જીવનનાં મૂલ્યો શીખવશે કોણ ? – ડૉ. ઊર્મિલા શાહ

‘નિમિત્તા… આવી ગઈ દીકરા ! કેવું હતું પેપર ? બધું બરાબર લખ્યું છે ને ?’
‘અરે શું મમ્મી ! આમ તો ઘણું આવડતું હતું, પણ બે પ્રશ્નો એવા પૂછી નાખ્યા હતાં કે તે આવડ્યાં નહીં… ગઈ વખતે તે પૂછાયા હતાં અને એટલે અમે બધાએ એમ માન્યું હતું કે આ વખતે કંઈ એ પ્રશ્નો ફરી નહીં પૂછાય અને વળી સાહેબે પણ એવું જ કહ્યું હતું કે ‘એની પર બહુ ધ્યાન નહીં આપો તો ચાલશે.’ એટલે તો મેં વળી એ સાવ જ નહોતું વાંચ્યું. એમાંથી જ પૂરા બે પ્રશ્નો પૂછાયા મને તો પેપર જોઈને જ એવી ચિંતા થઈ…. પહેલી દસ મિનિટ તો સમજ જ ન પડી કે શું કરવું. જરા ગભરાઈ પણ ગઈ…. પણ પછી પાણી મંગાવ્યું ને પછી આવડતા હતા તે પ્રશ્નો લખવા માંડ્યા….’
‘તે બધાંને જ એવું થયું હશે ને ?’
‘હા મમ્મી, થોડું ઘણું તો એવું ખરું જ પણ અમારા કલાસમાં તો બધાં એટલી ચોરીઓ કરે છે કે ન પૂછો વાત….’
‘કેમ ચોરી કેવી રીતે કરે ? સુપરવાઈઝર ન હોય ?’
‘અરે ! જવા દે ને વાત… મમ્મી…. સુપરવાઈઝરને તે વળી શું પડી હોય ? ક્યાં વર્ગની બહાર છેક બારણા આગળ જઈને ઊભા ઊભા બહાર શું થાય છે તે જોતાં હોય…. સપ્લીમેન્ટરી જોઈતી હોય અને કેટલીય વખત બેન્ચ પર ઠકઠક કરીએ ત્યારે માંડ સાંભળે ને તેય સપ્લીમેન્ટરી આપવા અંદર આવે તો આવે ને નહીં તો કહે કે જાતે ઊભા થઈને લઈ લો.’

‘શું વાત કરે છે ? ચાલુ પરીક્ષાએ તમારે ઊભા થઈને સપ્લીમેન્ટરી લેવાની ? સમય ન બગડે ? અમે ભણતાં હતાં તો એક વખત બેઠાં તે બેઠાં. પછી ન જરા ખસીએ કે ન વાત કરીએ ને તોય હંમેશાં મને ટાઈમ ખૂટે… એટલું બધું લખવાનું હોય… હવેની પરીક્ષાઓ તો કંઈક જુદી જ થઈ ગઈ છે !’
‘અરે મમ્મી, તું આવીને જુએ તો તને ખબર પડે… પેલો કેયૂર, ખિસ્સામાંથી વારાફરતી કાપલીઓ કાઢતો જાય અને લખતો જાય…. સુપરવાઈઝર વર્ગમાં હાજર રહે તો તેમને ખબર પડે ને ! અને એની પાછળ બેઠેલી નિકિતા, કેયૂર લખી લખીને સપ્લીમેન્ટરી નીચેની પાટલી પર મૂકે એટલે એમાં જોઈને નિકિતા ધડાધડ પેપર લખ્યે જ જાય…. પકડાવાની કંઈ ચિંતા વિના જ…. બિન્દાસ થઈ તે કોપી કરતી હતી…. હું એની પાછળ હતી, મેં પણ કીધું, તું લખીને સપ્લીમેન્ટરી મૂકતી જા ને, કેયૂરની જેમ ! તો એણે શું કહ્યું ખબર છે ? “હું પકડાઈ ન જાઉં ?” – કેયૂરમાંથી કોપી કરતાં એને પકડાવાની બીક નથી લાગતી અને મને લખવાનું જોવા દેતાં એને બીક લાગે છે. ને મેં જરા ઊંચા થઈને જોવાનો પ્રયત્ન કર્યો તો આખા પેપર ઉપર એવો તો હાથ ઢાંકી દીધો…. ચાંપલી નહીં તો, સાવ કંજૂસ છે એ તો, થોડું એનામાંથી જોઉં તો એમાં એના માર્ક્સ કંઈ ઓછા ઘટી જવાના હતા ! બહુ હોશિયાર ન જોઈ હોય તો !’

‘નિકિતાય ખરી છે ને ! એટલું જોવા દે એમાં શું ફેર પડે ?…. પરીક્ષામાં નંબરે ય કોણ જાણે એવો આવી જાય છે કે ક્યારેક બધી બાજુથી તકલીફ પડી જાય છે. કોઈનું કંઈ ભલું થતું હોય તો એમાં શું વાંધો ?’ નિમિત્તાના મમ્મીએ પણ નિમિત્તાને સાથ આપ્યો ને મને આશ્ચર્ય થયું !
દિવસે દિવસે આપણાં મૂલ્યો કેટલા બદલાતાં જાય છે !…. મને બરાબર યાદ છે. મારો નાનો ભાઈ રૂચિર, તેને ચાર પાંચ વર્ષ પહેલાં પરીક્ષા હતી. એ અંગ્રેજી મિડિયમમાં ભણતો હતો ને પ્રશ્નપત્રમાં કંઈક પ્રાર્થના પૂછાયેલી જે તેમને શિખવાડેલી નહીં. પણ કેટલીક સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવવામાં આવતી હતી. એટલે થોડાંક છોકરાંઓએ તો તે ધડાધડ લખવા માંડી, એમાં જોઈને વર્ગનાં બીજા કેટલાંક છોકરાંઓએ પણ તે લખી નાંખી.
‘સર તો કંઈ જ બોલે નહીં. મમ્મી સાચું કહું ? ત્યારે મને પણ થયું કે હુંય શું કામ ન લખું ? આટલા માર્ક્સ નકામા શું કામ જવા દઉં ?’ રૂચિરે કર્યું, ‘પણ ત્યાં તો મમ્મી મને તારું મોં દેખાયું ને હું એકદમ અટકી ગયો. ભલે ઓછા માર્ક્સ આવે, પણ હું ચોરી નહીં જ કરું.’ એવો મનોમન નિશ્ચય કર્યો, ‘મમ્મી મને મનમાં ડર તો છે જ કે ઓછા માર્ક્સ આવશે, પણ તો પછી હું શું કરું મમ્મી ? અમારા બેન તો વર્ગમાં કંઈ પણ ધ્યાન આપતાં જ નથી. બધું આવું જ ચાલતું હોય છે. મનેય બહુ મન થઈ જાય છે, મમ્મી.’
‘બેટા ! તું ચિંતા ન કર, ભલે ઓછા માર્ક્સ આવે…. એમ ચોરી કરીને વધુ માર્ક્સ આવે એનો શો અર્થ છે ? આપણને એવું ન પોસાય…. ચોરી તો કરવાની જ નહીં…. આપણને આવડતું ન હોય, આપણે પૂરી મહેનત ન કરી હોય ને એમ બીજામાં જોઈને લખીએ એટલે આપણા મનને ખોટો સંતોષ થાય કે કાંઈ નહીં બધું લખ્યું તો છે ને ! અને વળી વધુ માર્ક્સ આવે એટલે આપણે નિશ્ચિત બની જઈએ અને એટલે આપણો અભ્યાસ કાયમ કાચો રહી જાય….. મનને એવો ખોટો સંતોષ આપવાથી સૌથી મોટું નુકશાન તો આપણને પોતાને જ થાય છે, એમાં બીજાને એનો મોટો ગેરલાભ થતો નથી, બેટા !’ રૂચિરને તેની માએ વહાલથી માથે હાથ ફેરવી શિખામણ આપી. રિઝલ્ટ આવ્યું. રૂચિરને ઓછા માર્ક્સ આવ્યા તેનું દુ:ખ ચોક્કસ થયું, પણ તેણે ખોટું કામ નહોતું કર્યું. પરીક્ષામાં ગેરરીતિ આચરી ન હતી, તેનો તેના મનમાં સંતોષ હતો. તેનામાં આત્મવિશ્વાસ હતો. તેના જીવનનું એ જ સાચું ઘડતર હતું, પણ આજે આવા વિદ્યાર્થીઓ કેટલા ? પરીક્ષાના માર્ક્સને જ ફક્ત પારાશીશી તરીકે અવગણીને સંતાનના ઘડતરને જ વધુ મહત્વ આપનાર માબાપ કેટલા ?

આજે તો ચારેકોર અનીતિનો એટલો બધો પવન ફૂંકાયો છે કે વિદ્યાર્થીમાં સત્યનિષ્ઠા અને જીવનના આવા મહામૂલાં મૂલ્યોને જાળવી રાખવા એ પણ બહુ કપરું કામ છે. માબાપ પણ યેનકેન પ્રકારેણ વધારે માર્ક્સ કેમ આવે તે માટે સંતાનને પ્રેરણા આપતા હોય છે. ‘એમાં શું ? બાજુવાળી છોકરી જોવા ન દે ? કંજૂસ નહીં તો… એમ થોડું જોવા દે ને લખવા દે તો એમાં એનું બગડી જવાનું હતું ?’ આવી શિખામણ અને દોરવણી આપતાં માબાપોને હું જોઉં છું ને મનોમન ધ્રૂજી ઊઠું છું. હે ભગવાન ! આ નવી પેઢીનું શું થશે ? જેનો તમને અધિકાર નથી એ યેનકેન પ્રકારેણ મેળવનાર ચારેકોર આજે પથરાઈને પડ્યા છે અને એટલે જ એ સિદ્ધિની આજે કિંમત કેટલી ? સાધના વિના સિદ્ધિ હોય જ કેવી રીતે ? પણ આજે તો એવું વિચારવાનું જ ક્યાં છે ? મનમાં જે ધાર્યું તે થવું જ જોઈએ.

પેપર ખરાબ ગયું છે ?…. તે વાંચ્યું નહીં, મહેનત ન કરી એટલે હવે એ ફળ તો તારે ભોગવવું પડશે જ ને ! એવું કહેતાં આજે માબાપ જોવા મળે છે ખરા ? ‘પરિશ્રમ એ જ પારસમણિ’નો પાઠ શીખવનાર આજે માબાપ કેટલા જોવા મળે છે ? ઉપરથી બાળક આવી ફરિયાદ કરે, ત્યારે બીજું ચક્કર ચાલુ કરી દે છે. પેપર ક્યાં તપાસવા ગયું છે… પાછલે બારણેથી માર્ક્સ કેવી રીતે વધારવા તેનાં પૂરજોશમાં પ્રયત્નો ચાલુ કરી દે છે. ‘કંઈ નહીં બેટા ! ચિંતા ન કરીશ એ તો આપણે બધું બરાબર કરી દઈશું…. તારા બાપ પાસે પૈસા છે, ફિકર શું કરે છે ? પૈસાથી આ દુનિયામાં બધુંય થાય છે.’ કહી એ પોતાનાં જ સંતાનને ઊંઘા પાટે ચડાવે છે.

એના જ સંતાનની કર્તવ્યનિષ્ઠા તો તૂટે જ છે, પણ સાથે પ્રમાણિકતા પણ નષ્ટ થાય છે. પરીક્ષાનાં વધારે માર્ક્સની ઘેલછા પાછળ ધમપછાડા કરતાં આવાં માબાપો તેમના જ સંતાનોમાં જીવનનાં મૂલ્યોને અડફેટે ચડાવીને પોતાનાં જ પગ પર કુહાડો મારે છે. એ જ સંતાનો ભવિષ્યમાં તેના પોતા માટે પણ પછી એવી અપ્રમાણિકતા આચરતા અટકાવ્યા અટકતાં નથી ને ત્યારે માબાપને માટે પશ્ચાતાપના અગ્નિમાં શેકાયા કરવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ રહેતો નથી ને ત્યારે બહુ મોડે તેમને સમજાય છે કે આ તો ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં….’ પણ બાજી હાથથી ગયા પછી શું ? નવી પેઢીના આવા ઘડતર માટે આપણે પોતે જ આમ અવરોધ બનીને ઊભા રહી જઈએ તો કોઈ બીજું શું કરી શકે !!!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અસ્મિતાપર્વ વિશેષ – મૃગેશ શાહ
વાનગી વૈવિધ્ય – સંકલિત Next »   

12 પ્રતિભાવો : જીવનનાં મૂલ્યો શીખવશે કોણ ? – ડૉ. ઊર્મિલા શાહ

 1. Hiral Thaker "Vasantiful" says:

  ખરેખર સાચી વાત. મારી મા હ્ંમેશા કહેતી “કુમ્ળા છોડને વાળીએ એમ વળે”.

  નાન્પ્ણમા મ્ળેલી કેળ્વ્ણી જ આખી જીદ્ગી ર્હે છે.

 2. Anonymus says:

  મને સુપરવાઇઝર બીજાને લખાવવાનો આગ્રહ રાખતાં. તો પણ હું અળખામણો થઈને ના પાડતો.

 3. કલ્પેશ says:

  નાનપણમા ભૂલ તો ઘણા-ખરા લોકો કરતા હોય છે. પણ, એક વાત માનવા જેવી ખરી, આપણે બીજાને મૂર્ખ બનાવી શકીએ પણ ખરી રીતે તો પોતાને જ છેતરી રહ્યા હોઇએ છીએ (પરીક્ષામા ચોરી કરીને સારા ટકા સાથે આગળ આવીએ તો પણ).

  આ બધાનુ મૂળ કારણ આપણી શિક્ષણ-પદ્ધતિ છે અને આપણી ખોટી માન્યતા (કે બધા વિદ્યાર્થી એક સરખા હોવા જોઇએ. દા.ત. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી મા સારા માર્ક હોવા.
  અને બધાએ ડૉકટર, એન્જીનિયર, સી.એ વગેરે જ થવુ (ગાડરિયો પ્રવાહ)

  આપણી ભૂલ – બધા ફળોને એક જ સ્વાદની કસોટી પર પારખવા. અને એકની બીજા સાથે સરખામણી કરવી. સફરજન અને સંતરા વચ્ચે કોણ સારુ? બન્ને ફળ અલગ છે (દેખાવમા, સ્વાદમા અને ગુણમા) તો બન્નેને સરખાવી જ કેમ શકાય?

 4. Viren Shah says:

  True. I liked Kalpesh’s comments.
  Apples and Oranges have nothing common.
  IF you observe one thing, people who score good marks in school are always successful? Meaning, if somebody in school is not scoring good, he may have listened the words that you are completely hopeless. However, things may turn out different. Reason being that intelligence or analytical ability alone doesn’t contribute to success. In one study it is found that IQ contributes to only 25% of your success at work. Meaning, success is 75% based on the other factors.

  These factors are for example your inner drive, passion, your approach to life, self-discipline, ability to prioritize things and make right decisions based on that and so on. The way we score marks in school, Maths percentage, IQ tests don’t have a mechanism to take into account such abilities.

  If a scientist has a formula that has a possibility to change the world such as cure for cancer or a formula that extracts energy from air could resolve the world issues. But if he fails to convince world about it then this ability to produce such tremendous results gets wasted.

  The skill set alone or IQ alone is not enough for survival and success in the world. However, we see that during the school days, parents, teachers and society emphasizes extremely on such abilities of a child. But the fact is that IQ alone doesn’t guarantee success.

  I have seen tons of examples where parents put pressure to kids to study. Sometimes I feel instead of children, they are themselves competing. They compete with other parents on how many tuitions their kids have, if they have spent more money on tuition fees. Emotionally sensitive kids go so much into pressure to fulfill their parents desires that they crush their own interests in such circumstances. Ideally, if the kids get to choose the field of study which is best suitable to their own interests, they thrive like anything. The learning of life during the childhood is more important than the professional knowledge. The ability to understand the mechanism of life is more important. Every decision that we make every day impacts long term to our life. If we make wrong decisions then the wrong results…This understanding to our kids make them ready for life.

  virenpshah@gmail.com, Dallas, Texas.

 5. NamiAnami says:

  There is something called “Positive Re-Inforcement”. A child does need repeatedly and positively re-inforced towards being honest to make him/her an honest person when they grow to be an integral part of society. Parents who passed their exams coping and cheating, can not positively re-inforce the importance of being honest. And we are going to see a whole new generation of parents who don’t see anything wrong in cheating because they are not honest themselves.

 6. ભાવના શુક્લ says:

  શિક્ષક તરીકેની પુર્વ કારકિર્દીમા અનેક વખત અનુભવાયેલી વાતો અહિ એક યા બીજી રીતે રજુ થઈ. વાચી આનંદ થયો. માત્ર સહપાઠી કરતા વધુ માર્ક્સ લાવવા માટે શિક્ષકની ચાપલુસી કરવી, ગણીત-વિજ્ઞાન એ જ ભણવાના વિષય ગણાય બાકી બધા નકામા, આવાતો કેટલાય મનઘડત ભ્રમોમા ભમતા માતા-પિતાને જોઈને ખરેખર વિદ્યાર્થીઓ માટેની જવાબદારી બેવડાઈ જતી.

 7. neelam.m.bhatt. says:

  ડો. ઉઁમિલા શાહ,
  અનિતી થી આગળ આવવા માટે ચાલતી હોડમા લોકો નૈતિક મુલયોને ભુલી ગયા છે. તયારે આપનો આ લેખ દીવાદાડી સમો છે, આમ જ લખતા રહેશો.

 8. Vaishali Maheshwari says:

  Dr. Urmila Shah, you have done a wonderful job by writing this article.

  Parents are the ones who can teach their children the real essence / values of life. I wish all parents read this article and learn from it.

  Getting higher marks should not be given priority. Rather, hard-work and honesty should be put forward by parents and appreciated also.

  One will not get internal satisfaction if one has cheated in exams to get the desired results. Parents should teach their child, the more you work hard, the better results you can expect.

  Good job Author…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.