મહત્તા – ભુલાતા જતા મંદિરની : લાલજીભાઈ પ્રજાપતિ

પુસ્તકાલયોમાં ઘટતી જતી ગિર્દી અને મંદિરોમાં વધતી જતી ભીડ વચ્ચેનું સંતુલન સાધવા જેવું છે. મંદિરોની અગત્ય જેટલી જ મહત્તા લાઈબ્રેરીને મળે એવું વાતાવરણ સર્જવાની દરેક શિક્ષકની મૂળભૂત ફરજ છે. કોઈકની અથાક મહેનતને અંતે લખાયેલ એક પુસ્તકને વાચક જ ન મળે એ વિચારોના દુષ્કાળના સર્જનનું મહત્વનું પરિબળ છે. ભારતાના આઝાદીના ઈતિહાસને જે શિક્ષકે વિગતવાર વાંચ્યો જ નથી એવો શિક્ષક પોતાના અધ્યાપનમાં બાળકોને એની મહત્તાને સારી રીતે ન્યાય ન આપી શકે એમાં એની વાંચન-દરિદ્રતા જવાબદાર છે.
          ટીવી ચેનલોના આક્રમણ થી સમાજમાં વાંચનભૂખ ઘટી છે. જે માણસ અન્ય કરતાં વિશિષ્ટ વિચારી શકે છે એવા માણસના વિચાર મિલન માટે તેના વિચારોનું વાંચન જરૂરી છે. ક્યાંક મોકે થોડું ઓછું વિચારતા માણસો વાંચનથી પોતાની વિચારયાત્રાને સમૃધ્ધ બનાવી શકે છે. ફુરસદની પળોમાં દરેક શિક્ષિત વ્યકિતના પગ વાંચનાલય તરફ વળે અને પુસ્તકાલયોમાં ભીડ વધે એ અન્યોન્ય માટે લાભપ્રદ છે. શહેર-ગામડાંઓમાં આ મંદિરો ઉપલબ્ધ છે. પણ વિડિયો-ગેઈમ્સ-પાનાંઓની રમતોએ આપણને પુસ્તકાલયોથી વિમુખ બનાવી પોતાના તરફ અભિમુખ કર્યા છે. આવા વિનાશક વાતાવરણથી ગામડાં પણ બાકાત નથી. લોકહિત અને ગામડાંના સર્વાંગી વિકાસ માટે જે ગામચોરાઓ પર બેસી વડીલો વિચાર-વિમર્શ કરતા હતા તે ચોરાઓ ગંજીફાઓ-ચોવટ કરવાનું સાધન બન્યા છે. ધોરણ દસ-બાર સુધી ભણેલો એક યુવાન પોતાનું ભણતર છોડી પોતાના બાપીકા વ્યવસાયમાં જોડાય તેનો વાંધો નથી પણ તેની વિચારયાત્રાને જીવંત રાખવા માટે વાંચનથી વિમુખ બને એ કોઈ પણ સમાજને સહેજ પણ ન પરવડે તેવી બાબત છે. વિચારોના દુષ્કાળની સર્વત્ર આબોહવા ચાલે છે. પોતાની વ્યસ્તતામાંથી પરવારીને દરેક પિતાએ પોતાના પુત્રને આ પુસ્તક તેં વાંચ્યું ? આ પુસ્તક તારે એક વખત વાંચવા જેવું તો છે જ. એવી જીવંત લાગણીસભર ટકોર કરવા જેવી છે. પોતાના બાળક્ને પુત્રને પોતાન હસ્તે જ વિડિયોગેઈમ્સના હવાલે કરતા પિતાઓની સંખ્યા વધવા લાગી છે. ટી.વી પર ચાલતી સિરિયલોમાં જો ધ્યાનપૂર્વક વિચારવામાં આવે તો ઘટનાઓની મહત્તા વધારે અને સામે પક્ષે વિચાર-ચિંતનનો અભાવ સ્પષ્ટ જોવા મળે છે. લોકોની લાગણીઓનો ગેરલાભ ઉઠાવી બસો હપ્તાઓથી વધારે લંબાણ અર્પી બીજે દિવસે પણ એ સિરિયલ જોવી જ પડે એવી આતુરતાનું સર્જન કરવામાં એ લોકોની મહારત સ્પષ્ટ દેખાઈ આવે છે. વર્તમાનપત્રોમાં પણ સવારે ઘટનાઓની જ શોધ કરતા વાચકોની સંખ્યા વધારે પડતી છે. દેશ-દુનિયામાં પોતાની આસપાસ વિચારયાત્રા ચિંતનને વેગ મળે એવી ઘટનામાં રસ પડે એવા લોકોની સંખ્યા ભયજનક રીતે ઘટી રહી છે. વર્તમાનપત્રોમાં સારા વિચારક નામી સર્જકોના વિચારોની વણથંભીયાત્રા ચાલી રહી છે. પણ તેનો વાચકવર્ગ બહુ ઓછો છે. નાના માં નાની બાબતો ને પણ તીક્ષ્ણતાથી કોઈ ગહન વિચારક ધ્વારા વર્તમાનપત્ર પુસ્તકના માધ્યમથી સમાજ સમક્ષ મૂકવામાં આવે છે ત્યારે સમાજના મોટાભાગના શિક્ષિત માણસો પોતાના વાંચનથી સમૃધ્ધ બને એ અત્યંત જરૂરી છે. ચક્રની શોધ જે રીતે ટેકનોલોજીના વિકાસ માટે અગત્યની છે, એટલી જ અગત્યની લાઈબ્રેરીની શોઘ માનવસંસ્કૃતિના ઘડતર માટે છે. વિજ્ઞાનના આટલા અગાધ વિકાસના અંતે પણ નર્યું વિજ્ઞાન જ ભણેલો માણસ વિચારોથી જો સમૃધ્ધ નહીં હોય તો તેની શકિતઓ નરરાક્ષસ જેવી હશે !
          આપ અને આપનાં આત્મીયજનો મંદિર જેટલી જ અગત્ય વાંચનાલયને આપી ફકત બે લીટીનું વાંચન તમારા ઘરમાં ધીરે ધીરે, એક મહાન વિચારયાત્રા શરૂ કરશે જ એમાં કોઈ સંશય નથી.
          સમાજના વાતાવરણમાં પ્રસરેલ દુષિત વૈચારિક આબોહવાને દૂર કરવા માટેના સક્ષમ સાધન વાંચનાલયને 21મી સદીના મંદિરની ઉપમા આપીએ તો આપને કોઈ વાંધો છે ?!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુખનું છાયાદર વૃક્ષ – પરાજિત પટેલ
ઘરગથ્થુ નુસખાઓ : ભાગ-1 Next »   

8 પ્રતિભાવો : મહત્તા – ભુલાતા જતા મંદિરની : લાલજીભાઈ પ્રજાપતિ

 1. nayan panchal says:

  મૃગેશભાઈ,

  જો તમારી ગુજરાતના શિક્ષણખાતા જોડે ઓળખાણ હોય તો મારુ એક સૂચન પહોંચાડવા નમ્ર વિનંતી.

  ઘણી જગ્યાએ શાળાના અભ્યાસક્રમમાં એક/વધારે બહારના પુસ્તકનો(for ex. harry potter – 1) ધોરણ અનુસાર વિષય તરીકે સમાવેશ કરવામા આવે છે. જો આવુ કરવામા આવે તો માતા-પિતા/શિક્ષકો પણ બાળકોને આવા પુસ્તકો વંચાવશે, અને એકવાર બાળક વાંચતુ થઈ જાય એટલે અડધી જંગ જીતાઈ ગઈ. મારું માનવુ એવુ છે કે અમુક ઉંમર પછી કોઇને વાંચતા (ઇતર વાંચન) કરવા મુશ્કેલ થઇ જાય છે.

  આ વસ્તુ ‘વાંચનશિબિરની મુલાકાતે’ લેખ વડે સાબિત થઈ ચૂકી છે. આ એક નાનુ પણ બહ મહત્વનુ પગલુ પુરવાર થઈ શકે છે.

  હું બીજા-ત્રીજા ધોરણમાં ભણતો હતો ત્યારે, અમારા વર્ગશિક્ષક રોજ ન્યૂઝપેપરની હેડલાઈન્સ વંચાવતા. આનાથી મને વાંચવાની ટેવ પડી.

  નયન

 2. અતુલ જાની (આગંતુક) says:

  ભુલાતા જતા મંદિરોને ઠેર ઠેર ફરી બાંધવાની અને તેમાં ઉત્તમ પુસ્તકોની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની ઘણી જ આવશ્યકતા છે. એક વાર જો આ દેવતાના ફળ લોકો ફરી ચાખતા થશે તો જરૂર વાંચક રસિક ભક્તોની ભીડ આ મંદિરોમાં ઉભરાશે અને સમાજની કાયાપલટ થશે. રીડ ગુજરાતીનો દરેક વાંચક એક પ્રતિજ્ઞા કરે કે મોટું શિખર બદ્ધ મંદિર ન બાંધી શકે તો કાઈ નહી પણ એકાદ દેરી તો બાંધશે જ અને કાઈ નહી તો છેવટે ઘર મંદિર તો બનાવશે જ. તો પછી સપરમાં દહાડા આવતાં વાર નહી લાગે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.