આપણાં લગ્નગીતો – સં. રેખાબેન રાવલ
[ લગ્ન પ્રસંગમાં વિવિધ સમયે ગવાતાં આપણા પ્રાચીન લગ્નગીતોનું શ્રીમતી રેખાબેને (વડોદરા) ખૂબ સુંદર સંકલન કર્યું છે. તેમના આ સંગ્રહમાંથી આજે માણીએ કેટલાક લોકપ્રિય ગીતો. રીડગુજરાતીને આ તમામ ગીતો મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો rekhapraval@gmail.com અથવા +91 265 2463767 પર સંપર્ક કરી શકો છો.]
[ગીત-1 : ગણપતિસ્થાપન : લગ્નગીત ]
ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
તારી છોટી છોટી ચાલે કામણગારા રે.
મારા ગણેશ દૂંદાળા….
ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
ચાલો રાય ગણપતિ આપણે જોશી હાટે જઈએ
રાયજાદાના મુહૂર્ત પૂછવારે,
મારા ગણેશ દૂંદાળા….
ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
ચાલો રાય ગણપતિ આપણે ગાંધી હાટે જઈએ
રાયજાદાના શ્રીફાળ વસાવારે,
મારા ગણેશ દૂંદાળા….
ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
ચાલો રાય ગણપતિ આપણે માળી હાટે જઈએ
રાયજાદાના હાર ને ગજરા વસવારે,
મારા ગણેશ દૂંદાળા….
[ગીત- 2 : કંકોત્રી : લગ્નગીત ]
કંકુ ઘાંટી, કંકુ છાંટી કંકોતરી મોકલો
જઈને દેજો સુભદ્રાને હાથ…. વેગે વહેલા આવજો
સાથે દેવ દૂંદાળાને લાવજો.
એ છે પાર્વતીના પુત્ર…. વીરા વહેલા આવજો.
કંકુ ઘાંટી, કંકુ છાંટી કંકોતરી મોકલો
જઈને દેજો વીરાને હાથ…. વીરા વહેલા આવજો
સાથે પ્યારી ભાભીને લાવજો
કંકુ ઘાંટી, કંકુ છાંટી કંકોતરી મોકલો
જઈને દેજો કુળદેવીને હાથ…. વેગે વહેલા આવજો
વેદ વાંચતા વિપ્રને લાવજો
કંકુ છાંટી કંકોતરી મોકલો….
[ગીત : 3 : પ્રસંગ ગીત : લગ્નગીત ]
મહેલ ચણાવોને મેડી ચણાવો
ખારેકોને ખૂંટીઓ મૂકાવો
પીઊડાજી આજ મારે પગરણજી…..
સાસુ તેડાવોને, નણદી તેડાવો
જેઠાણીને વેગે તેડાવો
પીઊડાજી આજ મારે પગરણજી…..
સાસુને સાડીને, નણંદીને છાયલ
જેઠાણીને દક્ષણીના ચીર
પીઊડાજી આજ મારે પગરણજી….
સાસુને લાપસીને નણંદીને કંસાર
જેઠાણીને પાંચ પકવાન
પીઊડાજી આજ મારે પગરણજી….
સાસુને ઓરડો ને નણંદીને પરસાળ
જેઠાણીને મેડીબંધ મહેલ
પીઊડાજી આજ મારે પગરણજી…
સાસુ લઈ જાશે ને નણંદી ખાઈ જાશે
જેઠાણીના ઉછીના વળશે
પીઊડાજી આજ મારે પગરણજી….
[ગીત : 4 : લગ્નગીત ]
આવી રૂડી આંબાલિયા ડાળ, સરોવરિયા પાળ
મૂકીને કોયલ ક્યા ગ્યાતા રે…
અમે ગ્યા’તા મગનભાઈના બંગલે રે
ત્યાં રૂડા લગ્નગીતો ગવાય
સાંભળવાને ત્યાં ગ્યા’તા રે….. આવી રૂડી…
અમે ગ્યા’તા મગનભાઈના બંગલે રે
એમના ઘેર મીઠા બોલી નાર
જોવાને અમે ત્યાં ગ્યા’તા રે…
મીઠુ મીઠુ બોલેને મોતી ઝારે રે
હીરા-માણેક તપે રે લલાટ
જોવાને અમે ત્યાં ગ્યા’તા રે…. આવી રૂડી….
અમે ગ્યા’તા મગનભાઈના બંગલે રે
નાણાવટીયા બેઠા સારી રાત
જોવાને અમે ત્યાં ગ્યા’તા રે…
ખાજાના વાર્યા છે ખરખળા રે
લાડુએ બાંધી છે પાળ
જોવાને અમે ત્યાં ગ્યા’તા રે….. આવી રૂડી….
અમે ગ્યા’તા વેવાઈને છાપરે રે
એમના ઘરે ઘૂરકા બોલી નાર
જોવાને અમે ત્યાં ગ્યા’તા રે…
ઘુરકુ ઘુરકુ બોલે ને હેત નહિ રે….
જુઓ, તીખો તપે રે લલાટ
જોવાને અમે ત્યાં ગ્યા’તા રે….
છાણાના વાર્યા છે ખરખલા રે
ઢેખાળે બાંધી છે પાળ
જોવાને અમે ત્યાં ગ્યા’તા રે…. આવી રૂડી…
[ગીત : 5 : કન્યાને ત્યાં ગવાતું લગ્નગીત ]
ભર રે જોબનીયા બેઠા ક્યા બેન
દાદાએ હસીને બોલાવીયા
એક કાળો તે વરના જોશો ઓ દાદા
કાળો તે કુટુંબ લજાવશે…
દાદા ગોરો તે વરના જોશો રે દાદા
ગોરો તે પાંડુ રોગી હોય રે….
દાદા નીચો તે વરના જોશો રે દાદા
નીચો તો લાગે જાણે વામણો….
દાદા ઊંચો તે વરના જોશો રે દાદા
ઊંચો તો નીચા તોરણ તોડશે….
દાદા કેડે પાતાડિયો ને મુખે શામળિયો
એવો તે વર દાદા લાવજો
દાદા સારો ને સુંદીર વર જો જો ને દાદા
મારી તે સહિયરો વખાણશે
ભર રે જોબનીયા….
[ ગીત : 6 : માંડવામૂહુર્તનું ગીત. ]
મારો માંડવો મોગરે છાયોને,
નેત્રે ઓછાડીયો રે…
મારે માંડવે કેળના સ્તંભ,
આછો રૂડો માંડવો રે…
મારે માંડવે ક્યા ભાઈ આવ્યા ને
ક્યા ભાઈ આવશે રે..
હું તો જોઉં મારા ક્યા ભાઈની વાટ
એમને આવે રંગ રહેશે રે…
મારે માંડવે ક્યા વહુ આવ્યા ને
ક્યા વહુ આવશે રે…
હું તો જોઉં મારા ક્યા વહુની વાટ
એમને આવે રંગ રહેશે રે…
મારે માંડવે ક્યા બહેન આવ્યા ને
ક્યા બહેન આવશે
હું તો જોઉં મારા ક્યાબેનને વાટ
એમને આવે રંગ રહેશે રે…
મારો માંડવો મોગરે છાયાને
નેત્રે ઓછાડીયો રે….
(નોંધ : આવી રીતે બધા સગાવહાલા, માસી, માસા, ફોઈ, ફૂઆ, મામા-મામી વગેરે માટે ગાઈ શકાય.)
[ ગીત : 7 : જાન પ્રસ્થાન વખતનું લગ્નગીત ]
શુકન જોઈને સંચરજો રે
સામો મળીઓ છે જોષીડો રે…
મહૂર્ત આપી પાછો વળીયો રે
શુકન જોઈને સંચરજો રે…
સામો મળીયો છે ગાંધીડો રે
શ્રીફળ આપી પાછો વળીઓ રે…
શુકન જોઈને સંચરજો રે
સામો મળીયો છે માળીડો રે…
હારગજરા આપી પાછો વળીયો રે
શુકન જોઈને સંચરજો રે…
સામો મળીયો છે સોનીડો રે
દાગીના આપી પાછો વળીયો રે
શુકન જોઈને સંચરજો રે…
[ગીત : 8 : લગ્નગીત ]
લાલ મોટર આવી
મુંબઈથી ગજરા લાવી
મારા ભાભી સાસરીયે લીલાલહેર છે
મોટરમાં ભર્યા ગોટા
જાનૈયા બધા મોટા
મારા ભાભી સાસરીયે લીલાલહેર છે
મોટરમાં ભરી ખુરશી
જાનૈયા બધા મુનશી
મારા ભાભી સાસરીયે લીલાલહેર છે
(આ પ્રમાણે વધુ જોડકણાં જોડી શકાય.)
[ગીત : 9 : વળાવતી વખતનું લગ્નગીત ]
જ્યારે બેની સાસરીયે જાયે હૃદય ઘુમ ઘુમ થાયે
બેની માતાના લાડ તે છોડી મૂક્યા
બેની સાસુના સ્નેહ તે જોડી દીધાં
ધીરે ધીરે સાસરે ચાલી…. હૃદય ઘુમ…
બેની પિતાના હેત તે છોડી મૂક્યા
બેની સસરા સાથ તે જોડી દીધા
પ્રિય સાથ છોડી ચાલી બેની સાસરે…
બેની વીરાના સાથ તે છોડી દીધા
બેની જેઠના દિયરના સ્નેહ જોડી દીધા
નણંદી સંગે ચાલી…. હૃદય ઘૂમ ઘૂમ થાયે….
Print This Article
·
Save this article As PDF
ખુબ જ સરસ સંકલન કર્યું છે..અમુક નવા ગીતો પણ જાણવા મળ્યા.. આભાર અને અભિનંદન.
ખુબ ખુબ અભિનન્દન્. ખુબ આનન્દ થયો.
મન્ગળ ફેરા વખતનુ “પહેલુ તે મન્ગળ વરતીયુ…” ગીત આપની પાસે હોય તો જરુર મુકશોજી.
કંકુ ઘાંટી
આ કંકુ ઘાંટી એટલે શું?
બાકી લગ્ન ગીતો મ્હાલવાની મઝા આવી ગઈ. તમે ક્યારે શરણાઈઓ વગડાવો છો?
સમગ્ર લગ્ન પ્રક્રિયાને એક શ્લોકમાં શુભાષિત દ્વારા આ રીતે વર્ણવામાં આવી છે:
कन्या वरयते रुपं माता वित्तं पिता श्रुतम्।
बान्धवाः कुलमिच्छन्ति मिष्टान्नम् इतरेजनाः॥
કન્યા જુએ છે કે છોકરો રૂપાળો છે કે નહીં?, માતા જુએ છે કે છોકરા(/ના બાપ) પાસે પૈસા કેટલા છે?, પિતા જુએ છે કે છોકરો ભણેલો-ગણેલો છે કે પછી અંગુઠા છાપ? ભાઈઓ જુએ છે કે છોકરો કયા ખાનદાનનો છે, સારા ખાનદાનનો હોય તો સંપર્કો વધે ને? અને છેલ્લે મુખ્ય વાત, બાકી લોકો શું ઈચ્છે છે? લોકો ઈચ્છે છે કે જમવાનું ટોપ છે કે નહીં? થાળીમાં કેટલી વાનગીઓ છે? તેમાં કેટલી મિઠાઈઓ છે?
ખુબજ સરસ લગ્ન ગીતો છે. વાચિ ને બહુ આનન્દ થયો.
આ લગ્નગીતો જો સાંભળવા મળે તો? સંભળાવશો?
મને એક બહુ મનગમતુ ગીત..ખબર નહી એક બહેન ની કૂણી માખણ જેવી ભાવનાને કેટલી મીઠાશથી રજુ કરતુ કે બહુ ગમ્યા કરતુ. કોઇના પણ લગન મા જાન લઈને જઈએ ત્યારે બસમા ગાવાની અને ગાતા ગાતા વરરાજાને વહાલ ભર્યુ છાનુ ચિડવવાની મજા આવાતી..ગીત કઈક આમ છે…
ઊચા ઊચા બંગલા ચણાવો……ને એમા કાચની બારીયુ મેલાવો
કે વીરો મારો ઝગમગ ઝગમગ થાઆઆઆઆઆ ય….
અને પછીતો આ બંગલામા જુદા જુદા સ્થળે માતા-પીતા-દાદા-કાકા-મામા કેવી રીતે મહાલતા તેનુ એટલુ રસીલુ વર્ણન ન પુછો વાત ભાઈ…
Its a fantastic collection i really enjoyed it hearty congratulation to you wating for another collection!!!!
Thank you
Dhanywad……….bas hu aani j rah joti hati. Jyare ghar na vadilo lagan geet gata hoy 6e tyare aevu thatu k kash mane pan aavdata hot. Aa collection joi ne mane bahujjjjjjjjj AANAND thayo.Thank u very very much.
ધન્યવાદ્……….જ્યારે ઘરમા લગન હોય ત્યારે બધાને ગીત ગાતા જોઇ ને એવુ થતુ કે કાશ મને પણ ગીત આવડ્તા હોત્…….હવે હુ પણ તેમા સાથ પુરાવી શકીશ એનો મને આનન્દ થશે………ખુબ ખુબ આભાર તમારો……….
આ બધા સોન્ગ્સ ના ઔડિઓ પણ જોયે છે……….. જો કોઇ પસે હોય તો મૈલ કરવ વિનન્રતિ