- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

સ્વીકાર – મેઘા ત્રિવેદી

[‘નવનીત સમર્પણ માર્ચ-2008’ માંથી સાભાર.]

ઈશાના ઘરના આંગણામાં ઊગેલા પલાશના વૃક્ષ ઉપર ત્યારે કેસરી ફૂલોનો ઢગલો ઊગી નીકળ્યો હતો. ઉનાળાના તડકાનો કેફ પલાશના વૃક્ષને એવો તો ચડ્યો હતો કે તેની લંબાયેલી એક એક ડાળી જાણે અગ્નિશિખાઓ, આગમાં ભડભડ બળી ફૂલોને ગાઢો રંગ બક્ષતી. ડેડીની ગાર્ડન ચેરની આસપાસ વૃક્ષ ઉપરથી ગરેલાં અડધાં તાજાં, અડધાં કરમાયેલાં ક્રિમસન ફૂલોનો ઢગ વળી જતો. ત્રણચાર ચકલીઓ ડેડથી સાવ નિર્ભીત તેમની ચાંચો ફૂલોમાં ખોસી ખોરાક શોધ્યા કરતી. આનાથી અજાણ ડેડ સવારના શાંત પ્રહરમાં વૃક્ષ નીચે પુસ્તક વાંચતા બેઠા હોય અથવા તો કોઈ ફાઈલમાં તેમની પ્રિય પારકર પેનથી નોંધ કરતા હોય, ત્યારે ઈશા જો વહેલી ઊઠી ગઈ હોય તો તેના ઓરડાની બારીમાંથી બરાબર સામે જ દેખાતા ડેડને ‘ગુડ મોર્નિંગ’ કહેતી. ડેડી તર્જનીથી ચશ્માં આંખ ઉપર બરાબર ગોઠવી, ઈશા સામે મીઠું સ્મિત કરતા, ઈશાને નીચે બોલાવતા. ઈશા તરત જ ડેડની પાસે જઈ અડધી ઊંઘમાં તેમના મજબૂત ખોળામાં માથું ઢાળી દેતી. ડેડી ‘મારી રાજકુમારી વહેલી ઊઠી ગઈ.’ કહી માથા પર હાથ ફેરવતા, ફરી પાછા ફાઈલોમાં પરોવાઈ જતા. ઈશા એમ જ માથું ઢાળી પડી રહેતી, જ્યાં સુધી મોમ તેને ઉઠાડતાં નહીં. ‘આ શું ઈશા ? ચાલ ઊઠ, બ્રશ કરી લે, વિજયે તારા માટે દૂધ તૈયાર રાખ્યું છે. પી લે પછી જ નાસ્તો કરજે.’

મોમનો કોમળ ચહેરો કદીયે અસ્ત-વ્યસ્ત દેખાતો નહીં. મોમ હંમેશાં સાફસૂથરાં. જેવી તેમની ક્રિસ્પ સાડી તેવા જ તેમના ચહેરાના ભાવ. મોમ ઑફિસ જતાં હોય, કોઈ મહેમાન સાથે વાત કરતાં હોય, ઘરમાં હોય કે પછી ઊંઘમાંથી ઊઠ્યાં હોય, હમણાં જ નાહીને આવ્યાં હોય એવાં સુંદર લાગતાં. મોમ બહાર જવા તૈયાર થતાં ત્યારે તો ઈશા તેમને જોઈ જ રહેતી. પિન્ક સિલ્કની સાડી સાથે મોતીનો સેટ, કાંજીવરમ સાથે નાજુક પેન્ડલવાળી સોનાની ચેન, કાંજી કરેલી કોટનની કલકત્તી સાડી સાથે ફક્ત ગળામાં મંગળસૂત્ર, કપાળમાં મોટો લાલ ચાંલ્લો અને આંખમાં કાજળની પાતળી રેખા, મોમની સાડી પહેરવાની રીત, ચાલવાની, બોલવાની ઢબ કોઈને પણ આકર્ષી શકે એવી મોહક હતી. મોમ સફેદ સાડીમાં પણ એટલાં જ જાજરમાન દેખાતાં. ત્યારે પણ જ્યારે ડેડી ઘરના બારણાની ટોડલે લટકાવેલ, લાલ કપડાંથી વીંટાળેલી માટલીમાં કેસરી ફૂલોનો ઢગ વળી ગયા હતા. ભૂતકાળ અને ભવિષ્યના ધૂંધળા ઓળાઓ એકી સાથે વર્તમાનમાં ઊતરી આવ્યા હોવા છતાં મોમ સ્વસ્થ હતાં. સોમ અંકલે બધી જ જવાબદારી ઉપાડી લીધી હતી. છેલ્લી મુસાફરીનો સામાન, શ્વેત કોરું કાંજીવાળું કપડું, કાચા લીલા વાંસ, ફૂલહાર, વિધિ કરાવનાર બ્રાહ્મણ અને અંતે પ્રાર્થનાસભાનું આયોજન ઈશાની કોરી ધાક્કડ આંખોમાં સમાતું હતું, પણ ત્યાં, ક્યાં કશાનો અંત આવ્યો હતો….

ઈશા સાતેક વર્ષની હશે. ત્યારે ડેડી ઈશા માટે ફ્રીલવાળું ફ્રોક લાવ્યા હતા. આખાય ફ્રોકમાં ચળકતી ટીકલીઓ લગાવી ડિઝાઈન ઊપસાવી હતી. ટીકલીઓ પર સહેજે સૂર્યપ્રકાશ પડતાં બધી જ ટીકલીઓમાં ઈન્દ્રધનુષો ઊપસી આવતાં અને ટીકલીઓ બધી જ જીવંત થઈ ઊઠતી. ઈશાને ખૂબ ગમતું એ ફ્રોક. ફ્રોક પહેરી ઈશા ડેડની આંગળી ઝાલી પાર્કમાં જતી, ડેડ તેને જાયન્ટ વ્હીલમાં બેસાડતા. જાયન્ટ વ્હીલ ઉપર આકાશ તરફ જતું ત્યારે એક અવકાશ રચાતો, ઈશા ન તો આકાશની ન જમીનની અને તે ડેડને સજ્જડ બાઝી પડતી. ત્રણ વર્ષથી આવો જ અવકાશ ઈશાને કચડી રહ્યો હતો. કશુંક બદલાઈ ચૂક્યું હતું. ઘરના ઓરડા બધા જ ડેડીની હાજરીથી ભરેલા છતાં ખાલી. ડેડના આફટરશેવની સુવાસ, હજુય ઓરડામાં ઘૂમરાતી ઈશાને સુવાસિત કરતી. ડેડના ચશ્માં, પારકર પેન, તેમનું માનીતું પુસ્તક હજુય બેડની સાઈડ ટિપાઈ પર પડ્યાં હતાં. ઈશા એક હાથને બીજા હાથમાં સજ્જડ પકડી રાખી, ગૂંગળાતી, શ્વાસને રુંધતી, ડેડને ખોળ્યા કરતી. ખાલી ઓરડા જોઈ ઈશા ધ્રૂજી ઊઠતી. તે તરત જ ઘરની બહાર નીકળી પલાશના વૃક્ષ નીચેની ગાર્ડનચેરમાં બેસી જતી. ઈશાએ, કોઈ ન જુએ તેમ, ડેડની અડધી પીધેલી સિગાર વૃક્ષ તળેથી ઉપાડી બોક્સમાં સાચવી રાખી હતી. કશુંક કરવું જોઈએ આથી તે શાળાએ જતી, હોમવર્ક કરતી, ડાન્સ ક્લાસમાં નિયમિત જતી. બ્રિન્દા તેની ખાસ બહેનપણી સાથે વાતો કરતી. તેમ છતાં આ ગાઢો અવકાશ તેને કોરી ખાતો, તે કોઈને આ વિશે વાત કરી શકતી નહીં, બ્રિન્દાને પણ નહીં. ઘણી વાર ડેડનો હસતો ચહેરો પાણીના પરપોટામાં કેદ આસ્તે-આસ્તે હવામાં સરતો આકાશ તરફ જતો તે જોઈ શક્તી. પરપોટો આકાશ તરફ ઊંચે ચડતાં જ ફટ દઈને ફૂટી જતો અને ડેડ અદશ્ય થઈ જતા. કોઈ જાદુઈ શક્તિથી ડેડ જો પાછા ફરી શકે ફક્ત એક, એક જ દિવસ તેની સાથે વિતાવી શકે ! ઈશાને મોમના ખોળામાં માથું મૂકી દઈ રડી પડવાનું મન થતું પણ….. આ ‘પણ’ મનમાં જુદો જ છટપટાત લઈને અવતરતું. આ ‘પણ’થી મન કાચબાની જેમ સંકોચાઈ જતું. ઘણીયે વાર મોમ ઈશાની અકળામણ સમજી જઈ ઈશા પાસે બેસતાં. તેની પીઠ પર હાથ પસરાવતાં ગળગળાં થઈ જતાં, ત્યારે મોમ કેટલાં નજીક લાગતાં ! મોમ ઈશાને છાતીસરસી ચાંપી દઈ કહેતાં, ‘ઈશા, સોમ અંકલ ન હોત તો આપણું શું થાત ? ડેડીનો આટલો મોટો કારોબાર સમેટવાનો, ડેથ સર્ટિફિકેટ, બેન્ક એકાઉન્ટસ, ઈન્શ્યોરન્સ પોલિસીથી માંડી નાનામાં નાની વસ્તુઓ સોમ અંકલે કેટલી સિફતથી પાર પાડી. અને બધું જ સરળતાથી પતી ગયું.’ ઈશા મૂંઝાઈ જતી, મોમ જાણે મોમ ન રહેતાં કોઈ અજાણી વ્યક્તિ બની બેસતાં, તે તરત જ મોમથી અળગી થઈ જતી. તેને કહેવાનું મન થતું : ‘મોમ, હવે મને તેર વર્ષ થયાં છે, ડેડીનું કામ હું સંભાળી શકું તેમ છું. શા માટે સોમ અંકલ રોજ આપણે ત્યાં આવે છે અને ડેડીની ફાઈલો તપાસે છે ? એમને આવો હક શા માટે આપ્યો છે ?’ પરંતુ ઈશા આમાંનું કશું જ બોલી શકતી નહીં. તેમની બન્નેની વચ્ચે તરત જ મૌન સ્થપાઈ જતું અને ‘પણ’ ની દીવાલ ફરતે ઈંટોની એક હાર ચણાઈ જતી.

તે દિવસે ડાન્સિંગ કલાસમાંથી ઈશા પાછી ફરી ત્યારે મોમે વિજયને સાથે રાખી ડેડની અંગત વસ્તુઓનો ઢગલો બનાવ્યો હતો. ડેડનાં કોટ, પેન્ટ, શર્ટ, રૂમાલ, ચશ્માં, ઘડિયાળ, પર્સ, ડેડને ગમતું પરફ્યુમ, ડેડનાં માનીતાં પુસ્તકો બધું જ એક ટ્રંકમાં મોમ બેપરવાહીથી બંધ કરી વિજય પાસે વૉર્ડરોબની ઉપર મુકાવતી જોઈ ઈશાની અંદર એક ટીસ ઊઠી, ઈશા એને આમ કરતાં રોકવા માગતી હતી એને કહેવું હતું, ‘મોમ, આવી લાપરવાહીથી ડેડની પ્રિય વસ્તુઓને ન મૂકી દે !’ પરંતુ ઈશાને જાણ હતી, આખરે મોમને ડેડીની વસ્તુઓને મૂકી દેવાનો હક હતો. ઈશાને થયું, જો તે મોમને કશું કહેશે તો એને શરમ આવશે અને ફક્ત ઈશાની ખાતર તેમ કરશે નહીં. જે સ્વસ્થતાથી અને શાંત મને મોમ જીવન જીવી રહ્યાં હતાં તે વ્યવસ્થા આખીયે હચમચી જશે. ઈશાને ખબર હતી જો તે એક અક્ષર પણ બોલશે તો મોમ જાણે ઈશા સાવ બાળક હોય તેમ સહાનુભૂતિ દર્શાવશે, પછી સોમ અંકલની વાત નીકળતાં મોમ ભાવુક બની જશે અને મૌનનો તેમની વચ્ચેનો વણલખ્યો નિયમ તૂટી જશે. કદાચ ઈશાના મૌનમાંથી તે ઘણા અર્થો કાઢતી અને નાના બાળકને પ્રલોભનો આપે તેમ તેને પ્રલોભનો આપવાની કોશિશ કરતી. ‘ઈશા ચાલ મૂવીમાં જઈએ, અથવા ઘણા સમયથી તેં પિઝા ખાધો નથી તો ઑર્ડર કરીએ, અથવા તો ચાલ શોપિંગ પર જઈએ.’ મોમનાં આ પ્રલોભનો વચ્ચે એક તસવીર ખેંચાઈ આવતી, ડેડની, ડેડ વગર હવે ક્યાં કશામાં મજા જ આવતી હતી ! ઈશાને નવાઈ લાગતી, મોમ કેવી રીતે તેની અંદર ચાલતા ઘમસાણ યુદ્ધને સમજી જતી હતી, તેમ છતાં કશું જ ન સમજવાનો ડોળ કરતી.

આમ ને આમ ‘પણ’ ને વૈશાખ, ચોમાસું અને શિયાળો બેઠાં. ‘પણ’ વિસ્તરતું ગયું. ‘પણ’ ના આ વધતા વિસ્તારની સાબિતીરૂપે મોમ અને સોમ અંકલ રાત સુધી કૉફીના મોટા મગ ભરી દરિયા તરફ પડતી ફ્રેન્ચ વિન્ડોની પાળી પર ક્યાંય સુધી વાતો કરતાં બેસતાં. રજાના દિવસે સોમ અંકલ તેમની સાથે લંચ લેતા. મોમ મેક્સિકન વાનગીઓ બનાવતી. ઘણી વાર સોમ અંકલ ઈશા સાથે વાતો કરવાનો પ્રયત્ન કરતા પણ ઈશા ખાસ રસ ન બતાવતી. મોડી બપોરે મોમ અંકલને તેમની કાર સુધી વળાવવા જતાં અને કોઈ ગીત ગણગણતાં પાછાં ફરતાં, ત્યારે જો ઈશા સામે મળી જાય તો તેને ચૂમીઓથી નવડાવી દેતાં ! ઈશા મોમની ચુંગાલમાંથી છૂટી અકળાઈને કહેતી, ‘પ્લીઝ મોમ, હવે હું કાંઈ નાની નથી, કોઈ જોશે તો શું કહેશે !’ ઘણી વાર ઈશાને થતું : ‘મોમ આમ કેમ બીહેવ કરે છે ?’ મોમની આવી વર્તણૂકમાં નવી શક્યતાઓ ઊભરાઈ રહી હતી. શક્યતાઓ હવે અણઘડ નહોતી રહી. તેણે હવે એક ચોક્કસ રૂપ ધારણ કર્યું હતું. ઘણી વાર ઈશાએ આ શક્યતાઓને આકાર લેતાં જોઈ હતી. મોમનો હાથ પકડી સોમ અંકલ પલાશના ઝાડ નીચેની ગાર્ડનચેરમાં બેસતા ત્યારે ઈશા દાઝી ઊઠતી, આવા સમયે તે પોતાની જાતને બિલકુલ અસહાય અનુભવતી. તે તરત જ ત્યાંથી ખસી ડેડના ફોટા પાસે જતી, ડેડ હમણાં જાણે ફોટામાંથી હાથ લાંબો કરી તેના ખભે મૂકશે અને હસીને તેને બોલાવશે, પરંતુ આમાંનું કશું જ ન બનતાં ઈશા એકલતાની ભીંસમાં પિસાઈ જતી. શક્યતાઓમાં રહેલું નાનુંસરખું, ટપકા જેટલું આવરણ પણ તે દિવસે ખસી ગયું.

માવઠું થયું હતું, અણધાર્યું તો ન કહેવાય, કેટલાય દિવસથી આકાશ વાદળિયું થઈ ગયું હતું. પડવી જોઈએ એવી ઠંડી પડતી નહોતી. માવઠું થશે તેનો અણસાર વર્તાતો હતો. ઈશાએ ડ્રોઈંગરૂમની કાચની બારી ખોલી. ઝીણો-ઝીણો વરસાદ પડી રહ્યો હતો, આકાશમાંથી પડતા ફોરા ઝાડની ડાળીઓ પર ઝિલાઈ જમીન પર ખરેલાં પાંદડાં પર પડતા ટપ-ટપ અવાજ સતત આવી રહ્યો હતો. સુકાયેલાં પીળાં પાંદડાં પર પડતો વરસાદ અજુગતો લાગતો હતો. દૂર સુધી બધું જ ધૂંધળું દેખાતું હતું. મોમ ટીવી પર નેશનલ જોગ્રોફી પર આવતો કોઈ પ્રોગ્રામ જોઈ રહ્યાં હતાં. તે ક્યારે ઊઠીને ઈશા પાસે આવ્યાં તેની ખબર ઈશાને ન રહી. ‘ઈશા, શું ધાર્યું છે તેં આટલી ઠંડી અને વરસાદમાં બારી ખોલીને ઊભી છો, માંદા પડવું છે કે શું ? શિયાળાનું આ માવઠું જ ખોટું.’ બોલતાં મોમે બારી બંધ કરી. ઈશા બારી પાસેથી ખસી, સામેની સફેદ દીવાલને તાકતી રહી. એક સમયે ત્યાં ખીંટી પર તેનો, મોમનો અને ડેડનો ફોટો લટકતો હતો. તેણે જ ઉતારી ટેબલના ખાનામાં મૂક્યો હતો. મોમની નજર એ તરફ ગઈ નહોતી, અથવા તો મોમ જાણીને અજાણ્યાં બની રહ્યાં હતાં. વરસાદ બંધ પડ્યો હતો. ઈશાનું મન અચાનક એક ખાલીપણાથી ભરાઈ આવ્યું. તેણે મોમને પૂછ્યું : ‘મોમ, હું બ્રિન્દાને ત્યાં જાઉં ?’
‘અત્યારે વરસાદમાં ?’
‘વરસાદ હવે ક્યાં પડે છે અને મારે હિસ્ટરીનું લેસન લેવાનું છે.’
મોમે એક નજર ઈશા પર નાખી કહ્યું : ‘સારું જા, સ્વેટર અને છત્રી લેતી જજે. ઠંડી લાગશે. તું કહે તો વિજયને સાથે મોકલું ?’
‘ના એની જરૂર નથી.’ કહી ઈશા બ્રિન્દાને ત્યાં જવા તૈયાર થઈ. હમણાં જ વરસાદ પડ્યો હતો અને ઠંડો પવન વાતો હોવાને કારણે વાતાવરણ ઠંડું લાગતું હતું. થોડી થોડી વારે પવન ઝાડની ડાળીઓ પર ઝિલાયેલા વરસાદના ફોરાનો છંટકાવ કરતો રહેતો હતો. ઈશાએ અદબવાળી લીધી. તે બ્રિન્દાને ત્યાં પહોંચી ત્યારે બ્રિન્દા નોટો અને પુસ્તકો પરથી જૂનાં પૂઠાં કાઢી નવા પૂઠાં ચડાવી રહી હતી. જે શાંતિથી તે આ કામ કરી રહી હતી તે જોઈને ઈશાને સહેજ ઈર્ષા આવી. બ્રિન્દા પૂઠાં ચઢાવવાનું કામ બાજુ પર મૂકી ઈશા સાથે વાતે વળગી, વાત વાતમાં બ્રિન્દાએ સાવ સ્વાભાવિક રીતે તેને પૂછ્યું : ‘ઈશા તને ખબર છે, આપણાં હિસ્ટરી મિસ અને ચિત્રે સરને અફેર છે !’ પછી સાવ ધીમા અવાજે અચકાતાં જિગ્સો પઝલની જેમ સવાલ અડધો છોડ્યો હતો, ‘તારા મોમને કોઈની સાથે અફેર…’ બ્રિન્દાને ત્યાંથી પાછા ફરતાં ઈશાને છાતીમાં ડૂમો બાઝી ગયો, શરમની મારી તે કશું જ બોલી શકી નહોતી. તે ક્યાંય સુધી રસ્તા પર અલ્પવિરામ જેવા લાઈટના થાંભલાને વટાવવાની કોશિશ કરતી, આમતેમ રખડતી રહી હતી. તેના શરીરને અત્યારે થાક, વરસાદ, ઠંડી, જાણે કશું અસર કરી રહ્યું નહોતું. મોમ, બ્રિન્દા, ઘર, શાળા કોઈ તેનું નહોતું. એ સાવ એકલી હતી, એને ક્યાંક જતા રહેવું હતું – હંમેશ માટે, જ્યાંથી તે ડેડીની માફક ક્યારેય પાછી ફરી ન શકે. મનમાં અફળાતા સવાલને ચોપાટ પર નાખવાની અધીરાઈ ઈશાને ઘર તરફ ખેંચી લાવી, મોમ કિચનમાં ચૉપિંગ બોર્ડ પર કાંદા કાપી રહ્યાં હતાં. મોમે તેનું હસીને સ્વાગત કર્યું.
‘આવી ગઈ દીકરા, બ્રિન્દા કેમ છે ?’ ઈશા જવાબમાં કિચન ટેબલની ધાર પર બન્ને પગ લટકાવી અધૂકડું બેઠી, પછી રમત કરતી હોય તેમ પાસે પડેલી પ્લેટમાંથી એક સફરજન હાથમાં લઈ, મોમે કાપેલા કાંદાવાળી છરીથી સફરજન પર ચીરો મૂક્યો. ‘હાં, હાં ઈશા ફ્રૂટ કાપવાની છરી લે નહીં તો સફરજનમાં કાંદાની વાસ આવશે.’

મોમે ઈશાના હાથમાંથી છરી લેતાં કહ્યું. આટલી ઠંડીમાં ઈશાને કપાળ પર પરસેવો થવા લાગ્યો, મોમની વાત સાંભળી જ ન હોય તેમ મોમની સામે જોયા વગર બોલી, ‘મોમ, અફેર એટલે શું ?’ એક ક્ષણ માટે મોમ સ્થિર થઈ ગયાં. મોમના ચહેરા પર જડાયેલું સ્મિત ધીમે ધીમે ઓગળી ગયું, પરંતુ મોમે તરત જ જાતને સંભાળી લીધી. વીતી ગયેલી એ ક્ષણની પળેપળમાં કંઈ કેટલાય જવાબો હતા, પરંતુ પાણીનું આ ઝરણું સમથળ જમીન શોધી રહ્યું હતું, જ્યારે તેને આવી કોઈ જમીન મળી રહેશે ત્યારે આપોઆપ યોગ્ય દિશાએ વળી જશે અને બધી તાણનો અંત આવશે. મોમે હસીને ઈશાના ખભા પર હાથ મૂક્યો, મોમના ધોયેલા વાળમાંથી આવતી સુગંધ ઈશાને સ્પર્શી ગઈ. મોમના ચહેરા પર પડતી સીધી લાઈટથી તેમનો ચહેરો ચમકી રહ્યો હતો. ‘ઈશા તને થાક લાગ્યો છે, આવી ઠંડીમાં બહાર ફરવાથી આમ જ થાય. તું તારા રૂમમાં જા હું તારા માટે જમવાનું લઈને આવું છું.’ ઈશાને મોમના ખભા પર માથું ઢાળી દઈ કહેવું હતું : ‘મોમ કહી દો કે આ બધું જ ખોટું છે, ડેડી હજુ પણ આપણી વચ્ચે જીવી રહ્યા છે. ડેડ, તમે અને હું આપણા ત્રણની વચ્ચે ચોથું કોઈ જ નથી.’ તેણે પૂછેલા સવાલની મોમે આવી રીતે અવગણના કરી આથી ઈશાને સહેજ ખરાબ લાગ્યું. તે ઊઠીને તેના રૂમમાં ગઈ. મોમનો કોઈ પ્રતિભાવ નહોતો. જે સવાલનો જવાબ તે શોધી રહી હતી તેનો કોઈ જવાબ નહોતો અથવા તો કોઈ સવાલ જ નહોતો. જે હોય તે, ઈશા જરા હળવી બની. પાસેના ટેબલ પર પડેલાં કોમિક વાંચવામાં મશગૂલ બની ગઈ.

પરંતુ રહી, રહીને મર્મ પર ઘા કરતી ડેડની સ્મૃતિઓની વણજારને આજે પાંખો ફૂટી હતી. એકલતા પતંગિયાની જેમ પાંખો ફફડાવી રહી હતી. પલાશના વૃક્ષનો ફરી ખોળો ભરાયો હતો. ઝીણી કેસરી ઝાંયવાળી કળીઓ ઊગી નીકળી હતી. સ્વાર્થી પ્રકૃતિને નવસર્જનની અભિલાષા હતી. નવી જ ઉત્ક્રાંતિ થઈ રહી હતી. ડરનું કવચ પહેરીને આવેલો વિષાદ સ્મરણોની પરતને ખોતરવા લાગ્યો. મોમ સાથેની વાતના અંત ઉપરાંત અહીં-તહીં વેરાયેલા સંદેહના કણો ઈશા એકઠા કરી રહી. કશુંક ખૂટતું હતું, ખટકતું હતું. અનુસંધાન ક્યાંય મળતું નહોતું. ડેડીનો વિયોગ હવે રોગ બનતો જતો હતો. શીઘ્ર ગતિવાળું વહેણ ઈશાને દૂર ઘસડી રહ્યું હતું. ઈશા કિનારે પહોંચવા મથી રહી હતી. પહોંચી પણ જતી, પરંતુ કિનારાની રેતી પર આંગળીઓની થાપ મૂકી ન મૂકી ત્યાં તો પ્રચંડ પ્રવાહ પાછો તેને તાણી જતો. ક્યાં જવું ? શું કરવું ? કોને કહેવું ? ઉત્તર વગરના આ અસહ્ય સવાલો તેના આત્માને ડહોળી નાખતા હતા.

આખેઆખો દરિયો પીને ચંદ્ર આકાશમાં ઊગી નીકળ્યો હતો. ભૂલું પડેલું એક ચાંદરણું, ઓરડાના તિમિરને અજવાળવું કે બહારના નીલા પ્રકાશમાં ભળી જવુંના અસમંજસમાં બારીએ આવીને અટકી ગયું હતું. ધીમે-ધીમે કપાતા જતા ચંદ્રને ઈશા ક્યાંય સુધી નીરખી રહી. સવારે જરા મોડું ઉઠાયું ! દિવસના બાર કલાકનો ભાર ઉપાડી ઈશા શાળાએ જવા તૈયાર થઈ, ભણવામાં મન ચોંટતું નહોતું. પ્રયત્ન કરી ઈશા સાંજ સુધી શાળામાં બેસી રહી. છેલ્લા તાસમાં માથું દુ:ખે છે તેમ જણાવી શાળામાંથી મુક્તિ મેળવી ઘરે પાછી ફરી ત્યારે મોમ હજુ આવ્યાં નહોતાં, વિજય તેના કામમાં વ્યસત હતો. ઈશા તેના ઓરડામાં જઈ રહી હતી ત્યાં તેણે મોમના રૂમનો દરવાજો અધખૂલો જોયો. ઈશાને નવાઈ લાગી, તેણે હળવેથી દરવાજો આખો ખોલી નાખ્યો. ઈશા આભી બની ગઈ. હંમેશાં સાફ રહેતો મોમનો ઓરડો આજે સાવ અવ્યવસ્થિત હતો. બંધ બારીઓ પર તણાયેલા પડદા, ચોળાયેલી ચાદર પર ઊંધું પડેલું પુસ્તક, અડધી પિવાયેલી કૉફીના બે મગ, પ્લેટમાં નહીં ખવાયેલાં ઓલિવ અને ફ્રેકર્સ, ફેંદાયેલું સી.ડી.નું રેક, તાજાં જ ગુલાબનાં ફૂલ ગોઠવેલા પોટ નીચે દબાવેલું ‘આઈ લવ યુ’ નું કાર્ડ ! થોડી વેળા પહેલાં જ છંટાયેલા મોમના પરફ્યુમની સુવાસથી મઘમઘી ઊઠેલો ઓરડો, ઓરડાની મધ્યમાં પીળા સાપની ઉતારેલી કાંચળીની જેમ ગૂંચળું વળીને પડેલી મોમની સાડી કશીક ચાડી ખાઈ રહી હતી, જેનું રહસ્ય સ્ફુટ છતાં અસ્ફુટ. પળ વાર ઈશાની જાણે બધી જ શક્તિ હણાઈ ગઈ, તેનું શરીર આખું કાંપતું હતું. તે મોમના બેડ પર બેસી પડી.

મોમ, મોમનો આ ઓરડો, ડેડીનું તેનાથી હંમેશ માટે દૂર ચાલ્યા જવું, સોમ અંકલ, મોમનું બેહૂદું વર્તન, બધું જ વાહિયાત, કૃત્રિમ ન માની શકાય તેવું, એક દુ:સ્વપ્ન અને વાસ્તવિકતા વચ્ચે વહેતું ગંદુ નાળું, જેમાં ફદફદી ગયેલો સમય તર્યા કરતો હતો. ઈશા જાણે એકાએક દસ વર્ષ મોટી થઈ ગઈ. તેણે જાતને બળજબરીપૂર્વક ઊભી કરી. બારી પાસે જઈ પડદા ખોલ્યા. વાતાવરણમાં કોઈક યોગીની જેમ સંધ્યા ઊગ્યા વગરના અસ્ત પામતા સૂર્યને વિદાય આપી રહી હતી, નરી શાંત અને નિ:શબ્દ નીરવતાએ ઈશાના બેચેન મનને જરા શાંત કર્યું. મોમનો આખોય ઓરડો જેમ હતો તેમ ગોઠવ્યો અને એક નજર ઓરડા પર નાખી. ફરી એક વાર બધું જ પહેલાં જેવું વ્યવસ્થિત દેખાતું હતું. ઈશાએ તેના બન્ને હોઠ સજ્જડ ભીડી દીધા અને વિજયને હાક મારી બોલાવ્યો. વિજય પાસે તેણે વૉર્ડરોબ પર મુકાયેલી ટ્રંક ઉતારાવી. વિજય ના-ના કહેતો રહ્યો, પણ ઈશાની હઠ સામે તેનું કશું ન ચાલ્યું. વિજયને વિદાય કરી ઈશાએ ટ્રંક ખોલી. ડેડીનું શર્ટ, ટાઈ, ચશ્માં, ઘડિયાળ, અડધી પિવાયેલી સિગાર, પેન, જાદુગરની પેટીમાંથી ડેડ હસતાં-હસતાં બહાર આવી રહ્યા હતા. ત્યાં જ મોમનો પગરવ સંભળાયો.
‘વિજય, ઈશા આવી ગઈ ?’
‘હા, આજે તો બહેન વહેલાં જ આવી ગયાં છે, તમારા રૂમમાં બેઠાં છે.’
‘એમ, તો હું પણ ત્યાં જ જાઉં છું.’
મોમ ખુશ જણાતાં હતાં. ‘ઈશા, તું વહેલી આવી ગઈ, તબિયત તો સારી છે ને ?’ કહેતાં મોમ ઓરડામાં પ્રવેશતાં જ ખળભળેલો ભૂતકાળ ખડિંગ કરતો સામે આવીને ઊભો રહ્યો. શરીરના માપ કરતાં ઘણું પહોળું શર્ટ, હાથ પર લબડતી શર્ટની બાંયો, કોલર પર બાંધ્યા વગરની લટકતી ટાઈ. નાકની દાંડી પર ઝૂલી રહેલાં ચશ્માં અને આંગળીઓની વચ્ચે પકડેલી સિગાર… જેટલો આઘાત ઈશાને લાગ્યો હતો તેનાથી અનેક ઘણો આઘાત મોમના ચહેરા પર વંચાતો હતો. ધીમે ધીમે બે આંખોના ઊંડાણમાંથી દડી પડેલાં આંસુઓએ મૌનનો એ વણલખ્યો નિયમ તોડી નાખ્યો. ઘણી વાર સુધી મોમ ઈશાનો હાથ પકડી બેસી રહ્યાં. ‘ઈશા, કદાચ તારી નજરમાં હું ગુનેગાર છું, એવું નથી કે ડેડને હું ભૂલી ગઈ છું, મારા અંતરનો એક ખૂણો સાવ થીજી ગયો છે, જ્યાં હવે કશું જ ઊગી શકે તેમ નથી પરંતુ….’ ઈશાને મૂંઝારો થઈ આવ્યો. તેને ઘૃણા, ચીતરી, ગુસ્સો બધું એકી સાથે આવી રહ્યું હતું. ‘પરંતુ શું ? મોમ ?’ તેણે તેનો હાથ મોમના હાથમાંથી છોડાવી લીધો, અને તે ઊભી થઈ ગઈ. મોમથી એક દીર્ઘ નિસાસો નખાઈ ગયો.

નાનીમાનું ઘર દીવો બળે એટલે જ હતું. સમુદ્રદ્વીપની જેમ ટેકરીઓથી રક્ષાયેલું. શાળાની રજાઓમાં ઈશાને આ અડધા શહેર અને અડધા ગામની લટાર મારવાનું ગમતું, પરંતુ અત્યારે ઝુરાપો વેઠી રહેલી તેની આંખોને કશું જ આકર્ષી શક્યું નહોતું. ઈશા આ સૂની ગલીઓમાં કશા જ કારણ વિના ઘૂમી રહી હતી. ગલીની ધારે ઊંચી, નીચી જમીન પર ઢસડાતી ઈયળની જેમ. થોડા, લગભગ વસવાટ વગરનાં એકસરખાં મકાનોની પરસાળમાં જામેલી ધૂળ તડકામાં ચમકી રહી હતી. લાંબી ગલીના અંતે, ગલીને અડોઅડ ખૂંધની જેમ નીકળી આવેલું મકાન, દૂર ક્ષિતિજના રંગોનું અનુકરણ કરી રહ્યું હતું. મેદાનમાં કેટલાક છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા. અંત વગરની મુસાફરીથી થાકેલી ઈશા પોતાનાં પગલાંને અનુસરતી એ તરફ વળી. અચાનક ઉનાળાની શાંત બપોરને વીંધી નાખતા ‘આઉટ, આઉટ’ ના શબ્દો કાને પડતાં ઈશાએ દષ્ટિ ઊંચકી. હવામાં અદ્ધર વીંઝાયેલા બેટ પાછળથી બે આંખો સીધી તેના ચહેરા પર મંડાઈ હતી. નજર મળતાં જ પિંડ વહેરાયો ! ઝુરાપો ઝટ દઈને ખરી પડ્યો ! લીલા વાંસ પર ઝૂલતું પંખીનું ઝુંડ ફડફડ કરતું આકાશમાં વિખેરાયું. હૈયામાં સામટો ઉછાળ આવ્યો, શરીર આખું રોમાંચિત થઈ ઊઠ્યું, કશુંક મુલાયમ, મૃદુ અંકુરિત પામ્યું. સાવ સામાન્ય બનાવ, કશું બદલાયું નહોતું. એ જ મેદાન, એ જ મકાનો, અને એ જ ગલીઓ, પરંતુ બધું જ નવેસરથી સોનેરી તડકામાં નાહી રહ્યું ! આનંદિત ઈશા આગળ વધી ગઈ. નાનીમાનું ઘર ક્યારે આવી ગયું તેની જાણ જ ન રહી. ઘરે પહોંચતાં જ ઈશાએ મોમને ફોન જોડ્યો. લાંબી વાતચીત પછી સહેજ ખચકાતાં પૂછ્યું : ‘મોમ, સોમ અંકલ કેમ છે ?’

[ તંત્રીનોંધ : કેટલાક વાચકોને પહેલી નજરે વાર્તાનો ભાવાર્થ કદાચ ન સમજાય તેવું બની શકે. બાળપણથી કિશોરાવસ્થા દરમિયાન અનુભવાતા સ્પંદનોની આ એક સુંદર વાર્તા છે. પિતાના અકાળે મૃત્યુનું દુ:ખ ઈશા સહન કરી શકતી નથી. અમુક તબક્કે તે માનવા જ તૈયાર નથી કે પિતા હયાત નથી. ઈશાની માતા એ દુ:ખને સમજે છે, પણ તે સાથે સમય વીતતાં તેને ભૂલીને જીવનની સહજ ગતિનો સ્વીકાર કરીને તેને અપનાવી જાણે છે. દીકરી એ માટે જલ્દીથી માનસિક રીતે તૈયાર નથી થઈ શકતી. માટે તે પોતાની માતા સાથે અન્ય કોઈને સ્વીકારી નથી શકતી. વ્યક્તિ તરફનું કુદરતી આકર્ષણ, નૈસર્ગિક જરૂરિયાતો, પ્રેમ, હૂંફ, આત્મીયતા અને જીવનપથ પર યોગ્ય વ્યક્તિનો સાથ મેળવીને આગળ ધપવાનું ‘મોમ’ માટે સહજ છે જ્યારે ઈશાની નજરોમાં તે ગુનાહિત પ્રવૃત્તિ છે. વાર્તાના અંત સુધી ઈશા તે સ્વીકારી નથી શકતી અને ‘મોમ’ સંકોચવશ તેને સમજાવી નથી શકતી ! છેલ્લે જ્યારે યુવાઅવસ્થાના ઉંબરે ઊભેલી ઈશા ‘…..હવામાં અદ્ધર વીંઝાયેલા બેટ પાછળથી બે આંખો સીધી તેના ચહેરા પર મંડાઈ હતી. નજર મળતાં જ પિંડ વહેરાયો !….’ પ્રથમવાર કોઈ યુવક સાથે પ્રેમપૂર્ણ નજરે આંખ મેળવે છે ત્યારે તેને સઘળું આપોઆપ સમજાઈ જાય છે. ‘મોમ, સોમ અંકલ કેમ છે ?’ નો સંવાદ ઈશાની સ્વીકૃતિ સૂચવે છે. આમ, અહીં પરિપક્વતા તરફ ગતિ કરતા યુવામાનસને આલેખવાનો લેખિકાનો પ્રયાસ હોય તેમ જણાય છે. ]