આપણે સહુ સરખાં ! – રીના મહેતા

શહેરમાં ને શહેરમાં હું અન્યોની માફક ઘણા પ્રવાસ કરું છું. ક્યારેક લાંબા, ક્યારેક ટૂંકા. ક્યારેક સ્કૂટર પર, ક્યારેક રિક્ષામાં અને ક્યારેક પગપાળા. આ ટૂંકા, ઝડપી, કામસરના પ્રવાસ દરમિયાન મને ઘણીવાર મનને સ્પર્શી જાય તેવાં ઘણાં દશ્યો જોવા મળે છે. આ દશ્યો ક્યારેક આહલાદક, ક્યારેક ગમગીનીપ્રેરક, તો ક્યારેક નિરર્થક હોય છે. હું જોઉં છું માણસોના ટોળાંના ટોળાં. અપરિચિત, એકસરખા, અલગ અલગ વિશ્વ આખું જાણે ત્યારે કીડિયારાંથી ઊભરાતું લાગે છે. મારું ખુદનું અસ્તિત્વ પણ મને કીડિયારાંમાંના સૂક્ષ્મ, ક્ષુદ્ર જીવથી વિશેષ નથી લાગતું. આ અનુભૂતિ ક્યારેક નિરર્થકતાની લાગણી ભણીય દોરી જાય છે.

પણ બહુધા આવું બનતું નથી. ટોળાને બદલે હું માણસોને નિરીક્ષું છું. આ નિરીક્ષણ પણ સાવ અજાણપણે થઈ જાય છે. જો રિક્ષામાં બેઠી હોઉં તો જુદાં, પગપાળા જતી હોઉં તો જુદાં અને સ્કૂટર પર પાછલી સીટે બેઠી હોઉં તો જુદાં માણસો મળે છે, જુદા પ્રકારે માણસો નિરીક્ષવા મળે છે. દાખલા તરીકે, હું મારા ઘરથી નાકા પરની દુકાને ચીજવસ્તુઓ ખરીદવા કે શાકભાજી ખરીદવા ચાલતી જોઉં છું. જો સાંજ ઢળી ગઈ હોય તો એ દુકાને ઘણી ભીડ હશે. અહીં ઉચ્ચ મધ્યમ વર્ગના માણસો કરતાં નિમ્ન વર્ગના માણસો વધુ આવે. છતાં, દુકાનદારના સારા સ્વભાવને કારણે મને ત્યાં જ જવું ગમે. હું મારી ચીજોનું લાંબુ લિસ્ટ એને આપું એટલી વારમાં તો જીથરાળા વાળ, મેલાઘેલાં કપડાં, કાળા વાનવાળા કેટલાય લોકો બે રૂપિયાની ચા, બે રૂપિયાની ખાંડ કે બે રૂપિયાનું તેલ લઈ જાય. શેર ચોખા કે શેર લોટ લઈ જાય. આ લોકો રોજનું કમાઈ રોજનું ખાનારા. પણ એ દરેક સ્ત્રી-પુરુષ લગભગ છેલ્લે એક-બે રૂપિયાનું ગુટખાનું પડીકું અચૂક ખરીદે. મને થાય કે તેલ લેવા ઝાઝા પૈસા નથી અને ગુટખો લે છે ? પાછી ફરું ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હોય છે. શાકભાજી-ફળ વગેરેની લારીઓ પર લોકો ખરીદી કરતાં હોય છે. ઢળતાં સૂર્યનાં કિરણો એમને માળામાં પાછાં ફરતાં પંખી જેવા બનાવી દે છે. કોઈવાર કોઈ ઘરડા દાદાને હઠ કરી હાથ ખેંચી તાણી જતાં ઘસડી જતાં બે તોફાની છોકરાઓય દેખાય છે. કોઈ વાર ઘરડો મોચી શ્રમજીવીની ચંપલ રસપૂર્વક રીપેર કરતો જોવા મળે છે. નજીકના મંદિરનો સાયંકાળની આરતીનો ઘંટારવ કાનને ભરી દે છે. એમાં ખરીદી કરતાં, રકઝક કરતાં સેંકડો લોકોના અવાજ ડૂબી જાય છે. સૂર્યનાં છેલ્લાં કિરણ પછી સૌ પોતાના ઘરે ચાલ્યા જશે – બીજા દિવસની શરૂઆત માટે.

ક્યારેક અલપઝલપ દશ્યો રસ્તે મળી જાય છે. કોઈ પુરુષ સાઈકલ પાછળ પત્નીને અને આગળ બાળકને બેસાડી જતો હોય છે. કોઈ સવારે સાઈકલનો રન લેવા નીકળેલો બાળક ઊંચો ઢાળ ચઢાવી શકતો નથી. હું પાછળથી એને ધક્કો મારવા જાઉં છું તો તે શરમાઈને ઊતરી જાય છે અને જેમતેમ જાતે જ સાઈકલ ચઢાવી ખુશ થતો મારી પીઠને જોઈ રહે છે. ક્યારેક રસ્તે પાછલાં બે પગ ચગદાઈને પૂંછડી જેવાં બની ગયાં હોય એવું ડુક્કર પણ જોઉં છું. ક્યારેક દાદાનો હાથ તાણતા છોકરાઓને કહું છું : ‘અલ્યા ! દાદા પડી જશે !’ દાદા બોખા મોઢે હસતાં કંઈક બોલે છે જે મને સંભળાતું નથી. ક્યારેક ગામના લીમડાઓની ઘટાદાર છાંયા નીચેથી પસાર થવાની મોજ માણું છું. કોઈ ઘરમાંથી ભજનમંડળીની રમઝટ મારા સુધી વહી આવે છે. ક્યારેક મોડી સાંજે કોઈ બાળક ખભે દફતરના ભાર સાથે ટ્યુશનેથી યુનિફોર્મભેર ઘેર પાછું ફરતું મળે છે. એ શાળાએથી સીધું જ ટ્યુશન ગયું હશે ! એ વિચારનો મને થાક લાગે છે. આ બધાને મળતી-મળતી એમાં ભળતી-ભળતી હું ઘેર આવું છું અને ઉંબર બહાર જ એમની સ્મૃતિ મૂકી દઉં છું. હું જાણું છું કે આ બધું કંઈ યાદ રાખવાનું હોતું નથી. છતાં એ યાદ રાખવું મને ગમે છે.

દૂર જવાનું હોય ત્યારે મારે દસપંદર મિનિટનો રિક્ષા પ્રવાસ કરવો પડે છે. રિક્ષાવાળાઓ મોટે ભાગે સારા હોય છે. કોઈ ધીરગંભીર તો કોઈ મસ્તમૌજી એ પોતાના મૂડ પ્રમાણે રિક્ષા ચલાવે છે અને પેસેન્જરોને લે છે. રિક્ષા ચાલતી હોય છે ત્યારે હું બહાર તાક્યા કરું છું. મારા વિચારમાં મગ્ન હોઉં છું. ક્યારેક અંદર પણ મારું ધ્યાન ખેંચાય છે. ક્યારેક કોઈ ગરીબ દાદીમા તેની પૌત્રી કે દોહિત્રીને લઈ, ભાવની રકઝક દયામણા કંઠે કરતી, રિક્ષામાં બેસે છે. જૂનાં લૂગડાંના છેડે બાંધેલી ગાંઠમાંથી બે-ત્રણ રૂપિયા કાઢે છે. દાદીમાના મુખ પરની લાગણીની કરચલિયાળી રેખાઓ મારા હૃદયને અડી જાય છે. હું તેના ખોળામાં બેઠેલી પૌત્રીવત બની જાઉં છું. ક્યારેક કોઈ પ્રૌઢ નોકરિયાત પુરુષ મારી બાજુમાં બેસે છે. તેના ઑફિસના પાકીટ ઉપર તેણે કરેલી વર્ષોની કારકુનીનો ભાર હોય છે. પાકીટના હેન્ડલ તેની હથેળી જેટલાં જ ઘસાઈ ગયાં છે. તેના ચશ્મામાંથી દેખાતી નિષ્પ્રાણ આંખો મને કોઈ વાર્તાના પાત્રની યાદ દેવડાવે છે. કેવી હશે તેની જિંદગી ? કુટુંબ ? હું વધુ વિચારું એ પહેલા તો એ રિક્ષામાંથી ઊતરી અદશ્ય થઈ જાય છે. થોડી ક્ષણ પછી હું એનો ચહેરો ભૂલી જાઉં છું – જે મેં કદાચ બરાબર જોયો પણ નથી. પણ પેલું ઘસાયેલું પાકીટ અને તેનું ઘસાયેલું હેન્ડલ મને બરાબર યાદ રહી જાય છે !

ક્યારેક કોઈ છેલબટાઉ રિક્ષાવાળો અન્ય મહિલા ઉતારુ સાથે મસ્તીથી વાતો કરે છે. એ મહિલા સંભવત: કોઈ બંગલે કામ કરી રાતે પાછી ફરી રહી હોય છે. જોડે એનું બાળક પણ છે. રિક્ષાવાળો મહિલાને દર થોડા દહાડે મળતો હશે. બીજે દિવસે મળવાનો સમય પણ તે નક્કી કરી લે છે. મારી કે કોઈની હાજરીની તેને પડી નથી. શું એ મહિલા ત્યક્તા હશે ? જે હોય તે, મારે શું ? રિક્ષાની અંદર બીજી એક વૃદ્ધા બેસે છે. રિક્ષાવાળો હવે ચૂપ થઈ જાય છે. રિક્ષાની બહાર તો દશ્યો સડસડાટ દોડી રહ્યાં છે. મારે એ જોવા થોભવાનું યે નથી. ગાડીઓ, ગાડાંઓ, સ્કૂટરો, બસો, ટેન્કરો…. વૃક્ષોની હારમાળા, દુકાનોની હારમાળા, ટોળાંની હારમાળા.

કેટલાયે મહિના પહેલા રિક્ષામાં મારી સાથે એક નાનકડી છોકરી બેઠી હતી. તે યાદ આવે છે. ગુજરાતી શાળાનો ગણવેશ પહેરેલી એ છોકરી પાસે ભારે દફતર, ઉપરાંત મોટું ટિફિન, પાણીનો બાટલો વગેરે પણ હતા. ટિફિન જોઈ મને નવાઈ લાગી. પાણી ગળવાથી એની જોડે મારાં વસ્ત્રો પણ થોડા પલળવા લાગ્યાં. અડધે રસ્તે તેણે રિક્ષાવાળાને રિક્ષા થોભાવવા કહ્યું. પોતે ખભા પરના દફતર સાથે જ હાથમાં ટિફિનવાળી થેલી, પાણીનો બાટલો લઈ ઊતરી, ઝડપથી ટ્રાફિકથી ધસમસતા રોડને ઓળંગી સામે પાર પહોંચી. ત્યાં ફૂટપાથ પર કેટલાક ફેરિયા, લારીવાળા વગેરે હતા. તેમાંના કોઈકને ટિફિન આપી દોડતી એક શ્વાસે પાછી ફરી. એ એના પિતા હશે. માતાએ મોકલેલું ટિફિન એ આપી આવી હતી. એ બાળકી પણ પેલા પુરુષની મા જેવી જ હતીને !

એકવાર એક મુસ્લિમ ચાચા રિક્ષા ચલાવતા હતા. તેમના પત્ની પાછળ મારી બાજુમાં બેઠેલાં હતાં. પછી બીજી બે મહિલા આવી, તેથી ચાચી-ચાચાની બાજુમાં આગળ બેસી ગયાં ને હસતાં હસતાં કહે, ‘એમાં શું શરમ ? નકામા પેસેન્જર જવા દેવા ?’ પેલી બે મહિલા ઊતરી ગઈ. ચાચી પાછાં મારી બાજુમાં આવ્યાં. હું તાવથી ધગતા શરીરવાળા વેદાંગને લઈને બેઠેલી. એનું મોં જોઈ ચાચી સમજી ગયા. બહારથી તડકો વેદાંગ પર આવતો હતો. ચાચીએ પોતાનો દુપટ્ટો આડો ઢાંક્યો. કહે : ‘બિચારાને તડકો લાગે છે. બહુ તાવ છે.’ રોડ પર ઉતારતાં ચાચા કહે : ‘બહેન, ઘર સુધી મૂકી જાઉં ?’ મેં ભરાઈ ગયેલા અવાજે કહ્યું : ‘ના કાકા, ચાલશે. ઘર ઝાઝું દૂર નથી.’ રિક્ષામાં બેઠેલા ચાચી સામે હાથ હલાવી પીઠ ફેરવતાં મને થયું હું જેમાં બેઠી હતી એય ઘર જ હતું ને !

ક્યારેક સ્કૂટર પર દૂર દૂર સુધી જાઉં છું. કદીક લાઈબ્રેરી તરફ, કદીક દૂરના દવાખાના સુધી. લાઈબ્રેરી તરફ જવાનો રસ્તો સુંદર હોય. વચ્ચે ઊંચાં ઊંચાં આલિશાન મકાનો આવે. લીલાંછમ વૃક્ષો આવે. કેસરિયાળા ગુલમહોર આવે. મન પ્રફુલ્લિત થઈ જાય. દવાખાને જવાનો રસ્તો ઘણો લાંબો. પહેલા પહોળા સરસ રસ્તા પરથી પસાર થાઉં. જે ધીમે ધીમે સાંકડી ગલીઓમાં પલટાતો જાય. ગીચ મકાનોની હાર પસાર થતી જાય. કેટલાક મકાન તો નાની ખોબો જેવડી ઓરડીના હોય. કેટલાકનો ત્રાંસો ઓટલો-દાદર હોય. બધાં મકાનોનાં બહાર કે અંદરનાં અલપઝલપ દશ્યો દેખાય અને દોડી જાય. ગીચ અને ગીચ, સાંકડા અને સાંકડા મકાનો ચાલતાં ચાલતાં મારી છાતી સુધી આવી મને ભીંસવા લાગે. ગરીબ, મધ્યમવર્ગી લોકોનાં એ ઘરોની બહાર માળીની, પીપરમિન્ટ ચૉકલેટની દુકાનો હોય. ક્યાંક વાંસના ટોપલા-ટોપલીનો ગૃહોદ્યોગ હોય. ક્યાંક હાથસાળ કે સંચા હોય. બહુ આઘેથી એ મટમેલાં મકાનો હું જોતી રહું. સ્ત્રીઓ ઓટલે મૂંગી મૂંગી શાક ચૂંટતી દેખાય. બત્તીઓના અજવાળામાં એ સાંકડા ઘરો અને એમાંની સાંકડી દુનિયા મને વધુ ને વધુ સાંકડી થતી જતી લાગે. આ બધું કશા કારણ વગર મારામાં અપરંપાર ગ્લાનિ સર્જે. શું આ જ જીવન છે ? ટોળામાં, સંકડાશમાં ખદબદતું ? ગૃહજીવનની મથામણમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવાં તારને વણ્યાં કરતું ?

કંઈ કેટલીયે વાર પછી હું એ જ રસ્તેથી પાછી ફરું છું. મકાનો તરફ હવે મારી પીઠ હોય છે. પણ હું એ મકાનોના, એ જિંદગીઓના હારબંધ ચહેરા ઓળખી શકું છું. સાંકડા ગીચ રસ્તા છેવટે પહોળા થતાં જાય છે. એકાએક આકાશમાં ઊગેલા ચંદ્ર ઉપર મારી નજર પડે છે અને મારાથી મોકળાશભર્યો હાશકારો મુકાઈ જાય છે. છતાં પેલી ગ્લાનિ સાવ ઓગળતી નથી. આ અને આવા પ્રવાસો ટ્રેનના પ્રવાસો જેવાં છે…. બેઠાં હોઈએ એટલી વાર સહયાત્રીઓ, એમની વાતો સાથે હોય. ઊતરી જઈએ એટલે બધું ટ્રેનની અંદર રહી જાય છે. ટ્રેન આગળ દોડી જાય છે. પણ ક્યારેક આપણી સાથે ટ્રેનમાંથી ઊતરી જાય એવુંયે કંઈક હોય છે. જે કશુંક અંદરથી સ્પર્શી જાય છે. એ માટે હું હંમેશાં આંખ-કાન ખુલ્લાં રાખું છું. દાખલા તરીકે મેં જેને છેલબટાઉ માનેલો એ રિક્ષાવાળો એક વૃદ્ધાને બેસાડે છે. વૃદ્ધા પણ શ્રમજીવી છે. એને દૂરની બસ પકડવાની ઉતાવળ છે. ઊતરતી વેળા એ બેને બદલે એક રૂપિયાનો સિક્કો આપી ચાલવા માંડે છે. રિક્ષાવાળો બૂમ પાડે છે. વૃદ્ધા પાછી આવે છે. ‘અંધારામાં સિક્કો ઓળખાયો નહિ’, એમ કહેતા ચોળીમાંથી પોટકી કાઢી બેનો સિક્કો ફંફોસે છે. રિક્ષાવાળો કહે છે, ‘કંઈ નહીં કાકી. ન હોય તો ચાલશે.’ કાકી ઝડપથી સિક્કો એના હાથમાં મૂકી ચાલી જતાં કહે છે, ‘ના ભાઈ ના, ન આપું તે ચાલે ? તુંયે મારા જેવો જ ને ભાઈ ?’

આ રિક્ષાના, બસના, સ્કૂટરના, પગપાળા કે કોઈપણ પ્રવાસમાં – અરે ! જિંદગીના પ્રવાસમાંય, આપણે ભાઈ, એકબીજા જેવાં જ ને ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રમુજી ટૂચકાઓ – સંકલિત
બે ગઝલો – સંકલિત Next »   

21 પ્રતિભાવો : આપણે સહુ સરખાં ! – રીના મહેતા

 1. kirit madlani says:

  what a beautiful picture! as they say behind every face there is a life story. do we all look beyond a face? i was really touched by the small girl stopping to give tiffin. how nicely the small families manage their affiairs, they do not have any management degrees, but they are taught by hardships and the life. what they learn is more permanent than in schools.

  let us all look at the life in a new perspective and be part of it wherever we can like many examples shown here.

  thanks reena ben

 2. hemal says:

  really very nice article.. actually i have the same habbit to observe the persons whom i meet… and always think abt them….. i like all the matters u covered.
  Reena ben, Excellent articles……. i have become ur fan……. do writing articles like this one.

  Thanks.

 3. Maharshi says:

  khub khub saras!

 4. pragnaju says:

  “…પણ પેલું ઘસાયેલું પાકીટ અને તેનું ઘસાયેલું હેન્ડલ મને બરાબર યાદ રહી જાય છે !”
  આવાં આપણા સૌના રોજનાં અનુભવો કેવી સુંદર રીતે વર્ણવ્યાં છે!
  “કોઈપણ પ્રવાસમાં – અરે ! જિંદગીના પ્રવાસમાંય, આપણે ભાઈ, એકબીજા જેવાં જ ને ?” સાચી વાત્…

 5. Viren Shah says:

  I liked the story…

  Small observations are very interesting. Several of us don’t have the ‘eye’ to observe such small thing is because we are so much sunk “under the water” in our own work load, we skip many small beautiful things. This article took me to movie “Lage raho munnabhai” where actress Vidhya Balan performs similar role as a radio station host as the author here.

  Reading this story I recalled an article by Mohmmad Mankad. That article was about the facial expression and behavior of a person. Sometimes we see some people who might look arrogant, cunning and non-trustworthy. Even though we have not dealt with them, this may be just a first impression from looks / personality. However, it may turn out that the same people are actually kind hearted and nice. Then the people who may seem nice and good when you meet them actually may turn out non-trustworthy…Bottom line, facial look or a personality is not a measure of how the person really is.

  This technique is used by sales people. They are the most common people like us but dress up and provide you the best description of product that they are selling. This way, they are using this “first impression” trick of a human nature. This business is based on the human nature of judging based on facial looks and short term impression. However, when there are long term interests are involved, the interpretation only from personality and not from behavior may be harmful, physically and emotionally. In that case, person’s actions and not the intentions may provide the best results.

 6. Tejal says:

  really very very nice artical !

  i miss india very very very much! really

 7. Shreya says:

  What an amazing article!!!!!!!! I have the same habit of observing people around me. Some of the incidents make me happy and make me feel like I am also a part of that moment (like the one when grandkids are pulling or playing with dada), while others make me so sad and helpless. I just totally love this article.

  Good job Reenaben. Keep it up the good work.

 8. Prakash says:

  Simply wonderful observations…

  Looked like, what i & all of us feels everyday , you have put it on a canvas with simple method.

  Wait for your next article.

  Keep it up

 9. CA. JITENDRA J. TANNA says:

  ખુબ સરસ. એક દિવસમાં ઘણા બધા લોકોના જીવનમાં લટાર મારી આવ્યા હોય એવું લાગ્યું.

 10. manvant@aol.com says:

  આબાલવ્રુદ્ધને સ્પર્શતુઁ સુઁદર રઁગચિત્ર આપી આપે સારી
  માનવસેવા કરી.તમારાઁ પુસ્તકોનો હુઁ ચાહક છુઁ પરમેશ્વર
  તમને દીર્ઘાયુષ્ય અને તન્દુરસ્તી આપે તેવી પ્રાર્થના !
  ચિ. વેદાઁગને શુભાશિષ સાથે વહાલ !સૌનો આભાર !

 11. Ashish Dave says:

  Great observations Reenaben. I have always enjoyed your writings. I know how you look like and therefore it is nice to put the face to the story… thanks to Mrugeshbhai.

  Ashish Dave
  Sunnyvale, California

 12. ભાવના શુક્લ says:

  કાકી ઝડપથી સિક્કો એના હાથમાં મૂકી ચાલી જતાં કહે છે, ‘ના ભાઈ ના, ન આપું તે ચાલે ? તુંયે મારા જેવો જ ને ભાઈ ?’
  અંતરમનને સ્પર્શતી નાની નાની સરસ વાતો!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.