રમીલાનું રિસ્ટ વૉચ – ભૂપત વડોદરિયા

[શ્રી રાધેશ્યામ શર્મા દ્વારા સંપાદિત પુસ્તક ‘ભૂપત વડોદરિયાની 27 ચૂંટેલી વાર્તાઓ’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવેલી છે.]

bhupatvadodariyaરમીલાનું ઘડિયાળ ખોવાયું હતું. રમીલા પોતાના રિસ્ટ વૉચને ભાગ્યે જ કાંડેથી અળગું કરતી. બાથરૂમમાં એ ઘડિયાળ કાઢતી અને બાથરૂમમાં જ સ્નાનથી પરવારી ઘડિયાળને કાંડા પર બાંધી દેતી. એની આ ટેવ પર તેના પિતા જગજીવનદાસ ટકોર કરતા : ‘ઘડિયાળને ઘડીક તો અળગું કરતી હો તો, કાંડા પર કેવી છાપ પડી ગઈ છે પટ્ટાની, એ તો જો !’ પિતાની ટકોરના જવાબમાં રમીલાનું મોં જરાક મરકતું પણ સૂચનાનો અમલ એ ભાગ્યે જ કરતી. કોણ જાણે કેમ પણ ગઈ કાલે સાંજે તેણે ઘડિયાળ ઉતારીને ટેબલ પર મૂક્યું અને પછી એ લેવાનું જ ભૂલી ગઈ ! બહેનપણીઓની સોબતમાં, ઠઠ્ઠા-મશ્કરીમાં અને ગુલતાનમાં ઘડિયાળ એને સાંભર્યું જ નહિ અને સવારે જ્યારે સાંભર્યું અને ટેબલ પર જોયું તો ઘડિયાળ ન મળે ! રમીલાએ તો રિસ્ટ વૉચ માટે શોધખોળ શરૂ કરી. કબાટેકબાટ, ટેબલનાં દરેક ખાનાં, બાથરૂમ – ટ્રંક, એકેએક જગા જોઈ વળી પણ ઘડિયાળ ગુમ ! જ્યારે કાંઈક ચીજ ખોવાય ત્યારે માણસ ન જોવાનાં સ્થળો જોઈ વળે છે અને ન ખોળવાનાં સ્થળોએ ખોળે છે. રમીલાએ પણ એકેય જગા બાકી ન મૂકી. રમીલાનો નાનકડો ભાઈ કિશોર પણ બહેનની ઘડિયાળ શોધવાને નિમિત્તે રમકડાં અને બીજી કાચની ચીજવસ્તુ ભરેલાં કબાટ ખોળી રહ્યો હતો. એ કબાટ ભાગ્યે જ એને જોવા મળતાં ! કિશોરના આનંદનો તો કોઈ પાર ન હતો ત્યારે રમીલાની બેચેની પણ બેસુમાર હતી. એને આખા ઘર પર ગુસ્સો ચડ્યો – કેમ જાણે એમની ઘડિયાળ ઘર ખાઈ ગયું ન હોય ? એને એના બાપુજી પર ક્રોધ ચડ્યો : ‘બાપુજીની ટેવ એવી કે અહીંનું ત્યાં અને ત્યાંનું અહીં એમ કર્યા જ કરે ! મારી રિસ્ટ વૉચ પણ ક્યાંક મૂકી આવ્યા લાગે છે !’

જગજીવનદાસને રમીલાની ઘડિયાળ ખોવાયાની ખબર પડી એટલે એ રમીલા પાસે આવ્યા. રમીલાનો ચહેરો રડું રડું થઈ રહ્યો હતો. જગજીવનદાસે કહ્યું : ‘હું તો તારી ઘડિયાળને અડ્યો જ નથી. ટેબલ પરથી જાય ક્યાં ?’ રમીલાનાં બા બગીચામાંથી આવી પહોંચ્યાં : ‘કેમ રમીલા ! શી છે આટલી ધમાલ ?’
જગજીવનદાસે રમીલાની રિસ્ટ વૉચ ખોવાયાની વાત કરી. રમીલાનાં બા જરા ઉગ્ર સ્વભાવનાં ખરાં. એ કારણે મા-દીકરી અનેક વાર નાનીમોટી વાતમાં ચડભડી ઊઠતાં. જગજીવનદાસનો સ્વભાવ ગુલાબી એટલે એ બન્નેને ઠંડાં પાડે. રમીલાએ રડમસ અવાજે કહ્યું : ‘આ ઘર એવું છે કે કંઈ પણ ઠેકાણે પડ્યું જ ન રહે !’

રમીલાનાં બા ભાગીરથીબહેન ભાગ્યે જ નિરુત્તર રહી શકે. એ બોલ્યાં : ‘એમાં ઘર શું કરે ? જ્યાં-ત્યાં ચીજવસ્તુ મૂકતાં ન ફરીએ તો ?’
રમીલા ચિડાઈ ઊઠી : ‘જ્યાં-ત્યાં કેમ ? ટેબલ પર તો મૂક્યું હતું. હું તો મારે કાંડે જ ઘડિયાળ બાંધી રાખું છું પણ રોજ તમે બધાં કહ્યાં કરો છો કે ઘડિયાળને ઘડીક તો કાઢી નાખ ! એટલે મેં વળી સાંજે કાઢ્યું. કોણ જાણે કોણ અડ્યું હશે ?’
રમીલાનાં બા ભાગીરથીબહેન દલીલની તક ભાગ્યે જ જતી કરી શકતાં. એમણે કહ્યું : ‘જો રમીલા ! ઘરમાંથી કોણ અડે ? હું અને તારા બાપુજી તો જાણતાં જ નથી. કિશોરને બિચારાને ખબર નથી. આપણાં કામવાળાં હાથનાં એવાં ચોખ્ખાં છે કે ઘડિયાળ તો શું પણ આપણું ભૂલેચૂકે કાંઈ આડુંઅવડું પડ્યું હોય તોય આપી દે. છતાં કાશીને પૂછવું હોય તો પૂછ જો રમીલા ! તને સાચું કહું તો કડવું લાગશે પણ રાત્રે તારી બહેનપણીઓ અને તું ‘હાહાહીહી’ કરતાં હતાં તે એમાંથી કોઈ નહિ લઈ ગયું હોય એની શી ખાતરી ?’
રમીલા ભભડી ઊઠી : ‘એવાં કોઈનાં ખોટાં નામ ન લઈએ. મારી બહેનપણીઓ એવી ચોર નથી કે તમે કોઈનું નામ લો છો ! આપણે એક જ શાહુકાર અને બીજા બધા ચોર હશે ?’

રમીલા તો માંડી હીબકવા. તેને હીબકતી જોઈને જગજીવનદાસ મૂછમાં હસ્યા : ‘ભારે ભોળી છોકરી !’ રમીલા સત્તર વર્ષની કન્યા હતી. પાતળી, ઠીક ઠીક ઊંચી અને સુડોળ બાંધાની રમીલા દેખાવડી લાગે. તે મૅટ્રિકમાં અભ્યાસ કરતી હતી. પિતા શ્રીમંત વેપારી અને પ્રતિષ્ઠિત નાગરિક એટલે રમીલા લાડકોડમાં ઊછરી હતી. એના શોખ પિતા પૂરા કરતા. ભણવા ઉપરાંત એ સંગીતના વર્ગમાં પણ જતી. રમીલાનો સ્વભાવ મળતાવડો અને પ્રેમાળ એટલે એને બહેનપણીઓ ઘણી. છતાં રમીલા અને મીનાક્ષીનાં સખીપણા તો અનોખાં જ હતાં. બન્ને એકબીજાનાં ગાઢ મિત્રો. મીનાક્ષી મધ્યમ વર્ગનાં માતાપિતાની પુત્રી હતી. ભણવામાં તે હોશિયાર હતી અને રમીલાના પિતા સુદ્ધાં તેની હોંશિયારી અને ચાલાકીનાં વખાણ કરતા. મીનાક્ષીના પિતાની સ્થિતિ સામાન્ય એટલે મીનાક્ષી માટે તે ઝાઝું ખર્ચ કરી ન શકતા. તેનો પહેરવેશ સુઘડ અને સ્વચ્છ રહેતો. ગમે તેવું સાદું વસ્ત્ર તેને શોભતું. પહેરવેશની સૂઝ તો મીનાક્ષીની જ. સાધારણ સ્થિતિની મીનાક્ષી પ્રત્યે રમીલાને કુદરતી રીતે જ આકર્ષણ થયેલું. મીનાક્ષી પ્રત્યેની તેની સહાનુભૂતિ એક યા બીજા સ્વરૂપે હંમેશાં પ્રગટ્યા જ કરતી. મીનાક્ષી ઉપરાંત રમીલાને તેના પિતાના મિત્રોની પુત્રીઓ સાથે દોસ્તી ખરી. એ દોસ્તી બહુ ગાઢ નહિ. પણ હળવામળવાના, એકબીજાને ત્યાં જવા-આવવાના અને રમવા-જમવાના સંબંધો પૂરતી મર્યાદિત. મીનાક્ષી સિવાયની બીજી બહેનપણીઓ ‘મિજલસના મિત્રો’ જેવી જ.

ગઈ કાલે રાતે જ રમીલાએ આર્થિક અને સામાજિક રીતે પોતાના દરજ્જાની ચારેક બહેનપણીઓને પોતાને ઘેર નિમંત્રી હતી. મીનાક્ષી તો ખરી જ. દરેક વખતે મીનાક્ષી તો અપવાદરૂપ ગણાતી. તેની બહેનપણીઓ ઉષા, જયા, ગીતા અને શોભના ગઈ રાત્રે આવેલી ત્યારે છયે સખીઓએ મિજલસ જમાવેલી.

જગજીવનદાસે પત્નીને કહ્યું : ‘તું રમીલાની બહેનપણીઓનું નામ લે છે પણ તે બહેનપણીઓ કોણ છે તે તું નથી જાણતી. ગઈ રાત્રે એક તો આવી હતી ઉષા. ઉષાને તું ક્યાં નથી ઓળખતી ? કુંદનલાલ ડૉક્ટરની દીકરી – એ તો તારી રિસ્ટ વૉચ ન જ ચોરી જાય ! ત્યારે મનોહરલાલ જજની ગીતા તો એવી ઘડિયાળમાં જીવ ઘાલે ખરી ? જ્યાને ઘેર શો તોટો છે ? એની કને તો એકને સાટે બે કિંમત રિસ્ટ વૉચ છે. એ થોડી જ લે ? શોભના છોકરી માટે એવો વિચાર જ કેમ થાય ? શોભનાના બાપને ત્યાં મારાથી બમણું છે. ત્યારે બીજું કોણ લે ?’
ભાગીરથીબહેન દલીલ કર્યા વિના રહે ખરાં ? બોલવા ખાતર જ એ બોલ્યાં અને બાફ્યું : ‘કેમ, પેલી મીનાક્ષીને ભૂલી જાવ છો ? કહોને કે એનો બાપેય પૈસાદાર છે !’
રમીલા છંછેડાયેલી નાગણ પેઠે વળ ખાઈ ઊઠી : ‘તારી ઘડિયાળ પડી ચૂલામાં ! મીનાક્ષીનું નામ લઈશ મા ખોટું ! તું બહુ શાહુકાર છે તે ખબર છે બધાને ! બોલતાં તો બોલી પણ હવે ફરી વાર બોલીશ મા. મીનાક્ષી ભલે ગરીબ રહી પણ એ ચોર નથી. બધાં કરતાં સાત દરજ્જે સારી છે. એ જો આ સાંભળે તો આપણા ઘરમાં પગ પણ ન મૂકે….’
ભાગીરથીબહેન કૂદી પડ્યાં : ‘પગ ન મૂકે તો એને કોણ તેડવા જાય છે ?’
રમીલા : ‘મેં તને કેટલી વાર કહ્યું ? હું એને તેડવા જાઉં છું. લે – કહેવું છે તારે કાંઈ ? મીનાક્ષીનું નામ લઈશ નહીં. – જો એનું નામ લઈશ તો મારે અને તારે નહિ બને – હા, તને કહી દઉં છું ! હમણાં જ એ સ્કૂલે જવા આવશે. જો તું કાંઈ બોલીશ તો જોયા જેવી થશે – હા, તને કહી દઉં છું !’ રમીલા હીબકવા લાગી. પોતાની સૌથી પ્રિય બહેનપણી પર આવો આક્ષેપ થાય તે રમીલાને અસહ્ય લાગ્યું. એ હીબકતી રહી. ઘડિયાળનું ગુમ થવું એ ગૌણ વાત થઈ ગઈ. મા-દીકરીનો ઝઘડો મુખ્ય બની ગયો. બહેનપણી પર ખોટો આક્ષેપ એને મન મોટી વાત બની ગઈ.

સાડા દસ વાગી ગયા. રીસ અને દુ:ખથી રમીલા એમ ને એમ બેસી રહી. પોણાઅગિયાર વાગ્યે મીનાક્ષી આવી. મીનાક્ષીને જોતાં જ રમીલા એકદમ ઊભી થઈ ગઈ. બાથરૂમમાં જઈને એણે આંસુથી ખરડાયેલો પોતાનો ચહેરો ધોયો અને જમ્યા વિના ચોપડીઓ લઈને ચાલી નીકળી. રમીલાના વર્તનથી મીનાક્ષીને નવાઈ લાગી. રમીલા આટલું બધું કેમ રડી હશે ? ઘરનું વાતાવરણ કેમ બગડેલું લાગતું હતું ? તેનું મોં પડી ગયું – તે બેચેન બની ગઈ. મૂંગી મૂંગી ચાલી આવતી રમીલાને અધવચ્ચે અટકાવી મીનાક્ષીએ પૂછ્યું : ‘કેમ રમીલા ! શું થયું ? આટલું બધું કેમ રડી છે ? ઘરમાં કાંઈ બન્યું છે ?’
રમીલાએ રિસ્ટવૉચ ગુમ થયાની વાત કરીને કહ્યું : ‘આજે તો હું બા સાથે ખૂબ ઝઘડી પડી. રિસ્ટ વૉચ કદાચ તેં ચોર્યું હોય એવો બાએ આક્ષેપ કર્યો ત્યારે તો મારાથી ન રહેવાયું. કદાચ મારી બા કાંઈ બોલી જાય તો ખોટું ન લગાડતી, હું તારી માફી માગું છું. અલબત્ત, તારા સ્વમાન પર એ કેવો ઘા કહેવાય એ હું જાણું છું, પણ મારી બાને કાંઈ સમજણ નથી. મનમાં કાંઈ લાવતી નહિ. મારા સોગંદ દઉં છું. માઠું નહિ લગાડે ને ?’

રમીલાની આંખમાં ઝળઝળિયાં હતાં. મીનાક્ષી એકીટશે મિત્રવત્સલ રમીલાના આંસુભીના નિર્દોષ ચહેરાને જોઈ રહી. એની આંખોમાંય આંસુ ભરાઈ આવ્યાં : ‘રમીલા ! આ તો બહુ ખરાબ થયું. ઘડિયાળ મેં લીધી છે !’
રમીલાના મોં પર અનર્ગળ આશ્ચર્ય ઊપસી આવ્યું. એ બે ઘડી મૂંગી રહી અને પછી એણે વિચારી લીધું હોય તેમ કહ્યું : ‘ના, મીનાક્ષી ! હું એ વાત માનતી નથી. ઘડિયાળ તું લે તે બને જ નહિ. તું મારી મશ્કરી કરે છે ?’
મીનાક્ષી દુખિત સ્વરે બોલી : ‘મશ્કરી કરતી નથી પણ મેં મશ્કરી કરી હતી. મેં મશ્કરી કરવા માટે જ તારું રિસ્ટ વૉચ સંતાડ્યું હતું. પણ જતાં સુધી મને સાંભર્યું જ નહિ. મને થયું કે કાલે જ કહીશ. રમીલા ભલે શોધી શોધીને થાકે. પણ આવું બની જશે તેની મને કલ્પના નહોતી. મેં મશ્કરી કરી હતી. તું બીજું કંઈ તો ધારતી નથી ને ?’

રમીલા ગળગળા સાદે બોલી : ‘શું તુંય તે ! તુંય અડધી મારી બા જેવી જ છે ને ? હું તે શું એમ માનતી હોઈશ કે તું ઘડિયાળ ચોરી જાય ? તેં મશ્કરી જ કરી હશે, પણ મને એ કેમ યાદ આવ્યું નહિ હોય ? હું ય કેવી ઉતાવળી કે નકામી હોહા કરી મૂકી. હોહા ન કરી હોત તો મારી બા સાથે સવારમાં જ ઝઘડવું તો ન પડત.’ બાનો વિચાર આવતાં જ રમીલાને હવે પછીની પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો.. રમીલા વિચારી રહી : હું ઘડિયાળ ઘરે લઈ જઈશ અને બાને કહીશ કે મીનાક્ષીએ મારું રિસ્ટ વૉચ મશ્કરીમાં જ લીધું હતું તો બા એ વાત માનશે ખરી ? એ તો કહેવાની : ‘અરે ! એવી તે મશ્કરી હોય ? મશકરી નહિ કરી હોય પણ ઉપાડી જ ગઈ હતી; આ તો તેં ઘડિયાળની વાત કાઢી અને મારી બાને તારા પર શક ગયો છે એમ કહ્યું એટલે બાઈસાહેબે ફેરવી તોળ્યું : ‘મેં તો મશ્કરી કરી હતી !’ કોઈ એવી મશ્કરી કરે ખરું ? જાણે બધાં નાનાં છોકરાં હશે તે એની વાત સાચી માની લે.’

રમીલાને વિચારમાં પડી ગયેલી જોઈને મીનાક્ષી બોલી : ‘કેમ હજુ શો વિચાર કરે છે ? રિસ્ટ વૉચ બતાવી બાને સાચી વાત કહી દેજે. હવે શી મૂંઝવણ છે ?’
રમીલાએ કંઈક નિશ્ચય કર્યો હોય તેમ બોલી : ‘હા, મીનાક્ષી ! ક્યાં છે ઘડિયાળ ?’ મીનાક્ષીએ બ્લાઉઝના ખિસ્સામાંથી રિસ્ટ વૉચ કાઢીને રમીલાના હાથમાં મૂકતાં કહ્યું : ‘લે. હાય મશ્કરી ! આ તો બધું ઊંઘું વેતરાયું !’ રડી રડીને સુઝાડી દીધેલી આંખોમાં હાસ્ય ચમકાવતી રમીલાએ કહ્યું : ‘કંઈ ઊંઘું નથી વેતરાયું.’ આટલું કહીને રમીલાએ પોતાનું રિસ્ટ વૉચ બાજુમાં વહેતી ખુલ્લી ગટરમાં નાખી દીધું !
મીનાક્ષીએ અચંબાથી કહ્યું : ‘લે, લે, અલી ! આ શું કર્યું ? તારી બા-’
રમીલાએ હસીને કહ્યું : ‘બરાબર કર્યું છે – જો પાછી રિસ્ટ વૉચ માટે ક્યાંય એક અક્ષરેય બોલી છે તો તારી વાત તું જાણે !’ મીનાક્ષી મોડી મોડી વાતનો મર્મ સમજી અને ખેદભર્યું હસી.

બન્ને બહેનપણીઓને હંમેશ માફક આજે પણ ખુશમિજાજમાં અને હાથમાં હાથ ભરવીને શાળામાં દાખલ થતી સૌ કોઈ જોઈ રહ્યું.

[કુલ પાન : 210. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દગલબાજીની ઈમારત – બચુબેન લોટવાળા
રમુજી ટૂચકાઓ – સંકલિત Next »   

17 પ્રતિભાવો : રમીલાનું રિસ્ટ વૉચ – ભૂપત વડોદરિયા

 1. Paresh says:

  મિત્રતાના સંબંધની સુંદર વાર્તા.
  ‘શું તુંય તે ! તુંય અડધી મારી બા જેવી જ છે ને ?’ માં રમીલાનો તેના કુટુંબ પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત થયેલ છે.

 2. ભાવના શુક્લ says:

  ભૂપત વડોદરિયાની વાતો હંમેશા અંતરંગી અને સ્પર્શી જનારી હોય છે. મિત્રતાના નામ પર બે સુકુમાર હૃદયોની એકબીજા માટેની અંતરંગ વિશ્વાસ અને સ્નેહની વાત અને પ્રમાણ દર્શાવતી વાર્તા ખુબ સરસ રહી.

 3. બાળમાનસ માટે જ્યારે પોતાની નાની નાની ચીજવસ્તુઓનો ઘણો મોહ હોય અને ત્યારે જો દોસ્તીની કિંમત સમજાતી જાય એના કરતાં રૂડું બીજુ શું હોય શકે !!!

  સુંદર વાર્તા … 🙂

 4. pragnaju says:

  હ્રુદય સ્પર્શી વાર્તા
  આવી ભૂપત વડોદરિયાના ઘડાયલા કલમની બીજી વાર્તાઓ અવાર નવાર મૂકશો

 5. કલ્પેશ says:

  સરસ. મૈત્રીને અકબંધ રાખવા અને ખોટો આરોપ ના લાગે એ માટે એ વસ્તુ જ કાઢી નાખી જે કદાચ મનદુઃખનુ કારણ બની જાય.

 6. manher j panchal says:

  dear sir,
  i had seen ur site, “read gujarati .com”,it is very good and some time very useful, gujarati tying is time consuming, all artical are best.
  manher panchal

 7. RAGINI SHAH says:

  ંંંMITRATA PER KALANK NA LAGE TAVI VARTA CHE.DOST HO TO AISA

 8. saurabh desai says:

  sometimes parents are unable to understand the friendship..as they have fear(of someone taking advantage my child) and love for their child….good story….

 9. Pranav says:

  આ વાર્તા ખુબ સરસ રીતે લખાઈ છે એ વાત તો મારે સ્વિકારવી જોઈએ.

  આમ ગુજરાતી મા comment લખવી ઍ મારા માટે જરાક નવો જ અનુભવ છે.
  આ વારતા ખરેખર ખુબ સુન્દર રિતે સાંક્ળી લેવા મા આવી છે.

 10. Axcess cash pay day loan….

  Advance cash loan ny….

 11. mukesh thakkar says:

  Good story ,and to learn in life as well

 12. nayan panchal says:

  સરસ અને હ્રદયસ્પર્શી વાર્તા.

  નયન

 13. Manish Patel says:

  મિત્રતા નિ વાત

 14. Vaishali Maheshwari says:

  Very good story depicting true friendship.

  Thank you Bhupatbhai.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.