ મદદરૂપ બને, પણ તમારા આ પ્રેમથી તમારું કામ તો બગડ્યું જ છે એટલે પ્રશ્ન પણ તમને થયો છે કે આ પ્રેમ સાચો હશે કે કેમ ? સાચો હોય તો એવું કરે ? અને સાચો ન હોય તો એનો ઉપાય કરવો શી રીતે ?

પ્રેમ સાચો છે. યોગ્ય સ્થાને ને યોગ્ય સમયે પ્રેમ થયો છે, પણ પ્રેમ પ્રબળ છે. એ જાગે ત્યારે સૌને જગાડે અને એ આવે ત્યારે સૌનો કબજો લઈ લે છે. પૂર છે. ધરતીકંપ છે. પ્રેમ તો રાજાઓના કુળનો છે. આવે ત્યારે ગાદીએ બેસે. આવે ત્યારે રાજ્ય ચલાવે. એના આગળ તમારો અભ્યાસ અને તમારી પરીક્ષા અને તમારું પરિણામ અને તમારું ભવિષ્ય તો કોઈ હિસાબનાં જ નથી. એ સરમુખત્યાર છે. એ રાજ્ય ચલાવશે. પ્રેમનું જોર કેટલું છે એ તમને હવે અનુભવથી સમજાયું છે, એનું માન રાખશો.

માટે પહેલી સલાહ એ આપવાની કે હવે નવાઈ ન પામો અને ગભરાઈ ન જાઓ. તમે ગભરાયા છો એટલે અસ્વસ્થતા વધી છે અને ચિંતા થઈ છે. તમને લાગ્યું હતું કે તમે વધારે પડતા લાગણીશીલ છો, વિવશ છો, વિચિત્ર વિલક્ષણ પ્રાણી છો એટલે તમને એવું થાય છે. પણ તમે આમાં કંઈ જુદા નથી કે વિચિત્ર નથી અથવા તો એમ કહો કે માનવપ્રાણી જ એવું વિચિત્ર પ્રાણી છે. પણ તમારો અનુભવ એ સૌનો અનુભવ છે. તમે જુદા નથી, માટે એ પરિસ્થિતિ સમજો અને એ હકીકત સ્વીકારો. એમાં શાંતિની પહેલી શરત છે. તમને એમ લાગતું હતું કે તમારો અનુભવ અસાધારણ હતો, એટલે ચિંતા કરતા હતા, અને ચિંતાથી અસ્વસ્થતા વધતી, અને મન કાબૂની બહાર જતું રહ્યું હતું. તો હવે એમ સમજી લો કે તમારો અનુભવ સાધારણ છે, માનવમાત્રનો છે, તંદુરસ્ત યુવાનનો છે, એટલે કંઈક સમાધાન થશે અને શાંતિ આવશે.

તમે પૂછો છો કે હવે મળવું કે ન મળવું. તો અહીં પણ મધ્યમ માર્ગ સાચો. એક કે બીજી દિશામાં અતિરેક ન કરવો. પ્રસંગ અને અનુકૂળતા અને મર્યાદા સાચવીને મળવાનું થાય તો જરૂર મળો, પણ જ્યારે ત્યારે અને ખોટી રીતે ન મળો. જો ચોરી-ચુપકીદીથી મળશો તો અસ્વસ્થતા રહેશે અને ચિંતા વધશે અને જો મળવાનો સાચો અને યોગ્ય પ્રસંગ હોવા છતાં તમે મનને સ્થિર બનાવવાના હેતુથી મળવાની ના પાડશો તો પછી અસ્વસ્થતા વધશે જ અને પસ્તાવો થશે અને દ્વિધા રહેશે કે આ હું સારું કરી રહ્યો છું કે કેમ. એટલે મન હતું એથીય અસ્થિર અને અસ્વસ્થ બનશે. મધ્યમ માર્ગ રાખો. મળવાનું થાય ત્યારે મળો અને ન થાય ત્યારે જવા દો. પ્રસંગો શોધવાના નહિ ને ટાળવાના પણ નહિ. ખોટો પ્રયત્ન નહિ અને ખોટો ક્ષોભ નહિ. એ રીતે બહારનું વર્તન સ્વસ્થ થશે ત્યારે અંદરનું મન પણ સ્વસ્થ થશે.

આ પરિસ્થિતિ ક્યાં સુધી રહેશે એ પ્રશ્ન તમારા મનમાં છે. પૂરનો હુમલો લાંબો ટકતો નથી, ઓસરી જાય છે, પછી નદીનાં પાણી ફરી શાંતિથી વહેતાં થાય છે. તેમનો રોમાંચ કાયમ રહેતો નથી, શમી જાય છે અને ત્યાર પછી જ પ્રેમનું સાચું સ્વરૂપ દેખાય છે. રોમાંચ ચાલે ત્યાં સુધી બરાબર દેખાતું નથી કે આ મોહ છે કે પ્રેમ છે, ક્ષણિક આકર્ષણ છે કે શાશ્વત સમર્પણ છે. કેફ છે, નશો છે, ધૂન છે. પછી શાંતિ આવે અને હૃદયના ભાવો સ્પષ્ટ થઈ જાય. એમાં અત્યારથી જાગ્રત રહેશો, જેથી તમારા ભાવ પહેલેથી જ સાચી દિશામાં વહે અને તમારા દિલમાં અત્યારથી સાચો પ્રેમ બંધાતો જાય. સાચા પ્રેમ અને ખોટા પ્રેમમાં મુખ્ય ફેર આ છે : ખોટા પ્રેમના મૂળમાં સ્વાર્થ છે, જ્યારે સાચા પ્રેમના મૂળમાં બલિદાન છે. એકમાં ‘આપો’ અને બીજામાં ‘લો’ મુખ્ય વલણ છે. એકમાં ‘હું’ અને બીજામાં ‘તું’ કેન્દ્ર છે. શરૂઆતમાં બે વ્યક્તિઓમાં બન્ને લે અથવા બન્ને આપે તો ખાસ ફેર દેખાતો નથી, કારણ કે બેઉ રીતે બેમાંથી દરેક કંઈક આપે અને કંઈક લે, એટલે શરૂઆતમાં અસલી અને નકલી પ્રેમનો ભેદ બરાબર દેખાતો નથી. પરંતુ આગળ જતાં જો બન્ને વ્યક્તિઓમાં લેવાનો આગ્રહ હોય, સ્વાર્થનું જોર હોય, ખાલી મેળવવાનું જ વલણ હોય તો એમનો સંબંધ ન ચાલે, અને લગ્ન થયું હોય તો એમનું લગ્ન ન ચાલે. પ્રેમ હતો જ નહિ, ખાલી સ્વાર્થ હતો.

સાચો પ્રેમ સમર્પણમાં, આત્મભોગમાં, બલિદાનમાં ખીલે. બીજાનો વિચાર, પોતાનો નહિ. બીજા પહેલાં અને હું પછી. સાચો પ્રેમ પોતાને સિદ્ધ કરવા માગે છે, એટલે કે પોતે સાચો છે એ સાબિત કરવું છે. અને એની ખાતરી પોતાને અને પોતાના પ્રેમપાત્રને કરાવવી છે અને પ્રેમ સિદ્ધ કરવા માટે બલિદાનનું પ્રમાણ ઉત્તમ છે. શબ્દો ફિક્કા પડે, વચનો જૂઠાં લાગે. પણ કાર્ય, હકીકત, બલિદાન એ પ્રેમનું પ્રમાણપત્ર છે. માટે સાચો પ્રેમ બલિદાન ઝંખે છે. આત્મભોગ આપે, સમર્પણમાં રાચે. એ સમજીને તમે અત્યારથી તમારો પોતાનો ઓછો વિચાર કરો. પ્રેમ વધશે તેમ સ્થિર થશે. કામ કરો છો તે તમારે માટે નહિ પણ એને જ માટે અને તમારા ભાવિ કુટુંબને માટે કરી રહ્યા છો એ ભાવના અત્યારથી કેળવો. જવાબદારી અત્યારથી વધી ગઈ છે. લગ્નને હજી વાર છે, પણ દિલની તૈયારી અત્યારથી છે. પતિ અને પિતા થવાને હજી વર્ષો છે, પણ પત્ની અને દીકરીઓને માટે જીવવાનું અત્યારથી શરૂ છે. એ ખ્યાલથી તમારામાં સ્થિરતા આવશે, ગંભીરતા આવશે, પ્રૌઢતા આવશે. તમને આપોઆપ સમજાશે કે એમના ભલાને માટે તમારે અત્યારે મહેનત કરવી જોઈએ, સારી પરીક્ષા આપવી જોઈએ. પ્રેમમાં જે અદ્દભુત શક્તિ છે, જેનો અનુભવ તમને થવા માંડ્યો છે એને હવે યોગ્ય રસ્તે વાળીને, નાથીને, કેળવીને તમે એની પાસેથી અત્યારના કામ માટે પ્રેરણા મેળવી શકશો, સારી પરીક્ષા આપવા માટે ટેકો મેળવી શકશો.

આજે આટલું જ કહેવાનું મન થયું. તમારા જીવનમાં પ્રેમનું સાચું પ્રકરણ શરૂ થયું છે એ માટે ફરીથી અભિનંદન. અંતરના નવા નવા પ્રદેશોની શોધ હવે શ્રદ્ધાથી કરતા રહો. એના સમાચાર આપતા રહીને મને તમારી પાસે રહેવાનો લાભ આપશો તો મોટો ઉપકાર થશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શ્રી રામ સ્તુતિ – વિનયપત્રિકા
વગડાનાં વાસી – રણછોડભાઈ પોંકિયા Next »   

11 પ્રતિભાવો : યુવાન પ્રેમ – ફાધર વાલેસ

 1. anamika says:

  ખુબ જ સરસ…………….પ્રેમનિ સાચિ સમજ આપિ…………..

 2. siddharth desai says:

  પઉજ્ય શ્રિ ફાથર વાલેસ સાથે વર્શોથિ મારા કુતુમ્બ જોદે પરિચય્ચ્હે.રજાઓમા તેઓ અમારા ઘરે પધરતા અને મારા પિતા શ્રિ જ્હિનાભઐ જોદે સાહિત્ય અને ક અએલવનિનિ વ્આતો કરતતહતા અને પચ્હિ મારિ દિકરિઓ જોદે સુન્દર વાર્તા કરતા હતા.તેઓ જુદા જુદા કુતુમ્બ્મ જતા હતા અને બાલકઓ જોદે સુન્દર વાતો કરતા.તેમને બાલકો બહુજ પ્રિય હતા.તેમને ગુજરાતિ સહિત્યમા ઉચ્હ કોતિના લેખો આપ્યા ચ્હે.તે માતે ગુજરાતિ લોકો સદા તેમના રુનિ રહેશે

 3. સુંદર અને સરળ વાત…
  શું વાત છે મૃગેશભાઈ આજે તો બન્ને પોસ્ટ પ્રેમ ને જ અર્પણ કરી છે કે શુ?
  મજા પડી

 4. pragnaju says:

  મૃગેશભાઈ,આજના લેખ માટે અભિનંદન શબ્દ નાનો પડે…
  ફાધર વાલેસ માટે કહેવાય કે- જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઝરે!
  “તમારા જીવનમાં પ્રેમનું સાચું પ્રકરણ શરૂ થયું છે એ માટે ફરીથી અભિનંદન. અંતરના નવા નવા પ્રદેશોની શોધ હવે શ્રદ્ધાથી કરતા રહો. એના સમાચાર આપતા રહીને મને તમારી પાસે રહેવાનો લાભ આપશો તો મોટો ઉપકાર થશે.”-મારા મનની વાત

 5. ashish upadhyay says:

  ekdam sachi vat kahi,
  aa lekh pasand karva mate aapne khub khub abhinandan,
  aa lekh vanchi ne prem ma padela lokone prerna malashe ane potano sacho rah shodhi shakshe,
  once again, very very congratulation

 6. nirlep says:

  Saheb……really maja karavi didhi..

  father wallace vishe shu kehvu – his writings have transformed my personality…marama thodu, ghanu pan kaik saru hoy to temna writings na karne.. Suresh dalaji e emna par saras, daldaar book publish kari chhe.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.