સાંજ ઢળે ત્યારે – મુનિકુમાર પંડ્યા

[‘અખંડ આનંદ’ : એપ્રિલ-08 માંથી સાભાર.]

સાંજ ઢળે ગેલેરીમાંથી તડકો ખસી જાય. ઑફિસેથી આવીને હું કપડાં બદલું. ચા બનાવું. પછી નિરાંતે ગેલેરીમાં બેઠોબેઠો આરામ ફરમાવું. આઠ વાગે એટલે જમવા જાઉં, ત્યાં સુધી વિદાય થઈ રહેલા દિવસની અને ધીમા પગલે પ્રવેશ કરતી રજની રાણીની લીલા નિહાળતો રહું. કૉલેજના અભ્યાસમાં આવેલા સંસ્કૃત કાવ્યખંડોના અંશો મમળાવું. કૉલેજનો અભ્યાસ પૂરો કર્યો એને ઝાઝો સમય નથી થયો. બે મહિના થયા છે. સારા માર્કે પાસ થયો. ફર્સ્ટ કલાસ મળ્યો ને તરત નોકરી મળી ગઈ. નોકરી મેળવવા માટે મારે ઝાઝી દોડાદોડી નથી કરવી પડી.

જે શહેરમાં મને નોકરી મળી છે એ અમારા વતનથી દૂર છે. મારા માટે સાવ અજાણ્યું શહેર છે. અહીંનું આકાશ અજાણ્યું છે. અહીંની ધરતી અજાણી છે. અહીંના માણસો અજાણ્યા છે. પ્રથમ નજરે જ હું આ શહેરના પ્રેમમાં પડી ગયો. શહેરના લાંબા પહોળા રસ્તા કરોડરજ્જુ જેવી રેલિંગથી બે ભાગમાં વહેંચાય છે. માજી રાજવીનો રાજમહેલ, રાજાશાહીના જમાનાની ઊંચી ઈમારતો, જૂના દરબાર ગઢમાં આવેલી સરકારી ઑફિસો. એની ઉપરનું ટાવર – બધું કાળદેવતાની સામે અડીખમ ઊભું છે. લીમડા, આસોપાલવ, ગરમાળા જેવાં વૃક્ષોથી આચ્છાદિત રસ્તા ઉપર ચાલતી વખતે કોઈ અજબ ખુમારીનો અનુભવ થાય છે.

આ શહેરમાં જ મારે કાયમી વસવાટ કરવો છે. અહીં જ ઘરનું ઘર કરવું છે. અમસ્તીય મારી નોકરીમાં બદલીની સંભાવના ઓછી છે. હાલ તો એકલો જ છું. સુદર્શન ફલેટમાં એક રૂમ ભાડે રાખી છે. લૉજમાં જમું છું. પિતાજીના પત્રો નિયમિત આવે છે. આશીર્વાદ પાઠવે છે. મા ‘તબિયત સાચવજે’ લખાવે છે. વળી લખાવે છે – ‘તને નોકરી મળી ગઈ એટલે એક ચિંતા ટળી. તું ચોવીસ વર્ષનો થયો. હવે જલદી તારાં લગ્ન કરી નાખીએ. લોજનું ખાવાનું મટે.’ મા ભલે લોજનું ખાવાનું મટે એ કારણ બતાવે. એ ખોટું પણ નથી. એના મનમાં તો દીકરાની વહુને જોવાના કોડ છે. હું જાણું છું. પિતાજીની જેમ માના વિચારો આધુનિક છે. ‘માણસે સમા(સમય) પ્રમાણે વર્તવું જોઈએ.’ એમ તે ઘણીવાર બોલે છે. છોકરી પસંદ કરવાની મને પૂરી સ્વતંત્રતા છે. બીજી નાતની છોકરી સાથે હું લગ્ન કરું એનો માને વાંધો નથી. એ વાતની મારે નિરાંત છે. આજસુધીનો માર્ગ મારા માટે સીધો રહ્યો છે. અભ્યાસમાં એક પણ વર્ષ બગાડ્યું નથી. તરત નોકરી મળી ગઈ છે. આવા સરસ શહેરમાં વસવાનું મળ્યું છે. વિધાતા અનુકૂળ રહી છે. આગળનો માર્ગ પણ આવો જ રહેશે એમ લાગે છે.

ઢળતી સાંજે હું ગેલેરીમાં બેઠો હોઉં છું ત્યારે કોઈ વાર સંધ્યાના રંગોની સાથે મારા રંગીન ભાવોની કલ્પનાની ગૂંથણી કરું છું. મારા એપાર્ટમેન્ટની દક્ષિણ દિશામાં સિદ્ધિ એપાર્ટમેન્ટ છે. ડૂબતા સૂર્યનું છેલ્લું કિરણ એની અગાશીની પાળને સ્પર્શે છે. તરત સૂર્યાસ્ત થાય છે. હું જ્યારે ગેલેરીમાં આવું છું ત્યારે એ અચૂક અગાશીમાં જોવા મળે છે. છેલ્લું કિરણ એના મુખને સ્પર્શીને વિદાય લે છે. કોણ હશે એ ? મારે તેની સાથે કોઈ જ પરિચય નથી. તેના કુટુંબને હું ઓળખતો નથી. સંસ્કારી કુટુંબની ભણેલી-ગણેલી એ યુવતી હશે એમ તેના ચહેરા પરથી લાગે છે. મારી સામે જુએ છે ત્યારે હસતી જણાય છે. હું જમવા માટે નીકળું ત્યારે તે બેઠી હોય છે. જમીને એક લટાર મારી મોડો મોડો મારી રૂમ ઉપર આવું ત્યારે તે ઊઠી ગઈ હોય છે. હું કોઈ જાણું કે કાંઈ સમજું એ પહેલાં તેણે મારા ચિત્તનો કબજો લીધો છે. નિત્યક્રમ, નોકરી, રોજિંદી પ્રવૃત્તિ આ બધાંની વચ્ચે તે ચિત્રમાં ઝબક્યા કરે છે કે ક્યારે સાંજ પડે અને ક્યારે ગેલેરીમાં જઈને હું બેસું. એક નવી જ દુનિયામાં હું ડગલાં ભરી રહ્યો છું. વાણીથી સંવાદ સાધી શકાય એટલું અંતર અમારા વચ્ચે નથી. કેવળ સંકેતોથી સંવાદ ચાલે. તે રૂમાલ ફરકાવે. હાથ હલાવે. હું પણ એવી જ રીતે મારો પ્રતિભાવ વ્યક્ત કરું.

આ શહેર તો મને પહેલેથી જ પસંદ પડી ગયું છે. નોકરીમાં હું ઝડપથી સેટ થતો જાઉં છું. બધું ફાવવા માંડ્યું છે. દિવસો પછી દિવસો પસાર થાય છે. એક પછી એક સાંજ…. પણ આમ ક્યાં સુધી ચાલશે ? મારે હવે નિર્ણય લઈ લેવો જોઈએ. અને એ મારો સ્વીકાર કરશે ? હા. મારું મન સાક્ષી પૂરે છે. બે દિવસ પહેલાં જ બાપુજીની ટપાલ આવી તેમના મિત્રની દીકરી છે. માગું નાખ્યું છે. મારી ઉપર નિર્ણય છોડ્યો છે. અને નિર્ણય કરવાની ઘડી આવી ગઈ.

શનિવારનો એ દિવસ હું ભૂલ્યો નથી. બરોબર યાદ છે. ઑફિસનું કામ આટોપતાં થોડું મોડું થઈ ગયું. ઉતાવળા પગલે હું રૂમ ઉપર આવ્યો. તાત્કાલિક ચા બનાવી પીધી. ગૅલેરીમાં આવ્યો ત્યારે સાંજ સારી પેઠે ઢળી ગઈ હતી. છેલ્લા કિરણે વિદાય લઈ લીધેલી. જાણે મારી રાહ જોતી હોય એમ તેણે તરત અગાશીમાં આવવા મને સંકેત કર્યો. પાંચ મિનિટમાં આવું છું. મેં હાથ વડે સૂચવ્યું….. બાથરૂમમાં જઈને મેં સાબુ ચોળીને હાથ-મોં ધોયાં. બેગમાંથી ઈસ્ત્રી બંધ કફની-લેંઘો કાઢ્યાં. ચંપલને પૉલિશ કરી ચમકાવ્યા. વાળ સમાર્યા. તૈયાર થયો. સ્પ્રે છાંટ્યું. અરીસામાં જોયું. ‘વાહ !’ એક વર્ષ પહેલાં આ નવી જોડ સિવડાવીને પહેરી ત્યારે બા રાજી થઈને બોલી ઊઠેલી : ‘અસ્સલ વરરાજા લાગે છે. ખામી હોય તો એક લાડીની.’ ખુશખુશાલ ચહેરે હું રસ્તા ઉપર આવ્યો. મન આગળ દોડી રહ્યું હતું. હું પાછળ ચાલતો હતો. અભિસારિકાનું પુલ્લિંગ શું થતું હશે ?

સિદ્ધિ એપાર્ટમેન્ટ પાસે હું પહોંચ્યો. ઊંચે જોયું. તેની નજર મારા તરફ જ મંડાયેલી છે. તેણે પાળ ઉપર ઝૂકીને દાદર દેખાડ્યો. મને તે વધારે ઝૂકેલી લાગી. આખું શરીર ઝૂકી ગયું હતું. એક પછી એક પગથિયાં હું ચડવા લાગ્યો. હૈયું ધબકવા લાગ્યું. તેના માબાપથી છાની માની તો મને નહીં બોલાવતી હોય ને ! વાંધો નહીં. મનાવી લેવાશે. તેનું નામ શું છે ? મને ખબર નથી. વાંધો નહીં એ તો હમણાં જાણી લેવાશે. એમ તો તેનેય મારા નામની ક્યાં ખબર છે ?

છેલ્લે માળે હું પહોંચ્યો. અહીંથી અગાશીનો દાદર શરૂ થાય છે. બે-ત્રણ પગથિયાં બાકી રહ્યાં. અગાશી દેખાઈ. સામેની પાળ પાસે ખુરશી પર તે બેઠી છે. મને આવકારવા તે ઊભી થવા ગઈ. તરત બેસી પડી. ખુરશીની બાજુમાં બે કાખઘોડી પડેલી મેં જોઈ…. છેલ્લા પગથિયે પહોંચ્યા પહેલાં જ હું પાછો વળી ગયો. મેં નિર્ણય કરી લીધો.
*******

વર્ષો વીત્યાં….. રીટા, મારી પત્નીનું નામ. બાપુજીના મિત્રની પુત્રીને હું જોવા ગયો. મને પસંદ પડી. બે મહિનામાં અમારાં લગ્ન થઈ ગયાં. લગ્ન પછી ત્રીજા વર્ષે ઋજુતાનો જન્મ થયો. ત્યારે મને સત્યાવીશમું વર્ષ ચાલતું હતું. આજે ઋજુતા બાવીશ વર્ષની છે. અમારું એકમાત્ર સંતાન. આ શહેરમાં દૂરની એક સોસાયટીમાં મેં મકાન બંધાવ્યું છે. શહેરનો ઘેરાવો વધતો રહ્યો છે. નોકરીની શરૂઆતના દિવસોમાં હું જે રૂમમાં રહેતો હતો એ વિસ્તાર જાણે શહેરની વચ્ચે આવી ગયો છે. રૂમ છોડ્યા પછી હું ક્યારેય એ બાજુ ગયો નથી.

સાંજ ઢળે. ઑફિસેથી હું આવું ત્યારે ઋજુતા પૉર્ચમાં બેઠી હોય. એ પાંચ વર્ષની હતી ત્યારે તેને પૉલિયો થયો. પગ સાવ અટકી ગયા. કાખઘોડીના ટેકાથી તે ઘરમાં હરે ફરે છે. સાંજે પૉર્ચમાં બેસીને મૂંગીમૂંગી સંધ્યાના રંગો નિહાળે છે. અંધારું થાય એટલે અંદર આવે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રૂપથી સ્વરૂપ સુધીની અંતરયાત્રા – મૃગેશ શાહ
સાચો સાધનાકાળ – મુકુલભાઈ કલાર્થી Next »   

12 પ્રતિભાવો : સાંજ ઢળે ત્યારે – મુનિકુમાર પંડ્યા

 1. MONA RATHOD says:

  Its Very nice story.

  Thaks
  Mrugesh Bhai

 2. ભાવના શુક્લ says:

  પૃથ્વિ ગોળ છે માટે જ ઘણી બધી ઘટનાઓ રાહ મા ફરી કોઇ વાર આમ જ મળી જાય છે.
  સુંદર સ્પર્શીલી રજુઆત!

 3. Komal Patel says:

  very touching story.

 4. gopal parekh says:

  જ્યારે કોઇ પરિસ્થિતિમાઁ આપણે પોતે આવીપડીએ ત્યારે ગઁભીરતા સમજાય છે

 5. Mahendi says:

  really touching story always we look towards our outside look not towards internal beauty.

 6. Ashish Dave says:

  Heart touching…

  Ashish Dave
  Sunnyvale, California

 7. Hiral Thaker "Vasantiful" says:

  Very touching story.

 8. sujata says:

  ક્ ર ની તેવી ભ્ ર ની…….

 9. કલ્પેશ says:

  આમા કરણી તેવી ભરણી અથવા પૃથ્વી ગોળ છે, એવુ કઇ રીતે લાગે છે?
  જો ઋજુતા અપંગ ના હોત તો આ પ્રતિભાવ ના હોત, બરાબર?

  અને આમા જે મુખ્ય પાત્ર છે એણે એવુ કાઇ કર્યુ નથી જેને કારણે ઋજુતાને ભોગવવુ પડે.
  વાત એમ છે કે આપણે કોઇ પણ બનાવને અલગ રીતે જોતા નથી. આપણે દરેક બનાવને, બીજા કોઇ બનેલા બનાવ સાથે જોડીને આપણી માન્યતાને પુરાવા આપીએ છીએ.

  વાર્તા સરસ છે. અને તુંડે તુંડે મતિભિન્ન

 10. aarti patel says:

  bahu fine story chhe

 11. prashant oza` says:

  અત્યન્ત ભાવુક્….વાર્તા…
  બહુ સરસ્…

 12. I agree, the world is round. Its not ke we are linking one thing with the another. But one should take it in such a way – the things you avoid, comes in front of you, in some another way and then you can not escape……..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.