જ્ઞાનગંગા – વનલતા મહેતા

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

‘કૌશિક !!’
‘ઘાંટો કેમ પાડી ઊઠ્યાં દાદીમા ?’
‘મારાં બધાં પુસ્તકો કાઢીને શા માટે ઢગલો કરે છે ?’
‘પપ્પાએ કહ્યું છે કે આ બધો કચરો પસ્તીમાં કાઢી નાંખવો છે.’
‘કચરો ? પસ્તીમાં ? આ પુસ્તકો કચરો ?’ હૈયા પર ઉકળતું તેલ રેડાયું હોય એમ દાદીમા આક્રોશ કરી ઊઠ્યાં.
‘આ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યનું અણુભાષ્ય, આ પ્રેમાનંદનાં આખ્યાનો, ઉમાશંકરના નિશીથ-ગંગોત્રી, આ વ્હીલ ડ્યુરાનું સ્ટોરી ઑફ ફિલોસોફી ને…. ના, ના આ બધા અપ્રાપ્ય ગ્રંથો છે. અને તારા પપ્પાને આ ખજાનો પસ્તી લાગે છે ?’
‘જુઓ ને ! આ પૂઠાં ઢીલાં થઈ ગયાં છે’ એમ બોલતો દાદીમાનો દીકરો વિવેક દાખલ થયો, ‘બા, આમાં જો ઊધઈ લાગી તો બંગલાનું લાકડું…..’
‘ઊધઈ કેમ લાગે વિવેક ? પેટના દીકરાને આંખના પાથરણાં કરી ઉછેર્યો, તે જ રીતે મારા સ્વપ્ન જેવાં આ પુસ્તકોની મેં સંભાળ રાખી છે. જીવાત ન થાય તેથી દવા વેરુ છું. કેટલીય વાર મેં વાંચ્યાં છે, છતાંય વાંચતાં ધરાતી નથી. મેં પેન્સિલથી કેવી કેવી નોંધ કરી છે ! વિવેક, આ પુસ્તકો મારાં સંતાન પણ છે અને મારા ઘડતરનાં માતા-પિતા-ગુરુ છે.’
‘પણ બા, ત્રણસો ચારસો કે વધારે થોથાં પડી રહીને કબાટો રોકે છે. જો અપ્રાપ્ય ગ્રંથો હોય તો વેચી દઈએ, સારી કિંમત આવશે. ખોટા લાગણીવેડા ન કરો બા, જુઓ પંદર દિવસનો સમય છે. કબાટો ખાલી થવા જ જોઈએ. હવે મારાથી આ કચરો જોયો નથી જતો. મારે આ ઓરડાને ‘બાર’માં ફેરવવો છે.’

સમય આપીને વિવેક ગુસ્સામાં ચાલ્યો ગયો. દાદીમાની આંખોમાં ઝળઝળિયાં જોયાં ન જોયાં કરી આંખના રતન જેવો મૌલિક પણ ચાલ્યો ગયો. દાદીમાએ આંસુના પડદાની આરપાર દીવાલ પર લટકતી છબી પર નજર નાંખી. પોતે દીનાનાથ જોડે સજોડે પડાવેલી એ છબી હતી. આત્માની પૂર્ણતા પ્રગટાવવા જ જાણે બન્નેએ જન્મ લીધો હતો. પતિ-પત્નીને પુસ્તકો, વાંચન, મનન, ચર્ચા ખૂબ જ પ્રિય હતાં. દીનાનાથે અંતિમ ઘડીએ પત્નીને કહ્યું હતું : ‘ચંદન, તારા નામની જેમ તું તારી વિદ્યાની સુવાસ હંમેશાં ફેલાવતી રહેજે. આ બધા ગ્રંથો આપણાં પહેલાં સંતાન છે. એમને જાળવજે.’

શું આજે પોતાનો જ દીકરો, માને આ પુસ્તકોથી અલગ કરશે ? હૈયું હાથ ન રહ્યું અને ચંદનબાના ગળામાંથી ડૂસકું નીકળી ગયું. ત્યાં જ પડોશના વૈકુંઠભાઈ આવી ચડ્યા.
‘ચંદનબહેન, ‘અરનેસ્ટ હેમિંગ્વે’ નું આઈલૅન્ડસ ઑન ધ સ્ટ્રીટ’ છે ને ! મારે એના પર બોલવાનું છે. તમારું એ પુસ્તક મને થોડા દિવસ આપો.’ ચંદનબહેન મોં ફેરવી ગયાં. પણ એમની મનોદશા વૈકુંઠભાઈથી છાની ન રહી.
‘ચંદનબહેન હું તો તમારા નાના ભાઈ જેવો છું. મને કહો શી વાત છે ?’
‘વૈકુંઠભાઈ, મારા રત્નોનો ભંડાર આ પુસ્તકો, મારા દીકરાને કચરો લાગે છે. પસ્તીમાં કાઢી નાંખવા માગે છે.’
આ સાંભળી વૈકુંઠભાઈ અવાક બની ગયા. વિવેકના જીવનનો પવન કઈ દિશા તરફ વાતો હતો તે તેમનાથી છાનું ન હતું : ‘ચંદનબહેન, હજી વિવેક ઠરેલ નથી. ધીરજ રાખો.’
‘પંદર દિવસની મુદત આપી છે. નહીં તો આ પુસ્તકો વેચી મારશે. ભાઈ, કંઈક રસ્તો બતાવો.’

વૈકુંઠભાઈએ બે દિવસ વિચારી માર્ગ કાઢ્યો. એમના દીકરાની, બંગાળાની સ્ટેશનરીની જ દુકાનમાં એક તરફ એમણે આ પુસ્તક ગોઠવી દેવાની યોજના કરી.
‘પણ, વિવેક માનશે ? એ તો એની કિંમત ઉપજાવવા માગે છે.’
‘વિવેકને મન આ કચરો છે ને ! તો કહેજો કે આ કચરો કોઈ લેતું ન હતું. તેથી લાઈબ્રેરીમાં ભેટ આપી દઉં છું.’ ચંદનબહેનને આ રસ્તો ગમી ગયો. બધાં જ પુસ્તકો વૈકુંઠભાઈના દીકરાની દુકાનમાં ગોઠવાઈ ગયાં. અને પોતે લાઈબ્રેરીમાં વાંચન માટે વધુ રોકાય છે, એમ કહી ચંદનબહેન પણ ત્યાં વધુ રહેવા લાગ્યાં.

એક દિવસ સ્ટેશનરીની દુકાનમાં ખરીદી કરવા એક યુવક અને યુવતી આવી ચડ્યાં. ખરીદી કરતાં કરતાં પુસ્તકો પર નજર પડી. એમને લાગ્યું કે વેચવા માટેનાં આ પુસ્તકો છે. કબાટના કાચની આરપાર એમણે એમાં ટાગોરનું 1941નું ‘ટાગોર મેમોરિયલ સ્પેશિયલ સપ્લીમેન્ટ’ જોયું.
‘આન્ટી, આ વૉલ્યૂમની કિંમત શી છે ?’
‘આ પુસ્તકો વેચવા માટે નથી.’
‘આન્ટી, આ વૉલ્યૂમ હમણાં જ રીપ્રિન્ટ થયું છે. પણ એની કિંમત દોઢસો રૂપિયા છે. અમારી લાઈબ્રેરીમાં એ પુસ્તક છે. પણ ભાગ્યે જ મળે છે. વેચાતું લેવા જેટલું અમારું ગજું નથી. તમે અમને એ વાંચવા આપી શકશો ? સરક્યુલરેટિંગ લાઈબ્રેરીનો તમારો નિયમ હશે જ. અમે ડિપોઝિટ આપીએ. પંદર દિવસનો ચાર્જ લેજો. પ્લીઝ ! ના ન કહેતા. અમને આ પુસ્તકની બહુ જરૂર છે.’ પોતાના દીકરાને આ પુસ્તકોની કિંમત નથી, કદર નથી. અને વાંચનભૂખ્યા, વિદ્યાભૂખ્યા આ યુવાનો મીટ માંડીને ઊભા છે. એમને નિરાશ કરતાં વિદુષી ચંદનબાનો જીવ ન ચાલ્યો. ડિપોઝીટની રકમ લઈ, એ લોકોનું સરનામું નોંધી લઈ ચંદનબાએ પુસ્તક એ લોકોને આપ્યું. આમ ચંદનબાની સરક્યુલેટિંગ લાઈબ્રેરી શરૂ થઈ. વૈકુંઠભાઈએ દુકાનમાં વધુ વ્યવસ્થા કરી. બીજાં પુસ્તકો પણ વસાવ્યાં. રજિસ્ટર રાખ્યું. મહિને છસો-સાતસોની ડિપોઝિટ તથા વાંચનના ચાર્જની કમાણી થવા લાગી. એક મદદનીશને પણ ચંદનબાએ નોકરીએ રાખી લીધો. ચંદનબાનું જીવન ફરી મહેકી ઊઠ્યું. જ્ઞાનની ગંગાની પરબ વહેવડાવવામાં જાણે પોતે કારણભૂત થયાં અને પતિની ઈચ્છા પૂરી થતાં પોતાની ગ્લાનિ પણ દૂર થઈ. કંઈક કામ મળ્યું. વૈકુંઠભાઈનો પણ કમાણીમાં ભાગ રાખ્યો. વિવેકને આ વિષે કશી જાણ હતી જ નહીં. એને ક્યાં દરકાર હતી ?

એક વખત પ્રોફેસર હરિહરનજી દુકાને આવ્યા. પોતાની ઓળખ આપી ડિપોઝીટ વગેરે ભરી ચંદનબા પાસેથી ‘વિચાર સાગર’ નામનો ગ્રંથ લઈ ગયા. ચંદનબા સાથેની વાતચીતથી પ્રભાવિત થતા એમને સમજાઈ ગયું કે આ મહિલા ફક્ત પુસ્તકવિક્રેતા કે સંગ્રાહક નથી પણ કોઈ વિદુષી નારી છે. ગ્રંથ લઈ એમણે વાંચ્યો. પણ એક પ્રશ્નમાં ગૂંચવાઈ ગયા. પંદરમે દિવસે પુસ્તક પાછું આપવા જતા, એમણે પુસ્તકના પાના પર લખાયેલું નામ, જુદુ નોંધી લીધું. ‘ચંદન દીનાનાથ ત્રિવેદી’. એમને ખાતરી જ હતી કે પુસ્તક આપનાર જ ચંદનબહેન હશે.’ દુકાનમાં તે દિવસે ચંદનબા ન હતાં. મદદનીશે કહ્યું કે નવરાત્રી હોવાથી ઘરમાં માતાજીની સ્થાપના છે. તેથી ચંદનબા રોજ નથી આવતાં.

ઘરનું સરનામું લઈ પ્રોફેસર હરિહરનજી ચંદનબાને ઘેર પહોંચ્યા. મા આદ્યશક્તિની પૂજા કરતા દાદીમાની બાજુમાં મૌલિક ઊભો હતો. તેણે પ્રોફેસરને જોયા.
‘સર ! આપ અહીં ?’
‘હા, તું આ ઘરનો દીકરો છે ?’ પોતાની કૉલેજના વિજ્ઞાનના પ્રોફેસરનું મૌલિકે સ્વાગત કર્યું. પિતા વિવેકને બોલાવી પરિચય કરાવ્યો.
ચંદનબાએ પૂછ્યું : ‘આપ અહીં કેવી રીતે ?’
‘આપનું પુસ્તક વિવેક સાગર દુકાને પાછું આપવા ગયો હતો. બહેન, આપે આ પુસ્તક કેટલી વાર વાંચ્યું છે ?’
‘પ્રોફેસરસાહેબ, વાંચવા ખાતર મનુષ્ય વાંચે એમાં એના પર મનન, ચિંતન, નિદિધ્યાસન કરવા વાંચે એમાં ફેર છે. તો જ વાંચનની સાર્થકતા કહેવાય. એટલે કેટલી વાર એ કેમ કહું ?’
‘બહેન, મને વિશ્વાસ છે કે હું એક વિદુષિત મહિલાની પાસે જ મારા પ્રશ્નોના ઉકેલ શોધવા આવ્યો છું. મારી શંકા છે, ઈશ્વર નિરાકાર છે, સિદ્ધાંતસાગર પ્રમાણે અનુપાન પ્રમાણથી એને પામી શકાય. પરંતુ આજનો જમાનો, આજનું યુવામાનસ એનું પ્રમાણ માંગે છે.’
‘પ્રોફેસર સાહેબ આપની સામે વિદ્વત્તા ભરી ચર્ચા કરી શકું એટલી તો મારી આવડત નથી જ. પરંતુ મારી સમજ પ્રમાણે એક દષ્ટાંત આપુ. ખુલ્લી છત ઉપર એક છલોછલ જળ ભરેલું વાસણ મૂકો. એમાં આકાશનું પ્રતિબિંબ પડશે. તો શું આકાશનો આકાર એ પાત્ર જેવો છે ? આકાશ તો નિરાકાર છે.’
‘વધુ પ્રકાશ પાડો તો હું ધન્ય થઈશ બહેન.’
‘મને શરમાવો નહીં પ્રોફેસરસાહેબ ! ક્યાં આપની વિદ્વત્તા ને ક્યાં હું ? છતાં એક નાનકડો દાખલો આપું. કોઈ પણ રાગ-રાગિણી લો. એ તો નિરાકાર છે. પરંતુ અમુક ચોક્કસ સરગમથી બંદીશથી એને ગીતમાં ગવાય તો ? એ નિરાકાર રાગ-રાગિણી ભુપાલી કે દુર્ગા વગેરે બની જાય છે. આ જ પ્રત્યક્ષ પ્રમાણ છે. શબ્દ અને સૂર બન્ને કરાવે છે, અભિવ્યક્તિ અને એના આહલાદ કરાવે છે. એ અનુભૂતિ થઈ રસતૃપ્તિ. એ આહલાદનો સાક્ષાત્કાર એ જ ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ.

‘ચંદનબહેન, સંપૂર્ણ સંતોષ થયો. આપના જેવી બુદ્ધિમાન મેઘાવીને મારા વંદન છે. મૌલિક ! વિવેકજી ! બંને બડભાગી છો કે આવી જ્ઞાનગંગા તમારા ઘરમાં છે. એ જ્ઞાનગંગાના જળનું પાન થાય તેટલું કરજો. બીજું કાંઈ નહીં તો એમણે વાંચેલાં પુસ્તકોનું ટિપ્પણ જ મૌલિક તું વાંચીશ તો બસ છે.’ વિવેકને પોતાની માતાની પ્રતિભાનું સાચું જ્ઞાન થયું. અને પુસ્તકો પાછાં લાવવા માને કહ્યું.
‘વિવેક ! એ પુસ્તકાલય તો માનવ પરીક્ષાનું માધ્યમ બની રહ્યું છે. હરિહરનજી જેવા ગુણીજન પણ આવે. તો ખરીદી ન કરી શકનાર વિદ્યાવ્યાસંગી યુવાનો પણ આવે. એટલે જો હૈયે ઉગ્યું હોય તો જિંદગીને વાંચનથી, વાણી ને વર્તનથી, વિચારથી શ્રીમંત બનાવો. એ જ જીવનની સાર્થકતા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શરણાગતિનો માર્ગ – ડૉ. મોહનભાઈ પટેલ
દગલબાજીની ઈમારત – બચુબેન લોટવાળા Next »   

21 પ્રતિભાવો : જ્ઞાનગંગા – વનલતા મહેતા

 1. pragnaju says:

  “જો હૈયે ઉગ્યું હોય તો જિંદગીને વાંચનથી,
  વાણી ને વર્તનથી, વિચારથી
  શ્રીમંત બનાવો.
  એ જ જીવનની સાર્થકતા” આ સાર્થક જીવનની ચાવી
  વાર્તામાં સરસ રીતે વણી- જે અંતર સોંસરવી ઉતરી જાય!

 2. કલ્પેશ says:

  મોડેથી પણ વાંચવાનો શોખ જાગ્યો અને સદભાગ્યે સારુ સાહિત્ય રીડગુજરાતી દ્વારા મળ્યુ.
  આ જ્ઞાનગંગા શરુ કરવા માટે મૃગેશભાઇનો આભાર માનીએ એટલુ ઓછુ.

 3. એ પુસ્તકાલય તો માનવ પરીક્ષાનું માધ્યમ બની રહ્યું છે…
  હૈયે ઉગ્યું હોય તો જિંદગીને વાંચનથી, વાણી ને વર્તનથી, વિચારથી શ્રીમંત બનાવો. એ જ જીવનની સાર્થકતા.

  ખરેખર સરસ વાત….

 4. Mahendi says:

  read gujarati is doing a same thing for us as like chandanba……….. this website provide us really nice reading material for everyday.
  thnx to readgujarati………..

 5. kalpna says:

  See the amazing way God worked in her life….
  Sometimes trouble comes in our life to put us in a better position.
  So its good in a way that her son asked to remove books and she didnt give up….
  Very encouraging and teaches us a lesson….
  Thanks.

 6. ભાવના શુક્લ says:

  બહુ જ સરસ વાત.

 7. Ramesh Patel says:

  સાહિત્યની રસધારા મનને તરંગીત કરે એરીતે વહી છે.સુંદર બોધપ્રદ વાર્તા .આભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 8. Paresh says:

  સુંદર લેખ.

 9. sujata says:

  અમે તો ડૂબ્ી લ ગાવી ચૂક્યા ………..ને ધ ન્ય થઇ ગ્ યા…………

 10. Chandni says:

  ખુબ સરસ વાત કહી છે ચંદન બા એ.

 11. Mohit Parikh says:

  Its a very nice article. Its so obvious and makes so much sense…

 12. રત્નોની કીંમત ઝવેરી જાણે. સાહિત્યની કીંમત વાચન રસીક જાણે. ગંગામાં ડૂબકી શ્રદ્ધાળુઓ લગાવે અને માછલીઓ પણ નહાય પણ ભાવ પ્રમાણે તેના ફળમાં ફેર છે. ચંદનબાની જ્ઞાનગંગામા સ્નાન કરીને પાવન થવાયું.

 13. Vaishali Maheshwari says:

  Amazing story. This story proves the statement right, “Everything that happens, happens for the good”.

  If Chandanba’s son Vivek would not have ordered her to trash or sell those books, possibly she would not have been able to open her “Gyan Ganga” library sort of.

  The concluding part of the story is pleasing. Atlast after sometime, the family members came to know the importance of books and the knowledge that Chandanba possessed.

  Chandanba is a grandmother, so she might be pretty old. At this age also, she is happy and satisfied with her life because of her reading and making others ready hobby. I wish all of us have one such hobby in our lives which would allow us to stay busy, happy and would be our best friend till the end of of our lives.

  Thank you Author for this wonderful story.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.