શૂન્યાવકાશ – ડૉ. ચારૂતા એચ. ગણાત્રા

‘ઓહ ! આજે ફરી ઘરે પહોંચવામાં મોડું થઈ ગયું. શું કરું, બસ આજે ખૂબ મોડી મળી. ઘરે તો મહાભારતનું યુદ્ધ શરૂ થવાની તૈયારી હશે. અભિમન્યુ જેમ સાતમા કોઠામાં હણાયો તે રીતે હું પણ હમણાં બધાના વાકબાણોથી વિંધાઈ જઈશ.’ કાનન બસમાંથી ઊતરી અને ઝડપી ચાલે ઘરે જતી વખતે વિચારતી હતી. ઘરે પહોંચી તો…

અરે આટલી શાંતિ કેમ છે ? ઘરમાં બધા મારી હાજરી ભૂલી ગયા કે પછી આ તોફાન પહેલાંની શાંતિ છે ! હજી બે દિવસ પહેલાં તો મારા મમ્મી-પપ્પા, ભાઈ-ભાભીએ મને ખૂબ ધમકાવી હતી. અને આજે…
‘દાદી, ફૈબા આવી ગયાં….’ મારા ભત્રીજા દર્શિતે મને જોઈ બૂમ પાડીને કહ્યું. હું તો ફફડી ઊઠી. હવે શું થશે ?! આમ તો મમ્મી મને ખૂબ વ્હાલ કરતાં હતાં. પણ જ્યારથી તે ઘટના બની ત્યારથી…..
‘અરે, બેટા કાનન, આવી ગઈ ? આટલું મોડું થયું તો કંઈ તકલીફ તો નથી પડી ને ?’ ભાવનાબહેન – મમ્મી બોલ્યાં.
‘કાનનબહેન, જમવાનું પીરસું જ છું. તમારી આવવાની જ રાહ જોતા હતાં. સાથે જમવા બેસી જઈએ. હું ગરમ ભજીયાં તળું જ છું. તમે બધાં બેસતાં થાઓ.’ અચલાભાભી.
‘તારા કામકાજમાં તું થાકી જતી હોઈશ. તેમાં પણ બસમાં આવવા જવાની હાડમારી. તું એમ કર, હું તને આ રક્ષાબંધને સ્કૂટર ભેટ આપીશ. તને એ સ્કૂટર ખૂબ ઉપયોગી નીવડશે.’ પરાગભાઈ.

રક્ષાબંધનના તહેવાર વિશે તો હું બિલકુલ ભૂલી ગઈ હતી અને આ પરાગભાઈ, જેમણે મારી સાથેનો બહેન તરીકેનો સંબંધ તોડી નાખ્યો હતો તેમને રક્ષાબંધનનો તહેવાર યાદ રહ્યો ! ત્યાં તો પપ્પા પણ ‘મારી ડાહી દીકરી’ કહી મારા માથા પર વ્હાલથી હાથ ફેરવી ગયા.
‘કાનનબહેન, તમારા રૂમમાં જઈ ફ્રેશ થઈ જાઓ. ત્યાં સુધીમાં જમવાનું તૈયાર થઈ જશે.’ અચલાભાભી.
મારો રૂમ ! હું ભાભીની આ વાત સાંભળી આશ્ચર્ય પામી ગઈ. આ શહેરમાં આવ્યા પછી તો ક્યાં મારા રૂમ જેવું કંઈ રહ્યું જ હતું. એક રૂમ મમ્મી પપ્પાનો એક રૂમ ભાઈ-ભાભીનો એક ગેસ્ટ રૂમ અને એક દર્શિતનો રૂમ. જો કે દર્શિત તો ભાઈ-ભાભી પાસે જ સૂતો. મારા ભાગે તો રસોડું કે ઓસરી કે પછી ડ્રોઈંગરૂમ જ સૂવા-રહેવા માટે આવતા.
‘બેટા, દર્શિત તો હજી નાનો છે. તેની મમ્મી પાસે જ સૂવે છે. તો પછી તેના અલગ રૂમની અત્યારથી શું જરૂર ! એ રૂમ હવેથી તારો છે હોં.’ ભાવનાબહેન.

હજી મારું આશ્ચર્ય શમ્યું નહોતું. ‘મારા રૂમ’માં જઈ હું બેઠી. જોયું તો મારી પસંદગી પ્રમાણે જ બધી વસ્તુઓની ગોઠવણી હતી. મને તો એ ઘટના યાદ આવી ગઈ જ્યારે એ નાનકડા ગામમાં અમે રહેતાં હતાં.
‘ભાવનાબહેન, તમારી કાનનને સંભાળીને રાખતા જાઓ.’
‘કેમ શાંતામાસી, શું વાત છે ?’ : ભાવનાબહેન.
‘નદી કિનારે ઊભી ઊભી ખબર નહીં શું કરતી હોય છે ! આજે મારા તિલકને જોઈ કંઈક બબડતી હતી. તિલુને તો તાવ આવી ગયો. ડાક્ટર પાસે લઈ ગયા. માંડ બચ્યો છે. ખબર નહીં શું બબડી તિલુને જોઈને….’ શાંતામાસી ગુસ્સાથી બોલ્યાં અને ચાલ્યાં ગયાં. હસતી-રમતી કાનનને તે દિવસે ભાવનાબહેનના હાથનો માર ખાવો પડ્યો.
‘ખબરદાર જો ક્યારેય નદી કિનારે ગઈ છો તો ! અને ક્યારેય….’
‘મમ્મી હું કંઈ નહોતી કરતી. ત્યાં ફક્ત ઊભી હતી. તિલક ત્યાં આવ્યો અને રેતીમાં ઘર બનાવતો હતો. થોડીવારમાં શાંતામાસી ત્યાં આવ્યાં. તિલકને તાવ હતો તેથી ઘરે લઈ જવા આવ્યાં હતાં.’
‘અને તું તિલુને જોઈ કંઈક બબડી કેમ ?’
‘ના મમ્મી, હું તો ફક્ત ભગવાનને આંખ બંધ કરી પ્રાર્થના કરતી હતી કે તિલુને જલ્દી સાજો કરી દે, જેથી તે ફરીથી આમ જ હસતો ખેલતો રહે.’ અને ભાવનાબહેનનો ગુસ્સો થોડો શાંત પડ્યો. હવે તો કાનનને નદી કિનારે જવાની છૂટ નહોતી. બીજી આવી ઘટના ત્રણ-ચાર દિવસમાં જ બની.

‘પરાગભાઈ…. પરાગભાઈ…..’ મહેશ.
‘આવ આવ મહેશ. આજે તો તારી પરીક્ષા છે, કેમ ? ઓલ ધ બેસ્ટ’ પરાગભાઈ.
‘થેંક્યું પરાગભાઈ. તમારી શુભકામનાઓ મળી ગઈ એટલે હવે મને કોઈ ચિંતા નથી.’ મહેશ.
સાંજ પડે મહેશ લથડતા પગે ઘરે આવ્યો. પરાગભાઈ પણ મહેશના ઘરે હતા.
‘આવ આવ મહેશ. બોલ કેટલા ટકા આવશે ? પૂરા સો ટકા ને !’ પરાગભાઈ.
‘પરાગભાઈ, હું તો પાસ થાઉં તો પણ સારું.’ મહેશ.
‘એટલે ? તારી તૈયારી તો સારી હતી ને ! પછી શું થયું ?’
‘કાનન.’
‘કાનન !’ પરાગભાઈ આશ્ચર્યથી બોલ્યા.
‘મારું પરીક્ષા માટે તમારી શુભકામનાઓ મેળવવા તમારી ઘરે આવવું અને કાનનનું મને જોઈ કંઈક બબડવું… સહેલું પેપર પણ હું સારી રીતે ન લખી શક્યો.’ મહેશ હતાશ થઈને બોલ્યો. પરાગભાઈ તો ગુસ્સાથી લાલ પીળા થઈને ઘરે આવ્યા.
‘પરાગભાઈ, મહેશનું પેપર કેવું ગયું ? સારું ગયું છે ને !’ કાનને ઉત્સાહથી પૂછ્યું. પરાગભાઈએ ગુસ્સાથી કાનનને તમાચો મારી દીધો અને બોલ્યા : ‘શું ભુરકી નાખી હતી મહેશ પર ! એવી તે કેવી મેલી નજર છે તારી, અને શું બબડતી હતી મહેશની સામે જોઈને ?’
‘મેં તો મહેશની જવલંત સફળતા માટે પ્રાર્થના કરી હતી. હું શા માટે મહેશ માટે ખરાબ ઈચ્છું !’
‘મારી સામે મોટેથી બોલે છે ? ચાલ અંદર જા.’
‘ભાઈ, કાલે રક્ષાબંધન છે. મારે રાખડી લેવા જવું છે. મારી સાથે ચાલોને, પ્લીઝ !’
‘મારે તારી સાથે આવવું પણ નથી અને તારી પાસે રાખડી પણ નથી બંધાવવી. આપણો સંબંધ પૂરો !’

કાનન આઘાતથી બેભાન બની પડી જાત, જો તે દિવાલ પાસે ઊભી ન હોત. પહેલાં મમ્મીના અને હવે ભાઈના પ્રેમમાં ઓટ આવી ગઈ હતી. ભાઈ પ્રેમ ન રાખે તો પછી ભાભી પાસે એવી કોઈ આશા ન રહે. કાનન એકલી પડતી જતી હતી. મહેશની પરીક્ષાની ઘટના પછી તો ગામમાં પણ તેનું પોતાનું કોઈ નહોતું. ન કોઈ બહેનપણી જેની સાથે મનની વાત કરી શકાય. એકલતાભર્યા શૂન્યાવકાશના ભરડામાં તે ભીંસાતી જતી હતી. કાનન ઘરની બહાર પણ બહુ ઓછી નીકળતી. એ અરસામાં ગામમાં કોઈનાં લગ્ન હતાં. કાનન ત્યાંથી પસાર થઈ અને તેનાથી મનમાં બોલાઈ ગયું કે ‘ભગવાન નવદંપતિને ખુશ રાખે.’ કુદરતનું કરવું કે એ સાંજે જ જેનાં લગ્ન હતાં તે વિવેકનું નાનકડો એક્સીડેન્ટ થઈ ગયો અને લગ્ન થતાં હતાં તે સમયે ત્યાં કોઈ કાનનની હાજરીની ખબર લાવ્યું.

એ નાનકડા ગામમાં હવે કાનનની હાજરી કોઈને સ્વીકાર્ય નહોતી. કાનનના પિતા જગદીશભાઈ અને માતા ભાવનાબહેનને પંચાયતમાં બોલાવવામાં આવ્યાં.
‘જગદીશભાઈ, કાનનની હાજરી હવે આ ગામમાં શક્ય નથી.’ મુખી.
‘પણ કાનન તો બીચારી ઘરમાં જ રહે છે. હવે તો ઘરની બહાર પણ નથી નીકળતી.’ જગદીશભાઈ.
‘જગદીશભાઈ, તે ઘરની બહાર ન નીકળે તો પણ અમારા માટે સમસ્યારૂપ છે. કાનન હવે આ ગામમાં નહીં રહી શકે એ આ પંચનો નિર્ણય છે.’ મુખી.
‘કાનન બીચારી એકલી ક્યાં જશે ? આવું તો તેની સાથે થોડું કરી શકાય ?’ ભાવનાબહેન.
‘એ તમારી કાનન ‘બીચારી’ નથી. અમારા બધા માટે મોટી મુસીબત છે. તમે તેને એકલી મુકવા ન માગતા હો તો તમે બધાં પણ આ ગામ છોડી ચાલ્યાં જાઓ.’ શાંતામાસી.
‘આ શું કહો છો શાંતામાસી ? વર્ષોથી અમે જે ગામમાં રહ્યાં તે ગામ છોડીને….’ ભાવનાબહેન.
‘શાંતામાસી બરાબર જ કહે છે. તમારે બધાએ ગામ છોડી ચાલ્યા જવું જોઈએ.’ મહેશનાં મમ્મી.
‘સર્વે ગામ લોકોનો પણ એ જ મત છે જે અમારો મત છે. પંચના નિર્ણયને અનુસરી તમારે ગામ છોડવું જ પડશે. તમને બધી વ્યવસ્થા કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવે છે.’ મુખી.

અને ખરેખર એક અઠવાડિયા પછી કાનને તથા તેના પરિવારે ગામ છોડવું પડ્યું. નવા શહેરમાં આવ્યા પછી કાનન સાથે ઘરનું કોઈ વાત નહોતું કરતું. પરાગ કે અચલાભાભી બિલકુલ વાત ન કરતાં અને જગદીશભાઈ તથા ભાવનાબહેન થોડીઘણી વાત કરી લેતાં, પણ જરૂર પૂરતી.
‘પપ્પા ઘરે આખો વખત બેસીને મને કંટાળો આવે છે. ત…તમે હા પાડો તો હું નોકરી કરું.’
‘એટલે ફરી એ જ રામાયણ ! આ શહેરમાં માંડ સેટલ થયાં છીએ. હવે આ શહેર છોડવાની અમારી તૈયારી નથી.’ પરાગભાઈ તાડુક્યા.
‘હું ક્યારેય કોઈની સાથે વાત નહીં કરું. ઊંચી આંખ કરીને કોઈને જોઈશ પણ નહીં. મારા કારણે તમને કોઈ તકલીફ નહીં પડે.’ કાનન
‘પરાગ બેટા, એ કહે છે તો તેને નોકરી માટે જવા દે. કાનન ક્યાંય નોકરી માટે વાત કરી છે બેટા ?’ જગદીશભાઈ.
‘પપ્પા, એક કંપનીમાં ટાઈપીસ્ટની નોકરી છે. એ નોકરીમાં મારે ફકત જે ડેટા આપે તે ટાઈપ કરવાનો રહેશે. કંપની થોડી દૂર છે. પણ હું બસમાં જઈશ-આવીશ.’ કાનન.
‘ઠીક છે બેટા, જજે નોકરી માટે, પણ….’
‘પપ્પા, આ છોકરી તમારું નામ ડુબાડે તેવી છે. હું હજી તમને ના કહું છું. આને ઘરની બહાર ન જવા દો.’ પરાગ.
‘પપ્પા, હું તમને ફરિયાદનો મોકો નહીં આપું.’ કાનન.
કાનનની નોકરી છ એક મહિનાથી ચાલતી હતી. વચ્ચે ક્યારેક કામકાજને કારણે કાનન મોડી પડતી તો તેણે તેના મમ્મીનો ઠપકો અને ભાઈ-ભાભીની ખરી ખોટી સાંભળવી પડતી. જોકે કાનન ક્યારેય આ બાબતે ગુસ્સે ન થતી. ફક્ત તેના પપ્પા તેનો સાથ આપતા. પણ તે દિવસે તો….
‘પપ્પા, મેં તમને ના પાડી હતીને કે કાનનને નોકરી માટે ઘરની બહાર ન જવા દેતા. હવે તૈયારી રાખજો, કોઈક આપણે ઘેર આવી હોબાળો મચાવશે.’ પરાગ ગુસ્સાથી બોલ્યો.
‘શું થયું પરાગ, ફરી પાછું શું થયું ?’ ભાવનાબહેન.
‘મમ્મી, આજે હું ઘરે આવતો હતો ત્યારે કાનનને રસ્તામાં જોઈ. કોઈકનો એક્સિડન્ટ થઈ ગયો હતો અને કાનન ત્યાં ઊભી હતી અને કોઈની સાથે વાતો કરતી હતી. મને શંકા છે તે કંઈક બબડતી પણ હતી.’ પરાગ ‘હવે તો કાનન આવે એટલે તેને જ પૂછી લેજો.’

પરાગ હજી ગુસ્સામાં જ હતો. ત્યાં કાનન ઘેર આવી. હંમેશાં તો ભાવનાબહેન કાનનને ઠપકો આપી શાંત પડી જતા. પણ આજે તો કાનનને ઘણો વધુ ઠપકો સાંભળવો પડ્યો અને સાથે સાથે ભાવનાબહેનના હાથનો માર પણ ખાવો પડ્યો. હંમેશા કાનનનો સાથ આપતા જગદીશભાઈ પણ આજે ગુસ્સામાં હતા.
‘હવે તારી નોકરી કરવા પણ ઘરની બહાર નથી નીકળવાનું, અંદર જા. ખબરદાર ઘરની બહાર પણ પગ મુક્યો છે તો !’ જગદીશભાઈ.
‘પપ્પા, આજે છવ્વીસ તારીખ થઈ ગઈ છે. ફક્ત ચાર દિવસ પછી મને પગાર મળી જશે. એ પછી નહીં જઉં. ત્યાં સુધી પ્લીઝ મને જવા દો !’
‘ઠીક છે. છેલ્લા ચાર દિવસ. એ પછી ઘરમાંથી બહાર નીકળવાનું ક્યારેય ન બોલતી.’ જગદીશભાઈ.

પલંગ પર આડી પડી પડી હું વિચારતી હતી કે આટલું બધું પરિવર્તન કઈ રીતે, અને શા માટે ? તે દિવસનો મમ્મીના હાથનો માર હું ભૂલી નથી અને પરાગભાઈ સામે જોવાની તો મારી હિંમત પણ નથી હોતી. કોણ જાણે કેમ પરાગભાઈને રક્ષાબંધનનો દિવસ યાદ આવી ગયો.
‘કાનન….’ અચાનક મારા ખભા પર પરાગભાઈનો હાથ અડ્યો અને હું ધ્રુજી ગઈ.
‘ચાલ બહેન, આજે તો કેટલા વખતે સાથે જમીએ.’ મારી પરાગભાઈ સાથે વાત કરવાની કોઈ હિંમત નહોતી. હું ચૂપચાપ તેમના આદેશને અનુસરી. જોકે તેમણે તો પ્રેમથી વાત કરી હતી. પણ… મારી નોકરીનો કાલે છેલ્લો દિવસ છે. પછી તો હું ઘરમાં જ છું… શું કરીશ ઘરમાં બેઠા બેઠા…. અત્યારે તો ચુપચાપ જમી લેવાનું હતું. જે થશે તે જોયું જશે.
‘કાનન બેટા, તું પેલો એક્સિડન્ટ થયો હતો ત્યાં ગઈ હતી ને ?’
‘મમ્મી, અ…એ મારી ભૂલ હતી. અત્યારે ફરીથી સોરી કહું છું. હું હવે ક્યારેય ઘરની બહાર નહીં જાઉં.’ હું ગભરાઈને બોલી.
‘જે છોકરાનો એક્સિડન્ટ થયો હતો તે અંશુમનનાં મમ્મી સુલભાબહેન આપણે ઘરે આવ્યાં હતાં. તેં તેમની સાથે વાત કરી ત્યારે કહ્યું હતું ને કે ‘આન્ટી ભગવાન પર ભરોસો રાખો. તમારા દીકરાને કંઈ નહીં થાય’ અને પછી આંખો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરી હતી.’ ભાવનાબહેન.
‘હવે હું ક્યારેય કોઈની સાથે વાત નહીં કરું, મમ્મી.’ પણ મમ્મી તો જાણે મારી વાત સાંભળતાં જ નહોતાં.
‘બેટા, એ અંશુમનના બચવાની શક્યતા ઓછી હતી. ડૉક્ટરો પણ આશા છોડી ચૂક્યા હતા. પણ અંશુમન બચી ગયો. સુલભાબહેન તો એમ જ માને છે કે તે તારી પ્રાર્થનાથી બચ્યો છે. તેઓ તને મળવા માગે છે.’
‘હા, કાનન. કાલે હું, તું અને પપ્પા, આપણે ત્રણે અંશુમન અને સુલભાબહેનને મળવા હોસ્પિટલે જઈ આવશું.’ પરાગભાઈ.

જેમ તેમ જમીને હું રૂમમાં તો ગઈ પણ મને ઊંઘ નહોતી આવતી. બીજે દિવસે સવારે મનમાં એક ડર સાથે હું પરાગભાઈ અને પપ્પા સાથે હોસ્પિટલમાં ગઈ.
‘આવો આવો જગદીશભાઈ. કાનન સાથે આવી કે નહીં ?’ અંશુમનના પપ્પા સુરેશભાઈએ અમને પ્રેમથી આવકાર આપ્યો.
‘હા, કાનન સાથે જ આવી છે. જા બેટા, આંટી સાથે બેસ. હું અને પરાગ સુરેશભાઈ પાસે બેસીએ.’ જગદીશભાઈ.
‘કાનન, અંશુમનની જિંદગી તે બચાવી છે. ડોક્ટરોએ આશા મૂકી દીધી હતી. પણ તારી પ્રાર્થના ફળી.’ સુલભાઆન્ટી પ્રેમથી બોલ્યાં. મારા મોઢામાંથી તો કોઈ શબ્દ જ નહોતો નીકળતો. દરેક વખતે મારી કરેલ પ્રાર્થના કોઈ ઊંઘું જ પરિણામ લાવતી હતી. આ વખતે આ પરિણામથી હું ખુશ તો હતી પણ સાથે સાથે…..
‘કાનન, હું તમારો આભારી છું. મારી જિંદગી તમારા કારણે જ બચી છે.’ અંશુમનનો સ્વર મારા કાને અથડાયો.
‘ભગવાનની કૃપા’ બસ, આ બે શબ્દોથી વધુ હું કંઈ ન બોલી શકી.
‘તમારી પ્રાર્થનાથી જે જીવન બચ્યું છે, એ જીવનમાં તમે જીવનસંગીની બની જાઓ તો મને ખૂબ આનંદ થશે.’ અંશુમન બોલ્યા.

મારું આશ્ચર્ય શમ્યું નહોતું ત્યાં તો સુલભાઆન્ટી બોલ્યાં : ‘કાનન, તું અમારા જીવનમાં આવી તો અમે અંશુમન પાછો મેળવી શક્યા છીએ. તું હંમેશા અમારા જીવનમાં જ રહી જા ને !’ સુલભાઆન્ટી કે અંશુમનને જવાબ દેવા માટે મારી પાસે કોઈ શબ્દો નહોતા. હા, હંમેશા ભયને કારણે ઝૂકેલી રહેતી મારી આંખોમાં ભયનું સ્થાન હવે લજ્જાએ લઈ લીધું હતું. ચહેરા પર કોઈ અજ્ઞાત ખુશી હતી. મારી આંખોમાં જ મારો જવાબ છુપાયેલો હતો. એકલતાનો શૂન્યાવકાશ હવે ભાવિ જીવનનાં સ્વપ્નોથી ભરાવા લાગ્યો હતો. હા, હવે હું એકલી નહોતી. શૂન્યાવકાશ હવે મારી જિંદગીમાં નહોતો. મારી જિંદગીમાં હવે એક જ નામ હતું અંશુમન….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શુભ સંસ્કારોનો સંચય – વિનોબા ભાવે
ભૂરિયાનું રુદન – શ્રી સીતારામ શર્મા Next »   

17 પ્રતિભાવો : શૂન્યાવકાશ – ડૉ. ચારૂતા એચ. ગણાત્રા

 1. manvantpatel says:

  અઁશુમન અને સુલભાબહેનને અભિનઁદન !
  બધાઁના બધા દિવસો સરખા જતા નથી..!

 2. Jatin Gandhi says:

  Good Story.
  Its hard to believe that in this sort of irrational thinking is spoiling peoples’ life & spoiling their relationships..!!!!!

 3. Himanshu Patel says:

  આવા માન્સો ક્યારે સુધરશે અને ક્યરે અંધશધ્ધ મથિ બહાર આવ્શે…

 4. ભાવના શુક્લ says:

  વાર્તા તરીકે સારો પ્રયાસ છે કહી લેખીકાની મહેનતને બિરદાવવી એ સભ્યતાની વાત છે પણ સહાનુભુતીનુ વાર્તાતત્વ જે લેવામા આવ્યુ છે તે કઈક ગળે ઉતરે નહી. એક નાની બાળકી પ્રાર્થના કરે અને બીજુ બાળક બિમાર પડે અને માતા પોતાની પુત્રીને જવાબદાર સમજે, ઘટનાઓનુ પુનરાવર્તન થાય અને પોતાનુ ફેમેલી કે જેમા મા-ભાઈ-ભાભી જેવા નજીકના સંબંધો ગેરરસ્તે દોરવાય, પિતા જેવો સંબંધ મુક સાક્ષી બની રહે!!!! વાર્તાનુ મુખ્ય પાત્ર માત્ર સહાનુભુતી ખાતર સાવ વાહીયાત અને ક્ષુલ્લુક વાતથી સતત પિસાતુ અને પિડાતુ બતાવાયુ!!! વાર્તા વાસ્તવિકતાથી દુર હોય પણ તેના સ્પર્શથી તો દુર ના હોવી જોઇયે.

 5. તેજસ says:

  આવી ઘટનાઓ ને કારણે લોહીનાં સબ્ંધો માં કડવાટ આવે એવુ believe કરતા પહેલા થોડો ખચકાટ થાય એવો plot છે. મારા મત મુજબ માત્ર વાર્તાને રસપ્રદ બનાવવા પાત્રોનુ આલેખન આ રીતે કરવુ એ સરાહનીય નથી.

 6. rajveer says:

  અત્યન્ત રસપ્રદ વાર્તા. કાનન નુ પાત્ર ખુબજ સરસ હતુ.

 7. ઘણી વાર કોઈ માણસને મનહૂસ , મસાણીયો, અપશુકનિયાળ, બુંધિયાળ વગેરે વિશ્લેષણોથી નવાજવામાં આવતાં હોય છે. આવી લોકોક્તિનો ભોગ બનનાર માણસ બીચારો સતત પીડાતો રહેતો હોય છે. પરંતુ તેની પીડા સમજવાને બદલે લોકો હંમેશા તેની ઠેકડી ઉડાડવાનું જ પસંદ કરતાં હોય છે. આવા સમયે તે વ્યક્તિને પોતાના ઘરનાની વિશેષ હૂંફની જરૂર હોય છે. જેઓને આવી હુંફ મળી જાય તે બચી જાય છે પણ ઉલટું ઘરના લોકો પણ તેને તિરસ્કારવા લાગે તો વ્યક્તિ ખુબ જ નાસીપાસ થઈ જતી હોય છે.

  બાળકનું માંદુ પડવું, મહેશનું પેપર સારું ન જવુ, નવ-દંપતિને અકસ્માત નડવો કે અંશુમાનનું બચી જવું – પરીણામ અનુકુળ હોય કે પ્રતિકૂળ પણ આ ચારેય બાબતો અંધશ્રધ્ધાથી ભરેલી જ છે.

 8. Vaishali Maheshwari says:

  Good story overall.

  We see many people in villages or people having rational thinking consider windows or low caste people as unlucky, but this is very sad.

  All human beings and all living things are God gifted. We should not consider anyone to be unlucky and show hatred towards that person. If in that person’s presence all things are going wrong, then it should be a coincindence. Atleast family members should be supportive at all times.

  I feel pity for Kanan’s character throughout this story. No one in the family is besides her. This is unfair. But I am glad, at the end, she found Anshuman. I am sure it would be an unbelievable moment for her to here from someone that she is lucky.

  Kanan’s family members sound wierd. When everyone said that she is unlucky, they believed what they said and now when someone is telling that she is lucky, they are believing this too. This should not be the case according to me. How can a little girl who is so pious be unlucky for someone!

  Anyways, this was just a story, so I enjoyed reading.

  Thank you Author.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.