ભૂરિયાનું રુદન – શ્રી સીતારામ શર્મા
લૂંટાયેલા મુસાફર જેવી સામાનવિહોણી ઓરડી લાગતી હતી. વર્તમાન સમાજવ્યવસ્થાની જેમ એક ખૂણામાં થોડીક ચોપડીઓ, છત્રી, ચંપલ અને એક જીર્ણ ટ્રંક વીખરાઈને પડ્યાં હતાં. ઓરડીની વચ્ચે એક સાદડી પર ચંપક અને તેની પત્ની સુમિત્રા બેઠાં હતાં. પ્રલયકાળના આખરે પૃથ્વી નિ:શ્વાસ નાખે તેવા નિ:શ્વાસ બન્નેનાં બળતાં હૈયાંની પ્રતીતિ પુરાવતા હતા.
એમની વચ્ચે સ્વજનસમો ભૂરિયો બેઠો હતો. માનવીની લાગણીઓ સમજવા છતાં ભાષાના સાધનના અભાવનું દુ:ખ પહેલ-વહેલું આજે જ થયું હોય, તેમ તેની આંખોમાં વેદના ઉભરાતી હતી. ચંપક અને સુમિત્રા તેની સ્વચ્છ અને સુંવાળી પીઠ પર મમતાથી હાથ ફેરવતાં હતાં; ‘ક’ વર્ગનો કેદી ત્રિમાસિક મુલાકાતે આવેલા પોતાના બાળકને શિરે હાથ ફેરવે તેટલી મમતાથી.
‘ભૂરિયાને નહિ જ લઈ જઈ શકાય ?’ સુમિત્રાએ ચંપકને પંદરમી વખત એ પ્રશ્ન પૂછ્યો. એ સામાન્ય શબ્દોની પાછળ સકળ વિશ્વનાં સામટાં દર્દોની વેદના હતી.
‘સુમિત્રા,’ પોતાની નિરાધારીને ઢાંકવાનો સહેજ પણ મિથ્યાડંબર કર્યા વિના ચંપકે કહ્યું : ‘આપણું જ ઠેકાણું નથી, ત્યાં ભૂરિયાનો બોજો શી રીતે ઉંચકી શકાશે ?’
‘બિચારો મારો ભૂરિયો….’ સુમિત્રાની આંખમાંથી આંસુ ખરવા માંડ્યાં. સુમિત્રાની ભાષા સમજતો હોય તેમ ભૂરિયો મમતાથી તેની સામે જોઈ રહ્યો.
‘ચાલીના માલિકે પણ શરત કરી છે કે તું ક્યાં નથી જાણતી ?’ ચંપકે આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો. એના હૃદયની વ્યથાને બરાબર સમજતો હોય તેવી દષ્ટિએ ભૂરિયાએ તેની તરફ જોયું. પોતાના ભાવીને વાંચી શકતો હોય તેમ તેનું મોઢું દયામણું થઈ ગયું.
ચંપક અને સુમિત્રા સમાજના મધ્યમ વર્ગનાં હતાં. એ વર્ગને જેવાં વીતકોનો અનુભવ થાય તેવાં વીતકો તેમણે અનુભવ્યાં હતાં. સામાન્ય વર્ગના છોકરાઓને કચડી નાખનારી આર્થિક પ્રતિકૂળતાઓને લીધે વિદ્યોપાર્જનની મહેચ્છાઓને ઉગતી જ ડહામી દેવી પડે છે, તેમ ચંપકને ય જેમ તેમ કરીને મેટ્રીક સુધી પહોંચ્યા પછી અભ્યાસ છોડી નોકરીની શોધમાં પડવું પડ્યું હતું. હિંદુ માતા-પિતાની મમતા પુત્રને માટે વહુ શોધી લાવવા સુધી જઈ શકે છે, એટલે ચંપકના પિતાએ તે મેટ્રીકમાં હતો તે વર્ષે જ તેને પરણાવી દીધો હતો. વિકાસપંથે વિચરતા વિશ્વના પ્રાગતિક દેશોમાં આશાભર્યાં યુવક-યુવતીઓ વિજ્ઞાનના કે શારીરિક વિકાસના અખતરાઓ કરે છે; પણ હિંદુ યુવક-યુવતીઓને પરણ્યા પછી દાંપત્યપ્રેમના અખતરા અજમાવવાના હોય છે. એ અખતરામાં ચંપક અને સુમિત્રા ઠીક ઠીક સફળ થયાં હતાં. અને અનેક લાગવગો અજમાવ્યા પછી મહામહેનતે ચંપક એ જમાનામાં પચાસ રૂપિયાની નોકરી મેળવી શક્યો હતો. એમાંથી થોડું ઘણું બચાવી તે માતાપિતાને મદદગાર બનતો. ચંપક અને સુમિત્રા એ જીવનમાંય સંતોષ અનુભવતાં.
રવિવારની એક સંધ્યાએ ફરીને આવતાં રસ્તામાં એક શ્વાનબાલ રડતું ચીસો નાખતું તેમણે જોયું. સુમિત્રાને દયા આવી. તેણે તે કુરકુરિયાંને ઉંચકી લઈ ઘેર આણ્યું. નવડાવ્યું; ત્યારથી તે એનું સાથી બન્યું. પોતાનું બાળક હોય તેમ તેમણે એ કુરકુરિયાને રાખવા માંડ્યું. એના પોષણખર્ચ પૂરતી કરકસર તેમણે વેઠી દીધી. સુમિત્રાએ થોડા દિવસ પછી એનું નામ પાડ્યું. ત્યારથી તે ભૂરિયા તરીકે ઓળખાવવા લાગ્યું.
એક દિવસે સાંજે ચંપક ઘેર આવ્યો ત્યારે તેનું મોઢું પડી ગયું હતું. સુમિત્રાએ હમેશની મમતાથી તેનો સત્કાર કર્યો, તેના જવાબમાં ચંપક હસ્યો, પણ એ હાસ્યમાં જીવંતપણાની તાજગી નહોતી. વેદનાની ચીસ જેવું એનું હાસ્ય ફિક્કું હતું. સુમિત્રાએ એ વેદનાનું સ્મરણ તુરત જ ન કરાવ્યું, છતાં તે રાતના વાળુની મીઠાશ મારી ગઈ. ભૂરિયાની સાથે તે રાત્રે કોઈએ રમત કરી નહિ. ગમગીનીનું વાતાવરણ ઘરમાં જામી ગયું. પોતાનાં પાલકોની લાગણી સમજી જનાર વફાદાર ભૂરિયો પણ એક ખૂણામાં જઈને લપાઈ બેઠો. છેવટે સ્વજનના મૃત્યુની ખબર આપતો હોય તેવી શાંત ગંભીરતાથી ચંપકે કહ્યું : ‘સુમિત્રા ! આજે મને નોટીસ મળી.’ ખંડેરમાં પડઘો પડે તેમ એ શબ્દો ગમગીનીભર્યા વાતાવરણમાં ગર્જી ઉઠ્યા.
‘તેમાં આટલા બધા ગમગીન શા માટે બની જાઓ છો ?’ સુમિત્રાએ પતિને આશ્વાસન આપવાનો પ્રયાસ શરૂ કર્યો, ‘ગમે ત્યાં બીજી નોકરી મળી રહેશે.’
‘તું ધારે છે એટલી નોકરીઓ સસ્તી નથી પડી. સુમિત્રા ! આજકાલ તો નોકરીઓ સ્વર્ગ જેટલી દુર્લભ થઈ પડી છે.’ ચંપકનું વદન મ્લાન બની ગયું હતું. એની આંખો નિસ્તેજ થઈ ગઈ હતી.
‘હવે શું થશે ?’ તેના હૃદયમાં એ પ્રશ્ન વારંવાર પોકાર કરતો અને વણઉત્તર શમી જતો.
વર્તમાન હિંદના યુવાનોની પરાવલંબી દશાનો ચંપક અત્યારે મૂર્તિમંત નમુનો બની ગયો હતો. એમનું ભણતર જ્ઞાનપ્રાપ્તિ માટે નહિ પણ નોકરીની લક્ષ્યસિદ્ધિ માટે હોય છે. નોકરી એમનામાંથી સાહસ, શૌર્ય, હિંમત, ધીરજ બધું ચૂસી લે છે. કેમકે વર્તમાન સમાજવ્યવસ્થામાં તેમને તે માટે કશીયે તક મળતી નથી. રાષ્ટ્રની રાજકીય પરાધીનતાએ તેમના વિકાસના માર્ગમાં અનંત આડખીલીઓ સર્જી રાખી છે. મૂડીવાદી માલીકો કેવળ દ્રવ્યશોષણ તરફ જ દષ્ટિ રાખીને, દરરોજ હજારો ચંપકોને નિરાશાની ગર્તામાં ધકેલી દે છે.
‘હજુ આખો મહિનો બાકી છે. આજે તો હજી 31મી છે ને ?’
‘હા, મારા જેવા અનેક જણાઓને કામ અને બેકારી વચ્ચે ઝોલાં ખવરાવતી આજે આખર તારીખ છે.’
‘ત્યારે શું ? હજી તો આપણા હાથમાં ત્રીસ દિવસ છે.’
‘એ ત્રીસ દિવસ તો જોતજોતામાં ચાલી જશે.’ ચંપકે નિ:શ્વાસ મૂકીને કહ્યું ‘મારા જેવા અનેક બેકારો નોકરીઓ શોધતા શેરીઓમાં રખડે છે. તેમાં આપણો પત્તો ક્યાંથી ખાશે ?’ અને એમ જ થયું. ચંપકે નોટિસના મહિના દરમિયાન નોકરી માટે અનેક ઠેકાણે અરજીઓ કરી, પણ કોઈ પણ ઠેકાણે પત્તો ખાધો નહિ. નોટિસના દિવસોમાં નોકરી કરવી એ જીવંત નરકની યાતના જેવું હોય છે. ફાંસીની સજા પામેલા કેદીના જેવી મનોદશા તેની થઈ જાય છે. આવતા મહિનાની પહેલી તારીખની સ્મૃતિ જાગ્રત અને સ્વપ્નાવસ્થામાં તેને નિરંતર રહ્યા કરે છે.
‘એ દિવસે હું નોકરી વિહોણો બેકાર બનીશ.’ એ વિચાર ધગધગતા અંગારાઓની માફક તેના હૈયાને અને મગજને દઝાડે છે. આખો મહિનો ચંપકે એ વેદના અનુભવી. તે મહિનાના ત્રીસ દિવસમાં તેણે ત્રણસો વખત પોતાના શ્રીમંત શેઠના નામ પર ગાળો વરસાવી.
‘મધ્યમ વર્ગના માણસોનું રક્ત ચૂસતા મૂડીવાદનો નાશ કર્યા વિના જગતમાં શાંતિ સ્થપાવાની નથી.’ એવી ચર્ચા અનેક મિત્રો સાથે તેણે ગુસ્સાભરી ભાષામાં કરી. પરંતુ તેનો એ ગુસ્સો નિર્વીયનો હતો. મૂડીવાદના નાશ માટે જે શક્તિ જોઈએ તેવી શક્તિ તે વાદના શોષણના સાધન બનેલા તમામ માનવોના સુવ્યવસ્થિત સંગઠનથી થઈ શકે, તેનું ભાન ચંપકને નહોતું. એનો ગુસ્સો માત્ર સંજોગાધીન હતો.
બીજો મહિનો પણ પૂરો થયો. ચંપક હજુ પણ બેકાર હતો. તેણે કરકસર માટે સસ્તા ભાડાની ચાલીમાં રહેવા જવાના વિચારથી, મકાનમાલિકને આગલે મહિને જ નોટિસ આપી દીધી હતી. જે ચાલીમાં તે રહેવા જવાનો હતો, તેવી ચાલ તરફ ઝાંખીને જોવામાં પણ મધ્યમવર્ગનો શિક્ષિતો શરમ માને છે. ઓરડીમાંનો ઘણોખરો સામાન ખાલી થઈ ગયો, તે વખતે ચંપક અને સુમિત્રા ઓરડીની વચ્ચે એક સાદડી પર બેઠાં.
આજ સુધી મમત્વથી પાળેલા ભૂરિયાનું શું કરવું તેનો તેઓ વિચાર કરી રહ્યાં હતાં. ચંપકે ભૂરિયાને લઈ જવાની અશક્તિ બતાવી, અને સુમિત્રાની આંખમાંથી આંસુ ખરવા માંડ્યાં.
‘ત્યારે એનું શું કરીશું ?’ તેણે દયામણા ભાવે પૂછ્યું.
‘જેમ તે રસ્તામાંથી મળ્યો હતો, તેમ તેને રસ્તા વચ્ચે મૂકી દીધા સિવાય બીજું શું થાય ?’ સુમિત્રાએ મમતાથી ભૂરિયાને ઉંચક્યો. સમાજનો ભોગ બનેલી વિધવા પોતાના ગુપ્ત બાળકને ગુંગળાવી નાખતાં, તેને છેલ્લું ચુંબન લે, તેટલી મમતાથી તેણે ભૂરિયાને હૈયાસરસો દાબીને ચુંબન કર્યાં. પત્નીની એ મમતા અને પોતાની નિરાધારીના ખ્યાલથી ચંપકની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં. એટલામાં મજૂર આવ્યો, તેને શિર બાકીનો સામાન ચડાવીને સુમિત્રાએ ભૂરિયા તરફ છેલ્લી વખત જોયું. ભૂરિયાની આંખમાંથી પણ અશ્રુ વહી રહ્યાં હતાં.
અશ્રુભરી આંખે ચંપક અને સુમિત્રા દેશવટો પામેલા માણસની માફક નીકળ્યાં. એકલા અટુલા ભૂરિયાએ કારમા સ્વરે રૂદન કરવા માંડ્યું. એના એ રુદનમાં ત્રિલોકને ડોલાવનારી કરુણા હતી. પરંતુ વર્તમાન વિશ્વને એવાં કારમાં રુદનો સાંભળવાની ક્યાં ફુરસદ છે ? ભૂરિયાના એ રુદનથી સુમિત્રાના કોમળ હૃદય પર ભયંકર આઘાત થયો. તે બારણા વચ્ચે જ પડી ગઈ. ચંપક તેને સચેત કરવાના પ્રયાસ કરવા લાગ્યો, ત્યારે ભૂરિયો સુમિત્રાના મસ્તકને પોતાની જીભથી પંપાળી રહ્યો હતો.
(તા. 21-1-1934 ના દૈનિક ‘હિંદુસ્તાન’માંથી)
Print This Article
·
Save this article As PDF
નોકરી એમનામાંથી સાહસ, શૌર્ય, હિંમત, ધીરજ બધું ચૂસી લે છે.
ખુબ જ સાચુ. શ્રિ વિજલિવાલા સાહેબ આપનો આભાર. આવો ઉપયોગી લેખ આપવા માટે.
“નોકરી એમનામાંથી સાહસ, શૌર્ય, હિંમત, ધીરજ બધું ચૂસી લે છે. ”
પરન્તુ આનો વિકલપ શુ?
–નિમિત્ત.
“નોકરી એમનામાંથી સાહસ, શૌર્ય, હિંમત, ધીરજ બધું ચૂસી લે છે. ”
પરન્તુ આનો વિકલપ શુ?
જવાબઃ તેજસ્વીતા કોઈ સંજોગને આધીન નથી. મને ભૂખ્યા રહેવુ પડે, તો પાણી પીને સુઈ જઈશ, પણ દીન, હીન કે યાચક નહી થઉં. નિરાશ નહી થઉં.
“નોકરી એમનામાંથી સાહસ, શૌર્ય, હિંમત, ધીરજ બધું ચૂસી લે છે. ”
પરન્તુ આનો વિકલપ શુ?
જવાબઃ તેજસ્વીતા કોઈ સંજોગને આધીન નથી. તેજસ્વીતા એટલે પ્રતીકાર નિષ્ડા.
———————————————
મને ભૂખ્યા રહેવુ પડે, તો પાણી પીને સુઈ જઈશ, પણ દીન, હીન કે યાચક નહી થઉં. નિરાશ નહી થઉં.
વર્તમાન હિંદના યુવાનોની પરાવલંબી દશાનો ચંપક અત્યારે મૂર્તિમંત નમુનો બની ગયો હતો. એમનું ભણતર જ્ઞાનપ્રાપ્તિ માટે નહિ પણ નોકરીની લક્ષ્યસિદ્ધિ માટે હોય છે.
………………
કારમી હકિકતનુ સાંગોપાંગ શબ્દચિત્ર…ખુબ સુંદર ભાવનાત્મક વાત..
કદાચ મને આ વાત ઘણી મદદ રુપ થઈ શકે તેમ છે
ખુબ સરસ્