- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

મોટાં બેન – ડૉ. દેવચંદભાઈ યોગી

[‘સુગરીના માળા’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

રંગપુર સ્ટેશન આવ્યું. ગાડી ઊભી રહી. રાધા ગાડીમાંથી ઊતરી. સ્ટેશન નાનું હતું. સવારનો પ્હોર હતો. ઉતારુઓની સંખ્યા વધારે નહોતી. રાધા ઉતારુઓમાં જુદી તરી આવતી હતી. તેના હાથમાં બેગ હતી. રાધા ટિકિટ આપી સ્ટેશન બહાર નીકળી. ગામ સ્ટેશનથી થોડે દૂર હતું. એક સ્ત્રી રાધા પાસે આવી અને કહ્યું : ‘બુન ! ચ્યાં જવું છ. લાઓ બેક લઈ લઉં ?’

રાધાએ બેગ એના હાથમાં આપી. બંને ચાલવા લાગ્યાં. આગળ પેલી સ્ત્રી અને પાછળ રાધા.
‘મારે ગુજરાતી નિશાળમાં જવું છે. તેં નિશાળ જોઈ છે ને ?’
‘ચ્યમબુન ! ગામમાં વસીએ અને નેંહાળ નંઈ જોઈ હોય ?’
‘નિશાળ કેટલે દૂર છે ?’
‘ગામની ઓલિ મેંર. આંયથી પંનરવીહ મિલટનો રસ્તો છે.’
‘તારું નામ શું ?’
‘રામલી !’
‘રામી ! નિશાળમાં ઉપરી કોણ છે ?’
‘નેંહાળનાં ઉપરી મોટાં બુન છ. એ બઉ ભલાં છ. એ આયાં ત્યારે ઈમને મેલવા પણ હું જ જઈ’તી’

ગામ આવ્યું. નિશાળે જવાનો રસ્તો ગામ વચ્ચે થઈને પસાર થતો હતો. લોકોની નજર રાધા તરફ ખેંચાયા વિના ન રહી. ગામ પાર કરી બંને શાળાના દરવાજા આગળ આવ્યાં. મુખ્ય દરવાજો બંધ હતો. શાળામાં એક માણસ દાખલ થઈ શકે તેવો બીજો નાના દરવાજો હતો. દરવાજા ઉપર બોગનવેલની કમાન વાળેલી હતી. નાને દરવાજેથી બંને શાળાના કંપાઉન્ડમાં દાખલ થયાં. શાળાનું કંપાઉન્ડ વિશાળ હતું. વચ્ચે શાળાનું મકાન હતું. દરવાજાથી શાળા સુધી સુંદર રસ્તો બનાવેલો હતો. રસ્તાની બંને બાજુ કેવડાની હારો હતી. અંદરની બાજુની પટ્ટીઓમાં બારમાશી, ઝીનીયા, ડમરો, તુલસી, કોસમોસ, ગિલોરિયા અને બીજા વિવિધરંગી ફૂલછોડ હતા. આ ઉપરાંત ચાંદની હતી, બોટલબ્રશ હતાં, પારિજાતક હતાં, રાતરાણી હતી.

રાધાને આ બધું ગમ્યું. રાધાને મજૂરણ સાથે દૂરથી આવતી જોઈ મોટાં બેન પોતાની ઑફિસમાંથી બહાર નીકળ્યા. રામલી ઝડપથી મોટાં બેન પાસે પહોંચી અને બેગ નીચે મૂકતાં તેણે કહ્યું : ‘મોટાં બુન ! આ નવાં બુનને લાઈ છું. આ ઈમની બેક.’
‘આવ, બહેન.’ કહી મોટાં બેને રાધાને આવકારી અને તેને પોતાની ઑફિસમાં લઈ ગયાં. રાધાએ ઑફિસમાં ચારે બાજુ નજર નાખી લીધી. ઑફિસ નાની હતી પણ વ્યવસ્થિત હતી. ઑફિસમાં એક લોખંડનું કબાટ હતું. મોટાં બેનની બેઠકની સામેની ભીંત ઉપર ભારતનો નકશો લટકતો હતો. બાજુની બંને ભીંતો ઉપર બે ફોટા હતા – એક ખૂણામાં પાણીનું માટલું, બે ગ્લાસ અને પાણીનો ડોયો હતાં. એક ડબલ હતું. મોટાં બેનની ખુરશી ઉપરાંત આગંતુકો માટે બે ખુરશીઓ હતી.

રાધાને આ જોયા પછી મોટાં બેન તરફ વધારે મમતા ઊપજી. સૌ પ્રથમ રામલીએ જ મોટાં બેન વિષે કહ્યું હતું. મોટાં બેન ભલાં તો હશે જ. પણ એથી કંઈક વિશેષ છે એની પ્રતીતિ થયા વિના ન રહી. તેમણે ઝીણી કાળી કિનારાવાળી સાડી પહેરી હતી. તેમના મોઢા ઉપર ઊપસી આવતી થોડી કરચલીઓમાં અનુભવની આભા વરતાતી હતી. એમનું વિશાળ લલાટ બુદ્ધિમતાનું દ્યોતક હતું. તેમના માથાના સફેદ વાળ જીવનની તડકી-છાંયડીની સાક્ષી પૂરતા હતા.
‘મોટાં બેન ! વળતી વેળા મજૂરી લઈ જઈશ.’ કહી રામલી ચાલવા લાગી. તેને ઊભી રાખતાં મોટાં બેને કહ્યું : ‘રામી ! મજૂરી લેતી જા. પચીસ પૈસામાં નાહક બીજો ધક્કો ખાવાની જરૂર નથી.’ તેમણે રામલીને પચીસ પૈસા આપ્યા. તે લઈ રામલી ગઈ. રાધા મોટાં બેનને પચીસ પૈસા આપવા માંડી. તેમણે તે ન લીધા, પણ ઉપરથી ઠપકો આપતાં કહ્યું : ‘આજે તો તું મારી મહેમાન કહેવાય. મહેમાનના પૈસા લેવાતા હશે ? આજે તારે મારે ત્યાં જમવાનું છે એટલું જ નહીં પણ તું મકાન રાખે ત્યાં સુધી મારે ઘેર જ રહેવાનું છે.’

રાધાને નવાઈ લાગી. અત્યાર સુધીમાં દશેક વખત તેની બદલીઓ થઈ હશે, પણ એકે ય જગ્યાએ તેને આટલો પ્રેમ, આટલી મમતા, આવો ઊમળકો જોવા નહોતા મળ્યાં.
રિસેસનો ઘંટ વાગ્યો.
મોટાં બેન રાધાને લઈ સ્ટાફરૂમમાં આવ્યાં. બધાં સાથે રાધાની ઓળખાણ કરાવી. એક શિક્ષકની તબિયત નરમ હતી તેને ઉદ્દેશીને મોટાં બેને કહ્યું : ‘રમણભાઈ ! શાળામાં ન આવ્યા હોત તો ચાલત. હું વર્ગની વ્યવસ્થા કરી લેત. અત્યારે જ તમે ઘેર જાઓ અને આરામ કરો.’ બીજી શિક્ષિકાને ઉદ્દેશી તેમણે કહ્યું : ‘કૃષ્ણા ! તારા વર્ગને રિસેસ પછી શ્રમકાર્ય છે. રમણભાઈના વર્ગને પણ સાથે રાખજો.’
ચા-પાણી પતી ગયાં.
છાપાવાળો છાપું આપી ગયો.
એક છોકરો રડતો રડતો આવ્યો. તેના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું. તેને પથ્થરની ઠેસ વાગી હતી. મોટાં બેને તેને માથે હાથ ફેરવી છાનો રાખ્યો. ટીંક્ચર આયોડીન મંગાવી અંગૂઠે પાટો બાંધ્યો : ‘જોજે, બહુ દોડાદોડ ન કરતો સંભાળીને ચાલજે.’ કહી છોકરાના ગાલ ઉપર ટપલી મારી. છોકરો હસતો હસતો બીજાં છોકરાંઓના ટોળામાં ભળી ગયો.

રિસેસ પૂરી થઈ.
સૌ પોતપોતાના વર્ગમાં ગયાં.
મોટાં બેન અને રાધા ઑફિસમાં આવ્યાં.
કૃષ્ણા બે વર્ગોને બગીચામાં જવાની સૂચના આપી મોટાં બેનની ઑફિસમાં આવી.
‘આવ કૃષ્ણા ! કંઈ કામ છે ?’
‘ના, મોટાં બેન ! કામ તો કંઈ નથી. રાધાબેનને હું મારી સાથે બગીચામાં લઈ જાઉં ત્યાં સુધીમાં તમે તમારું કામ પતાવો.’
‘સારું.’
કૃષ્ણા અને રાધા બગીચામાં આવ્યાં. બગીચો શાળાની પાછળ જ હતો. બધાં છોકરાંને ભેગાં કર્યાં. કામની વહેંચણી કરી, કેટલાંક છોકરાંને કૂવામાંથી પાણી ખેંચવાનું કામ સોંપ્યું. બીજાં કેટલાંકને ક્યારા નીંદવાનું કામ આપ્યું. બાકીનાંને ક્યારા ગોદવાનું કહ્યું. છોકરાં કામે વળગ્યાં.

‘રાધાબેન ! અહીં ફાવશેને ?’
‘કૃષ્ણાબેન ! અહીં નહીં ફાવે તો બીજે ક્યાં ફાવશે ? આવી સુંદર શાળા અને આવું સુંદર વાતાવરણ હોઈ શકે એવી મને તો કલ્પના પણ નહોતી.’
‘આ બધું મોટાં બેનને આભારી છે. પહેલાં આ શાળામાં મોટા ભાગના શિક્ષકો ગામના જ હતા. અંદરોઅંદર ઝઘડા અને ચસમપોશી ચાલતાં. ગામલોકો તેમનાં ઝઘડામાં રસ લઈ વાતાવરણ વધારે ખરાબ કરતા. એ વખતે કંપાઉન્ડમાં ફરતે વાડ નહોતી. લીમડાનાં બેત્રણ ઝાડ અને પેલા પીપરના ઝાડ સિવાય કંઈ નહોતું. કંપાઉન્ડમાં ગધેડાં આળોટતાં અને કૂતરાં જાજરૂ જતાં. એક શિક્ષિકાએ આપઘાત કર્યો. ચારે બાજુ ‘હો હા’ થઈ ગઈ. બધા શિક્ષકોની બદલીઓ થઈ. આ શાળામાં આવવા કોઈ તૈયાર નહોતું. મોટાં બેન સ્વેચ્છાએ અહીં આવ્યાં. હું પણ તે જ દિવસે આ શાળામાં હાજર થઈ. મનમાં ગભરામણ થતી હતી, પણ નોકરીની શરૂઆત હતી એટલે હાજર થયા વિના છૂટકો નહોતો. મોટાં બેને બધાંનાં દિલ જીતી લીધાં. તેમણે સૌથી પ્રથમ શાળાના કંપાઉન્ડ ફરતે વાડ કરાવી. જમવા અને રાત્રે સૂવા પૂરતાં ઘેર જાય. બાકીનો બધો સમય શાળામાં જ હોય. થોડા પૈસા ભેગા કરી કૂવો કરાવ્યો. ચોમાસું આવતાં બગીચાની રૂપરેખા તૈયાર થઈ ગઈ. વધારાની જમીનમાં શાકભાજી ઉગાડ્યાં. છોકરાં વાવે, ઉછેરે, વેચે અને વહીવટ કરે. જે આવક થાય તેમાંથી છોકરાંઓને ગણવેશ બનાવી અપાય અને વધારાની રકમ શાળાના વિકાસમાં વપરાય. શરૂ શરૂમાં અમને લાગતું કે મોટા બેનનું ચસકી ગયું છે. કેટલાકે વિરોધ પણ કર્યો. પણ મોટાં બેને બધું મૂંગે મોઢે સાંભળ્યા કર્યું. પછી તો બધાં રસ લેવા લાગ્યાં. આજે તો આખું ગામ ‘મોટાં બેન’, ‘મોટાં બેન’ કરે છે.’
‘મોટાં બેનનું નામ શું ?’ વચ્ચે રાધાએ પૂછ્યું.
‘રજીસ્ટરમાં તો ગંગાબેન છે, પણ બધાં એમને ‘મોટાં બેન’ જ કહે છે. માંડ પચીસેક લોકોને તેમના નામની ખબર હશે ?’
‘આ બધાં ફૂલઝાડ અને ફળઝાડની પસંદગી મોટાં બેનની જ હશે.’

‘હા, રાધાબેન ! મોટાં બેનને બગીચાનો ખૂબ શોખ છે. આ બાજુ આવો ! તેમણે ગુલાબને આંખ ચડાવી એક જ છોડ ઉપર બે રંગનાં ફૂલ પેદા કર્યા છે.’ કહી કૃષ્ણા રાધાને ગુલાબના ક્યારા પાસે લઈ આવી. તેણે બે રંગના ગુલાબવાળા છોડ તરફ આંગળી ચીંધી ગૌરવપૂર્વક કહ્યું : ‘રાધાબેન ! બીજી કોઈ જગાએ તમે આવું જોયું છે ?’
‘હા, કૃષ્ણાબેન ! મારા એક સંબંધી છે. જાણે બગીચો જ એમનું જીવન ! જ્યારે બગીચામાં હોય ત્યારે ઝાડ સાથે વાતો કરતા હોય એમ લાગે. એમણે ગુલાબના એક છોડ ઉપર સાત રંગના ફૂલ પેદા કર્યા હતાં. કાંટા વિનાના ગુલાબના છોડનું સર્જન કર્યું હતું. આકડાના છોડ પર બોરડીની કલમ ચડાવી હતી, બીજ વિનાનાં જામફળ, પપૈયાં અને ટામેટાંની જાતો પેદા કરી હતી. એમણે જ મને વનસ્પતિઓનું ઘેલું લગાડ્યું હતું.’
‘કૃષ્ણાબેન ! પેલો છોડ શાનો છે ?’ થોડે છેટે આવેલા પારિજાતક તરફ આંગળી ચીંધી રાધાએ પૂછ્યું.
‘સાચું કહું, રાધાબેન ?’ મને ગુલાબ અને મોગરાના છોડ સિવાય બીજા ફૂલછોડની ઓળખાણ નથી.

‘એ પારિજાતક છે. તેને હરસિંગાર પણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને ‘શેડીંગ ટીયર્સ’ (ખરતાં આંસુ) કહે છે. એને વિષે સુંદર લોકોક્તિ છે. પારિજાતક એક જન્મમાં અપ્સરા હતી. તે સૂર્યના પ્રેમમાં પડી. પારિજાતક સૂર્યની પાછળ ઘેલી હતી, પણ સૂર્યે તેને દગો દીધો. તે બીજી સ્વરૂપવાન અપ્સરાના પ્રેમમાં પડ્યો. પારિજાતકને આ વાતની જાણ થઈ. તે ગુસ્સે થઈ અને સૂર્યને શાપ આપ્યો : ‘હું કોઈ દિવસ તારું મોં નહીં જોઉં.’ બસ, તે દિવસથી સૂર્ય ઊગે તે પહેલાં પારિજાતકનાં ફૂલ ખરી પડે છે. આવું તો એમણે મને ઘણું ઘણું કહ્યું છે. જુઓ, સામે પેલું ચંપાનું વૃક્ષ છે, તેના ફૂલ વિષે કહેવાય છે કે
‘ચંપા ! તુજમેં તીન ગુન રૂપ, ગુન ઔર બાસ;
એક અવગુન ઐસો ભયો, ભ્રમર ન આવે પાસ.’
‘રાધા ! ફરીથી બોલ જોઉં !’ કહેતાં મોટાં બેન કેવડાના ઝુંડ પાછળથી નીકળ્યાં. મોટાંબેનને આમ અચાનક આવેલાં જોઈ બંને શરમાઈ ગયાં.

જીવન પણ એક બાગ છે. અસ્તવ્યસ્ત થયેલા આપણા જીવનરૂપી બાગને આપણે મોટાંબેનની જેમ વ્યવસ્થિત કરી શકીએ તો પ્રસન્નતા અને પ્રેમના પુષ્પો તેમાં જરૂર પાંગરે.

[કુલ પાન : 204. કિંમત રૂ. 100. પ્રાપ્તિ સ્થાન : શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, 64/1, ગાંધી રોડ, અમદાવાદ-1.]