સાહેબો મારો-સહેલી મારી – પ્રદ્યુમ્ન આચાર્ય

[વિનોદીકા – ‘નવનીત સમર્પણ’ : મે-2008 માંથી સાભાર.]

અમારી સંસ્થા સામાજિક, આર્થિક બાબતોનો અભ્યાસ કરતી સંસ્થા છે. સરકારે અમારી સંસ્થાને એક સામાજિક સર્વેનું કામ સોંપ્યું હતું. સુખી લગ્નજીવનનાં પરિબળો, સમસ્યાઓ, વિચ્છેદ વગેરેની સામાજિક અસર, સાથે સાથે કાયદાકીય રીતે પણ ઉપયોગી થાય તેવા ઉપાયો યોજી શકાય અને તેમાં ઉપયોગી થાય તેવા સર્વે કરવાનું કામ મને સોંપાયું હતું. તે માટે 50 પ્રશ્નોની પ્રશ્નાવલિ તૈયાર કરવામાં આવી હતી. પરિણીત યુગલો પાસે તેનાં ફોર્મ ભરાવવાનાં હતાં. અમને એક ફોર્મ ભરવાના રૂપિયા એકસો પૂરા મહેનતાણા પેટે મળતા હતા. પરંતુ લગ્નજીવન અંગેની લગભગ અંગત કહેવાય તેવી બાબતો જાહેર નહીં કરવાની મનોવૃત્તિને કારણે જોઈએ તેવો પ્રતિભાવ મળતો ન હતો. આથી મેં નવો વિચાર અમલમાં મૂકેલો. સ્ત્રીઓને આકર્ષે, લોભાવે અને ઉપયોગી થાય તેવી વસ્તુઓ જેવી કે વેનિટી બેગ, લિપસ્ટિક, ચાંદલો કરવા માટેની જુદા જુદા કલરવાળી પેટી, નેઈલપોલિશ, નોવેલ્ટીવાળી સાડીની, બકલ, બોરિયા સાથે લેતો જતો અને ફોર્મ ભરાતું જાય તેમ આપતો જતો હતો. આથી અન્ય સર્વેયરો (મોજણીદારો)ની સરખામણીમાં મારું કામ કાંઈક સારું ચાલતું હતું.

આજે અમદાવાદની નદીપારની ‘સુખશાંતિ સોસાયટી’ ના ફલેટમાં દાખલ થયો. જે ફલેટમાં દાખલ થયો, યુગલ સારું શિક્ષણ પામેલું હતું, આનંદથી રહેતાં હતાં તેવી પ્રાથમિક માહિતી મળેલી તે આધારે તેને સર્વેમાં આવરી લેવાનું નક્કી કર્યું હતું. પ્રથમ નાનો રૂમ વટાવી અંદર ડ્રોઈંગરૂમમાં જવા ટકોરા માર્યા. શ્રીમાન છાપું વાંચતા હતા. શ્રીમતી દીવાન પર બેસી શાક સમારતાં હતાં.

ડ્રોઈંગરૂમમાં નમસ્તે કહી દાખલ થયો. મેં કહ્યું : ‘નમસ્તે, હું આદર્શ સમાજ જીવન સંસ્થામાંથી આવું છું. અમારી સંસ્થાએ આદર્શ સુખી લગ્નજીવનનાં પરિબળો અંગે સર્વે હાથ ધર્યો છે. આપ આ માટે આપનો કીમતી સમય ફાળવી શકશો તો આપનો આભારી થઈશ. આ માટે એક પ્રશ્નોત્તરી ફોર્મ તૈયાર કરેલ છે. તે માટે આપનો પ્રતિભાવ જાણવા આપને તકલીફ આપું છું. અને આ કામ અમે કોઈ પાસેથી નિ:શુલ્ક કરાવતા નથી. અમને સહકાર આપવા બદલ નાનીશી કદર પણ કરીએ છીએ.’ એમ કહી ટેબલ પર વેનિટી બેગ મૂકી.

શ્રીમાન કહે : ‘તમારો આભાર, પણ અમારે કોઈ ફોર્મ ભરવું નથી. તમને મદદરૂપ નહીં થઈ શકવા બદલ દિલગીર છીએ. આપણો સમય બગડે નહીં તેથી આ પ્રમાણે કહેવું પડે છે.
શ્રીમતીજી છણકો કરતાં કહે : ‘કોઈ આગંતુક સાથે આ પ્રમાણે વાત થતી હશે ?’ મને કહે, ‘બેસો, હું પાણી લાવું છું.’ ટેબલ પરની વેનિટી બેગ સાથે રસોડામાં લઈ ગયાં. તે પાણી લઈ આવ્યાં. બન્ને એકબીજાની સામે જોઈ રહ્યાં. પછી મને કહે : ‘હા તો મોજણીદારભાઈ, કાઢો તમારાં ફોર્મ. પ્રશ્નો શું છે તે જોઈએ ?’ મેં બેગમાંથી ફોર્મ કાઢ્યાં.
મેં કહ્યું : ‘પહેલો પ્રશ્ન છે કે તમે વ્યવસાય શું કરો છો ?’ હજુ શ્રીમાન કાંઈ જવાબ આપે તે પહેલાં શ્રીમતીજી કૂદી પડ્યાં…. ‘હા લખો, ભારત સરકારના પોસ્ટલ ડિપાર્ટમેન્ટને યથાશક્તિ મદદ કરવાનું !’
મેં કહ્યું : ‘હું કાંઈ સમજ્યો નહીં.’
તેઓ કહે : ‘તે લેખક છે તેવું તે પોતે કહે છે. ઢગલાબંધ લેખો લખે છે અને ઢગલાબંધ લેખો સાભાર પરત આવે છે. તે માટે વપરાતી પોસ્ટની ટિકિટોનું મોટું યોગદાન છે. ભારત સરકાર ‘પરમ લેખપરત વીર’ નો ખિતાબ આપવાનું વિચારે છે.’
હવે શ્રીમાનનો વળતા પ્રહારનો વારો હતો ! ‘તમારા વ્યવસાયની જ વાત કરો ને ? તમારો એક જ વ્યવસાય છે. કોઈના ઘર તોડવાનો. કેટલાક કોન્ટ્રાક્ટર મકાન તોડે છે. તમે તો લોકોનાં હર્યાંભર્યાં ઘર તોડો છો. લોકોની કૂથલીને સમાજસેવા કહો છો. ચાર ચોટલાના કામની જવાબદારી એકલાં સંભાળો છો. તમને તો ‘પરમકૂથલી વીરાંગના’ ઈલકાબ આપવો જોઈએ. ઘર તોડવાવાળી ટીવીસિરિયલોના નિર્માતા સુદ્ધાં સલાહ લેવા આવે છે.’
શ્રીમતી તાડૂકી ઊઠ્યાં : ‘ખબરદાર, મોં સંભાળીને બોલજો. તમારી જેમ અમે ઘુવડ જેવું મોઢું આખો દિવસ છાપામાં નથી ખોસી રાખતા. આખો દિવસ ચા પીધા કરવી, કૂંડાળાં છાપા પર, ચોપડી પર પડવાનાં છે ?’
શ્રીમાન કહે : ‘અમારું મોઢું ઘુવડ જેવું છે તો તમારું મોઢું સડેલા સીતાફળની છાલ જેવું છે.’
શ્રીમતીજીકહે : ‘આમ બીજાની રૂબરૂ ઉતારી પાડતાં શરમ નથી આવતી ?’
શ્રીમાન કહે : ‘પણ પહેલાં મને ઘુવડ જેવા છો તેમ કહેતાં વિચાર કર્યો હતો ?’

મને થયું જો આમ ને આમ વાર્તાલાપ ચાલુ રહેશે તો ફોર્મ ફોર્મને ઠેકાણે રહેશે અને બન્નેને છૂટાં પાડવાનું મુશ્કેલ બની જશે. આથી વાત બીજે વાળવા કહ્યું : ‘સારું, સારું, વિગતો હું ભરી લઈશ. આપણે બીજો પ્રશ્ન લઈએ.’ પ્રશ્ન : તમે પ્રેમલગ્ન કરેલ કે મા-બાપે ગોઠવેલું ?’
શ્રીમતીજી ફરી તરત કૂદી પડ્યાં : ‘આમ તો બન્ને કહેવાય. સ્નેહલગ્ન હતું. પરંતુ મા-બાપે ગોઠવી આપેલું. પણ પૂછો એને કદી સાચો પ્રેમ કર્યો છે ? એમણે તો બસ ચોપડીઓ સાથે લગ્ન કરેલાં છે. મારી તો ઘરમાં કોડીની પણ કિંમત નથી. લગ્ન કરીને હું તો ફસાઈ ગઈ છું.’
શ્રીમાન કહે : ‘ફસાઈ તો હું ગયો છું. માથામાં વેણી નાખી ચટકમટક ચાલથી હું હૈયાફૂટો ભોળવાઈ ગયો. હવે હું તેની સજા ભોગવું છું. લગ્ન કર્યા પછી થયું તેનામાં શું હતું પ્રેમ કરવા જેવું ? એકલે હાથે તાળી ન પડે એટલું પણ તે સમજતી નથી.’
શ્રીમતીજીએ તેનો જવાબ વાળતાં કહ્યું : ‘મારા ઘર પાસે રાતદિવસ કોણ ફીલ્ડિંગ ભરતું હતું ? મારા માટે તો સારાં સારાં ઘરનાં માગાં આવતાં હતાં, પણ મારાં નસીબ જ ફૂટેલાં કે આ મારા લમણે લખાયા.’
શ્રીમાન તાડૂકી ઊઠ્યા : ‘બસ કર, જૂઠને પણ હદ હોય છે. નોટબુક લેવાને બહાને કોણ મારા ઘરે આંટાફેરા કરતું હતું ? હું તો કહું છું સારાં સારાં ઘરનાં માગાં આવતાં તે બધાં બચી ગયાં અને હું ફસાઈ ગયો છું. મારો કોઈ ઉગારો દેખાતો નથી.’

મેં કહ્યું : ‘બસ, બાકીની વિગતો હું ભરી લઈશ. હવે આપણે તે પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે પત્નીને પતિ ઘરકામમાં મદદ કરે છે ? પત્ની, પતિને તેના કામમાં મદદ કરે છે ?
શ્રીમતીજીએ પૂછ્યું : ‘આ સુખી દામ્પત્ય જીવનનો સર્વે છે કે ઘર તોડવાનો, ઘર ભાંગવાનો સર્વે છે ?’
પ્રશ્નથી હું થોડો ડઘાઈ ગયો. પૂછ્યું : ‘કેમ પૂછવું પડ્યું ?’
શ્રીમતીજી કહે : ‘ત્યારે શું આવો પ્રશ્ન જ લગ્નજીવન ભાંગવા માટે પર્યાપ્ત છે.’ તેઓ આગળ બોલ્યા : ‘અમારા એ ઘરકામમાં મદદ કરવાની વાત કરે ને મને બી.પી. વધી જાય છે. માએ કોઈ કેળવણી આપી જ નથી. તે ઘરકામમાં મદદ ન કરે તો જ મારું ઘર ટકશે.’
શ્રીમાન કહે : ‘બેસ, બેસ તારા કામમાં જ કોઈ વેતા નથી. તારી માએ તને કાંઈ શીખવાડ્યું જ નથી. અમારી તબિયતના ભોગે, અમારા ઘરે આવીને રસોઈ શીખી છે. હિટલર છે, હિટલર ! ઘરમાં સરમુખત્યારની જેમ જ વર્તે છે. વાત વાતમાં ટોક્યા કરે છે. રસોડામાં તો બીજા કોઈને પેસવા જ દેતી નથી.’
શ્રીમતીજી ગરમ થઈ ગયાં. ઊંચા અવાજે બોલવા લાગ્યાં : ‘તમારામાં કાંઈ કોઈ વેતા બળ્યા છે. આખો દિવસ હીંચકે બેસી ચા માટેના ઓર્ડર છોડવા સિવાય બીજું કાંઈ કામ કરતા નથી. ઓડનું ચોડ કરવામાં એક્કા છે. આખી દુનિયા તેને છેતરી જાય તો પણ તેને ખબર પડતી નથી. પસ્તીવાળો પણ છેતરી જાય છે. મારાં નસીબ જ ફૂટેલાં છે. મોડિયો ઉતારીને ઘરમાં પગ દીધો ત્યારથી કઠણાઈ બેસી છે.’ અને પાલવથી આંસુ લૂછવા માંડ્યાં.
શ્રીમાન કહે : ‘નાટક બંધ કર. હા અમે ભોળા છીએ. દુનિયા અમને છેતરી જાય છે બસ ? અને તારાં મા-બાપ પણ મને છેતરી ગયાં છે. કોઈ વસ્તુ આઘી-પાછી મૂકવી હોય તો પણ તારી રજા જોઈએ. આ ઘર તારી એકલીનું નથી. મારી કમાણી પર ઘર ચાલે છે સમજી ? પણ મારો તો એકડો જ કાઢી નાખ્યો છે.’
શ્રીમતીજી : ‘તમે કમાઓ છો પણ ઘરનો બોજો તો મારે જ વેંઢારવાનોને ? કોઈ દી બે સારાં વેણ કહ્યાં છે ?’

મને થયું આ યુગલ વિશે માહિતી મળેતી તે જ ભૂલભરેલી હોય તેમ લાગ્યું. પણ હવે શરૂ કર્યું છે તો પૂરું જ કરીએ તેમ માની બીજો આગળનો પ્રશ્ન ઉઠાવતાં કહ્યું : ‘સારું, સારું હવે આપણે આગળનો પ્રશ્ન ઉઠાવીએ. પ્રશ્ન છે કે તમારાં સાસુ-સસરા આવે ત્યારે કેવું વર્તન કરવામાં આવે છે ?
(અ) ખરા હૃદયથી આવકાર આપો છો ? તેઓ આવે તે તમને ગમે છે ?
(બ) જલદી જલદી રવાના થઈ જાય તેવાં કામ/વર્તન કરો છો ? (ક) તમે બહારગામ જતાં રહો છો ?
(ડ) સાસુ-સસરાને કામ બતાવી બહાર જતાં રહો છો ?
આ વખતે શ્રીમાન કૂદી પડ્યા : ‘પૂછો પૂછો એને મારાં મા-બાપ આવે તે તેને ક્યારેય ગમ્યું છે ? આવે તે દિવસથી તેને રવાના કરવાના કારસા કરવા માંડે છે.’
શ્રીમતી છણકો કરતાં બોલ્યાં : ‘ક્યાંથી ગમે ? મા-બાપ રહ્યાં ગામડિયાં. સવારમાં દાતણ કરતાં તેના કૂચાથી ઘર બગાડી મૂકે છે. હોક…..હોક…. કરી આખી સોસાયટી માથે લે છે. સોસાયટીમાં મારે મોઢું બતાવવા જેવું રહેતું નથી. અને ડોશી તો બજરથી આખું ઘર ગંધવી મૂકે છે. એને પણ પૂછો મારાં મા-બાપ આવે તે તેને ગમે છે !’
શ્રીમાન કહે : ‘ક્યાંથી ગમે ? બાપા આખો દિવસ ટેલિફોન પર ઘાંટા પાડી ઘર ગજવી મૂકે છે. આવે છે ત્યારે આખું શેરબજાર સાથે લેતા આવે છે. અને ડોશી આખો દી ઘંટડી વગાડ્યા કરે છે. ઠાકોરજીને પ્રસાદી ધરેલ દૂધનો લોટો જાતે એકલાં ગટગટાવી જાય છે. પ્રસાદી માટે જ પૂજા કરે છે. માએ દીકરીને બસ એક વસ્તુ શીખવી છે – બીજાનું ગમે તે થાય, આપણું આપણે ધ્યાન રાખવું.’ ત્યાં તો શ્રીમતીજી ઊભા થઈ ગયાં : ‘ખબરદાર મારાં મા-બાપ વિશે જેમ તેમ બોલ્યા છો તો ?’
શ્રીમાન બોલ્યા : ‘મારાં મા-બાપ વિશે બોલતાં કાંઈ વિચાર કર્યો હતો ? કાયમ મને જ વાંકમાં રાખે છે, શરૂઆત તો તેં જ કરી હતી. એમ કહેને સાચા શબ્દો સહન થતા નથી. પણ સાંભળી લે, હવે હું સહન કરવાનો નથી. રહેવું હોય તો રહે અને પોસાતું ન હોય તો ઘરના દરવાજા ખુલ્લા છે…..’
ત્યાં તો શ્રીમતીજી બરાડી ઊઠ્યાં : ‘હું શેની જાઉં, ઘર તો મારું પણ છે. કાયમ કોઈ રીતે મને કાઢવાનું જ વિચારો છો. કોક સગલીને લાવવી છે, મને બધી ખબર છે. પણ તમે પણ સાંભળી લો. ઘર મારું છે. તમારે જવું હોય ત્યાં જઈ શકો છો. પણ હું સાચું કહેવાની, કહેવાની અને કહેવાની…’

મને થયું વાતનું વતેસર થઈ ગયું છે. હવે તો મને મૂંઝવણ થવા લાગી. ઝઘડો પરાકાષ્ઠાએ પહોંચી ગયો હતો. હવે પ્રશ્નોત્તરીના પ્રશ્નો પૂછવાનું નકામું છે. અર્થ વિનાનું છે. આથી ધીમેથી મેં કહ્યું : ‘માફ કરો આપણે પછી નિરાંતે મળીશું. મારા કારણે આપને કોઈ તકલીફ પડી હોય તો ક્ષમા માગું છું.’ એમ કહી કાગળો ભેગા કરી ઊભો થઈ બહાર નીકળી ગયો. બન્ને જોતાં જ રહી ગયાં.

બહાર ગયા પછી થોડેક દૂર જતાં યાદ આવ્યું કે કેટલાક કાગળો ભૂલી ગયો છું. જેવી મેં બારણું ખોલી, અંદરના રૂમમાંથી ડ્રોઈંગરૂમમાં નજર કરી તો હું અવાક થઈ ગયો ! બન્ને આનંદથી કિલકિલાટ કરતાં શરબતના ગ્લાસ હાથમાં લઈને બેઠાં હતાં.
શ્રીમાન બોલ્યા : ‘બબૂચકને કેવો મૂર્ખ બનાવ્યો ! પણ તારી અભિનયશક્તિને દાદ દેવી પડે.’
શ્રીમતીજી કહે : ‘આખરે હું પત્ની કોની છું, જે જન્મજાત કલાકાર છે.’ બન્ને મોટેથી ખુલ્લા દિલે હસી પડ્યાં.
શ્રીમાન બોલ્યા : ‘પણ હું તો કહું છું સુખી દામ્પત્ય જીવન કે લગ્નજીવન આમ કાંઈ જગતના ચોકમાં જાહેરમાં ધજાગરો બાંધવાની વાત છે ? લગ્ન તો પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને સમાદરથી જોડાયેલું એક પવિત્ર બંધન છે, સંસ્કાર છે. આવો સર્વે અને આવી પ્રશ્નોત્તરી તૈયાર કરનારે કોઈ વિચાર કર્યો લાગતો નથી.’
શ્રીમતીજી કહે : ‘પ્રેમગલી અતિ સાંકડી તા મે દો ન સમાય. આ સર્વેની માહિતી એકત્ર કરતાં એવું લાગે છે કે પતિપત્નીને સંભવિત ઝઘડાની જાણ નથી, તેનું જાણે શિક્ષણ આપવામાં આવે છે. પણ હું આપણાં દેવસમાન મા-બાપ વિશે જેમ તેમ બોલી ગઈ. આવાં મા-બાપના પગ ધોઈ પાણી પીએ તો બધાં પાપ બળી જાય.’
શ્રીમાન બોલ્યા : ‘મેં પણ તારાં બા-બાપુજી વિશે કેવા નબળા શબ્દો વાપર્યાં હતાં ? પણ તે દેવસમાન મા-બાપના પુત્રરત્ન વિશે કાંઈ કહેવાનું નથી ?’
શ્રીમતી કહે : ‘તે તો મારો સાહ્યબો છે, સાહ્યબો મારો ગુલાબનો છોડ.’
શ્રીમાન : ‘સહેલી મારી નમણી નાગરવેલ.’
શ્રીમતી : ‘સાહ્યબો મારો ગહેકતો મોર.’
શ્રીમાન : ‘સહેલી મારી ઢળકંતી ઢેલ.’

આખું ઘર આનંદથી ભરાઈ ગયું. બીજે દિવસે મેં ઑફિસમાં જઈને સર્વેયરનું રાજીનામું આપી દીધું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નામ તો નહીં જ કહું – વ્રજેશ આર. વાળંદ
ઝંઝાવાત – યશવંત કડીકર Next »   

16 પ્રતિભાવો : સાહેબો મારો-સહેલી મારી – પ્રદ્યુમ્ન આચાર્ય

 1. ArpitaShyamal says:

  Really good story…maja avi gayi…:-)

 2. ભાવના શુક્લ says:

  સર્વેયરનુ રાજીનામુ ખુબ ગમ્યુ!! સંસારની સમસ્યાઓના સર્વે કરવાના શુ હોય! એ પરસ્પરની સમજણતો પ્રાણી માત્ર મા હોય છે..પેલી ચકા ને ચકીની વાર્તા જેવુ…. અને જો સમજણ ના હોય તો એ જીવજંતુ સમાન જીવનના વળી સર્વે કેવા..

 3. એકદમ અલગ કથાનક વાળી વાર્તા ..

  મજાની વાર્તા …

 4. pragnaju says:

  “પણ હું તો કહું છું સુખી દામ્પત્ય જીવન કે લગ્નજીવન આમ કાંઈ જગતના ચોકમાં જાહેરમાં ધજાગરો બાંધવાની વાત છે ? લગ્ન તો પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને સમાદરથી જોડાયેલું એક પવિત્ર બંધન છે, સંસ્કાર છે. આવો સર્વે અને આવી પ્રશ્નોત્તરી તૈયાર કરનારે કોઈ વિચાર કર્યો લાગતો નથી.” આવા દૂધપાકના તપેલામાં કડછાનૂ શૂં કામ?…
  મઝાની વાત થોડી આગળ –
  हिज्र में मिलने शबे-माह के ग़म आये हैं
  चारासाज़ों को भी बुलवाओ के कुछ रात कटे ।।
  कोहे-ग़म और गरां और गरां और गरां
  गमज़ा-ओ-तेश को चमकाओ के कुछ रात कटे ।।

 5. ranjan pandya says:

  અરે યાર મ–ઝા આવી ગઈ,શ્રીમાન અને શ્રીમતીની સાથે સાથે હું તો તણાઈ જ ગઈ—-!!!!

 6. kamal says:

  this very funy but realestc story.

 7. aarti patel says:

  very funny and very interesting story

 8. Darshan says:

  ખરેખર મજા નિ સ્તોરિ ચે………

 9. nayan panchal says:

  idea સારી છે. ટેલિ-માર્કેટીંગવાળાના ફોન આવે તો આવુ જ કંઇક કરવા જેવુ ખરુ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.