ઘર વતનની યાદ – મણિલાલ હ. પટેલ

[‘વૃક્ષાલોક’ પુસ્તકમાંથી સાભાર.]

તમનેય પશ્ન થતો હશે કે માણસને વળી વળીને પોતાનાં ઘર-વતન કેમ યાદ આવતાં હશે ? આપણા ઘરમાં આપણે હંમેશા સુખચેનમાં હોઈએ છીએ એવું તો નથી; બલકે ઘણી વાર તો ઘેર પહોંચતાં જ આપણી સમસ્યાઓ આપણને ઘેરી વળતી હોય છે. ને તોય ‘ઘેર આવી ગયા-’ ની એક ‘હાશ’ આપણે અનુભવીએ છીએ. આપણા ઘરમાં અત્યલ્પ સગવડો અને ઝાઝી તો અગવડો હોય છે, છતાં આપણને એમાં જ વસવા-શ્વસવાનું ફાવે છે. જીવતર એ રાગમાં, એ પરિસર વિશેષમાં આપણને કોઠે પડી ગયું હોય છે. ઘણી વાર આપણેય ઘર અને સ્વજનોથી ધરાઈ જઈએ છીએ ને કશેક દૂર દૂર ચાલી જવા ઝંખીએ છીએ. વખતે દૂર દેશાવરે ચાલ્યા જવાનુંય બને છે, પણ થોડાક વખતમાં પાછો જીવ પોતાના મલકમાં મોકળો થવા ઝૂરે છે. ઘર આપણને હંમેશાં સાદ પાડ્યા કરે છે. દૂર દેશમાંય આપણે આશ્વસ્થ હોઈએ તો એ આપણા કશેક વસેલા નિશ્ચિત ઘરથી, ઘરના પોતીકા પરિસરથી. આ ઘર આપણને બાંધી રાખીનેય મુક્ત થવા દે છે; તો મુક્તિ આપીનેય અદશ્ય દોરે આપણને ‘એનાપણા’ સાથે સાંધી રાખે છે. ઘરનો સાદ એ માત્ર પ્રિયજનોનો સાદ નથી; ઘર તો સંસ્કૃતિનો સ્વર છે. એના સાદમાં પ્રકૃતિ અને જનવન સંસ્કૃતિના કેટકેટલા સૂરો ભળી ગયેલા હોય છે.

‘ઘર’ કહેતાં જ જે પરિદશ્ય મનમાં રચાય છે તે આપણું સૌનું પોતપોતાનું છે. આંગણામાં હાથી જેમ ઝૂલતાં લીમડાનાં ઝાડવાં, પછીતમાં પાપડાનાં ઝાંઝર રણકાવતાં ઉનાળુ શિરીષવૃક્ષો, વાડામાં કણજી-સરગવાનાં તરુવરો. કરામાં ખાટી આમલી. ઉકરડે ઊછરેલી ગોરસ આમલી ને કૂવા પાસેની બકમ લીમડી તથા રાતી, પીળી કરેણનાં ઝૂંડ ! વિશાળ આંગણું… સામે કૂવો, સતત રણકતી ગરગડીઓ અને વાસણ-કપડાં કરતી નવી વહુવારુઓનાં શરમાળ સ્મિત, ખનકતાં કંગન…. લજ્જાળુ મજાક મસ્તી…. ‘ઘર’ બોલતાં આપણું-ગ્રામીણજનનું મન ભરાઈ જાય છે તે અમસ્થું નહીં ! ખરેખર તો ‘ઘર’ સાંભરે છે ત્યારે સાચ્ચે જ ‘મન ભરાઈ’ આવે છે. ક્ષણ વાર ડૂમો બાઝી જાય છે છાતીમાં. આંગણાની ઘાસિયા મેડીઓ નીચે વાગોળતાં ઢોર, પછીતના ચૂલે રંધાતાં ધાનની સુગંધ, કઢી-શાકના લસણિયા ને જીરાઈ વઘાર….. ફળિયાનાં, તાપે સોનાઈ રહેલાં નાળિયેરી ઘરો; એ ઘરેઘરથી નીકળતો અને વાદળી આભલામાં ભળી જતો જાંબલી સવારનો નીલવર્ણો ધુમાડો…. ખળે ખડકાયેલાં ખડધાન, પડખે મંડાયેલાં ઘાસનાં કૂંધવાં-ગોળમટોળ ટેકરીઓ જેવાં ! ગોવાળની ‘ઢોર અઢાવવા’ની પડતી બૂમ, ઘૂઘરાવાળા બાવાઓની રમઝટ, રાવળિયાના એકતારાના સૂર… અને રોટલા ખાધા – ન ખાધા ને ખભે ખડિયો લટકાવી, માથે બાંમણિયા ટોપી મૂકીને નીકળી પડતા અમે નિશાળે જવા…. પાછળ ફાટેલી ચડ્ડી, ગોળચણાથી ચીકટાં, ફાટેલાં ગજવાં ને બુશર્ટની બૉય, ચાળથી લૂછાતાં લીંટ, એ આપણા દીદાર !!

‘ઘર’ શબ્દ સાંભળતાં બેઠું થઈ જાય છે આખું ગામ ! એનાં નાળિયોમાં જતાં વળતાં ભરેલાં ગાડાં ને બળદોની ઘૂઘરમાળ ! ગામપાદરે ઉનાળે આવતી જાન અને શણગારેલી વ્હેલ્યો ! ઘડીક ગાઈને રાજી થતું અને ધારો લઈને ઢોલના તાલેતાલે નાચી લેતું અમારું મનેખ ! સુખ ગણો તો છાંયડા જેટલું… દુ:ખનાં તો ઝાડવાં…. ને તોય એ મલકમાં મનખાવતાર જેવા જોયા-જાણ્યા છે…. એની જોડ ન જડે એવા ! અજવાળી રાતોમાં ફળિયે પોઢતું લોક, ચોમાસું રાતોમાં રોન ફરતા જુવાનિયા. શિયાળામાં તાપણીએ તાપતાં વૃદ્ધો વડીલો… બારેમાસનું ખુલ્લું જીવતર. લોક નર્યા નિખાલસ હતાં ત્યારે તો. એમને વળી ‘પ્રાઈવસી’ શાની ? લગ્ન પછીય દીકરાને અલગ ઓરડો ક્યાંથી મળે ! એક કોલામાં, કોઢી પડખે શરૂ થાય સંસાર… પણ તોય એની મીઠાશ પરોઢે વર્તાય ખરી. ઢોરનાં કોઢિયાં ને સૂવાની ચોપાડ વચ્ચે કશા અંતરાય જ નહોતા ત્યારે !

‘ઘર’ બોલતાં જ છાલકો વાગે છે મહીસાગર માતાનાં ટાઢાં જળની. લોહી ત્યાં જઈ ઠંડાં પડવા રઘવાયાં થાય છે ભીતરમાં. ત્યારે આસપાસનાં ગામોમાં પ્રસંગ ટાણે મોટેરાં સાથે જવાનું થાય. એકાદ દિવસ સારું સારું ખાવામાં મન પરોવાઈ રહે, પણ જો મામા-ફોઈ કે બહેન માસીને ત્યાં વધારે દિવસ રોકાવાનું કહેવામાં આવતું તો રીતસર રડવા જેવા થઈ જવાતું. ‘ઘેર જવા’ જીવનો વલોપાત કાયમનો ચાલુ ! વગડો, વહેળા વીંધી ચાલતી વાટે અંધારું થતામાં ઘેર આવી જઈએ ને આપણી જાત જેવી અસલ ગોદડીમાં ગોટમોટ થઈ જઈએ તે આવજો સવાર ઢૂંકડી. જાગીએ ત્યારે પાછું જીવને થાય કે રોકાઈ ગયા હોત તો કેવું સારું ! અવળચંડું મન ત્યારે પણ પજવવામાં પાછળ રહેતું નહોતું.

ઘર બાંધીને માણસ ‘ગૃહસ્થ’ થયો પણ સ્થૈર્ય એનો સ્વભાવ નથી. ઘરે હોઈએ ત્યારેય આપણે ક્યાં ઠરીઠામ હોઈએ છીએ ? ફળિયું-પાદર-નદી-સીમ-વગડો બોલાવ્યા કરે. સૂનમૂન પડસાળમાં એકાકી બેઠા હોઈએ ત્યારેય મન તો બાર ઘાઉંની દડમજલોમાં વિહરતું હોય ! માણસ પણ છેવટે તો યાયાવર જેવો ! આવે ને ચાલ્યો જાય. હા, એના જવા-આવવાના મલક જાણી શકાય. એના તો ધોરી માર્ગોય છે… પણ મનના આવાગમનને સૂક્ષ્મદર્શક યંત્રો પણ હજી નોંધી શક્યાં નથી. મનને વશ કરવાનાં યંત્રો આવશે ત્યારે ઘણી દોડધામો ઠરી જશે. કદાચ સમસ્યાઓ પણ ઘટશે… જૂના જમાનામાં યોગીઓ ગુફાઓમાં મનને વશ કરીને બેસી જતા અઠંગ-બાર બાર માસ લાગી ! કહે છે કે ગિરનારના પ્રદેશમાં આજેય એવા નાગા બાવાઓ છે…. પણ આપણું મન માનતું નથી.

એક મલકમાંથી ઊડી આવ્યાં છીએ બીજા મલકમાં. પોતાનાં વનસ્વજન છોડીને અહીં બનાવ્યાં છે થોડાં પ્રિયજન, છતાં જીવને આ જુદાં ઝાડવાંની જુદી ડાળીઓ પર ફાવતું નથી. આ તો પડાવ છે; લાંબા દિવસો ચાલનારો પડાવ; યાયાવરોનો પડાવ… એની છેવટની ગતિ તો ઘર ભણીની…. ઘર પૃથ્વી પરનાં ઘર; ઘર પૃથ્વીની પેલે પારનાં ઘર ! આમ ને આમ ખૂટી જવાનું, ખર્ચાઈ જવાનું – ઘર વતનની રટણામાં ને રઢમાં !

વહાલુ છે પોતાને પોતાનું વતન. વેરાન વચાળે કે નદી કાંઠે – જ્યાં છે, જેવું છે તેવું. એની માયાનું કારણ માત્ર હવાપાણી નથી, આપણી અને એની માટીની એકાકારતા છે એના મૂળમાં. સ્થૂળ વ્યવહારોમાં તમે ન કબૂલો તોય ભીતરમાં તો એ માટીનાં સ્પંદનો હોય છે…. કોઈ સાદ પાડે છે તે કોણ છે ? એ જ, એ જ… એનો સાદ અમસ્થો નથી, અંતરનો છે. દુનિયામાં ઘણુંઘણું રળિયામણું છે, લોભામણું છે… પરંતુ વતનને તોલે એ નથી આવતું. આ આપણું દુર્ભાગ્ય છે કે યંત્રયુગના માનવીની નિયતિ ? દૈવે જાણે. પણ આવું વહાલું વતન છોડીને જાણે એને ભૂલી જ ગયા છીએ એમ મારે તમારે નોકરી-ધંધા સારુ દેશાવર સેવવાના દિવસો આવ્યાં છે ! ક્યાં છે ઘર વતનની મસ્તી; મોકળાશ ને અગવડો વેઠવામાં મળતી મીઠાશ ! ત્યાં આપણે સુદામાની જેમ અકિંચન થઈ શકીએ છીએ; ગાંધીજીની જેમ અપરિગ્રહી અને સાદા ! જાણે જરૂરિયાતો મલકવટો પામી છે ત્યાં. જે મળ્યું એ ભગવાન… જે પામ્યા એ પ્રીત… લાગે છે કે જીવતર તો ત્યાં જીવવા મળ્યું એટલું ને એ જ….. બાકીનો તો વાંકો વિસ્તાર… જાણે કોઈક જનમનાં કર્મોની શિક્ષા !

ત્યારે તો પાસે પાવલીય નહોતી. કાંઈ લેવા-ખાવાનું મન થાય તો દુકાન જ નહોતી. પણ ગામ પાદરની તલાવડીમાં ને સીમ વચ્ચેના ભૂતતળાવમાં ભોઈ શિંગોડાં પકવતા; નદીના સામે કાંઠે રેતાળ ભાઠામાં રમતો ભેળી ટેટી તરબૂચ પકવતો; રામજી ભેળી હોડી હંકારતો, બૂચો માળી કલમી બોરડીઓ ઉછેરતો ને જેઠી નાયકી રાયણની રખેવાળી કરતી, મૂગા તલસી આંબા સાચવતો… અમે શેર અનાજ લઈને જઈએ તો તરત અમને ખાવાની વસ મળી જતી. વખતે પઈપાવલી કે શેર દાણા ના હોય તોય એ ગ્રામવાસીઓએ શિંગોડાં, ટેટી, બોર, રાયણ કે કેરી નથી આપ્યાં એવું નથી બન્યું. ખરા દાતા તો એ મનેખ. પણ એ કહેતાં કે – ‘ધરતીમાતાનાં આલ્યાં ફળ છે એ ધરતીનાં છોરું નહીં ખાય તો કોણ ખાશે !’ રામજી ભેળી પાવલી લીધા વિના અમને હોડીની સેર કરાવતો.

કોઈનાય ખેતરમાંથી ખાવા સારુ સીંગપાપડી, ચણા, શેરડી, ડોડા લેવામાં બાધ નહોતો, પપૈયાં ને શાકભાજી તો ઘેરઘેર વાડા ભરેલા. આજે આ બધાના પૈસા બેસે છે. માણસમાંનો ઝરો સુકાઈ ગયો છે… ને તોય ઘરવતનના અભરખા ઓછા થતા નથી. પક્ષપાતથી નથી કહેતો, પણ એક તરફ ભરીભાદરી નદી, બીજી બાજુ ડુંગર, ઉગમણે પાદર-તળાવ-કૂવા-કાંઠો; આથમણે ટેકરીઓ, લક્કડિયા માતાને હનુમાન મંદિર… વચ્ચે ચઢઊતર સીમમાં ખેતરો… આ બધા ઉપર સતત લહેરાતી મોસમો…. પ્રકૃતિ… પશુ… પંખી અને જનરવ… કહો, આવો મલક કોને મળે ! ડુંગરે ચઢીને મને સાદ પાડ્યા કરે છે અવાક !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઢળતી સાંજના રખેવાળ – ચન્દ્રકાન્ત ટોપીવાળા
કળીઓ મલકે ને…. – પીયૂષ પંડ્યા ‘જ્યોતિ’ Next »   

18 પ્રતિભાવો : ઘર વતનની યાદ – મણિલાલ હ. પટેલ

 1. Surat says:

  બહુ સરસ લેખ છે, અમેરિકા મા વતન ની યાદ આવી ગયી. ખોવાયેલા બાળપણ ની વાતો યાદ આવી ગયી.

 2. govind shah says:

  very good article.we realise value of our vatan, culture, and so many other things only when we are out of our Vatan / country. even if someone meet from our Vatan in far distant country or places , we feel extermely happy. – govind shah v.v.nagar –email- : sgp43 @yahoo.co. in
  mobile; 93750 12513

 3. Dhaval B. Shah says:

  બહુ સરસ લેખ.

 4. ભાવના શુક્લ says:

  ઘર-વતનની કલ્પના સાથે એક આકાર જોડાયેલો હોય છે. ખોરડા-ફળિયા કે મેડીનો, શેરી-ચોરા કે સોસાયટીનો, ગામ-સીમ કે શહેરનો અને દરેક સાથે જોડાયેલી અનેક રંગી-બેરંગી ઘટનાઓનો, જે તેને બહુમુલ્ય બનાવે છે.

 5. DEVINA says:

  excellent expression of life at hometown i am really attached

 6. ranjan pandya says:

  બાળપણની યાદે જીવડો પુગી ગયો ઈ–ઠેઠ વતનના નળિયાવળા ખડ્કીના ઘરમાં,જ્યાં દાદી ભેંસ દો’તા ને મઝાનું તાજું તાજું દૂધ પિવા અમે ભાઈ-બહેન અંચાઈ કરતા’તા, આહા!કેવા હતા એ દિવસો!!!—-હાથમાં દૂધની પ્યાલી સાદૃશ થઈ ગઈ—-

 7. Raj Amin says:

  આ વાચિ ને મારા ગર નિ યાદ આવિ ગયિ.. i am missing my home and my friends its been 2 years in maamerica but i am missing my home

 8. DS says:

  ખુબ્ જ સરસ લેખ …… મજા આવિ ,.,,,

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.