શિક્ષણ અને કેળવણી – ડૉ. રશ્મિબેન ત્રિ. વ્યાસ

શિક્ષણ અને કેળવણી સમાનાર્થી શબ્દો લાગે છે. પરંતુ બંનેના અર્થ સંદર્ભો જુદા છે. શિક્ષણ સામાન્ય રીતે અભ્યાસક્રમ, સમય-મર્યાદા, ઉત્તીર્ણતાના માપદંડો વગેરે સાથે જોડાયેલ છે. જ્યારે કેળવણી તો બાળક જન્મે ત્યારથી જ ચાલુ થઈ જાય છે. શિક્ષણ ન લીધેલ માણસ પણ કેળવાયેલો હોઈ શકે અને શિક્ષણ લીધા છતાં પૂરતી કેળવણી પામેલ ન હોય તેમ પણ બને.

શિક્ષણ આપવાનું કાર્ય મુખ્યત્વે શિક્ષકનું ગણાય છે. જ્યારે કેળવણી એક વ્યાપક વિચાર છે જે ઘણીવાર ‘તાલીમ’ ના અર્થમાં જોડાય છે. કેળવણીની સાથે પરંપરાગત સંસ્કારો, ઉછેર, આસપાસનું વાતાવરણ, સામાજિકીકરણ વગેરે અનેક બાબતો ભાગ ભજવે છે. તેમાં માતાપિતા, કૌટુંબિક વાતાવરણ અને સંસ્કારો, પ્રકૃતિ કે સ્વભાવ, ઉંમર વગેરેની ભૂમિકા મહત્વની હોય છે. તેમાંની એક ભૂમિકા શિક્ષકની હોય છે. શિક્ષણ પામ્યો હોવાની સાબિતી માણસની ડિગ્રી કે પરિણામ હોય છે. પરંતુ કેળવણી પામ્યો છે કે નહીં તે તેના વાણી, વર્તન, વિચાર, રીતભાત અને કાર્ય પરથી જણાય છે અને આ બધું ઘડનાર એકમાત્ર શિક્ષક નથી હોતો. છતાં તેની કોઈ જવાબદારી નથી તેમ પણ ન કહી શકાય.

શિક્ષક વર્ગખંડમાં જે અભ્યાસક્રમ અનુસાર ભણાવે તે સ્થૂળક્રિયા હોય છે. પરંતુ શિક્ષકનું વ્યક્તિત્વ, વાણી-વ્યવહાર, રીતભાત, મૂલ્યો વગેરે સૂક્ષ્મપણે વિદ્યાર્થીઓ પર અસર પાડતાં હોય છે. તેના કોઈ થર્મોમિટર હોય નહીં પરંતુ ક્યારેક પ્રસંગ પડ્યે ખ્યાલ આવે કે વિદ્યાર્થીમાં શિક્ષકની કઈ છબી ઝીલાણી છે. એક જ વર્ગના બધા વિદ્યાર્થીઓને એક સાથે, એક સરખું ભણાવતા હોય છતાં તે બધાના માનસમાં શિક્ષકની એકસરખી છબી ઝીલાતી નથી હોતી. વિદ્યાર્થીની પ્રકૃતિ, રૂચિ, પૂર્વગ્રહો, તેણે પ્રાપ્ત કરેલ સંસ્કારો વગેરે તેમાં ભાગ ભજવે છે.

ઈન્ચાર્જ પ્રિન્સીપાલ તરીકે થોડા સમયના કાર્યકાળ દરમ્યાન કૉલેજની વિદ્યાર્થીનીઓને પ્રાર્થનાસભામાં અવારનવાર કોલેજની સ્વચ્છતા જાળવવા સહકાર આપવા સમજાવી હતી. છતાં નાસ્તો કરીને કાગળીયાં કે પ્લાસ્ટિકની કોથળીઓ જ્યાં ત્યાં ફેંકાયા કરતી. તેથી એક દિવસ કોલેજ શરૂ થતાં જ વર્ગો લેવાનું બંધ રાખી બધી વિદ્યાર્થીનીઓને ગ્રાઉન્ડમાં બોલાવી તેમના દેખતાં અમે સૌ અધ્યાપકોએ તેમણે ફેંકેલ કચરો ઉપાડવાનું શરૂ કર્યું. તે જોઈને કેટલીક વિદ્યાર્થીનીઓ શરમાઈને અમારા હાથમાંથી કચરો લઈ લેવા લાગી. પરંતુ બીજી ઘણી બહેનોએ મોં મચકોડ્યું. ‘અમે કૉલેજમાં સફાઈ કરવા નથી આવતા’ (જાણે ગંદકી કરવા આવતા હોય !) તેવો ભાવ દર્શાવી ધીમો બબડાટ પણ કર્યો. જ્યારે ખરેખર કચરો નહોતી કરતી તેવી 15% થી 25% બહેનોએ સફાઈમાં સાથ આપ્યો. આને શું કહેશું ?

કેટલીક વખત એવું લાગે છે કે જેની પાટી કોરી હોય છે અથવા જેને કંઈ નથી મળ્યું તે સરસ રીતે ઝીલે છે જ્યારે જે ચોક્કસ અને દઢ છાપ લઈને આવે છે તેના પર શિક્ષક બહુ પ્રભાવ પાડી શકતો નથી. ટૂંકમાં કેળવણી વ્યક્તિત્વને ઓપ આપવાનું કામ કરે છે જ્યારે શિક્ષણ જ્ઞાન-માહિતી આપે છે. આ બંને પ્રક્રિયા સાથે સુપેરે ચાલે ત્યારે સુંદર પરિણામ આવે છે. તેનો આધાર શિક્ષણ તથા કેળવણી આપનાર અને લેનાર બંનેની કક્ષા, સમજ અને પરસ્પરની સંવાદિતા પર રહેલો છે.

વિદ્યાર્થીને કેળવણી આપવાની તક શિક્ષકે ઝડપવાની હોય છે. અભ્યાસક્રમ સાથે સુસંગત પ્રોજેક્ટ વર્ક, પ્રવાસ-આયોજનો, સાંપ્રત પ્રશ્નોની ચર્ચાઓ વગેરે દ્વારા આવું કાર્ય થતું હોય છે. આવા પ્રયોગો કર્યા છે અને સારાં પરિણામો જોયાં છે. પરંતુ 100-150 વિદ્યાર્થીઓ સાથે વર્ગખંડમાં અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને સમયમર્યાદાની અંદર ચાલવાનું હોય ત્યારે માત્ર આ જ કામ થાય તેવી અપેક્ષા પણ રાખી શકાય તેમ નથી હોતું. વળી શિક્ષક અને શિક્ષણ સંસ્થાઓ, સમાજનો જ અંતર્ગત ભાગ હોય છે. સામાજિક માનસિકતાનું પ્રતિબિંબ તેમનામાં પડે છે. ગાંધીયુગના કેળવણીકારો અને શિક્ષણ સંસ્થાઓ ગાંધીજીના જબરા પ્રભાવ નીચે હતા. આજે માનસિકતા ‘બજાર’ અને ‘ઉપભોક્તાવાદ’ની છે. ઘરમાં અને બહાર શિક્ષક તેમજ વિદ્યાર્થી જે માહોલમાં જીવે છે અને ઝીલે છે તેને પણ લક્ષમાં લેવાનું રહે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જ્ઞાનપંખીની ઊડાન – શાંતિલાલ ગઢિયા
છોકરાની માનો વેવાણને પત્ર – કલ્પના દેસાઈ Next »   

10 પ્રતિભાવો : શિક્ષણ અને કેળવણી – ડૉ. રશ્મિબેન ત્રિ. વ્યાસ

 1. mr chakachak says:

  વાહ મને જે જોઈતુ તુ ઈ મલી ગ્યુ.. મારે શિક્ષણ અને કેળવણીનો જ સાચો અર્થ સમજવો હતો અને મળી ગયો..

  હજુ પણ ઘણા શબ્દો છે જેના અર્થ સમજવાના બાકી છે. જોઈ જુઓ તમને જવાબ આવડતો હોય તો…. તમારો ખુબ ખુબ આભાર..

  http://alwaysthankgod.blogspot.com/2008/05/blog-post.html

  All the best

 2. mr chakachak says:

  મૃગેશભાઈ

  અને બીજી વાત તમને એ કરવાની કે ગુજરાતીમાઁથી દરરોજ એક નવો શબ્દ અથવા અઠવાડીયાના ૩ નવા શબ્દો પુરેપુરા સમજાવાનુ કાઁઈક થઈ શકે તો એ ખુબજ સરસ રહેશે.

  માતૃભાષાના શબ્દોની સાચી સમજણ અને ઉઁડાઈનો ખ્યાલ આવશે..

  આભાર….

 3. Maharshi says:

  ખુબ સરસ!

 4. Jagat Dave says:

  ખુબ સુંદર લેખ. કેળવણી એ માત્ર કમાણી માટે નું માધ્યમ થતું જાય છે (વાત શિક્ષકો ને પણ એટલી જ લાગુ પડે છે) આજ ના સમય માં સાચી કેળવણી આપતા શિક્ષકો પણ એટલા જ દુર્લભ થતાં જાય છે. શું સામાજિક મૂલ્યો નુ આ પતન આપણને સંસ્ક્રુતિ ના પતન તરફ દોરી જઈ રહ્યું છે? જવાબ કદાચ જલ્દી જ મળી જશે એવું લાગી રહ્યુ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.