શુભ સંસ્કારોનો સંચય – વિનોબા ભાવે

માણસનું જીવન અનેક સંસ્કારોથી ભરેલું હોય છે. આપણે હાથે અસંખ્ય ક્રિયાઓ થયા કરે છે. તેનો હિસાબ માંડવા બેસીએ તો અંત ન આવે. સ્થૂળ પ્રમાણમાં માત્ર ચોવીસ કલાકની ક્રિયાઓ લઈએ તો કેટલીયે જોવાની મળશે. ખાવું પીવું, બેસવું ઊંઘવું, ચાલવું, ફરવા જવું, કામ કરવું, લખવું, બોલવું, વાંચવું અને આ ઉપરાંત તરેહતરેહનાં સ્વપ્નાં, રાગદ્વેષ, માનાપમાન, સુખદુ:ખ એમ ક્રિયાના અનેક પ્રકાર આપણને જોવાના મળશે. મન પર એ બધી ક્રિયાઓના સંસ્કાર પડ્યા કરે છે. એથી જીવન એટલે શું એવો કોઈ સવાલ કરે તો જીવન એટલે સંસ્કારસંચય એવી વ્યાખ્યા હું કરું.

સંસ્કાર સારા-નરસા હોય છે. બંનેની માણસના જીવન પર અસર થયેલી હોય છે. બચપણની ક્રિયાઓનું તો સ્મરણ જ રહેતું નથી. પાટી પરનું લખાણ ભૂંસી નાખ્યું હોય તેવું આખા બચપણનું થઈ જાય છે. પૂર્વજન્મના સંસ્કારો તો છેક સાફ ભૂંસાઈ ગયેલા હોય છે; અને તે એટલે સુધી કે પૂર્વજન્મ હતો કે નહીં તેની પણ શંકા થઈ શકે છે. આ જન્મનું નાનપણ યાદ આવતું નથી તો પૂર્વજન્મની વાત શું કામ કરવી ? પણ પૂર્વજન્મની વાત રહેવા દઈએ. આપણે આ જન્મનો જ વિચાર કરીએ. આપણી જેટલી ક્રિયાઓ ધ્યાનમાં રહે છે તેટલી જ થઈ છે એવુંયે નથી. અનેક ક્રિયાઓ અને અનેક જ્ઞાન થતાં રહે છે પણ એ ક્રિયાઓ ને એ બધાં જ્ઞાનો મરી પરવારે છે ને છેવટે થોડા સંસ્કાર માત્ર બાકી રહી જાય છે. રાત્રે સૂતી વખતે આપણે દિવસ દરમિયાનની બધી ક્રિયાઓ યાદ કરવા જઈએ તોયે પૂરી યાદ આવતી નથી. કઈ યાદ આવે છે ? જે કૃતિઓ બહાર તરી આવનારી હોય તે જ નજર સામે રહે છે. ખૂબ તકરાર કરી હોય તો તે જ યાદ આવ્યા કરે છે. તે દિવસની તે જ મુખ્ય કમાણી. બહાર તરી આવતી મોટી મોટી વાતોના સંસ્કારની છાપ મનમાં ઊંડી ઊતરી જાય છે. મુખ્ય ક્રિયા યાદ આવે છે, બાકીની ઝાંખી પડી જાય છે.

રોજનીશી લખતા હોઈએ તો આપણે રોજ બેચાર મહત્વની બાબતો નોંધીશું. દરેક દિવસના આવા સંસ્કારો લઈ એક અઠવાડિયાનું તારણ કાઢીશું તો એમાંથીયે ગળી જઈને અઠવાડિયા દરમિયાનની થોડી બહાર તરી આવતી મોટી મોટી વાતો બાકી રહી જશે. પછી મહિનામાં આપણે શું શું કર્યું તે જોવા બેસીશું તો આખા મહિનામાં બનેલી જે મહત્વની વાતો હશે તેટલી જ નજર સામે આવશે. આમ પછી છ મહિનાનું, વરસનું, પાંચ વરસનું, યાદ કરતાં કરતાં તારણરૂપે બહુ થોડી મહત્વની વાતો ધ્યાનમાં રહે છે. અને તેમના સંસ્કાર બને છે. અસંખ્ય ક્રિયાઓ અને અનંત જ્ઞાનો થયાં છતાં છેવટે મનની પાસે બહુ થોડી સિલક બાકી રહેતી જણાય છે. જે તે કર્મો ને જે તે જ્ઞાન આવ્યાં અને પોતાનું કામ પતાવી મરી ગયાં. બધાં કર્મોના મળીને પાંચદસ દઢ સંસ્કાર જેમ તેમ સિલક રહે છે. આ સંસ્કારો એ જ આપણી મૂડી. જીવનનો વેપાર ખેડી જે કમાણી કરી તે આ સંસ્કાર-સંપત્તિની છે. એકાદ વેપારી જેમ રોજનું, મહિનાનું ને આખા વરસનું નામું માંડી છેવટે આટલો નફો થયો કે આટલી ખોટ ગઈ એવો આંકડો તારવે છે તેવું જ આબેહૂબ જીવનનું છે. અનેક સંસ્કારોની સરવાળા-બાદબાકી થતાં થતાં તદ્દન ચોખ્ખુંચટ અને માપસરનું કંઈક સિલક રહે છે. જીવનની છેલ્લી ક્ષણ આવે છે ત્યારે આત્મા જીવનની સિલક યાદ કરવા માંડે છે. આખા જન્મારામાં શું કર્યું તે યાદ કરતાં તેને કરેલી કમાણી બેચાર વાતોમાં દેખાય છે. આનો અર્થ એવો નથી કે જે તે કર્મો ને જ્ઞાનો ફોગટ ગયાં. તેમનું કામ પતી ગયેલું હોય છે. હજારો રૂપિયાની ઊથલપાથલ કર્યા બાદ આખરે વેપારીની પાસે પાંચ હજારની ખોટ કે દસ હજારનો નફો એટલો જ સાર રહે છે. ખોટ ગઈ હોય તો તેની છાતી બેસી જાય છે. અને નફો થયો હોય તો આનંદથી ફૂલે છે.

આપણું એવું જ છે. મરણ વખતે ખાવાની ચીજ પર વાસના જઈ બેઠી તો આખી જિંદગી સ્વાદ કરવાનો અભ્યાસ કર્યો છે એમ સાબિત થાય. અન્નની વાસના એ જીવનની કરેલી કમાણી થઈ. કોઈક માને મરતી વખતે છોકરાની યાદ આવે તો તે પુત્ર વિષેનો સંસ્કાર જ જોરાવર સાબિત થયો જાણવો. બાકીનાં અસંખ્ય કર્મો ગૌણ થઈ ગયાં. અંકગણિતમાં અપૂર્ણાંકનો દાખલો હોય છે. તેમાં કેવા મોટા મોટા આંકડા ! પણ સંક્ષેપ કરતાં કરતાં છેવટે એક અથવા શૂન્ય જવાબ મળે છે. તે પ્રમાણે જીવનમાં સંસ્કારોના અનેક આંકડા જતા રહી આખરે જોરાવર એવો એક સંસ્કાર સારરૂપે બાકી રહે છે. જીવનના દાખલાનો એ જવાબ જાણવો. અંતકાળનું સ્મરણ આખા જીવનનું ફલિત છે.

જીવનનો એ છેવટનો સાર મધુર નીવડે, એ છેવટની ઘડી રૂડી નીવડે તેટલા માટે આખા જીવનની બધી મહેનત હોવી જોઈએ. જેનો અંત રૂડો તેને સઘળું રૂડું. એ છેવટના જવાબ પર ધ્યાન રાખી જીવનનો દાખલો કરો. એ ધ્યેય નજર સામે રાખી જીવનની યોજના કરો. દાખલો કરતી વખતે જે ખાસ સવાલ પૂછવામાં આવેલો હોય છે તે નજર સામે રાખીને તે કરવો પડે છે. તે પ્રમાણેની રીત અજમાવવી પડે છે. મરણ વખતે જે સંસ્કાર ઉપર તરી આવે એવી ઈચ્છા હોય તેને અનુસરીને આખા જીવનનો પ્રવાહ વાળો. તેના તરફ રાત અને દિવસ મનનું વલણ રાખો.

જે વિચાર મરણ વખતે સ્પષ્ટ તેમ જ ઊંડો ઠસી ગયેલો હોય તે જ વિચાર પછીના જન્મમાં સૌથી જોરાવર ઠરે છે. એ ભાથું બાંધીને જીવ આગળની યાત્રાને માટે નીકળે છે. આજના દિવસની કમાણી લઈને ઊંઘી ઊઠ્યા પછી કાલના દિવસની આપણે શરૂઆત કરીએ છીએ. તે જ પ્રમાણે આ જન્મે મેળવેલું ભાથું બાંધીને મરણની મોટી ઊંઘમાંથી ઊઠ્યા પછી ફરી પાછી આપણી યાત્રા શરૂ થાય છે. આ જન્મનો અંત તે આગળના જન્મની શરૂઆત બને છે. એથી હંમેશ મરણનું સ્મરણ રાખીને જીવનનો વહેવાર કરો. પણ મરણનું સ્મરણ માણસ હંમેશ ટાળતો ફરે છે. પાસ્કલ નામનો એક ફ્રેંચ ફિલસૂફ થઈ ગયો છે. તેનું ‘પાંસે’ નામનું એક પુસ્તક છે. ‘પાંસે’ એટલે વિચાર. જુદા જુદા સ્ફુટ વિચારો એ પુસ્તકમાં તેણે રજૂ કર્યા છે. તેમાં તે એક ઠેકાણે લખે છે : ‘મૃત્યુ સતત પીઠ પાછળ ઊભું છે પણ મૃત્યુને ભૂલવું કેવી રીતે તેના પ્રયાસમાં માણસ કાયમ મંડ્યો રહે છે. મૃત્યુને યાદ રાખીને કેમ વર્તવું એ વાત તે નજર સામે રાખતો નથી.’ માણસથી ‘મરણ’ શબ્દ સુદ્ધાં સહેવાતો નથી. જમતી વખતે કોઈ મરણ શબ્દનો ઉચ્ચાર કરે તો કહે છે : ‘અરે ! કેવું અભદ્ર બોલે છે !’ પણ તેમ છતાં, મરણ તરફની મજલ હરેક પગલે અચૂક કપાતી જાય છે.

મુંબઈની ટિકિટ કપાવીને એક વાર રેલગાડીમાં બેઠા પછી તમે બેઠા રહેશો તો પણ ગાડી તમને મુંબઈમાં લઈ જઈને નાખશે. આપણે જન્મ્યા ત્યારથી જ મરણની ટિકિટ કપાવેલી છે. તમારે જોઈએ તો બેસો કે દોડો. બેઠા રહેશો તો પણ મૃત્યુ છે, દોડશો તો પણ મૃત્યુ છે. તમે મરણના વિચારને પકડી રાખો કે છોડી દો પણ તે ટળ્યો ટળતો નથી. બીજું બધું કદાચ અનિશ્ચિત હોય પણ મરણ નિશ્ચિત છે. સૂર્ય અસ્ત પામે છે તેની સાથે માણસના આવરદાનો એક કકડો ખાતો જાય છે. જીવનના ટુકડા એક પછી એક કરડાતા જાય છે. આવરદા ઘસાતી જાય છે, ઘટતી જાય છે તો પણ માણસને તેનો વિચાર આવતો નથી. જ્ઞાનદેવ કહે છે કે કૌતુક દેખાય છે. માણસને આટલી નિરાંત ક્યાંથી રહે છે એ વાતનું જ્ઞાનદેવને આશ્ચર્ય થાય છે. મરણનો વિચાર સુદ્ધાં સહન ન થાય એટલી હદ સુધી માણસને મરણનો ડર લાગે છે. એ વિચારને તે ટાળતો ફરે છે. જાણીબૂજીને તે આંખ મીંચી જાય છે.

મૃત્યુને વીસરી જવાનો આવો આ પ્રયાસ સર્વત્ર રાત અને દિવસ જાણીબૂજીને ચલાવાય છે. પણ મૃત્યુ ટળે છે ખરું કે ? કાલે મા મરી ગઈ એટલે મૃત્યુ સામું આવીને ડોળા ઘુરકાવતું ઊભું જાણો. નિર્ભયપણે મરણનો વિચાર કરી તેનો તોડ કાઢવાની માણસ હિંમત કરતો જ નથી. હરણની પાછળ વાઘ પડ્યો છે. હરણું ચપળ છે. તેનું જોર ઓછું પડે છે. તે આખરે થાકી જાય છે. પાછળ પેલો વાઘ, પેલું મરણ આવતું હોય છે. તે ક્ષણે તે હરણની કેવી સ્થિતિ થાય છે ? વાઘ તરફ તેનાથી જોઈ શકાતું નથી. જમીનમાં મોં ને શિંગડાં ખોસી તે આંખ મીંચીને ઊભું રહે છે. ‘આવ ભાઈ ને માર હવે ઝડપ’ એમ જાણે કે તે નિરાધાર થઈને કહે છે. આપણે મરણને સામું જોઈ શકતા નથી. તેને ચૂકવવાની ગમે તેટલી તરકીબો કરો તો પણ મરણનું જોર એટલું બધું હોય છે કે છેવટે તે આપણને પકડી પાડ્યા વગર રહેતું નથી.

અને મરણ આવે છે એટલે માણસ જીવનની સિલક તપાસવા બેસે છે. પરીક્ષામાં બેઠેલો આળસુ ઠોઠ વિદ્યાર્થી ખડિયામાં કલમ બોળે છે ને બહાર કાઢે છે. પણ ધોળા ઉપર કાળું થવા દે તો શરત. અલ્યા, થોડુંયે લખીશ કે નહીં ? કે પછી સરસ્વતી આવીને બધું લખી જવાની છે ? આમ ને આમ, ત્રણ કલાક પૂરા થઈ જાય છે. તે કોરો પેપર આપી આવે છે. અથવા છેવટે કંઈકનું કંઈક ચીતરી મારે છે. સવાલના જવાબ લખવાના છે. એનો કશો વિચાર નથી. આમ જુએ છે ને તેમ જુએ છે. એવું જ આપણું છે. જીવનનો બીજો છેડો મરણને અડે છે એ વાત ખ્યાલમાં રાખી તે છેવટની ઘડી પુણ્યમય, અત્યંત પાવન, રૂડી કેવી રીતે થાય તેનો અભ્યાસ આયુષ્યભર રાખવો જોઈએ. ઉત્તમમાં ઉત્તમ સંસ્કાર મન પર કેમ ઠસે એનો વિચાર આજથી જ થવો જોઈએ. પણ સારા સંસ્કારનો અભ્યાસ કોને કરવો છે ? બૂરી વાતોનો મહાવરો માત્ર ડગલે ને પગલે થયા કરે છે. જીભ, આંખ, કાન એને આપણે સ્વાદ લગાડી લગાડી બહેકાવી મૂકીએ છીએ. પણ ચિત્તને જુદો મહાવરો પાડવો જોઈએ. સારી વાતો તરફ ચિત્તને દોરવું જોઈએ, તેનો તેને રંગ લગાડવો જોઈએ. જે ક્ષણે સમજાય કે આપણી ભૂલ થાય છે તે જ ક્ષણથી સુધારો કરવા મંડી પડવું જોઈએ. ભૂલ જણાય છતાંયે તે પાછી કર્યા કરવી ? જે ક્ષણે ભૂલ સમજાય તે ક્ષણ પુનર્જન્મની ગણો. તે તારું નવું બાળપણ. તે તારા જીવનની બીજી નવી સવાર છે એમ સમજ. હવે તું ખરો જાગ્યો. હવે રાત ને દિવસ જીવનનું પરીક્ષણ કર, સંભાળીને ચાલ. એમ નહીં કરે તો પડીને પાછો અફળાઈશ, પાછો બૂરાનો અભ્યાસ ચાલુ થઈ જશે.

ઘણાં વરસ પહેલાં હું મારી દાદીને મળવા ગયો હતો. તે ખૂબ ઘરડી થઈ ગઈ હતી. તે મને કહે, ‘વિન્યા હમણાંનું કશું યાદ નથી રહેતું. ઘીનું વાસણ લેવાને જાઉં છું પણ લીધા વગર જ પાછી આવું છું.’ પણ પચાસ વરસ પહેલાંની દાગીનાની એક વાત તે મને કહ્યા કરે. પાંચ મિનિટ પહેલાંનું યાદ રહેતું નથી પણ પચાસ વરસ પહેલાંનો જોરાવર સંસ્કાર છેવટ સુધી જાગતો સતેજ રહે છે. એનું કારણ શું ? પેલી દાગીનાની વાત ત્યાર સુધીમાં તેણે હરેક જણને કરી હશે. તે વાતનો કાયમ ઉચ્ચાર ચાલુ રહ્યો હતો. તે વાત જીવનને ચોંટી ગઈ. જીવન સાથે એકરૂપ થઈ ગઈ. મેં મનમાં કહ્યું : ‘ઈશ્વર કરે ને મરણ વખતે દાદીને દાગીના યાદ ન આવે એટલે થયું.’

[‘ગીતા પ્રવચનો’ માંથી]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્વીકાર – મેઘા ત્રિવેદી
શૂન્યાવકાશ – ડૉ. ચારૂતા એચ. ગણાત્રા Next »   

20 પ્રતિભાવો : શુભ સંસ્કારોનો સંચય – વિનોબા ભાવે

 1. Harsha Rathod says:

  ખુબ જ સરસ લેખ …..

 2. pragnaju says:

  ‘પાંચ મિનિટ પહેલાંનું યાદ રહેતું નથી પણ પચાસ વરસ પહેલાંનો જોરાવર સંસ્કાર છેવટ સુધી જાગતો સતેજ રહે છે.’ વેદની ગહન વાતો સીધી સાદી સરળ સહજ સંસ્કારી ભાષામાં વિનોબા ભાવેજેવી ભાગ્યે જ કોઈએ સમજાવી હશે. મારું પ્રિય પુસ્તક,ગીતા પ્રવચન,વેચ્યા-વહેંચ્યા-બધાને ગમ્યા.

 3. ભાવના શુક્લ says:

  “આપણે જન્મ્યા ત્યારથી જ મરણની ટિકિટ કપાવેલી છે.”
  એકદમ સરળ વાત છે કે બાકી બધુ સાચુ કે ખોટુ દોડવાનુ શરુ કર્યુ, ક્યારેક દોડ સત્ય તરફ રહી અને ક્યારેક વ્યર્થ ભ્રમણ સાબિત થઈ. સંજોગોને આધીન મેળવ્યુ કે ગુમાવ્યુ પણ મરણ જેવી સત્ય હકીકત ક્યાય ના મળી.

 4. RAVI THAKKAR says:

  YOU ALL DOING GOOD JOB
  GOD BLESS YOU…

 5. kaushik bhanshali says:

  THIS ARTICAL IS VERY NICE & EXTRA EFFICTIVE ON HEART .

 6. jimish gandhi says:

  ખરેખર હર્દય સ્પર્શિ વાર્તાઓ વાન્ચિ ખુબ જ સરસ અનુભવ થાય છે.

 7. satvik shah says:

  મને લાગે છે ત્યાં સુધી નીચે જણાવેલો સાર મારા જેવા ઘણા બધાં એ પોતાની ડાયરી ના પ્રથમ પાને ટંકારી દેવો જોઇએઃ

  જે ક્ષણે ભૂલ સમજાય તે ક્ષણ પુનર્જન્મની ગણીશ. તે મારું નવું બાળપણ. તે મારા જીવનની બીજી નવી સવાર છે એમ સમજીશ. હવે હું ખરો જાગ્યો. હવે રાત ને દિવસ જીવનનું પરીક્ષણ કરીશ, સંભાળીને ચાલીશ. એમ નહીં કરું તો પડીને પાછો અફળાઈશ, પાછો બૂરાનો અભ્યાસ ચાલુ થઈ જશે.

 8. DEVAK VIRENDRAKUMAR THAKKAR says:

  જય ગુરુદેવ્

  I am very thank full to god for given me an opportunity to
  read this article. I am very big fan of Vinoba Bhave.He is the real hero
  of this world. When ever I read his article I feel that He gives me a lots of happiness and joy because his language is very effective and touching.
  He always written articles on the base of spirituality and that’s why its very effective.

 9. સાદી સહજ શૈલિ થી ગહન તાત્વની વાતો સમજાવવાની શ્રી વિનોબાજીની રીત નિરાળી છે. સિલક વધારવાનો ઉત્તમ ઉપાય – શુભ સંસ્કારોનો સંચય. ગીતાના આઠમાં અધાયના સાર-રૂપ આ લેખ હંમેશા યાદ રાખવા જેવો છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.