સ્વાર્થમાં નિ:સ્વાર્થ – વેતાળ કથા

[પ્રસ્તુત બાળવાર્તા ‘ચાંદામામા’ એપ્રિલ-08 સામાયિકમાંથી સાભાર લેવામાં આવી છે. બાળકોના આ લોકપ્રિય સામાયિકની માહિતી હવે તેમની આ વેબસાઈટ http://www.chandamama.com પર ઉપલબ્ધ છે.]

chandamamaધુનમાં પક્કા એવા વિક્રમાદિત્ય ફરીથી વૃક્ષની પાસે ગયા અને વૃક્ષ ઉપરથી શબને ઉતારી, તેને પોતાના ખભા પર નાખી દીધું અને સ્મશાન તરફ આગળ વધવા લાગ્યા. ત્યારે શબની અંદર રહેલા વેતાળે કહ્યું : ‘રાજન, આ ભયંકર સ્મશાનમાં બેધડક ફરી રહ્યો છે, પણ હું તે નથી જાણતો કે તું તારા સ્વાર્થની પૂર્તિને માટે આમ કરી રહ્યો છે કે નિ:સ્વાર્થ લક્ષ્યને સાધવા માટે આટલો પરિશ્રમ કરી રહ્યો છે. પણ લોક વ્યવહાર શૈલીને ધ્યાનથી જોતા એ સ્પષ્ટ થાય છે કે સ્વાર્થને કેન્દ્રબિંદુ બનાવીને ઘણી વખત મનુષ્ય વ્યવહાર કરે છે, તેને જ પૂર્ણ કરવા માટે પોતાનું બધું જ જોર લગાવે છે. નિ:સ્વાર્થતા, પરમાર્થતા, પરોપકાર વગેરે બહાનું જ માત્ર છે. તે માસૂમ મનુષ્યોને જાળમાં ફસાવવા માટે જ છે. દગાબાજો પોતાના સ્વાર્થને માટે તેનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે તને સજીવ નામના એક વૈદની વાર્તા સંભળાવીશ ધ્યાનથી સાંભળ અને તમારા લક્ષ્યનો નિર્ણય કર. એમ કહી વેતાળ સજીવની વાર્તા આમ સંભળાવવા લાગ્યો.

રસપુર વિરુપદેશનું એક નાનું શહેર હતું. ત્યાંના વેપારી રત્નાકરને ત્રણ દીકરા હતા. મોટા બન્ને દીકરાઓના લગ્ન થઈ ગયા હતા અને તે વેપારમાં પિતાને મદદ કરવા લાગ્યા. જોકે ત્રીજો દીકરો વીસ વર્ષની ઉંમરનો થઈ ગયો, તે છતાં પણ વેપારમાં તેને કોઈ રસ ન હતો. ઉલટો જે પણ તેની પાસે ધનની મદદ માગતા તેને કંઈ પણ વિચાર્યા વગર આપી દેતો હતો. મોટા તેમજ નાના બધાજ મીઠી મીઠી વાતો કરીને તેને બહેકાવતા હતા અને તેની પાસેથી ધન પડાવતા હતા. ઘરના લોકોને તે જરાય ગમતું ન હતું. રત્નાકર દીકરાના આવા લક્ષણથી ખૂબ હેરાન હતો. પત્નીએ સલાહ આપી કે જો તેના લગ્ન કરી દેવાય chandamam2તો કદાચ તે સુધરી જાય. રત્નાકરના એક મિત્રે તેને કહ્યું, ‘સજીવનું હૃદય ખૂબ કોમળ છે. તેનામાં દયા, પરોપકાર વગેરે ગુણો ભર્યા પડ્યા છે. પરંતુ દુ:ખની વાત તો એ છે કે તેનામાં લોક જ્ઞાનનો અભાવ છે. મારી દીકરી મનોરમા દયાળુ છે પણ તેનામાં લોકજ્ઞાન છે. તે ખૂબ અક્કલવાળી પણ છે. તેની સાથે જો સજીવના લગ્ન કરાવશો તો તેનામાં ઘણો સુધારો આવી જશે.

રત્નાકરે તેની સલાહ માની લીધી અને જલદી મનોરમા સજીવની પત્ની બની. પિતાની વાતને સાચી બનાવતા તેણે બહુ થોડા સમયમાં સજીવનું હૃદય જીતી લીધું. તે જે પણ કહેતી તેને સજીવ માની લેતો હતો. તેણે એક દિવસ પતિને કહ્યું, ‘તમે ઘણા દયાળુ છો. જે પણ તમારી પાસે મદદ માંગે છે, તેને ધન આપીને મદદ કરો છો. ઘરના બધા લોકો એમ કહે છે કે તમે જેને પણ દાન આપો છો, તેનાથી કોઈ સુખી નથી થયું. તમારે સાબિત કરવું પડશે કે તેમની વાત સાચી નથી અથવા તો તમારી પદ્ધતિમાં પરિવર્તન લાવો અને ઘરના લોકોને સંતોષ આપો.’ સજીવે તેનો પડકાર સ્વીકાર્યો અને તે પહેલાં સંજયને ઘેર ગયો, જેને તેણે ધન આપીને મદદ કરી હતી. ત્યારે સંજય પોતાના ઘરના ચબૂતરા પર નિરાશ થઈને બેઠો હતો. સજીવને જોતાં જ તેણે કહ્યું, ‘તેં જે રકમ આપી હતી તેમાંથી કાલે જ મારા ઘરમાં પકવાન બન્યા હતા. અમે બધા તે ખાઈને કુશળ છીએ, પણ મારા પિતા તથા મારા નાના દીકરાને અપચો થઈ ગયો અને ખોરાક હજમ ના થયો. વૈદે દવા આપી તેથી મારા નાના દીકરાની તબીયત તો બરાબર થઈ ગઈ પણ મારા પિતા હવે બીમાર થઈ ગયા. વૈદે ત્રણ દિવસ સુધી તેમને ઉપવાસ રાખવા માટે કહ્યું. પિતાજી નારાજ થઈને રકમ આપનારા એવા તને અને પકવાન બનાવનાર મને સતત ગાળો આપ્યા કરે છે.’

chandamam3ઘરવાળાની વાત સાચી નીકળી, તે છતાં પણ તેનો ઉત્સાહ ઓછો ન થયો. તેને વિશ્વાસ હતો કે બધાની બાબતમાં એવું નહીં બને. ત્યાંથી નીકળી તે સુગ્રીવના ઘર તરફ ગયો. તેના દરવાજા પર જ તેને ગાળો સંભળાઈ. હજી કાલેજ સુગ્રીવ તેની દીકરીની સગાઈ માટે તેની પાસેથી ધન લઈને ગયો હતો. આજે તેની દીકરીને તાવ ચડ્યો હતો. તેને જોવા માટે જે આવ્યા હતા, તેઓ તે છોકરી માંદલી છે, એમ સમજી પાછા ચાલ્યા ગયા. તેમને એવી ફરિયાદ હતી કે સજીવે આપેલું ધન તેમને સહ્યું નહીં. તેથી તેની સગાઈ ન થઈ. તે લોકો તે માટે સજીવને ગાળો આપવા લાગ્યા.

સજીવ પાછો ફર્યો, પણ નિરાશ ન થયો. મોટી આશા સાથે તે ચાર-પાંચ લોકોને ઘેર ગયો, પરંતુ દરેક જગ્યાએ તેણે આવી જ સ્થિતિ જોઈ. સજીવને ખબર પડી ગઈ કે જેને-જેને તેણે ધન આપીને મદદ કરી છે, તે કોઈ સંતુષ્ટ નથી. બધું તેણે વિસ્તારથી પત્નીને જણાવ્યું. પછી તેણે પત્નીને કહ્યું ‘મિત્રોને ખુશ રાખવા માટે મેં જે પદ્ધતિ અપનાવી, ભલે તે બરાબર ન હોય, પરંતુ મારે કારણે તેની જરૂરિયાત તો પૂરી થઈ છે ને ? આનાથી વધુ કોઈ સારી પદ્ધતિ હોય તો કહો. જરૂર તેનો અમલ કરીશ.’
મનોરમાએ તરત કહ્યું : ‘મનુષ્યને સાચી તૃપ્તિ આરોગ્ય સ્વસ્થ હોય તેનાથી મળે છે. જેનું આરોગ્ય બરાબર નથી હોતું, પછી ભલેને તે ગમે તેટલો ધનવાન હોય, તે છતાં પણ સુખી નથી રહી શકતો. તમે જો એમ ઈચ્છતા હો કે તમારા મિત્રો અને તમને ઓળખતા લોકો સુખી રહે, તો તમે વૈદક શીખો. ધનવાન પાસેથી ધન બરાબર લેવું અને ગરીબોની દવા મફતમાં કરજો.’
‘પણ વૈદક શીખવા માટે તો ઘણા વર્ષો લાગી જશેને ?’ સજીવે સંદેહ દર્શાવતા કહ્યું.
‘બૃહદારણ્યમાં અસવ નામનો એક તપસ્વી છે. તે વૈદ શાસ્ત્રમાં પ્રવીણ છે. યોગ્ય શિષ્યને એક જ વર્ષમાં વૈદ શાસ્ત્ર શિખવવાની ક્ષમતા ધરાવે છે. જો તમે ત્યાં જશો તો બહુ જલદી યોગ્ય વૈદ બની શકો છો. મનોરમાએ કહ્યું.

chandaamama4સજીવ તે દિવસે બૃહદારણ્ય ગયો અને અસવને મળ્યો. તેમણે તેને પોતાનો શિષ્ય બનાવ્યો અને એક જ વર્ષમાં વૈદશાસ્ત્રમાં તેને પારંગત બનાવી દીધો. વિદ્યાભ્યાસની પૂર્તિ પછી અસવે સજીવને કહ્યું : ‘મેં દવાની એવી પદ્ધતિઓ તને શીખવી છે, જે દુનિયાના કોઈ પણ વૈદને તેની જાણ નથી. પણ થોડા એવા પણ રોગ છે. જેની ચિકિત્સા દવાથી નથી થતી. મારી પાસે એક એવો પણ ગ્રંથ છે, જેમાં એવા રોગોની ચિકિત્સાનો મંત્ર છે. સેવા ભાવથી નિ:સ્વાર્થ થઈને જે ચિકિત્સા કરે છે, તે જ આ ગ્રંથને મેળવવા માટે યોગ્ય છે. જ્યારે તે સાબિત થશે, ત્યારે કોઈને કોઈ મારો પોકાર તારા સુધી પહોંચાડશે, જ્યારે તું આવીશ, ત્યારે આ ગ્રંથ તને સોંપી દઈશ.’

સજીવ ગુરુનો આશીર્વાદ મેળવીને રસપુર પાછો આવ્યો અને પત્ની મનોરમાને બધી વાત જણાવી. પત્નીના કહેવા અનુસાર તે ગરીબોની સેવા મફતમાં અને અમીરો પાસેથી વધુ ધન લઈને દવા કરવા લાગ્યો. સજીવની દવા અકસીર રામબાણ સમાન ગણાવા લાગી. તેથી દૂર-દૂરથી લોકો તેની દવા કરાવવા માટે આવવા લાગ્યા.

એક દિવસ એક સાધુ જીવનના ઘરની સામે ઊભો રહીને ‘ભિક્ષાદેહી’ કહેવા જતો હતો કે તેણે જોયું કે સામેના ઘરમાં રહેતો સજીવ કોઈ ગરીબ રોગીની ધ્યાનથી ચિકિત્સા કરી રહ્યો હતો. તે સમયે જ બરાબર ઘોડાગાડીમાં એક અમીર આવ્યો, અને બોલ્યો : ‘વૈદોત્તમ, તમે જેટલી પણ રકમ લેવો ઈચ્છો તેટલી આપીશ, પણ પહેલા મારા રોગની દવા કરો.’ તેના સ્વરમાં ગર્વ હતો. સજીવે તે ધનવાનને નખ-શિખ નિહાળ્યો અને કહ્યું : ‘તમે જે ધન આપશો, તે જરૂર લઈશ. પણ ચિકિત્સા પહેલાં રોગનું નિદાન કરવું જરૂરી છે. જ્યારે તમારો વારો આવશે, ત્યારે ખુદ હું પોતે જ તમને બોલાવીશ. ત્યાં સુધી આ હરોળમાં બેસી જાવ.’ ત્યારે સજીવની દષ્ટિ તે સાધુ પર પડી. તેણે સાધુને પ્રણામ કર્યા અને કહ્યું : ‘આજે તમે અમારી સાથે ભોજન લઈને અમને કૃતાર્થ કરો.’
સાધુએ હસીને કહ્યું : ‘સારું, હું અહીં બેસું છું. તું તારું કામ પતાવી દે. પછી સાથે ભોજન કરીશું.’
chadaamama5 સજીવે બધા રોગીઓની પરીક્ષા કરી. તેમને જરૂરી દવા આપી અને થોડી વાર પછી અંદર ગયો. સાથે સાધુને પણ ઘરમાં લઈ ગયો. વાર થવા માટે તેણે સાધુની ક્ષમા માગી. સાધુએ કહ્યું : ‘રોગીઓ પ્રત્યે તારી શ્રદ્ધા, ધનને માટે ન ઝૂકનારો તારો નિ:સ્વાર્થ સેવા ભાવ, તથા સાધુઓ પ્રત્યે તારો આદર ભાવ, અદ્દભુત છે. આવા વૈદો વીરલા જ કહેવાય. અસવના વૈદ મંત્ર ગ્રંથને મેળવવાની પૂર્ણ યોગ્યતા તારામાં છે. તરત જ બૃહદારણ્ય જવા માટે નીકળ.’

સમવ સમજી ગયો કે આ સાધુને આસવે જ મોકલાવ્યા છે. તેણે મનોરામને આ વાત જણાવી. તેણે પતિને કહ્યું, ‘બૃહદારણ્ય જવા-આવવામાં જ ઓછામાં ઓછું એક સપ્તાહ તો નીકળી જ જશે. જરૂર જાવ, પણ જ્યારે રોગીઓ ન હોય ત્યારે જાવ.’ સજીવે આ જ વાત સાધુને કહી. તેણે તે વાત બરાબર માની અને ભોજન કર્યા પછી તે ચાલ્યા ગયા. તે દરમ્યાન તે દેશના રાજા ભીમસેનની માં સખત માંદી પડી ગઈ. રાજવૈદની કોઈ પણ દવા કામ ન આવી. રાજાએ સજીવને ખબર મોકલાવ્યા. પત્નીની સલાહ લઈને સજીવે દૂતને કહ્યું : ‘જો હું અહીંથી જઈશ, તો કેટલાય રોગીઓને કષ્ટ પહોંચશે. પ્રજાહિત ઈચ્છનારા અમારા રાજા પણ નારાજ થઈ જશે. સારું તો એ થશે કે દવા માટે રાજમાતાને જ અહીં લઈ અવાય.’ બીજે દિવસે સાધુ સજીવને મળ્યો અને સાહસ, નિ:સ્વાર્થની ભરપૂર પ્રશંસા કરી. તેણે સલાહ આપી કે તે તરત જ બૃહદારણ્ય જાય અને તે મંત્ર ગ્રંથને લઈ આવે. પરંતુ સજીવે પહેલાની જેમ જવાબ આપ્યો.

chandamama6તે પછી થોડા જ દિવસોમાં રસપુરનો એક ધનવાન વેપારી મહેન્દ્ર સખત બીમાર પડી ગયો. સજીવને તેના રોગના મૂળની જાણ ન થઈ શકી. તે દ્વિધામાં પડી ગયો કે હવે શું કરવું. ત્યારે સાધુ મનોરમાને મળ્યો અને કહ્યું, ‘મહેન્દ્રના રોગની દવા મંત્ર દ્વારા થઈ શકે છે. હજી પણ કાંઈ મોડું નથી થયું. તારા પતિને બૃહદારણ્ય મોકલ.’ મનોરમાને પણ હવે તે જરૂરી લાગ્યું અને તેણે પતિને ગુરુ પાસે જવા માટે કહ્યું. પણ સજીવે તે ન માન્યું. ત્યારે મનોરમાએ સાધુની સલાહ પર નાટક કર્યું. જાણે કે બહુ માંદી પડી ગઈ હોય, તેમ ખાટલે પડી. સજીવે તેની દવા કરી પણ મનોરમા પર તેનો કોઈ પ્રભાવ ન પડ્યો. સજીવની પરેશાની વધતી ગઈ. બીજો કોઈ રસ્તો ન સૂઝતા, જ્યારે તે સાધુને મળ્યો, ત્યારે તેણે સલાહ આપી કે તે તરત જ ગુરુ પાસે જવા માટે નીકળી જાય અને તે મંત્ર – ગ્રંથ લઈ આવે. નહીતો તેની પત્ની મુસીબતમાં મૂકાઈ જશે. મનોરમાએ પણ સજીવને જવા માટે જોર કર્યું. તે બૃહદારણ્ય ગયો અને અસવ પાસેથી ગ્રંથ લઈને પાછો આવ્યો. મહેન્દ્રની સાથે સાથે બીજા કેટલાય રોગીઓની દવા તેણે તે ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે કરી અને તેમના રોગ દૂર કર્યા.

વેતાળે આ વાર્તા જણાવીને પૂછ્યું : ‘રાજન, સાધુએ ઘણી વખત સજીવને બૃહદારણ્ય જવા માટે કહ્યું, પણ તે ન ગયો. પરંતુ જ્યારે તેની પત્ની માંદી પડી, ત્યારે તે તરત ગુરુ પાસે મંત્ર-ગ્રંથ લેવા માટે ગયો. શું આ સ્વાર્થ નથી ? જો વૈદમંત્ર ગ્રંથ પોતાની પાસે હોત તો મહેન્દ્ર જેવા ધનવાનની દવા કરીને મોટા પ્રમાણમાં તે ધન કમાઈ શકત. તેથી મનોરમાએ પોતાના પતિને બૃહદારણ્ય જવા માટે તૈયાર કર્યો. શું આ મનોરમાનો સ્વાર્થ નથી ? આમ બે પ્રકારના સ્વાર્થના વશમાં આવીને ગયેલા સજીવને, અસવે મંત્ર-ગ્રંથ આપ્યો તે શું તેના નિયમનો ભંગ ન કહેવાય ? કેમકે તેણે કહ્યું હતું કે આ ગ્રંથ નિ:સ્વાર્થીઓને જ આપશે. મારી આ શંકાઓનું સમાધાન જો તું જાણતો હોવા છતાં પણ ચૂપ રહીશ, તો તારા માથાના ટુકડે-ટુકડા થઈ જશે.’

રાજા વિક્રમે કહ્યું : ‘અગ્નિને સાક્ષી માનીને સજીવે મનોરમા સાથે લગ્ન કર્યા હતા. પતિ હોવાને નાતે પત્નીને બચાવવી તે તેનો ધર્મ છે. તે માટે તેની દવા કરવાના હેતુથી તે બૃહદારણ્ય જાય તે કોઈ સ્વાર્થ ના કહેવાય. મનોરમાને કારણે જ સજીવે ગરીબોની વિના મૂલ્યે દવા કરી. તે માટેનું પ્રોત્સાહન પણ તેને તેની પાસેથી જ મળ્યું. આવી ધર્મપત્ની પર ધન મેળવવાનો આરોપ મૂકવો તે યોગ્ય નથી. જ્યારે તેને ખબર પડી કે તેની પત્ની રોગગ્રસ્ત છે ત્યારે તેણે બીજા રોગીઓની દવા કરવામાં પોતાની અસમર્થતા લાગી. જો મનોરમા સખત માંદી પડી જાય તો હોઈ શકે કે તે વૈદ વૃત્તિને હંમેશ માટે છોડી દે. આમ થાય તો કેટલાય રોગીઓને નુકશાન થાય જે વૈદ મંત્ર-ગ્રંથ લઈ આવ્યો, તે દ્વારા તેણે બીજા કેટલાય રોગીઓની દવા કરી અને તેમને રોગમુક્ત કર્યા. તેથી સજીવે બૃહદારણ્ય જઈને અને અસવે વૈદ-ગ્રંથ આપીને કોઈ નિયમનો ભંગ નથી કર્યો.’

chandamama7

રાજાના મૌન ભંગમાં સફળ વેતાળ શબ સાથે ઊઠ્યો, ‘તું બોલ્યો અને હું આ ચાલ્યો….’ કહી અદશ્ય થઈ ગયો. ફરીથી તે વૃક્ષ ઉપર જઈને બેઠો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફાસ્ટફૂડ – કૃષ્ણ દવે
મોટાં બેન – ડૉ. દેવચંદભાઈ યોગી Next »   

14 પ્રતિભાવો : સ્વાર્થમાં નિ:સ્વાર્થ – વેતાળ કથા

 1. Paresh says:

  ચાંદામામા અને ઈન્દ્રજાલ કોમિક્સ નાનપણમાં ખૂબ વાંચ્યા છે. ચાદામામાની તમામ વાર્તાઓમાંથી જીવનલક્ષી પાઠ ભણવા મળે. વાર્તાના તે દિવસો યાદ આવી ગયા. એ જ ફોટા એ જ લખાણ. આભાર.

 2. Harita says:

  wise messages build a base of life in children. At present this type of stories are very essential for children. thank you.

 3. Priya says:

  બહુ સરસ,
  હુ નાની હતી ત્યારે વિક્રમ વેતાળ ની સિરીયલ જોતી હતી પણ બહુ સમજ
  ન હતી આવતી ……….
  આજે આ એક જ વાર્તા પરથી મને બધુ જ સમજમા આવી ગયુ કે વરસોની
  અણસમજ ઉકેલાય ગઈ.

 4. Amit Lambodar says:

  મૃગેશભાઈ,

  ૩૨ પુતળી માં થી એક વાર્તા થઈ જાય?

 5. Ashish Dave says:

  બાળપણ યાદ આવી ગયુ.

  Ashish Dave
  Sunnyvale, California

 6. ભાવના શુક્લ says:

  ચાંદામામા…
  ‘મારુ પ્રિય પુસ્તક’ ઓનેસ્ટલી જવાબ આપવાનો હોય તો આ જ ૧૦૦% છે.

 7. Dhruv says:

  Dear mrugesh,

  It was a grat experience to read Chandamama at the age of 62. I must congretulate u for your work At present I am in Lusaka. I do not know how to write in GujARATI ON A COMPUTER. I tryied to write few characters but failed – wish u well Dhruv

 8. Dhruv says:

  It was a grat experience to read Chandamama at the age of 62. I must congretulate u for your work At present I am in Lusaka. I do not know how to write in GujARATI ON A COMPUTER. I tryied to write few characters but failed – wish u well – Dhruv

 9. Hiral Thaker "Vasantiful" says:

  બાળપણમા વિક્રમ વેતાળની સિરિયલ જોતા અને બહુ ગમતી. વધારે ઉત્સુકતા તો ત્યારે થતી જ્યારે વિક્રમ રાજા નો જવાબ આપવાનો વારો આવતો. શુ જવાબ આપશે ને એનુ કારણ શુ હશે તે જાણવુ ગમતુ. પ્ંચત્ંત્રની વાર્તાઓ પણ ખુબ જ સારી અને બોધ આપે તેવી હોય છે.

 10. sunita says:

  ૈI passed my childhood reading Chandamama, Champak, Nirjan and ofcourse Foolwadi. It was great days. And today I read this article and remembering my old days. Now I m in London, far from my country and busy in my life but still I always find “BalVarta” very attractive. thankyou so much “ReadGujarati” to give this amazing moments. I check the Chandamama website and Thanks to give the address.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.