અસ્મિતાપર્વ વિશેષ – મૃગેશ શાહ

[ ‘અસ્મિતાપર્વમાં સહભાવક થવાનું નિમંત્રણ મળ્યું એ મારા માટે અત્યંત પ્રસન્નતાની બાબત હતી. પહેલેથી જ મારા મનમાં હતું કે હું આ સુંદર પર્વ વિશે કંઈક લખું. વળી, નજીકના મિત્રો અને વાચકોનો પણ આગ્રહ હતો કે રીડગુજરાતીના માધ્યમદ્વારા અસ્મિતાપર્વ વિશે તેઓને કંઈક જાણકારી મળી રહે. પાંચેય દિવસના પ્રસંગો જેટલા સ્મરણમાં રહ્યા છે તેટલા અહીં વર્ણવવાની કોશિશ કરી છે. કદાચ રીડગુજરાતીના આ સૌથી મોટા લેખને સમયસર પ્રકાશિત કરવાનો હોઈ શરતચૂકથી કોઈ શબ્દ-જોડણીની ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો. પ્રત્યેક દિવસના અન્ય ફોટોગ્રાફસની લીન્ક લેખના અંતે આપવામાં આવેલી છે. આજે માત્ર એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે તેની નોંધ લેશો. – મૃગેશ શાહ, તંત્રી. ]

ચોતરફ નાળીયેરી અને આમ્રવૃક્ષોની ઘટાદાર છાંય છે. મધ્યાહ્નનો સૂર્ય આકાશને આચ્છાદિત કરતા આ વૃક્ષોના પર્ણોમાંથી ક્યાંક ડોકાઈ રહ્યો છે. શીતળ પવનના પ્રવાહે વૃક્ષો ડોલી રહ્યા છે. આસપાસમાં ક્યાંક કોયલનું મીઠું ગાન પ્રકૃતિને સ્વરોથી શણગારી રહ્યું છે તો દૂર દૂરથી સંભળાતા મોરના ટહુકા વાતાવરણને મધુરતાથી ભરી રહ્યા છે. પાસે બેઠા છે તે પૂજ્ય કરતાં પણ પ્રિય વધારે લાગે તેવા એક સંત. સામે મંચ પરથી વક્તાઓના મુખે વહેતી વાકધારામાં શ્રોતાઓ પ્રસન્ન બનીને ડોલી રહ્યા છે….. – જી હાં, વિશ્વના પટ પર એકમાત્ર જગ્યાએ સાહિત્ય, સંત અને સંગીતની ત્રિવેણી રચાઈ હોય તો એ છે મહુવા સ્થિત યોજાતું ‘અસ્મિતાપર્વ’.

‘અસ્મિતાપર્વ’ સાહિત્યના મહાકુંભ તરીકે ઓળખાય છે. મોરારિબાપુની પ્રેરણાથી પ્રતિવર્ષ મહુવામાં હનુમાનજયંતીના દિવસોમાં યોજાતા આ પર્વની પ્રતિક્ષા સાહિત્યકારો તેમજ સાહિત્યરસિકોને વર્ષભર રહેતી હોય છે. છેલ્લા દશ વર્ષથી યોજાતા આ પર્વમાં ‘સાહિત્યસંગોષ્ઠિ’, ‘કાવ્યાયન’ વગેરે નામની જુદી જુદી બેઠકો હોય છે. પ્રત્યેક બેઠકનો સમય આશરે ત્રણ કલાકનો હોય છે, જેમાં જે તે વિષયના નિષ્ણાત સાહિત્યકારો નક્કી કરેલા વિષયપર પોતાનું વક્તવ્ય રજૂ કરે છે. રાત્રિનો કાર્યક્રમ મુખ્યત્વે નૃત્ય-સ્વર-સંગીતને અનુલક્ષીને હોય છે જે નજીકમાં આવેલા તલગાજરડા ગામે ‘શ્રી ચિત્રકુટધામ’ ખાતે યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં ભારતના રત્નો સમાન સ્વર-નૃત્ય-સંગીતના વિશારદો જેવા કે શ્રી ઝાકીર હુસેન, પંડિત જસરાજ, પંડિત હરિપ્રસાદ ચોરસિયા, સુશ્રી સોનલ માનસિંહ, શ્રીમતી ગિરિજાદેવી, સુશ્રી સિતારાદેવી વગેરે પોતાની કલાનું શ્રી હનુમાનજીના ચરણોમાં બેસીને ગાન કરે છે. પાંચ દિવસ સુધી ચાલતા આ સાહિત્યસત્રને માણવા દેશ-વિદેશથી અનેક ભાવકો ઊમટી પડે છે.

1ચાલુ વર્ષ આ પર્વનું અગિયારમું વર્ષ હતું; જો કે મારે પ્રત્યક્ષરૂપે માણવા માટે તો આ બીજું વર્ષ હતું. તા. 16મી એપ્રિલ થી 20મી એપ્રિલ સુધી યોજાયેલા આ પર્વમાં ભાગ લેવા મેં 15મી એપ્રિલે વડોદરાથી પ્રસ્થાન કર્યું. ચરોતરના હરિયાળા પ્રદેશને પાર કરીને આગળ વધતાં દૂર દૂર સુધી એક તણખલું પણ ન દેખાય એવા ખારોપાટને પસાર કરતી બસ ચાર કલાકની મુસાફરીને અંતે ભાવનગર આવી પહોંચે છે. અહીંથી મુસાફરીનો બીજો તબક્કો શરૂ થાય છે. ભાવનગરથી મહુવા આશરે 97 કી.મીના અંતરે છે. આ સમગ્ર વિસ્તાર ગ્રામ્ય પ્રદેશ છે તેથી પ્રકૃતિની વધુ સમીપ આવ્યા હોઈએ એવો અનુભવ થાય છે. પ્રસિદ્ધ અલંગ (‘શીપ બ્રેકિંગ યાર્ડ’) શહેરને પસાર કરીને કલાકના અંતે બસ તળાજા ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશે છે. નજીકમાં ઊંચા પર્વત પર દેવીનું મંદિર છે. તળેટીમાં ગૃહવપરાશની ચીજવસ્તુઓ, ફરસાણની નાની-નાની દુકાનો/હાટડીઓ છે. નાની શેરીઓ જેવા રસ્તામાંથી પસાર થતી બસના કાચને વૃક્ષોની ડાળીઓ ઘસડાય છે. ડેપોથી મુસાફરોને લઈને બસ મહુવા તરફ આગળ વધે છે. ધોમધખતા તાપમાં વૃક્ષની ઘેઘૂર ઘટાઓની છાયામાં વિશ્રામ કરતી અને વાગોળતી ગાયો દેખાય છે. ક્યાંક કોઈ નાનકડા ગામની ભાગોળે મૂકેલા નળ પાસે બાળકો પાણીમાં ધિંગામસ્તી કરી રહ્યા છે. કેટલાક વૃક્ષોની ડાળીએ હિંચકી રહ્યા છે. ખેતરોમાં વહેતી પાણીની નીકમાં ચાંચ બોળીને પક્ષીઓ પાણી પી રહ્યા છે. ઝડપથી પસાર થતા અલપઝલપ દ્રશ્યોમાં વયોવૃદ્ધ ગ્રામ્યજનો વૃક્ષોની ઘટામાં ખાટલો ઢાળીને એકબીજા સાથે સુખદુ:ખની વાતો કરતાં જણાય છે. ક્યાંક ઊંચી ટેકરીઓ પર પવનચક્કીઓ ફરી રહી છે. સાંજ પડતાં ગ્રામીણ મહિલાઓ ખેતરેથી ઘર પરત ફરી રહી છે. ગોવાળો પોતાના ગો-ધનને વાળી રહ્યા છે. જેમ જેમ મહુવા નજીક આવી રહ્યું છે તેમ તેમ રસ્તાપર વૃક્ષોની કતારો વઘતી જાય છે. સર્પાકાર રસ્તાઓ પર પસાર થતી બસ પૂરા બે કલાકની મુસાફરીના અંતે મોડી સાંજે મહુવા પાસે આવેલા વડલી ત્રણ રસ્તા આવીને ઊભી રહે છે અને હું સત્વરે રિક્ષા કરીને ‘કૈલાસ ગુરુકુળ’ પહોંચું છું.

‘કૈલાસ ગુરુકુળ’ એ ભણતા બાળકો માટે પૂ.બાપુ દ્વારા પ્રેરિત આવાસની વ્યવસ્થા છે. નજીકના જે ગામોમાં શાળા-કૉલેજ નથી તે ગામોના બાળકો અહીં રોકાય છે અને મહુવાની શાળા-કૉલેજોમાં અભ્યાસ કરે છે. આ ગુરુકુળની વિશેષતા એ છે કે તેમાં તમામ સુવિધાઓથી સુસજ્જ ઓરડાઓ, વાંચનમાટે લાઈબ્રેરી, વિવિધ પ્રવૃત્તિઓ માટે વિશાળ હોલ તેમજ ગૃહપતિ અને સંચાલનકર્તાઓ માટે રોકાવાની તમામ વ્યવસ્થા આ એક જ પરિસરમાં આવેલી છે. વચ્ચે સરસ્વતી માતાનું સુંદર મંદિર છે. આસપાસના નાળિયેરીના વૃક્ષોથી ગુરુકુળ ઘેરાયેલું છે. ‘અસ્મિતાપર્વ’નું આયોજન આ જ ગુરુકુળના મુખ્ય પરિસરની પછવાડે આવેલા સરસ મજાના નાળીયેળીના ઉત્તુંગ વૃક્ષોની છાયામાં કરવામાં આવે છે.

રાત્રિના નવેક વાગ્યાનો સમય છે. થોડો વિશ્રામ કરીને હું વાળુ પતાવું છું. ભોજનબાદ ટહેલતા હું આ શાંત વાતાવરણને માણી રહ્યો છું એટલામાં બાપુનું આગમન થાય છે. આંગણાના એક ખૂણે બાપુ હિંચકે બેઠા છે અને અમે બે-ત્રણ સાહિત્યકારો અને સ્થાનિક વ્યવસ્થાપકો તેમની પાસે બેસીને વાર્તાલાપનો આનંદ માણી રહ્યા છે. બાપુ પ્રસન્નતાથી અમારી સાથે વાતોમાં રસ લઈ રહ્યા છે. રાત્રિના આ નીરવ વાતાવરણમાં એક કવિ બે-ત્રણ સરસ દુહા ગાઈ સંભળાવે છે. સૌ પ્રસન્નતાથી ડોલી ઉઠે છે. બાપુ આઈસ્ક્રીમ મંગાવે છે અને અમે તે પ્રેમપૂર્વક આરોગતા તેમની સાથે કલાકેકનો સમય આનંદથી માણીને ધન્યતાનો અનુભવ કરીએ છીએ.

2બીજા દિવસની સવાર એટલે ‘અસ્મિતાપર્વ-11’ નો પ્રથમ દિવસ. સવારથી જ શ્રોતાઓનો ધસારો વધી રહ્યો છે. બપોરે બરાબર ત્રણના ટકોરે બાપુ ભાવકો વચ્ચે શ્રોતા બનીને એક વૃક્ષ નીચે સ્થાન લે છે અને કાર્યક્રમની શરૂઆત થાય છે. મંચ પર જ્ઞાનપીઠ પુરસ્કૃત એવા 96 વર્ષીય ગુજરાતી કવિ શ્રી રાજેન્દ્રભાઈ શાહ અને 86 વર્ષીય શ્રી રતિલાલ ‘અનિલ’ ઉપસ્થિત છે. તાજેતરમાં જેમને પદ્મશ્રી પ્રાપ્ત થયું છે એવા સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ભોળાભાઈ પટેલ અને શ્રીમતી અનિલા દલાલ સૌની સાથે દીપ પ્રાગટ્યમાં જોડાય છે અને ‘અસ્મિતાપર્વ-11’ નો વિધિવત આરંભ થાય છે. આ પર્વનો સૌપ્રથમ કાર્યક્રમ છે ‘વાક્ધારા’ સંપુટના વિમોચન પ્રસંગ અંગેનો. જે જે વક્તાઓને દશ વર્ષ દરમિયાન અસ્મિતાપર્વના મંચ પર નિમંત્રવામાં આવ્યા છે તે તમામ વક્તાઓના વક્તવ્યોને ગ્રંથસ્થ કરતો આ ‘વાકધારા’ નામનો સંપુટ 10 પુસ્તકોનો બનેલો છે. આશરે બે હજારથી વધુ પાનાઓમાં તે સમગ્ર ગુજરાતી સાહિત્યને આવરી લે છે. તેમાં લગભગ તમામ સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યની કૃતિઓ વિશે વાત કરવામાં આવી છે. અહીં સાહિત્યસ્વરૂપો, કૃતિઓ, સર્જકો અને વિવિધ પ્રવાહોને લગતાં એકસો અઢારથી વધુ વક્તવ્યો, સવાસોથી વધુ કવિઓનાં છસ્સો જેટલાં કાવ્યોનું અહીં સંપાદન કરવામાં આવ્યું છે. આ ગ્રંથોની વિશેષતા એ છે કે એમાં ગુજરાત અને ગુજરાતી ભાષાના વિદ્વાનો ઉપરાંત ભારતખ્યાત વિદ્વાનોએ અલગ અલગ પ્રકારનાં રસરૂચિ અને સજ્જતા ધરાવતા શ્રોતાઓ પણ સરસ રીતે સમજી-માણી શકે એવી સરળ-સ્વાભાવિક-પ્રાસાદિક ભાષામાં આપેલાં વક્તવ્યોને લગભગ તેના મૂળ રૂપે સમાવિષ્ટ કરાયાં છે. અભ્યાસુઓ માટે આ એક ખજાના સમાન છે. આ સંપુટના સંપાદનનું કાર્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદીએ કર્યું છે. ગ્રંથવિમોચનની ક્ષણો નજીક આવતા પૂ. બાપુની સાથે સંપાદક શ્રી હર્ષદભાઈ મંચ પાસે સ્થાન લે છે. તેમની સાથે જોડાય છે સહસંપાદકો શ્રીમતી બિન્દુબેન ત્રિવેદી, શ્રી નરેશ શુક્લ, શ્રી દીપક પંડ્યા તેમજ અન્ય સાહિત્યકારો જેવા કે શ્રી રાજેન્દ્રભાઈ શાહ, શ્રી કુમારપાળ દેસાઈ અને શ્રી રઘુવીરભાઈ ચૌધરી.

3‘વાકધારા’ સંપુટના સંપાદન વિશે પોતાના અનુભવો જણાવતા શ્રી હર્ષદભાઈએ જણાવ્યું કે : ‘આ સમગ્ર સંપુટને તૈયાર કરવામાં લગભગ બે વર્ષ જેટલો સમય લાગ્યો. સંપાદન દરમિયાન અનેક સુખદ-દુ:ખદ અનુભવોમાંથી પસાર થવું પડ્યું છે. અનેક પ્રકારનાં ચિંતા-આશંકા અને તનાવો પછી એક સંતોષના મુકામે પહોંચવાનો સ્વાભાવિક આનંદ છે.’ આ સાથે તેમણે જણાવ્યું હતું કે ‘આપણે સહુ જાણીએ છીએ કે જીવંત વકતવ્ય કરતાં એનું મુદ્રિત રૂપ કંઈક જુદું જ હોવાનું. અમે સંપાદકોએ આ બંને છેડામાંથી મધ્યમમાર્ગ સ્વીકારીને વક્તાની સહજ મુદ્રા અને કથયિતવ્યનો મર્મ જળવાઈ રહે એ પ્રકારે વક્તવ્યોને સંપાદિત કરવાનો ઉદ્યમ કર્યો છે. ધ્વનિમુદ્રિત વક્તવ્યોને કાગળ ઉપર ઉતારીને શક્ય અને જરૂરી હોય ત્યાં લગી જે તે વિદ્વાનોને બતાવીને આખરી કર્યાં છે. જે વિદ્વાનો હયાત નથી, તેમનાં વક્તવ્યોને અને વ્યક્તિત્વને સારી રીતે સમજી શકનારાં એમના જ નિકટના સ્વજનોને લેખો બતાવ્યા છે.’ વધુમાં તેમણે જણાવ્યું હતું કે ‘એક વાત નક્કી છે કે અહીં મહુવામાં જે વક્તાઓ આવે છે તે પૂરેપૂરા સજ્જ થઈને, પોતાને અપાયેલા વિષયને શક્ય તેટલો ન્યાય આપવાની તૈયારી સાથે આવે છે. અલબત્ત, અપવાદ તો બધે જ હોવાના ! ઘણા વક્તાઓને એટલું બધું કહેવાનું છે કે એક કલાકનો સમય પણ ઓછો પડે, તો સામે પક્ષે કેટલાક વક્તાઓને કલાક પૂરો કરવા માટે ઝઝૂમવું પડ્યું છે અથવા એકના એક મુદ્દાની પરકમ્મા કરવી પડી છે.’ વક્તવ્યના સમાપનમાં તેમણે જણાવ્યું હતું કે ‘ગુજરાતી સાહિત્ય, ભારતીય સાહિત્ય અને વિશ્વસાહિત્યની વર્તમાન અને વર્ધમાન ગતિવિધિઓ, પત્રકારિતાનું જગત, ગુજરાતમાં અને ગુજરાત બહાર બનેલી સારી-નરસી ઘટનાઓથી સમાજમાં જાગેલી સંવેદનાઓ અને વિચાર-વમળોનાં પ્રતિબિંબો આ પર્વમાં ઝિલાયાં છે, જે આ સમયના ઈતિહાસલેખન માટે અગત્યની સામગ્રી બની રહેશે. કેમકે, આ પર્વોનું ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક સંદર્ભમાં દસ્તાવેજી મૂલ્ય ઘણું મોટું છે. ભાષા-સાહિત્યના વ્યાપ ઉપરાંત વિચારમંથનની કેટકેટલી નાજુક ક્ષણો ભાવાર્દ્ર રીતે ઝિલાઈ છે ! સામ્ય-વૈષમ્ય, રાગ-દ્વેષ, સંવાદ-વિવાદ અને ભૌતિક-આધિભૌતિક સુધીના દ્વંદ્વો અહીં એકસાથે પ્રગટ થયા છે. આવનારી પેઢી આ સામુહિક પુરુષાર્થને પ્રમાણશે ત્યારે એને આપણી અસ્મિતા માટે ગર્વ અને ગૌરવનો અનુભવ થશે.’ તેમના વક્તવ્યબાદ શ્રી કુમારપાળ દેસાઈએ આ સંપુટ વિશે કેટલીક પ્રાસંગિક બાબતો જણાવી હતી.

4આખરે એ ક્ષણ આવી પહોંચી જેની સાહિત્યકારો ગત વર્ષથી રાહ જોઈ રહ્યા હતા ! તાળીઓના ગડગડાટ વચ્ચે રાજેન્દ્રભાઈએ પુસ્તકની પ્રથમ પ્રતનું વિમોચન કરીને પૂ. બાપુના હાથમાં મૂકી હતી. ત્યારબાદ સંપુટના તમામ ભાગના એક-એક પુસ્તકો સૌ મંચસ્થ મહાનુભાવોએ વાચકો સમક્ષ ખુલ્લાં મૂક્યાં હતાં. ઉપસ્થિત સૌ સહભાવકોએ આનંદથી આ ક્ષણને પુન: તાળીઓથી વધાવી લીધી હતી. અત્યંત પ્રસન્નતાભર્યા માહોલમાં રાજેન્દ્રભાઈના વક્તવ્ય સાથે અસ્મિતાપર્વની પ્રથમ બેઠકનો શુભારંભ થયો હતો. સાહિત્યસંગોષ્ઠિની આ પ્રથમ બેઠકનું શીર્ષક હતું ‘કવિકર્મ પ્રતિષ્ઠા અને કાવ્યપાઠ’ કે જેમાં ઉપસ્થિત જે તે કવિના કવિકર્મ વિશે અન્ય સાહિત્યકારે વિસ્તૃત રસદર્શન કરાવ્યું હતું. એ પછી જેમના કવિકર્મ વિશે ચર્ચા કરવામાં આવી હોય તેવા કવિએ પોતે કાવ્યપાઠ કર્યો હતો. કવિશ્રી ચિનુમોદીની કવિતાના કવિકર્મ વિશે શ્રી સતીશ વ્યાસે વક્તવ્ય રજૂ કર્યું હતું અને ચંદ્રકાન્ત શેઠની કવિતા વિશે શ્રી રમેશ ત્રિવેદીએ વિગતે વાત કરી હતી. બેઠકનું સંચાલન કરતાં શ્રીમતી બિન્દુ ત્રિવેદીએ કવિશ્રી ચિનુ મોદીના વિવિધ તખલ્લુસનો પરિચય આપતાં તેમને મૂળે તો ‘ઈર્શાદ’ના કવિ તરીકે ઓળખાવ્યા હતા. ચન્દ્રકાન્ત શેઠના વિવિધ સાહિત્ય સર્જનનો પરિચય આપતાં તેમને ‘કવિતાના માણસ’ તરીકે રજૂ કરીને તેમનો ટૂંકો પરિચય આપ્યો હતો. સર્જકોએ સુંદર કાવ્યપાઠ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં હતાં.

પ્રથમ બેઠકના સમાપન બાદ ઢળતી સાંજે ‘વાકધારા’ સંપુટ મેળવવા માટે સ્ટૉલ પર મોટી કતાર લાગી હતી. પોતપોતાના ક્ષેત્રની વ્યસ્તતાને કારણે એક વર્ષ પછી મળી રહેલા સહભાવકો એકબીજાની ખબરઅંતર પૂછી રહ્યા હતા. હું પણ અન્ય સાથી મિત્રોસાથે અલકમલકની વાતો કરવાની મજા માણી રહ્યો હતો. સંધ્યાટાણું થતાં ગુરુકુળની બહાર ધીમે ધીમે સ્કૂલબસોની કતારો લાગવા માંડી હતી કારણકે હવે પછીના રાત્રી કાર્યક્રમ માટે અમારે તલગાજરડા જવાનું હતું. તલગાજરડા પૂ.બાપુનું જન્મસ્થળ છે અને મહુવાથી પાંચેક કી.મીના અંતરે આવેલું નાનું એવું રમણીય ગામ છે. ‘શિવવાડી’, ‘રામવાડી’ અને ‘શ્રી ચિત્રકુટધામ’ ત્યાંના પાવન મંદિરો છે. નૃત્ય-નાટ્યના તમામ મહોત્સવો ‘શિવવાડી’ ખાતે યોજવામાં આવે છે; જ્યારે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોનું આયોજન ‘ચિત્રકુટધામ’માં કરાતું હોય છે.

શાસ્ત્રીય સંગીત-નૃત્ય-નાટ્ય મહોત્સવની આજે પ્રથમ બેઠકમાં ‘મિથ્યાભિમાન’ નામનું નાટક રજૂ થવાનું હતું તેથી અમે સૌ બસદ્વારા થોડી મિનિટોમાં ‘શિવવાડી’ જઈ પહોંચ્યા. મેદાનના એક છેડે શિવ-પાર્વતીની સુંદર અને નયનરમ્ય મૂર્તિવાળું શિવમંદિર છે. સામેની બાજુ નાટ્યમંચ તૈયાર કરવામાં આવ્યો હતો. આઠ વાગ્યાની આસપાસ તો સમગ્ર મેદાન જનમેદનીથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. પૂ. બાપુએ શરૂઆતમાં ‘શિક્ષણ ઓશોની દષ્ટિએ’ નામના પુસ્તકનું વિમોચન કરીને ટૂંકું પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ કવીશ્વર દલપતરામ દ્વારા લિખિત, શ્રી મહેન્દ્રસિંહ પરમાર દ્વારા દિગદર્શિત તેમજ નાટ્યવર્તુળ-ગુજરાતી ભાષા–સાહિત્યભવન, ભાવનગર યુનિવર્સિટી દ્વારા પ્રસ્તુત ‘મિથ્યાભિમાન’ નાટક ભજવવામાં આવ્યું હતું.

5નાટકમાં જીવરામભટ્ટ નામનો બ્રાહ્મણ રતાંધળો છે – રાતે દેખી શકતો નથી, પરંતુ આ વાતની સમાજને કશી ખબર નથી એવું તેને મિથ્યાભિમાન છે. તે જેમ જેમ સમાજથી છુપાવવા જાય છે તેમ તેમ વધારે ને વધારે લોકો તેના આ રોગ વિશે જાણતા થાય છે. રંગલો તેની સામે વારેઘડિયે વાસ્તવિકતા રજૂ કરે છે પરંતુ જીવરામભટ્ટ પોતાના વટમાંથી બહાર આવતા નથી. એ સમયની કુળપરંપરા અને ખોટા રિવાજોને વશ થઈને એક કોમળ કન્યાને આ મોટી ઉંમરના જીવરામભટ્ટ સાથે પરણાવવામાં આવી છે. એકવાર જીવરામ ભટ્ટ સાસરે પત્નીને લેવા ઘરેથી નીકળે છે. રાત્રિનો સમય થતાં તેમને દેખાતું બંધ થાય છે. રંગલો તેમને માર્ગ બતાવવા તૈયાર છે પણ પોતે બધું દેખી શકે છે એવા મિથ્યાભિમાનમાં તે કોઈની સહાય સ્વીકારવા તૈયાર નથી. હાસ્યની છોળો સાથે રંગલો તેમને ગીચ વનમાં લઈ જાય છે ત્યાં ભેંસનું પૂછડું પકડાવે છે અને ભારે દોડાદોડને અંતે દેખી ન શકવાને કારણે તેઓ એક ખાડામાં જઈને પડે છે ! બીજી બાજુ રંગલો સાસરે જમાઈ પધાર્યાનું કહેણ મોકલે છે. સસરા મજબૂરીના માર્યા પુત્રને સાથે લઈને રાત્રીના અંધકારમાં જમાઈને શોધવા નીકળે છે. અડધી રાત્રે ફાનસના અજવાળે તેઓ જીવરામ ભટ્ટને જંગલમાંથી શોધી કાઢે છે; પણ જીવરામ ભટ્ટ કંઈ સાચું થોડું કહે ? “સાસરેથી કોઈ લેવા આવ્યું નથી એટલે અમે અહીં જંગલમાં રોકાઈ ગયા છે.” – એમ કહીને તે પોતાનો બચાવ કરે છે. સમજાવટને અંતે સસરા તેને ઘરે લઈ આવે છે. વાળુ કરતી વખતે જીવરામભટ્ટના રતાંધળાપણાને કારણે ભારે રમૂજ ઉત્પન્ન થાય છે. અંતે જીવરામભટ્ટને સસરા ખાટલો ઢાળીને સુવાડે છે. મોડી રાત્રે લઘુશંકા માટે ઊભા થયેલા જીવરામ ખાટલા સાથે પાઘડીનો છેડો બાંધીને બાથરૂમ શોધવાની કોશિશ કરે છે. ધીમે ધીમે બાથરૂમ સુધી પહોંચે છે પણ ત્યાં તો રંગલો ખાટલા સાથેનો છેડો છોડી નાખે છે ! ભૂલા પડેલા જીવરામ સાસુના રૂમમાં જઈ ચઢે છે અને તેમના પર પગ પડતાં ચીસાચીસ થઈ જાય છે. ચોર….ચોર….ની બૂમો પડતાં ચોકીદારો આવીને રાતના અંધારામાં જીવરામ ભટ્ટને ચોર સમજી લઈ જાય છે, ખૂબ માર મારે છે. અધમૂઆ થયેલા જીવરામને સાસરિયાઓ માંડ પાછા તેડી લાવે છે. મરણને શરણ થતાં પહેલાં જીવરામ ભટ્ટ પોતાના રોગની કબૂલાત કરે છે. પોતાના મિથ્યાભિમાન બદલ ભારે પસ્તાવો વ્યક્ત કરે છે. અભિમાન માણસને ક્યારેક મોતના મુખમાં ધકેલી દે છે તેવો સંદેશ આપતું આ નાટક પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટથી સંપન્ન થાય છે. પડદો પડે છે. અમે સૌ મોડી રાત્રે રૂમ પર પરત ફરીએ છીએ.

6આ પર્વનો બીજો દિવસ એટલે કે ‘સાહિત્ય સંગોષ્ઠિ-2’, જેનું સંચાલન શ્રી વિનોદભાઈ જોશીએ કર્યું હતું. વિષય હતો : ‘જ્ઞાનપીઠ પુરસ્કૃત ગુજરાતી સર્જકો’. આ બેઠકમાં ઉમાશંકર જોશી વિશે ભોળાભાઈ પટેલે, પન્નાલાલ પટેલ વિશે રઘુવીર ચૌધરીએ તેમજ રાજેન્દ્ર શાહ વિશે ચંદ્રકાન્ત શેઠે વક્તવ્યો રજૂ કર્યા હતા. આ બેઠકની વિશેષતા એ હતી કે ત્રણેય જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જકોમાં જેમની વાત થઈ રહી છે તેવા શ્રી રાજેન્દ્રભાઈ શાહ સૌની વચ્ચે ત્યાં ઉપસ્થિત હતા. ભોળાભાઈ પટેલે ઉમાશંકર જોશીની સાહિત્ય તેમજ જીવનયાત્રાનો વિસ્તૃત પરિચય કરાવ્યો હતો. ઉમાશંકર જોશી સાથે તેઓ તેમના બામણ ગામ ગયા ત્યારે ઉમાશંકરે બતાવેલા તેમના ઓરડાની, આંગણાની, ઓટલાની વિગતો તથા કઈ કૃતિઓ ક્યાં બેસીને લખાઈ હતી તેની માહિતી આપી હતી. ‘નિશિથ-ગંગોત્રી’ કાવ્યસંગ્રહ વિશે તેમજ તેમની કાવ્યસર્જનપ્રક્રિયા વિશે શ્રોતાઓને અદ્દભુત વાતો તેમણે કરી હતી. માત્ર ચાર જ ચોપડી ભણેલા પન્નાલાલ પટેલના સાહિત્ય સર્જન વિશે શ્રી રઘુવીરભાઈએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. પન્નાલાલ પટેલની કેટલીક ઉત્તમ કૃતિઓ વિશે અને તેમના પાત્રો વિશે તેમણે ભાવકોને સવિસ્તાર પરિચય આપ્યો હતો. ‘વાત્રકને કાંઠે’ જેવી તેમની લોકપ્રિય કૃતિઓને પણ અહીં સ્મરવામાં આવી હતી. કવિશ્રી ચંદ્રકાન્ત શેઠે રાજેન્દ્રભાઈના સંઘર્ષકાળનો પરિચય આપતાં તેમના સર્જનની કેટલીક વિશેષતાઓ જણાવી તેમના લોકપ્રિય કાવ્યોનું પઠન કર્યું હતું.

7સાંજની બેઠક હતી ‘કાવ્યાયન-1’, જેનું સંચાલન શ્રી યજ્ઞેશ દવેએ કર્યું હતું. આ બેઠકના પ્રમુખ કવિઓ હતા સુરેશચંદ્ર પંડિત, આહમદ મકરાણી, યૉસેફ મેકવાન, ભાગ્યેશ જહા, દિલીપ મોદી, કિશોરસિંહ સોલંકી અને દત્તાત્રય ભટ્ટ. સંચાલકશ્રીએ જણાવ્યું હતું કે ‘કાવ્યની બેઠકનું હકીકતમાં સંચાલન થઈ શકતું નથી. એમાં ક્યાંય કશો ક્રમ શક્ય નથી. પેલી જાપાનીઝ રીબિન આર્ટની રીતે રીબિન હવામાં ફંગોળતા જેમ જુદી જુદી આકૃતિઓ ઉપસે છે તેમ ક્યાંક કશુંક ફંગોળાય છે અને આ ફંગોળાવાની ઘટના જ કવિતારૂપે પ્રગટતી રહે છે.’ બે તબક્કામાં પ્રત્યેક કવિને પોતાની કૃતિઓ પ્રસ્તુત કરવાની તક આપવામાં આવી હતી જેમાં બધા જ કવિઓએ સુંદર ગઝલો અને કાવ્યોથી શ્રોતાઓના મન ડોલાવી દીધા હતા. ઉપલેટાના આહમદ મકરાણી ‘મા’ વિશેની ગઝલનો પ્રથમ શેર ‘અચાનક ફરીથી….’ ટાંકતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. ઉપસ્થિત સૌ ભાવકોની આંખો ભીંજાઈ ગઈ હતી. ગઝલ પઠન કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘આ શેર લખતી વખતે પણ ખૂબ રડ્યો છું અને આજે અહીં તેનો પાઠ કરતી વખતે આંખો ભીંજાયા વગર રહી શકતી નથી.’ તેમની સંપૂર્ણ ગઝલ આ પ્રમાણે હતી…..

અચાનક ફરીથી જ મા યાદ આવી
બધાએ દર્દની દવા યાદ આવી

નહીંતર હતું ઘોર અંધારું ઘરમાં
ધીમેથી સળગતી શમા યાદ આવી

સહજ હાથ ઊંચા થયા બંદગીમાં
ફકિરોની જાણે દુઆ યાદ આવી

હું વર્ષોથી છૂટી ગયો છું છતાયે
મને ધ્રૂજતી એ કમાં યાદ આવી

વિવિધ કવિઓના કાવ્યપ્રવાહમાં શ્રોતાઓ ક્યારેક ઉદાસીનતામાં સ્તબ્ધ, ક્યારેક ખડખડાટ હસીને તો ક્યારેક ‘વાહ ક્યા બાત હૈ !’ કહીને દાદ આપી રહ્યા હતા. દતાત્રય ભટ્ટ સહિત અન્ય તમામ કવિઓએ પોતાની સુંદર કૃતિઓ રજૂ કરી હતી. માહિતીખાતાના કમિશનર તરીકેની ફરજ બજાવતા શ્રી ભાગ્યેશ જહાએ કાવ્ય, ગઝલસહિત કેટલાક સુંદર અછાંદસ કાવ્યો રજૂ કર્યા હતા. વર્તમાનયુગને અનુલક્ષીને રચાયેલા એક કાવ્યમાં તેમણે કહ્યું હતું કે :

એસ.એમ.એસ કરવાનું બંધ કરો શ્યામ
હવે રૂબરૂમાં આવવાનું રાખો,
વૃંદાવન, મથુરા તો રોમ રોમ જાગ્યાં છે
મોરલી મોબાઈલ જેવી રાખો !

રાત્રી બેઠકમાં શાસ્ત્રીય સંગીત-નૃત્ય-નાટ્ય મહોત્સવ અંતર્ગત પૂ. બાપુના હરિયાણી પરિવારની કુમારિકાઓએ તેમજ અન્ય શહેરોથી આવેલા વિવિધ યુવા નૃત્યકારોએ ‘શિવવાડી’ ખાતે પોતાની નૃત્યકલા પ્રસ્તુત કરી હતી. સાત-આઠ વર્ષની બાળાઓથી લઈને 20-25 વર્ષય યુવતિઓએ તાલબદ્ધ નૃત્ય રજૂ કર્યું હતું. ગીતો, ભજનો સાથે ‘પાકીઝા’, ‘મોગલે આઝમ’ જેવા ફિલ્મી ગીતો પર પણ સુંદર રીતે શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. બાપુની ઈચ્છાથી આ વર્ષે નવોદિત યુવા કલાકારોને પ્રોત્સાહન મળે અને તેમનો નૃત્ય, સંગીત અને ભારતીય સાંસ્કૃતિક કળાઓમાં રસ વધે તે હેતુથી યુવા કલાકારોને મંચ પર અગ્રીમ સ્થાન અપાયું હતું.

અસ્મિતાપર્વના ત્રીજા દિવસની શરૂઆત સવારે નવ વાગ્યે ‘સાહિત્યસંગોષ્ઠિ-3’ થી થઈ હતી, જેનું સંચાલન શ્રી રઘુવીર ચૌધરીએ કર્યું હતું. આ સંગોષ્ઠિનો વિષય હતો ‘સમૂહમાધ્યમ મીમાંસા’ (સાહિત્યિક અને સામાજિક સંદર્ભમાં). આ વિષય અંતર્ગત ‘રેડિયો/ટેલીવિઝન’ પર શ્રી યજ્ઞેશ દવે, ‘વર્તમાનપત્ર’ વિશે શ્રી હરિ દેસાઈ અને ‘ફિલ્મ’ વિશે શ્રી જય વસાવડાએ સુંદર વાતો શ્રોતાઓ સામે મૂકી હતી. રેડિયો/ટેલીવિઝન વિશે બોલતાં યજ્ઞેશભાઈએ વર્તમાન સંદર્ભમાં આ માધ્યમની ભૂમિકા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. દાયકાઓ પહેલાના રેડિયો કાર્યક્રમોથી લઈને અર્વાચીન સમયના રેડિયો-કાર્યક્રમોની વૈવિધ્યતાનો પરિચય તેમણે આપ્યો હતો. આ બાબતમાં તેમણે જણાવ્યું હતું કે આફતના સમયે એક માત્ર ઉપયોગમાં આવતું આ એક સાધન છે. પૂરના સમયે જ્યારે નદીના પાણી નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળે છે ત્યારે લોકોને ઘણીવાર વૃક્ષ પર ચઢીને રાત ગુજારવી પડે છે. એવા સમયે ગ્રામજન ‘વિવિધ ભારતી’ સાંભળીને મોસમના વર્તારાઓથી વાકેફ રહેતો હોય છે. તેમણે જણાવ્યું હતું કે હવામાનની આગાહીઓ ખોટી પડે છે તેમાં રેડિયોનો દોષ નથી, કારણ કે એ તો એક માધ્યમ છે, તે માત્ર સમાચારોનું એક વાહક છે; સર્જક નથી. ‘વિવિધ ભારતી’ના કાર્યક્રમો દ્વારા માત્ર મનોરંજન જ નહીં પરંતુ લોકશિક્ષણનું કાર્ય પણ થાય છે તેમ જણાવતાં યજ્ઞેશભાઈએ કહ્યું હતું કે ‘અમે ખેતીના બિયારણો, પાકની ફેરબદલી અને જંતુનાશક દવાઓ વિશે અનેક કાર્યક્રમો આપ્યા છે. પલ્સ પોલિયો નાબુદી અભિયાનથી લઈને કુટુંબનિયોજનની જાગૃતિ વિશેની વાતો સમાજના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડવામાં આ માધ્યમે સક્રિય યોગદાન આપ્યું છે. યજ્ઞેશભાઈએ જણાવ્યું હતું કે ‘વર્તમાન એફ.એમ ચેનલો કરતાં ‘વિવિધ ભારતી’એ અનેકગણા ઉચ્ચ ગુણવત્તાના કાર્યક્રમો સમાજને પીરસ્યા છે. આ સાથે સમાચારોમાં પણ તટસ્થ ભૂમિકા નિભાવી છે. શાસ્ત્રીય સંગીત, નૃત્ય અને કલાની સંસ્કૃતિને જીવંત રાખવા આ માધ્યમ સતત જાગૃતિપૂર્વક કાર્ય કરી રહ્યું છે. ટી.વી ‘idiot box’ તરીકે ઓળખાય છે. સમાચારોની ચેનલોમાં સમાચાર સિવાય બધું જ આવે છે ! ‘ક’ વાળી સિરિયલોથી સહુ વાકેફ છે. સૌથી વધુ શિષ્ટ અને લોકપ્રિય કાર્યક્રમો તરીકે આજે પણ ‘દુરદર્શન’ પોતાની ગુણવત્તા જાળવી રહ્યું છે.’ યજ્ઞેશભાઈએ તમામ બાબતો સંદર્ભ સાથે સવિસ્તાર રજૂ કરી હતી.

8‘સમૂહમાધ્યમ મીમાંસા’ અંતર્ગત બીજા વક્તા તરીકે હરિભાઈ દેસાઈએ વર્તમાનપત્ર વિશે સ્પષ્ટ અને તટસ્થ રીતે પોતાની વાત મુદ્દાસર રજુ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘લોકો આજે કહે છે કે વર્તમાનપત્રો પહેલા જેવા નથી રહ્યા પરંતુ વાસ્તવિકતા સાવ જુદી છે. દરેક વર્તમાનપત્રને ‘ઈકોનોમિક વ્યુપોઈન્ટ’ હોય છે. તેનું આર્થિક આયોજન કરવું પડતું હોય છે. અખબારની આર્થિક સદ્ધરતા વિશે જો ન વિચારાય તો તે અખબાર ટૂંક સમયમાં જ પડી ભાંગે છે. આ આર્થિક સદ્ધરતાને મજબૂત કરવા માટે તેમને જાહેરખબરો તરફ લક્ષ્ય આપવું જ પડે છે. ગાંધીજીના સમયના અખબારો અને સામાયિકો સાહિત્યની દષ્ટિએ ઉત્તમ હતા પરંતુ તેમણે આર્થિક આયોજનના પાસાને મહત્વ ન આપતાં આજે એમના સમયના એકપણ સામાયિક કે અખબાર આપણી વચ્ચે હયાત નથી. તેથી કહી શકાય કે ગુણવત્તાની વાતો કરવી જુદી વસ્તુ છે અને એક-એક નિર્ણય પર લાખો-કરોડોની ખોટ જઈ શકે એવી તંત્રી તરીકેની જવાબદારી નિભાવીને અખબાર ચલાવવું એ વાસ્તવિક રીતે મહાકપરું કાર્ય છે. સમયના આટલા ઉતાર-ચઢાવ વચ્ચે આજે પણ અખબારોએ લોકહૃદયમાં સ્થાન જાળવી રાખ્યું છે તે બાબત ખરેખર તંત્રીઓની સિદ્ધિ સુચવે છે.’ દષ્ટાંત આપતાં તેમણે જણાવ્યું હતું કે ‘આજકાલ એક-બે વર્ષનો કોર્ષ કરીને નવા-નવા પત્રકારત્વમાં જોડાયેલા યુવાનો શ્રેયાંસ શાહને સલાહ આપવા બેસે છે કે તમારે “ગુજરાત સમાચાર” આ રીતે ચલાવવું જોઈએ ! એમને શું ખબર પડે કે એ પદ પર બેસીને કેટલી મોટી જવાબદારી નિભાવવાની હોય છે.’

9વધુમાં હરિભાઈએ જણાવ્યું હતું કે ‘નેશનલ બ્યુરોના આંકડાઓ પ્રમાણે ‘ગુજરાત સમાચાર’ સૌથી વધુ વેચાણ ધરાવે છે. આ બાબતથી વાચકોને જો કે કંઈ ફરક પડતો નથી પરંતુ જાહેરખબરો આપનારાની એજન્સીઓને કયા પ્રદેશમાં કેટલા વાચકો છે તેનો વિગતે ખ્યાલ મળી રહે છે. સાહિત્યના સંદર્ભે વિચારીએ તો ‘મુંબઈ સમાચાર’ ને ઉત્તમ અખબાર કહી શકાય કારણકે આ અખબારે પહેલેથી જ સાહિત્યને ઘણું મહત્વ આપ્યું છે.’ ચર્ચાપત્ર વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘અખબારમાં ચર્ચાપત્રોની કૉલમો બંધ થતી જાય છે. પહેલા તો ચર્ચાપત્રો વિશે સામાન્ય નાગરિકો લખતા જ્યારે હવે તેનો ઉપયોગ લેખકો એકબીજાના લેખોની ટીકા-ટિપ્પણી માટે કરવામાં આવે છે, જે અયોગ્ય છે. જો એ જગ્યાએ જાહેરાત મુકાઈ હોત તો અખબારને લાખો રૂપિયાની આવક થઈ હોત પરંતુ તે આવકને છોડીને અખબાર તમને લોકપ્રશ્નો વિશે લખવા માટે જગ્યા આપે છે તેથી તેનો દુરઉપયોગ ન થવો જોઈએ.’ લેખકો પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે : ‘ઘણા લેખકો એવા ભ્રમમાં રહેતા હોય છે કે પોતાની કૉલમ ચાલે છે તેથી જ અખબારનું આટલું વેચાણ થાય છે પરંતુ હકીકતે લેખક એક અખબાર છોડીને બીજા અખબારમાં જાય તો એકપણ કોપીના વેચાણનો કોઈ ફરક પડતો નથી. લેખકોએ તેવા ભ્રમમાં ન રહેવું જોઈએ.’ યુવાલક્ષી સમાચારો વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘અખબાર યુવાભિમુખ હોવું જોઈએ. આથી હવે યુવાનોની કૉલમો અને તેમના વિવિધ ઉત્સવોને અખબારમાં અગ્રીમતા અપાય છે.’ તેમના આ વિશ્લેષણથી ભાવકોને વર્તમાનતંત્ર વિશે ઘણી માહિતી મળી હતી અને સમાપનમાં શ્રોતાઓએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા.

10ફિલ્મ વિશે વાતની શરૂઆત કરતાં જય વસાવડાએ જણાવ્યું હતું કે ‘સિનેમા એ મારી બીજી ‘મા’ છે. આપણે ત્યાં એવા ખોટા ખ્યાલો ફેલાઈ રહ્યા છે કે ફિલ્મથી બાળકો બગડી જાય છે. ફિલ્મનો જો એટલો બધો પ્રભાવ હોત તો ‘તારે જમીન પર’ ફિલ્મથી સમાજ સુધરી જવો જોઈએ ! હકિકતે એવું કંઈ બન્યું નથી. પરીક્ષાના હાઉમાં ચાલુ વર્ષે પણ આપઘાતોનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. ફિલ્મ જોનાર પ્રેક્ષકોમાં હંમેશા વિવેક હોય છે કે તેમાંથી શું ગ્રહણ કરવું અને શું ન કરવું. આપણે ત્યાં 99% ફિલ્મો એવી જ બને છે જેનો અંત હંમેશા ‘પોઝીટીવ’ હોય છે. મોટાભાગની ફિલ્મોમાં શાશ્વત મૂલ્યોની જ જીત થતી બતાવવામાં આવે છે. ખોટા અને અનિષ્ટ તત્વો જીત્યા હોય એવું ફિલ્મોમાં ભાગ્યે જ દર્શાવે છે. આથી દરેક ફિલ્મ એક બોધપ્રદ સંદેશ આપતી હોય છે. ફિલ્મથી જો લોકો બગડતા હોત તો ‘ક્રાઈમ-રેટ’ ગુજરાતમાં સૌથી વધારે હોવો જોઈએ કારણ કે એક સર્વે એવું કહે છે કે ગુજરાતમાં સૌથી વધુ ફિલ્મ જોવાય છે અને ફિલ્મની કુલ આવકમાં ગુજરાતની બોક્સ ઑફિસનો ઘણો મોટા હિસ્સાનો સમાવેશ થાય છે. આપણામાં ફિલ્મ જોવાની દષ્ટિનો અભાવ હોય તો આપણે તેના મૂળતત્વ સુધી પહોંચી નથી શકતા. બાકી, જે વાતો ઉપનિષદોમાં કહેવામાં આવી છે તે જ બાબતને ફિલ્મમાં સરળ રીતે કંડારવામાં આવે છે. તેજાબ ફિલ્મ આમ જુઓ તો રામાયણ જ છે. માધુરી દિક્ષીતનું અપહરણ થાય છે અને અંતે ત્યાં પેલા અડ્ડા પર જઈને તેને છોડાવવામાં આવે છે તે બાબત રામાયણની જ એક પરિકલ્પના છે.’

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ‘આપણે ત્યાં એવો એક ભ્રમ છે કે ફિલ્મોને લીધે લૂંટફાટ અને ચોરીની તરકીબો વગેરે વધે છે પરંતુ હકીકતમાં લૂંટ કરનાર લોકો હોંશિયાર હોય છે. ફિલ્મોના માથે બધુ નાખીને એમ કહી છૂટે છે કે “અમને તો ફલાણી ફિલ્મમાંથી પ્રેરણા મળી.” એક છટકવાના પ્રયાસરૂપે ફિલ્મોનો ઉપયોગ કરાય છે. વળી, ઘણીવાર પ્રેક્ષકોને એમ થાય છે કે આ ફિલ્મ કલાકારોના જીવન તો કંઈ જીવન છે ? કેટલા ભોગવિલાસમાં જીવે…. પ્રેમના નામે કેટલા અનૈતિક સંબંધો હોય… વગેરે…. પણ હું માનું છું કે તેથી શું ? એ ફિલ્મ કલાકારોના ગોસીપ બહાર પડે છે એટલે આપણે એ બધું જાણી શકીએ છીએ… સાહિત્યકારોના ગોસીપ બહાર નથી પડતા એટલો જ ફરક છે !’ (તાળીઓનો ગડગડાટ….) પોતાના સ્વાનુભવ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘મેં મારી જિંદગીના સુખ-દુ:ખ, હતાશા, નિરાશા… એ તમામ સમય થિયેટરમાં જ વિતાવ્યો છે. થિયેટરના ખોળે હું હળવો થઈ શક્યો છું. મારા તમામ દુ:ખો ભૂલાવીને સિનેમાએ મને તાજગી બક્ષી છે. અહીં વક્તવ્યમાં બોલવા ન આવવાનું હોત તો હું આ સમયે રાજકોટના કોઈ થિયેટરમાં જ બેઠો હોત ! થિયેટરમાં મને મારી કુંડલિની શક્તિ જાગૃત થતી હોય એવું અનુભવાય છે.’ વકતવ્યના અંતે તેમણે જણાવ્યું હતું કે ‘અખબારની કોલમોમાં ફિલ્મનો ‘રીવ્યુ’ લખવા માટે હું મારા ખર્ચે ટિકિટ લઈને ફિલ્મ જોઉં છું, કોઈની પાસેથી મફતમાં લેતો નથી. આમ, જો મારી વાત આપને યોગ્ય લાગે તો આપ પણ કોઈ એક સારી ફિલ્મ જોજો.’ સવારની સભાએ બપોરે 12 વાગે વિરામ લીધો હતો.

11બપોરની સભા ‘સાહિત્યસંગોષ્ઠિ-4’ નું સંચાલન શ્રી સતીશ વ્યાસે કર્યું હતું. આ સંગોષ્ઠિનો વિષય હતો ‘લોકાભિમુખ વાંગમય’, જેમાં શ્રી બકુલ ટેલરે ‘રાઈનો પર્વત’ કૃતિ વિશે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. સુન્દરમે લખેલ ‘કોયા ભગતની કડવી વાણી’ વિશે વાત કરતાં ચિનુ મોદીએ તેનો આધ્યાત્મિક પક્ષ વર્ણવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કયા સંજોગોમાં આ કડવી વાણી નિર્માણ થઈ છે. આ વાણીની વિશેષતાઓ અને નબળા પાસાઓ શું શું છે. આ સાથે ભોજાભગતના ચાબખા અને અખાના છપ્પા સાથે આ વાણીનો તુલનાત્મક અભ્યાસ રજૂ કરીને તેમણે જણાવ્યું હતું કે જે આંતરિક ભવ્યતા અને દિવ્યતા ભોજાભગત અને અખાના છપ્પામાં મળે છે તે ‘કોયા ભગતની કડવી વાણી’ માં મળતા નથી. તેમાં સમાજ પર કટાક્ષ જરૂર છે પરંતુ આધ્યાત્મિક ઉંચાઈ નથી.’ અંતમાં શ્રી કનુભાઈ જાનીએ ‘યુગવંદના’ કૃતિ વિશે પોતાનો અભ્યાસ રજૂ કર્યો હતો.

રાત્રિ કાર્યક્રમ માટે અમારે ‘ચિત્રકુટધામ’ જવાનું હતું તેથી અમે સૌ સમયસર બસમાં ગોઠવાયા. 15-20 મિનિટની મુસાફરી બાદ અમે ત્યાં પહોંચ્યા. સામે સોનાનો ઢોળ ચઢાવેલી શ્રી હનુમાનજી મહારાજની વિશાળ મૂર્તિ છે. મેદાનની વચ્ચે એક ખૂબ જ મોટો અને ચોતરફ જેની ડાળીઓ ફેલાઈને સમગ્ર ચિત્રકુટધામને આવરી લે છે તેવું એક વિરાટ વટવૃક્ષ છે. તેની નીચે બાપુને બેસવા માટે હિંચકો છે. રોજિંદા દિવસોમાં તેઓ અહીં મુલાકાતીઓ સાથે વાર્તાલાપ કરતા હોય છે. બરાબર આઠ વાગ્યે શરૂ થયેલા કાર્યક્રમમાં ભાવનગરના દીપ્તિબેન દેસાઈએ કંઠ્ય સંગીત રજૂ કર્યું હતું. તેમના જ ગુરુ પાસેથી શિક્ષા પામેલા યુવા કલાકાર પાર્થિવભાઈ ગોહિલે વિવિધ રાગમાં સુંદર કાવ્યો અને ભજન શાસ્ત્રીય રીતે રજૂ કર્યા હતા. કવિ શ્રી દિલીપ રાવલ દ્વારા લિખિત નીચેનું કાવ્ય તેમણે શાસ્ત્રીય રીતે રજૂ કર્યું હતું ત્યારે ઉપસ્થિત શ્રોતાઓ રસમગ્ન થઈ ડોલી ઊઠ્યા હતા.

12તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો
પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો

તમે પર્વતો ઊઠાવો કે પછી કોઈ રથ બચાવો
મને ભાર કંઈ ન લાગે ભલે આંગળી બનાવો.

તમે આંખમાં વસો છો તમે શ્વાસમાં શ્વસો છો
અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો

ભલે અંગથી છૂટીશું, પણ સંગ યાદ રહેશે
તમે સાપ-રૂપ લો તો, મને કાંચળી બનાવો.

ભૈરવી રાગ ગાઈને તેમણે સમાપન કર્યું હતું. છેલ્લે ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય કંઠ્યસંગીત સામ્રાજ્ઞી તેમજ પદ્મભૂષણ એવા શ્રીમતી ગિરિજાદેવીએ 13વિવિધ કંઠ્યસંગીતના રાગો આલાપીને શ્રોતાઓના મન મોહી લીધા હતા. તેમણે નવોદિત યુવાકલાકારોને એવી ટકોર પણ કરી હતી કે રોજના અમુક કલાક તેમણે નિયમિત રિયાઝ કરવો જોઈએ. ખૂબ પરિશ્રમ કરીને સંગીતની કલાને આત્મસાત કરવી જોઈએ.’ રાત્રે અગિયાર વાગે કાર્યક્રમનું સમાપન થતા અમે મહુવા પરત ફર્યા હતા.

જોતજોતામાં અસ્મિતાપર્વનો ચોથો દિવસ આવી પહોંચ્યો. સાહિત્યસંગોષ્ઠિની આ અંતિમ પાંચમી બેઠકનો વિષય હતો : ‘જ્ઞાનપીઠ પુરસ્કૃત ભારતીય સર્જકોની કૃતિઓ’. આ બેઠકની વિશેષતા એ હતી કે તેમાં ઉત્તર ભારતની એક કૃતિ, પૂર્વ ભારતની એક અને દક્ષિણ ભારતની એક કૃતિ – એમ સમગ્ર ભારતના સાહિત્ય વિશે વાત કરવામાં આવી હતી. ત્રણેય કૃતિમાં વ્યક્ત થતા પાત્રો, ત્યાંના રિવાજો, લોકરીતિ, આસપાસના પ્રદેશોનો વિસ્તાર – આ બધા પરથી જાણે સમગ્ર ભારતના સાહિત્યની વૈવિધ્યતાનો પરિચય મળી રહ્યો હતો. કુર્તલૈન હૈદરની કૃતિ ‘આગ કા દરિયા’ વિશે શરીફાબેન વીજળીવાળાએ વાત કરી હતી. તારાશંકર બંધોપાધ્યાયની કૃતિ ‘ગણદેવતા’ વિશે અનિલાબેન દલાલે પોતાનો સ્વધ્યાય રજૂ કર્યો હતો તેમજ દક્ષિણના યુ.આર. અનંતમૂર્તિની કૃતિ ‘સંસ્કાર’ વિશે શ્રી વિનોદભાઈ જોશીએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. ત્રણેય કૃતિના વક્તવ્યમાં શ્રોતાઓ જાણે ધ્યાનમગ્ન થઈ ગયા હતા. શરીફાબેનના વક્તવ્યને વધાવતા શ્રોતાઓની તાળીઓનો ગડગડાટ જરાય ઓછો નહોતો થઈ રહ્યો.

14‘આગ કા દરિયા’ વિશે વાત કરતાં શરીફાબેને જણાવ્યું હતું કે આ કૃતિ ચાર-પાંચ ખંડોમાં વહેંચાયેલી છે. આ કૃતિની વિશેષતા એ છે કે 12મી સદીથી શરૂ કરીને ભારત-પાકિસ્તાનના ભાગલા સુધીની આ જાણે ઐતિહાસિક સફર છે. એકના એક પાત્રો તેમાં દેશકાળના બદલાવ સાથે પુનર્જન્મ પામે છે.’ ભારત-પાકિસ્તાનના ભાગલા વિશે ચોટદાર વાતો રજૂ કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘દેશના ભાગલા એ કોઈ ભૌગોલિક ભાગલાની વાત નથી, એ તો એક સંસ્કૃતિ અને એકબીજાના દિલમાં વસતા પ્રેમના ભાગલાની આ વાત છે. આજે પણ એવા અનેક મુસ્લિમ બિરાદરો લાહોરમાં વસે છે જેઓનું જન્મસ્થળ લખનૌ હોય. યુદ્ધ સમયે તે ઈચ્છશે કે પાકિસ્તાન જીતે પરંતુ તેમનું હૃદય તો સતત એ જ ઈચ્છશે કે પોતાની જન્મભૂમિ લખનૌમાં બોમ્બ ન પડે. એકબીજાના તહેવારો ઉજવતા આ દેશમાં ભાગલાની વાતો ક્યાંથી આવી ચઢી ? મને એ સમજાતું નથી. અહીં મુસ્લિમ હિંદુના તહેવારોએ મંદિરોના ઉત્સવોમાં રસ લેતો, હિન્દુ દરગાહ પર ચાદર ચઢાવતો… એકબીજા સાથે આટલી ઓતપ્રોતતાથી જીવતી આ બે કોમ વચ્ચે વૈમનસ્યના બીજ કેવી રીતે પાંગર્યા એ વિશે હું છેલ્લા સાત વર્ષથી સંશોધન કરી રહી છું. દેશના ઈતિહાસના મૂળમાં આ તત્વ ક્યાંથી આવ્યું તે વિશે મારી ખોજ ચાલી રહી છે. સ્વતંત્રતાની આબોહવા કે મહોમ્મદઅલી ઝીણાની નીતિ માત્ર આ ભાગલામાં કારણભૂત તત્વ નથી, તેમાં બીજા અનેક તત્વો સક્રિય રીતે કામ કરી ગયાં છે. આ મનમાં જન્મેલા વૈમનસ્યની વાત છે.’ શરીફાબેનના તેજાબી વક્તવ્ય બાદ અનિલાબેન દલાલે ‘ગણદેવતા’ નવલકથામાં આવતું ગામડાનું સૌમ્ય સ્વરૂપ આલેખ્યું હતું. તે ભૂમિના પ્રદેશો અને નવલકથાના પાત્રો વિશેની વિસ્તૃત વિગતો તેમણે ખૂબ બારીકાઈથી રજૂ કરી હતી.

15સાહિત્યસંગોષ્ઠિના અંતિમ વક્તવ્યમાં શ્રી વિનોદભાઈ જોશીએ યુ.આર અનંતમૂર્તિની ‘સંસ્કાર’ નવલકથા વિશે ખૂબ સુંદર વાતો રજૂ કરી હતી. આ નવલકથામાં ‘પ્રાણેશાચાર્ય’ અને ‘નારનપ્પા’ નામના બે પાત્રો છે. નારનપ્પા વિલાસી છે. પોતાની પત્નીને ઘરની બહાર કાઢી મૂકીને ‘ચંદ્રી’ નામની રખાત જોડે રહે છે. ભોગવિલાસમાં રત છે. તેને જેમ ગમે તેમ તે સહજ જીવન જીવે છે. વેદવિધાનથી ચ્યુત હોવાને કારણે ગામમાં તે અધમ માણસ તરીકે ઓળખાય છે. બીજી બાજુ, પ્રાણેશાચાર્ય એક પવિત્ર બ્રાહ્મણ છે. તે તપને જ સર્વસ્વ માને છે, પરંતુ તેનું તપ કંઈક અંશે જડ અને નિરસ ભાસી રહ્યું છે. ઉચ્ચ જીવનની તે અભિલાશા સેવે છે પણ ઘણીવાર વાસ્તવિકતાથી દૂર ભાગે છે ! પત્ની ‘ભાગીરથી’ બિમારીને કારણે પથારીવશ છે પણ પ્રાણેશાચાર્ય જાણે તેની એક ‘મા’ ની જેમ સેવા કરે છે. ઘણો લાંબો સમય પસાર થવા છતાં તેમને કોઈ સંતાન નથી. ‘મારી સાથે સંસાર માંડીને તમને કોઈ આનંદ હું આપી શકી નથી. ઘરને બાળક જોઈએ છે. શા માટે તમે ફરી લગ્ન નથી કરતા ?’ – એવા ભાગીરથીના પ્રસ્તાવને પ્રાણેશાચાર્ય ઠુકરાવી દે છે. તેના માટે તો તપમય જીવન જ સર્વસ્વ છે. પ્રાણેશાચાર્યને કોઈ હરખ-શોક નથી. તેઓ આદર્શોમાં જ જીવન વિતાવવાનું મુનાસીબ સમજે છે.

કથા હવે વળાંક લે છે. પ્લેગમાં પેલા નારનપ્પા મૃત્યુ પામે છે. આવા અપવિત્ર માણસના અગ્નિસંસ્કાર કોણ કરે તે પ્રશ્ન ઊભો થાય છે. સગાવહાલા તો સૌ એને છોડીને જતા રહ્યા હોય છે. પ્રાણેશાચાર્ય જેવા વિદ્વાન બ્રાહ્મણ પાસે કંઈક ઉકેલ મળશે તે આશાથી ચંદ્રી તેમનો સંપર્ક કરે છે. અનેક થોથાંઓ ઉથલાવ્યા બાદ પ્રાણેશાચાર્ય કોઈ નિશ્ચિત નિર્ણય પર પહોંચી શકતા નથી. શબના અગ્નિસંસ્કાર હજી બાકી છે. છેવટે જંગલની સામે બાજુ હનુમાનજીના મંદિરે જવાનું તે નક્કી કરે છે. મૂર્તિના ડાબે અને જમણે ખભે એમ બે ફૂલ મૂકીને નિશ્ચય કરે છે કે આ બાજુનું ફૂલ પડે તો આ પ્રમાણે કરવું અને પેલી બાજુનું પડે તો તે પ્રમાણે…. પરંતુ કંઈ થતું નથી. મોડી રાત સુધી કોઈ પરિણામ ન આવતા તે નિરાશવદને જંગલના રસ્તે તેઓ પાછા આવી રહ્યા છે. રાત્રીના એકાંતમાં નારનપ્પાની રખાત ચંદ્રી તેમને સામે મળે છે. નારનપ્પાના અગ્નિસંસ્કાર માટે કોઈ ઉકેલ પૂછે છે પણ પ્રાણેશાચાર્ય હતાશ થઈને કોઈ જવાબ આપી શકતા નથી. ચંદ્રીને લાગે છે કે તેઓ વિદ્વાન જરૂર છે પરંતુ પોતાના સંસારથી કે તપથી બહુ તપ્ત છે. કદાચ દાંપત્યજીવનનો આનંદ માણી શક્યા નથી. અચાનક ચંદ્રીને પ્રાણેશાચાર્ય પ્રત્યે કરુણા ઉપજે છે. રાત્રિના એકાંતમાં ખુલ્લા વાળે ગુલાબની માદક સુગંધથી મુગ્ધ બનીને સ્પર્શ કરતી ચંદ્રીના સંગાથમાં વર્ષોથી સૂતેલો પ્રાણેશાચાર્યમાંનો ‘પુરુષ’ એકદમ જાગી ઊઠે છે. બીજા દિવસની સવારે પ્રાણેશાચાર્યને આ શારીરિક સંબંધ થી પોતાનું પતન થયાની બાબતનું ખૂબ દુ:ખ અનુભવાય છે. તેમની ઈચ્છા છે કે તે આખા ગામને જણાવી દે કે હવે પોતે પહેલા જેવા વિદ્વાન બ્રાહ્મણ નથી રહ્યા. ચંદ્રીના સંગે તેમનું તપોબળ નષ્ટ થયું છે. સવારે ઘરે આવતા જાણે છે કે પોતાની પત્ની ભાગીરથી પણ પ્લેગમાં મૃત્યુ પામી છે. તેના અંતિમ સંસ્કાર કરીને ગામથી પોતાનું મોં છુપાવવા તે દૂર દૂર ચાલ્યો જાય છે. આ સમયે ‘પુટી’ નામનું એક પાત્ર સર્જીને લેખક જાણે પ્રાણેશાચાર્યના મનના એક વિચારનો તેની સાથે સતત પીછો કરાવે છે. પુટી સાથે તૂટેલા અને ગંદા બાંકડા પર બેસીને એક સમયનો આ વિદ્વાન બ્રાહ્મણ ચા પીવે છે. અન્નક્ષેત્રમાં ભોજન લેતાં લોકો ઓળખી જાય છે અને ત્યાંથી પણ તે આગળ વધે છે. વાર્તાના અંતે પુટી તેને એક બળદગાડું જોતરી આપે છે જેમાં બેસીને પ્રાણેશાચાર્ય દૂર દૂર ચાલ્યો જાય છે. એક બાજુ પ્રકૃતિ અને બીજી બાજુ સંસ્કૃતિ વચ્ચે પ્રાણેશાચાર્યને મૂકીને લેખકે અદ્દભુત મનોમંથન રજૂ કર્યું છે.’ કથાનો સૂક્ષ્મ અર્થ સમજાવતાં વિનોદભાઈએ જણાવ્યું હતું કે ‘નારનપ્પા જેવો હતો તેવો સમાજ સામે રહેતો હતો તેથી શું તે ખરાબ હતો ? કે પછી પ્રાણેશાચાર્યનું તપ તેના સ્વથી ભાગવાના એક પ્રયાસ રૂપે હતું !? લેખક કોઈ નિર્ણય રજૂ કરતાં નથી પરંતુ એટલો સ્પષ્ટ નિર્દેશ કરે છે કોઈક સમયે માનવી પર તેની પ્રકૃતિ હાવી થઈ જાય છે કારણ કે તે તેને મૂળથી મળેલી છે. ભિષ્મની ભિષ્મ પ્રતિજ્ઞા એ તો પછીની વાત છે પરંતુ એ પહેલા તો ભિષ્મ પણ એક પુરુષ તરીકે જ જન્મ્યો છે એ વાસ્તવિકતા સ્વીકારવી રહી.’ તેમ કહી તેમણે તેમનું વક્તવ્યનું સમાપન કર્યું હતું. સાહિત્યકારો અને ફોટોગ્રાફરોના સન્માન સાથે સવારની બેઠક અહીં સમાપ્ત થઈ હતી.

સાંજે કાવ્યાયન-2ની બેઠકનું સંચાલન હર્ષદભાઈ ત્રિવેદીએ કર્યું હતું. એકથી એક ધુરંધર કવિઓ-ગઝલકારોની ગઝલ સાંભળીને શ્રોતાઓ આફરીન પોકારી ઉઠ્યા હતા. બેઠકની શરૂઆતમાં રાજેશ વ્યાસ ‘મિસ્કિન’ ને સુંદર ગઝલો રજૂ કરી હતી. ખૂબ સુંદર શૈલીમાં તેમણે પાંચેક ગઝલનું પઠન કર્યું હતું. ત્યારબાદ કવિશ્રી માધવ રામાનુજ વિશે વાત કરતાં હર્ષદભાઈ જણાવ્યું હતું કે ‘આ એક એવા કવિ છે જેમના વિશે તમે એમ ગપ્પું મારો કે ગઈકાલે મેં એમને ટી.વી. પર જોયા હતા, તો તમે ખોટા ન પડો….!! કહેવાનો અર્થ કે એટલા બધા ટી.વી કાર્યક્રમો એમણે આપ્યાં છે….’ માધવભાઈએ સુંદર કૃષ્ણગીતો રજૂ કર્યા હતા. સુપ્રસિદ્ધ ગઝલકાર જલન માતરી સાહેબે મુક્તક અને ગઝલોનું પઠન કર્યું હતું, તેમાનું એક મુક્તક અને ગઝલ નીચે પ્રમાણે છે.

16(મુક્તક)

હવે જે વાવે એવું ક્યાં લણે છે
ન બનવું જોઈએ એવું બને છે
આ પહેલાં રસ્તા પર બનતા મકાનો,
હવે એ તોડીને રસ્તા બને છે.

(ગઝલ)

ભરેલા છે તો પણ વરસતા નથી
આ વાદળ નકામા છે ખસ્તા નથી
અસલીયત હવે રહી છે કોના મહીં
કહ્યું કોણે ગાજ્યા વરસતા નથી.

ખુદા પાસે જો પહોંચવું હોય તો
સરળ પણ નથી, સ્હેલા રસ્તા નથી
જનમ પામતાં જન્મનારા બધા
રડે છે ‘જલન’ કેમ હસ્તા નથી ?

આ ઉપરાંત તેમણે પૂર અને ગ્લોબલ વોર્મિંગ વિશે પણ સુંદર ગઝલોથી ઉપસ્થિતોને અભિભૂત કર્યા હતા. બાપુ સહિત સૌ કોઈ આ પ્રવાહમાં ડોલી રહ્યા હતા. કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ વિશે વાત કરતાં સંચાલકશ્રીએ જણાવ્યું હતું કે ‘આ તો બાવનબારાના કવિ છે. નવોદિતો કેટલીક વાર તેમની કૃતિઓ ન સમજાતાં કહી દેતા હોય છે કે તેમની કૃતિમાં છંદ તૂટે છે, પણ વાસ્તવમાં વાત એવી નથી. આ કવિ તો અનુભૂતિથી પોતાના છંદો રચી શકે છે. બીજમાંથી ફૂટેલા ફણગાએ મોટા વડની ભૂલો કાઢવાનો કોઈ અધિકાર હોતો નથી’ તેમ કહીને હર્ષદભાઈએ કવિની કેટલીક સુંદર રચનાઓનો પરિચય આપ્યો હતો. અંતમાં વયોવૃદ્ધ કવિશ્રી રતિલાલ ‘અનિલે’ સુંદર મુક્તકો અને કાવ્ય રજૂ કર્યા હતા. ‘પાણીને તરવાનું મન થાય છે ત્યારે બરફ બને છે….’ અને ‘લીલું પાન તો ટપ દઈને ધરતી પર પડે છે, સૂકું હોય એ જ ફંગોળાતું ફંગોળાતું ધીમે ધીમે નીચે આવે છે.’ જેવાં તેમના વાક્યો ખૂબ મનનીય હતાં. સાંજે છ વાગે સૌથી પ્રસન્નતા અને એક અવિસ્મરણીય અનુભવ સાથે બેઠકનું સમાપન થયું હતું.

17ફરી પાછા રાત્રિના આઠ વાગ્યે અમે ‘ચિત્રકુટધામ’ આવી પહોંચ્યા. આજે ‘વાદ્યસંગીત’ નો વિષય હતો. શાસ્ત્રીય સંગીતની આ અંતિમ બેઠકમાં અમે સૌ પ્રથમ શ્રીમતી અનુપમા ભાગવતના સિતારવાદનનું રસપાન કર્યું. ત્યારબાદ પરદેશથી પધારેલા પંડિત શંકર ઘોષે તબલાવાદનથી સૌને ડોલાવ્યાં. કાર્યક્રમના અંતિમ ભાગમાં જેની અમે સવારથી રાહ જોતા હતા તે પંડિત શ્રી હરિપ્રસાદ ચોરસિયાના બાંસુરી વાદનનો ખૂબ સુંદર લ્હાવો પ્રાપ્ત થયો. રાત્રીના શાંત વાતાવરણમાં હનુમાનજીની સમીપે તબલા, પખવાજ અને બાંસુરીની જુગલબંદીના સુર હજુ આજે પણ ચિત્તમાં ગૂંજી રહ્યા છે. વિવિધ રાગોથી શ્રોતાઓના મન ડોલાવીને અંતે તેમણે ‘શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન….’ પદ બાંસુરીના સ્વરે ગાઈ સંભળાવ્યું હતું. સૌ કોઈ જાણે મંત્રમુગ્ધ બની ગયા હતા. મોડી રાત્રે કાર્યક્રમનું સમાપન થતાં અમે તે ગીતોને ગણગણતા પરત ફર્યાં.

જેમની જન્મજયંતિના ઉપલક્ષમાં આ સમગ્ર પર્વ ઉજવાય છે તેવા શ્રી હનુમાજી મહારાજનો જન્મજયંતિ દિવસ એટલે કે અસ્મિતાપર્વનો પાંચમો દિવસ. અમે સૌ સાથી મિત્રો સવારના સાત વાગ્યે સ્નાનાદિથી પરવારીને તૈયાર થઈ એકમેકની રાહ જોતા ગુરુકુળના પ્રાંગણમાં ટહેલતા હતા. આ દિવસે સમગ્ર કાર્યક્રમ તલગાજરડા ‘ચિત્રકૂટધામ’ ખાતે રાખવામાં આવે છે. વહેલી સવારના સમયે જવાનું હોવાથી અમને રિક્ષા કરી લેવાનું વધારે યોગ્ય લાગ્યું. આળસ મરડીને બેઠી થતી ગ્રામ્ય પરોઢને નિરખતા, રિક્ષાવાળા મુસ્લિમ ચાચા સાથે અલકમલકની વાતો કરતાં અમે તલગાજરડા જઈ રહ્યા હતાં. ગામડાના લોકોના મુખ પર સંતોષ અને પ્રસન્નતાનો ભાવ સહજ છલકાતો હોય છે. વાત વાતમાં તેઓએ કહ્યું કે : ‘રોજના 100-150 રૂપિયા કમાઈ લઉં છું. પરિવારનું ગુજરાન સારી રીતે ચાલે છે. બસ, વધારે શું જોઈએ ? ભેગું કરેલું બધું એક દિવસ અહીં મૂકીને જવું પડે છે. એના કરતાં રોજનું કમાઈએ-ખાઈએ એટલે આનંદથી જીવાય !’ સાંકડા રસ્તાઓ અને વિશાળ ખેતરોના પ્રાકૃતિક દ્રશ્યો સાથે સવારની મીઠી ઠંડકનો આહલાદક સ્પર્શ કરતાં-કરતાં અમે આગળ વધી રહ્યા હતાં. ચિત્રકુટધામ પહોંચીને અમે જોયું તો આસપાસના ગ્રામ્યજનોએ તો વહેલી સવારથી જ બેઠક મેળવી લીધી હતી ! સવારે 8.30 વાગ્યાથી સુંદરકાંડ અને હનુમાનચાલીસાના પાઠ શરૂ થયા. ભાવિકોનો પ્રવાહ સતત વધી રહ્યો હતો. પક્ષીઓના ટહુકા વચ્ચે તાલબદ્ધ રીતે ગવાતી સ્તુતિ અને પાઠ સમગ્ર વાતાવરણને દિવ્યતાથી ભરીને રહ્યા હતા. સૌ કોઈ રોમાંચિત થઈ રહ્યા હતા.

18બરાબર 9.30 વાગ્યે બાપુનું આગમન થતાં બધા પ્રસન્ન થઈ તેમનું અભિવાદન કરી રહ્યા હતાં. દલિત અને દેવીપૂજક કોમની બાળાઓએ શ્રી હનુમાનજી મહારાજની આરતી ઉતારી હતી. એ પછી પદ્મભૂષણ સહિત અનેક ઈલકાબ ધરાવનાર, 13 કલાકથી પણ વધુ નૃત્ય કરીને રેકોર્ડ સ્થાપનાર આ 80 વર્ષથી વધુ વયના સુશ્રી. સિતારાદેવીએ કથક નૃત્ય રજૂ કર્યું હતું. હનુમાનજી સામે સૌ પ્રથમ વખત પોતાની કલા રજૂ કરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે શ્રોતાઓને જણાવ્યું હતું કે ‘આટલી વયે, ચાલવાની અને હાર્ટની તકલીફ હોવા છતાં હું નૃત્ય વગર નથી રહી શકતી. નૃત્ય જ મારું સર્વસ્વ છે. સમય ઓછો છે અને હવાઈજહાજ પકડવાનું હોવાથી હું અમુક નૃત્યો જ રજૂ કરી શકીશ પરંતુ ફરી કોઈ વાર ઈશ્વર અનુકુળતા આપશે તો હું કલાકોના કલાકો નૃત્ય રજૂ કરવા આતુર છું.’ આ પછીનો વિશેષ કાર્યક્રમ હતો ‘હનુમંત એવોર્ડ’ અર્પણવિધિનો. પ્રતિવર્ષ ભારતીય શાસ્ત્રીય સંગીતની આજીવન સેવાના ઉપલક્ષ્યમાં પૂ.બાપુની પ્રેરણાથી નૃત્ય અને સંગીતના વિવિધ ક્ષેત્રના ઉપાસકોને આ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે કવિવર રાજેન્દ્ર શાહ, શ્રી રતિલાલ ‘અનિલ’, અનિલા દલાલના હસ્તે ચાર મહાન નૃત્ય-સંગીત ઉપાસકોને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. શાસ્ત્રીય કથક નૃત્ય માટે સુશ્રી. સિતારાદેવીને, ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય કંઠ્યસંગીત માટે શ્રીમતી ગિરિજાદેવીને, શાસ્ત્રીય વાદ્યસંગીતમાં બાંસુરીવાદન માટે શ્રી હરિપ્રસાદ ચૌરસિયાને અને તબલા માટે પંડિત શંકર ઘોષને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સૌ કલાકારોએ પોતાના અંતરની પ્રસન્નતા વ્યક્ત કરીને પોતાનો સદભાવ બે શબ્દોમાં વ્યક્ત કર્યો હતો.

હનુમાનજયંતીના પ્રાસંગિક વક્તવ્યનો પ્રારંભ કરતાં મોરારિબાપુએ સ્તુતિ કરી વક્તવ્યનો આરંભ કર્યો હતો.

લોકાભિરામં રણરંગધીરં
રાજીવનેત્રં રઘુવંશનાથમ |
કારુણ્યરૂપં કરુણાકરંતમ
શ્રી રામચંદ્રં શરણં પ્રપદ્યે ||

મનોજવં મારુતતુલ્ય વેગં
જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠમ |
વાતાત્મજં વાનરયુથમુખ્યં
શ્રી રામદૂતં શરણં પ્રપદ્યે ||

19સૌપ્રથમ તેમણે સંગીત-નૃત્ય વિશારદોને આવકારતાં કહ્યું હતું કે ‘આ બધા કેવળ પ્રેમને કારણે અહીં આવે છે. વર્ષો પહેલા જ્યારે હું હાઉસિંગ બોર્ડના મકાનમાં રહીને નોકરી કરતો હતો એ સમયે પણ શ્રી હરિપ્રસાદજી અમારી ઘરે પધારતા. મારી મા પીરસતી અને તેઓ અમારા ઓટલે બેસીને જમતા. આ સૌ સંગીત-નૃત્યના ઉપાસકોને અમે જ્યારે પણ યાદ કર્યા છે ત્યારે તેઓ પોતાનું સઘળું કામ મૂકીને કેવળ એક પ્રેમના નાતે અહીં ઉપસ્થિત રહ્યા છે.’ વધુમાં બાપુએ જણાવ્યું હતું કે ‘આ એવોર્ડ એ કોઈ પર્વ નિમિત્તે કે મોરારિબાપુ દ્વારા કે પછી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા અપાતો એવોર્ડ નથી, એ તો કેવળ ને કેવળ આપની કલાની સ્મૃતિરૂપે શ્રી હનુમાનજી મહારાજ દ્વારા અપાતું એક સન્માન છે. હા, એ તલગાજરડાથી આપવામાં આવે છે એનું મને ગૌરવ છે.’ દરેકને પોતપોતાનું તલગાજરડું હોય છે. તેથી હું હવે કથાઓમાં પણ કવિની છૂટ લઈને ગાઉં છું કે ‘મને મારું તલગાજરડું વ્હાલું, વૈકુંઠ નહિ રે આવું….’ વધુમાં તેમણે રમુજ કરતાં કહ્યું હતું કે, ‘ગઈકાલે મને શોભિતભાઈ કહેતા હતા કે તેઓ મુંબઈ એરપોર્ટથી આવતા હતા ત્યારે ચેકિંગ ઑફિસરે તેમને પૂછ્યું હતું કે તમે ક્યાં જાઓ છો ?…. આ વાત પ્રત્યક્ષરૂપે બની કે નહીં તેમાં મારે નથી જવું કારણ કે શોભિતભાઈ કવિ છે અને કવિને કલ્પના કરવાનો અધિકાર છે. કવિને પોતાની સ્વતંત્રતા હોય છે…. તો બન્યું એવું કે ચેકિંગ ઑફિસરે તેમને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો ?….
શોભિતભાઈએ કહ્યું કે અસ્મિતાપર્વમાં…
તો એણે ફરી પૂછ્યું કે એ શું છે ?
કહે કે સાહિત્યનો કાર્યક્રમ છે…..
એણે વધુ જાણવા પૂછ્યું કે સાહિત્ય એટલે શું ? શોભિતભાઈએ કહ્યું કે સાહિત્ય એટલે શક્તિ. કારણકે સાહિત્ય માનવીને આંતરિક શક્તિ-તાકાત બક્ષે છે.
અને મોરારિબાપુ એટલે શું ?
તો શોભિતભાઈ કહે કે : સહનશક્તિ !
કારણકે અહીં ભાતભાતનું સહન કરવું પડે છે ! હું ગઈકાલે રસ પીરસીને આવ્યો ત્યારે મારી પાસે એક ચિઠ્ઠી આવી કે તમે આ જે રસ પીરસો છો એ એક દેખાડો છે, લોકોમાં પ્રચાર કરવાની વૃત્તિ છે….વગેરે…. – આ બધું સહન કરવું પડતું હોય છે ! દશ વર્ષ પહેલાં પણ આવી એક ચિઠ્ઠી આવી હતી, હવે પાછું એ ફરી શરૂ થયું લાગે છે ! હું તો કેવળ પ્રેમને કારણે આપને મળું છું. આપ સૌ આટલો સમય લઈને અહીં પધારો છો એથી હું ખૂબ આનંદિત થાઉં છું. આ અસ્મિતાપર્વમાં હું ઘણું-ઘણું શીખું છું. હું એટલું ચોક્કસ કહીશ કે હું વક્તા હોઉં કે ના હોઉં, સાહેબ, શ્રોતા જરૂર છું. મને સાંભળવું ગમે છે. અસ્મિતાપર્વએ મને અનેકઘણું આપ્યું છે. ગઈકાલે જયભાઈ વસાવડાએ ફિલ્મ વિશે વાતો કરીને મારું કામ હળવું કરી નાખ્યું ! સારી વસ્તુ ગમે ત્યાંથી શીખી શકાય છે. વિશાળ ચાર-પાંચ ખંડોમાં પથરાયેલી ‘આગ કા દરિયા’ વિશે શરીફાબેને અદ્દભુત વાતો કરી. તદુપરાંત જો વિનોદભાઈએ આપણને ગઈકાલે ‘સંસ્કાર’ નવલકથા વિશે વાત ન કરી હોત તો તમને તો શું, મનેય ખબર નહોતી કે આવી કોઈ નવલકથા આ વિષય પર લખાઈ છે. મારું ચિત્ત સંગ્રાહક છે. વક્તવ્યમાં કહેવાયેલી તમામ બાબતો મારા ચિત્તમાં જાણે કે ટેપ થઈ જાય છે. હવે એ બધી વાતો કથામાં ખૂલશે !’ આમ કહીને બાપુએ વાત વાતમાં ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે…’ ગાતાં કહ્યું હતું કે હવે મારી વ્યાસપીઠ મને ક્યારે નચાવે કંઈ કહી શકાય તેમ નથી. હું ખૂબ જ આનંદ મહેસુસ કરું છું. મારી પ્રસન્નતાની કોઈ સીમા નથી…’

વધુમાં બાપુએ કહ્યું હતું કે ‘મારી વ્યાસપીઠ કોઈને સુધારવામાં માનતી નથી, હું તો કેવળ સ્વીકારમાં માનું છું. વ્યક્તિનો સ્વીકાર કરવામાં આવે તો તેનામાં આપમેળે યોગ્ય પરિવર્તન આવે છે. મારું કોઈને કોઈ દબાણ હોતું નથી. મને ગમે છે તેથી હું કાળી શાલ રાખું છું, માથે તિલક કરું છું પરંતુ આ બધું કરવાથી કંઈ ધાર્મિક નથી થઈ જવાતું. કોઈ કરે તો વંદનીય છે પરંતુ હું એવી કોઈ બાબતનો આગ્રહ રાખવામાં માનતો નથી.’

20હનુમાનજયંતી નિમિત્તે વિશેષરૂપે તેમણે કહ્યું હતું કે ‘રામચરિત માનસના આધારે કહી શકાય કે વ્યક્તિના હૃદયમાં મોહ બિરાજે છે. મોહનો એક અર્થ વિનયપત્રિકા પ્રમાણે રાવણ થાય છે. વ્યક્તિના હ્રદયમાં રાવણપણું હોય છે. રાવણના હૃદયમાં જાનકી આસક્તિ અથવા ભક્તિરૂપે બિરાજે છે. જાનકીના હૃદયમાં પરમાત્મા રામ બિરાજે છે અને રામના હૃદયમાં વિરાટરૂપ પ્રમાણે આ સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે, પણ આ સમગ્ર બ્રહ્માંડનું હૃદય જો કોઈને કહેવું હોય તો એ આ પૃથ્વી છે. શાસ્ત્રો કહે છે કે સાત લોક ઉપર છે અને સાત લોક નીચે છે પણ કોઈ જોવા ગયું નથી. ત્યાં જઈને કોઈએ આપણને કંઈ ટેલિફોન કર્યો નથી ! તેથી જે આપણી સામે પ્રત્યક્ષ છે એ પૃથ્વીને જ બ્રહ્માડનું કેન્દ્ર ગણવું જોઈએ. મંગળમાં કોઈ સ્ત્રી બેઠી છે એવું વિજ્ઞાન શોધે છે. વિજ્ઞાન ખોજ કરશે ત્યારની વાત ત્યારે; પણ હમણાં તો પૃથ્વી આપણી સામે પ્રત્યક્ષ છે. તેથી આ વાતને આગળ ચલાવીએ તો બ્રહ્માંડના હૃદયમાં આ પૃથ્વી છે અને આ પૃથ્વીના હૃદયમાં કેન્દ્રસ્થાને કેવળ મનુષ્ય છે. આ ધરતી મનુષ્યથી શોભી રહી છે. મનુષ્ય એનું કેન્દ્ર છે. તેથી તેનું હૃદય મનુષ્ય છે. વળી, પાછું આગળ વિચારીએ તો મનુષ્યના હૃદયમાં મોહ છે ! બસ, આમ ને આમ આ વર્તુળ ચાલ્યા જ કરે છે. જેવી રીતે લોકો કહે છે ને કે ઉંદરડી કોનાથી બીએ ? તો કહે બિલાડીથી. બિલાડી કોનાથી બીએ ? તો કહે કુતરાથી. કુતરો કોનાથી બીએ ? તો કહે આદમીથી. એટલે કે પુરુષથી…. પુરુષ કોનાથી બીએ ?… પુરુષ કોનાથી બીએ ? સ્ત્રીથી ! અને વળી સ્ત્રી કોનાથી બીએ ? ઉંદરડીથી… બસ જગતમાં બધું આમને આમ ગોળ ગોળ ચાલ્યા જ કરે છે. હનુમંત તત્વ આપણા શરીરમાં પ્રાણરૂપે બિરાજે છે અને એ સમષ્ટિનો પ્રાણ છે. આજે હનુમાનજંયતિના આ મંગલમય અવસરે હું સૌને શુભકામનાઓ અને મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું.’

સાહિત્ય વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે દોહાવલી રામાયણનો એક દોહો છે કે માનવીના જીવનમાં જ્યારે અસમય હોય; અર્થાત યોગ્ય સમય ન હોય, ખરાબ કાળ ચાલતો હોય ત્યારે માનવીનો મિત્ર કોણ ? તે બતાવતા તુલસીદાસજી કહે છે કે :

तुलसी असमय के सखा , धीरज धर्म विवेक । साहित साहस सत्यव्रत , राम भरोसो एक ॥

માનવીના જીવનમાં જ્યારે યોગ્ય સમય ન હોય ત્યારે સાત જણ તેના પરમમિત્ર બનીને ઊભા રહે છે. સૌપ્રથમ તો ખરાબ સમય હોય ત્યારે માનવીએ ધીરજ રાખવી. એ પછી ધર્મ એટલે માનવીનો સ્વભાવ. ખરાબ સમયમાં ગમે એટલા પદોનો પ્રભાવ કામ નથી લાગતો, ત્યાં તો માનવીય સ્વભાવ કામ લાગે છે. એ પછી છે વિવેક. વિવેક માનવીની રક્ષા કરે છે. અને હવે જેની માટે મેં આ દોહો યાદ કર્યો તેની મુખ્ય વાત છે ‘સાહિત્ય’. અહીં ‘સાહિત’ શબ્દ ‘સાહિત્ય’ માટે પ્રયોજાયો છે. સાહિત્ય માનવના અયોગ્ય સમયનો પરમ સાથી છે. તે અવશ્ય બચાવ કરે છે. યોગ્ય દિશામાં વાળે છે. ત્યાર બાદ શબ્દ છે ‘સાહસ’. હું વારંવાર કથામાં કહું છું કે એકવીસમી સદીનો સંત સાહસી હોવો જોઈએ. સાહિત્યકાર પણ સાહસી હોવો જોઈએ. તેનામાં જાગૃતિ હોવી જોઈએ. હવે શબ્દ છે ‘સત્યવ્રત’. આદમી સત્યવ્રતી હોવો જોઈએ. સત્યમાં તેની પૂર્ણનિષ્ઠા હોવી જોઈએ અને છેલ્લે તો ‘રામ ભરોસો એક’ તેને પોતાના માલિક પર ભરોસો હોવો જોઈએ. એ ભરોસા/વિશ્વાસનું બીજું નામ જ હનુમાન છે કારણ કે હનુમાન એ અગિયારમો રુદ્ર છે અને આપણે સૌ જાણીએ છીએ કે ‘ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રુપિણો’ વિશ્વાસ એ શંકર કે હનુમાન સ્વરૂપ છે. તેની પૂજા કોઈ પણ કરી શકે. સમાજમાં ખોટી ભ્રાંતિઓ તૂટે તે કારણે જ હું દલિત સમાજની કન્યાઓ દ્વારા આરતી કરાવું છું. ખબર નહીં કોણે એવી ખોટી માન્યતાઓ ફેલાવી છે કે સ્ત્રીઓ હનુમાનજીની પૂજા ન કરી શકે. એવી માન્યતાઓ ફેલાવનાર તો હવે કદાચ રહ્યો નહીં હોય ! સ્વર્ગે ગયો હોય તો હું એને મળી નહી શકું કારણ કે મારે સ્વર્ગે જવું નથી ! બાપ, સમાજે ખોટી માન્યતામાંથી બહાર આવવું. હનુમાનજીની પૂજા કોઈ પણ કરી શકે.’ આમ કહીને તેમણે રામચરિત માનસના કેટલાક છંદો ગાઈને રજૂ કર્યા હતા. છેલ્લે ઉપસ્થિત સૌનું અભિવાદન કરીને તેમણે તેમની વાણીને વિરામ આપ્યો હતો. આમ, અસ્મિતાપર્વના તમામ કાર્યક્રમોનું સમાપન થયું હતું.

મહુવા પરત આવીને ભોજન બાદ સૌ એકબીજા સાથે મળીને વિદાય લઈ રહ્યા હતા. પાંચ દિવસના આ સાહિત્યસત્રમાં કેટલાય નવા પરિચિત મિત્રોને પોતાને શહેર આવવાના આમંત્રણ અપાઈ રહ્યા હતા. આ આનંદ અને પ્રસન્નતાના માહોલને છોડીને કોઈને પરત ફરવાનું મન નહોતું પરંતુ જવાનું તો હતું ફરીથી આવવા માટે ! અમે સૌ પણ સામાન સાથે સમયસર એસ.ટી ડેપો જઈ પહોંચ્યા. મુસાફરોને ભરીને બસ ધૂળની ડમરીઓ ઉડાડતી મહુવાથી દૂર દૂર જઈ રહી હતી અને અંદર બેઠેલા સૌ આ સંસ્મરણોને વાગોળતા પોતપોતાના ગંતવ્ય સ્થાન તરફ ગતિ કરી રહ્યા હતા.

[ પ્રત્યેક દિવસના ફોટો-આલ્બમની લીન્ક નીચે પ્રમાણે છે. (કુલ ફોટો : 207) ]

AsmitaParva-Day1
AsmitaParva-Day2
AsmitaParva-Day3
AsmitaParva-Day4
AsmitaParva-Day5

[ કાર્યક્રમ સ્થળ : શ્રી કૈલાસ ગુરુકુળ, માલણ નદીને તીર, મહુવા (જિ. ભાવનગર, ગુજરાત.) ફોન : +91 02844 222090 ]
[ ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ : સંગીતની દુનિયા પરીવાર, નાગરીક સહકારી બેન્ક પાસે, મહુવા-364290. ભાવનગર. ફોન : +91 02844 222864. ઈ-મેઈલ : sangeetniduniya@yahoo.com ]
[ ‘અસ્મિતાપર્વ વાકધારા સંપુટ’ પ્રાપ્તિસ્થાન : ગૂર્જર એજન્સી, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-380001]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિચારમંથન – સંકલિત
જીવનનાં મૂલ્યો શીખવશે કોણ ? – ડૉ. ઊર્મિલા શાહ Next »   

62 પ્રતિભાવો : અસ્મિતાપર્વ વિશેષ – મૃગેશ શાહ

 1. gopal parekh says:

  અભૂતપૂર્વ અવસર, જિઁદગીનો એક લહાવો જે તમે મેળવી શક્યા

 2. Ketan Shah says:

  ખુબ જ સુંદર વર્ણન.

 3. DILIP says:

  દિલિપ ધરવિયા જયન્તિલાલ મને આ વાચન ખુબજ ગમ્યુ

 4. dipika says:

  Amazing article mrugeshbhai,
  great efforts and great event

  thanks a lot for sharing it with readers.

 5. BRIJESH GAndhi says:

  maja padi gay mrugesh bhai.

 6. nilamdoshi says:

  well done mrugehbhai…really excellent work.excellent reporting..how do u remember all this ? note banavi che ke shu ?

  badhane ahi asmita parva manavano moko api gamatano gulal banavyo..congrats for that. and very nice fotographs too.

  once again congrats

 7. નીલ says:

  સંસકાર ટી.વી. પર થોડાક અંશ જોયા હતાં. શરીફાબેનની વાણીથી અને એમની રજુઆત ખૂબ સુંદર હતી. આપનો આ લેખ ખૂબ સુંદર અને માહિતી સભર છે.

 8. ashish upadhyay says:

  dear mrugesh bhai,
  dar vakhate vicharu chhu ke asmita parva ma javu joie, pan aavi shakatu nathi, aavu sahitya nu raspan bije kya karva male? chhata aapno lekh vanchi ne pratyaksha anubhav thayo hoy evu lagyu, aa lekh ane phota mate aapno khub khub aabhar
  ane sathe sathe bapu ne pan abhinandan, aavo j karyakram dar vakhate karta rahe ane sahitya ni ras lhani pirasata rahe evi shubhechha.

 9. urmila says:

  Thank you for publishing this article Mrugeshbhai – very interesting and informative – I am impressed about Sitaradevi perorming dance at this age –

 10. salim says:

  plese Read in gujrati
  sau prathm to Gjtati redars no khub khub aabhar jene pratysh ree te amne asmita pravnee shelmkaravee. aavu rudu parv je talgarda jya Bapunu neevas sthan re tenee chtra chyama ujvay aena jevu beeju rudu shu hoi shke.
  kla saheety sanskruteeno aavo s`gm padharela aava mhanubhvonee hajreem thay te gujratnee nahee partu veeshvnee asmeetana ahobhgy che.
  mne aava saheety rseek ane stsngee s`gmma dubkee lgavvanu man thy che pan pano tuko pade che.
  tem chta hu pujy bapuna aaservado ane temnee neelkhlshta ant temna aveert vaneene hu hmesh aadr karu chu.
  bapu ne ane drek saheetykaro ane aapne aadr purvkna vandan.

  salim
  Sadru_batada@yahoo.com

 11. Paresh says:

  ભાઈ ભરતને ત્યાં સંસ્કાર ટીવી પર હનુમંત ઍવોર્ડ અર્પણનો કાર્યક્રમ જોયો હતો ત્યારે જ કાંઈક માણવાનું રહી ગયું તેમ લાગ્યું હતું. પર્વની સાહિત્યીક ઝલક માટે આભાર. આવતા વર્ષે રૂબરૂ અસ્મિતા પર્વનો લાભ લેવો તેમ નક્કી કર્યું છે.

 12. મજાનું વર્ણન મૃગેશભાઈ. … નિલમઆન્ટીની વાતો એક્દમ સાચી … 🙂

  અહિં હૈદરાબાદમાં સંસ્કાર ચેનલ જ ન આવી કે જોઇ શકું … પણ ફોટાઓ જોઇને ત્યા ગયા હોઇએ એવુ લાગ્યું …

 13. સવિતા બોરીસા says:

  શ્રી મૃગેશભાઈ શાહ

  આવો સુંદર અને માહિતી સભર લેખ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

 14. સાવ અચાનક વેબસાઈટના સંપર્કમાં આવ્યો. કશુક નવ્ય પામ્યાનો આનંદ થયો. મારી સ્વરચિત કેટલિક ગઝલો મોકલાવવી છે. આશા છે યોગ્ય સ્થાન મળશે.

 15. bharat gokani says:

  પ્રિય મ્રુગેશભાઈ,

  સાદર નમસ્કાર,

  દુબઈમા રહીને તમારૉ લેખ વાચીને ઘણૉજ આનંદ થયૉ. since it takes hell of time to type in gujarati, i will continue in english.

  tame amara jeva vatanthi dur rehta gujaratio mate ek saras sahityik sevanu kam kari rahya chho. tamaro lekh vanchine tya hajra hajur hoiye tevi anubhuti thai. Bhagvan tamari pase ava sukarmo karavta reahe tevi shubhechha.

  Ekdam tadka dhupma bhatakta tarasya pravasine pani ni parab joine je anand thay ne pani pidha pachhi je dharpat thay tevi lagni mane tamaro lekh joi, vanchine thai.

  mare layak koi kamkaj hoyto janavjo.

  JAI SHRI KRISHNA

  bharat gokani, dubai

 16. Siddhs says:

  Jai SiyaRam

  Shri Mrugeshbhai,

  congratulations!for such a beautiful article.

  Though I also watched the event on Sanskar tv., an article and photographs compiled by you will be truely a memorable treasure for me.Thanks a ton for that and in future also please do keep it up doing such a wonderful thing.

  With Thanks and Best Wishes,

  Siddhs.

 17. Tanmay Parekh says:

  vah…!!!

  apne je phone thi vat thai hati ema je kai khutu tu e badhu j ama avi gayu…nice photographs …jane Mahuva jai ne avyo evo anubhav thay chhe.

  keep it up

 18. VB says:

  રસ પીરસતા પુ. બાપુને ચિટ્ઠી દ્વારા પુછાયેલ સવાલમા કોઇ બૌધ્ધિક કવાયતનો ઉદેશ હશે?
  શું કહો છો મ્રુગેશભાઈ.

 19. Maharshi says:

  8la badha aabhinandan deva ni line ma chelle hu pan chu! 🙂

  Khub khub aabhar sah…

 20. pragnaju says:

  આવા અદભુત અવસરનો લ્હાવો પીરસવા બદલ મૃગેશને ધન્યવાદ.આ લેખની પ્રીંટ કાઢી વારંવાર માણવો પડશે–
  નહીંતર હતું ઘોર અંધારું ઘરમાં
  ધીમેથી સળગતી શમા યાદ આવી
  અમારી આંખ ભીજવી ગઈ
  તમે આંખમાં વસો છો તમે શ્વાસમાં શ્વસો છો
  અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો
  આવી સ્થિતી ક્યારે થશે?

 21. Chirag Patel says:

  બહુ જ સરસ વર્ણન! અભીનન્દન્..

 22. sujata says:

  Lokhaiya ne je jagrut raakhe eva aa parva ma pratyaksh fari aavya evu laagyu,sanskar channel upar thoduk joyelu pan tamari kalam no jadu alag chhey….lekh ane pictures khubaj sundar chhey abhaar Mrugeshbhai……

 23. bharat parikh says:

  smit sathe manyu ame asmita parva apni kalame ane camera ni aankhe.
  aabhar,
  bharat parikh

 24. Hiral Thaker "Vasantiful" says:

  મને તો લાગય હુ હજુ અસ્મિતા પર્વ મા જ છુ.

  ખુબ જ સુન્દર્ુ

 25. Raj says:

  Thank you very much for wonderful artical. really felt nice .you have nicely covered each nd every moment of tht great event .
  we unlucky ppl who r not in india always miss lot of events like this .

 26. dr sudhakar hathi says:

  ખુબજ સુન્દર લેખ પ્રત્યક્ષ હાજરી આપ્યા નો આનદ સુધાકર હાથી

 27. ધવલ says:

  બહુ સ-રસ અહેવાલ !

 28. Bakul Sugandhia says:

  Ghar (Muscat) betha Ganga mali…….Dhanyavaad
  Bakul

 29. Bakul Sugandhia says:

  jyaare nindar na aavti
  tyaare
  Maa no khodo yaad karto ne
  gaadh nindrama podhi jato….
  Laav have ‘sleeping pills’ aap…
  have Maa kya chhe !
  Bakul

 30. મૌલિક એમ. રાજપૂત says:

  આવા અદભુત અવસરનો લ્હાવો પીરસવા બદલ મૃગેશભાઈને ધન્યવાદ.

  બહુ જ સરસ વર્ણન!

 31. સરસ, સુંદર અને માહિતી સભર અહેવાલ!

 32. Bhajman Nanavaty says:

  દિવસની બેઠકો ટીવી પર જોઈ હતી આપનો સવિસ્તર અહેવાલ વાંચ્યા પછી અને ફોટોઝ જોયા બાદ સદેહે અવસર માણ્યાનો આનંદ મળ્યો ! ઘન્યવાદ !
  આલ્બમમાં તમારો પૂ. બાપુ સાથેનો એક પણ સ્નેપ નહીં ?

 33. Pranav Sheth says:

  Dear Mrugeshbhai,

  Asmita parva – what a realistic and admirable naration!
  Congratulations to you for giving such uncomparable opportunity to readers!
  The object of the asmita parva will be completely satisfied if it reach to every Gujju family.

  Regards,
  Pranav Sheth
  Saudi Arabia.

 34. satvik shah says:

  ખરેખર ના પહોંચ્યા ત્યાં એનો વસવસો સો ટકા રહી જવાનો, પણ તમે રુબરુ ગયા હોય એવી જ જે મુલાકાત શબ્દો અને વાક્ય રચના દ્વારા કરાવી છે, તે બદલ મ્રુગેશસર આપનો ખૂબ ખૂબ આભાર. મઝા આવી ગયી.

 35. devendra soni says:

  તમારો ખુબ ખુબ આભાર્,
  મ્રુગેશભાઈ, આપ્ણા મલકથિ ૫૦૦૦ કી.મી. દુર સાઊદિ અરેબિયા મા આસ્મિતા પર્વ જોવાનો લ્હાવો તમારિ સન્જય દ્રસ્ટિ થિ મળ્યો. ખરેખર
  “નહીંતર હતું ઘોર અંધારું ઘરમાં
  ધીમેથી સળગતી શમા યાદ આવી
  અમારી આંખ ભીજવી ગઈ
  તમે આંખમાં વસો છો તમે શ્વાસમાં શ્વસો છો
  અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો
  આવી સ્થિતી ક્યારે થશે?”
  મને પણ મારિ માતા યાદ આવિ અને અજાણપણે જ આન્ખ ભિનિ થઈ ગઇ.અમારા જેવા સાહિત્ય રસિકો ને રસ પાન કરાવવા બદલ અભિનન્દન્.

 36. સરસ ,
  અત્રે અસ્મિતા પર્વનો ફોટો સાથેનો લેખ માણ્યો… બહુ સરસ… આભાર ભાઇ …

  અહી ગઇકાલે જ અમારી શબ્દલોકની મીટીંગમાં મકરાણી સાહેબે ” મા ” વિશે ની પંક્તિઓ ફરી સંભળાવી ને સર્વે મિત્રો ને ભાવવિભોર કર્યા હતા. આમંત્રિત મહેમાન બગસરાના શ્રી શિવજી રૂખડા હતા તેઓ એ પણ બહુ સરસ ગઝલો સંભળાવી.

 37. manvant says:

  અસ્મિતાપર્વની પાઁચ દિવસસની પુણ્ય યાત્રા કરાવી મૃગેશભાઇ !
  તમે આદ્યઁત સુઁદર અહેવાલ વાચક સમુદાયને આપ્યો,તે બદલ હુઁ
  આપનો આભારી છુઁ .આપ દીર્ઘાયુષી થાઓ ને સેવા કરતા રહો જ
  એવી પરમકૃપાળુને મારા અઁતરની પ્રાર્થના સદાય રહેશે ! અસ્તુ !

 38. dhara says:

  વાહ મ્રુગેશભાઈ, ખુબ જ સુન્દર લેખ છે. લાગ્યુ કે અમે પણ અસ્મિતા પર્વ મા મહાલિયે છે. ખુબ જ સુન્દર વર્ણન કર્યુ છે તમે. Thanks a lot for sharing this with us.

 39. RAZIA says:

  આ ધોમ ધખતી ગરમી માં અચાનક નાળીયેરી અને આમ્રવ્રુક્ષો ની વચ્ચે થઈ કૈલાસ ગુરુકુળ જેવા કુદરત ના સાનિધ્ય માં લઈ જઈ “સાહિત્ય,સંત અને સંગીત”ના ત્રિવેણી સંગમ નું રસપાન કરાવી, ક્યારેક જીવરામ ભટ્ટ પાસે તો ક્યરેક પંડિત શંકર ઘોષ ના તબલા ની સંગત માં તો વળી ક્યરેક પંડિત હરિપ્રસાદ ચૌરસીયા ના બાંસુરીવાદન માં.ક્યારેક સિતારાદેવી ના કથ્થક ન્રુત્ય માં તો ક્યારેક જનાબ ‘જલનમાતરી’ સાહેબ ની “માં” ની ગઝલ માં,રાજેન્દ્રભાઈ,કુમારપાળ દેસાઈ,રઘૂવીર ચૌધરી, ભાગ્યેશ’ઝા જેવા અનેક સાહિત્યકારો ની સમીપે લઈ જઈને પૂજ્ય મોરારીબાપુ ના’સાહિત,સાહસી તથા સત્યવ્રત ‘ જેવા અમુલ્ય લક્ષણો ના વ્યક્તિત્વની ઝાંખી કરાવનાર
  “મૃગેશ ભાઈ શાહ” નો આભાર માનીયે તેટલો ઓછો છે.

  રઝિયા મિર્ઝા ‘રાઝ’

 40. ભાવના શુક્લ says:

  ખુબ સુંદર શબ્દ સફર!!! અને એટલીજ સહજ માહીતી..
  મૃગેશભાઈ ને હાર્દીક અભિનંદન કે પુજ્ય બાપુ અને સાહીત્યવિશારદનો સાથ અને સ્વાદ માણ્યો અને એટલાજ ઉત્સાહથી અહી વહેચ્યો…પુજામા એક કરતા વધુ વ્યક્તિઓ હોય તો હાથ અડાડીને માનસીક પુજા કરે એ રીતે અસ્મિતાપર્વની માનસીક મુલાકાત શબ્દોના સથવારે રીડ ગુજરાતીએ કરાવી. આભાર..
  “ગુણવત્તાની વાતો કરવી જુદી વસ્તુ છે અને એક-એક નિર્ણય પર લાખો-કરોડોની ખોટ જઈ શકે એવી તંત્રી તરીકેની જવાબદારી નિભાવવી” આ વાત જ્યારે ને ત્યારે “મટીરિયાલિસ્ટીક” કહીને નાક ચડાવતા તમામ લોકોએ બહુ સમજવા જેવી છે.

 41. Ashish Dave says:

  Dear Mrugeshbhai,

  Cannot thank enough for your efforts… Is it possible to get the video of this event?

  Ashish Dave
  Sunnyvale, California

 42. Kishor Shastri says:

  મ્રુગેશભાઈ, અહી અમેરિકા બેઠા “અમ્રુતા પર્વ” ની મજા લીધી…સુન્દર વર્ણન…ઘણો જ આભાર…. કિશોરભાઈ

 43. ચાંદસૂરજ says:

  વડિલબંધુશ્રી મ્રુગેશભાઈ,
  સાદર નમસ્તે સાથ જયશ્રીક્રુષ્ણ.
  મહુવામાં હનુમાન જયંતિના દિવસોમા યોજાતા પાંચ દિવસોના અસ્મિતાપર્વનું આપે ખૂબ સરસ રીતે,દરેક બારીક વિગતોને વણી લઈ,દરેક દિવસોને અનુલક્ષિત ઘટેલી ઘટ્ટનાઓને,પ્રવ્રુતિઓને અને કાર્યક્રમોને ધ્યાનમાં રાખી,મહાનુભાવો,કવિઓ,સાહિત્યકારો,સંગીત વિશારદો,રસભાવુક શ્રોતાઓ તેમજ તલગાજરડાજનોની વાતોને વહાવી વર્ણન કર્યું છે તે વાંચીને લાગ્યું જાણે આપની આંગળી ઝાલી અમે પણ એ યાત્રામાં સાથે જ હતાં! ખૂબખૂબ આભાર.

  ચાંદસૂરજ

 44. d j mankad says:

  ખુબ જ રસ્મય વત્ર્નન્મો જએ કે રુબરુ કર્યક્રમ મન્ત હોઇઅ તેવુ લગ્યુન્.

 45. વાહ દોસ્ત, વાહ !

  બધા સંસ્મરણો તાજા કરી દીધા…

 46. nirlep says:

  khkub j maja aavi…..bahu saras sankalan thayu chhe.

 47. Vrajesh Asti says:

  અબુ ઘાબિ થી જયા સિયા રામ્,

  પુજ્ય બાપુ ને પ્રનામ

  વ્રજેશ અસ્તિ અને ઘર ના સર્ે

 48. narayan says:

  mrugeshbhai,

  i really felt to be a part of asmita parv-11 reading your article.
  absolutely “ATMIYA VARNAN”.

  herty regards to you for making BAPU and HIS PARVA so close to us.

  hearty regards to bapu for making heartfelt efforts for surviving,enhancing and enriching our culture for which we are unique in the universe.

  hearty regards to the ulmighty who sent BAPU between us.

  narayan chaachu
  ankleshwar

 49. naresh chokshi says:

  માનનિય મ્રુગેશભાઈ,
  અસ્મિતા પરવ સબન્ધિ વાતો જાણી ખુબજ આનંદ થયો. પુજ્ય બાપુ
  ને પ્રણામ.

  ગુજરાતી સાહિત્ય નિ ઉચ્ચકક્ષા નિ સેવા બાપુ કરિ રહ્હ્યા છે.

  નરેશ ચોકશિ.

 50. અતુલ જાની (આગંતુક) says:

  અસ્મિતા પર્વ ખરે જ આપણી અસ્મિતાને ઉજાગર કરે તેવું છે.

 51. Ciprofloxacin hcl 500mg….

  Ciprofloxacin hcl 500 mg taran. Auc mic ciprofloxacin. Ciprofloxacin hydrochloride opthalmic solution. Ciprofloxacin….

 52. Sandhya Bhatt says:

  ભારે અનુકૂળતાઓ ક્રરીને હું મહુવા ગઈ હતી,પણ તમારો અહેવાલ વાંચીને થાય છે,કે ફરીથ ત્યાં જઈ
  આવી. તમે સાચે જ ત્યાં આવેલુ સાર્થક કર્યું.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.