વકીલ વીફર્યો – દામુ સાંગાણી
હું વહેલામાં વહેલી તકે કોઈપણ એક વકીલને રોકવા માગતો હતો. મારા મનમાં હતું કે શું કરું ને શું ન કરું ? મેં ઉશ્કેરાટભરી સ્થિતિમાં ફોફલીઆ વકીલની ઑફિસમાં પ્રવેશ કર્યો. ‘વકીલ સાહેબ ! વકીલ સાહેબ !’ એમ બોલતાં હું ટેબલ સુધી ધસી ગયો. પણ ખુરશીમાં વકીલસાહેબનો કોટ પડ્યો હતો, એ પોતે ક્યાં પડ્યા છે એ જોવા માટે મેં ચારે તરફ દષ્તિપાત કર્યો. તરત મને ખ્યાલ આવ્યો કે અંદરના ભાગમાં વકીલસાહેબનું ઘર છે. ફરી વાર હું ‘વકીલ સાહેબ ! વકીલ સાહેબ !’ બોલતો અંદરના ભાગમાં જવા માટે બારણા તરફ ધસ્યો. ત્યાં તો ફોફલીઆ વકીલ પોતે જ અંદરથી ધસી આવી, સામસામી બે મોટર અથડાય એમ મારી સાથે અથડાયા.
‘ઓહ ! વાગ્યું ?’ ફોફલીઆ વકીલ ટેબલ પકડી લેતાં બોલ્યા.
‘ના, સાહેબ, તમને વાગ્યું ?’ મેં પણ પૂછ્યું.
‘હા’, કહી ફોફલીઆ વકીલે મારા પર જાણે એક કાયદાભરી નજર ફેંકી. એ ખુરશીમાં બેઠા એટલે હું તરત જ બોલી ઊઠ્યો : ‘સાહેબ ! સાહેબ ! હું તમને રોકવા માગું છું. હું કંઈ કરી નાખવા માગું છું. હું બદલો લેવા માગું છું. સાહેબ, તમે મારા શરીર પર હાથ મૂકી જુઓ… હું પગથી માથા સુધી તપી ઊઠ્યો છું કે નહીં ?’
ફોફલીઆ વકીલની આંખમાં ચમક આવી ગઈ. એ મને ડબલ આશ્ચર્યથી જોઈ રહ્યા. મારા કપાળ ઉપર હાથ મૂકી બોલ્યા : ‘ધેટ્સ રાઈટ, તમે તપી ઊઠ્યા છો. શું તમે કોઈનું ખૂન કરીને આવ્યા છો ?’
‘નહીં, નહીં, વકીલ સાહેબ, હું એક છોકરી પર કેસ કરવા માગું છું.’ મેં ગુસ્સામાં ટેબલ ઉપર હાથ પછાડ્યો. ફોફલીઆ વકીલે ટેબલ ઉપર પડેલું પેપર વેઈટ ઉપાડી ટેબલના ખાનામાં મૂકી દીધું. મને ખુરશીમાં બેસવાનું કહ્યું પણ મેં કહ્યું કે હું અત્યારે એટલો બધો અસ્વસ્થ છું, મારું ચિત્તતંત્ર એટલું બધું ઉશ્કેરાયેલું છે કે હું ખુરશીમાં નહીં બેસી શકું. ફોફલીઆ વકીલે મને ટેબલ ઉપર બેસવાનું કહ્યું…. મને ટેબલ ઉપર બેસવાનું કહેતા જોઈ તરત મને શંકા ઉપજી કે, જો હું ટેબલ ઉપર નહીં બેસું તો એ મને કદાચ એના માથા પર બેસવાનું કહેશે…. આમેય ફોફલીઆ વકીલની મુખાકૃતિ જોતાં જ મને લાગ્યું કે આ કોઈ કાયદાનો ભંગ કરીને જ વકીલ થયો હોવો જોઈએ. વળી એના નાકના ‘મેઈન ડોર’ આગળ એક બે માખીઓ ઊડતી જોઈ એથી મને ખાતરી થઈ કે એ લાંબા ગાળાથી એકાદ અસીલની શોધમાં હોવો જોઈએ. હું એની સામે ખુરશીમાં બેસી જઈ બોલ્યો :
‘વકીલસાહેબ, હું આજે જ – અત્યારે જ એક છોકરી પર કેસ કરવા માગું છું.’
‘હા, હા, જલદી બોલો કેવો કેસ કરવો છે ?’
‘ક્રીમીનલ ! ક્રીમીનલ !’ હું જોરથી બરાડી ઊઠ્યો.
વકીલસાહેબે કહ્યું : ‘ડંકા વાગે છે. ક્રીમીનલનો એક પણ કેસ હજી સુધી હાર્યો નથી… વારુ જલદી બોલો એ છોકરીએ તમને શું કર્યું ?’
‘મને ચંપલ માર્યું.’
‘ચંપલ માર્યું ? તો શું એ ખરેખર છોકરી હતી ?’
‘હા, પણ છોકરી એટલે બે ફૂટ જેવડી બેબી નહીં….. એ અઢાર વરસની યુવતી છે.’
‘અઢાર વરસની યુવતી છે ? એટલે શું એણે તમને અઢાર ચંપલ માર્યાં ?’
‘ના સાહેબ ના. એણે મને એક જ ચંપલ માર્યું છે.’
‘ભલે એણે તમને એક ચંપલ માર્યું પણ તમારે તો એમ જ કહેવું કે અઢાર ચંપલ માર્યા…. વારુ, તમારા માથામાંથી લોહી નીકળ્યું હતું ?’
‘લોહી નથી નીકળ્યું.’
‘ઓહ ! લોહી નીકળ્યું હોત, હોસ્પિટલમાં જવું પડ્યું હોત તો રંગ આવી જાત. એ છોકરીના દાંત ખાટા થઈ જાત… વારુ એ છોકરીએ તમને ચંપલ શા માટે માર્યું ?’
‘એના હાથમાં ડંડો નહોતો એટલે ચંપલ માર્યું.’
‘કંઈ વાંધો નહીં. એ છોકરીએ તમને ડંડો ન મારતાં ચંપલ માર્યું તો પણ એના પર મજબૂત ક્રીમીનલ કેસ થઈ શકશે. હવે એમ જ માનો કે મારા હાથમાં તમારો કેસ મજબૂત છે. અરે એટલો મજબૂત છે કે એ છોકરી વધુ ઉશ્કેરાઈને તમને ડંડો મારશે ને અંતે જેલમાં જશે. આજકાલની છોકરીઓ બેફામ બની ગઈ છે. જાહેર રસ્તા પર કોઈ પણ છોકરાને ચંપલથી ટીપી નાખવો એ તો એને મન એક પ્રકારનું મનોરંજન થઈ પડ્યું છે. એવી છોકરી પર કેસ કરવાની કોઈ હિંમત કરી શકતું નથી. તમે જ હિંમત કરી છે. હું એ છોકરીને ચંપલ પહેરતી ભૂલવી દઈશ.’
‘સાહેબ, હું એટલું જ ઈચ્છું છું કે એ છોકરીને કંઈક પણ સજા થવી જોઈએ.’
‘અરે તમે જો જો તો ખરા, આપણે કેસને બરાબર ચગાવીશું. એની માને પણ સજા થશે.’
‘એમાં એની મા નિર્દોષ છે.’
‘અરે નિર્દોષ-દોષિટની વાત જ ભૂલી જાવ. તમે જો જો તો ખરા, હું કેવો રંગ લાવું છું ! આવો સનસનાટીભર્યો કેસ લડવા માટે હું તમારી પાસેથી ઓછામાં ઓછા બસો રૂપિયા લઈશ.’
‘હું સવા બસો આપીશ, સાહેબ !’
ફોફલીઆ વકીલના મોં ઉપર ઉત્સાહ છવાઈ ગયો. રાઉન્ડ ખુરશીમાં ચક્કર ફરી ગયા. એક ઊંડો શ્વાસ ખેંચી નાક ઉપર આંગળી ઘસી મને પૂછ્યું :
‘એ છોકરી કોઈને પરણેલી છે ?’
‘જી ના.’
‘કોઈ એ છોકરીને પરણેલું છે ?’
‘ના, એ કોઈને પરણી નથી. કોઈ એને પરણ્યું નથી.’
‘ધેટસ રાઈટ !… ત્યારે તો હું એ પણ સાબિત કરી બતાવીશ કે એ પરણી નથી એ જ બતાવી આપે છે કે એને ચંપલ મારવાની ટેવ છે અથવા તો એને ચંપલ મારવાની ટેવ છે માટે જ એ પરણી નથી. એની ઉંમર કેટલી ?’
‘સાહેબ, એ જ્યારે પાટલુન પહેરે છે ત્યારે વીસની લાગે છે, પંજાબી ડ્રેસ પહેરે છે ત્યારે સત્તરની લાગે છે, ફ્રોક પહેરે છે ત્યારે સોળની લાગે છે, ને ગુજરાતી ડ્રેસ પહેરે છે ત્યારે કંપલીટ એકવીસ વર્ષની લાગે છે.’
‘ઓહ… આઈ સી… તમને ક્યા ડ્રેસમાં ચંપલ માર્યું ?’
‘ગુજરાતી ડ્રેસમાં.’
‘શું એણે તમારા ઉપર આવો ‘એટેક’ પહેલી જ વાર કર્યો ?’
‘હા – પણ એ – છોકરીએ મને મૌખિક નોટિસ આપી છે કે આ વખતે ચંપલથી મારું છું પણ હવે પછી હોલબુટથી મારીશ.’
‘ઓહ ! ત્યાર તો તમારો આખો જાન જોખમાં છે… આહ ! વિચાર તો કરો જો એ છોકરી તમારા મોઢા ઉપર હોલબુટ મારે તો તમારા મોઢામાં કેટલા ખૂણા થઈ જાય ? સ્પષ્ટ દેખાય છે કે એ છોકરીનો પ્રાઈવેટ ઈરાદો તમને મહાવ્યથા પહોંચાડવાનો છે.’
ફોફલીઆ વકીલે આ નવી વાત પર પ્રકાશ પાડતાં હું વિજયી બન્યા જેટલો આનંદમાં બોલી ઊઠ્યો
‘સાહેબ ! સાહેબ ! તમે જ મારા કેસને બરાબર સમજી શક્યા છો. તમે જ એ છોકરીને સજા કરાવી શકશો. ને એ સજા પામેલી છોકરીને પછી પરણશે પણ કોણ ? પછી ભલે એ હાથમાં હોલબુટ લઈને ફર્યાં કરે….’
‘હવે મને જરા વિગતવાર સમજાવો. કેમ બન્યું ? શું બન્યું ?’
‘સાહેબ, એ છોકરી બહુ સુંદર છે.’
‘કેટલી સુંદર ?’
‘બહુ સુંદર.’
‘પીરિયડ ભરે છે ? પાસ થાય છે ?’
‘હા, પીરિયડ ભરે છે, પાસ થાય છે… પણ એ એટલી બધી સુંદર છે કે કોઈ કોઈ વાર પ્રોફેસર એની સામે જોઈ રહેતાં ભાન ભૂલી શેક્સપિયરનું નાટક સમજાવવાને બદલે અભિજ્ઞાન શકુંતલાનો પ્રણયભાવ વર્ણવી નાખે છે. કોઈ કોઈ વાર એની સામે જોઈ રહેતાં સબ્જેક્ટની આખી થિયરી ફેરવી નાખે છે….’ હું આગળ બોલ્યો, ‘હું પણ કૉલેજમાં છું. અમારી વચ્ચે વારંવાર એવું બન્યા કરે છે કે એ જ્યારે સાઈકલ પર કૉલેજમાં આવતી હોય છે ત્યારે હું પણ સાઈકલ પર હોઉં છું. દરવાજા આગળ અમે બંને સાથે થઈ જઈએ છીએ. સ્વાભાવિક રીતે જ અમારી આંખો એક થઈ જાય છે. એથી એ મારા પર ચિડાય છે…. હવે તમે જ કહો સાહેબ, કે દરવાજા આગળ અમારી સાઈકલ એક થઈ જાય એ કંઈ ગુનો છે ?’
‘નહીં, નહીં, નહીં… તમે જો તમારી સાઈકલ પરથી ‘હાઈજંપ’ કરી એની સાઈકલ પર બેસી જાવ તો જ ગુનો થાય !’
‘…. કેટલાક છોકરાઓ એની મશ્કરી કરે છે ને એને ‘એલચીદાણા’ કહે છે. એ છોકરી એમ માને છે કે હું જ એનાં એવાં નામ પાડું છું.’
‘અરે કંઈ વાંધો નહીં… એ છોકરી કદાચ કોર્ટમાં તમારા પર એવો આક્ષેપ કરે તો પણ તમારે ઊલટી જ વાત કહેવી. તમારે એમ જ કહેવું કે એ છોકરી બીજી ચાર પાંચ છોકરીઓ વચ્ચે મશ્કરીભર્યા અવાજે મને જાયફળ કહે છે. કોર્ટમાં બધું ખોટું જ બોલજો.’
‘પણ એ મને જાયફળ નથી કહેતી. એરંડો કહે છે. તાડનો ત્રીજો ભાગ કહે છે.’
‘ઓહ ! વેરી ગુડ ! વેરી ગુડ ! એમ જ કહેજો.’
‘… આજે એની સાઈકલ સાથે મારી સાઈકલ અથડાઈ….’
‘અથડાઈ !’ ફોફલીઆ વકીલ ખુરશીમાંથી ઊભા થઈ ગયા. હું પણ મારી ખુરશીમાંથી ઊભો થઈ ગયો. પછી એ બેસી જતા મોટા સાદે બોલ્યા : ‘ક્યાં અથડાઈ ?’
‘કૉલેજના દરવાજા આગળ.’ હું પણ ખુરશીમાં બેસી જતાં બોલ્યો : ‘અમે બંને સાઈકલ પરથી પડી ગયાં. તરત એ છોકરી ઊભી ગઈ.’
‘અને તમે ?’
‘હું પડ્યો રહ્યો.’
‘પછી ?’
‘મને એ સુંદર છોકરીએ દાંત કચકચાવીને ઓર્ડર કર્યો કે ઊભો થા.’
‘થયા ?’
‘ના. હું તો પડ્યા પડ્યા જ એના રોષે ભર્યા ચહેરાને જોઈ રહ્યો. તરત એણે પગમાંથી ચંપલ કાઢ્યું. પાજી, બદમાશ, નાલાયક એવા શબ્દો સંભળાવી મારા માથા ઉપર ચંપલ માર્યું. હવે તમે જ કહો મારે આ અપમાનનો બદલો લેવો કે નહીં ?’
‘લેવો, લેવો, બરાબર લેવો…. તમે જો જો તો ખરા, આ કૃત્ય કરવા બદલ હું એના પર કાયદાની કંઈક કલમો લગાડી દઈશ. એ છોકરી હવે સજામુક્ત નહીં રહે એ વિશે તમે બેફિકર રહેજો.’
‘સાહેબ, આમ તો હું એ છોકરી પ્રત્યે ખૂબ આકર્ષાયો હતો….’
‘એમ ? પણ કોઈ સુંદર છોકરી પ્રત્યે આકર્ષાવું એ ગુનો નથી. આકર્ષાવાની રીત ઘણી હોય છે પણ એથી કંઈ ગુનો નથી બનતો.’
‘મેં એકવાર એ છોકરીને એલચીદાણા કહ્યું હતું-’
‘એવી છોકરીને એલચીદાણા ન કહો તો બીજું કહો પણ શું ?’
‘સાહેબ, આમ તો એ સૌન્દર્યનો હેરતભર્યો પ્રસાદ છે… એના પ્રત્યે મારા હૃદયમાં શુદ્ધ પ્રેમ જાગ્યો હતો.’
‘પ્રેમ તો જાગે જ. પણ એથી કંઈ ગુનો જાગ્યો છે એમ તો ન જ કહી શકાય…. એ છોકરી અવિવાહિત છે એટલે તમારા હૃદયમાં પ્રેમ જાગ્યા પછી તમે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હોત તો પણ ગુનો ન બનત…. એણે ચંપલ માર્યું – અપશબ્દો કહ્યા એ જ ગુનો છે.’
‘પછી…. પછી…. મેં એકવાર એના દેખતાં નિસાસો નાખ્યો.’
‘નિસાસો એ તમારી અંગત મૂડી છે. તમે એના પર પથરો નાખ્યો હોય તો જ તમારો કેસ ઊડે… અને કદાચ એ એમ કહે તો પણ તમારે તો એમ જ કહેવું કે, એ છોકરી પોતે જ ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વિણાય નહીં એટલા નિસાસા નાખતી હતી.’
‘અને એક વખતે…. એક વખતે… એના હાથમાંથી રૂમાલ પડી ગયો; મેં તરત એ ઊંચકીને એના હાથમાં મૂક્યો ને એના હાથને ચૂમી લીધો. મેં એના પર પ્રેમપત્ર લખ્યો. બીજે દિવસે એણે એ પત્ર મારા દેખતાં ફાડી નાખ્યો. પછી સાહેબ, આખરે મેં જ એની સાઈકલ સાથે મારી સાઈકલ અથડાવી… મને ચંપલ માર્યું… બધાંનાં દેખતાં.. મને ખૂબ અપમાન લાગ્યું છે. જો હું કેસ નહીં કરું તો મારી આબરૂ જશે. મને તો એવો ભય છે કે કદાચ એ મારા પર કેસ કરશે…. તે પહેલાં હું જ કેસ કરવા માગું છું.’
‘કશો વાંધો નહીં…. કોર્ટમાં હું એ છોકરીના દાંત ખાટા કરી નાખીશ.’
મેં કોટના અંદરના ગજવામાંથી પુરાવા રૂપે એક બંડલ કાઢ્યું… મેં એ છોકરીનું ચંપલ પડાવી લીધું હતું. બંડલ છોડી એ ચંપલ ફોફલીઆ વકીલના હાથમાં મૂકતાં કહ્યું :
‘જુઓ સાહેબ, આ એનું ચંપલ.’
ફોફલીઆ વકીલ એ ચંપલને હાથમાં રાખી આમથી તેમ ફેરવતા નીરખી નીરખીને જોઈ રહ્યા….. એક ક્ષણમાં એનો ‘ફેઈસ’ ફરી ગયો. એના ચહેરા પર લોહી ધસી આવ્યું… જોરથી બૂમ પાડી : ‘લતા… ઓ લતા….’
હું વકીલસાહેબના આ પરિવર્તનથી સ્તબ્ધ થઈ ગયો. બૂમ સાંભળી અંદરથી એક છોકરી દોડી આવી. ઓહ…. એ તો એ જ હતી કે જેણે મને ચંપલ ફટકાર્યું હતું ને જેને મેં બરાબર પજવી હતી. હું સ્તબ્ધ થઈ ગયો. હું તરત સમજી ગયો કે આ યુવતી પોતે જ ફોફલીઆ વકીલની પુત્રી હતી. લતા મને જોતાં જ બોલી ઊથી : ‘પપ્પા ! પપ્પા ! એ હરામખોર આ પોતે જ….’
‘આ પોતે જ ?’ ફોફલીઆ વકીલ ત્રાડી ઊઠ્યા. મને કહ્યું : ‘પાજી, આ તો મારી પુત્રી છે…’
મારો શ્વાસ રૂંધાઈ ગયો. મેં બચાવ કરવાને બદલે મૂંગા રહી બારણા તરફ દષ્ટિ કરી, ત્યાં તો વકીલસાહેબના હાથમાં રહેલું ચંપલ મારા માથા પર પડ્યું. અવાજ થયો…. ભારે અવાજ થયો. લતા તરત દોડી જઈને વકીલસાહેબનો હોલબુટ લઈ આવી. મને એમ હતું કે એક જ પ્રહાર કરશે પણ એણે એકએકથી ચઢી જાય એવા ચાર પ્રહાર કર્યાં…. ઑફિસમાંથી ત્વરિત વેગે બહાર નીકળી જવા માટે મેં પીઠ ફેરવી…. તોય મારી પીઠ પર ફોફલીઆ વકીલે એક ચંપલ ફટકાર્યું. હું બહાર નીકળી ગયો…. ખૂબ આગળ નીકળી ગયો…. પણ મારા પગમાનું એક ચંપલ ફોફલીઆ વકીલની ઑફિસમાં રહી ગયું. મારી રૂમમાં પ્રવેશ્યો ત્યારે શ્વાસ માતો ન હતો. અંદર પેસતાં જ મિત્રે પૂછ્યું : ‘શું થયું ?’
મેં બારણું બંધ કરતાં કહ્યું : ‘વકીલ વીફર્યો !’
Print This Article
·
Save this article As PDF
ખુબજ સરસ લેખ.વકિલો પૈસા માટે ખોટા કેસ પણ લડી લેતા હોય છે. પણ જ્યારે વાત ઘરનિ
આવે ત્યારે જજ સાહેબને કોર્ટમા છોડિને પોતે જ ન્યાય તોળિ લેતા હોય છે. આ લેખ એકદમ સરળ શૈલિમા લખાયો છે. રહસ્યના પડળ જેમજેમ ખુલતા જાય તેમ હાસ્યનો ફુવારો છુટતો જાય છે.
સરસ હાસ્યસભર લેખ. આમ પણ વકિલો-દલીલો અને હાસ્ય વચ્ચે સીધો ને સટ્ટ સંબંધ છે. આ જુઓ લેખનુજ ઉદાહરણ્..
…………………………………….
એ છોકરી કોઈને પરણેલી છે ?’
‘જી ના.’
‘કોઈ એ છોકરીને પરણેલું છે ?’
‘ના, એ કોઈને પરણી નથી. કોઈ એને પરણ્યું નથી.’
……………………………………..
Too much hilarious!! I laughed like anything.
These were the best lines, as per my thinking
****************************
નિસાસો એ તમારી અંગત મૂડી છે. તમે એના પર પથરો નાખ્યો હોય તો જ તમારો કેસ ઊડે… અને કદાચ એ એમ કહે તો પણ તમારે તો એમ જ કહેવું કે, એ છોકરી પોતે જ ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વિણાય નહીં એટલા નિસાસા નાખતી હતી
****************************
I am also a practicing lawyer. This is mere story but in practice no advocate will talk in this manner.
good funny story
ખુબ સરસ વાર્તા છે.
બહુ સરસ છે. એકદ કુલ વર્તા લખી છે.
nice as well as effective story
શેરીક્રિકેટ ખેલાડીઓના મુખ્યત્વે ચાર પ્રકારો હોય છે : (1) હાફ સાઈઝ (2) ફૂલ સાઈઝ (3) પરચૂરણ (4) દૂધ-પૌંઆ. હાફ સાઈઝ ખેલાડીઓ ચડ્ડી પહેરતા હોય છે અને તેમને સચીન તેંડુલકર જેવા કિંગસાઈઝ ખેલાડી બનવાનાં સપનાં આવતાં હોય છે. ફૂલ સાઈઝ ખેલાડીઓ પેન્ટ, પાયજામો અથવા લુંગી પહેરતા હોય છે અને તેમને સચીન જેવા કિંગસાઈઝ ખેલાડીઓની કિંગસાઈઝ ભૂલો કાઢવાનો શોખ હોય છે. પરચુરણ ખેલાડીઓ સામાન્ય રીતે હરખપદુડા હોય છે એટલે તેમની હંમેશાં પદૂડી લેવાતી હોય છે. તેમનો ઉપયોગ ફિલ્ડિંગ ભરાવવામાં થતો હોય છે. જ્યારે દૂધ-પૌંઆ ખેલાડીઓની મોટી બહેનો દેખાવડી હોવાને કારણે તેમને ડબલ દાવ મળતા હોય છે.
બહુ સરસ છે.