પાથેય – સં. દેવેન્દ્ર એલ. ત્રિવેદી

[ ‘પાથેય’ પુસ્તકમાંથી સાભાર. ‘જનકલ્યાણ’ સામાયિકના આજીવન ગ્રાહકો માટે આ પુસ્તક વિનામૂલ્યે ઉપલબ્ધ છે. અન્ય વાચકો માટે પ્રાપ્તિસ્થાનની માહિતી લેખના અંતે આપવામાં આવી છે. ]

patheey[1] જિંદગીનો વીમો – ચિત્રભાનુ

એક યુવાન આજથી ત્રણેક વર્ષ પહેલાં મને મળેલો. ત્યારે એ બી.એ.ના છેલ્લા વર્ષમાં હતો. ગઈ કાલે એ ફરી મને મળ્યો ત્યારે વીમો ઉતરાવીને પાછો ફરતો હતો. મેં સહજ પૂછ્યું :
‘ઉંમર તો નાની છે. અત્યારથી શું કામ ઉતરાવ્યો ?’
એ કહે : ‘જિંદગીનો શો ભરોસો ? કાચ જેવી આ કાયા ! કંઈક થાય તો મારી પત્નીને એ કામ તો લાગે.’
મારાથી પૂછાઈ ગયું : ‘તો સાથે પ્રભુનું નિત્યસ્મરણ, દાન અને પ્રાર્થના પણ રોજ કરતા જ હશો !’
મારો પ્રશ્ન સાંભળી એ જરાક ઊંચે સાદે બોલ્યો : ‘આ કેવી વાત ? આ ઉંમર તે કંઈ આવું બધું કરવા માટે છે ? એ માટે હજુ ઘણાંય વર્ષો આગળ પડ્યાં છે.’

આ ઉત્તરથી મને હસવું તો આવ્યું, પણ ચૂપ રહ્યો.

.

[2] ચમારોની સભા – રંભાબેન ગાંધી

રાજા જનકના દરબારમાં વિદ્વાનોની સભા ભરાઈ હતી, તે સમયે અષ્ટાવક્ર ત્યાં આવી પહોંચ્યા. એમનાં અંગો વાંકાં હતાં, તેથી તેમને જોઈને ત્યાં બેઠેલા સૌ હસી પડ્યાં. એ બધાને હસતા જોઈને અષ્ટાવક્ર પણ થોડું હસ્યા. પછી સભાને પૂછ્યું : ‘મારો પ્રવેશ થતાં તમે હસ્યા કેમ ?’
એક સભાસદે જવાબ દીધો કે, ‘આપનાં અંગ જોઈને હસવું ખાળી ન શકાયું. માફ કરજો, પરંતુ આપ કેમ હસ્યા ?’
‘અહીં આવવા નીકળ્યો ત્યારે મેં માન્યું હતું કે હું વિદ્વાનોની સભામાં જઈ રહ્યો છું, પરંતુ અહીં આવ્યા પછી જોયું કે આ તો ચમારોની જ સભા છે, એ જાણી હસવું આવી ગયું.’
‘ચામારોની જ સભા ?’ આશ્ચર્યથી એકે પૂછ્યું.
‘હા સાંભળો. હું ઘણા સમયથી આ જનકરાજની જ્ઞાનસભાની સ્તુતિ સાંભળતો હતો. આજે દ્વારપાલે પણ એમ જ કહ્યું કે અહીં તો મોટામોટા જ્ઞાનીજનો વિરાજે છે. પરંતુ પરોક્ષ અને પ્રત્યક્ષમાં ભેદ જોયો. મને થયું, ‘અરે ! આ ચમારોની સભામાં હું ક્યાંથી આવી ચડ્યો ! જો આમાં એકે જ્ઞાનીજન હોત તો મારા જ્ઞાનનું મૂલ્યાંકન કરત, પરંતુ અહીં તો મારી ચામડીનું મૂલ્યાંકન થયું છે. કહો, ચામડીનું મૂલ્ય ચમારો વિના બીજું કોણ કરે ?’


[3] લક્ષ્મી : પુણ્યનું ફળ કે પાપની વેલ ?

આપણામાં એક દઢ માન્યતા છે કે લક્ષ્મી તો પુણ્યનું જ ફળ છે, ને પુણ્યવાનોને જ તે મળે છે. વાસ્તવિક રીતે એમ નથી. લક્ષ્મી કેટલીક વાર પાપનો પણ પરિવાર વધારે છે અને પૂર્વજન્મનાં ઘોર પાપનાં ફળરૂપેય આવે છે.

એક વચનસિદ્ધ મહાત્મા હતા. શાપ અગર આશિષ જેને આપે તે અવશ્ય ફળે. એક વાર અંધારામાં પ્રભાતે ગંગાસ્નાને જતા હતા. રસ્તામાં એક ઠૂંઠું ઊભું હતું તે પગમાં વાગ્યું ને સખત વેદના થઈ. સહસા બોલાઈ ગયું :
‘હત, તારું નખ્ખોદ જાય.’
સાથે શિષ્ય હતો. એણે સવારે જઈને જોયું તો ઠૂંઠું તો એવું જ ઊભું હતું. ચોમાસું આવ્યું અને ડાળીઓ ફૂટી. બે ચાર વર્ષે ઘટાદાર વૃક્ષ થયું. શિષ્યે પ્રસંગ જોઈને ગુરુને પૂછ્યું :
‘મહારાજ, આપનો શાપ મિથ્યા તો થતો નથી, છતાં આપના કહેવા પ્રમાણે ઠૂંઠાનું નખ્ખોદ કેમ ન નીકળ્યું ? એ તો ફાલીફૂલીને વૃક્ષ થયું.’
‘બચ્ચા, ઉતાવળો ન થઈશ. પરિણામની રાહ જો.’

એક દિવસ સખત વંટોળિયો અને પ્રચંડ પવન વાવા લાગ્યો. તોફાનમાં મૂળ સહિત ઊખડીને ઝાડ નીચે પડ્યું. બીજે દિવસે ગુરુ-શિષ્ય સાથે જ ગંગાસ્નાને જઈ રહ્યા હતા. ત્યારે શિષ્યે ગુરુને કહ્યું : ‘મહારાજ, આ શો ચમત્કાર ! આ તો આપનો શાપ જુદી જ રીતે ફળ્યો !’
ગુરુએ કહ્યું : ‘બચ્ચા, ઠૂંઠું જો ઠૂંઠું જ રહ્યું હોત તો હજારો ઝંઝાવાતો એને ઉખેડી ન શકત અને પ્રચંડ પવનની એને કશી જ અસર ન થાત. પણ એ ફાલીફૂલીને વૃક્ષ થયું તેથી જ જડમૂળથી ઊખડી ગયું.’

પાપની લક્ષ્મી આ રીતે જ ફાલેફૂલે છે. ઘણા એમ પણ કહે છે કે ધર્મીને ઘેર ધાડ અને કસાઈને ત્યાં કુશળ, પણ પ્રભુના ન્યાય હંમેશા જુદા જ હોય છે. શ્રીકૃષ્ણે જેમ શિશુપાળની નવ્વાણું ગાળો ખાધી અને સો મી ગાળે ચક્ર ઉપાડ્યું તેમ, પાપની વેલીને પ્રભુ પહેલાં ફાલવા દે છે, પછી જ પોતાના ન્યાયનો દંડ ઉગામે છે. દિન પ્રતિદિન ફૂલતાફાલતા આજના કેટલાક લક્ષ્મીવાનોને જોઈ કોઈ એમ ન માને કે એ બધાં પુણ્યનાં જ ફળ છે !

.

[4] આત્મતત્વ

શ્રીમદ રાજચંદ્રનાં દર્શને કેટલાક વિદ્યાર્થીઓ કાવિઠાના વગડામાં ગયા. એમણે બોધ આપવા માગણી કરી, ત્યારે શ્રીમદ રાજચંદ્રે પ્રશ્ન કર્યો : ‘તમારા એક હાથમાં છાશનો ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘીનો ભરેલો લોટો હોય, અને તમને રસ્તે જતાં કોઈનો ધક્કો લાગે તો તે વખતે તમે ક્યા હાથના લોટાને જાળવશો ?’
વિદ્યાર્થીઓએ કહ્યું : ‘ઘીનો લોટો જ જાળવીશું.’
‘એમ કેમ ? ઘી અને છાશ બંને એકમાંથી જ ઉત્પન્ન થાય છે ને ?’
‘હા, પણ છાશ ઢળી જાય તો તે કોઈ સહેજે ભરી આપે, ઘીનો લોટો કોઈ ના ભરી આપે !’
‘તો સમજી લો કે આ દેહ છાશ જેવો છે, છતાં જીવ તેને સાચવે છે. અને આત્મા ઘી જેવો છે, છતાં તેને જતો કરે છે. એવી અવળી સમજણવાળો આ જીવ છે. આત્માને ઘી જેવો મૂલ્યવાન જાણે તો એને સાચવે ને આંચ આવે ત્યારે છાશની માફક દેહને જતો કરે.’

.

[5] અશના અને પિપાસા – દાદા ધર્માધિકારી

ભગવાને સૃષ્ટિનું નિર્માણ કર્યું ત્યારે અનેક જીવો પેદા કર્યા. એની સાથે અનેક આકાંક્ષા પણ પેદા કરી. બે તો તદ્દન મૂળભૂત પ્રબળ વાસના પેદા કરી. એકનું નામ ‘અશના’ અને બીજીનું નામ ‘પિપાસા’ : ખાવાની ઈચ્છા અને પીવાની ઈચ્છા. ખાવાની ઈચ્છા એ ભૂખથી જુદી વસ્તુ છે, તેમ પીવાની ઈચ્છા અને પ્યાસ વચ્ચે પણ ફેર છે. આ બંને ઈચ્છા વિધાતાને કહેવા લાગી :
‘અમારે વાસ કરવા જોગું કોઈ ઠેકાણું બતાવો.’
વિધાતાએ સામે ગાય ઊભી કરી. પછી કહ્યું : ‘આ મારું અશ્રાપ જાનવર છે. આટલું ગરીબ, સૌમ્ય અને આટલું નિરુપદ્રવી બીજું જાનવર મેં ઘડ્યું નથી. પૃથ્વીને પણ રૂપ લેવાનું મન થાય છે ત્યારે ગાયનું જ રૂપ ધારણ કરે છે. તમે જાવ, એનામાં વાસ કરો.’
અશના-પિપાસાએ ગાય તરફ જોયું. કહે : ‘આ બહુ સારી છે. એ તો કબૂલ; પણ અમારે રહેવાલાયક નથી.’
‘કેમ ?’
‘આ તો એક વાર ખાધેલું જ વાગોળ્યા કરે છે, ને એને દાંત પણ તમે તો એક જ બાજુ આપ્યા છે, એ ખાઈ-ખાઈને કેટલું ખાશે ? આ કંઈ અમારે લાયક ઠેકાણું નથી.’

ભગવાને ઘોડો હાજર કર્યો. જાનવરોમાં સૌથી સુંદર ! એની એ કેશવાળી, એ છટા ને ઊભા રહેવાની અદા ! એની શાન જોઈને જ અશન-પિપાસા તો પ્રભાવથી સ્તબ્ધ થઈ ગઈ, કહે : ‘ઠીક છે. ઉપર-નીચે બન્ને બાજુ દાંત છે. વાગોળતો પણ નથી. પણ એક જ ખોડ છે.’
‘કઈ ખોડ ?’
‘આ તો ભૂખ લાગે ત્યારે જ ખાય છે અને તરસ લાગે ત્યારે જ પીએ છે. અમે એમાં શી રીતે રહી શકીએ ?’ એમ એક-પછી-એક આવતા ગયા ને નાપાસ થતા ગયા. અંતે માણસને ઊભો કર્યો. અશના ને પિપાશા નાચી ઊઠી.
‘ઠીક છે, અમારે જોઈતું હતું તે મળી ગયું.’
‘શી રીતે ?’
‘આ વગર ભૂખે ખાઈ શકે છે. આની આ ખાસિયત બીજા એકેય પ્રાણીમાં નથી.’

.

[6] જીવનરીતિ – ગુણવંત શાહ

એક ઝેન ફકીર જંગલના એકાંતમાં રહેતો હતો. મારા તમારા જેવો એક માણસ એને વારંવાર મળીને પૂછ્યા કરતો : ‘માણસે કેવી રીતે જીવવું જોઈએ ?’ સાધુ મૌન જાળવતો, પણ પેલો માણસ ચોંટું હતો. પુર્ણિમાની રાતે એ ફકીર પાસે પહોંચ્યો. ના છૂટકે ફકીરે મૌન તોડ્યું અને પેલા માણસને કહ્યું :
‘જો સામે આ વૃક્ષો દેખાય છે ને ? કોઈ વૃક્ષ ઘટાદાર, કોઈ કાંટાળું. આટલાં વર્ષોથી હું એમની વચ્ચે જીવ્યો છું. હજી સુધી મેં એક વૃક્ષને બીજાની પંચાત કરતું જોયું નથી. માણસે વૃક્ષની માફક જીવવું જોઈએ.’

.

[7] મનના સંકલ્પ-વિકલ્પ – ઈદરીશ શાહ

એક અકળાયેલા માણસે સંકલ્પ કર્યો : ‘જો આ મુસીબતોમાંથી બચી જઈશ તો મારું ઘર વેચીને એના પૈસા હું ગરીબોને આપી દઈશ.’ પછી મુસીબતો દૂર થઈ ગઈ અને સંકલ્પ પૂરો કરવાનો સમય આવ્યો. પણ આટલા બધા પૈસા આપી દેવા માટે તેનું મન માનતું નહોતું. આથી તેણે એક યુક્તિ કરી. તેણે ઘરની કિંમત એક રૂપિયો જાહેર કરી; અને સાથે એક બિલાડીની કિંમત એક લાખ રૂપિયા રાખી. સાથે એવી પણ શરત રાખી કે, ખરીદનારે ઘર અને બિલાડી બંને એકસાથે ખરીદવાં પડશે.

એક ગ્રાહકે કિંમત ચૂકવી આપીને ઘર અને બિલાડી બંને ખરીદી લીધાં અને પેલા માણસે કોઈ ભિખારીને એક રૂપિયો દાનમાં આપી દઈ પ્રતિજ્ઞા પાળ્યાનો સંતોષ લીધો.

મોટા ભાગના લોકોનાં મન આ રીતે જ કામ કરે છે. તેઓ ગુરુની સલાહનું પાલન કરવાનું નક્કી તો કરે છે, પણ એ સલાહનો પોતાને લાભ થાય એ રીતે મનફાવતો અર્થ ઘટાવે છે. જ્યાં સુધી તેઓ ખાસ સાધના દ્વારા આ ટેવમાંથી છૂટી ન જાય ત્યાં સુધી તેઓ કશું શીખી નથી શકતા.

.

[8] વિશ્વાસપાત્રતા – ભૂપત વડોદરિયા

તમારી વિશ્વાસપાત્રતાનો પિંડ તમારા ઘર આંગણે બંધાય છે. બાળક જીદે ચડે ત્યારે બાળકને ફોસલાવવા તમે કહ્યું કે, ‘હું સાંજે આવીશ ત્યારે તારે માટે સરસ ચોકલેટ લેતો આવીશ.’ સાંજે કલાકોની રાહ પછી બાળકને તમે કહો કે તમે ચોકલેટ લાવવાનું ભૂલી ગયા, બહુ કામ હતું એટલે મગજમાંથી વાત જ નીકળી ગઈ. બાળક ત્યારે શાંત પડી ગયું હશે. તે નિરાશ થઈ જશે, પણ તોફાન નહીં કરે. પણ તમે એની નજરમાં તમારી વિશ્વાસપાત્રતા જરૂર ગુમાવી બેઠા છો.

કોઈકવાર બાળક તમને કહેશે : ‘તમે એવાં ઘણાં વચન આપો છો. હું તમારી વાત માનતો જ નથી ને !’ વિશ્વાસપાત્રતાની મૂડી તમે જેમ વધારો તેમ તમારી તાકાત વધે છે. અને જવાબદારી પણ વધે છે. તમે દોસ્તને કહ્યું હશે કે સાંજે છ વાગ્યે ફલાણી જગ્યાએ તને મળીશ. પછી તમે ગમે તે કારણે ત્યાં નહીં જાઓ ત્યારે તેની નજરમાં તમારી વિશ્વાસપાત્રતા એટલી ઓછી થવાની. વાત તો નાની છે. તમે કહેશો કે, હું આમાં કોઈની પરવા કરતો નથી. કોઈ વાત માને કે ના માને – આઈ ડોન્ટ કેર ! તમને તેની પડી નહીં હોય. પણ જીવનમાં કોઈક કસોટીની પળ આવશે ત્યારે તમને ભાન થશે કે તમે કંઈક ગુમાવી બેઠા છો. તમે જેની પરવા નહોતા કરતા તે એક મોંઘી મૂડી હતી. તમે તે ખોઈ બેઠા છો.

ગાંધીજીને દુનિયાએ મહાત્મા માન્યા તે તેમનો એટલો મોટો વિજય નથી. કસ્તુરબાએ તેમને મહાત્મા ગણ્યા અને એક અકિંચન પતિની પાછળ તે ચાલતાં જ રહ્યાં, એટલી શ્રદ્ધા ગાંધીજીએ એક અશિક્ષિત પત્નીમાં જગાડી એ ગાંધીજીનો મોટો વિજય છે. મહાન થતાં પહેલાં ઘરઆંગણે કંઈક સુમેળ રચવો પડે છે. ઘરનાં માણસોનો સાથ માણસોને તો જ મળે છે. ટૉલ્સટોય પણ મહાત્મા હતા, પણ પત્નીને સાથે રાખી ના શક્યા. આ તેમની મોટી નિષ્ફળતા હતી. પત્નીએ ટૉલ્સટૉય વિશે નરી નિંદાથી ભરેલું પુસ્તક લખ્યું છે ! બીજું બધું ગુમાવવું કદાચ પાલવે, પણ વિશ્વાસપાત્રતા ગુમાવવાનું કદી કોઈને પાલવતું નથી.

[કુલ પાન : 144. કિંમત રૂ. 75. પ્રાપ્તિસ્થાન : ‘પુનિત પ્રકાશન પ્રતિષ્ઠાન’ સંત ‘પુનિત’ માર્ગ, મણિનગર, અમદાવાદ-380 008. ફોન : +91 79 25454545. ઈમેઈલ : jankalyan99@yahoo.co.in ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ક્ષિતિજ – રઝિયા મિર્ઝા ‘રાઝ’
કેટલીક લઘુકથાઓ – અનુ. સુકન્યા ઝવેરી Next »   

13 પ્રતિભાવો : પાથેય – સં. દેવેન્દ્ર એલ. ત્રિવેદી

 1. બહુ સુંદર વાતો !

 2. RAGINI SHAH says:

  SARAS KHUB SARAS
  GIVE MORE & MORE STORY LIKE THIS

 3. Viren Shah says:

  Pathey no shu arth thay?

 4. rutvi says:

  મારા મત મુજબ પાથેય નો અર્થ પથ બતાવે તે, રસ્તો સુઝાડે તે,

  ખુબ જ સરસ , ખરેખર રસ્તો બતાવનારુ છે.

  સારી વાતો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.