શરણાગતિનો માર્ગ – ડૉ. મોહનભાઈ પટેલ

[‘અખંડ આનંદ’ માર્ચ-2008માંથી સાભાર.]

માણસને દુ:ખ પડે ત્યારે એની ઊંઘ હરામ થઈ જાય છે. ભોળો માણસ લાંબોટૂંકો વિચાર કર્યા વગર એવું માની લે છે કે મારા અમુક દુશ્મનને કારણે મને દુ:ખ પડે છે. ભગવદગીતામાં જણાવ્યું છે તે મુજબ તો અત્યારનું દુ:ખ એ આપણાં પૂર્વનાં દુષ્કૃત્યોનું ફળ છે અને એને ભોગવી લઈએ એટલે આપણા ખાતામાં પુણ્ય જમા થાય છે. કર્મના સિદ્ધાંતનો આ વિચાર માનવજીવ માટે ખૂબ જ ઉપકારક છે. દુ:ખી અવસ્થામાં નાસીપાસ થઈ જતા માણસને આ વિચારથી બે લાભ થાય છે.

(1) એ સમજે છે કે અત્યારનું દુ:ખ તો પોતાનાં પૂર્વનાં પાપ-કર્મનું ફળ છે એટલે તે અન્ય કોઈ ઉપર દોષનો ટોપલો ઢોળવાનું ટાળે છે.
(2) આવી પડેલું દુ:ખ ભોગવવાથી આપણા ખાતામાં પુણ્ય જમા થાય છે. પુણ્યો વધે તો મૃત્યુ પછી સ્વર્ગે જઈ શકાય.

એટલે કર્મના સિદ્ધાંતમાં જેમને દઢ શ્રદ્ધા છે તેમને મન સુખ-દુ:ખનો સમય સ્વાભાવિક ક્ર્મ જેવો બની જાય છે. સારાં-નરસાં કર્મનો ક્રમ તો ચાલ્યા જ કરવાનો. તો પછી મુક્તિ ક્યારે મળે ? ચિંતનશીલ માણસ અવારનવાર આ પ્રશ્નનો જવાબ શોધતો રહે છે. ભગવદગીતા જ એને એ જવાબ શોધવામાં સહાય કરે છે. ગીતમાં ભગવાને કહ્યું છે કે તું મારે શરણે આવી જા, તારી બધી ચિંતા મને સોંપી દે, તારું રક્ષણ હું કરીશ. શરણાગતિનો આ માર્ગ અપનાવવાથી માણસ ચિંતામુક્ત બની જાય છે. પછી તે સત્કર્મોમાં જ રત રહે છે. એને એ વાતની પણ ખબર છે કે સત્કર્મો એના ભાવિને ઉજ્જવળ બનાવશે. સત્કાર્યોને એ સંચિત (જમા થયેલું) કામ ગણે છે. જેમ બૅન્કમાં જઈને ‘ફિક્સ ડિપોઝિટ’ તરીકે જમા થયેલી રકમ કટોકટીના કાળે ઉપયોગમાં આવે છે તેમ જમા થયેલાં સત્કર્મોથી માણસ ભવિષ્યમાં મીઠાં ફળ પામી શકે છે.

શરણાગતિ સ્વીકારીને માણસે બધી જ ચિંતા ભગવાનને સોંપી દેવાની નથી. માણસે કર્મથી વંચિત તો નથી જ રહેવાનું. ધ્યાન એટલું રાખવાનું છે કે જે કંઈ કર્મ કરે તે નિષ્કામ ભાવે કરવું રહ્યું. શક્ય હોય તો પરહિતના કર્મોમાં જ જોતરાવું. ફળની આશા રાખ્યા વગર કાર્ય કર્યે જવાનો બોધ ગીતાએ આપ્યો છે પણ વાસ્તવમાં કોઈ પણ કાર્ય માણસ ફળની અપેક્ષાથી જ કરતો હોય છે. અમુક દિશામાં અમુક સમય સુધી સીધી ગતિએ આગળ વધીશું તો મંદિર અથવા રેલવે સ્ટેશન આવશે એવા પરિણામ (ફળ)ની આશાથી જ માણસ ચાલવાનું (કામ કરવાનું) શરૂ કરે છે. મંદિર ભલે ન આવે, સ્ટેશન ભલે ન આવે એમ વિચારીને ચાલ્યા જ કરનાર માણસને તમે જોયો છે ખરો ? હા, એવું બની શકે કે તમારો માર્ગ વાંકો-ચૂંકો હોય અથવા તમે વચ્ચે આરામ કરવા માટે બેસી જાઓ તો મંદિરે અથવા સ્ટેશને પહોંચવામાં વાર લાગે ખરી. ફળ મેળવવાનો તો તને અધિકાર જ નથી, તારે તો બસ કર્મમાં જ રત રહેવું – એવી ભગવદ ગીતાની (કૃષ્ણની) વાણીનો બોધપાઠ એવો સમજવો જોઈએ કે તું કર્મ કર પરંતુ તરત ને તરત ફળની આશા ન રાખ. હા, વહેલું મોડું તને ફળ તો મળશે જ. સંજોગો જો અનુકૂળ હોય તો ફળ તરત પણ મળે.

બીજો બોધપાઠ એ લેવો જોઈએ કે માણસ કર્મ કર્યા વગર આળસુ થઈને બેસી રહે તે બરાબર નથી. જો એ કામમાં રત રહેશે તો એનું આરોગ્ય સચવાશે અને એનું મન ભટકતું અટકશે. વિશેષ કરીને ઘડપણમાં માણસ ખાધેપીધે સુખી હોય તો કામ કરવાનું ટાળે છે. આ બરાબર નથી. ઘરનાં અનેક પ્રકારનાં કામમાંથી અમુક કામોની જવાબદારી જો પોતે ઉઠાવી લે તો ઘડપણનાં કેટલાંય દુ:ખમાંથી એ મુક્ત રહી શકે છે. દા.ત. શાકભાજી સમારવાં, બાગ-બગીચામાં પાણી સીંચવું, આંગણું સાફ સૂથરું રાખવું, પોતાનાં કપડાં જાતે ધોઈ નાખવાં, દશ-બાર દિવસે ઘરની સાફ-સફાઈ કરવી, જરૂર પડે તો મહેમાનો આવે ત્યારે ચા-કોફી જાતે તૈયાર કરવી.

શરણાગતિનો માર્ગ અપનાવીને આળસુ બનીને બેસી નહિ રહેવું. કામને શરણે થઈ જવાની ટેવ કેળવવી. ગમતું કામ શોધી કાઢવું. છ-સાત વર્ષની વય સુધીનાં બાળકો સાથે રમત-ગમતમાં પરોવાઈ જવું, તેમને વાર્તાઓ સંભળાવવી, તેમને ગીતો સંભળાવવાં, તેમને જુદાં જુદાં પશુ-પક્ષીઓના અવાજ કાઢી બતાવવા, જુદા જુદા ધંધાધારીઓની વેશભૂષા કરાવવી. દા…ત, શાકભાજીવાળી-વાળો, દૂધવાળી-વાળો, વાળંદ, લુહાર, સુથાર, સોની, ફેરિયો, ચોકીદાર, પોલીસ, નેતા, શિક્ષક. આવા ધંધાદારીઓની વેશભૂષા ધારણ કરાવી એમનો અભિનય, એમની વાણી વગેરેની નકલ કરાવવી.

શરણાગતિ એટલે ભગવાનને શરણે જવું એમ નહિ, ભગવાનને ગમતાં હોય એવાં કાર્યોને શરણે જવું જોઈએ. God helps those who help themselves. જેઓ પોતે પરિશ્રમ કરે છે તેમને ભગવાન મદદ કરે છે. જેઓ પોતાના સાથીદારોને ચાહે છે તેઓ ભગવાનના ખરા ભક્તો છે એમ ફિલસૂફો-સંતો-કથાકારો કહે છે. ભોળા લોકો સાથીદારોની ઉપેક્ષા કરીને ભગવાનની સ્થૂળ ભક્તિમાં લાગી જાય છે, ભગવાનની પૂજા એટલી હદ સુધી કરતા હોય છે કે કેટલીકવાર તો સ્વજનો અને સાથીદારોની પણ તેઓ ઉપેક્ષા કરે છે. પરિવર્તનશીલ જીવનમૂલ્યો જમાને જમાને બદલાતાં રહે છે. જે કંઈ પ્રાચીન કાળમાં યથાર્થ હતું તે આજે નિરર્થક પણ બની જાય છે. તેથી સમજદાર લોકોએ વેદ, પુરાણ, રામાયણ, મહાભારતના તત્વજ્ઞાનને જડ રીતે વળગી રહેવાને બદલે વર્તમાન સમયમાં તેની યથાર્થતા ચકાસવી જોઈએ અને વૈજ્ઞાનિક દષ્ટિએ વિચારીને આચરણ કરવું જોઈએ.

મારું સત્ય અન્યને માટે અસત્ય હોઈ શકે છે. તમને જે કાર્ય સત લાગે તે અન્યને માટે અસત હોઈ શકે છે. શિકારી પોતાના પોષણ માટે મૃગનો શિકાર કરે. એને માટે શિકાર કરવાનું સત્કાર્ય છે, જ્યારે મૃગનો જીવ ખોવાનો વખત આવે તેથી એની દષ્ટિએ શિકારનું કાર્ય દુષ્કર્મ ગણાય. જીવનનિર્વાહ માટે માણસ જે કંઈ કરે તે તેનો દેહધર્મ કહેવાય પરંતુ એવો ધર્મ બજાવવામાં પણ એ વિવેકબુદ્ધિથી વર્તે એ જરૂરી છે. આજે હિંસા આચરીને જીવનનિર્વાહ ચલાવનાર વ્યક્તિએ ભવિષ્યમાં અહિંસાના માર્ગે જીવનનિર્વાહનો માર્ગ શોધી કાઢવો જોઈએ.

પાપ-કર્મ કરવાથી આપણી પુણ્યની મૂડી ઓછી થતી જાય છે એટલે સમજદારીપૂર્વક એવાં કર્મોથી દૂર રહેવું ઘટે. મુક્તિ મેળવવા માટે ભગવાનને શરણે જવાનો માર્ગ તો ખુલ્લો જ છે, પ્રભુકૃપા વરસે એટલે મુક્તિ મળી જ સમજો; તેમ છતાં એ પણ યાદ રાખવું જોઈએ કે જે કાર્યરત રહે તેના ઉપર જ પ્રભુકૃપા વરસતી હોય છે. સાથીદારોના હિતની ચિંતા કરે, તેમને મદદ કરે, પ્રેમ કરે તે જ પ્રભુપૂજાનો સાચો માર્ગ છે એ બાબત કોઈએ વિસરવી ન જોઈએ.

અંગ્રેજીમાં એક કવિતા ભણવામાં આવી હતી. તેમાં અબુ બેન આદમ નામનો એક આદમી હતો. હતો તો મોચી અને સામાન્ય આમદનીવાળો પરંતુ તે પરગજુ સ્વભાવનો હતો. પ્રભુભક્તિની એને કશી ખબર જ ન હતી. એ ઈમાનદારીથી પોતાનો ધંધો કરતો પરંતુ જરૂર લાગે ત્યારે ધંધામાંથી સમય કાઢીને અને ક્યારેક તો ધંધો પડતો મૂકીને પણ અન્યોના કામમાં મદદરૂપ થયા કરતો. ભગવાનના દૂતને ભક્તોની યાદી બનાવવાનું કામ સોંપાયેલું. દૂતે તૈયાર કરેલી યાદીમાં અબુનું નામ ન હતું. ત્યારે ભગવાને દૂતને કહ્યું કે એનું – અબુનું નામ સૌ પ્રથમ લખ કારણ કે હું એમ માનું છું કે જે પોતાના સાથીદારોને ચાહે છે અને એમને મદદરૂપ થાય છે તે જ મારા ખરા ભક્તો છે.

આ ઉદાહરણ પરથી સમજાય છે કે માણસે ભગવાનને શરણે જવાનો અર્થ એવો કરવો જોઈએ કે ભગવાનને જે કામ ગમતાં હોય એવાં કર્મો કરવામાં રત રહેવું જોઈએ. આવી શરણાગતિનો માર્ગ એ જ મુક્તિ અથવા મોક્ષનો સાચો માર્ગ છે. માણસ સ્વાર્થી વૃત્તિનો ત્યાગ કરીને જ્યારથી પરમાર્થ કરવા માંડે ત્યારથી એ મુક્તિના માર્ગે પ્રયાણ કરે છે એમ સમજવું જોઈએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આવું છું… – માધવ રામાનુજ
જ્ઞાનગંગા – વનલતા મહેતા Next »   

10 પ્રતિભાવો : શરણાગતિનો માર્ગ – ડૉ. મોહનભાઈ પટેલ

 1. pragnaju says:

  શરણાગતિ અંગે સરળ ભાષામાં સુંદર રીતે સનજાવ્યું છે!
  અર્જુને જ્યારે …
  મારું મન મુંઝાયેલું કરી શકે ન વિવેક,
  શિક્ષા દો સાચી મને, તૂટે ન મારો ટેક.
  શરણે આવ્યો આજ હું, ઉત્તમ શિક્ષા દો,
  લડવાની ઈચ્છા નથી, ભલે ગમે તે હો.શરણાગતી ભાવની અનુભૂતી કરી પછી જ
  જ્ઞાન થયું
  ( कार्पण्यदोषोपहतस्वभावः
  पृच्छामि त्वां धर्मसम्मूढचेताः ।
  यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे
  शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् ॥)
  વેદમાં તો શરણાગતીનો ઉલ્લેખ અવારનવાર આવે છે

 2. jawaharlal nanda says:

  આજ્કાલ અભિમાન ના જમાના મા શર્નાગતિ નિ પ્રેર્ના આપતો લેખ સરસ લાગ્યો!

 3. સાવ સાચી વાત મૃગેશભાઈ….

 4. ભાવના શુક્લ says:

  શરણાગતિ..તદ્દન સરળ રીતે…નકારાત્મક એવા દરેક અભિગમનો સંપુર્ણ ત્યાગ એટલે સકારાત્મક એવી ગતિ.
  ખુબ સરસ!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.