સાચાનો બેલી ભગવાન – સુધા મૂર્તિ

saachnenahiaach[શ્રીમતી સુધાબેન મૂર્તિના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તકો પૈકી ‘સાચને નહીં આંચ’ તે સરસ મજાની બાળવાર્તાઓનું એક સુંદર પુસ્તક છે અને તેનો ભાવાનુવાદ શ્રીમતી સોનલબેન મોદીએ કર્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ સોનલબેનનો,પ્રકાશકશ્રીનો, સુધાબેનનો તેમજ ‘ઈન્ફોસીસ ફાઉન્ડેશન’નો ખૂબ ખૂબ આભાર. તેમના પ્રત્યેક પુસ્તકની જેમ આ પુસ્તકના વેચાણમાંથી પ્રાપ્ત થતી સંપૂર્ણ આવક પણ સમાજસેવાનાં વિવિધ કાર્યોમાં વાપરવામાં આવનાર છે. પુસ્તકપ્રાપ્તિની વિગત આ લેખના અંતે આપવામાં આવેલ છે.]

ઉદયપુર નામના શહેરની બરોબર વચ્ચોવચ્ચ મોટું બજાર હતું. એ બજારમાં મોકાની જગ્યાએ વિભાકર નામના વેપારીની કાપડની દુકાન હતી. જેટલા લોકો શહેરની મુલાકાતે આવે, તે બધાં જ બજારમાં ખરીદી કરવા આવતા. વિભાકરની કાપડની દુકાન બજારની વચ્ચોવચ્ચ હોવાથી તેને હંમેશા ખૂબ ઘરાકી રહેતી. વિભાકરને પોતાની દુકાનનું, માલનું, પોતાની માલ વેચવાની કુનેહ તેમજ પૈસાનું ખૂબ અભિમાન હતું.

શિયાળો હતો. કડકડતી ઠંડી પડતી હતી. વિભાકરે પોતાની દુકાનમાં ગરમ શાલ, ધાબળા, સ્વેટર તથા ગરમ ટોપીઓનો માલ ઉત્તર ભારતમાંથી મંગાવીને ગોઠવ્યો હતો. પોતાના માલ પર મનોમન ખુશ થતો તે દુકાનના ગલ્લે બેઠો હતો. તેવામાં જ શંકર નામનો ગરીબ મજૂર માથા પર કચરાનો મોટો ટપલો લઈને દુકાન આગળથી પસાર થયો. શંકર આજુબાજુની ચા-નાસ્તાની લારીઓ તથા નાની હોટલોનો સડેલો, વધેલો ખોરાક અને કચરો ઉપાડવાનું કામ કરતો. બરોબર વિભાકરની દુકાનની સામે જ તેના માથા પરથી કચરાનો ટોપલો પડી ગયો. શંકર ફૂટપાથ પર લપસી પડ્યો અને દુકાનની સામે ગંદવાડ થઈ ગયો. કચરો ઢળતાં જ તેમાંથી ગંદી વાસ આવવા લાગી.

વિભાકર દુકાનમાંથી તરત જ ઊઠીને બહાર આવ્યો. શંકરને ઉઠાડવાને બદલે તે મોટેમોટેથી બરાડા પાડવા લાગ્યો, ‘આંધળો છે, અલ્યા ? મારી દુકાનની સામે જ તને આ કચરો નાંખવાનું સૂઝયું ? હમણાં ઘરાક આવવા માંડે તે પહેલાં બધું ઉપાડ ! માથું ફાટે તેવી વાસ આવે છે.’
શંકર તો બિચારો ગરીબ હતો. તેણે કહ્યું : ‘શેઠ, મેં જાણીને કચરો અહીં નથી નાંખ્યો. હું લપસી પડ્યો. તમારી દુકાનમાંથી એક સાવરણો અને ડોલ મને અપાવો તો હું ફટાફટ બધું સાફ કરી નાંખીશ.’ શંકરે અર્ધો કલાકમાં બધો જ કચરો વાળીને ફરીથી ટોપલામાં ભરી લીધો તથા પાણીથી બધું સાફ કરી નાખ્યું.

વિભાકરને હજી સંતોષ ન હતો. ગરીબ માણસને વધુ હેરાન કરવા તેણે કહ્યું : ‘આ ફૂટપાથને કપડાંથી લૂછીને કોરો કોણ કરશે ? પોતું કર.’ ગરીબ શંકરે કહ્યું, ‘શેઠજી, તમારી દુકાનમાંથી મને બે જૂના કકડા આપો તો હું તરત જ પોતું કરીને બધું જ ચોખ્ખું કરી દઈશ.’
વિભાકર અભિમાનથી બોલ્યો : ‘મારી દુકાનને તું જૂના ગાભાઓનું ગોડાઉન સમજે છે ? હું વળી જૂના કકડા ક્યાંથી લાવું ? તેં જે કોટ પહેર્યો છે તે કાઢ અને તેનાથી પોતું કર.’
શંકર કહે : ‘શેઠજી, તમારા જેવા કોઈ પૈસાદાર માણસે મારી પર દયા ખાઈને એમનો જૂનો કોટ મને આ શિયાળાના દિવસોમાં પહેરવા આપ્યો છે. આ કોટથી હું પોતું કરીશ તો ટાઢે મરી જઈશ. શિયાળામાં પહેરવા માટે મારી પાસે બીજું કાંઈ નથી. થોડી વારમાં જ આ ફૂટપાથ પર તડકો પડશે એટલે બધું સુકાઈ જશે. પોતું કરવાની જરૂર નથી.’

વિભાકર ગુસ્સામાં બોલવા લાગ્યો, ‘તું તારી જાતને શું સમજે છે ? જો તું અહીં ભીનું મૂકીને જતો રહે તો વાસ આવે. મારા ઘરાક જતા રહે. મારી દુકાનનો તો નફો ઘટી જાય. એક વરસમાં તો લાખનું નુકશાન થઈ જાય અને ધીમે ધીમે કરોડ રૂપિયાનું નુકશાન થઈ જાય. હું તો ગરીબ થઈને તારી જેમ રસ્તા પર આવી જાઉં. તું જો અહીં પોતું નહીં કરે તો હું પંચાયતમાં તારી ફરિયાદ કરીશ.’ શંકર તો વિભાકરની વાતો સાંભળીને રડવા જેવો થઈ ગયો. ફૂટપાથ પર ટોળું થવા લાગ્યું હતું પરંતુ ગરીબ શંકરના પક્ષે કોઈ કંઈ બોલ્યું નહીં. ગરીબનું કોણ સગું થાય ?

પરંતુ ‘સાચાનો બેલી ભગવાન હોય છે.’ એ ન્યાયે નગર પંચાયતના પ્રમુખ અને મોટા વેપારી શેઠ ભગવતપ્રસાદ ત્યાંથી પસાર થયા. તેમણે આખી વાત સાંભળી અને કહ્યું : ‘શંકર, વિભાકર શેઠની વાત સાચી છે. તું તારા કોટથી પોતું કરી કાઢ.’ ટોળામાં ઊભેલા બધા લોકોને લાગ્યું કે ભગવતપ્રસાદ જેવા ન્યાયી માણસે ખૂબ અન્યાય કર્યો. પ્રમુખની વાત શંકર શી રીતે ઉથાપે ? તેણે પોતાનો કોટ કાઢીને ફૂટપાથ પર પોતા કરી કાઢ્યા. વિભાકર ખુશ થઈ ગયો. ભગવતપ્રસાદે તેને ઊભો રાખીને કહ્યું : ‘વિભાકર, મારા ન્યાયનો પહેલો ભાગ જ તેં સાંભળ્યો છે. બાકીનો ન્યાય હવે સાંભળ. શંકરે તેનો કોટ પોતું કરવામાં વાપરી કાઢ્યો. અત્યારે શિયાળો છે. જો શંકર માંદો પડશે તો તેને ન્યુમોનિયા થઈ જશે ને તે કદાચ મરી પણ જાય. એ ગરીબ છે, દવા શી રીતે કરશે ? એ જો મરશે તો તેનું કુટુંબ તો રસ્તા પર આવી જશે.

વિભાકર કહે : ‘ભગવતપ્રસાદજી, તમે કેવી વાત કરો છો ? એવું કાંઈ થયું તો નથી ને ? જો આમ થશે તો તેમ થશે – એવી અદ્ધર અદ્ધર વાતોનો શો મતલબ ?’
ભગવતપ્રસાદજી બોલ્યા : ‘ભાઈ વિભાકર, તારી ફરિયાદ પણ જો અને તો પર જ આધારિત હતી ને ? જો શંકર પોતું નહીં કરે, તો ઘરાક નહીં આવે, મોટું નુક્શાન થશે વગેરે…. ખરું ને ? શંકરે તારા તુક્કાનું પરિણામ ભોગવ્યું છે, તારે પણ સજા તો ભોગવવી જ પડશે. કાયદાની નજરે તો બધાં જ સરખાં.’ વિભાકરને પોતાની ભૂલ સમજાઈ. તે શંકરને પોતાની દુકાનમાં લઈ ગયો. શંકરને નવો કોટ ઉપરાંત મોજાં અને ટોપી આપીને તેણે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કર્યું.

[ કુલ પાન : 148. કિંમત રૂ. 90. પ્રાપ્તિ સ્થાન : પુસ્તક પ્રાપ્તિ સ્થાન : આર.આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ – 380 001. ફોન : +91-79-25506573. sales@rrsheth.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંસ્કારધન – ચંદ્રકાન્ત રાવ
રંગ દે રે….મન…. ! – કાર્તિક શાહ Next »   

3 પ્રતિભાવો : સાચાનો બેલી ભગવાન – સુધા મૂર્તિ

  1. Sam says:

    Nice Story!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.