ઝંઝાવાત – યશવંત કડીકર

[ દાંપત્યજીવનના વિવિધ પાસાઓ પર આધારિત ટૂંકી વાર્તાઓના પુસ્તક ‘ઝંઝાવાત’ માંથી બે વાર્તાઓ સાભાર.]

[1] માણસના જીવનમાં સૌથી સુખી ઘડી કઈ ?

zanzavatએક દિવસ જમી લીધા પછી કબાટમાંથી કોઈ પુસ્તક કાઢીને વાંચવાનું હું વિચારતો હતો. ત્યાં સુરભી આવી પહોંચી. મને થયું : ‘આ લપ ક્યાંથી આવી ?’ એટલે એને જોઈને જ મેં કહ્યું : ‘સુરભી ! કબાટમાંથી જરા બામની શીશી લાવને !’ સમજી ગઈ. બોલી ‘ભાઈ, આજે હું તમને હેરાન નહીં કરું. એક મહત્વની વાતમાં તમારો મત જાણવા આવી છું.’

તેના મોં પરની ગંભીરતા જોઈ મને મારા શબ્દો માટે પસ્તાવો થયો. એણે કહ્યું : ‘લ્યો, આ કાગળ ને ચાર-પાંચ લીટીમાં હું જે સવાલ પૂછું તેનો જવાબ લખી આપો. મારો સવાલ છે : ‘માણસના જીવનમાં સૌથી સુખની ઘડી કઈ ?’ એના એ પ્રશ્નથી મને નવાઈ લાગી. મેં કહ્યું : ‘બહેન, જે પ્રશ્નોનો ઉત્તર આપતાં મોટા-મોટા તત્વજ્ઞાનીઓ પણ મૂંઝાઈ જાય છે. એ પ્રશ્નોનો ઉત્તર તું મારી કનેથી માંગે છે ? ગાંડી કંઈની-મારાથી તારા સવાલનો જવાબ નહિ અપાય.’
એણે કહ્યું, ‘મારે તત્વજ્ઞાનીઓના જવાબ જેવો જવાબ નથી જોઈતો. મારે તો તમારા જેવાઓના જ જવાબ જોઈએ છે. તમને સૂઝે તેવો જવાબ લખી આપો.’ મને મૂંઝાતો જોઈ જરા વારે કહ્યું, ‘અત્યારે નહીં તો કાલે, પરમ દિવસે, તમે કહો ત્યારે આવું.’ એની આંખમાંની આજીજી પામી જતાં હું ના ન પાડી શક્યો. મેં કહ્યું : ‘ઠીક રાખતી જા, કાલ આવજે.’

તે દિવસે બપોરે હું ખૂબ કામમાં હોવાથી એનો પ્રશ્ન વિચારી શકાયો નહીં. પણ તે સાંજે એક પછી એક બનાવો એવા બન્યા કે સુરભીના પ્રશ્નનો જવાબ આપવો જ એમ મને લાગ્યું. મારા ઓળખીતા એક ધનવાન મિત્રને ત્યાં કંઈક કામસર તે દિવસે મારે જવું પડ્યું. મિત્ર ઘેર નહોતા પણ એમનાં પત્ની ચિંતાતુર ચહેરે બેઠાં હતાં, ‘નવા ડોક્ટર છે ને એમના ત્યાં હઠ કરીને મેં જ મોકલ્યા છે !’
‘કેમ ?’ મેં પૂછ્યું.
‘એક પછી એક ઉપાધિઓ આવતી જ જાય છે ! સોસાયટીમાં અમારો બંગલો છે ! ત્યાં ચોકી કરવા પઠાણ રાખેલો. તે ચોરી કરીને નાસી ગયો ! એ પંચાત મટી ત્યાં ઈન્કમટેક્ષનો કેસ થયો. થોડાક દિવસથી તો એમને ઊંઘેય આવતી નથી કે જમવાની રૂચિ નથી. એટલે જ મેં ડોક્ટરને ત્યાં મોકલ્યા કે તેમની દવાથી કંઈક આરામ થાય.’

હું ત્યાંથી થોડી વાર રહીને ગયો. અને ઘેર જવા બસ પકડી. બસમાં મારો એક જૂનો મિત્ર મને મળી ગયો. હડતાલનું જોર કેવું વધતું જાય છે. તેનું તે વર્ણન કરવા લાગ્યો. એ વખતે એની આંખો ઊંડી ઊતરી ગઈ હતી, ને દાઢી ખૂબ વધી ગઈ હતી. મેં કહ્યું : ‘તારી આંખો કેટલી ઊંડી ઊતરી ગઈ છે ? તને શું થયું છે ?’
એણે કહ્યું : ‘હું તો મજામાં છું. આંખો ઊંડી ઊતરી ગઈ છે કે ઊપસી આવી છે એ તો હું જાણતો નથી ને દાઢી કરાવવા પૈસા ખિસ્સામાં હોય તો ને ?’ એટલામાં તેને ઊતરવાનું સ્ટેન્ડ આવી જતાં મારી જોડે હસ્તધૂનન કરી લ્હેરથી સીટી વગાડતો તે ઊતરી ગયો.

એક પછી એક બનેલા આ બનાવોથી મને નવાઈ લાગી. પોતાનું સુખ વધારવા જનતાને છેતરીને ધન ભેગું કરતો મારો પેલો મિત્ર સુખી થવાને બદલે ચિંતાતુર અને દુ:ખી હતો. મારે બસમાં મળેલા આ મિત્ર એમ.એ. પાસ થયા પછી ચાલીને આવેલી મોટા પગારની નોકરીને લાત મારી દલિત જનતા કોઈ દિવસ સ્વતંત્ર અને સુખી થશે એવા ધ્યેયથી પોતાના સુખની લેશ પણ પરવા કર્યા વગર અર્ધ ભૂખ્યો રહી આમતેમ રખડતો હોવા છતાં આનંદમાં અને સુખી હતો ! આ વિશે વિચારતો વિચારતો હું ઘેર આવ્યો. ત્યાં વળી ત્રીજો બનાવ બન્યો. મીણબત્તીના શીતળ પ્રકાશમાં વાંચવું મને ખૂબ ગમે છે ! એટલે ખુરશી પર ઊભો થઈ અભરાઈ પર મીણબત્તી હોય તો હું શોધવા માંડ્યો. એક મીણબત્તી સાવ બળી ગયેલી હતી. ત્યારે બીજી એક મીણબત્તી કેટલાય દિવસ થયા અભરાઈ પર ધૂળ ખાતી પડી રહી હોવાથી કીડીઓ, વંદાઓએ તેને કોરી ખાઈને તેને સાવ નકામી બનાવી દીધી હતી.

અને મને સુરભીના પ્રશ્નનો જવાબ મળી ગયો. મેં તરત જ લખી નાખ્યું : ‘એ જ સુખની ઘડી ! જાતને માટે જીવ્યા તે મરી ગયા, પારકા માટે જીવ્યા તે જ જીવ્યા !’ પછી મારી ગેરહાજરીમાં આવીને સુરભી પેલો જવાબ લખેલો પત્ર લઈ ગઈ. થોડા દિવસ પછી એના બાપુજી એક પત્ર લઈને મારી પાસે આવ્યા અને કહ્યું : ‘ભાઈ, સુરભી ક્યાંક ચાલી ગઈ છે અને આ પત્ર મૂકતી ગઈ છે !’
‘બાપુજી, મેં નિર્ણય લઈ લીધો છે કે લગ્ન નહીં કરું અને કસ્તુરબા સેવાશ્રમમાં ચાલી જઈશ અને દીન-દુખિયાંની સેવા કરીશ.’ અને મને જાણે કોઈ ઝંઝાવાતે ઘેરી લીધો.

.

[2] પતિની મિત્ર : પત્નીની સમસ્યા

‘પપ્પા હજુ નથી આવ્યા, બહાર કેટલી ઠંડી છે બાપ રે ?’ પાંચ વર્ષનો આલોક ધ્રુજારી અનુભવતો બોલ્યો.
સીમા પણ પુસ્તક બંધ કરતાં બોલી : ‘શું પપ્પાને ઠંડી નથી લાગતી, મમ્મી ?’
ઘડિયાળ તરફ જોતાં માધવીએ કહ્યું : ‘ચાલો, તમને બંનેને જમવાનું આપી દઉં.’

સવારનો ઑફિસ ગયેલો મયંક હજુ આવ્યો ન હતો. છેલ્લા એક વર્ષથી આ પ્રમાણે ચાલતું હતું. મયંક રાત્રે દસ વાગ્યા પહેલાં ઘરે આવતો ન હતો. માધવીના બધા પ્રશ્નોનો એની પાસે એક જ જવાબ હતો : ‘જ્યારથી મને પ્રમોશન મળ્યું છે, ઑફિસમાં કામ એટલું બધું વધી ગયું છે કે સાંજે ઘરે આવવું મુશ્કેલ છે. ફાઈલો પતાવતાં જ રાત પડી જાય છે.’
માધવીએ કહ્યું : ‘ – બધી ઑફિસો તો પાંચ વાગે બંધ થાય છે.’
‘તો શું હું જૂઠું બોલું છું ? હોદ્દો વધે છે, હાથ નીચેનાઓ પાસે કામ લેવા માટે જાતે પણ ખૂબ કામ કરવું પડે છે.’ માધવી શું કહે ? ઑફિસે જઈ એણે જોયું તો નહોતું. મયંક જે કહે એ એણે માનવું જ રહ્યું. ઘરની બધી જ જવાબદારી માધવી પર હતી. મયંકની મદદની તો કોઈ આશા જ નહોતી. બાળકોને ભણાવવાં, એમને તૈયાર કરી નિશાળ મોકલવાં, બધાં કામ એને જાતે જ કરવાં પડતાં. મયંક રાત્રે મોડો આવતો ત્યાં સુધીમાં બાળકો સૂઈ જતાં અને સવારે મયંક ઊઠે એ પહેલાં જ માધવી એમને શાળાએ જવા બસ સ્ટેન્ડ પર મૂકી આવતી.

માધવીએ બાળકોને જમાડીને સૂવરાવી દીધાં અને પોતે મન મનાવવા એક જૂનું માસિક લઈને વાંચવા બેઠી. પાનાં ફેરવતાં એને ઉદાસીનતા વધી રહી. રાત્રે લગભગ દસ વાગ્યે મયંક આવ્યો. માધવીએ બારણું ખોલતાં વિવશતાથી કહ્યું : ‘ખૂબ જ મોડું થઈ ગયું આજે તો, શું પિક્ચર જોવા ગયા હતા ?’
મયંકે કંઈ જવાબ ન આપ્યો. ફરી માધવીએ પૂછ્યું : ‘જમવાનું પીરસું ?’
‘ના, હું જમીને આવ્યો છું.’
‘ક્યાં જમ્યા ?’
‘રમેશના બાબાનો જન્મ-દિવસ હતો. ઑફિસમાંથી મને એ આગ્રહ કરીને લઈ ગયો. ત્યાંથી જમીને સીધો આવું છું.’ મયંક કપડાં બદલીને સીધો પલંગ પર જઈને સૂઈ ગયો. થોડી વારમાં તો એનાં નસકોરાં બોલવા લાગ્યાં. માધવીથી નિ:સાસો નંખાઈ ગયો. એણે લાઈટ બંધ કરી, એ ખાધા વિના જ પથારીમાં જઈને સૂઈ ગઈ. ખૂબ જ હોંશથી આજે એણે ‘પુલાવ’ બનાવ્યો હતો. બજારમાં હજુ વટાણા હમણાં જ આવવાની શરૂઆત થઈ હતી. મયંકની પસંદગીની આ વાનગી હતી એટલે એણે ખૂબ મોંઘા વટાણા લાવીને પુલાવ બનાવ્યો હતો. મયંકે એ પણ ના પૂછ્યું કે તેં ખાધું કે નહીં ? આ અપમાનથી એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. મોડી રાત સુધી એ પાસાં ઘસતી રહી.

માધવીએ સવારમાં જ મયંકને કહી દીધું કે, ‘આજે સાંજે વિનોદભાઈને ત્યાં લગ્નમાં જવાનું છે. જરા વહેલા આવજો.’ તે સાંજે તૈયાર થઈને બેસી રહી. ઘડિયાળ જોતી રહી. સાત, સાડા સાત – આઠ થયા પણ મયંકનો પત્તો જ ન હતો અને અંતે એકલા જ જવું પડ્યું. વિનોદભાઈએ એમને જોતાં જ પૂછ્યું :
‘ભાભી એકલાં કેમ ? મયંકભાઈ નથી આવ્યા ?’
‘હજુ ઓફિસમાંથી નથી આવ્યા. અત્યાર સુધી રાહ જોઈ અંતે થાકીને એકલી જ આવી.’
‘હું….’ વિનોદભાઈ ગંભીર બની ગયા. ‘જુઓ ભાભી, ખોટું ન લાગે તો એક વાત કહું.’ માધવીને તરત જ શંકા પડી ગઈ કે શું હશે ?
વિનોદભાઈએ ધીમેથી કહ્યું : ‘મયંકભાઈ પર જરા ધ્યાન રાખ્યા કરો. આટલું મોડું બહાર રહેવું તે બરાબર નથી.’
‘હું શું કરું ? કહે છે કે ઑફિસમાં ખૂબ જ કામ હોય છે.’
‘ખોટી વાત છે. તે અમારી ઑફિસની એક ટાઈપીસ્ટ છોકરી રજની મહેતાના ચક્કરમાં છે. એ બન્નેને ઘણી વાર અમે સાથે ફરતાં જોયાં છે. હવે તો લોકો ઑફિસમાં વાતો કરે છે.’

માધવી કંપી ઊઠી. આ કારણે મયંક મોડો આવે છે અને તે ત્યાંથી ઊઠીને ઘેર આવી. તે મનોમન જ વલોવાઈ રહી. બીજા દિવસે મયંકના હાથમાં ચાનો કપ આપતાં માધવીએ કહ્યું : ‘શાક શેનું બનાવું આજે ?’
‘જેનું બનાવવું હોય તેનું બનાવ’ છાપાના પાના ફેરવતાં મયંકે કહ્યું : ‘મને શું પૂછે છે ?’
‘આજે રજનીને જમવા બોલાવી છે એ માટે પૂછું છું.’
‘શું, રજનીને ?’ મયંકને જાણે વીંછીએ ડંખ દીધો હોય, ‘રજનીને શા માટે બોલાવી છે ?’
‘આજે રવિવાર છે ને ? વિચાર્યું કે બધાં સાથે જમીશું પછી પિક્ચર જોઈશું.’
‘પણ એમાં રજનીનું શું કામ હતું ?’
‘જો એને ન બોલાવું તો કોઈને કોઈ બહાને તમે બહાર એની પાસે જાત, એના કરતાં મને થયું કે એને જ અહીં બોલાવી લઉં.’ માધવી ખંધુ હસી.
‘તું આ શું કહે છે માધવી ? મારે ને એને શું ?’ મયંક કંઈક મૂંઝાયેલો જણાતો હતો.
‘તમારે એને કંઈ નહિ પણ જરા ‘બોલકી’ છે એટલે ‘કંપની’ રહેશે.’
‘તને કોણે કહ્યું કે એ બોલકી છે ?’ મયંકે કહ્યું.
‘સાંભળ્યું છે કે એમની સાથે હરવું-ફરવું બહુ ગમે. એ જો એવી સારી હોય તો એની ‘કંપની’ નો લાભ મને….’
‘તું જાતે ગઈ હતી એને કહેવા ?’
‘ના, વિનોદભાઈ સાથે કહેવડાવેલું ને એણે આવવાની હા પણ પાડી છે.’

મયંકને થયું કે રજની સામે પોતાને ઉતારી પાડવા માટે જ માધવીએ આમ કર્યું હશે. પણ એવું ન બન્યું. માધવી તો રજની સાથે ખૂબ જ ખુલ્લા મને વાતો કરી રહી હતી. રજની પણ ખુશ હતી. એ મયંક કરતાં માધવી સાથે વધુ વાતો કરી રહી હતી. મયંક તો આ બંનેને વાતો કરતાં જોઈ જ રહ્યો. રાત્રે રજની જવા લાગી તો માધવીએ કહ્યું : ‘આમ કેમ એકલી જાય છે. હું તને મૂકવા આવું છું. એ બહાને તારું ઘર પણ જોવા મળશે.’ બધા સાથે ગયા. ઘરે આવતાં રજની રિક્ષામાંથી ઊતરી એટલે માધવીએ કહ્યું : ‘આવતા રવિવારે ફરી આવીશ ને ?’
ઘરે પહોંચતાં મયંકે કહ્યું : ‘રજનીને અહીં વારેવારે બોલાવવાની શી જરૂર છે ?’
‘ઘર મારું પણ છે. હું ગમે તેમ કરું. તમને ઑફિસના કામથી ફુરસદ જ ક્યાં મળે છે ?’

મયંક ભોંઠો જ પડી ગયો. રજની અવારનવાર આવતી રહી. માધવી સાથે એ એવી ભળી ગઈ કે મયંક સાથે બહાર ભટકવા કરતાં એ માધવી સાથે ઘરમાં વધુ રહેવા લાગી. મયંક હેરાનપરેશાન હતો. તે રજનીને એકાંતમાં મળીને બધું કહી દેવા માંગતો હતો, પણ રજની એને મોકો જ નહોતી આપતી. આખરે એક દિવસે મયંકે રજનીને રસ્તામાં જ આંતરી. એ એને એક હોટલમાં લઈ ગયો. ચાનો ઘૂંટ ભરતાં જ મયંકે પૂછી નાંખ્યું : ‘તને શું થયું છે ? મારાથી દૂર કેમ ભાગે છે ?’
‘મયંકભાઈ’ રજનીએ કહ્યું, ‘મારી આંખો ખૂલી ગઈ છે. મારી સ્થિતિ હું સારી રીતે સમજું છું.’
‘શો મતલબ ?’
‘મતલબ તો સ્પષ્ટ છે. જીવનની સાર્થકતા પતંગની જેમ હવામાં ઊડવામાં નહિ, પરંતુ ધરતીની મર્યાદા સાથે જોડાઈ રહેવામાં છે. હું હવે વધુ હવામાં ઊડવા નથી ઈચ્છતી. ઘણું ઊડી લીધું….’ અને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાહેબો મારો-સહેલી મારી – પ્રદ્યુમ્ન આચાર્ય
આધુનિક કે પછાત ? – અરુણા જાડેજા Next »   

22 પ્રતિભાવો : ઝંઝાવાત – યશવંત કડીકર

 1. Mahendi says:

  both stories are nice but second is totally differant than all other stories i like the way madhavi used, that’s the spirit nice keep it up

 2. Naresh Dholakiya says:

  Second story is fantastic! Madhavi adopted new way to experiment out of conventional way of crying ot taking revenge. Madhavi diplomatically handeled the situation and Rajani realized her role in Mayank life.

  Bravo! Madhavi, Society need role model like you. We frequetly see in soap opera the mean ways adopted by wife to handle second woman problem with loads of unbelivable tacties.

 3. sujata says:

  Each story has different meaning and diffferent lesson……..keep it up !

 4. jawaharlal nanda says:

  સરસ ચોતદાર અન્ત સાથે ઉપદેશક વાર્તા !!

 5. Jayshree says:

  સરસ વાર્તા. મઝા આવી.

 6. ArpitaShyamal says:

  Both stories are fabulous and touchy!!!!

 7. ભાવના શુક્લ says:

  અમેઝીંગ!!!! માધવીનુ પાત્ર!!!! સ્ત્રી હોવા તરીકેની એકપણ નબળાઈને શરણે ગયા વગર કે સ્ત્રીની મહાનતા ને સહનશીલતના દરેક મિથ્યા ભાર ને વાળી ઝુડી ફેકી દઈ ને પછી નરી (માનવ હોવાના ગુમાનથી) સાહજીકતાથી પતિના જીવનમા પ્રવેશતા (આમ તો પતંગીયા પતિ…પોતેજ લપેટાતા હોય. અમુકવાર તો માત્ર સ્ટેટસસીમ્બોલ કે આડંબરને ખાતર) અન્ય સ્ત્રી પાત્રને સાચે રસ્તે દોરવી જનારી માધવીનુ પાત્ર દરેક સ્ત્રી ને માટે આંગળી ચીંધનારૂ છે!!
  બ્રેવો માધવી!!!

 8. સુરભિનું પાત્ર તો પ્રત્યક્ષ જોવા મળી આવે … પણ માધવીનું પાત્ર … !! કદાચ હજી સુધી એણે વાસ્તવિક જન્મ નથી લીધો … !! પણ જો એણે કલમથી જન્મ લઈ લીધો છે તો કોઇ દિવસ તો કુખેથી જન્મ જરૂર લેશે !! …
  જોવાની વાત એ કે શું રજનીનું પાત્ર એ જ સમયે વાસ્તવિક જન્મ લઈને ઉપસ્થિત થશે ?? !!!

 9. maulin shah says:

  Very difficult to understand such kind of topics!

  but an excellant story. This is called extraordinary people with extraordinary thoughts.

 10. Hiral Thaker "Vasantiful" says:

  બન્ને વાતો ખુબ જ સરસ છે. સાચુ સમજાય પછી સારુ જ થાય છે.

 11. Hardik Bhatt says:

  About second story,

  I dont know up to what extent this can happen in realistic life, anyway good story.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.