સ્વપ્ન સરોવર – રમેશ ઠક્કર

[ મહેસાણામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતા શ્રી રમેશભાઈની કેટલીક કૃતિઓ તેમના પુસ્તક ‘પાનખરનાં પર્ણ’માંથી આપણે થોડા સમય અગાઉ માણી હતી. આજે માણીએ તેમના અન્ય પુસ્તક ‘સ્વપ્ન સરોવર’માંના કેટલાક સુંદર નિબંધો. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 98795 24643 પર સંપર્ક કરી શકો છો.]

[1] દુષ્કર મન જ્યારે સ્મરણોનું વન બની જાય છે ત્યારે…

svapnasarovarબે મિત્રો ઘણાં વર્ષે મળ્યા હતા. ‘કેવા સરસ એ દિવસો હતા !’ એક મિત્રે કહ્યું.
‘ખરેખર જીવનમાં અભાવો હતા, સગવડો કદાચ ઓછી હતી – પણ મજા હતી.’ બીજાએ પ્રત્યુત્તરમાં કહ્યું.
‘આપણે નિયમિત મળતા,… કરતા, એકબીજાની તમામ વાતોથી વાકેફ રહેતા… આજે આપણી પાસે ગાડી છે – સુવિધા છે – અદ્યતન મોબાઈલ ફોન છે – નથી માત્ર સંપર્કનો સેતુ…’

મિત્રએ પૂરું કર્યું. માનવીય સંવેદનાના તંતુઓ નાજુક હોય છે – એને જોડી રાખતો સેતુ એટલે સંબંધ – એનો અહેસાસ અને ખાતરી જ્યાં સુધી તમને થાય ત્યાં સુધી જ તેની સાર્થકતા અનુભવાતી હોય છે. બાકી તો તે દિવસો કેટલા સરસ હતા ! એવું સર્વસામાન્ય વિધાન જ આવી ચર્ચાઓનો અંત હોય છે. આ એક સામાન્ય સરેરાશ પ્રકારની વાતચીતનો અંશ છે પરંતુ તેમાં જે ભાવોની અભિવ્યક્તિ છે તેમાંથી જીવનની ઘણીબધી અસામાન્ય બાબતો ડોકિયાં કરી રહી છે ! સામાન્ય રીતે આપણે કોઈને પણ મળીએ છીએ ત્યારે આપણા મનોજગતમાં તે વ્યક્તિ સાથેનો આપણો ભૂતકાળ જ આપણી વાતનો પ્રધાનસૂર બની રહેતો હોય છે. માણસ માત્રને ભૂતકાળનું જ વળગણ હોય છે, અને તેને વાગોળવાની આદત પણ હોય છે. આ વલણ આમ જોઈએ તો કુદરતી છે. ઈશ્વરે માણસનું મન એવું અદ્દભુત બનાવ્યું છે કે એનો તાગ મેળવવો દુષ્કર છે.

મનમાં સચવાયેલાં સ્મરણો મહામૂલાં હોય છે. આ ઘટનાઓ પ્રત્યેક વ્યક્તિની અંગત મૂડી હોય છે. મનના ખૂણે પડેલી વાતોને માણવી દરેકને ગમતી હોય છે. અને એટલે જ કવિ કલાપી પણ કહે છે કે ‘માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું’. માનવી માત્ર આવી યાદોનું જતન કરતો હોય છે. એમાં ફક્ત સામાન્ય માણસ જ આવું કરે છે તેમ કહેવું યોગ્ય નથી. આપણે જેને મહાન કે સફળતમ વ્યક્તિઓ કહીએ છીએ તે પણ સ્મરણોના જગતમાં સમાન રીતે જ વિહરતી હોય છે ! સાહિત્ય અને લેખનની દુનિયામાં તો ‘અતીતરાગ’નું અનેરું મહત્વ હોય છે. પોતાનાં સ્મરણોની આછેરી ઝલક દ્વારા માણસ કેટકેટલું વ્યક્ત કરતો હોય છે !

દરેક વ્યક્તિનું પોતાનું એક અનુભવજગત હોય છે, પોતાની પ્રતીતિ, પોતાની વાત, સહુ કોઈને મનગમતી લાગે છે – આને અનુભવનો આલાપ પણ કહી શકાય – સ્મરણોની મંજૂષા પણ કહી શકાય, જીવનનું ભાથું કહીને પણ મૂલવી શકાય. પણ એ તમામ ચીજોને ‘અતીતરાગ’ જ કહેવાય ! એક વ્યક્તિ અન્ય વ્યક્તિને મળે એટલે પોતાના જીવનની કોઈ બાબતે ચર્ચા ના કરે એવું ભાગ્યે જ બનતું હોય છે. પ્રસ્તુત વાર્તાલાપમાં પણ બે મિત્રો ઘણાં વર્ષે મળ્યા તેનો આનંદ છે, પરંતુ મૈત્રીના બાગને મ્હેકતો નથી રાખી શક્યા તેનો રંજ પણ છે. દોડધામના આ યુગમાં આપણે એકબીજાને પ્રત્યક્ષ મળી ના શકીએ, પરંતુ તેની સામે ‘કમ્યુનિકેશન’નાં માધ્યમો પણ વધ્યાં છે. તમે પરોક્ષ રીતે પણ મનગમતી વ્યક્તિને મળી શકો છો. આમ છતાં બને છે એવું કે આપણે જાણે એકબીજાથી ‘કટ-ઑફ’ થઈ જઈએ છીએ. સ્પર્ધાનો નિષ્ઠુર માહોલ, ઉચ્ચ જીવનને પામવા કરવી પડતી મથામણોમાં માનવીય લાગણીઓનું જાણે બાષ્પીભવન થઈ જાય છે. દબાતી જતી પ્રત્યેક માનવીય સંવેદનાનું એક ખંડેર ઊભું થતું જાય છે, જે વ્યક્તિને ક્યારેક યાદ અપાવે છે કે આ ભગ્નાવશેષો પણ જિંદગીનો મહત્વનો હિસ્સો છે !

જીવનની પૂરપાટ જતી ગાડીમાં આવા ‘સ્પીડ બ્રેકરો’નું કોઈ ખાસ મહત્વ રહેતું નથી. આમ છતાં પ્રત્યેક માણસની એ તલાશ હોય છે કે કોઈકની સાથે બેસીને પોતાની મનગમતી વાતોને વ્યક્ત કરે ! માનવીય અહેસાસની ઝંખના પ્રત્યેકને હોય છે – તેને કોઈકની સામે ખૂલવું ગમે છે. આવી મથામણથી તેના જીવનમાં તાજગી અનુભવાતી હોય છે અને એટલે જ ક્યારેક પશ્ચાતાપ સાથે કે ક્યારેક દિલગીરીના ભાવો સાથે પણ કોઈ માણસ અન્ય પરિચિત સાથે ભૂતકાળના કોઈ સ્મરણને યાદ કરવાની કોશિશ કરતો હોય છે. નવાઈની વાત એ છે કે આપણી વાત ગમે તેટલી સામાન્ય હોય, મામૂલી હોય તોપણ પ્રત્યેકને મન એ મહામૂલી હોય છે. ‘દુ:ખમાં જીવનની લ્હાણી હતી, કોણ માનશે’ આવું કહેવા પાછળ પણ આવા જ મનોભાવ રહેલા હોય છે.
‘અમારા જમાનામાં શું પિકચરો બનતાં ! અને આજે ?’
આવું કહેનાર એ ભૂલી જાય છે કે માનવી પાસે ત્યારે મનોરંજન માટે માત્ર સિનેમા જ હતું જ્યારે આજે પ્રિન્ટ મિડિયા અને ઈલેક્ટ્રોનિક મિડિયા ઉપરાંત ઈન્ટરનેટનું એક વૈવિધ્યસભર જગત ખડું થયું છે. માણસની રૂચિ અને ‘ટેસ્ટ’માં અપાર વૈવિધ્ય આવી ગયું છે. આ બધામાં ટકી રહેવા માટે આજના કલાકારોએ તનતોડ મહેનત કરવી પડે છે – એટલે ભૂતકાળના કસબીઓ સાથે તુલના કરી એમનું મૂલ્ય ઓછું આંકવું એ પણ અન્યાયી ગણાય. વળી દરેક વ્યક્તિને પોતાની વાતનો એક ગર્વ હોય છે તે બાબત પણ આમાં કારણભૂત હોય છે. જેમાં આપણને સામાન્ય લાગતી ઘટનાનું અસાધારણ બયાન થતું હોય છે. આમાં એક પ્રકારની સાત્વિકતા પણ હોય છે. કેમકે આનાથી ઘણી વાર તો જીવનની ઘટમાળમાંથી ઘડીભર મુક્ત થવાની માત્ર મથામણ જ હોય છે.

વ્યક્તિને સદાય જીવંત કે ઉલ્લાસમય રાખતી બાબત તરીકે ભૂતકાળની નાનકડી વાત, ઘટનાક્રમ કે સ્મરણનું રટણ એક સ્વાભાવિક બાબત તરીકે આપણે ચલાવી લઈએ. પરંતુ પ્રત્યેક બાબતે આપણું વલણ એવું ના હોવું જોઈએ કે આપણો ‘અતીત’ જ મહાન હતો. આપણે અનુભવેલું જગત જ સાચું હતું. કદાચ આજ પણ એટલી જ ભવ્ય હોય અને આવતી કાલ પણ ભવ્યાતિભવ્ય નહીં હોય એવું કોણ કહેશે ? દુષ્કર મન ભલે સ્મરણોનું વન બની જાય – એ વનમાં સમત્વનાં પુષ્પો ખીલે, અખિલાઈની સુગંધ પ્રગટે તો વન અને જીવન વચ્ચેની ભેદરેખા રહેશે નહીં !

.

[2] લક્ષ્ય ઉપર મોડી પહોંચતી ગાડી

એક સુસજ્જ ઑફિસમાં પ્રવેશ કરું છું. ચેમ્બરની બહાર સુંદર નેઈમપ્લેટ જડેલી છે. કલાત્મક અક્ષરોમાં નામ લખેલું છે : ‘શ્રી જે. કે. શાહ’ પરિચિતતાના થોડાક ભાવો અનુભવાય છે. વિશેષ કશું યાદ આવતું નથી. નામમાંથી ઊઠેલી આત્મીયતાની સુગંધ મને ચેમ્બરનો દરવાજો ઉઘાડવા સુધી લઈ ગઈ. હળવેકથી દરવાજો ખોલી હું પ્રવેશ કરું છું તો સામે જ જયવદન શાહ ! મારો બચપણનો દોસ્ત, અનેક પરાક્રમોનો ભેરુબંધ, અત્યારનો જવાબદાર અધિકારી. એક જ ક્ષણમાં મને ઓળખી પાડતાં તુરત જ ભેટી પડ્યો.
‘તું અહીં ક્યાંથી ?’ તેની આંખોમાં આશ્ચર્ય હતું.
‘કહું છું દોસ્ત, બધું જ માંડીને કહું છું.’ ઘણાં વર્ષે મળેલા મિત્રની અધીરાઈ પારખી જતાં મેં કહ્યું.

પછી તો વાતોની જાણે કે પસ્તાળ પડી. જયવદન શાહ જે અત્યારે અધિકારી તરીકે મારી સામે બેઠો હતો તેનો બીજો છેડો તો માત્ર ‘જઈલો’ હતો ત્યાં જઈને અટકતો હતો. અત્યંત સાધારણ સંજોગોમાંથી પ્રયત્ન વડે તે ટોચ ઉપર પહોંચ્યો હતો. અમારી દોસ્તી અતૂટ હતી. વિદ્યાર્થીકાળમાં વાર્ષિક પરીક્ષાના દિવસે તેના ખિસ્સામાં એક કાપલી જોઈ હતી. જયવદન જેવો હોશિયાર વિદ્યાર્થી કાપલી લઈને આવે તે વાત કોઈનાય માન્યામાં ના આવે તેવી હતી.
‘આ શું છે ?’ મેં તેની ઊલટતપાસ કરતાં કહ્યું. બીજી જ પળે તેણે હસતાં હસતાં તે કાપલી મારા હાથમાં મૂકતાં કહ્યું હતું, ‘ઑલ ધ બેસ્ટ દોસ્ત….’ અને તે ચાલ્યો ગયો હતો. મેં જોયું તો કાપલીમાં પરીક્ષાલક્ષી લખાણ નહીં પરંતુ એક સુંદર વિચાર ટપકાવેલો હતો :
‘મહાન માણસો વિચાર વિશે ચર્ચા કરે છે,
સરેરાશ માણસો ઘટના વિશે ચર્ચા કરે છે,
નાના માણસો લોકો વિશે ચર્ચા કરે છે.’

અને હંમેશની માફક તે વખતે પણ તેનો જ પ્રથમ નંબર આવેલો. તેનું લક્ષ્ય હંમેશાં મોટા થવાનું હતું. તે નાની નાની બાબતોમાં સમય બગાડતો નહીં. ‘નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ એ તેનો જીવનમંત્ર હતો. પરિણામ સ્વરૂપે તે સફળ થઈ શક્યો હતો. સામાન્યમાંથી અસામાન્ય થવાની તેની યાત્રા તે માત્ર સુંદર વિચારોના કારણે જ કરી શક્યો હતો. જીવન પ્રત્યેનો અભિગમ દરેક વ્યક્તિ માટે આવો હોતો નથી. પ્રારંભમાં દરેક વ્યક્તિના દિલમાં એક સ્વપ્ન હોય છે, કશુંક કરી નાખવાની મહત્વાકાંક્ષા હોય છે. પરંતુ ધીમે ધીમે માણસની દિશા બદલાઈ જાય છે, રુચિ બદલાઈ જાય છે અને તે સામાન્ય જનસમુદાયનો હિસ્સો બની જાય છે. ઉત્સાહથી થનગનતો યુવાન જોતજોતામાં સાંસારિક ઘરેડમાં એવો જોતરાઈ જાય છે કે આપણને નવાઈ લાગે છે કે શું આ એ જ યુવાન છે જેના ઘટમાં ઘોડા થનગનતા હતા ?

આવું કેમ થતું હોય છે ? લક્ષ્ય પરથી વિચલિત કરનારાં પરિબળો ક્યાં હશે ? વાજબી કારણોને બાજુ ઉપર રાખીએ તોપણ ધ્યેય પ્રત્યેની નિષ્ઠાનો અભાવ અને નાની નાની વાતો પ્રત્યેની આસક્તિ પણ આમાં જવાબદાર હોય છે. એક સુપ્રસિદ્ધ લેખકે વર્ષો અગાઉ મને એક સુંદર અવતરણ ટાંકી આપેલું તે મને આજે પણ બરાબર યાદ છે : ‘જે ગાડી નાનાં સ્ટેશનોએ ઊભી રહે છે તે લક્ષ્ય પર મોડી પહોંચે છે !’ જિંદગીમાં મારી, તમારી કે આપણા સહુની હાલત મહદંશે આવી જ હોય છે. આપણું લક્ષ્ય શું છે તેની બરાબર ખબર હોવા છતાં પણ આપણે તેનાથી અલિપ્ત રહી જતા હોઈએ છીએ. નાની નાની વાતોમાં અટવાઈ પડીએ છીએ. અસંગત લાગતી ક્ષુલ્લક ઘટનાઓની ચર્ચા કરી તેનું જીવપૂર્વક જતન કરીએ છીએ. આવી બાબતોનો જે કેફ હોય છે તે જાણે મજા આપે છે. પરિણામે આવી અસંબદ્ધ બાબતો જ આપણું ધ્યેય બની જાય છે અને પૂરપાટ ઝડપે લક્ષ્ય તરફ દોડેલી આપણી ગાડી કોઈ મોટા સ્ટેશને પહોંચવાને બદલે નાનાં સ્ટેશનોની ‘ખખડપાંચમ’ ગાડી બની જાય છે !

સ્વામી વિવેકાનંદ, જે યુવાનો માટે પ્રેરણાના સ્ત્રોત સમાન છે તેમનું સુંદર કથન છે, ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ ના થાય ત્યાં સુધી મંડ્યા રહો.’ ખરેખર લક્ષ્યપ્રાપ્તિ જ જીવનની ઈતિશ્રી હોવી જોઈએ. બિનજરૂરી બાબતોને રોજિંદા જીવનમાં જરૂર જેટલું જ સ્થાન આપો – પ્રથમ અને આખરી નિશાન તો આપણું ધ્યેય જ હોવું જોઈએ. જગતમાં રોજેરોજ અસંખ્ય ઘટનાઓ બને છે. કેટલીક ઘટનાઓ ચોક્કસપણે આપણા અસ્તિત્વ સાથે સંબંધ ધરાવતી હોય છે. પરંતુ મોટા ભાગે ઘણી વખત તો તેની જાણકારી જ માત્ર આપણા માટે જરૂરી બની જાય છે. મોટા ભાગના બનાવો સાથે સીધી રીતે આપણને કશું જ લાગતું-વળગતું નથી છતાં પણ ઘટનાઓ પ્રત્યેની આપણી આસક્તિ એટલી પ્રબળ હોય છે કે આપણે તેમાં બિનજરૂરી રીતે અટવાઈ જઈએ છીએ.

યુવાન તરીકે કે લક્ષ્યપ્રાપ્તિ માટે પ્રતિબદ્ધ માણસ તરીકે આ બધું આપણા માટે ગૌણ બની જવું જોઈએ. આપણા માટે તો અર્જુનની માફક પક્ષીની આંખ જ મહત્વની છે. ઝાડ, પાન, ડાળખાં બધું જ નકામું છે. કેવળ પક્ષીની આંખ જ મહત્વની લાગવી જરૂરી છે અને એકાગ્રતાપૂર્વક તેને જ નિશાન બનાવી ધ્યેય સિદ્ધ કરવું જોઈએ. પ્રયત્નો પ્રત્યે સાતત્યપૂર્વક વળગી રહેનાર વહેલો કે મોડો સિદ્ધિ મેળવતો જ હોય છે અને ત્યારે જ આનંદની ઘટનારૂપે કોઈક સામાન્ય લાગતો ‘જઈલો’ આપબળે પ્રયત્નપૂર્વક અસાધારણ પ્રતિભા ધરાવતો ‘જે.કે. શાહ’ બનીને દુનિયામાં પોતાનું આગવું સ્થાન અંકિત કરી લેતો હોય છે !

[કુલ પાન : 84. કિંમત રૂ. 65. પ્રાપ્તિસ્થાન : કુસુમ પ્રકાશન. 222, બીજો માળ, સર્વોદય કોમ. સેન્ટર, રિલીફ સિનેમા પાસે, સલાપસ રોડ, અમદાવાદ-380001.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જિંદગાની – ઈશ્વર સુથાર ‘શિલ્પી’
શ્રી રામ સ્તુતિ – વિનયપત્રિકા Next »   

18 પ્રતિભાવો : સ્વપ્ન સરોવર – રમેશ ઠક્કર

 1. Viren Shah says:

  Excellent, very good.

  I liked the story # 2 much. Very true.
  Every action shall be evaluated before taking an action. If the action is not leading towards goal, then don’t take action.

  I always compare this with a concept of Asymptote. An Asymptote is called a line of infinite length. If you there are two lines which are originating from the same point but if there is a 0.1 degree difference between the two lines at origination then the line at every next mile will go further apart. At one distance both lines will be thousand of miles apart.

  Point is that every person’s life starts at one point. As you age, there are small differences between each of the person’s actions. This action makes each one progress differently and at one point you see that the end result is some times way different among the people who probably have started at almost same point in life.

  Why this difference comes into place? Reason being each one evaluates his/her priority and takes action based on that. The priorities change and the course of life changes. Every action shapes life. The person who doesn’t foresee future further gets lost in the Niagara of daily life events and completely loses focus. The daily life errands are so much that the normal people who don’t think of goals just keep on doing things to survive. The boat of life loses direction in the midst of survival myth.

  In such a scenario, this story is an excellent piece of the truth. The train that stops a small station either never reaches to a destination or reaches too late.

  I have my personal experience. At one point, I had an opportunity to go in to a better program, the requirement was to fill out some lengthy forms (3-4 hours). I procrastinated. I wasted time in other Un-important items, went with friends in useless activities. I missed an opportunity, an important one in the life which I regret to date. The priorities if not evaluated on a daily basis, that ruins the whole life. However, opportunities do come again. You may reverse the missed chances too. But the best thing is to stay focused on the work at hand and the work at hand must be progressing towards your goal.

  There is question in my mind when I see a person who is just doing nothing and may be just passing whole day without learning a new thing or doing nothing. I would think why is he doing this? Now there is a director of my department where I work. He may think why this person (myself) passes his whole day in this way (the way I pass it). Now comes Bill Gates who thinks that why the director (of my department) passes the day the way he does. I guess priorities is the property of each person but can make a huge difference if set properly.

 2. CA. JITENDRA J. TANNA says:

  ખુબ સરસ. પ્રેરણાત્મક.

 3. Maharshi says:

  ‘જે ગાડી નાનાં સ્ટેશનોએ ઊભી રહે છે તે લક્ષ્ય પર મોડી પહોંચે છે !’ 🙂

 4. pragnaju says:

  “દુષ્કર મન ભલે સ્મરણોનું વન બની જાય – એ વનમાં સમત્વનાં પુષ્પો ખીલે, અખિલાઈની સુગંધ પ્રગટે તો વન અને જીવન વચ્ચેની ભેદરેખા રહેશે નહીં !” સામાન્યતયા ચૂકી જવાતા ‘સમત્વ’વિવેક અંગે સુંદર અભીવ્યક્તી
  ઘટના કે લોકો કરતાં વિચાર મહત્વનો છે તેનું સરસ નીરુપણ.દાદા ધર્માધિકારીનાં પ્રસિધ્ધ પુસ્તકમાં વિચાર ક્રાન્તી પ્રથમ સ્થાને છે.

 5. ભાવના શુક્લ says:

  લક્ષ્ય પરથી વિચલિત કરનારાં પરિબળો ક્યાં હશે ?
  આ બહુ વિચાર માગી લેતો પ્રશ્ન કોયડો છે. જેના ઉકેલ પર વિચાર કરનારા પણ ઘણુ મેળવી શકે છે.
  ખરેખર લક્ષ્યપ્રાપ્તિ જ જીવનની ઈતિશ્રી હોવી જોઈએ પરંતુ એ લક્ષ્ય કયુ? લક્ષ્ય પ્રાપ્તી એ સતત પ્રયત્ન અને અભ્યાસની વસ્તુ છે પરંતુ લક્ષ્ય શું હોવુ જોઇએ તે સંસ્કારો અને સામાજીક ઘડતરની વસ્તુ છે. જીવનમા લક્ષ્ય પ્રાપ્તીના પ્રયત્નોમા મદદરુપ થનારા પરિબળો કરતા લક્ષ્ય નક્કી કરાવનારા માતા-પિતા-શિક્ષકો-મિત્રોની પ્રથમ જરુર રહેશે…

 6. Amit Lambodar says:

  નાના સ્ટેશન એટલે? કુટુંબી નો પ્રેમ? દોસ્ત ની દોસ્તી? માણસાઈ?

  ઉચ્ચ ધેય્ય કોને કહેવાય? સફળતા/સફળ કોને કહેવાય?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.