જૂની ગુજરાતી રંગભૂમિ – રતિલાલ સાં. નાયક

[આજે 1લી મે ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે આપણે ‘જૂની ગુજરાતી રંગભૂમિ’ના નાટકો અને તેમના કલાકારોની નાટ્યકલાનું સ્મરણ કરીને ગુજરાતની અસ્મિતાનું એક અલગ અંદાજથી દર્શન કરીએ. સૌને આ દિવસની શુભકામનાઓ સાથે જય જય ગરવી ગુજરાત….. – તંત્રી.]

natakરણછોડભાઈ ઉદયરામ દવેને જૂની રંગભૂમિનાં નાટકોના પ્રથમ લેખક માનવામાં આવે છે. પારસીઓ પાસેથી એમણે હવાલો લઈ શુદ્ધ ગુજરાતી રંગભૂમિ શરૂ કરી. એમણે અન્ય શિક્ષક સાથીદારો સાથે મળી સ્થાપેલી નાટક મંડળી તે ‘ગુજરાતી નાટક મંડળી (ઈ.સ 1878)’. અગાઉ સને 1874-75માં ગુજરાતી ભાષામાં નાટકો ભજવવાના ઉદ્દેશથી કેખશરૂ કાબરજી અને રણછોડભાઈ ઉદયરામ દવે વગેરેએ સ્થાપેલી ‘નાટક ઉત્તેજક મંડળી’ એ રણછોડભાઈ દવેએ સને 1871માં લખેલું ‘હરિશ્ચંદ્ર’ નાટક 1876માં ભજવ્યું હતું. ગાંધીજીની ‘આત્મકથા’માં એમણે જે ‘હરિશ્ચંદ્ર’ નાટક જોયાનો ઉલ્લેખ છે તે આ જ નાટક હતું.

રણછોડભાઈ દવેએ સને 1865થી 1875સુધીમાં લખેલા પાંચ નાટકો ભજવ્યાં હતાં. એમાં એમને કીર્તિ મળી એ તો એક ‘હરિશ્ચંદ્ર’ નાટક દ્વારા અને બીજા ‘લલિતા દુ:ખદર્શક’ નાટક દ્વારા. સને 1857માં કોલકતા, મુંબઈ ને ચેન્નાઈ યુનિવર્સિટીઓ સ્થપાઈ ત્યારે છાપખાનાં અસ્તિત્વમાં આવ્યાં હતાં અને આપણી માતૃભાષા થોડાક પાદરીઓ અને બીજાનાં લખાણથી ખેડાઈ હતી. ગુજરાતી રંગભૂમિના ઉદય માટે આ શુભ શુકન હતા. મુંબઈની રંગભૂમિ સાથે પારસી ગુજરાતીઓ જોડાયા; બીજી તરફ સૌરાષ્ટ્રમાં ઝાલાવાડના બ્રાહ્મણો આગળ આવ્યા. તેમણે સને 1878માં શ્રી આર્ય સુબોધ નાટક મંડળી સ્થાપી અને વાઘજી આશારામ અને મૂળજી આશારામ ઓઝા કંપની માલિક બન્યા. વાઘજીભાઈ ઓઝાએ નાટક લખ્યું ‘ભરથરીનો ખેલ’. સને 1880માં ‘ભર્તૃહરિ’ નામથી એ ભજવાયું. સને 1881થી 1883નાં વર્ષોમાં આ ‘આર્ય સુબોધ નાટક મંડળી’ એ ભૂજ, રાજકોટ, અમદાવાદ, વીસનગર, સુરત વગેરેમાં પ્રવાસ કરી નાટકો ભજવ્યાં.

આ મંડળીએ કવિ ચિત્રકાર ફૂલચંદ માસ્તર પાસે ‘મહાસતી અનસૂયા’ (સને 1908) લેખાવી અને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પાસે ‘બુદ્ધદેવ’ (સને 1919) લખાવી ભજવ્યાં. આ મંડળીના ‘ચંદ્રહાસ’ નાટકનો એક ગરબો ખૂબ પ્રસિદ્ધિ પામ્યો હતો :

વટસાવિત્રી વ્રત આજ પૂરણ કરીએ રે;
થશે પૂજન વડનું આજ સહિયર સંગે રે !

આ જ ગાળાની નોંધપાત્ર મંડળી તે ‘વાંકાનેર વિદ્યાવર્ધક નાટક મંડળી’, ‘દ્વારકા નૌતમ નાટક મંડળી’, ‘હળવદ સત્યું સુબોધ નાટક મંડળી’ વગેરે. ‘વાંકાનેર નાટક મંડળી’ નું ‘નરસિંહ મહેતા’ નાટક ભારે ખ્યાતિ પામ્યું હતું. નાના ત્રયંબકે એમાં નરસિંહનું પાત્ર ભજવી કેદાર રાગ ગાતી વેળા ભારે અસર ઉપજાવી હતી. ઈ.સ. 1878 થી 1889 સુધીમાં સાત નાટક મંડળીઓ અસ્તિત્વમાં આવી હતી. ‘આર્ય નૈતિક નાટક સમાજ’(1915 થી 1950), ‘નાટક ઉત્તેજક મંડળી’ (1912 થી 1946), ‘શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ’ (1917 થી 1946), ‘શ્રી રોયલ નાટક સમાજ’ (1914 થી 1929), ‘શ્રી વાંકાનેર આર્ય હિતવર્ધક નાટક સમાજ’ (1889 થી 1927), ‘શ્રી દેશી નાટક સમાજ’ (1889 થી 1980) અને ‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ (1889 થી 1949).

‘શ્રી વાંકાનેર આર્ય હિતવર્ધક નાટક સમાજ’ ની સ્થાપના મોટા ત્ર્યંબક (ત્ર્યંબકલાલ દેવશંકર રાવલ) અને નાના ત્ર્યંબક (ત્ર્યંબકલાલ રામચંદ્ર ત્રવાડી) દ્વારા થવા પામી હતી. આ કંપનીને લેખક તરીકે કવિ નથુરામ સુંદરજી મળ્યા હતા. કવિ નથુરામ સુંદરજી શુક્લનું નાટક દિવાળી નિમિત્તે ‘નરસિંહ મહેતા’ (સને 1905) આ કંપનીનું અવ્વલ દરજ્જાનું નાટક બની રહ્યું. પછી ઐતિહાસિક નાટક ‘શૂરવીર શિવાજી’ રજૂ કર્યું હતું. એ પણ એટલી જ પ્રસિદ્ધિને વર્યું હતું. ‘શ્રી દેશી નાટક સમાજ’ એવી કંપની રહી કે જે ખૂબ લાંબુ જીવી ગઈ. ડાહ્યાભાઈ ધોળશાજીએ (1867 થી 1902) આ કંપનીનું મંગળાચરણ કરેલું. ડાહ્યાભાઈની રચના આજેય પ્રસિદ્ધ છે.

નાટક દુનિયાનું દર્પણ રૂડું ગુણદોષ જોવાનું;
ખાંતેથી જોઈ જોઈ બોધ લઈ દિલડાનું દુખ ખોવાનું.
જ્યાં સુંદર મનહર ગાણું રસભરેલ રૂડું ભાણું.
ભલે મૂરખડા ભસી મરે કે ધિંગ-ધિંગાણું નાટક.
ઘડીક હસાવે, ઘડીક રડાવે બધ્ધે બોધ બતાવે.
લે જેને મન જે ભાવે જ્યમ માર્યું ત્રાંબું ખાવે.

(‘સતી પાર્વતી’ : 1906)

આ ‘દેશી નાટક કંપની’ નું અધ્યાપક કેશવલાલ શિવરામે રચેલું ‘સંગીત લીલાવતી નાટક’ (સને 1889) નાટક ભજવાતું જોઈ એમની પાસેથી ડાહ્યાભાઈ ધોળશાજીએ આ કંપની લીધી હતી. ગુજરાતી રંગભૂમિને પાકું થિયેટર ડાહ્યાભાઈ ઝવેરીએ આ કંપની દ્વારા સંપડાવ્યું. ડાહ્યાભાઈ કંપની માલિક તો ઠીક શિક્ષક મટી લેખક પણ થયા હતા. બધાં મળીને 24 નાટકો તેમણે લખ્યાં ને ભજવ્યાં છે. એમના ‘અશ્રુમતી’ નાટકનું ગીત ‘શું નટવર વસંત થૈ થૈ નાચી રહ્યો’ એટલું તો લોકપ્રિય નીવડેલું કે ગરબારૂપે ગુજરતનાં ઘણાં સ્થળોએ ગવાતું. ડાહ્યાભાઈએ આ કંપની દ્વારા જ ભજવેલું પોતાનું ‘વીણાવેલી’ (સને 1889) પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. એમાંનો ‘ઉગ્યો સખી સૃષ્ટિનો શણગાર ચાલ ચાલ જોવાને ચંદ્રમા’ ગરબો તો હજુય એની લોકપ્રિયતા ટકાવી રહ્યો છે.

‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ (1889 થી 1949) ખંભાતના છોટાલાલ મૂળચંદ પટેલ અને દયાશંકર વસનજી ગિરનારાએ શરૂ કરેલી. નરોત્તમ મહેતાજીની ‘શ્રી ગુજરાતી નાટક મંડળી’ ખરીદી લઈને તેની આગળ ‘મુંબઈ’ ઉમેરીને આ નામે ‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ સ્થાપવામાં આવેલી. આ નાટક મંડળીના શુભેચ્છક હતા નડિયાદના ગોવર્ધનરામ ત્રિપાઠી અને મણિલાલ નભુભાઈ દ્વિવેદી. મણિલાલ નભુભાઈનું ‘કાન્તા’ નાટક આ મંડળીએ ‘કુલીન કાન્તા’ નામથી 1889માં ભજવ્યું હતું. તે પછી સને 1899માં મૂળશંકર મુલાણીનું ‘અજબ કુમારી’ ભજવ્યું. ગોવર્ધનરામને આ પ્રયોગ ગમ્યો અને આ લેખકને બીજાં નાટક લખવા કહ્યું. મુળશંકર મૂલાણી (1868 થી 1957) એ પછી ‘સૌભાગ્ય સુંદરી’ (1901), ‘કૃષ્ણ ચરિત્ર’ (1912), ‘દેવકન્યા’ (1904), ‘જુગલ જુગારી’ (1902) વગેરે નાટક લખ્યાં. એમાંના ‘સૌભાગ્ય સુંદરી’ નાટકને ગજબનાક લોકપ્રિયતા મળી અને જયશંકર ભોજકને આ નાટકના મુખ્ય સ્ત્રી પાત્ર ‘સુંદરી’ની ભજવણી બદલ ‘સુંદરી’નું બિરુદ મળ્યું. બાપુલાલ બી. નાયક આ કંપનીમાં જ હતા અને આ જ નાટકના મુખ્ય પુરુષપાત્ર ‘સૌભાગ્ય સિંહ’ના અભિનયથી પ્રેક્ષકોમાં ઝળક્યા હતા. બાપુલાલ બી. નાયક એક એવા અભિનેતા અને દિગ્દર્શક હતા જે સારીયે જિંદગી આ કંપનીને વળગી રહ્યા હતા. અને કેટલાય વખત પછી આ કંપનીના માલિક પણ બન્યા હતા. એમણે રમણભાઈ નીલકંઠનું ‘રાઈ નો પર્વત’ ભજવ્યું હતું.

સને 1912માં રંગભૂમિના પ્રસિદ્ધ નાટ્યાકાર છોટાલાલ રૂખદેવ શર્માએ ગોવર્ધનરામની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ને નાટ્યદેહ આપ્યો હતો. ‘મુંબઈ ગુજરાતી નાટ્ય મંડળી’ એ 1912માં આ ‘સરસ્વતીચંદ્ર’ સુરતમાં ભજવ્યું હતું. રંગભૂમિ પર ન આવ્યા હોય તેવા વિષયો લઈ એક એવો લેખક આ વેળા આવ્યો જે હતા નૃસિંહ વિભાકર (સને 1885 થી 1925) અને એમની પહેલી જ રચના હતી ‘સિદ્ધાર્થ બુદ્ધ’ જે મુંબઈની ‘આર્ય નૈતિક નાટક મંડળી’ દ્વારા 1914માં રજૂ થયું પણ લેખકના પ્રગતીશીલ વિચારો ન ઝિલાયા અને પ્રયોગ એ કેવળ પ્રયોગ જ થઈ રહ્યો. એ પછી તેમણે ‘મધુબંસરી’ (1917), ‘મેઘમાલિની’ (1918), ‘સ્નેહ સરિતા’ (1915) નાટકો લખ્યાં અને ‘રંગભૂમિ’ (1927) માસિક પણ શરૂ કર્યું પણ રંગભૂમિની કાયાપલટના કોડ ચરિતાર્થ ન થયા તે ન જ થયા. ‘શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજે’ સને 1924માં પ્રભુલાલ દ્વિવેદીનું ‘માલવપતિ’ ભજવ્યું. એમાં વીસનગરના ત્રિકમ નામના નટને એનું એક પાત્ર ‘સુરભી’ ભજવતાં સારી પ્રસિદ્ધિ મળી અને ‘સુરભિ’ એમનું બિરુદ બની ગયું. એ પછી ‘પૃથ્વીરાજ’માં ‘સંયુક્તા’ ‘સિરાજુદૌલા’ માં ‘લુત્ફુન્નિસા’ ના પાત્ર ભજવ્યાં. ત્યારબાદ પ્રભુલાલ દ્વિવેદીના ‘સંસાર સાગર’ માં નીચેનું ગીત અને એમનો અભિનય વખણાયાં.

જવાની રાતે રિસાઈ બેઠા
મળવા ગઈ તો કહે કે ઊંહું.
પૂછ્યું મેં : ‘છે કંઈ ગુનો અમારો ?’
કહો ને કંઈ ? તો કહે કે ઊંહું !

પ્રભુલાલ દ્વિવેદી (1882-1962)નું સને 1924માં ‘લક્ષ્મીકાન્ત’ ને પડદે રજૂ થયેલું આ ‘માલવપતિ મુંજ’ નાટક એક બીજા નટને પણ ચમકાવી ગયું. આ નટ તે અશરફખાન. ‘માલવપતિ મુંજ’ નો એમનો અભિનય અને એમના દર્દીલા ઘૂંટાયેલા ગળેથી નીપજેલાં નીચેનાં ગીતો આજેય અવિસ્મરણીય રહ્યાં છે :

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી;
એથી જ શાણા સાહ્યબી લેશ ફુલાતા નથી.
ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા તેને નથી;
એ જ શૂરા જે મુસીબત જોઈ મુંઝાતા નથી.

હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે;
ન પરવા માનની તોયે બધાં સન્માન ઓછાં છે.
તરી જાવું બહુ સહેલું છે મુશકીલ ડૂબવું જેમાં
એ નિર્મળ રસ સરિતાથી ગંગાસ્નાન ઓછા છે.

અશરફખાનની સાથોસાથ એક એવી જ અવ્વલ ગાયકીવાળા નટ સંગીતસમ્રાટ ભગવાનદાસ આવ્યા. ભગવાનદાસ ‘દેશી નાટક સમાજ’માં પ્રભુલાલ દ્વિવેદી લિખિત ‘સત્તાનો મદ’ નાટકમાં ‘પતંજલિ’ની ભૂમિકાથી લોકપ્રિય બન્યા હતા. અશરફખાન પણ આ વેળા ‘દેશી નાટક’માં હતા અને ભગવાનદાસની સામે બૃહદથતા પાત્રમાં હતા. સામસામે વીંગમાંથી એક તરફથી ભગવાનદાસ અને બીજી તરફથી અશરફી ગાતા ગાતા આવતા :

તું ચેત મુસાફર વહી જશે, સમય ઘડી કે બે ઘડી;
એ મસ્તી મનમાં રહી જશે, છે સમય ઘડી કે બે ઘડી
છે આંખ છતાં કાં અંધ બને લઈ દીવો હાથ કાં કૂવે પડે ?
અભિમાન અશ્વ પર ચડી ચડી, છે સમય ઘડી બે ઘડી.

આ ગાળામાં ‘શ્રી રોયલ નાટક મંડળી’ (1919-1929) ‘ભૂલનો ભોગ’ (1921), ‘સોનેરી જાળ’, ‘કોનો વાંક’, ‘ભાગ્યોદય’ જેવાં નૂતન નાટક કવિ જામન પાસેથી મળ્યાં. કવિ જામનની ગણના બંડખોર કલમવાળા લેખક તરીકે થઈ. રંગભૂમિ ઉપર એમણે દ્વિઅંકી નાટકો આપવાનો નવો ચીલો પાડ્યો – અલબત્ત એ દીર્ધકાળ ન ટક્યો. અમદાવાદમાં ‘આર્ય નૈતિક’ અને મુંબઈમાં ‘દેશી નાટક સમાજ’ ઠીક ઠીક સારા નરસા દહાડા જોતાં આગળ વધતાં રહ્યાં. સુરત અને વડોદરા પણ તૂટક છૂટક નાટક જોતાં રહ્યાં. ‘લક્ષ્મીકાન્ત’ અને ‘મુંબઈ ગુજરાતી’ અવાર નવાર વડોદરા- સૂરતને લાભ આપતાં રહ્યાં.

આ ગાળામાં પ્રાણસુખ એડીપોલો (1887-1955) એક પ્રસિદ્ધ નટ તરીકે બહાર આવ્યા. એમની સરખામણી મૂક ચલચિત્રોના મશહૂર અભિનેતા એડીપોલો સાથે અને આ ‘એડીપોલો’ નામાભિધાન પણ એ અભિનેતાના નામ પરથી થયું હતું. ‘ઉમા-દેવડી’ માં ‘ગાંડિયા’ ની ભૂમિકા ભજવી ‘સનેડો સનેડો શું કરે ને નદીએ નાવા જાય, નાતાં ને ધોતાં ન આવડે રે એ તો ગારામાં ગોથાં ખાય’ ગાઈને લોકપ્રિય બન્યા હતા. ખલનાયકની ભૂમિકાઓ એ ઉત્તમ ભજવતા. ‘સરસ્વતીચંદ્ર’ ની એમની શઠરાયની ભૂમિકા વખણાઈ હતી. અન્ય ખલનાયકોની અદ્દલ ભજવણી કરનારાઓમાં હતા માસ્ટર શનિ (1885-1961) સિંહનાદી કલાકાર. તેઓ ‘દેશી નાટક’માં હતા અને કંપની વડોદરા નાટક ભજવવા આવી હતી ત્યારે ત્યાં એક સરકસ આવેલું. એના ઉપરી ગોરાએ Hello Sonny કહી બિરદાવ્યા ત્યારથી તે ‘મગનલાલ’ મટી ‘શનિ’ બની ગયા હતા. શનિ માસ્ટર પછી ‘આર્ય નૈતિક નાટક સમાજ’ માં હતા અને ત્યારે એમાં ઊંઢાઈના મા. પ્રહલાદ (1902-1934) પણ એક મશહૂર અભિનેતા તરીકે બહાર આવ્યા હતા. નાની વયમાં ગુજરી જનાર આ કલાકારે ‘સમ્રાટ હર્ષ’માં ‘કલ્યાણી’ ની ભૂમિકા એવી તો અજોડ અભિનયથી ભજવી હતી કે તેમનું નામ જ ‘પ્રહલાદ કલ્યાણી’ પડી ગયું હતું. જૂની રંગભૂમિની એક વિશેષતા એટલે બેતબાજી. હર્ષના પાત્રમાં મા. શનિ બેતબાજીમાં કહેતા :

દેખાવ બદલ્યે દુર્જનોના દાવ બદલાતા નથી,
સમય બદલે છતાં સ્વભાવ બદલાતા નથી.

જ્યારે શંશાંકદેવના પાત્રમાં મોહનલાલ જવાબ આપતા :

વાજિંત્રના ઉસ્તાદના કંઈ તાલ બદલાતા નથી.
સિંહ કેરી મૂછના કંઈ બાલ બદલાતા નથી.
સર્પ છૂટ્યા પછી એના ખ્યાલ બદલાતા નથી.
અમે બદલાશું અમારા હાલ બદલાતા નથી.

અને ‘કલ્યાણી’ના પાત્રમાં મા. પ્રહલાદ પતિને ફિટકારતાં કહેતા :

પત્ની તણો છે ન્યાય, સામે પતિનો અન્યાય છે,
સ્ત્રીને મળે સન્માન ત્યાં નિંદા પતિની થાય છે.
તમારી અપકીર્તિમાં ઈજ્જત અમારી જાય છે.
તમે શરમાતા નથી પણ આ ચૂડીઓ શરમાય છે.

મૂળચંદમામા, પ્રમાશંકર ‘રમણી’, વિઠ્ઠલદાસ ડાયરેક્ટર, હિંમતભાઈ મીર, મા. વસંત, મા. ગોરધન, ચંપકલાલા, મૂળજી ખુશાલ, કાસમભાઈ મીર વગેરે નામો જૂની રંગભૂમિની યશકલગીનાં છે. પ્રહસન વિભાગનાં આણંદજી ‘કાઠિયાવાડી કબૂતર’, માં. પ્રાણસુખ ‘તેતર’ (નવી રંગભૂમિમાં ‘મિથ્થાભિમાન’ નાટકના જીવરામ ભટ્ટ), છગન રોમિયો, મા. શિવલાલ કોમિક ‘નયનાજી’, અલીદાદન, કેશવલાલ ‘કપાતર’ પણ એવાં જ યાદગાર ભૂમિકા ભજવી જનારાંનાં નામો છે. આણંદજી ‘કાઠિયાવાડી કબૂતર’ નું ‘ઝટ જાઓ ચંદનહાર લાવો’ ગીત તથા ‘કેમ કરી પાણીડાં ભરાય રે ભમરિયાં કૂવાને કાંઠડે’ ને એવાં કંઈ ગીત યાદગાર સંભારણાં બની રહ્યાં અને અભિનેત્રીઓને પણ કેમ ભુલાય ? મોતીબાઈ, મુન્નીબાઈ, હીરાબાઈ, સરસ્વતીબાઈ, કમળાબાઈ કર્ણાટકી, દુલારી, શાલિની, રૂપકમલ, રામપ્યારી, અરુણા ઈરાની, રાણી પ્રેમલતા એવાં નામો છે જે જલદી નહિ વીસરાય. મોતીબાઈના કંઠથી ગવાતું ગીત :

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
જોતી’તી વ્હાલાની વાટ રે, અલબેલા કાજે ઉગાશે;
પગલે પગલે એના ભણકારા વાગતા,
અંતરમાં અમથા ઉચાટ રે…… અલબેલા કાજે..
બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં
વેરણ હીંડોળાખાટ રે… અલબેલા કાજે..
ઘેરાતી આંખડી ને દીધા સોગન મેં
મટકું માર્યું તો તારી વાત રે….. અલબેલા કાજે..
આજના તો જાગરણે આતમા જગાડ્યો,
જાણે ઊભી હું ગંગાને ઘાટ રે…… અલબેલા કાજે..

કેવા કેવા હતા આ નાટકો અને ગીતોના લેખકો ? ડાહ્યાભાઈ ધોળશાજી, રઘુનાથ બ્રહ્મભટ્ટ, પ્રભુલાલ દ્વિવેદી, મણિલાલ ‘પાગલ’, જીવણલાલ બ્રહ્મભટ્ટ, પ્રફુલ્લ દેસાઈ, મનસ્વી પ્રાંતિજવાળા, કવિ ત્રાપજકર, જી.એ. વૈરાટી, મુળશંકર મુલાણી, કવિચિત્રકાર ફૂલચંદભાઈ શાહ, બેરિસ્ટર નૃસિંહ વિભાકર, કવિ જામન એમને સહેજે નહિ ભૂલી શકાય. ‘શ્રી દેશી નાટક સમાજ’ નાં ‘વડીલોના વાંકે’, ‘સંપત્તિ માટે’, ‘સંતાનોના વાંકે’, વગેરે નાટકો ખૂબ યશસ્વી નીવડ્યાં તે આવા લેખકોને કારણે. પ્રભુલાલ દ્વિવેદી છેલ્લે છેલ્લે ખૂબ પ્રશંસાયા. પરમાનંદ ત્રાપજકર (જન્મ 1902) પણ પી.જી. ગાંધીની કંપની ‘લક્ષ્મીકાન્ત’ માટે ‘વીરપસલી’ લખીને એવા તો જૂની રંગભૂમિનું સંભારણું બની રહ્યા કે અમદાવાદથી વડોદરા ‘વીરપસલી’ જોવા સ્પેશિયલ ટ્રેન દોડાવાતી. ‘આર્ય નૈતિક’ નું ‘પૈસો બોલે છે’ અને ‘લક્ષ્મીકાન્ત’નું ‘વીરપસલી’ છેલ્લાં બેનમૂન નાટકો બની રહ્યાં.

‘ભાંગવાડી ભાંગ્યું’ (1979-80)થી એક ઊંડો નિ:શ્વાસ પણ મૂકવો પડે એવી રંગભૂમિની દશા થઈ. ‘શ્રી દેશી નાટક સમાજ’ ની કારકિર્દી રોળાતી ગઈ અને એણે મરણતોલ પ્રયત્નો કર્યા પણ યારી ન મળી. ‘માસ્ટર ફૂલમણિ’ નાટક ભાંગવાડીને ભાંગ્યે 30 વર્ષ પછી મુંબઈના ‘પૃથ્વી થિયેટર’ પર ભજવાયું. આ જૂની ગુજરાતી રંગભૂમિના અસ્તાચળ ગમનથી ગુજરાતને શું મળ્યું એ લેખાંજોખાંની વેળા આવી.

ડૉ. દિનકર ભોજક એમના એક પુસ્તકમાં ઊંડા નિ:શ્વાસ સાથે નોંધે છે : ‘ગુજરાતી રંગભૂમિએ પોતાની ઓળખ ઊભી કરી આપી. એક ચહેરો, એક બિબું, એક ઢાળ, એક શૈલી, એક પ્રણાલીનું સર્જન કરી આપ્યું જેમાં ગુજરાતની અસ્મિતા ઘણે અંશે ઝિલાઈ છે.’ ‘જૂની ગુજરાતી રંગભૂમિએ શું આપ્યું ?’ તો કહી શકાય કે, જેમાં ધબકતું ગુજરાત અને ગુજરાતીપણું હોય, આઝાદીની ચળવળ હોય, રાષ્ટ્રપ્રેમ હોય, ઉત્તમ ચરિત્ર હોય એવું ઘણું બધું રંગભૂમિએ આપ્યું છે, પોષ્યું છે. સમગ્ર ગુજરાતને નાટ્ય માનસ આપ્યું, વિશાળ પ્રેક્ષકવર્ગ આપ્યો. જનમનરંજનનું દાપું ચૂકવ્યું. સંસ્કાર અને સંસ્કૃતિક્ષેત્રે એક કીર્તિસ્થંભ રોપ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આધુનિક કે પછાત ? – અરુણા જાડેજા
શ્રીમતીજીનો હુકમ – અનિલ વાઘેલા Next »   

8 પ્રતિભાવો : જૂની ગુજરાતી રંગભૂમિ – રતિલાલ સાં. નાયક

 1. girish valand says:

  deshi natak samaj na somanath.d. nayak. no kyaye ullekh kem nathi.

 2. સરસ….સુંદર આલેખન
  મને યાદ છે મારા નાના મને કહેતા કે તેમના વખતમાં લોકો નાટકો ને આજના હીટ હિન્દી ફિલ્મો થી વધારે ચાહતા, મારા નાનાજી એ લખેલુ નાટક જે હજી સુધી કદી પ્રસિધ્ધ નથી થયુ તે વાંચી મને ખૂબ જ મજા પડી, આવી બીજી ઘણી સ્ક્રીપ્ટસ મને મોસાળમાં વાંચવા મળી છે…..દરેક પંક્તિ કે દરેક વાક્ય કેટલા ભાવનાસભર હતા તે તો જેણે એ નાટકો માણ્યા છે એ જ જાણે…

  By the way …ગુજરાત દિવસની સૌને શુભકામનાઓ

  મારા બ્લોગ પર પણ આજે આ માટેની જ પોસ્ટ કરી છે…

 3. VB says:

  વાહ મ્રુગેશભાઈ, ગુજરાત રાજ્ય સ્થાપના દિનની અલગ અંદાજમાં ઉજવણી.

 4. અતુલ જાની (આગંતુક) says:

  આજે ગુજરાત રાજ્ય સ્થાપના દિને ગુજરાતી રંગભુમીના જુના નાટકીય રંગો માણવાની મજા પડી.

 5. ભાવના શુક્લ says:

  ગુજરાત દિને અત્યંત્ય રસપ્રદ ગુજરાતી રંગભુમી વિશે માહીતિ…
  તંત્રીશ્રીનો આભાર

 6. pragnaju says:

  ખૂબ મઝાના ગુજરાતી રંગભુમીના જુના નાટકોની મધુરી યાદ તાજી કરવા બદલ ધન્યવાદ્

 7. Bhajman Nanavaty says:

  જૂની રંગભૂમિની જાહોજલાલી વાંચી આનંદ થયો. સાથે હ્રદયમાં શૂળ પણ ઊઠ્યું. આ સુવર્ણકાળ ફક્ત ઈતિહાસના પાનાંઓમાં જ પડ્્યો રહ્યો છે. બાળપણમાં સાવરકુંડલામાં મહેશ ટોકીઝમાં ‘વડિલોન વાંકે’ ‘રાજા ભરથરી’ વ. નાટકો જોયાનું યાદ છે. અર્વાચીન રંગભૂમિના આછકલાં અને છીછરાં નાટકો જોઈને દુખ થાય છે. સ્વર્ગસ્થ ચં. ચી. મહેતા અને સર્વશ્રી જયંતી દલાલ કે નિમેશ દેસાઇ જેવા વિરલાઓ ગુજરાતી રંગભૂમિને ટકાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા/છે. ટીવી અને સીનેમાની અસર હોય કે પછી ભજવવા લાયક નાટકો નથી લખાતાં કે લોકોનો રસ ઊડી ગયો, કારણ ગમેતે હોય આજકાલ ગુજરાતમાં સારાં નાટકો જૂજ જોવા મળે છે. મુંબઇમા I.N.T. જેવી થોડી સંસ્થાઓ જેમતેમ ટકી રહી છે. અહીં ગુજરતમાં રંગભૂમિને કાટ લાગી ગયો છે. નવાઇની વાત એ છે કે મરાઠી રંગભૂમિ હજી જીવંત છે. ખૂબ સરસ અભ્યાસપૂર્ણ લેખ બદલ અભિનંદન !

 8. manvantpatel says:

  જૂની રઁગભૂમિનાઁ ગેીતોનો સઁગ્રહ ક્યાઁથી
  મેળવી શકાય ,તે જણાવવા કૃપા કરશો ?
  મુ.શ્રી.રતિલાલ નાયક અને મૃગેશભાઇનો
  અત્યત આભાર..આવા તલસ્પર્શી લેખ બદલ !
  મારા મિત્રના પિતાશ્રી લાલજી નઁદાનુઁ સ્મરણ થયુઁ.
  (‘વીરપસલી’ અને ‘નવજવાન’જોયેલાઁ યાદ આવ્યાઁ !).

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.