ઢળતી સાંજના રખેવાળ – ચન્દ્રકાન્ત ટોપીવાળા

હું ઘણી વાર મજાકમાં કહું છું કે ‘આવું સુખ તો શાહાનશાહ અકબરને પણ નહીં મળ્યું હોય.’ સાંજ પડે ને બબ્બે બગીચાના તમે માલિક હો. ફાવે ત્યારે પહોંચો, ફાવે ત્યાં ફરો, ફાવે ત્યાં બેસો. આ બાજુ લૉ ગાર્ડન, આ બાજુ પરિમલ ગાર્ડન. વચ્ચે ગુલબાઈનો ટેકરો. સાંજ, જો આવડે તો દિવસનો સૌથી સાર્થક અને ન આવડે તો દિવસનો સૌથી નિરર્થક શેષભાગ છે. આખા દિવસની મગજમારીઓ, ગડમથલો અને માથાપચ્ચીસીઓનો કીટો સાંજને તળિયે જમા થતો આવે છે અને તમને થાક, હતાશા અને ગ્લાનિમાં ડુબાડી દે છે. આ બે બગીચા અમારી ઢળતી ઉંમરના અને અમારી ઢળતી સાંજના રખેવાળ છે.

બંને ગાર્ડનોનો જુદો મિજાજ છે. લૉ ગાર્ડન વિશાળ વિસ્તરેલો છે એની વ્યાપકતા તાત્કાલિક વીંટાઈ વળે છે. પ્રવેશમાં ઊડતા ધૂમિલ ફુવારાની ફરફર કે વચ્ચોવચ્ચ ગોમુખ કુંડમાં નાચતાં-ફુવારાની આકારલીલાઓ થાકને ચૂસી લે છે. ગાર્ડનમાં પણ પાછા જુદી જુદી રીતે હસીને બોલાવતા નાના નાના ગાર્ડનો છે, લીલાછમ વિસ્તારો છે. ગાર્ડનનો એક ફેરો પૂરો કરો ત્યાં તો હાંફ સાથેનો પરસેવો તમને તાજગીથી ભર્યા ભર્યા કરી દે. પરિમલ ગાર્ડન વિવિધતાથી ભરેલો છે. એની ગાઢ સમૃદ્ધિ તમને તાત્કાલિક વીંટાઈ વળે છે. મુખ્ય દ્વારમાં પ્રવેશતાં સામે ઊંચી કાઠીઓથી લીલીછમ દીવાલ રચી દેતાં અશોકવૃક્ષોની હારમાળા તમારું લળી લળીને સ્વાગત કરે છે. ડાબે ક્રીડાશેલ અને જમણે વંકાઈને પડેલો ક્રીડા જલાધાર. એમાં ઊંચે ઊડી, પહોળી થઈ, પ્રસરતી ફુવારાની બબ્બે જલછત્રીઓ, નાના નાના દ્વીપ, દ્વીપ પર ચંપાનાં ઘેરાં લીલાં પાંદડાંઓ વચ્ચે સઘન શ્વેત પુષ્પગુચ્છાઓ, વચ્ચે વચ્ચે ઊડતાં બેસતાં જલચરપંખીઓના સફેદ-ભૂખરા અણસારાઓ, જલધારને કાંઠે બાંધેલો લાંબો લતામંડપ, મંડપ પર ચઢેલી બગુનવેલ, લતામંડપને જોડતા સ્તંભો, દરેક સ્તંભને અડીઅડીને બેઠકે બેઠેલું પ્રણયી યુગ્મ, એમની વચ્ચે સેતુ રચતો હોય તેવો લતામંડપ ને છેડે નાનો સેતુબંધ – ક્રીડાસેતુ. સેતુબંધ પર ઊભા રહેતાં, આવતો ખીલેલાં કમળો પરથી પરિમલપટુ પવન – સાચે જ આ પ્રમદવન છે. ગાર્ડનનો એક ફેરો પૂરો કરો ત્યાં તો ઈન્દ્રિયોને તર કરી દેતી ઉત્તેજનાઓ તમને તાજગીથી ભર્યા ભર્યા કરી દે…. આ પ્રમદવન મધ્યે સદીઓથી ઊભેલો વડ. સંસ્કૃતમાં કહ્યું છે કે તેમ વૃક્ષ ભલે દશ પુત્ર બરાબર હોય પણ આ વડને જોતાં જ લાગે કે એ સહસ્ત્ર પુત્ર બરાબર છે. સાંજને સમે આવી ક્ષણે અમારા બેનો પરિવાર જાણે કે વિશ્વવિસ્તાર લે છે.

આવા વિશ્વવિસ્તાર સાથે દિલ બાગબાગ થઈ જાય છે. નાનપણાને છેડે બે ભાગ બેઠા છે. એક મુંબઈનો હૅંગિંગ ગાર્ડન અને બીજો વડોદરાનો કમાટીબાગ. હૅંગિંગ ગાર્ડનને ભોળું બાળમન ત્યારે ખરેખર આકાશમાં ટીંગાતો ગાર્ડન જ માનતું. અને એની કિનારી પરથી ઝૂકી ઝૂકીને એનો તાગ લેવા પ્રયત્ન કરતું. આજે પણ એ ગાર્ડન અંદર તો ટીંગાયેલો જ રહ્યો છે. તો, કમાટીબાગ વળી એ જમાનામાં શાહી છત્રી નીચે વાગતા પોલીસબૅન્ડના જાતજાતના સૂરોમાં રંગબેરંગી થઈને ઝૂલતો રહ્યો છે. પણ જરાય ભૂલાય નહીં એ રીતે એક બાગ મારી અંદર હજી ઝલમલ ઝલમલ થતો દેખાય છે. અને તે મૈસૂરનો વૃન્દાવન ગાર્ડન છે. મૈસૂર જનારાઓ મોટેભાગે વૃન્દાવન ગાર્ડનની ઊડતી મુલાકાત લે છે. એના સંગીતફુવારાઓમાં આમતેમ ભટકીને જરાતરા ફરીને ધન્ય ધન્ય થતાં બહાર નીકળી જાય છે. પણ અમે સાંભળેલું કે વૃન્દાવન ગાર્ડનની સાથે એક પ્રમોદભવન (Gazebo) છે. ત્યાં રાત ગાળી શકાય. અમે પહોંચીને લાગલો એક સ્વીટ આરક્ષિત કરાવી દીધેલો. ગઝિબોમાંથી ઈચ્છ્યો એટલો વૃન્દાવન ગાર્ડનનો લ્હાવો લૂંટ્યો. મોડી રાત સુધી ફુવારાઓ ઊડતા રહ્યા, રંગીન રોશનીઓ ઝબૂકતી રહી, સંગીતના સૂર રેલાતા રહ્યા, સવારે ઊઠ્યાં ને દિવસના પ્રકાશમાં જોયું ત્યારે બાગનો અડધો નશો ઊતરી ગયેલો. પણ અમારો નશો ચાલુ રહેલો…

ક્યારેક તો કોઈ મામૂલી બાગ પણ હૃદયનો કબજો લઈ લે છે, અને હટવાનું નામ નથી દેતો. રાનીખેત ગયેલાં. વરસાદ વહેલો શરૂ થયો. તરત નીચે ઊતરી આવ્યાં હલદ્વાની પાસે. હલદ્વાની પાસે એક હોટલ. બસ ત્યાંથી ઊપડે. પણ એ બસ સાંજની. બપોરથી સાંજ ગાળવી કેમ ? હોટેલમાં સટરપટરમાં થોડોક સમય તો વીત્યો. પછી થયું લાવ પૂછીએ નજીકમાં કોઈ સારું સ્થળ છે કે કેમ. હોટેલવાળો કહે થોડેક છેટે એક બગીચો છે. બગી કરી બગીચે પહોંચ્યા. જઈને જોયું તો એક કહેવાનો નામનો ઠેકાણા વગરનો બગીચો હતો. પણ એમાં અમે પ્રેમથી ઘૂમ્યાં. હર્યાફર્યાં, બેઠાં, ઊઠ્યાં. ને છેવટે બસ ભેગાં થયાં. પણ બગીચો ન ભૂલ્યાં. કટોકટીને કાળે એણે અમને સાથ આપ્યો છે. જેવો હોય તેવો બગીચો આખરે બગીચો છે.

હવે તો એક જ ઈચ્છા રહી છે. કોઈ પણ હિસાબે ઈડનગાર્ડન પાછા ફરવું છે. આદમીમાંથી ફરી પાછા આદમ બનવું છે. મારી ઈવને કહેવું છે કે આ ફેરા ચાલબાજ ઈશ્વર કોઈ પણ ચાલ ચાલે, ગભરાવાનું નથી. સફરજન નિર્દોષ છે, નિષ્પાપ છે, સ્વાદિષ્ટ છે. તું તારે ખાજે અને મને ખવડાવજે અને એ ઈશ્વર તે વળી કોણ છે મોટો ? એ ગમે તે કહે ઈડનગાર્ડન છોડવાનો નથી. ફરીશું, ઘૂમીશું, સફરજન ખાઈશું અને લહેર કરીશું….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાધાનું બખડજંતર – હરિપ્રસાદ વ્યાસ
ઘર વતનની યાદ – મણિલાલ હ. પટેલ Next »   

7 પ્રતિભાવો : ઢળતી સાંજના રખેવાળ – ચન્દ્રકાન્ત ટોપીવાળા

  1. ભાવના શુક્લ says:

    બાગીચો શબ્દ જ સૌદર્ય અને રમણીયતાથી ભરપુર શબ્દ છે. ખુબ સરસ ભાવનાત્મક લેખ. આદમ અને ઇવ વાળી વાતતો વળી વધુ આનંદ અર્પી ગઈ.

  2. Amit Lambodar says:

    વાહ દિલ બાગ-બાગ થઈ ગયું.

  3. ranjan pandya says:

    વાહ —અમદાવાદ,વડોદરા,તેમજ મુંબઈના હેંગીંગગાર્ડનમાં અને મૈસૂરના વૃંદાવન ગાર્ડનમાં લટાર મારવાની કંઈ મઝા આવીછે મારા ભઈ—–!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.