પિતા-પુત્રી – ભૂપત વડોદરિયા

દહેરાદૂનની શાળામાં નીતાને પ્રવેશ મળી ગયો છે એવા ખબર મેં ઑફિસેથી આવીને એને આપ્યા ત્યારે એ નાચી ઊઠી. તેનો આટલો બધો ઉત્સાહ જોઈને એની માતાએ કહ્યું : ‘જનારની સાથે જવું અને આવનારની સાથે આવવું એ તારી આદત છે પણ આ વખતે તમે બાપ અને દીકરી બંને ચોક્કસ પસ્તાવાના છો. દહેરાદૂન સિવાય શું બીજે ક્યાંય સારું શિક્ષણ જ નથી મળતું ?’
નીતા કૂદી પડી : ‘મમ્મી, તમે અમદાવાદમાં ભણ્યાં એટલે તમારું શિક્ષણ ઘણું કાચું રહી ગયું છે.’
મેં હસીને નીતાને કહ્યું : ‘તારી મમ્મીએ અમદાવાદમાં જે શિક્ષણ લીધું છે તે એટલું પાકું છે કે કેટલીક વાર મારું શિક્ષણ મને કાચું લાગે છે !’

નીતાની મમ્મીની પાંપણ પાછળ તરત છલકાઈ ઊઠવા માટે બે નાનકડી તળાવડીઓ તૈયાર જ રહેતી. અરુણાની આંખમાં આંસુ જોઈને નીતાએ તરત જ પોતાનો પાઠ બદલી નાંખ્યો : ‘મમ્મી, નો પ્લીઝ નો ! તું રડે તો તને મારા સોગંદ ! મારે દહેરાદૂન ભણવા નથી જવું ! બસ, હું અહીં જ ભણીશ !’
અરુણા : ‘હું એવું ક્યાં કહું છું ? પણ તું અને તારા પપ્પા મારી વાત આવે એટલે સંપી જ જવાનાં !’ પછી મારા તરફ તાકીને અરુણાએ પૂછ્યું : ‘સાચું કહોને, હું તમને બહુ પાકી લાગું છું ? મેં શું કર્યું છે કે તમે જ્યારે વાત નીકળે ત્યારે મને પાકી, પેક, મીંઢી એવાં વિશેષણોથી નવાજો છો ?’
હવે માફી માગવાનો વારો મારો હતો. મેં હસીને કહ્યું : ‘ના, ના, હું તો અમસ્તો કહું છું. તું તો કોઈ વાત હળવી રીતે લઈ શકતી જ નથી. આ તો ખાલી મશ્કરી છે. હવે તો તું કહે તો જ નીતાને દહેરાદૂન મોકલીએ !’
અરુણા : ‘હવે બે હજાર રૂપિયા ફીના ભરી દીધા, એડમિશન મળી ગયું પછી એ વાત વિચારવાની જ ક્યાં રહી ! હું તો એટલું જ કહું છું કે જવું હોય તો જા પણ ત્યાં બસ લીલાલહેર જ કરવાની છે તેવું સમજીશ નહીં !’
નીતા : ‘અરે મમ્મી, ત્યાં લીલાલહેર છે તેવું કોણે કહ્યું ! ત્યાં તો જાલિમ ઠંડી છે. ગરમ કપડાં પહેરી પહેરીને હું તો થાકી જવાની ! વળી હૉસ્ટેલની જિંદગી પણ ભારે આકરી છે. ત્યાં હું બધી તપાસ કરી લાવી છું !’

મેં કહ્યું : ‘ત્યાંની લાઈફ બહુ આકરી છે ? તો તો નીતા, તને નહીં ફાવે. તો તો પછી મોકલવાનું માંડી વાળીએ !’
અરુણા : ‘તમારું તો કંઈ ઠેકાણું જ નથી. ઘડીકમાં આ બાજુ, તો ઘડીકમાં સામી બાજુ. જો હું કાંઈ કહીશ તો કહેશે શા માટે નીતાની જિંદગી બગાડે છે, દહેરાદૂન તેને મોકલવી જ છે. તેને બીજું કંઈ આપી શકું કે ન આપી શકું પણ સારામાં સારી ઊંચામાં ઊંચી કેળવણી તો આપવાની જ છે. પણ જો હું કંઈ કહું તો તરત જ તેથી ઊલટું બોલવાના !’
નીતા વચ્ચે બોલી ઊઠી : ‘એ અમારો ‘પેક્ટ’ છે ! તમારી સામેનો અમારો સંરક્ષણ-કરાર છે !’
મેં અરુણાની સામે જોઈને કહ્યું : ‘અરુણા, દહેરાદૂન સિવાય બીજે સારું ભણતર નહીં મળતું હોય તેવું હું નથી કહેતો પણ ત્યાં એ એવું ઘણું શીખી લાવશે જે બીજી સામાન્ય શાળાઓમાં તેને નહીં મળે !’
અરુણા : ‘અહીંયા કેટલીય સારી સ્કૂલો પડી છે…’
મેં કહ્યું : ‘મને તો નથી દેખાતી. ઘણી શાળાઓ સારી હશે પણ મારા મનમાં એકેય શાળા વસતી નથી. મને એમ છે કે એ દહેરાદૂનની શાળામાં ભણે. નીતાની ઈચ્છા પણ ત્યાં જવાની છે. છતાં તારો કોઈ જુદો વિચાર હોય તો તું કહે તેમ કરીએ.’

અરુણાએ સમાધાનના સૂરે આવું સ્મિત ફરકાવીને કહ્યું : ‘જો મારા ભોગ લાગ્યા છે તે હું તમારી બાપ-દીકરીની વાતમાં પડું ! તમેતમારે ખુશીથી નીતાને દહેરાદૂનની શાળામાં જાતે જઈને દાખલ કરી આવો !’ ‘પત્ની આજ્ઞા શિરસાવંદ્ય’ એવું હું બબડ્યો એટલે અરુણાએ હું તમને બરાબર ઓળખું છું, એવા તોફાની ભાવ સાથે ડોકું ધુણાવ્યું અને મેં સોફામાં જરા લંબાવીને આવતી કાલે રાત્રે જ શરૂ થનારી દહેરાદૂન યાત્રાની પૂર્વતૈયારી વિચારવા માંડી.
****

હું અને નીતા દહેરાદૂન આવ્યાં ત્યારે જ દહેરાદૂનની કાતિલ ઠંડીની ખબર પડી. શરીરની બધી ખોળ ઉતારી નાખે તેવી એ ઠંડીમાં નીતા કઈ રીતે રહી શકશે તે વિચાર મને તો અસ્વસ્થ કરવા માંડ્યો. નીતાના ઉમંગમાં કંઈ ફેર પડ્યો જણાતો નહોતો. એણે તો ગરમ કપડાંથી પોતાની જાતનું બરોબર રક્ષણ કરી લીધું હતું. હું મારી જાતને ગરમાવો આપવા માટે સિગારેટ ઉપર સિગારેટ ફૂંક્યે જતો હતો. નીતાને મેં ફરી-ફરીને પૂછ્યું : ‘નીતા, હજુ કહે ! તારે રહેવું છે કે નથી રહેવું ? જરાય ગભરાયા વિના તારા મનની ઈચ્છા કહી દે. અહીં ઠંડી સખત પડે છે અને તમારે વહેલા ઊઠવાનું, પ્રાર્થનામાં જવાનું, આ કરવાનું અને તે કરવાનું. આ બધું જોઈને હું તો મૂંઝાઉ છું. તને ફાવશે ખરું ? નહિતર હજુ કંઈ બગડી ગયું નથી.’
નીતા કહે : ‘નો, પપ્પા નો ! તમે મારી કાંઈ ફિકર કરો મા ! બધું બરાબર થઈ જશે.’

હોટલ ઉપર હું પાછો ફર્યો અને જાણે હિમની શિલા ઉપર સૂતો હોઉં એવી ટાઢીબોળ પથારીમાં પડ્યો. મને લાગ્યું કે નીતા આવી ઠંડીમાં કઈ રીતે ઊંઘી શકશે ? નક્કી તેને અહીંનું જીવન નહીં જ ફાવે. મને થયું કે ચૂલામાં પડી બે હજાર રૂપિયાની રકમ. કાલે શાળાએ જઈને નીતાને બોલાવીને બારોબાર ભાગી છૂટીશું. તેનો સરસામાન ભલે હોસ્ટેલમાં પડ્યો રહે. મુંબઈ ભેગાં થઈ જઈશું. આખી રાત નીતાના વિચારોમાં મને પૂરી ઊંઘ ન આવી….. હું તો સવારે વહેલો તૈયાર થઈને નીતાની હૉસ્ટેલ પર પહોંચ્યો. મારે નીચે એક કલાક બેસી રહેવું પડ્યું. આઠ વાગ્યા પહેલાં મળવાની રજા મળે તેમ નહોતું. આઠ થયા અને મારો સંદેશો પહોંચતાં નીતા નીચે આવી. મેં નીતામાં ફૂલ જેવી તાજગી જોઈ અને મને નવાઈ લાગી. મેં પૂછ્યું :
‘નીતા, તને ઊંઘ નહોતી આવીને ?’
નીતા : ‘અરે પપ્પા ! એટલી સરસ ઊંઘ આવી હતી ! બહુ જ મઝા પડી ગઈ ! નાસ્તો પણ બરાબર મળી ગયો છે ! આઈ એમ સો હેપ્પી !’
મેં કહ્યું : ‘નીતા, ફી ગુમાવી બેસવાની બીકે તું આવી રીતે મને ફોસલાવતી તો નથી ને ? હજુ સાચું કહી દે ! મધર સુપિરિયરને કહ્યા વિના આપણે બારોબાર નાસી છૂટીશું !’
નીતા : ‘નો, નો, પપ્પા ! મને તો અહીં ગમે છે !’
મેં ચિઢાઈને કહ્યું : ‘બરાબર વિચાર કરી લેજે, પછી હું તને અધવચ્ચે તેડવા નહીં આવું ! તારી તબિયત બગડશે તો થોડાક દિવસ પછી કંટાળી જઈશ તો ? પછી હું તને તેડવા નહીં આવું !’
નીતા : ‘ના, પપ્પા, નહીં આવતા ! મને બરોબર ગમે છે.’

મને થયું કે બીકની મારી છોકરી થોડા દહાડા પછી ખરેખર નહીં ગમતું હોય તો નહીં કહે એટલે મેં નરમ પડીને કહ્યું : ‘ના, થોડા દહાડા પછી પણ તને એમ લાગે કે તને નથી ગમતું તો ચોક્કસ લખજે. લખીશ ને ?’
નીતાએ બીતાં બીતાં કહ્યું : ‘હા, પપ્પા. નહીં ગમે તો ચોક્કસ લખીશ. પણ મને લાગે છે મને ગમશે !’ હું ચાલ્યો ગયો. દહેરાદૂનમાં કલાકેક ફર્યો. વળી શું સૂઝયું તે નીતાની શાળાએ પહોંચ્યો. રિસેસ સુધી ત્યાં બગીચામાં ઈધર-ઉધર ફર્યા કર્યું. રિસેસ પડી ને નીતાને શોધી કાઢી.
નીતાને નવાઈ લાગી : ‘અરે પપ્પા, તમે અહીં શું કર્યા કરો છો ? જવું હોય તો જાવને પપ્પા ! બૉમ્બે ઊપડો, મમ્મી બિચારાં એકલાં છે ! મને તો અહીં ગમે છે !’
મારો રોષ ભભૂકી ઊઠ્યો : ‘હું તને બરાબર જાણું છું ! ગમે છે ગમે છે કરશે અને પછી નહીં ગમે ત્યારે રડવા બેસશે ! હું તો સાંજે ચાલ્યો જઈશ ! પાછળથી તું કહેશે કે ના ગમ્યું તો તેડવા નહીં આવું ! સાંજ સુધીમાં નક્કી કરી નાખ, તારે રહેવું છે કે પાછા આવવું છે ? ફીના પૈસા ભલે ગયા. મધર સુપિરિયરને મળવાની પણ કંઈ જરૂર નથી. આપણે બારોબાર મુંબઈ ભેગાં થઈ જઈશું……’ નીતાની આંખમાં તો ડબડબ આંસુ આવ્યાં. મને થયું કે હું પણ કેવો માણસ છું ? છોકરીને કંઈ કારણ વિના પજવું છું !

મેં નીતાના વાંસા પર હાથ ફેરવતાં કહ્યું : ‘સૉરી નીતા ! સાંજ સુધીમાં મને ગમે તે રીતે નક્કી કરીને કહેજે ! ના રહેવું હોય તો મને કાગળમાં લખજે, હું ચોક્કસ આવીને તેડી જઈશ ! તું કાગળમાં લખજે કે કાન્તિલાલ મીઠાઈ આપી ગયા નથી એટલે હું સમજી જઈશ કે તને ગમતું નથી.’
નીતાએ હકારમાં ડોકું ધુણાવ્યું. વળી પાછો સાંજે નીતાની હોસ્ટેલ પર ગયો. ફરી પાછી એ જ વાત. કોણ જાણે મને લાગતું હતું કે નીતાને નહીં જ ગમે. અત્યારે એ સમજતી નથી પણ પછી નક્કી પસ્તાશે.

નીતાએ ડરતાં ડરતાં કહ્યું : ‘પપ્પા, તમે કંઈ ચિંતા કરશો નહીં. મને ગમશે. નહીં ગમે તો પણ ખબર આપીશ. તબિયત બરાબર સાચવીશ અને ભણવામાં પણ બરાબર ધ્યાન આપીશ.’
મેં ગળગળા થતાં કહ્યું : ‘નીતા, તું નકામી જીદ કરે છે. તારી આ હઠ તને જ ભારે પડવાની છે. ખરે, તને ન ગમે તો મેં કહ્યું છે તેમ પત્રમાં લખી જણાવજે.’
નીતાએ કહ્યું : ‘પપ્પા, મને અહીં ગમી જશે, તમે ચિંતા ન કરતા.’
મેં દુભાઈને કહ્યું : ‘નીતા, એટલી વારમાં તેં માની લીધું કે તને અહીં ગમી જશે કેમ ! પછી પાછળથી દુ:ખી થાય તો તું જાણે ! હું તો હવે ઊપડું છું.’
નીતા : ‘પપ્પા, મને ગમી જશે. તમે તમારી તબિયત સાચવજો. મમ્મીનું ધ્યાન રાખજો. આવજો !’

મેં રોષ અને રીસની મિશ્ર લાગણી સાથે કહ્યું : ‘નીતા, હજુ કહું છું કે ચાલ, તને નહીં ગમે. ચાલ, સાચું કહું છું !’ નીતા એકદમ મારી નજીક આવી અને જે રીતે એ ચાર વર્ષની નાનકડી બાળકી હતી ત્યારથી માંડીને આજે પંદર-સોળ વર્ષની કિશોરી થઈ ત્યાં સુધી જે રીતે વહાલથી મારી દાઢી પર હાથ પંપાળતી એ રીતે પંપાળતી કહે : ‘પપ્પા, સાચું કહેજો હોં… મને નહીં ગમે કે તમને નહીં ગમે ? તમને ન ગમતું હોય તો ચાલો પાછી આવું. મારા પપ્પાને ન ગમે તેવું મારે નથી કરવું !’
હું આશ્ચર્યથી નીતા સામે તાકી રહ્યો. છોકરીએ મને આબાદ પકડી પાડ્યો હતો. મેં આંસુને પી જઈને, હસીને કહ્યું : ‘નીતા આવજે !’
નીતાની આંખો અપ્રગટ આંસુના ચમકારાથી હસી ઊઠી : ‘ડેડી, આવજો !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ટાબરિયાં ક્રિકેટ સંહિતા ! – મન્નુ શેખચલ્લી
પત્નીને ઘરકામમાં મદદ કરવા વિશે – રતિલાલ બોરીસાગર Next »   

28 પ્રતિભાવો : પિતા-પુત્રી – ભૂપત વડોદરિયા

 1. trupti trivedi says:

  Khub j saras

 2. Dhaval B. Shah says:

  Nice story.

 3. સુંદર …

 4. ashish upadhyay says:

  pita ane putri na manobhav ne khub j saras rite vyakt karya che bhupatbhai tame, aavu j me mari bahen ane papa vacchhe anubhavyu chhe. mane aa lekh khub j gamyo

 5. kinjal says:

  yaad aavi gayo ae divas jyare india chodine aavi hati.
  kaik aavu j thayu hatu mari ane pappa vachche.ketli y vaar pappaae puchyu haju vichari le tane tya gamase ne.ae manva taiyar j nahota ne pachi mane realize thayu ke pappane mara vina na gamat aetle aevu puchata hata.
  awesome story.

 6. kamini says:

  હુ કમનસીબ છુ મારા પિતા મને પ્રેમ નથી કરતા, હુ ખરેખરે મારા પિતાના પ્રેંમાટે તરસુ છુ.

 7. jimish says:

  ખરેખર ખુબજ સરસ વાર્તા છે. દુનિયા ના દરેક રિલેશન એક બાજુ અને પિતા અને પુત્રિ નો સંબધ એક બાજુ!!!!!!!!!!

 8. Sonal says:

  I happened to me also.I still remember when Dad came to drop me off at VV Nagar hostel.I was sure that i will not like there ut if i had said that to him he would never let me stay in hostel.My Dad is the Best in the world.

 9. Sarika Patel says:

  I read your story and I am very appreciate.You know some incident we never can forget like relation of Father and Daughter and Daughter and Mother.

  It’s really nice story.

 10. girish valand says:

  very good. very touching story. dikri to vahal no dariyo kahevay.

 11. Tina says:

  Tears came rolling in my eyes when she said ” Pappa tamne nahi game to chalo hu pachi aavvu chuu”
  Only a daughter can truly touch a man’s heart whom she proudly calls ‘PAPPA’…

  i MISS MY DAD NOW…

 12. ArpitaShyamal says:

  Beautiful story….I miss my papa every moment when I am not with him.
  “‘પપ્પા, સાચું કહેજો હોં… મને નહીં ગમે કે તમને નહીં ગમે ?”….papa is like that….papa never expresses his feelings, but he is very emotional …..

 13. ખૂબ જ સરસ….ખૂબ જ હ્રદયસ્પર્શી….

  પિતા એ પિતા છે….માતા એ માતા
  આ બે ની તોલે કોઈ ના આવી શકે…..

 14. Vimal Patel says:

  સુન્દર….

 15. Hiral Thaker "Vasantiful" says:

  મારો વાક હોય તોય મારો પક્ષ લે એ જ મારા પાપા.

 16. વત્‍સલ વોરા says:

  ભલે ગુલાબ સુંદર ફૂલ રહયું પણ દરેક પિતાના ઘરના બગીચાનું સાચું અને સૌથી સુંદર ફૂલ તો તેની દીકરી જ હોય છે. તમે વહેલી સવારે પથારીમાંથી ઊઠીને માત્ર તમારા બગીચાના ફૂલને જોઇ જોજો તમારું મન કેવું પ્રફુલ્‍લિત થઇ જાય છે એવું જ છે દરેક પિતા માટે કે જયારે તે પોતાના ઘરમાં પોતાની દીકરીને જુએ ત્‍યારે.

  ખૂબ જ સરસ સંવેદનસભર કથન છે.

 17. ‘પપ્પા, સાચું કહેજો હોં… મને નહીં ગમે કે તમને નહીં ગમે ? તમને ન ગમતું હોય તો ચાલો પાછી આવું. મારા પપ્પાને ન ગમે તેવું મારે નથી કરવું !’
  This was the real situation. And in fact, “dikri to vahal no dariyo kahevay” – ekdam sachi vaat chhe. This is a fact that dikri vina ju jivan adhuru j chhe. One has to have a daughter in his/her life. Bhupatbhai, a very nice and practical story.

 18. mili shah says:

  This is just like my story. when I decided to come USA, my dad asked me the same question again and again like this. love it

 19. nayan panchal says:

  ખૂબ જ સરસ. ખરેખર દીકરી વ્હાલનો દરિયો હોય છે.

  ઘણી વાર આપણે બહારથી જેટલા મજબૂત હોવાનો દેખાવ કરીએ છીએ એટલા જ અંદરથી નરમ હોઈએ છીએ. દીકરીની વાત આવે ત્યારે તો પૂછવુ જ શું!!!

  દીકરી તો વખત આવ્યે દાદીમા પણ બની શકે છે.

  નયન

 20. dixa says:

  it is reallly like me when i was coming usa. my papa aksed me do u like ther. seriously i miss my dad..so much

 21. swati patel says:

  baho achha laga.

 22. mukesh thakkar says:

  very emotional story. nicely written and expressed.

 23. VERY NICE . RIGHT NOW I’M IN CANADA.BUT I MISS MY DAD.

 24. raju yadav says:

  વાર્તા નો અંત હ્રદયસ્પર્શી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.