- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

આખું કિચન મારી આંખમાં – મીનાક્ષી ચંદારાણા

[‘સ્ત્રી’ સામાયિકમાંથી સાભાર. મીનાક્ષીબેન એક ખૂબ જ સારા વાર્તાકાર સાથે સુપ્રસિદ્ધ ગઝલકાર પણ છે. તેમની સુંદર કૃતિઓ અવારનવાર સાહિત્ય સામાયિકોમાં સ્થાન પામતી રહી છે. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ શ્રીમતી મીનાક્ષીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો chandaranas@gmail.com અથવા +91 9998003128 પર સંપર્ક કરી શકો છો.]

યોગ: કર્મસુ કૌશલમ | કામમાં કુશળતા એ યોગનું જ એક સ્વરૂપ છે. ગૃહિણીએ ઘર સંભાળવાનું કામ હોય છે, અને ઘરકામનો એક મોટો ભાગ એટલે રસોઈ. રસોઈમાં કુશળતા કોને કહીશું ? જાત-જાતની વાનગીઓ આવડવી, તેને ? રસોઈમાં ઝડપને ? ઘરના સભ્યોનું આરોગ્ય સાચવીને બનાવાતી રસોઈને ? કે પછી….

અમારા નીતાબહેનની વાત લો. એમની રસોઈ એટલે તમને ખાધા જ કરવાનું મન થાય ! એમાંય દાળ તો એવી બનાવે…! એમાં વળી પીરસે ત્યારે ભાત એવા સરસ ચોળીને પાવળું ઘી રેડીને… પછી એમાં દાળ રેડે… દાળ-ભાત તો શું, આંગળા પણ કરડી ખાવાનું મન થાય… ! દાળમાં લવિંગ-રાઈ-જીરું-હિંગનો વઘાર કરીને તમાલપત્ર-આમલી-ગોળી નાખીને એવી તો સરસ ઉકાળી હોય…! પણ હા, આમાંની એક પણ વસ્તુ ઘરમાં ન હોય, તો નીતાબહેનને ન ચાલે ! એમને તો એ જીવન-મરણનો સવાલ થઈને ઉભો રહે ! બાળકોને કે પછી નીતિનભાઈને તાત્કાલિક દોડાવે, જોઈતી વસ્તુ હાજર કરે, ત્યારે જ ખરા !

જ્યારે અમારા ગીતાબહેનને જુઓ ! રસોઈ તો એમની પણ સ્વાદિષ્ટ ! ભલે નીતાબહેન જેવો એકધારો સ્વાદ એમની દાળમાં ન હોય, પણ ઘરમાં કોઈને દોડાદોડી કરાવીને હેરાન ન કરે. દાળમાં આંબલી નહીં તો લીંબુ, કોકમ કે છેવટે કંઈ નહીં તો છેવટે થોડી છાશને ચણાનો લોટ નાખીને ઓસામણ પણ બનાવી દેશે ! વઘારમાં લવિંગ ન હોય તો શું થયું ? આદું-મરચાંનો પણ એક મજાનો સ્વાદ હોય છે ! ઘણાં એવું માનતાં હોય છે કે લીલાં મરચાં વગર પૌંવાબટાકા થાય જ નહીં ! પણ ગીતાબહેનના હાથના, લાલ મરચું નાખેલાં પૌંવાબટાકા ખાઈ જુઓ, પછી કહેજો !

દૂધી વગર તે મૂઠિયા થાય ? નીતાબહેન તો નીતિનભાઈને દૂધી માટે બે-પાંચ કિલોમીટર સુધીનો આટો ખવડાવશે. પણ ગીતાબહેન પા વાટકી ભાત ઓરી, તેને ઠારીને એના મૂઠિયાં બનાવી નાખશે ! કોથમીર વગરની ચટણી તો ભલા થતી હશે ? નીતા બહેનની આ રોજની રામાયણ ! અને ગીતાબહેન સીંગ, તલ કે કોપરા સાથે ડુંગળી-આમલી-લસણ-દહીં-ટમેટા… જે પણ હાથવગુ હોય, તેમાંથી સરસ સ્વાદિષ્ટ ચટણી બનાવી નાખે. અરે ! કેટલીક વખત તો લીંબુના રસમાં જરી પાણી ઉમેરી ગોળ-ધાણાજીરું અને લાલમરચું હિંગ ઉમેરી એવી સરસ ટેસ્ટી ચટણી બનાવી નાખે !

અરે, એક વખત તો ગીતાબહેનને ત્યાં શાક બધું જ ખલાસ થઈ ગયેલું. અમાસને કારણે શાકવાળો પણ નહોતો આવ્યો. નીતાબહેન હોય તો એવા સંજોગોમાં ક્યારનાય અકળાઈ ગયા હોત. પણ ગીતાબહેન જેનું નામ ! સવારનો વધેલો વાડકી ભાત લઈ, થોડો ઘઉંનો લોટ ઉમેરી કણક બાંધી દીધો. પાણી વઘારી, તેમાં એ કણકનાં નાના-નાનાં ગુલ્લા ઉકાળી નાખ્યાં. સરસ મજાના રસિયા મૂઠિયાં તૈયાર !

નીતાબહેન કહેશે કે સુકીભાજીમાં કંઈ લીંબુ વગર ચાલતું હશે ? તો ગીતાબહેન તો ફટાફટ જરાક દહીં નાખીને નવા ટેસ્ટની સુકીભાજી બનાવી નાખશે ! મહેમાન આવ્યા હોય ત્યારે તો નીતાબહેનને બાસમતી ભાત વગર ચાલે જ નહીં. ત્યારે ગીતાબહેન સાદા ભાતથી પણ ચલાવી લે ! હા, ભાત ઓરતી વખતે ઘીમાં બે-ત્રણ લવિંગ મૂકી પાણી વધારે, ને પછી સહેજ લીંબુ અને મીઠું ઉમેરીને ચડવા મૂકી દે, એટલે ભયોભયો ! ખાટ્ટા મગ લસણ વગર કેમ થાય, એવું કહેવું છે નીતાબહેનનું જ્યારે ગીતાબહેન હશે, તો હમણાં આઠ-દસ મરી વાટીને નાખશે ખાટ્ટા મગમાં. અને પછી એનો ટેસ્ટ જુઓ !

ગૃહિણી કુશળ હશે, તો ખટાશ, ગળપણ, તીખાશ, તેલ, ઘી… દરેકના સાચા વિકલ્પ વિચારીને નવો ટેસ્ટ ઊભો કરી શકશે. પણ હા, એના માટે પહેલાં તો ખુલ્લા મનની અને પછી અનુભવની જરૂર છે. આખ્ખું આકાશ… સોરી, આખું કિચન તમારી આંખમાં હોય, તો જ તમારા વિકલ્પો સ્વાદિષ્ટ બનશે, બાકી થીગડા જેવા લાગશે…. !