- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

નામ તો નહીં જ કહું – વ્રજેશ આર. વાળંદ

[ લેખક વડોદરા નિવાસી નિવૃત શિક્ષક છે. તેમની ટૂંકી વાર્તાઓ સાહિત્યના સામાયિકોમાં અવારનવાર સ્થાન પામતી રહી છે. લેખન કલાની સાથે તેઓ ગઝલકાર તેમજ હાર્મોનિયમના અચ્છા કલાકાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે અંગ્રેજીમાં ‘ક્રિકેટ’ વિષય પર લખેલી એક લઘુનવલકથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લોર્ડઝના મેદાન ખાતેની પબ્લીક લાઈબ્રેરીમાં સ્થાન પામી છે. થોડા મહિના અગાઉ ‘બે આંખો’ નામની તેમની ટૂંકી વાર્તા આપણે રીડગુજરાતી પર માણી હતી. આજે માણીએ તેમની અન્ય સુંદર કૃતિ. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે વ્રજેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો સંપર્ક આ નંબર પર કરી શકો છો : (ઘર) +91 265 2774898 તથા મોબાઈલ : +91 9723333423. ]

‘જો, ફરી તોડી નાખ્યું ને ?’ મારાથી ગુસ્સે થઈ જવાયું.
‘મારાથી સારું કેમ બનાવ્યું ?’ એણે સામો છણકો કર્યો.

ઓરસંગ નદીના વિશાળ રેતીલા પટના સાંકડા પ્રવાહને કિનારે હું રેતીનું ઘર બીજીવાર બનાવી, દૂરથી કેવું લાગે છે એ જોવા સ્હેજ પાછળ ખસ્યો ત્યાં જ એણે તોડી નાખ્યું. એને તો બનાવતાં જ આવડે. પહેલાં મારે એને બનાવી આપવું પડે. પછી જ મારાથી બનાવાય. એને બનાવી આપ્યા પછી મેં મારું ઘર બનાવ્યું.
‘છી…! કેવું ગંદુ છે !’ કહી એણે લાત મારી તોડી નાખ્યું. હું ચૂપ રહ્યો. બીજીવાર બનાવ્યું.
‘મારાથી સારું કેમ બનાવ્યું ?’ કહી ફરી એણે તોડી નાખ્યું. હવે મારા ક્રોધને સીમા ન હતી. એને મારવા મેં હાથ ઉગામ્યો ત્યાં તો બા હાંફળી ફાંફળી આવી. મારો હાથ પકડી પોતાની સાથે ઘસડી ગઈ. મને ધોયેલા કપડાંના તગારા પાસે બેસાડી, નાક પર આંગળી મૂકી ચૂપ રહેવાનો કડક સંકેત કર્યો. મારી દયનીય સ્થિતિથી ખુશ થઈ તે તાળીઓ પાડવા લાગી. મારા તરફ જીભ કાઢી, મને અંગૂઠો બતાવી ફેરફુદરડી ફરવા લાગી. મારા ખંડિત ઘરને એણે બીજી બે-ચાર લાગો લગાવી દીધી. મને એ મારી છાતી પર વાગતી હોય એમ લાગ્યું. મારું બાળમન વિચારી રહ્યું : ‘બા એને કેમ કશું કહેતી નહીં હોય ?’ શું બાને હું જ ગુનેગાર લાગું છું ? એનો કાંઈ જ વાંક નહીં ? ધોયેલા કપડાનું તગારું બાએ માથે ચડાવ્યું. મને ઊભો કર્યો અને રોષપૂર્વક હડસેલો મારી આગળ કર્યો, ને એના તરફ જોતાં ખૂબ નરમાશથી કહ્યું : ‘ચાલો…. બહેન, હવે ઘરે જઈએ.’

જીદ કરીને એ આ રીતે અમારી સાથે નદીએ આવતી. એની બા, મારી બાને, ‘જીવી…. બહેનને સાચવીને લઈ જજે’ કહીને મોકલતી…. – ના, હમણાં તમને એનું નામ તો નહીં જ કહું. પણ હા, એટલું જણાવી દઉં કે એ વખતે અમે બંને પાંચમા ધોરણમાં ભણતાં. હું બહાદરપુરની સરકારી પ્રાથમિક શાળામાં ને એ ઓરસંગની સામે પાર આવેલા સંખેડાની લાયન્સ કલબ સંચાલિત શાળામાં. મારો બહાદરપુરમાં પહેલો નંબર આવે, એનો સંખેડામાં. તાલુકાના સૌથી મોટા જમીનદાર – ખટપટિયા રાજકારણીની એ એક માત્ર પુત્રી હતી. ઘોડાગાડીમાં બેસી, પરી જેવા શ્વેત ગણવેશમાં એ શાળાએ જતી ત્યારે હું જોઈ જ રહેતો. એની વિશાળ હવેલીના વિશાળ ચોગાનને છેડે આવેલાં કાચાં ખોરડાઓમાં એક ખોરડું અમારું હતું. મારા બાપુ જમીનદાર સાહેબના તાબેદાર સેવક હતા. બા એમની કામવાળી. સાંજે દીવાબત્તી ટાણે હવેલીનો ચાકર મને તેડવા આવતો. બા કહેતી, ‘જા… બહેનને લેશન કરી આપ.’ મારે કમને એને બધું જ હોમવર્ક સુંદર અક્ષરે કરી આપવું પડતું. એ મસમોટી ખુરશીમાં ગોઠવાઈને મારા પર હુકમો છોડ્યે જતી. મારે એના પગ પાસે, નીચે બેસી એના હુકમોનું પાલન કરવું પડતું. ક્યારેક તો એવું પણ બનતું કે હું લખવાનું પૂરું કરું ત્યારે એ ઘસઘસાટ ઊંઘતી હોય. એની નોટના પાના ઉલટાવતાં એના શિક્ષકે લખેલી ‘અતિ સુંદર !’ ‘ખૂબ સરસ’ વ. રિમાર્ક નજરે પડતી. મને એના પર શાહીનો ખડિયો ઢોળી નાખવાનું મન થતું. મોડો ઘેર પહોંચું ત્યારે ‘આવી ગયો ભઈલા !’ કહી બા મને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતી પણ મારા મુખ પરની ક્રોધ રેખાઓ જોઈ બિચારી છોભીલી પડી જતી

હાઈસ્કૂલમાં એ સંખેડાથી કોણ જાણે કેમ પણ બહાદરપુર ભણવા આવી ગઈ અને તે ય મારા જ વર્ગમાં. હજી ય એને હોમવર્ક તો મારે જ કરી આપવું પડતું. શિક્ષકો બધું જ જાણે, પણ આંખ આડા કાન કરે. જમીનદાર સાહેબ શાળાના મંત્રી હતા ને !

હું નવમા ધોરણમાં હતો તે વેળાની વાત છે. હવેલીમાંથી નિત્યક્રમ મુજબ સાંજે તેડું આવ્યું. એમને એમ તો હવેલીમાં પગ જ ન મૂકાય. મારા પાઠ્ય પુસ્તકમાં ગાંધીજીની આત્મકથાનું એક પ્રકરણ હતું ‘બાલા સુંદરમ’. એ વાંચીને હું ભારે વ્યથિત થઈ ગયો હતો. ગાંધીજી સામે ઊભેલો દીન બાલાસુંદરમ નજર સમક્ષ તરવરી રહ્યો હતો. એનો લોહી નીગળતો ચહેરો કેમેય કરીને આંખ સામેથી ખસતો ન હતો. એના પર થયેલા અમાનુષી અત્યાચારે મને હલબલાવી મૂક્યો હતો. જમીનદાર સાહેબના ચાકરે એ સમયે આવીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું. હું સમસમી ઊઠ્યો. મારી લાચારી પ્રત્યે મને નફરત થઈ આવી. મેં બા-બાપુને કહી દીધું, ‘મેં એની તાબેદારી નથી લખી આપી.’ બાને તો મારા આ મૂંગા રોષની ક્યારનીય ખબર હતી પણ મારા ભોળા બાપુ માટે આ એકદમ અણકલ્પ્યું હતું. થોડીવાર તો અવાક થઈ ગયા. પછી હળવેકથી બોલ્યા, ‘બેટા ! જમીનદાર સાહેબના રાખ્યા આપણે ગામમાં રહીએ છીએ. એમનો આપેલો દાણો ખાઈએ છીએ. આપણે એમના કરજદાર છીએ.’ – ને બાપુને ડૂમો ભરાઈ આવ્યો. બાપુની આ લાચારીએ મારા હૈયાને કંપાવી મૂક્યું. હું વિવશપણે હવેલી તરફ ખેંચાયો. કોઈ દિવસ નહીં ને આજે અંદર પેસતાં જ એને નિયત સ્થાને બેઠેલી ન જોઈ મારાથી એને રોષપૂર્વક એકવચની સંબોધન થઈ ગયું.
‘….. ક્યાં છે ?’ ને ત્યારબાદ ધરાયેલા હિંસ્ત્ર પશુની જેમ – આર્મચેરમાં આડા પડેલા જમીનદાર સાહેબ તરફ અચાનક મારી નજર ગઈ. મારા શરીરમાં પગથી માથા સુધી ધ્રુજારી વ્યાપી ગઈ. એમની વહાલીસોયી, એકની એક લાડકી પુત્રી માટે મેં કરેલા એકવચની સંબોધનથી એમની ભૂક્રુટી તણાઈ ગઈ. થૂંકદાનીમાં પાનની પીચકારી મારતાં એમણે જાણે મને લક્ષ્મણ રેખા બતાવી દીધી. ‘ગધેડા ! જરા વિવેક શીખ. માનથી બહેન બોલ….’ ને અંદરના ખંડમાંથી બહાર આવેલા એમના પત્નીને ઉદ્દેશીને – મારા તરફ તિરસ્કારયુક્ત દષ્ટિ કરતાં કહ્યું : ‘તેં જોયું ? આપણું આપેલું બટકું ખાઈને આપણી …ને તુંકારો કરે છે !’ મારી આંખોમાં ખુન્નસ વ્યાપી ગયું. અંગેઅંગ ક્રોધથી કંપી ઉઠ્યું. પાનનું થૂંક ગળવા ઊંચાનીચા થતાં એમના ટોટાને પીસી નાખવાનું મન થયું. એમની પાસે પડેલી થૂંકદાની એમના માથામાં ઝીંકવાનું મન થયું. અરે, ઝીંકી દીધી જ હોત, જો બાપુનું દયામણું મોં આડે ન આવ્યું હોત તો.

લેશન કરાવીને આવ્યો ત્યારે આખું શરીર ફાટફાટ થઈ રહ્યું હતું. ના બાએ, ન તો બાપુએ આવકારનો હરફ ઉચ્ચાર્યો. ‘ભૂખ નથી’ કહી મેં પથારીમાં પડતું મૂક્યું પણ ઊંઘ વેરણ થઈ ગઈ. અંતરનો દાવાનળ હજી શમ્યો ન હતો. આવી મનોદશા અગાઉ મેં ક્યારેય અનુભવી ન હતી. મોડી રાત્રે કેટલાંય પડખા ઘસ્યા ત્યારે માંડ આંખ મળી.

મારા મિત્રોમાં મારું સારું એવું માન હતું. મારા શિક્ષકો અને અન્ય વડીલો પણ મારા સદગુણોથી પ્રભાવિત હતા. ભણવામાં ય હું સદા અગ્રેસર પણ હા, હાઈસ્કૂલમાં ‘તેના’ આવ્યા બાદ અગાઉ જે પહેલે નંબરે આવતો હતો તે હવે બીજા નંબરે આવવા લાગ્યો. કારણ તો તમે જાણી જ ગયા હશો. શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ખેલકૂદમાં પણ આગળ રહેતો. ગામના નાનકડાં વાચનાલયમાં આવતા તમામ વર્તમાનપત્રો નિયમિત વાંચતો. સામાયિકોના પાને પાનાં ઊથલાવી નાખતો. મારા સહાધ્યાયીઓ કરતાં માનસિક રીતે હું વધુ પરિપક્વ હતો, અને તેથી જ આ અપમાન મારા માટે માથાવાઢ હતું. મારા અસ્તિત્વને આક્રોશથી ભરી દેનારું હતું. મેટ્રિકની પરીક્ષામાં એ ચમત્કારિક રીતે મારા કરતાં વધુ ગુણ લઈ આવી. મેં ગામ છોડી શહેરમાં જ્ઞાતિની બોર્ડીંગમાં પ્રવેશ મેળવવાની તજવીજ કરવા માંડી. વિચાર્યું : ‘ફાજલ સમયમાં છાપાં વેચીને અભ્યાસનો ખર્ચ કાઢી લઈશ.’ પણ મારી મુરાદ બર ન આવી. જમીનદાર સાહેબે બાપુ મારફતે કહેવડાવી દીધું હતું. મારે સંખેડાની કૉલેજમાં ‘તેની’ સાથે જ ભણવાનું હતું. એનો અને એના અભ્યાસનો ખ્યાલ રાખવાનો હતો. બદલામાં મારા અભ્યાસના તમામ ખર્ચનો ખ્યાલ જમીનદાર સાહેબે રાખવાનો હતો. બાપુ પણ મને આંખથી અળગો કરવા માગતા ન હતા. મારા હાથ હેઠા પડ્યા.

ઘોડાગાડીમાં કોચવાન સાથે આગળ બેસતાં ખૂબ સંકોચ થતો. અલબત્ત મારા કેટલાક સહાધ્યાયીઓને મારી ઈર્ષ્યા આવતી. રસ્તામાં વાતચીતના નામે એના પ્રશ્નોના જવાબ આપવા સિવાય બીજું કાંઈ નહિ. એને આંતરિક ગુણ વધુ મળે એ માટે એની દરેક ફાઈલ મારે વ્યવસ્થિત કરી આપવી પડતી. એના એ જમીનદાર સાહેબના વ્યવહારમાં પહેલાની તોછડાઈ તો ન હતી પણ સૌજન્યનો અભાવ યથાવત જ રહ્યો. પ્રસંગોપાત મારો તેજોવધ કરવાની એક પણ તક એ ચૂકતી નહીં. કૉલેજના વાર્ષિકોત્સવ પછી મારી વધતી જતી પ્રતિષ્ઠાથી એ ધૂંધવાઈ રહી હતી. ખુદ જમીનદાર સાહેબની આંખો પણ મને અભિનયનો પ્રથમ પુરસ્કાર આપતી વેળા અજબ રીતે ચમકી ઊઠી હતી. મારી સાહિત્ય રચનાઓને હવે અગ્રગણ્ય સામાયિકોમાં સ્થાન મળવા લાગ્યું હતું. કૉલેજના સાહિત્ય-અંક માટે મારે એને ગઝલ લખી આપવી પડી હતી. પણ ગમે તે રીતે બધાને ઉઠાંતરીની ખબર પડી ગઈ. સારું થયું કે વાત અહીંથી જ અટકી ગઈ, નહિ તો એના નામે મારે અન્ય સામાયિકોમાં પણ કૃતિઓ મોકલવી પડત.

જો કે મારી આ સાહિત્ય સિદ્ધિ મને આર્થિક રીતે પગભર થવામાં સહાયરૂપ ન નીવડી. એના ઓશિયાળા રહીને જીવન જીવવામાં ભારે નાનપ લાગતી હતી. મેં નિર્ણય કરી લીધો. ઉનાળાનું લાંબુ વેકેશન મામાને ત્યાં ગાળ્યું. ત્યાંથી બહાદરપુર પાછો ફર્યો ત્યારે હું કુશળ કારીગર બની ચૂક્યો હતો. બાપુને સ્થાને એક સવારે હું ચામડાની આધુનિક બેગ લઈ હવેલીમાં પહોંચી ગયો. જમીનદાર સાહેબ તો આભા જ બની ગયા. ને સાથે તે પણ. મજાની સ્વચ્છ કફની પહેરાવી મેં ખૂબ વ્યવસ્થિત રીતે એમનું કેશ-કર્તન કર્યું. એમના સદાના કરડા ચહેરા પર છવાયેલી પ્રસન્નતા તેઓ છૂપાવી ન શક્યા. બાપુ ય હર્ષથી ગળગળા થઈ ગયા. મારા આ હુન્નરે આર્થિક આવશ્યકતાઓને પહોંચી વળવામાં મને ખૂબ સહાય કરી. બી.એ. થવામાં ઝાઝી મુશ્કેલી ન નડી. બે વર્ષ આરામથી કાઢી નાખ્યા.

તેના લગ્ન ખૂબ ધામધૂમથી સંપન્ન થયા. એનો પતિ એક મોટા જમીનદારનો પુત્ર હતો. વર્ષોથી અમેરિકામાં સ્થિર થયો હતો. બાપુની બિમારીને કારણે લગ્નની દોડધામનો બધો જ ભાર મારા પર નંખાયો હતો. વસ્ત્ર-અલંકારોની ખરીદી, પસંદગીમાં ય મને સાથે રાખવામાં આવ્યો. પંદર દિવસની મારી એ દોડધામે મને ખરે જ જવાબદાર વ્યક્તિ બનાવી દીધો હતો. જો કે આ ય ગુલામીનો જ એક ભાગ હતો. જરા સરખી ગફલત એટલે અપયશનો આખોય ટોપલો માથે આવી પડે. બધાની ઉપસ્થિતિમાં હડધૂત અને અપમાનિત થવું પડે. બાપુને મેં અનેકવાર આવી વિષમ પરિસ્થિતિમાંથી પસાર થતાં જોયેલા. હું હરગિજ એનું પુનરાવર્તન થવા દેવા તૈયાર ન હતો, અને તેથી ખૂબ સતર્ક હતો. ‘તેના’ શ્વસુરગૃહ પ્રયાણ વેળા હું જમીનદાર સાહેબની પડખે જ ઊભો હતો. વિદાયની ઘડીએ મારીને તેની નજર એક થઈ. એની આંખોને વાચા ફૂટી હોય એમ મને લાગ્યું. એ અનિમેષ મને તાકી રહી. શું કહી રહી હતી એ આંખો ? ક્ષમા યાચતી હતી ? પ્રેમ વરસાવતી હતી ? વેદના વ્યક્ત કરતી હતી ? એ અગમ્ય ભાવ દર્શાવતી આંખોમાંથી સ્ફૂટ થતો અર્થ પામવા હું અસમર્થ રહ્યો. થોડા સમય પછી એ વિદેશ ચાલી ગઈ. મેં અમદાવાદની વાટ પકડી. એમ.એ કરવા.

તમે નહીં માનો. હું એને ન ભૂલી શક્યો. મારો ઉપહાસ કરતી, મને ઉપાલંભ આપતી એની છબી વારંવાર મારા માનસપટ પર ઉપસી આવતી. મારા સ્વપ્નોમાં એ સરી આવતી. મને જીવનમાં સાવ રિક્તતા લાગવા માંડી, શું હું એને ચાહતો હતો ? મનને એનું દાસત્વ ગમતું હતું ? કાંઈ જ સમજાતું નહતું. મન ઘેરા વિષાદમાં ઘેરાઈ ગયું. એ અરસામાં સમર્પિતાનો પરિચય થયો. એમ.એ.ના પ્રથમ વર્ષથી જ મારી સહાધ્યાયિની. શરૂઆતમાં તો મારી જ્ઞાન સાધનાની આડે આવતી મારી કારમી કંગાલિયતથી એને મારા પ્રત્યે અનુકંપા જાગી. પરંતુ ત્યારબાદ મારી સર્વતોમુખી પ્રતિભા, સ્વમાની સ્વભાવ અને કોઈનાય મોહતાજ બન્યા વિના એકલે હાથે પરિસ્થિતિ સામે ઝઝૂમવાની અડગ વચનબદ્ધતાથી મારા પ્રત્યે આકર્ષાઈ. મારી સાથેના સહજીવનમાં એને પડનારી મુશ્કેલીઓનો મેં એને સ્પષ્ટ ખ્યાલ આપી દીધો. છતાં હસતે મુખે પિતૃગૃહની દોમદોમ સાહેબીનો સાપ કાંચળી ઉતારે એમ – ત્યાગ કરી મારી સાદગીનો શણગાર બની. મને એણે એક જ વાત કહી, ‘કોઈ શર્ત હોતી નહી પ્યાર મેં’ ને હું હારી ગયો.

વર્ષો બાદ એક વેકેશનમાં હું અને સમર્પિતા બહાદરપુર આવ્યાં. હવે હું હવેલીથી દૂર એક સારા – પાકા મકાનમાં રહેતો હતો. બા-બાપુ મારું સુખ જોવા ઝાઝું ન જીવ્યાં. જમીનદાર સાહેબ પણ ન હતા. વીતેલા વર્ષો દરમિયાન સાહિત્યક્ષેત્રે મેં ખૂબ નામના મેળવી હતી. અગ્રિમ સાહિત્યકારોની હરોળમાં મેં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. મને સમાચાર મળ્યા …..આવી છે. હવામાં ફરફરાટ કરતાં કેલેન્ડરના પાનાં પર મારી નજર ગઈ. ઓહ દસ દસ વર્ષ વહી ગયાં ! હવેલીની દિવાલોને ભેદીને કેટલીક વાતો ગામમાં પ્રસરી હતી. અમેરિકામાં એ સમૃદ્ધિમાં રાચતી હતી. બધાં જ ભૌતિક સુખો એની કદમબોસી કરતા હતાં પણ પતિપ્રેમથી સાવ વંચિત હતી. સૂરા અને સુંદરીમાં મસ્ત રહેતા એના પતિએ એને સુવર્ણ પિંજરમાં કેદ કરી હતી. હું એને જોવા, મળવા તલસી રહ્યો. ને મારા કરતાં વિશેષ તો સમર્પિતા.

એક દિવસ મારા આમંત્રણને માન આપી એ મારે ઘેર આવી. પ્રોફેસરની પદવી સાથેની અમારા બંનેના નામવાળી નેમપ્લેટ પાસે એ ખાસ્સુ રોકાઈ. મેં એને ઉષ્માસભર આવકાર આપ્યો : ‘આવો… બહેન’
સ્મિત ફરકાવવાનો મિથ્યા પ્રયાસ કરતાં એ બોલી : ‘પાછળ બહેન લગાડ્યા વગર નહીં ચાલે ? ભાભી નથી ?’ ‘ત્યાં બરાબર ફાવી ગયું ?’ – જેવા ઔપચારિક પ્રશ્નોની આપ-લે થઈ. જવાબો અપાયા. ચારેબાજુ નજર કરતાં – માત્ર વાત કરવાનાં બહાને – એ બોલી : ‘લાગે છે મારા ગયા પછી તેં ખૂબ પ્રગતિ કરી છે.’
હું ઉત્તર આપવા મોં ખોલું તે પહેલાં તો ‘હા… બહેન ! તમારા ગયા પછી જ તેઓ પ્રગતિ સાધી શક્યા છે.’ કહેતા ટ્રેમાં પાણીનો ગ્લાસ લઈને સમર્પિતાએ પ્રવેશ કર્યો. એ તો સમર્પિતાને જોતી જ રહી ગઈ. સમર્પિતાએ કરેલા કટાક્ષને હું પામી ગયો હતો. પણ એ તો એના તેજોમય વ્યક્તિત્વથી અંજાઈ ગઈ હોય એમ અવાક થઈને એને તાકી જ રહી. એનું મૌન ભંગ કરવાના પ્રયાસરૂપે મેં પરિચય આપ્યો. ‘મારી પત્ની સમર્પિતા. બંને એક જ કૉલેજમાં પ્રોફેસર છીએ. ને સમર્પિતા ! આ છે…’
‘પરિચયની કોઈ જરૂર નથી. અત્યાર સુધીમાં તમારી પાસેથી એમના વિશે એટલું બધું સાંભળ્યું છે કે એમને સાંગોપાંગ ઓળખી ચૂકી છું.’ અક્ષરે અક્ષર ભારપૂર્વક છૂટો પાડતાં સમર્પિતા બોલી. એની વાણીનો રણકો મને ચમકાવી ગયો. એ સમર્પિતાના વાકબાણોથી વિંધાયેલી મૃગલીની જેમ શૂન્યમનસ્ક થઈ ગઈ. ‘સમર્પિતા એની સાથે ઝગડી તો નહીં પડે ને ?’ મને દહેશત થઈ. મેં વાતને બીજી તરફ વાળવા પ્રયત્ન કર્યો.
‘અમેરિકામાં સાહિત્ય-રસિકો ખરા કે ?’ એનેય જાણે જાળમાંથી મુક્તિ મળી.
‘હા, હા, કેમ નહીં ? મહિનામાં એકવાર અમે ગેધરીંગ કરીએ છીએ. કોઈ પોતાની સ્વરચિત કૃતિ સંભળાવે તો કોઈ ગુજરાતી સામાયિકમાં આવેલી સુંદર કૃતિનું વાંચન કરે.’ વાતાવરણ હળવું બન્યું. એની જીભ છૂટી થઈ. એણે આગળ ચલાવ્યું : ‘બાય ધ વે, હમણાં તારા નામે નામ એક કવિનો કાવ્યસંગ્રહ ‘મુક્તિ’ ત્યાં ખૂબ પ્રશંસા પામ્યો છે. તમે બંને એ કવિને ઓળખો છો ?’
હું કંઈ બોલવા જાઉં ત્યાં જ : ‘….. બહેન !’ સમર્પિતાના હૃદયના ઊંડાણમાંથી આવતા અવાજે મને ચમકાવ્યો : ‘તમે જે કવિની વાત કરો છો એ તમારી સામે જ છે.’
‘શું !’ એના માન્યામાં ન આવ્યું.
સમર્પિતાએ દઢસ્વરે કહ્યું : ‘હા, આ જ છે. ‘મુક્તિ’ નો કવિ. અફસોસ છે કે ન તો તમે એને પહેલાં ઓળખી શક્યાં કે ન તો પછી. પણ એકવાત સ્પષ્ટ છે,’ સમર્પિતાનો અવાજ ધારદાર બન્યો, ‘તમારા ગયા પછી જ એ ‘મુક્તિ’ સર્જી શક્યા છે.’ એ એકદમ છોભીલી પડી ગઈ. ધૂંધવાઈ ઊઠી. સદા હુકમો છોડનાર માટે તેજોવધ ખરે જ અસહ્ય હોય છે. સ્વભાવગત સત્તાશીલતા એના ચહેરા પર અંકાઈ ગઈ અને વાણીમાં વ્યક્ત થઈ ગઈ : ‘એટલે તમે એમ કહેવા માગો છો કે હું એની મુક્તિની આડે આવતી હતી ?’

ખલાસ ! તીર કમાનમાંથી નીકળી ચૂક્યું હતું. એનાથી ક્રોધ વ્યક્ત થઈ ગયો. એના ગાલ તમતમી ઊઠ્યા. સમગ્ર દેહયષ્ટિમાં કંપન વ્યાપી ગયું. આંખોમાં આક્ષેપ સહન ન થયાનો સ્પષ્ટ નિર્દેશ. સમર્પિતાએ મક્કમતાપૂર્વક કહ્યું : ‘બેશક. તમે જ એની મુક્તિની આડે આવતા હતા.’
‘શું ?’ તે ખુરશી પરથી અડધી ઊભી થઈ ગઈ. હું અકળાઈ ઊઠ્યો ‘પ્લીઝ, સમર્પિતા મારે ખાતર….’ પણ સમર્પિતાએ મને વચ્ચેથી જ અટકાવ્યો… ‘પ્લીઝ, મારે ખાતર તમે ચૂપ રહો. શૈશવથી યુવાની સુધી લગલગાટ તમે આ બેનની ગુલામી વેઠી છે. મને આજે માત્ર પાંચ મિનિટ આપો’ સમર્પિતાન કંઠમાં આદ્રતા આવી, ‘હું આપની પાસે ભીખ માગું છું !’

હું સ્તબ્ધ થઈ ગયો. પળવાર માટે નિ:સ્તબ્ધતા છવાઈ રહી. સમર્પિતાએ એ દરમિયાન સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. ગળુ ખંખેરી એ બોલી : ‘જુઓ… બહેન, તમે બચપણથી જ એનું રેતીનું ઘર તોડીને એની શ્રેષ્ઠતર થવાની ચેતનાને હણવાનો પ્રયાસ જાણે અજાણે શરૂ કરી દીધો હતો. બચપણની એ નિર્દોષ રમતે તારુણ્ય અને યૌવનમાં પણ ઈર્ષ્યા અને ઘોર ઉપેક્ષાનું સ્થાન લીધું. તમે એની શક્તિઓથી સુપરિચિત હતાં છતાં મૂઠ ઊંચેરા માનવી તરીકે તમે કદી એને સ્વીકારી ન શક્યાં.’ સમર્પિતાની વાકકટુતા તીવ્ર બનતી જતી હતી. ‘તમે કેવળ એને દાસત્વ જ અર્પ્યું છે. એના માટે બે સારા શબ્દો કહેવાનું સૌજન્ય પણ તમે ન દાખવી શક્યા.’ સમર્પિતાનું આ સ્વરૂપ મારા માટે કલ્પનાતીત હતું. હું ચિત્રસ્થ થઈ એને સાંભળી રહ્યો હતો. એ બોલી રહી હતી : ‘તમને ખબર છે ? વીતેલા વર્ષોમાં એમણે કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે ? આ સિદ્ધિઓનું શ્રેય તમને જ મળ્યું હોત પણ તમે તો પથ્થરની જેમ એને ઠોકરે ચડાવતાં રહ્યાં. તમારી ઠોકરે ફંગોળાયેલો પથ્થર રત્ન બની આજે મારી કોટે ઝળહળી રહ્યો છે.’ સમર્પિતાની વાણીમાંથી હવે વેદના ટપકી રહી હતી. ‘…બહેન ! દુ:ખની વાત તો એ છે કે વર્ષોના સહવાસ પછી પણ તમે જેને ન ઓળખી શક્યાં એના હૈયાની ગહનતા પામતાં મને ઝાઝી વાર ન લાગી. એની પાસે રહીને તમને કદાચ સમૃદ્ધિમાં આળોટવાનું ન મળત પણ એક માણસુડા માનવીના ભર્યા ભર્યા હૈયાની હૂંફ તો અવશ્ય પામી શક્યા હોત. અને હા,’ તે સહેજ થંભીને બોલી, ‘તમે જેનાથી વંચિત છો એ પતિપ્રેમ તમને મેઘની નવલખ ધાર શો અઢળક મળ્યો હોત. તમે એમની શ્રેષ્ઠતા ક્યારેય ન સ્વીકારી. તમારી આ આત્મવંચના, ભીરુતા દયાપાત્ર છે, ધૃણાપાત્ર છે કે ક્ષમાપાત્ર છે એ તો આપ જાણો’ – ને સમર્પિતા મૌન થઈ ગઈ !

થોડીવાર માટે ખંડમાં ઝંઝાવાત પસાર થઈ ગયા પછીની ભેંકાર શાંતિ પ્રસરી ગઈ. મૌનનું અફાટ રણ વિસ્તરી રહ્યું. મારી ને ….ની નજર એક થઈ. મેં એને આશ્વસ્ત કરવાનો અને સમર્પિતાનો બચાવ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો : ‘સમર્પિતા ખૂબ સંવેદનશીલ છે. પહેલીવાર જ્યારે મેં એને આપણી વાત કરી ત્યારે એ ખૂબ ગમગીન બની ગઈ હતી. અવનવા પ્રશ્નો કરીને એ હંમેશા એકની એક વાત મારી પાસે કહેવડાવતી. વાત સાંભળીને કોણ જાણે કેમ એ શૂન્યમનસ્ક થઈ જતી. વર્ષોથી એ તમને મળવા ઝંખતી હતી પણ આટલી બધી આતુર કેમ હતી એની ખબર તો આજે, અત્યારે જ પડી. એના વતી હું આપની ક્ષમા….’
‘ઈટ્સ ઓલરાઈટ’ કહી એણે મને અટકાવ્યો. પાંપણના છેડા લૂછ્યાં. પળવાર માટે એ અમને તાકી રહી. એના મુખ પર હળવું સ્મિત રેલાયું. પછી અચાનક બોલી : ‘સમર્પિતા બહેન ! ઘણું કહી નાખ્યું તમે. હવે થોડું મને કહેવા દો. જુઓ. ચોંકશો નહીં. તમારા પતિને કૌમાર્ય અવસ્થાથી જ હું ઉત્કટપણે ચાહતી હતી.’
‘શું ?’ સમર્પિતા પર જાણે વીજળી પડી. મને ય મારા કાન પર વિશ્વાસ ન આવ્યો.
‘હા’ તેણે કહ્યું, ‘હું સદા એમનું સાનિધ્ય, સામિપ્ય ઝંખતી હતી. એ મારા આરાધ્ય દેવ હતા.’ એના આ રહસ્યોદઘાટને મારી રહી સહી સુધ હરી લીધી. એણે આગળ ચલાવ્યું. ‘એમની સમક્ષ પ્રેમાભિવ્યક્તિ કરવા હું તલસી રહી હતી પણ હું એમ ન કરી શકી. જો મેં એમ કર્યું હોત તો જાણો છો શું થાત ? મારા સામર્થ્યવાન પિતાને એની રજમાત્ર પણ ગંધ આવી હોત તો તેઓ તમારા પતિનું અસ્તિત્વ મિટાવી દેત. એમની ઊંચી પ્રતિષ્ઠા, અઢળક સંપત્તિ અને છેક ઉપર સુધીની પહોંચને કારણે એમને ઊની આંચ પણ ન આવત.’ આટલી વાત કરતાં એના ચહેરા પર ભય-રેખાઓ ઉપસી આવી. ‘એક જ વાર જો મેં આપના પતિ સમક્ષ મારા પ્રેમનો એકરાર કર્યો હોત તો એમનું સમગ્ર જીવન મારી સ્મૃતિઓમાં કેદ થઈ સબડ્યા કરત. એમનું ઉજ્જવળ ભાવિ રોળાઈ જાત. હું જાણતી હતી કે હું એમના માટે આકાશકુસુમવત હતી. અમારું ઐક્ય કોઈ કાળે શક્ય ન હતું.’ એનો શ્વાસ ભરાઈ આવ્યો. ગળે ડૂમો બાઝી ગયો. અમારી વાચા હણાઈ ગઈ. સમર્પિતા વિસ્ફારિત નયને એને જોઈ રહી.

સમર્પિતા તરફ નજર નોંધી એણે કહ્યું : ‘…. અને તેથી હૃદય પર પથ્થર મૂકી મેં મારી જાતને મહાપરાણે રોકી રાખી. આમ કરવામાં મને કેટલી વેદના થઈ હશે એ આપના સમ સંવેદનશીલ વિદૂષીને મારે સમજાવવાનું ન હોય.’ સમર્પિતાથી ડૂસકુ નંખાઈ ગયું. ગળગળા સાદે એણે પુન: વાતનો દોર સાધ્યો, ‘આખરે મારા પ્રેમની અભિવ્યક્તિ માટે મારે કટુતાનું શરણું શોધવું પડ્યું. અવારનવાર મેં એમની દીનતા, પરાવલંબિતા, લાચારી પર આકરા પ્રહારો કર્યે રાખ્યા. એમની નિમ્નતાનું એમને સતત ભાન કરાવ્યું. એમને હડધૂત કર્યા. સ્ત્રીસહજ ઋજુતાને, સંવેદનાને કઠોરતાના કોચલામાં કેદ કરી. મુખ પર સદા એમની લાચારીનો ઉપહાસ કરતો મુખવટો પહેરી રાખ્યો.’ એની આંખમાં અપાર્થિવ તેજ ઝળકી ઉઠ્યું. એની વાણીમાં ગર્વની છાંટ ભળી. ‘….ને એનું પરિણામ શું આવ્યું એ તો આપ જાણો જ છો. મારી ઘોર ઉપેક્ષાઓએ એમની સર્વ શક્તિઓને ઝંઝોળી નાખી. મને કાંઈક કરી બતાવવાની ધૂન એમના પર સવાર થઈ. અનેક વિટંબણાઓ પાર કરી અને અંતે એમણે સેવેલા સ્વપ્નો સાકાર કર્યા. એનું શ્રેય ભલે આપને મળ્યું હોય પરંતુ એમની સિદ્ધિઓ મને આપના જેટલી જ, બલકે વિશેષ અતિરંજિત, ગૌરવાન્વિત કરી રહી છે.’ હું અને સમર્પિતા હીનતાના બોજ તળે પળે-પળે કચડાઈ રહ્યાં હતાં. અને એ હળવીફૂલ થઈ રહી હતી. વર્ષોથી હૈયે ધરબી રાખેલો, ખાળી રાખેલો ઉભરો એ ઠાલવી રહી હતી. સમર્પિતાને જાણે એણે આહવાન આપ્યું : ‘બોલો, તમે આમ કરી શક્યા હોત ? પ્રેમની આવી આહુતી આપી શક્યા હોત ? મારી લાચારીને ભીરુતામાં ખપાવી આપે જે ઉપાલંભ મને આપ્યો છે એ સર-આંખો પર પણ આપને ખાતરી આપું છું કે ખૂબ થોડા સમયમાં આપે આપની આ માન્યતા પણ બદલવી પડશે. આ જીવતી લાશે જે સ્વપ્ન સેવ્યું હતું એ સાકાર થઈ ગયું છે. મારા આરાધ્ય દેવ, આપના પતિને જે ઉચ્ચાસને બિરાજેલા જોવા આંખો તરસતી હતી ત્યાં તેઓ પહોંચી ગયા છે. એ વાતનો મને પરમસંતોષ છે. બસ, હવે આ જીવનનો કોઈ મોહ મને રહ્યો નથી. સર્વ વાતે આપ બંનેનું શ્રેય અને પ્રેય વાંછું છું. આવજો, ગુડ બાય.’

… ને અમે કાંઈ બોલીએ, સમજીએ, એને અટકાવીએ એ પહેલાં તો એ સડસડાટ ચાલી ગઈ. અમે બંને નિર્વાક થઈ એને જતી જોઈ રહ્યા. સમર્પિતા રુદન ન ખાળી શકી. પશ્ચાતાપના અશ્રુ એના કપોલને ભીંજવી રહ્યાં. મેં એને ન અટકાવી. કેવળ એની પીઠ પર હાથ પ્રસરાવી એને સાંત્વના આપી રહ્યો. મને એના પતિગૃહ પ્રયાણ વેળા મારા તરફ મંડાયેલી એની નજર યાદ આવી ગઈ. એમાંથી સ્ફૂટ થતા અર્થની અભિવ્યક્તિ આખરે હું પામ્યો ખરો. એની સાથે કેવો ભારે અન્યાય અત્યાર સુધી અમે કરી રહ્યાં હતાં ! અમે બંનેએ સવારે એની ક્ષમા માગવાનો નિશ્ચય કર્યો. અમારી આંખો સવારના સૂરજની પ્રતીક્ષામાં જાગતી જ રહી.

પણ સૂર્યોદય થાય એ પહેલાં તો બહાદરપુર ગામ પર શોકની કાલીમા છવાઈ ગઈ. ખોબલા જેવા ગામમાં હાહાકાર મચી ગયો. ચોરે ચૌટે, શેરીએ, બસ, આ જ ઉદગારો સંભળાતા હતા : ‘હેં ! શું કહો છો ? હોય નહીં !’ હા …..એણે આત્મહત્યા કરી હતી. સમર્પિતાએ એને આપેલા ભીરુતાના ઉપાલંભનો એણે સણસણતો જવાબ આપી દીધો હતો. પોતાની મહાનતાનો, પોતાના ત્યાગનો પરિચય આપી દીધો હતો. અમને અમારી વામનતાનું ભાન કરાવી દીધું હતું.

શું હજીય તમારે એનું નામ જાણવું છે ? પણ હવે એનો શો અર્થ ? એ તો નામશેષ થઈ ગઈ છે.
સોરી, નામ તો નહીં જ કહું.