કેટલીક લઘુકથાઓ – અનુ. સુકન્યા ઝવેરી

[‘બનફૂલ’ ની શ્રેષ્ઠ લઘુકથાઓ – પુસ્તકમાંથી સાભાર. પુસ્તક હાલ અપ્રાપ્ય.]

[1] પોસ્ટકાર્ડ

‘તમે મને પોસ્ટકાર્ડ કેમ લખો છો ? મને બહુ શરમ આવે છે.’
‘એમાં શરમાવાનું શું ? ક્યાં બીજી સ્ત્રીને લખ્યું છે ? પોતાની જ પત્નીને તો લખ્યું’તું.’
‘રાનીનો પતિ એને પત્ર લખે છે તો કેટલું સુંદર પરબીડિયું, કેવો સુંદર રંગીન કાગળ અને પાછો અત્તર લગાડેલો. લીલી શાહીથી કેવો સુંદર લખ્યો હતો ! એણે મને બતાડ્યો’તો’
‘તેથી શો ફેર પડે ? રંગીન પરબીડિયામાં પત્ર મોકલવાથી શું વહાલ વધી જાય ? પોસ્ટકાર્ડમાં પણ સાંકેતિક ભાષામાં મેં કેટલું બધું લખ્યું હતું ! વખતે તને સમજાયું નહિ હોય ! ફરી વાંચ જોઈએ….’ મધરાતે ઘરમાં પતિ-પત્ની વચ્ચે વાતચીત થઈ રહી હતી. જુવાન પત્નીએ ટ્રંકમાંથી પોસ્ટકાર્ડ કાઢી વાંચવા માંડ્યું.

‘પ્રિયે, તને લાગતું હશે તને મૂકી હું ખૂબ દૂર ચાલ્યો ગયો છું. દુમકા આપણા ગામથી દૂર ઘણું છે, પણ સાચું કહું તો હું તારી પાસે જ છું. તું બરાબર શોધજે. નોકરી શોધવા પરદેશ જવું યે પડે. શું કરીએ ? અહીં પણ હજી નોકરીનું બરાબર જામ્યું નથી. નોકરી નહિ પણ મળે તો યે તારે માટે સૂપડું અને ટોપલી તો લેતો જ આવીશ. અહીં એ વસ્તુ ખૂબ સરસ બને છે. ખૂબ ખૂબ વહાલ. ઈતિ.’
‘સૂપડું અને ટોપલી ગમ્યાં ?’
‘હા.’

ખરી વાત એ કહી શક્યો નહિ. ગાડીભાડું, બસભાડું, હોટેલમાં જમવાનો ખર્ચ, સૂપડું-ટોપલીના દામ દીધા પછી તેની પાસે પરબીડિયું ખરીદવા પૈસા જ ક્યાં રહ્યા હતા ? પોસ્ટકાર્ડથી જ ચલાવું પડે તેમ હતું !

[2] અજાણ્યે

તે દિવસે ઑફિસમાં પગાર મળ્યો. ઘેર જતાં રસ્તામાં વિચાર આવ્યો. ‘એને’ માટે એક સ્વેટર લઈ જાઉં, બિચારી કેટલા દીથી કહે કહે કરે છે. આ દુકાને પેલી દુકાને શોધતાં શોધતાં લગભગ સાંજ પડી ગઈ. સ્વેટર લઈને હું બહાર આવ્યો ત્યાં વરસાદ પડવો શરૂ થયો. શું કરું ? ઊભા રહેવું પડ્યું. વરસાદ જરાક રહ્યો કે મેં સ્વેટર બગલમાં માર્યું અને છત્રી ખોલી ચાલવા માંડ્યો. મોટા રસ્તા પર તો ઠીક હતું. પણ એના પછી ગલી અને એ ય અંધારી.

ગલીમાં પેસતાં જ હું અનમનો થઈ વિચારતો જતો હતો. કેટલા દિવસ પછી આજ નવું સ્વેટર મળતાં એ કેટલી બધી ખુશ થશે ! – આજે હું…. એવામાં ઓચિંતાનો એક માણસ આવીને અફળાયો. એય પડી ગયો અને હુંયે પડી ગયો. સ્વેટર કાદવથી ખરડાઈ ગયું. મેં ઊઠીને જોયું, પેલો માણસ હજુએ ઊઠ્યો નહોતો. ઊઠવાનો પ્રયાસ કરતો હતો. ગુસ્સાથી હું સળગી ગયો. મેં મારી એક લાત…
‘રસ્તામાં જોઈને નથી ચાલી શક્તો, સુવર !’ મારના આઘાતથી એ ફરી ગબડી પડ્યો. પણ એક અક્ષરે બોલ્યો નહિ. તેથી મારો ગુસ્સો બમણો ચડ્યો, હું તો વધુ મારવા માંડ્યો. ગરબડ સાંભળી બાજુના ઘરનાં બારણાં ઊઘડ્યાં. ફાનસ હાથમાં લઈ એક સજ્જને બહાર આવી પૂછ્યું : ‘શું થયું મોશાઈ ?’

‘જુઓને મહાશય, આણે મારું આટલું મોંઘું સ્વેટર ધૂળમાં રોળી નાખ્યું. એક્દમ કાદવથી ખરડાઈ ગયું છે. રસ્તામાં ચાલતાં ય આવડતું નથી. આવીને પડ્યો મારા પર.’
‘કોણ આ ? ઓહ, રહેવા દો ભાઈ, માફ કરો. એને હવે વધુ મારશો મા. એ બિચારો આંધળો અને મૂંગો ભિખારી છે. આ ગલીમાં જ રહે છે.’ તેની સામે મેં ધારીને જોયું. મારના ઘાથી એ બિચારો કાંપતો હતો. આખુંયે બદન કાદવથી ખરડાયેલું અને મારી તરફ કાતરમુખે અંધ નજર ઊંચી કરી બે હાથ જોડી રહ્યો હતો.

.

[3] માનસી

તે દિવસે તેની રાહ જોતો મારા પહેલે માળના નિર્જન ઓરડામાં બેઠો હતો. બારીમાંથી દેખાતું હતું કે એક નાની વાદળી પણ સ્થિર બની રાહ જોતી હતી. ઘરના ખૂણામાં ફૂલદાનીમાં પણ રાહ જોતાં હતાં એક ગુચ્છો લાલ ગુલાબ. માનસીને ગુલાબ ગમે. હું દરિદ્ર, તો પણ એને માટે ગુલાબ ખરીદી લાવ્યો હતો. હું જાણું છું જો હું એને મેળવી શકું……… ના, એ અસંભવિત સ્વપ્ન ક્યારેય સફળ થશે એની તો હું કલ્પના પણ કરી શક્તો નથી. તો પણ એની રાહ જોઉં છું.

દાદરમાં પગરવ સંભળાયો : ખટ ખટ અવાજ. જાણે મારી સમસ્ત આશા ડગ દેતી આવતી હતી એમ લાગ્યું. એવી રીતે અવાજ કરી માનસી આવતી નહિ. તેનું આવવું આવિર્ભાવ જેવું. અચાનક એ બારણામાં આવી ઊભી રહે – નિ:શબ્દ. ઝુલ્ફાં અને મૂછવાળો એક માણસ થોડી વારમાં આવ્યો : ‘દિદિ આવી નહિ શકે; આ પત્ર મોકલ્યો છે.’ એમ કહી એક કવર આપી એ ચાલ્યો ગયો. ઉત્તર માટે ઊભો પણ ન રહ્યો. પત્ર વાંચી જોયું કે જવાબ દેવા જેવું કશું જ નહોતું.

માનસીએ લખ્યું હતું : ક્ષમા કરજો, વચન આપ્યા છતાં પણ હું આવી શકતી નથી. અચાનક મને લાગ્યું કે લગ્ન એક સામાજિક પ્રસંગ છે. સમાજને, પરિવારને અવગણી, માબાપનાં મનને કષ્ટ આપી જો લગ્ન કરું તો એ લગ્ન સુખી નહિ નીવડે. લગ્ન ન કરીએ તો પણ પ્રેમ અમ્લાન જ રહેશે એ વિશ્વાસ છે. એટલે જ તમારા જીવનમાંથી મારી સામાજિક સત્તાને સેરવી લઉં છું. એક લોટરીની ટિકિટ લીધી હતી. આ સાથે તે મોકલું છું. આજે ખબર મળ્યા છે કે તેને પહેલું ઈનામ મળ્યું છે. એક લાખ પચ્ચીસ હજાર રૂપિયા મળશે. વખતે ક્યારેક મળીશું. વખતે ન પણ મળીએ. ગુસ્સો નહિ કરતા.

માનસી ન આવી.
દસ વર્ષ પછી. એક લાખ પચ્ચીસ હજાર રૂપિયા આજે ઘણા લાખમાં ફેરવાઈ ગયા છે. શહેરના ઉચ્ચ લત્તામાં વિશાળ બંગલામાં હું હાલમાં રહું છું. ચાર મોટર છે. બે ઑફિસ છે. અનેક નોકરચાકર છે. બંગલામાં પ્રત્યેક માળે ટેલિફોન છે.

તે દિવસે મારી પત્નીના આત્મીય એક દલાલ સાથે હું જરૂરી વ્યવસાય વિશે વાતચીત કરતો હતો. વ્યવસાયમાં કેટલાક લાખ રૂપિયાનો લાભ થવાની સંભાવના હતી. મારી પત્ની પણ સામે બેસીને એના સંબંધીને માટે ચા બનાવતી હતી. એવામાં ટેલિફોન રણક્યો. નીચેને મજલેથી મારા પ્રાઈવેટ સેક્રેટરી મિ. ચક્રવર્તી બોલ્યા :
‘માનસીદેવી નામે એક વિધવા સ્ત્રી ત્રણ નાનાં છોકરાંઓને લઈને મળવા આવ્યાં છે. આપને મળવા માગે છે.’
મેં કહ્યું : ‘હમણાં હું કામમાં છું. મળી નહિ શકું.’
દલાલ સાથે વાતો ચાલતી રહી. એ પછી અચાનક જાણે કોઈએ મારી પીઠ પર ચાબુક માર્યો. હું વાતચીત અર્ધી મૂકી ઉતાવળે નીચે આવ્યો. જોયું, માનસી નહોતી; ચાલી ગઈ હતી.

[4] તારા

મિનુ, જિતુ, હરુ અને ફંતી. તે દિવસે રાતે અગાશી પર શેતરંજી પાથરી સૂતાં હતાં. આકાશ તારાથી પરિપૂર્ણ. બધાં તારલા ભણી જ મીટ માંડી રહ્યાં હતાં. અચાનક મિનુ બોલી :
‘અચ્છા, કહો તારા તમને કેવા લાગે છે ?’
જિતુ : ‘જાણે કોઈએ કાળી ભોંય પર એક ઢગલો લખોટી પાથરી ન હોય !’
હરુ : ‘લખોટી નહિ, સફેદ મોતી.’
ફંતી : ‘છટ, એ બધું બેકાર કવિત્વ છોડો, મને શું લાગે છે કહું ?’
મિનુ : ‘કહે..’
ફંતી : ‘આપણી પેલી કાળીમેશ આયાને આખા શરીરે જો ખસના ફોલ્લા ઊઠે ને તો એ જેવી દેખાય તેવું દેખાય છે.’
મિનુ : ‘છી, છી, તારું મન કેવું કદરૂપું છે ! તેથી જ એવો વિચાર આવ્યો.’

એવામાં એમનો મોટો ભાઈ સુરેન અગાશી પર આવ્યો.
મિનુ : ‘મોટા ભાઈ, આકાશના તારા કેવા દેખાય છે કહો જોઉં ?
મોટો ભાઈ : ‘જાણે એક ઢગલો કાબુલી વટાણા ચારેકોર વેર્યા ન હોય !’
હરુ : ‘મને બીજી એક ઉપમા યાદ આવે છે : આકાશ માં જાણે દિવાળી મનાવે છે; અસંખ્ય દેવકન્યાએ પ્રદીપ પ્રકટાવ્યા છે !’
મોટા ભાઈ બી.એસ.સી.માં ભણે. એ કહે : ‘એ બધા દીવાઓ ખરા, પણ નાના નાના નહિ. પ્રત્યેક વિરાટ. વિરાટ વિરાટ આગના ગોળાઓ ઝૂલે છે મહાશૂન્યમાં –’ મોટા ભાઈએ તારાઓ વિષે વિજ્ઞાનસંમત વાતો સંભળાવી. ધીમે ધીમે બધાં ઊંઘી ગયાં.

મિનુએ સપનામાં જોયું, એક એના જેવડી સુંદર છોકરી એની પાસે બેસી મરક મરક હસતી હતી.
‘મને તમે કોઈ ઓળખી શક્યાં નહિ ?’
‘કોણ છે તું ?’
‘હું તારા. તારી આંખોમાં રહું છું.’ કહીને એ એક ઉલ્કાની જેમ આકાશમાં ઊડી ગઈ. મિનુની ઊંઘ ઊડી ગઈ. બધા ઊંઘતા હતા. આકાશ ભણી જોયું. અસંખ્ય-અગણ્ય તારા. બધા મરક મરક હસતા હતા, એની સામે જોઈને.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાથેય – સં. દેવેન્દ્ર એલ. ત્રિવેદી
ધ્યાન માટેના આંતર-બાહ્ય ઉપાયો – વિનોબા ભાવે Next »   

28 પ્રતિભાવો : કેટલીક લઘુકથાઓ – અનુ. સુકન્યા ઝવેરી

 1. nilam says:

  સરસ લઘુકથાઓ….

 2. Bharat Limbachiya says:

  ખુબજ સરસ, માર્મિક

 3. sujata says:

  ક્દ મા નાની પણ વિરાટ્………

 4. ટૂંકી અને ટચી!
  સરસ!

 5. સરસ… ધન્યવાદ
  રીડ ગુજરાતીના વાચકોને સુંદર વાર્તાઓ વાંચવા મળતી રહે તેવી આશા….

 6. jawaharlal nanda says:

  THODA MA GHANU SAMAJJO, SAHEBJI ! ! NICE TOUCHING TO HEART !

 7. pragnaju says:

  આ લઘુકથાઓ તો વાસ્તવીક, માર્મીક અને ગમી જાય તેવી

 8. urmila says:

  beautiful stories

 9. Dhaval B. Shah says:

  Initially I used to feel that there is nothing much in reading short stories but today after reading these ones I did realize that these are not just ordinary ones, specifically when those are teaching you lessons of the life..Too good!!!

 10. Ashish Dave says:

  Heart touching…

  Ashish Dave
  Sunnyvale, California

 11. nayan panchal says:

  સરસ અને અર્થપૂર્ણ.

  નયન

 12. Gira says:

  last short story was really nice one!! =)

 13. Gira says:

  ohhh.. i forgot to say.. others were niceee as well 😀 🙂

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.