રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2008 – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

પ્રતિવર્ષની જેમ ચાલુ મે માસની શરૂઆતમાં વાર્તા-સ્પર્ધા ફરી એકવાર આપની પાસે આવી પહોંચી છે. જો કે ગત વર્ષ કરતાં સ્પર્ધાની શરૂઆત એક સપ્તાહ મોડી થઈ રહી છે; તેમ છતાં સ્પર્ધાની અંતિમ તારીખ તો હંમેશની જેમ ‘30મી જૂન’ જ રાખવામાં આવી છે. રીડગુજરાતીની આ તૃતિય વાર્તા-સ્પર્ધા છે. વધુ ને વધુ સ્પર્ધકો પ્રતિવર્ષ તેમાં ભાગ લઈ રહ્યા છે તે આનંદની વાત છે. પાછલા બે વર્ષમાં થઈને રીડગુજરાતીને આ સ્પર્ધાથી કુલ 70 જેટલી નવોદિતોની કૃતિઓ પ્રાપ્ત થઈ છે.

વાચકોની કૃતિઓને રીડગુજરાતી પર નિયમિતરૂપે સ્થાન આપવામાં આવે છે તેથી વર્ષ દરમિયાન વાચકો દ્વારા લખાયેલી વિવિધ પ્રકારની કૃતિઓ તો પ્રકાશિત થતી જ રહે છે પરંતુ વાર્તા-સ્પર્ધાનું આયોજન તેનાથી ભિન્ન કંઈક વિશેષ પ્રયત્ન માંગી લે તેવું છે. જ્યારે નિયત સમય મર્યાદામાં, નિશ્ચિત શબ્દો વડે વિષયવસ્તુનું પાત્રો દ્વારા સ્પષ્ટ નિરૂપણ કરવાનું હોય ત્યારે એ પ્રકારનું લેખન થોડોક અભ્યાસ માંગી લે છે. વર્તમાન સમાજની પરિસ્થિતિ, બદલાતા માનસનું નિરૂપણ, વ્યક્તિની આંતરિક ઉંચાઈ કે તેની પ્રકૃતિ સહજ નિર્બળતાઓ – આ તમામ ભાવોને એક વાર્તા જ સુપેરે વર્ણવી શકે છે. તેથી વાર્તા-લેખન ખરેખર સાહિત્યનો એક સુંદર પ્રકાર બની રહે છે. જે બાબત મોટા વક્તવ્યો કે ઉપદેશોથી નથી સમજાવી શકાતી, તે બાબત વાર્તામાંનું એક પાત્ર સામેની વ્યક્તિને બરાબર ગળે ઊતરી જાય તેવી રીતે સચોટ સંવાદરૂપે બોલી બતાવે છે. 1800 થી 3000 શબ્દોની રમતમાં લેખકે કથાની ખૂબ બારીક ગૂંથણી કરવાની હોય છે.

નવોદિતોને વધારે પ્રોત્સાહન મળે તે હેતુથી ચાલુ વર્ષે જેમનું એક પણ પુસ્તક પ્રકાશિત થયું હોય તેવા લેખકોનો આ સ્પર્ધામાં સમાવેશ કરાયો નથી. કૉલેજમાં અભ્યાસ કરતા, વ્યવસાયમાં વ્યસ્ત એવા કેટલાક નવયુવાનો પાસેથી ગત સ્પર્ધામાં કેટલીક સુંદર વાર્તાઓ પ્રાપ્ત થઈ હતી જેને આપણે રીડગુજરાતી પર માણી છે. વળી, એ સ્પર્ધામાં કેટલીક ગૃહિણીઓએ પણ પ્રથમ વખત કૃતિના સર્જનનો આનંદ માણ્યો હતો. બરાબર એ જ રીતે, ચાલુ વર્ષે પણ તેથી વધુ સ્પર્ધકો આ સ્પર્ધાનો આનંદ ઉઠાવી શકશે તેવી મને આશા છે. ગુજરાતી સાહિત્યને ઉત્તમ કૃતિઓ પ્રાપ્ત થાય તેમજ નિર્ણાયકોને પણ ઉત્તમ વાર્તા તરીકે આપની કૃતિને બિરદાવવાનું મન થાય તે માટે સર્જન-પ્રક્રિયાને લગતા કેટલાક મુદ્દાઓ અહીં રજૂ કરવાનું યોગ્ય સમજું છું.

[1] નવોદિત તરીકે આપણે ભલે ટૂંકી વાર્તાના સ્વરૂપ કે તેની ગૂંથણીને ગહનતાથી ન જાણતા હોઈએ પરંતુ વાર્તાના વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને તેના આદિ-મધ્ય-અંત વચ્ચે લય હોવો જરૂરી છે. વાર્તા અને પાત્રોને ગોઠવતા ક્યાંક વિષયાંતર ન થઈ જાય તે બાબતે ખાસ કાળજી રાખવી. વાર્તાની શરૂઆત એકદમ રસપ્રદ હોવી જોઈએ.

[2] વાર્તામાં બધી જ બાબતો એકદમ ખુલ્લી રીતે કે સ્પષ્ટ રીતે દર્શાવવાની નથી હોતી. પાત્રોના વ્યવહાર, હાવભાવ અને વાર્તાનો મૂળ વિષય તેના સંવાદો સાથે એ રીતે વણાયેલો હોવો જોઈએ કે વાચક થોડામાં ઘણું બધું સમજી શકે.

[3] વાર્તાનું કામ ઉપદેશ આપવાનું નથી. તેથી તેમાં ઉપદેશાત્મક સંવાદો કે આદેશો ન હોવા જોઈએ. જો કોઈ વિશેષ બાબત વાર્તાના માધ્યમથી સમાજને અને દુનિયાને કહેવાની આવશ્યકતા જણાતી હોય તો તે બાબતને પાત્રોના આચરણ કે ઘટનાઓના સંદર્ભે વધારે સારી રીતે વર્ણવી શકાય.

[4] વાર્તા એ અહેવાલ પણ નથી. એક પછી એક પ્રસંગોનું વર્ણન માત્ર કરવાથી વાર્તા નથી બનતી. એ તો એક ‘રીપોર્ટ’ બની જાય છે. પાત્રની મનોદશા, તેની આંતર-બાહ્ય સ્થિતિ, આસપાસનું વાતાવરણ, આર્થિક-સામાજિક સંદર્ભ – એ તમામ બાબતો એક સુંદર વાર્તાના નિર્માણની પાયાની આવશ્યકતા છે.

[5] વાર્તામાં ઘટનાને તાદશ બનાવવા માટે તેની આસપાસની વિગતો વર્ણવવી જરૂરી હોય છે. જેમ કે એક બૅન્ક ઑફિસર વિશેની વાર્તા હોય તો બૅંકનું, તેના કાર્યનું, આસપાસના માહોલનું વર્ણન સમગ્ર દ્રશ્યને વાચકોના ચિત્તમાં જીવંત બનાવે છે.

એક નવોદિત વાર્તાકાર તરીકે સર્જકો શરૂઆતમાં કદાચ વાર્તાની ઉત્તમ ગૂંથણી ભલે ન કરી શકે પરંતુ વાર્તાના સહજ સ્વરૂપ માટેના કેટલાક નિયમોનું પાલન થાય તે આવશ્યક બની રહે છે. ગત વાર્તા-સ્પર્ધાની કૃતિની સમીક્ષા બાબતે નિર્ણાયકોએ ઉપરની બાબતોને વિશેષ મહત્વની ગણાવી હતી. પાછલી સ્પર્ધાઓમાં જેટલી કૃતિઓ પ્રાપ્ત થઈ તેમાં મોટાભાગની કૃતિઓમાં વાર્તા-તત્વની ઉણપ જણાતી હતી. આપણી આસપાસ બનતી ઘટનાને બીજ સ્વરૂપે લઈને આપણે વાર્તામાં તેને અવશ્ય રજૂ કરી શકીએ પરંતુ તે સમયે ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે ખરેખર તે વાર્તા જ બની રહેવી જોઈએ, નહીં કે ઘટનાનો અહેવાલ !

સ્પર્ધા બાબતે અન્ય એક વાત એ કહેવાની છે કે આપની કૃતિઓ વેળાસર ઉપલબ્ધ થઈ શકે તે રીતે આપ લેખનનું આયોજન કરશો. ગત વર્ષે બે-ત્રણ કૃતિઓ સ્પર્ધાની અંતિમ તારીખ બાદ પ્રાપ્ત થતાં તેનો સમાવેશ કરી શકાયો નહોતો, કારણ માત્ર એટલું છે કે અંતિમ તારીખ બાદ તુરંત જ તમામ કૃતિઓ નિર્ણાયકોને મોકલી આપવામાં આવે છે તેથી 30જૂન બાદ પ્રાપ્ત થયેલી કૃતિઓ સ્પર્ધામાં સમાવવાનું શક્ય બનતું નથી. કૃપયા પરદેશના વાચકો આ બાબતે ખાસ ધ્યાન રાખીને સમયસર આપની કૃતિ મોકલી આપશો.

વિશેષ એક ઈચ્છા એ પણ રહી છે કે દરવર્ષે સ્પર્ધામાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુ.કે., ન્યુઝીલેન્ડ, યુ.એ.ઈ ના વાચકો નિયમિતરૂપે ભાગ લે જ છે પરંતુ આ સાથે જાપાન, સ્વીઝરલૅન્ડ, આફ્રિકા, જર્મની, નેધરલૅન્ડ તથા અન્ય દેશોના ગુજરાતી વાચકો જોડાશે તો વધારે આનંદ થશે. સ્પર્ધા માટે આર્થિક સહયોગ કરનાર વાચકોને તો કેમ ભૂલાય ? તેમના નિ:સ્વાર્થ યોગદાનથી જ આ આયોજન શક્ય બન્યું છે. છેલ્લે, સૌ સ્પર્ધકોને રીડગુજરાતી તરફથી બેસ્ટ ઑફ લક !

સ્પર્ધાની તમામ વિગતો જોવા માટે અહીં કલીક કરો : Click Here

તંત્રી,
મૃગેશ શાહ, રીડગુજરાતી.
મો. +91 98980 64256

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous છોકરાની માનો વેવાણને પત્ર – કલ્પના દેસાઈ
પુસ્તક ખરીદીમાં આટલા કંગાળ ! – ખલીલ ધનતેજવી Next »   

17 પ્રતિભાવો : રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2008 – તંત્રી

  1. RAZIA says:

    આભાર મ્રુગેશ ભાઈ,નવોદીત લેખકો ને આટલું સુંદર માર્ગદર્શન આપવા બદલ.

  2. મૃગેશભાઈ

    નવોદિતોનો ઉત્થાન અને સહકાર આપવાનો તમારો પ્રયાસ ખરેખર લાજવાબ અને પ્રશંસનીય છે.

    આભાર.

    – રજની અગ્રાવત

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.