શ્રીમતીજીનો હુકમ – અનિલ વાઘેલા

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

‘હર્ષદભાઈને ત્યાં જઉં છું.’ કહી જવા જ નીકળતો હતો ને ‘ઊભા રો… જતા નહીં, કામ છે.’ નો હુકમ મળ્યો. સાંભળતાં જ પગ જમીન સાથે જડાઈ ગયા.
‘કેમ શું કામ છે ?’ મેં પૂછ્યું.
પણ એ તો કશો જ જવાબ આપ્યા વગર બાથરૂમમાં જતી રહી. એણે કહેવું તો જોઈએને કે કૃણાલનું કામ છે… આમ, શબ્દેય બોલ્યા વગર જતું રહેવાનું ? એ હવે અડધા કલાકે નીકળશે, ત્યાં સુધી મારે એની ખડે પગે રાહ જોયા કરવાની ? આ પણ કેવી સ્ત્રી છે… બસ મોઢું સજ્જડ કરીને વાત અધ્ધર રાખીને અંદર જતી રહે છે. બારણા બંધ કરીને એ તો અલોપ થઈ ગઈ પણ મને તો શંકાના જાળમાં નાખી દીધો.

સાલું એવું તે શું કામ હશે ? ને તે પણ કારણ અધ્ધર રાખીને જતી રહી ! સહેજ અમથી ચોખવટ કરી નાખી હોત કે ‘ઊભા રો, કૃણાલની વસ્તુ લાવવાની છે….’ તો શું બગડી જવાનું હતું એનું ? તો મારા જીવનેય શાંતિ રહેત. પણ મોઢાની તંગ રેખાઓ પરથી વાત કંઈ એટલી સીધી સાદી હોય એમ લાગતું નથી. કંઈક ગંભીર છે એટલું તો ચોક્કસ. મન એવી ગડભાંજમાં પડી ગયું ! શું હશે ? મારા વિષે એને કશું કહેવાનું હશે ? કંઈ ગલતી થઈ હશે મારાથી ? કદાચ છોકરાંની ગેરહાજરી જોઈને જ આ સમય એણે સાધ્યો હશે, એવું જ હોય તો તો કંઈક ભારે વાત જ હોવી જોઈએ, નહીં તો કદી આમ અધ્યાહાર રાખે નહીં. મને તો મનમાં બીકેય પેસી ગઈ, કદાચ કોઈની સાથે વાત કરતાં મને જોઈ ગઈ હોય ને વાતનું વતેસર કરી નાખ્યું હોય કે પછી કોકે મારા વિષે એના મનમાં કંઈક ભંભેરણી કરી હોય. શું હશે ? જે હોય તે, પણ કંઈક તો છે જ.

પણ આણે તો ખરી ગડમથલમાં નાંખી દીધો. હવે એ ક્યારે નીકળશે ને મને જાણવા મળશે. કંઈક ગંભીર વાત જ લાગે છે. હમણાં હમણાં તો મારા પર વહેમાયેલી જ રહે છે. ગમે એટલો એની આગળ નિર્દોષ ઠેરવવા જઉં છું પણ એને કશી વાતે સંતોષ જ થતો નથી. કદાચ એવું બને કે તે દિવસે જયાબહેન એક અંગ્રેજી કાગળ વંચાવવા મારી પાસે આવેલાં, એ વાતે એને શંકાશીલ બનાવી દીધી હોય કે કોઈ હિતેચ્છુએ મરીમસાલો નાખીને બરાબર ચાવી ચઢાવી હોય કે…. ‘અરુણભાઈ એકલા ઘરમાં હતા ને જયાબહેન ઘરમાં ગયા હતાં તે અડધાકલાકે નીકળ્યાં, તું લી બહાર જાય છે પણ તારા ઘેર શું થાય છે એની ખબર રાખે છે ?’ એવું એવું કહ્યું હોય વળી….. ચોક્કસ કંઈક આવું જ હોવું જોઈએ. ને હમણાં હમણાંનાં એ બંનેએ બહેનપણાં પણ બાંધ્યાં છે. એટલે સૌની નજર એ બહેન પર વધુ મંડાયેલી રહે છે. તે આમેય એ સોસાયટીમાં ગવાયેલાં જ છે. એ પોતાને બહુ ફોર્વર્ડ માને છે. ગમે તે પુરુષ સાથે વાતો કરવા લાગી જાય છે. આવો અનુભવ બધાને થયો હશે એટલે બધાં એમની અવરજવર ઈંતેજારીથી જૂએ છે.

પણ હું આવું કેમ વિચારું છું ? કંઈક સારી વાત પણ એને કહેવાની હોય તે હું ખોટો વહેમમાં પડી ગયો હોઉં. કેમ કંઈ મારામાં કશું સારું જ નહીં હોય ? બાથરૂમ જવાની જલ્દી હોય એટલે વાત કરવા કેવી રીતે રોકાય ? બે મિનિટ પછી વાત તો કરવાની જ હતી ને ! તે એમાં એણે શું ખોટું કર્યું છે, હું ધીરજ ના ધરતો હોઉં એમાં બિચારી એનો શો વાંક ? ને મોઢા પરની તંગ રેખાઓ તો મારા મનનું પ્રતિબિંબ પણ હોય. ના, ના, એવું કંઈ ગંભીર નહીં હોય ને જયાબહેન સાથે કદાચ વાત કરતાં જોઈ ગઈ હોય તેથી ય શું ! વાત તો થાય ને ? માણસ છીએ, પણ આ બાઈનું ઠેકાણું નહીં. અમથી અમથીય નથી વહેમાતી મારી પર ? શાકભાજી ખરીદીને ‘એ’ આવતી હતી ને મધુબહેન એને મળ્યાં હતાં. તે કેટલીયે વાર સુધી ગૂસપૂસ ચાલી હતી, નહીં તો આમ દરરોજ ભેગાં નથી અથડાતાં ? એટલી બધી તે શી વાતો હશે ? આ મધુબહેન પણ મારા જેવાં સીધાં માણસ પર કાદવ ઉછાળે એ શોભે એમને ? પણ એ વાત કરતાં હતાં ત્યારે શીલા ડોકું હલાવ્યા કરતી હતી એટલે ચોક્કસ મગજમાં મસાલો ભરીને આવી હશે ને એટલે જ કશું બોલ્યા વગર સીધી રસોડામાં જતી રહી. તે વખતે તો એવો વહેમ નહોતો ગયો, પણ હવે ખ્યાલ આવે છે, મામલો ક્યાં સુધી પહોંચ્યો છે ! માણસના મગજમાં કેવાં જંતુઓ ભરાઈ જાય છે ? બજારમાં જવા જ નીકળતો હતો ને જાણે હું નાસી જવાનો હોઉં એમ મને જતો જ રોકી પાડ્યો. ખલાસ, હવે દલીલો, ઉલટતપાસ ને સાક્ષી પુરાવા – લાંબુ જ પારાયણ ચાલવાનું. હવે બચાવ કરીશ તો ય એને લૂલો જ લાગવાનો. પરસેવો છૂટી જવાનો. હું સાચું જ કારણ આપીશ કે એક અંગ્રેજીમાં લખાણ હતું તે વાંચવામાં ને સમજણ પાડવામાં થોડું મોડું તો થાય જ ને ! જો એને ગળે ઊતરે તો ઠીક છે.
પણે એ કહેશે, ‘હવે રે’વા દો ને બધાં બહાનાં, તમારા આત્માને શું કરવા છેતરો છો ? તમારાં ચરિતર હું જાણું ને ! સાચું બોલો એ ખરેખર વંચાવવા આવ્યાં હતાં કે પછી….. ને હું ન હોઉં ત્યારે જ એ બહેન કેમ ટપકી પડે છે ?’
‘હા પણ એમને ક્યાંથી ખબર પડી જાય કે હું એકલો ઘરમાં છું ?’
‘બધી જ ખબર પડી જાય એ તો. ચાલાક ચીબરીને તો અંધારામાંય ચોખ્ખું દેખાય.’ પછી કહેશે, ‘હું તે પછી વાંચી અરજી ?’
હું કહું : ‘હા વાંચી આપી. અરજી નહોતી, એમના છોકરાનો ઈન્ટરવ્યૂનો લેટર હતો બિચારાનો.’

હમણાં બહાર નીકળીને ધરતી ગજવશે, પણ હું ય ત્યારે જવાબો આપવા સજાગ જ છું ને ? કોઈ માણસ આપણી પાસે કોઈ મદદ માટે આવે તો શું એને ના પાડવી ? તો પછી ભણેલું શું કામનું ? નીકળે તો ખરી બહાર ! સાંભળ્યા પછી એય ઠંડીગાર થઈ જશે ને પસ્તાવો પણ થશે. તો ય દિલમાં બીક તો રહ્યા જ કરે છે હોં ! એ ધડાકો કરશે તો એની સામે ટક્કર નહીં ઝિલાય આપણાથી. ચોરના પગ કાચા જ હોય. પણ એય મૂરખી નથી ! એણે કશોકેય ફોડ તો પાડવો જોઈએ ને ! થેલી પૈસા વગેરે શોધી તો રખાયને. આમ નાહકનો-વિચારોના દરિયામાં તો ન ધકેલાતને ! પણ સ્ત્રીઓને પુરુષોની સંવેદનશીલતાની સહેજેય ખબર હોતી નથી. આપણા મનની જે સ્થિતિ થવી હોય તે થાય….. મારા પર હવે વધારે વૉચ રાખતી થઈ છે. આમેય એની નજર તો બિલાડી જેવી છે. ઝીણી ઝીણી વિગતોમાંથી મૂળ તંતુને પકડી પાડે ને પછી ધીરે રહીને બોચી પકડે ને સાલું સત્ય જ નીકળે. એટલે આનાથી તો સદા ચેતતા રહેવું જ સારું. આને તો સી.આઈ.ડી.માં જ મૂકી દીધી હોય ને….

જેમ જેમ સમય જાય છે એમ મારાથી રહેવાતું નથી. આટલી વાર તો મારા માટે મોટા પહાડ સરખી બની ગઈ છે. આનાં કરતાં તો શબ્દેય બોલ્યા વગર અંદર ગઈ હોત તો આટલી ફિકર ન રહેત. હવે તો બહાર નીકળે તો કંઈક જાણવા મળે. જે હશે એ હમણાં જણાઈ આવશે, પણ આટલી પળો તો મારા માટે જોખમી પૂરવાર થઈ ગઈ છે એનું શું ? હૃદય તો ધકધક ધબકવા લાગ્યું છે. એણે તો શબ્દો બરાબર ગોઠવી રાખ્યા હશે. આમેય એને કશું ગોઠવવું પડતું નથી. આપોઆપ સરસ્વતી એની જીભે વસી જાય છે. ‘તમે એને મળ્યા હતા ?’ થી શરૂ થાય પણ આટલું વાક્ય તો આપણા હૃદયના ધબકારા વધારી દે. પછી કહેશે : ‘એણે પોતે જ મને તમારી બધી વાત કરી દીધી છે કે તમે લોકો ક્યાં ક્યાં ગયાં હતાં, ફર્યાં હતાં, હોટેલમાં શું ખાધું….’ એટલે પછી આપણે જે હોય તે ઑકી જ નાખવાનું રહે. માહિતી કઢાવવા ન કશો દંડો ઉગામે કે ન બરાડીને બોલવું પડે.

પણ આ જયાબહેનનેય ખોટી ટેવ પડી ગઈ છે. એમનેય પુરુષો સાથે વાતો કરવાનું ગમે છે એટલે પણ ન વહેમાતા હોય એ લોકો પણ વહેમાય. પણ એમાં મારા જેવાય ભોગ બની જાય. દારૂની દુકાને અમસ્તાય ઊભા રહ્યા હોઈએ પણ લોકો તો એમ જ સમજે કે પીવા ઊભા હશે. મારા કિસ્સામાં પણ એવું જ થયું છે ને ? ને હું બરબાદ થવા બેઠો છું. હવે એના મગજમાંથી એ હુકમ ના કાઢ્યો ? ‘ઊભા રો, મારે કામ છે.’ પોલિસ બોચીમાંથી જ પકડે એવો ગાળિયો નાખી દીધો એણે ! મારે તો જવાબ આપવાનીય સ્થિતિ ના રહી.

આ તો વાત કેડે વાત નીકળી છે તો કહું છું, બાકી તો મારે એ બધા સાથે શી લેવાદેવા ? એ કાગળ વંચાવવા આવ્યાં એમ જ એકવખત એ કોણ જાણે શું લેવા આવ્યાં હશે તે તો ભગવાનને ખબર. એમને તો એમ જ હશે કે શીલાબહેન ઘરમાં હશે જ ને ? ને એ આવ્યાં ને જેવાં બહાર નીકળ્યાં ‘એ’ આવી ગઈ. ને ત્યારથી એ મારા પર ખફા થઈ ગઈ છે. તે રોજેરોજ એના એ ડખા ઘરમાં પ્રવેશ્યા છે. હું ગમે એટલું કહું પણ એના મગજમાંથી એની છબી જતી નથી. ઘણી વખત સવારની ખુશનુમા હવામાં ચા પીવા બેઠાં હોઈએ, સરસ વાતાવરણ હોય ને મીઠી મજાકમાં સ્મિત કરીને કહે : ‘કઈ હોટેલમાં ગયેલાં, પેલું પિક્ચર સરસ હતું ? મઝા આવી હશે નહીં ? ને તમે તો એના રૂપથી મોહી ગયા છો ને ?’ આવી મજાકો ને પજવણીથી હું હેરાન-પરેશાન થઈ ગયો છું. જીવન ધૂળધાણી થવા બેઠું છે. હું ગમે એટલાં આત્મબલિદાન આપવા પ્રેરાઉં પણ એના મગજમાંથી એ વહેમ જતો નથી. એને તો એટલું જ ઠસી ગયું છે કે ‘પણ એ મારી ગેરહાજરીમાં આવે છે કેમ ?’

પણ આ બહેનનેય અમારું જીવન ઉજ્જડ થઈ જાય એની પડી નથી. એ તો બસ જ્યાં મળી જાય ત્યાં વાતો કરવા બેસી જાય છે. વાતોમાંય એમના ઘરની ફરિયાદો હોય. ‘ઘરમાં પતિ ધ્યાન આપતા નથી, બધી જવાબદારી મારા પર ઢોળી દે છે….વગેરે’ હવે આવી ઘરગથ્થુ વાતો સાંભળવાનો કોને રસ હોય ? પણ એમનું આટલું સરસ ઘર, છોકરાં ને વ્રતો કરવાથીય ન મળે એવો શાણો પતિ, તો ય શાનો અસંતોષ એમને રહે છે ? કુટુંબમાં જે આનંદ-પ્રેમ મળે છે તે બીજે ક્યાંય મળે નહીં, પણ આ સત્ય એમને કોણ સમજાવે ? પણ એ તો ચલકચારણીની જેમ આ ઘર ને પેલું…… ને એટલે તો સોસાયટીની બધી ગૃહિણીઓ એમનાથી ચેતીને ચાલે છે ને પોતાના પતિઓ પર એમનો પડછાયો ના પડે એની દરકાર રાખતી થઈ ગઈ છે. ને એનો ભોગ હું પણ બન્યો છું. હમણાં જોજોને, વિકરાળ મોં કરીને બહાર નીકળે છે કે નહીં ? પણ એય વિલંબ કરે છે એમ મારું હૈયુંય કાબૂમાં નથી રહેતું. બાથરૂમમાં ગઈ એ ગઈ જાણે અંદર ગરક થઈ ગઈ ના હોય ? પાણીનો અવાજ ખખડે છે હજુ તો. હવે આ સળગતું ઉંબાડિયું મેલીને બહાર જઉંએ કેમનો ?

પણ હવે નીકળવાની તૈયારી છે. ઘણીવાર થઈ એટલે હવે આવશે જ. હું તો આંટા માર્યા કરું છું ને બારણા સામું ફાંસીના માંચડે ચડવા તલપાપડ થઈ રહ્યો છું. કદી નહીંને આજે જ આવી ભાવહીન ભાષામાં એણે કહ્યું છે એટલે નક્કી કંઈક છે જ એના મનમાં. ને બારણું ઉઘડવાનો અવાજ આવ્યો. નીકળી. ને વૉશબેસીનમાં હાથ ધોવા લાગી વળી પાછી. એમાંય જાણે જાણીજોઈને વાર લગાડતી હોય ને મનમાં શબ્દો ઘડતી હોય…. હાથ ધોઈને મારી સન્મુખ આવીને ઊભી રહી.
મન તો આક્રંદી ઉઠ્યું. બોલ, બોલ જલદી બોલ. મારો તો જીવ જાય છે. કહ્યું : ‘બોલ શું કામ છે ?’
‘કેમ બહુ ઉતાવળ છે ?’
ઓત્તારી ! આ તો પાણીમાંની ઉંદરડીને જાણે રમાડતી હોય ! આવી બન્યું. બૉમ્બ ફૂટવાની તૈયારી. ફૂટશે તો આમાંનો કકડોય સાજો રહેવાનો નથી.
‘હા, પણ શું કામ હતું ? (ખબર ના પડે એમ ધ્રૂજતા શરીરે) મેં પૂછ્યું.
એણે કહ્યું : ‘હર્ષદભાઈને ત્યાં જાવ છો ?’ એ ટગર ટગર મારી સામું જોઈ રહે છે. (ઓ બાપ મારી નાખ્યા !)
‘ઊભા રો’ (અરે ભાઈ ઊભો તો છું, પણ જલદી ભસી મરને !)

પછી હસતાં હસતાં કહે : ‘પણ ગુનેગાર હો એમ આટલા ગભરાયેલા કેમ દેખાવ છો ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જૂની ગુજરાતી રંગભૂમિ – રતિલાલ સાં. નાયક
સંસ્કારધન – ચંદ્રકાન્ત રાવ Next »   

13 પ્રતિભાવો : શ્રીમતીજીનો હુકમ – અનિલ વાઘેલા

 1. ભાવના શુક્લ says:

  ચોર કી દાઢીમે તિનકા………
  બીચારા પતિદેવનુ મનોમંથન સરસ રહ્યુ પણ આટલી બધી ચીંતાજનક સ્થિતિમા પણ પત્નીને બદલે જયાબહેનના વિચારોજ વધુ આવ્યા.. હશે!!!
  સરસ રમુજી વાત…

 2. kamini says:

  પતિ ની દયા આવીગઈ, વગર વાંકે માનસિવેદના સહન કરે અને અમને તેનિ દયા આવે, પણ બાપુ મજા આવિ.

 3. ranjan pandya says:

  અસંભવ! આ જમાનામાં આવો ક્હ્યાગરો અને થથરતો પતિ મળવો અસંભવ!!

 4. Hardik Bhatt says:

  Good one,

  I reakon little bit missing at the end, just my assumption, may be wrong.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.