- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

દગલબાજીની ઈમારત – બચુબેન લોટવાળા

રવિવારનો દિવસ હતો. વાતાવરણ કંઈક શાંત હતું. રજા હોવા છતાંએ મુરારજી શેઠને કંઈક અગત્યનું કામ હોવાથી તૈયાર થઈ બેઠા હતા અને કોઈના આવવાની વાટ જોતા હતા. બેઠા બેઠા કોઈ મહાન પ્રશ્નો ઉકેલવામાં ગુંથાયેલા હોય એમ તેમની મુખમુદ્રા ઉપરથી જણાતું હતું. કંઈક વિચારીને અંતે તે એકદમ બોલી ઉઠ્યા : ‘સાલો હજી કેમ આવ્યો નહિ ?’ આ શબ્દો તેમનો રોફ અને ગુમાનીપણું પૂરવાર કરવાને પૂરતા હતા.

મુરારજી શેઠ સૂર્ય મિલના માલીક હતા, એટલું જ નહિ પણ મિલમાલીકોની મંડળીના પ્રમુખ હતા. તેથી તો એમનામાં બહુ ઘમંડ આવી ગયું હતું. પોતાની જાહોજલાલીના નશામાં તેમને ગરીબોનાં દુ:ખનું અને તેમને નડતી અગવડોનું જરાએ ભાન ન હતું. બોલાવવા મોકલેલા જૉબરને આવતાં મોડું થયું એટલે લાલ પીળા થયેલા શેઠ એકદમ ઉઠ્યા અને ઉપરના શબ્દો તેમના મુખમાંથી સરી પડ્યા; પણ તેટલામાં જ જોબર આવી પહોંચ્યો.
‘કેમ મગન, રસ્તામાં ઊંઘી ગયો હતો ? હું ક્યારનો ખોટી થાઉં છું ને !’ શેઠ ચીડાઈને બોલી ઊઠ્યા.
‘શેઠ, ચાલીને આવવાનું એટલે વાર તો લાગે ને ? મોટર હોત તો પાંચ મિનિટમાં હાજર થાત.’ મગને જરા હિંમત કરીને કહ્યું.

શેઠને પોતાનું કામ કઢાવી લેવું હતું એટલે ગુસ્સે ન થતાં એકદમ મુદ્દાની વાત પર આવ્યા. તેમણે કહ્યું : ‘મગન ! તારા હિતની એક વાત કહેવા મેં તને બોલાવ્યો છે. તારું દળદળ ફીટાડવું હોય તો મારી શરત કબૂલ કર. મારું કામ પાર પાડીશ તો તને જિંદગી સુધીનું મહેનતાણું બાંધી આપીશ અને થોડી જમીન પણ આપીશ તે જુદી. બોલ, તારો શું વિચાર છે ?’ શેઠ અધીરાઈથી એના મોઢા સામું જોઈ રહ્યા. મગન એક ક્ષણભર વિચારમાં પડ્યો; પણ જિંદગીની આ અણમોલ તક ગુમાવવાનું તેને ઠીક ન લાગ્યું. એની ગરીબાઈએ તેને ચળાવ્યો અને આખરે શેઠ જે કહે તે કરવાનું તેણે કબૂલ કર્યું.

‘જો મગન ! હાલની મંદીને લીધે આપણા કાપડનો ઉપાડ બહુ ઓછો થઈ ગયો છે. આપણી પાસે એટલું બધું કાપડ એકઠું થઈ ગયું છે કે મિલો બંધ કર્યા વગર ચાલે તેમ નથી; પણ તેમ કરવામાં મારી પ્રતિષ્ઠા જાય તેમ છે. એટલે એક જ રસ્તો છે કે, તું તારા સાથીઓને સમજાવીને કે ઉશ્કેરીને પણ હડતાલ પડાવ. તમારા સંઘમાં તારી ઠીક લાગવગ છે એટલે તને બહુ મુશ્કેલી નહિ નડે. જો આમ નહિ થાય અને મારે મિલ બંધ કરવાનો વારો આવશે તો તારો રોટલોએ બંધ થશે એનો બરાબર વિચાર કરીને જવાબ આપજે.’ કદાચ પોતાના સાથીઓને દગો દેતાં તેને ક્ષોભ થાય એટલા માટે શેઠે તેના સ્વાર્થની વાત આગળ મૂકી.

શેઠ એમાં ફાવ્યાએ ખરા. મગનને પોતાના સ્વાર્થ આગળ બીજું બધું તુચ્છ લાગ્યું. આખરે તો એ જોબરજને ! લક્ષ્મીની લાલચને એ ઠોકરે ન મારી શક્યો. ‘શેઠ, તમારી શર્ત મને કબૂલ છે.’ એટલું બોલી તે ત્યાંથી ચાલી ગયો. પોતાની પ્રતિષ્ઠાને ખાતર કામદારોને ઉંઘે રસ્તે દોરનાર, પોતાના ખજાનાના પૈસા ઓછા થઈ જવાની બીજે હજારો કામદારોની રોટી લૂંટી લેનાર, આ સ્વાર્થી કીડાને એક કામદારને ખરીદી લેતાં વાર ન લાગી. તે તો પોતાની બાજીમાં ફાવવાથી પૂરઆનંદમાં આવી ગયો.

આ શેઠનો પ્રવીણ નામનો એકનો એક લાડકવાયો પુત્ર હતો. પ્રવીણને કંઈ થાય તો શેઠ અરધા અરધા થઈ જતા. પરંતુ તે સામ્યવાદ તરફ ઢળી ગયો હતો તેની શેઠને બહુ ચિંતા થતી હતી. મજૂરોનાં લોહી ચૂસનારથી કોઈ મજૂરોનો પક્ષપાત કરે એ કેમ કરીને સહન થાય ! એ પ્રવીણે મગન સાથેની પિતાની વાતચીત બીજા ખંડમાંથી છાની રીતે સાંભળી અને શેઠની બાજી ઊંધી વાળવાનો તેણે સંકલ્પ કર્યો. તરત જ મજૂરસંઘના મંત્રીને મળીને તેણે બધી પરિસ્થિતિ એને સમજાવી અને તેણે તેમજ મંત્રીએ મળીને શેઠની બાજી ઊંઘી વાળવાની તમામ યોજના ઘડી નાખી. હડતાળની વિરુદ્ધ કામદારોના મત કેળવવાનો તેમણે નિશ્ચય કર્યો. મજૂરોની અંદર કામ કરવામાં પ્રવીણને કંઈક અનેરો આનંદ લાગતો હતો. અઘટિત અને અન્યાયી સમાજવ્યવસ્થાના ભોગ થયેલા કામદારો માટે કામ કરતાં તેને જિંદગીનું સાર્થક થતું લાગ્યું. એશઆરામનો જરા પણ વિચાર કર્યા વિના મોડી રાત સુધી તે કામ કર્યા કરતો. થોડા દિવસ સુધી તો તેના પિતાને આ વાતની ખબર ન પડી, પણ એક દિવસ જોબરે આવી તેમને વસ્તુસ્થિતિથી વાકેફ કર્યા.

શેઠે એકદમ પ્રવીણને બોલાવી ખૂબ ઠપકો આપ્યો અને છેવટે તેને વારસામાંથી બાતલ કરવાનીએ ધમકી આપી દીધી. પ્રવીણ એ બધું સાંભળી રહ્યો. આમ છતાં પ્રવીણ પોતાના આદર્શમાં દઢ રહ્યો. ગરીબોનાં લોહી ચૂસી એકઠો કરેલો પૈસો તેને હરામ હતો, એટલે શ્રીમંત પિતાની ધમકીની એના પર જરાયે અસર ન થઈ. ઉલટું, બીજા દિવસથી એણે બેવડા જોમથી કામ કરવા માંડ્યું અને વધારે વખત તે કામદારોની સાથે ગાળવા લાગ્યો. કામદારો આગળ સ્વાર્થી માલીકની બાજી ઉઘાડી પાડી તેની જાળમાં ફસી ન પડવાનો તેમને ઉપદેશ આપવા માંડ્યો. જ્યારે જથ્થાબંધ માલ કાઢ્યો હોય પણ તેની માગણી ન હોય તો અંદરનાં માણસોને ઉશ્કેરીને પ્રપંચી માલેતુજાર શેઠીયાઓ હડતાળ પડાવે છે, અને મજુરોનો પગાર ઓછો કરવો હોય ત્યારે મિલો બંધ થયેલી જાહેર કરે છે. આવી રીતે કામદારોના ભોગે તેઓ પોતાની તીજોરીઓ ભરે છે, એ બીના પ્રવીણે તેમના મન પર બરાબર ઠસાવી હતી. રોજના પ્રચારકાર્યને અંતે તે કામદારોમાં વર્ગીય ભાન જાગ્રત કરવામાં સફળ થયો. તેમના શું હકો છે તે તેમને સમજાવવાથી તેમને ટુકડો નાખનારની દયા પર નહિ જીવતાં તેમણે પોતાના હક્ક પર તરાપ મારનારની શાન ઠેકાણે લાવવાનો સંકલ્પ કર્યો.

શેઠના અને મુકાદમના સતત પ્રયાસ પછી પણ જ્યારે હડતાળ પડવાનાં ચિન્હો ન જણાયાં ત્યારે શેઠનો મિજાજ હાથથી ગયો, પણ જ્યાં પોતાનું ઘર જ સળગ્યું હોય ત્યાં બીજાને દઝાડવા જવાથી શું ફાયદો ? એમ વિચારી તેને શાંત થવું પડ્યું. શેઠે એક છેલ્લો પાસો નાખવાનો નિરધાર કર્યો. તેણે પ્રવીણને બોલાવ્યો અને પોતાની પાસે બેસવા કહ્યું, પણ પ્રવીણ તો જાણે પિતાને પડકાર આપવા આવ્યો હોય તેવા દમામમાં જ સામે ઊભો રહ્યો.
‘પ્રવીણ’ મુરારજીએ મમતાનો દેખાવ કરીને કહ્યું : ‘તને પોતાનું ઘર સળગાવતાં જરાએ વિચાર નથી થતો ? શું મેં તને શિક્ષણ આપ્યું તે મારા પગ પર જ કુહાડો મારવા ? એક પુત્ર તરીકેનું ઋણ અદા કરવાને શું તું બંધાએલો નથી ?’ પ્રવીણને તેની ફરજનું ભાન કરાવવા માંડ્યું.
‘મને મારી ફરજનું ભાન કરાવતાં પહેલાં તમે તમારો પોતાનો જ વિચાર કરો. કામદારો પ્રત્યે તમારી કોઈ પણ જાતની ફરજ છે કે નહિ ? તમો આટલું બધું કમાઓ છો તે કોને આભારી છે તે શું તમે સમજતા નથી ? સમજો છો તો ખરા, પણ સ્વાર્થનાં પડળ તમારી આંખ પર ફરી વળવાથી તમે તમારું કર્તવ્યપાલન કરી શકતા નથી.’ પ્રવીણે સીધો જવાબ આપી દીધો.

‘પ્રવીણ દીકરા ! હું આ બધું કમાઉં છું તે કોને માટે ? છેવટે તો બધું તને જ મળશે ને ? મારો એકનો એક તું ! તારી તરફના વહાલ માટે જ હું આ બધું કરું છું ને ?’ શેઠે લાગણીવશ થવા માંડ્યું.
‘જો તમારું વહાલ ગરીબોનાં ગળાં રેંસી મને સુખી કરવામાં સમાતું હોય તો એ વહાલની મને પરવા નથી. એ વહાલ નથી પણ સ્વાર્થના પાયા પર રચાયેલી મારા જેવાને ભોળવવાને ઊભી કરેલી ઠગબાજીની ઈમારત છે.’ પ્રવીણે પિતાનો દંભ ખુલ્લો પાડ્યો.
‘પ્રવીણ બેટા ! તારા પર તો મારા સુખનો આધાર છે. તને મારે માટે લેશ પણ લાગણી નથી ? શું તું મને મારી જિંદગીનાં છેલ્લાં વરસોમાં શાંતિ આપવાને બદલે આમ દુ:ખી કરીશ ? તને કોઈએ ભોળવ્યો છે, તું જરૂર રસ્તો ભૂલ્યો છે; ભાઈ ! મારે ખાતર તારા આ સમાજવાદના ગાંડા વિચારોને તિલાંજલિ આપ અને તારા વૃદ્ધ પિતાને શાંતિની અંજલિ આપ.’ શેઠે ગળગળા થઈને કહ્યું.
‘હું તમને કેવી રીતે શાંતિ આપું ? તમારા કાવાદાવા બંધ કરો તોજ તમને આપોઆપ શાંતિ મળશે. હા, મને તમારે માટે લાગણી હતી, પણ તે દિવસના તમારા મુકાદમ સાથેના દાવપેચ પછી મારી એ કોમળ લાગણીને મેં દફનાવી દીધી છે, અને જે સમાજરચના એવા કાવાદાવા કરવાની તમને ફરજ પાડે છે તેમાં જ ક્રાંતિ કરવાનું મેં પણ લીધું છે. એટલે હવે કોમળ અને સ્વાર્થી લાગણીના પાશમાં હું તણાઈ જઈશ, એમ આપ માનતા હો તો તમે ભૂલ કરો છો. મારે એક વ્યક્તિના સુખ પછવાડે નથી જોવાનું, પણ જનસમૂહના હિત માટે કામ કરવાનું છે. તમારે એ રીતે સુખી થવું છે ? ગરીબોને સીતમની ચક્કીમાં પીસી તેમને જીવતા નરકમાં રહેવાની ફરજ પાડી તમને સુખમાં રહેવાની આશા છે ? અનેક માણસોને દુ:ખી કરી તમને સુખી થવાનો શો અધિકાર છે ? કામદારોનાં છોકરાંઓને અરધાં ભૂખે રાખી તેમને રઝળતાં કરતાં તમને જરાએ વિચાર આવે છે ? જરૂરિયાતને અંગે પગાર વધારવાની આજીજી કરતાં કામદારોને ઠોકરે મારી, મારી પાસેથી લાગણીની આશા રાખો છો ?’ પ્રવીણે બને તેટલા ચાબખા માર્યા.

‘બસ, બહુ થયું. હવે હું વધારે સાંભળવા નથી માગતો. તને ફાવે તેમ કર.’ શેઠે નિરાશ થઈને કહ્યું.
‘હા, મેં મારા ભવિષ્યનો રસ્તો નક્કી કરી રાખ્યો છે. આજથી હું તમારા ઘરમાં એક ક્ષણ પણ રહેવા નથી માગતો. મૂડીવાદ સામે કામદારો પાસે બળતણ તૈયાર કરવી મૂક્યું છે; ફક્ત ચીનગારી મૂકવાની જ બાકી છે. કામદારોમાં જ નહિ પણ ઉગતા જુવાનિયાઓમાં અને ખાસ કરીને પૈસાદારના છોકરાઓમાં પણ એ જ્યોતિ સળગાવી તેમાં આ ક્રુર અને અન્યાયી સમાજરચનાને સળગાવી દેવાનું કામ હું ઉપાડી લઈશ. તમારા વિચારોમાં પરિવર્તન થાય તો જ મને બોલાવજો, નહિ તો તમારી સાથેના મારા સંબંધનો આજથી અંત આવ્યો સમજજો.’ એટલું બોલી પ્રવીણ જુસ્સામાં ત્યાંથી નીકળી ગયો.

મુરારજી શેઠ ફાટી આંખે તેને જોઈ રહ્યા.