બાધાનું બખડજંતર – હરિપ્રસાદ વ્યાસ

[‘હાસ્ય-વસંત’ માંથી સાભાર.]

તમે કોઈ વસ્તુની આકરી બાધા લીધી છે ? બાધાના બખડજંતરમાં તમે કદી સપડાયા છો ? બાધા રાખીને તમે કોઈ વાર વિષમ સંજોગોમાં મુકાયા છો ? સંભવ છે કે કદાચ એવા કોઈ ‘સંજોગોના ભોગે’ તમે નહિ થઈ પડ્યા હો. પણ જેઓ સપડાઈ ગયા હોય છે તેઓની આપવીતી ઘણી વાર દુ:ખ સાથે રમૂજ પણ ઉત્પન્ન કરે તેવી હોય છે. તેમાંય જો બાધાવાળા કોઈ મહેમાન આપણે ત્યાં આવી ચડે ત્યારે આપણી કમબખ્તીનો પાર નથી રહેતો !

આવા જ એક મહેમાન એક વાર અમારે ત્યાં આવી ચડ્યા. સ્નાનથી પરવારી ચાપાણી પીવા અમે બેઠા, ત્યારે તેમણે આસ્તે રહીને કહેવા માંડ્યું :
‘એક ખુલાસો પહેલેથી કરી દઉં. મારે તેલની બાધા છે, હોં ભાઈસા’બ !’
‘તેલની ?’
‘હા, તેલની.’
‘મગફળીનું તેલ કે તલનું તેલ ?’ સુધાએ ચોખવટ માગી.
મહેમાન માથું ખંજવાળવા મંડ્યા ! ‘એ તો… એ… તો કંઈ નક્કી નહિ ! માળુ…. મારે અમુકના તેલની ચોક્કસ બાધા લેવી જોઈતી હતી, પણ આ તો ભારે બફાઈ ગયું.’
‘કેમ ?’
‘બસ આમ તેલની બાધા લઈ નાંખી ! આપણે કોઈ વસ્તુ તેલની હોય તે ખાવી નહિ એવી બાધા, પણ આ સુધાબહેને નવો ઈસ્યૂ કાઢ્યો ! તલનું તેલ કે મગફળીનું તેલ એ ચોક્કસ કરવાનું રહી ગયું !’
મેં હસીને પૂછ્યું : ‘પણ ત્યારે આજ સુધી તમે બાધા પાળતા હતા કેવી રીતે ?’
‘બસ આ રીતે જ. તેલવાળી કોઈ ચીજ ખાતો ન હતો. તેલમાં વઘારેલું શાક નહીં, તેલથી તળેલી પૂરી, ભાખરી નહિ, તેલથી બનાવેલાં ચોપડાં કે ભજિયાં નહિ, એમ પાળતો હતો – પણ તલનું તેલ કે મગફળીનું તેનો વિચાર મને કોઈ દહાડો આવ્યો ન હતો.’
‘ત્યારે તો તમારી બાધા બંને તેલની થઈ ગઈ !’

સુધાએ પૂછ્યું : ‘દાળમાં સહેજ તેલનો વઘાર કરીએ તો ચાલે કે નહિ ?’
‘ના ભાઈસા’બ ! જોજો તમેય દોષમાં પડશો અને મને પણ દોષમાં નાખશો ! દાળમાં ઘીનો જ વઘાર કરવાનો !’
સુધા વિચારમાં પડી ગઈ. કંઈ યાદ આવતાં તેણે પૂછ્યું : ‘વારુ, પણ મોવણમાં તેલ ચાલે ને ? એ તેલ તો અંદર ચાલ્યું ગયું ગણાય, પછી ઘીમાં પૂરી કે ભાખરી તળી નાખીશું. તેલ ક્યાં ઉપર લીધું ગણાય ?’
મહેમાન હાથ જોડીને કહેવા લાગ્યા, ‘નહિ બહેન ! એ પણ તેલ તો ખરું જ ને ! મારી બાધા ભાંગે ને તમેય પાપમાં પડો. મોવણ પણ ઘીનું જ હોય. ‘અંદર’ તેલનો પણ મોટો બાધ. એટલા માટે તો જ્યાં જાઉં છું ત્યાં ઘી પણ ખાસ હાથે જ બનાવી લેવાનું કહું છું ને ?’
‘ઘી ? હાથે બનાવવાનું ? એટલે ?’
‘બજારુ ઘીમાં વેજિટેબલનો ભેગ આવે – અને વેજિટેબલ ઘી તો તેલમાંથી જ બને છે ! હવે ખાતરીવાળું ઘી ના હોય તો પછી તેલ જ ખાધું ગણાય ને ? એમ બાધા ભાંગે, તેથી જ્યાં જઉં ત્યાં દૂધ વધારે લેવડાવું છું અને દહીં બનાવી તેમાંથી માખણ અને તેમાંથી શુદ્ધ ઘી બનાવડાવું છું જેથી તેલનો અંશ પણ ન આવે. દૂધનો ખર્ચ હું ભોગવીશ. તમારે માથે એ બોજો હોય નહિ. માત્ર આટલી માથાકૂટ કરવી પડશે એટલું જ.’

મહેમાને તો કહી નાખ્યું, પણ એમ કંઈ એમને ‘ચાર્જ’ થાય છે ? અને તેલ શામાં નથી વપરાતું ? દાળના વઘારથી માંડીને ઢોકળાં કે વાલમાં આપણે બસ તેલમય બની જઈએ છીએ. એ તેલને છોડી દઈને ઘીથી શરૂઆત કરવી એટલે નવે નામે નવેસરથી જુદી જ રસોઈ કરવી પડે ને ! દાળમાં પણ ઘીનો વઘાર. ભજિયાં તળવાનાં પણ ઘીમાં ! વળી સ્ત્રીઓ બાધાને ચુસ્તપણે માનતી હોય છે. તેથી સુધા પણ બહુ સાવચેતીપૂર્વક રસોઈ બનાવતી કે રખેને કંઈ દોષમાં પડાય !

મહેમાને તેમના સહવાસનો લાભ અમને દસ દિવસ આપ્યો. પણ દસ દિવસ અમારે માટે દસ ભવ જેવા થઈ ગયા. બીજા એક મહેમાન આવ્યા. તેમણે વળી દૂધની જ બાધા લીધેલી ! દૂધની એકલાની બાધા તેમણે નહોતી લીધી, પણ દૂધની બનાવટની વસ્તુઓની બાધા પણ ખરી જ ! રૅશનિંગ ખાતું જેમ ઘઉં અને ઘઉંની બનાવટ અગર ચોખા અને ચોખાની બનાવટ એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવાની મનાઈ કરે છે, અને એ બનાવટમાં પછી ખાખરા હોય અગર સાળેવડાં કે સેવ હોય તોપણ તેની ગણના ઘઉં અગર ચોખામાં જ થાય છે, તેવી રીતે બાસૂદી, શિખંડ, માવો વગેરેની ગણના પેલા મહેમાન દૂધમાં જ કરતા. પરિણામે અમારે તેમને શાં મિષ્ટાન્ન જમાડવાં, તેની મોટી મૂંઝવણ અમને રોજ થયા કરતી.

પહેલા દિવસે જ તેમને માટે બાફણું બાફી નાખ્યું ! તમે સમજ્યાને ! કંસાર કરી નાખ્યો, કંસાર ! પણ ઘી મૂકવાનો સમય આવ્યો એટલે સુધાને મેં એકદમ અટકાવી.
‘સબૂર !’ સિનેમાની ફિલ્મમાં નાયકને ફાંસીને ચડાવવાની તૈયારી જ હોય અને એકાએક માફીપત્ર લઈને કોઈ ઘોડેસવાર ખડો થઈ જાય, તેના અભિનયને યાદ આપતો મારો દેખાવ જોઈ મહેમાન અને સુધા બન્ને હસી પડ્યાં !
‘કેમ ? એકાએક તમને શું થયું ?’
‘થાય શું ? મહેમાનની બાધાનો ભંગ કરાવવો છે ? એમને ભૂલેચૂકે પણ ઘી ના મૂકીશ !’
‘કેમ ? ઘીની કંઈ બાધા છે ?’
‘અરે ગાંડી ! બાધા તો દૂધની. પણ જેમ દૂધમાંથી માવો બને અને માવામાંથી પેંડા બરફી કે ઘારી બને છતાં એ દૂધની બનાવટ હોવાથી ના ખવાય તેવી રીતે ઘી પણ દૂધની સીધી જ બનાવટ છે ને ? દૂધનું દહીં, દહીનું માખણ અને માખણનું ઘી બને. પછી દૂધની બાધાવાળાથી ઘી ખવાય ખરું ?’
‘લ્યો આ ઘી પાછું. એમને ઘી નહીં મૂકું.’ મહેમાન પણ આ લૉજિક પાસે ચૂપ બની ગયા. તેમણે મૂંગે મોંએ ઘી વગરના કંસારના ડૂચા મારવા માંડ્યા !

બીજે દિવસે અમે વેઢમી બનાવી. મહેમાનના દેખતાં વેઢમીને ઘીમાં ઝબોળીને જ મેં ખાવા માંડી ! જ્યારે મહેમાને બિચારાએ કોરી વેડમી જેમ તેમ પેટમાં ઝાંસી ! ત્રીજે દિવસે મહેમાન ડગી ગયા.
‘સુધાબહેન !’ તેમણે કહ્યું : ‘ખરું જોતાં ઘી તો હું રોજ ખાતો હતો ! ઘીનો કાંઈ વાંધો ગણાય નહિ. એ કંઈ દૂધની બનાવટ ગણાય નહિ.’
‘તો પછી માવાના પેંડા કે બરફીને બનાવટ શા માટે ગણો છો ?’ મેં કહ્યું, ‘તેમાં પણ છૂટ મૂકો ને ! એ શા માટે ખાતા નથી ?’
‘હવેથી એ પણ ખાઈશ.’ ને પછીને દિવસે અમે મહેમાનને માવાની બરફી અને પૂરી જમાડ્યા.

કેટલાક દૂરંદેશી માણસો બહુ બુદ્ધિપૂર્વક બાધા લે છે કે જેથી તેમને ઝાઝી પંચાત ઊભી ના થાય ! જેઓને ચાની ટેવ હોય તેઓ નિરાંતે કોફીની બાધા લે છે, જ્યારે વાલ જેવું કઠોળ ઘણાં કુટુંબોમાં બહુ લાંબે ગાળે થતું હોય છે. તેથી ઘણી દીર્ઘદષ્ટિવાળી વ્યક્તિઓ વાલની બાધા લે છે ! કોઈ કોઈ વળી એલચી, તજ કે લવિંગની બાધા લે છે. અને સોપારી માટે છૂટ રાખે છે !

કેટલીક બાધાઓ એવી હોય છે કે આપણે પોતે લીધી નથી હોતી. પણ આપણા વહાલેશરીઓએ આપણે માથે મારેલી હોય છે. અમારે નાનો બાબો માંદો પડ્યો ત્યારે અમારાં ફોઈએ પૂછ્યાગાછ્યા વગર બાધા રાખેલી કે બાબાને મટશે તો એનાં માબાપ બાબાને લઈને એક મહિનાની અંદર ઊંટડિયા મહાદેવ જઈને પગે લગાડી આવશે ! બાબાને મટી ગયું પણ પછીની એક મહિનાની મુદત અને ભર વરસાદની ઋતુ ! પછી પૂછવું જ શું ? વાહનનું ઠેકાણું નહિ. ઢીંચણ સમાણાં કાદવકીચડ ખૂંદવાનાં અને વરસતા વરસાદે બાબાને ઊંચકીને લઈ જવાનો ! બાબાને અમે પગે લગાડી આવ્યા તો ખરા, પણ પરિણામ એ આવ્યું કે ઘેર આવ્યા પછી એ સખત વરસાદને લીધે પાછો માંદો પડ્યો ! આ વખતે ફોઈબા પાછાં કોઈ બાધા ના રાખી બેસે તે માટે તેમને અગાઉથી જ અમે મનાઈહુકમ ફરમાવી દીધો અને જેમ તેમ અમારું ગાડું રાગે પડ્યું.

પણ આ સૌને ટપી જાય તેવી બાધા તો મારા મિત્ર વિનુભાઈની માંદગી વખતે તેની ઉપર લાદવામાં આવેલી. વિનુભાઈને ટાઈફોઈડ થયેલો અને અમુક દિવસ સુધી તાવ ઊતરે નહિ, એટલે સગાંવહાલાં બાધા ઉપર તૂટી પડ્યાં વિનુભાઈના મામાના દીકરાએ બાધા રાખી કે વિનુભાઈને મટે એટલે પછી જ્યાં સુધી અંબાજી માતાએ જઈને થાળ ધરાવે નહિ, ત્યાં સુધી ભર્યે ભાણે જમવાની બાધા ! મામાએ બાધા રાખેલી કે જ્યાં સુધી વિનુભાઈ વીસનગર જઈને આપણે હાટકેશ્વર મહાદેવને ઘીનાં કમળ ચઢાવે નહિ ત્યાં સુધી માત્ર એક ધાન જમે ! માસીએ બાધા રાખી કે વિનુભાઈને આરામ થઈ જાય પછી તે ગમે તે મહાદેવમાં જઈ એક પગે ઊભા રહીને ‘ૐ નમ: શિવાય’ નો જપ અડધા દિવસ સુધી કરે ! કાકાના દીકરાએ બાધા રાખી કે વિનુભાઈને મટી જાય ત્યારે તેઓ દ્વારકા જઈને પગે લાગી આવે ! જ્યારે કાકીએ બાધા રાખી કે વિનુભાઈને મટી જશે તો તેઓ ડાકોર જઈને સૌ બ્રાહ્મણ જમાડશે ! અલબત્ત વિનુભાઈના હિસાબે અને જોખમે !

વિનુભાઈને મટી તો ગયું, પણ પછી જ્યારે ધીમે ધીમે બધાંની હકીકત તેમણે જાણી ત્યારે તેમને તમ્મર આવી ગયાં ! એ બધી બાધાઓ કરતાં કરતાં તેમને માથે શી શી વીતી હશે તેની કોને ખબર પડે ? આ બાધાઓના બંધનમાંથી છૂટવાનો કંઈ રસ્તો જ નહિ હોય ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભૂરિયાનું રુદન – શ્રી સીતારામ શર્મા
ઢળતી સાંજના રખેવાળ – ચન્દ્રકાન્ત ટોપીવાળા Next »   

26 પ્રતિભાવો : બાધાનું બખડજંતર – હરિપ્રસાદ વ્યાસ

 1. એના કરતાં “બાધા”ની જ બાધા રાખી હોય તો કેવુ ?? !!!! 😀

 2. Suchita says:

  બહુ મજા પડી ગઈ. મે પણ બાધા રાખી છે. પાની-પુરી અને ગુલાબજાંબુની સાથે સાથે Bread, Pizza પણ ખરા જ.

 3. Dipika says:

  મે પણ બાધા રાખી છે, બધાની બાધા નહી માનવાની હોં ઃ)

 4. ભાવના શુક્લ says:

  સુંદર રમુજો ભરેલો લેખ..ખાસ તેલની બાધા વાળા મહેમાન અને યજમાનની ટોમ & જેરી મા મજા આવી ગઈ.

 5. Amit Lambodar says:

  બાધા એટલે નડવું — જે વસ્તુ નડતી હોય તેની બાધા લેવાય… ગધેડા ના તે ગામ વસતા હશે?

 6. Tejal says:

  બહુ મજા આવિ ખરેખર વચવાનિ ઃ-)

 7. Priya says:

  બહુ સરસ!!!

  મારા ઘરમા પણ બધાને નાની નાની વાતોમા બાધા રાખવાની આદત છે,
  મને ક્યારેક હસવુ આવે છે ને ક્યારેક વિચિત્રતા લાગે છે તેમની નાદાનિયત પર………..
  ભગવાને દુનિયામા દરેક( human being) ને એકએક એન્ટિક પિસ બનાવીને મોકલ્યા છે……

 8. Surat says:

  નાનપણ મારા ગુરુ એ મને બાધા રાખવા નુ કહ્યુ ત્યારે મે એક બાધા રાખી હતી, સિહ પર સવારી કરવી નહી અને સોનાની થાળી મા જમવુ નહી.

 9. Viren Shah says:

  Good story…

  Badha ni vat aavi tyare mane ek prasang yad aave chhe. Jyare hu school ma hato (5th or 6th grade) tyare mane mara matha par pankho (ceiling fan) tuti padavano khoob dar lagato. Bapore jyare hu sui javu tyare hammesha Ceiling fan padase evu lagya kare.

  Aje jyare ena par vadhare vichar karu tyare em lage ke Badha, fobia e badhu man na tarango chhe. Humans na evolution darmyan brain development na samaye brains na amuk bhago jem ke Amygdala, RAS, Basal Ganglia vagere Man ne tamam shakyata o vichari levani khoobi aape chhe. E j khoobi ne karane humans compared to other animals evolution ma agal nikali gaya. Pan tame jo e khoobi ne barabar balance ma na rakho to insecurity ubhi thay…var m var tamane koik ghatana ma worst outcome na vicharo aave. Tame koik navu ghar kharidava niklya hov to tamaro agent chhetarase to nahi evo vichar aavi jay. Koik swajan samaysar na aavya hoy to accidents thayo hashe eva vicharo dekhava mande.

  Have ek rite jo agent cheetari shake evo hoy to aavo vichar tamne khoob upyogi thai pade ke tame e shakayata pan check kari lo. Pan jo tame balance gumavi do to evu bane ke nani moti vato ma tame shankashil tai jao. Ek samay evo pan aave ke koi pan navu step bharata tamne eno worst outcome dekhay.

  Badha pan man ni aa prakar ni vicharavani rit ni present chhe jayare apane insecure feel karie, worst outcome no bhay lagva mande tyare tame aava vicharo taraf sarki jao. Logically vicharo to tamare bhinda na khavane ane tamara swajan jaldi ghare aavi jay e be prasango vachche sho relation? Fear ke stress na alag alag levels hoy chhe. Up to a certain limit, fear ke stress is useful. Tenathi tame samaysar kam pura kari shako, cheerful rahine within deadline tamara kamo ne sari rite patavi shako. Pabn jyare fear ke stress ek level thi upar jatu rahe tyare vicharvani kirya ma thi logic nasht thai jay chhe ane evo fear balance man thi control karvo joie.

  Duniya ma je loko samajik rite unchi position par pahochya chhe e loko emana man ne balance rakhata shikhela chhe. Pressured situation ma pan aava loko calmly behave kari shake chhe. E balance j emane ane balance rakhnar darek vyakti ne progress karva mate helpful thay chhe.

 10. Abdulsamad says:

  ખરેખર મજા આવી ગઈ . સાલુ આ બાધા ના બખેડા બહુ હોય છે.

 11. Dharmesh Patel says:

  હા હા હા હા, ઘનેી મજા આવેી….

  બાધા બાધા બાધા. હવે હુ પણ દાળ ઢોક્ળેી નેી બાધા રાખેીશ્ મને બિલકુલ ભાવતેી નથેી…

 12. એકાદ વસ્તુઓં ની બાધા મારે પણ છે, ચા પીવાની પંદર વરસ થી બાધા છે પણ મને નથી લાગતુ કે મારે બાધા રાખવાથી કોઈ ને મારા લીધે અગવડ કે પરેશાની થઈ હશે. 🙂

 13. maulin shah says:

  સરસ … બહુ મજા આવિ…આવા લેખ લખતા રહેજો…અમને હસવતા રહેજો…

 14. Medha Patel says:

  very funny, maja avi gayi

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.