- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વાનગી વૈવિધ્ય – સંકલિત

[1] દહીં ફૂલવડી

સામગ્રી :
500 ગ્રામ ચણાનો લોટ,
મીઠું સ્વાદ પ્રમાણે,
1 ચમચો તેલ,
દહીં, મરચું, તેલ.

રીત :
સૌ પ્રથમ ચણાના લોટમાં મીઠું અને મોણ નાખી પાણી વડે ખીરું તૈયાર કરવું. તાવડીમાં તેલ મૂકી કડક ગરમ થાય એટલે બૂંદી પાડવી. ઝારા પર ખીરું રેડી જરા ઠપકારવાથી સરસ ગોળ-ગોળ બુંદી પડશે. બુંદી પાડ્યા પછી ઝારો ફેરવી નાખવો. પ્રત્યેકવાર પાડ્યા પછી ઝારો ધોઈ નાખવો. આમ બધા ખીરાની બુંદી પાડી લેવી. ઉપયોગમાં લેતી વખતે મોળું દહીં જરા વલોવી નાખવું. ડિશમાં બુંદી નાંખી તેના પર દહીં નાંખવું. દહીનું પ્રમાણ જરા વધારે રાખવું. તેના પર સ્વાદ પ્રમાણે મીઠું-મરચું ભભરાવવું.

.

[2] ફણગાવેલા મગની ચાટ

સામગ્રી :
આખા મગ 50 ગ્રામ,
એક કાંદો છીણેલો,
મૂળા, આદુ 5 ગ્રામ,
ગાજર છીણેલું 3 ચમચા,
મીઠું, તલનો મસાલો,
1 મોટી ચમચી લીંબુનો રસ,
કોથમીર, તેલ અથવા ઘી.

રીત :
એક દિવસ અગાઉ મગને ફણગાવવા સવારે પલાળી રાત્રે કપડામાં બાંધી ઢાંકી દો. બનાવતી વખતે મગ ને કુકરમાં એક સીટી જેટલું પ્રેશર આપો. કઢાઈમાં તેલ કે ઘી મૂકીને તેમાં જીરું અને કાપેલા કાંદા નાખો. કાંદા સંતળાઈ જાય એટલે તેમાં મગ નાખી દો. હવે આદુ-તલનો મસાલો, ખટાશ, મીઠું નાખીને મિશ્રણ થોડીવાર હલાવો. નીચે ઉતારી તેમાં છીણેલું ગાજર, છીણેલા મૂળા અને કોથમીર નાંખી દો. તમારી મનપસંદ સ્વાદિષ્ટ ચાટ તૈયાર છે. આ ચાટ બાળકો બહુ શોખથી ખાય છે. તેમાં કાચા કાંદા પણ ઉપર નાંખી શકાય છે. આ ચાટ પૌષ્ટિક છે.

.

[3] ત્રિરંગી સેન્ડવિચ

સામગ્રી :
બે બાફેલા બટેટા,
એક ગાજર,
પા ચમચી કાળા મરીનો ભૂકો,
મીઠું સ્વાદઅનુસાર,
થોડી કોથમીર, ફુદીનાની ચટણી,
સોસ, બ્રેડની સ્લાઈસ.

રીત :
બ્રેડની સ્લાઈસ સેન્ડવિચના શેપમાં કાપી લો. તેની કિનારીથી કડક કિનારીઓ કાઢી નાંખો. બટાટાને સારી રીતે મસળી નાંખો. તેમાં બધો મસાલો મિક્સ કરી દો. તેમાં થોડી ચટણી પણ મિક્સ કરી દો. બ્રેડની સ્લાઈસ પર બટાટાનો માવો લગાડી દો. તેના પર થોડો સોસ લગાડો. બસ થઈ ગઈ ત્રિરંગી સેન્ડવિચ તૈયાર !

.

[4] પાલક રોલ્સ

સામગ્રી :
200 ગ્રામ ચણાની દાળ,
50 ગ્રામ બેસન,
250 ગ્રામ પાલક (સાફ કરીને),
50 ગ્રામ ફુદીનો,
50 ગ્રામ કોથમીર,
1 ચમચી અજમો, થોડી હિંગ, મીઠું-મરચું સ્વાદ પ્રમાણે,
તળવા માટે ઘી.

રીત :
સૌ પ્રથમ દાળને 4 થી 5 કલાક પલાળી થોડી કરકરી પીસી લો. તેમાં બેસન નાખીને કાપેલી પાલક, કોથમીર, ફૂદીનો અને બધો જ મસાલો નાંખીને લાંબા-લાંબા મધ્યમ આકારના રોલ્સ બનાવી લો. હવે એક તપેલીમાં પાણી મૂકીને ઉપર ચારણીમાં રોલ્સ મૂકી ઢાંકી દો. જેથી રોલ્સ વરાળથી સીઝશે. પાણી અડશે નહિ. લગભગ છથી આઠ મિનિટ પછી ખોલીને જુઓ. ચઢી ગયા હોય તો ઉતારીને ઠંડા થવા દો. ઠંડા થયા બાદ નાની-નાની સ્લાઈસમાં કાપીને હલકા ગુલાબી રંગનાં થાય ત્યાં સુધી તળી લો. ચટણી અથવા સોસ સાથે ગરમાગરમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

.

[5] કાચી કેરીનો જામ

સામગ્રી :
1 કિલો કાચી કેરી,
1 કિલો ખાંડ,
ચપટી પીળો રંગ.

રીત :
કાચી કેરીને બાફીને તેનો માવો કાઢી લો. તેમાં ખાંડ ભેળવી તાપ પર મૂકો. થોડીવાર પછી ડિશની કિનારીએ લગાડી જુઓ. જો તે પ્રસરે નહીં તો તૈયાર થઈ ગયું સમજવું. તેમાં પીળો રંગ પણ નાખી દો. હવે ગરમાગરમ જામ પહોળા મોઢાની બરણીમાં ભરી લો. આમાં સાઈટ્રિક એસિડની જરૂર નથી કારણ કે કેરીમાં ખટાશ હોય છે જ. આ જામ છ મહિના રાખી શકાય છે.