એક નદીની સાથે યાત્રા – અમૃતલાલ વેગડ

vaakdhara[ગત વર્ષે એટલે કે અસ્મિતાપર્વ-10 માં ‘પ્રવાસવર્ણન’ વિષય અંતર્ગત અપાયેલ લેખક શ્રી અમૃતલાલભાઈનું વક્તવ્ય ‘અસ્મિતાપર્વ વાકધારા સંપુટ : ભાગ-10’ માંથી સાભાર. ટૂંકા સમયમાં વિક્રમજનક વેચાણ ધરાવતા 2200 પૃષ્ઠના આ સંપુટને મેળવવા માટે સંપર્ક કરો : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. અથવા ‘ધ બૂક પોઈન્ટ’ 41-41-43, શ્રીજી આર્કેડ, આનંદમહેલ રોડ, અડાજણ, સુરત-9. ફોન : +91 261 2744231 ]

એક વાર નારદ વિષ્ણુને મળવા ગયા. વાતો પૂરી થતાં જવા લાગ્યા, ત્યાં વિષ્ણુએ કહ્યું કે નારદ, તારું પંચાગ જોઈને એ તો કહે કે વર્ષાનો શો યોગ બને છે ? પંચાંગ જોઈને નારદે કહ્યું કે, પ્રભુ, વર્ષાનો દૂર દૂર સુધી કોઈ યોગ નથી બનતો. આટલું કહીને નારદ ચાલતા થયા. પરંતુ હજી તો શેરીના નાકે માંડ પહોંચ્યા હશે કે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. ભીંજાતા-ભીંજાતા નારદ પાછા આવ્યા. વિષ્ણુએ હસતાં હસતાં કહ્યું કે નારદ, હમણાં જ તો તું કહેતો હતો કે વર્ષાનો દૂર દૂર સુધી કોઈ યોગ નથી, પછી આમ કેમ થયું ? નારદે કહ્યું કે, પ્રભુ, મેં પંચાંગની વાત કહી હતી, આપના મનની નહીં. આખરે થશે તો એ જ, જે આપના મનમાં હશે. સજ્જનો, મારા મનના પંચાંગમાં દૂર દૂર સુધી નહોતું લખ્યું કે વિદ્વાનોની આવી પ્રતિષ્ઠાપૂર્ણ સભામાં બોલવાનો અવસર મને મળશે, તેય પૂ. મોરારિબાપુની ઉપસ્થિતિમાં. પરંતુ થશે એ નહીં જે મારા પંચાગમાં લખ્યું હશે, થશે એ જે પ્રભુના મનમાં હશે.

amrutlalગુજરાતમાં જો કોઈ મને એક દિવસ માટે બોલાવે તો હું ચાર દિવસ માટે આવું. અને આમ હું અકારણ નથી કરતો. અહીં આવીને હું આપ સૌની મીઠી ગુજરાતી ધ્યાનથી સાંભળું. મારાં ખરબચડાં ઉચ્ચારણ સુધારું. મારી વ્યાકરણની ભૂલો દૂર કરું. ભુલાઈ ગયેલા શબ્દોને નવેસરથી શીખું. ટૂંકમાં, અહીં આવવાથી મારો ગુજરાતીનો રિફ્રેશર કોર્સ થઈ જાય છે. મારી ગુજરાતી તાજીમાજી થઈ જાય છે. સજ્જનો, મારા 79 વર્ષના જીવનમાં ગુજરાતમાં મને કુલ ત્રણ વર્ષ રહેવા મળ્યું છે અને તેય એકસાથે નહીં. મારી ગુજરાતીની કુલ મૂડી આટલી. પરંતુ માતાના ધાવણની સાથે મળતી માતૃભાષાને વર્ષોની સંખ્યાથી ઝાઝી નિસબત નથી હોતી.

માણસ મૂળે તો યાયાવર હતો. આદિમાનવનું કોઈ ઘર નહોતું. શિકારની શોધમાં એ નિરંતર પ્રવાસ કરતો રહેતો. ખરી રીતે તો માણસ બહાર રહેવા માટે સર્જાયો છે, ઠીક એ રીતે જે રીતે પક્ષીઓ, પુષ્પો અથવા વૃક્ષો બહાર માટે સર્જાયાં છે. જરા ઘરની બહાર રમતાં નાનાં બાળકોના આનંદને જુઓ ! પરંતુ આધુનિક જીવનના દબાણને લીધે આપણને ઘરોમાં અને ઑફિસોમાં ગોંધાઈ રહેવું પડે છે. તેમ છતાં આપણે વચ્ચે વચ્ચે ઘરોમાંથી બહાર નીકળીએ છીએ અને નાના-મોટા પ્રવાસો કરીએ છીએ. આપણા પૂર્વજોની ભટકુવૃત્તિનો કોઈ અંશ આપણામાં પણ જળવાઈ રહ્યો છે. જીવન માટે ઘર પૂરતું નથી. જો આપણે ઘર છોડીને બહાર ન નીકળીએ તો સાહસનો અનુભવ નહીં થાય. દુનિયામાં ઘૂમવાનો અર્થ છે – ખતરાનો સામનો કરવો. જોખમ ખેડવું. ગુજરાતની સમૃદ્ધિમાં ગુજરાતીઓની દરિયો ખેડવાની ને દૂર દૂર દેશોમાં જઈને વસવાની સાહસવૃત્તિનો બહુ મોટો ફાળો છે.

આજે મારે એક નદીની વાત કરવી છે. એક નદીની સાથે મેં જે સૌંદર્યયાત્રા કરેલી, એની વાત કરવી છે. પરંતુ પહેલાં તમામ નદીઓની વાત કરી લઈએ. સાહિત્યના એક મોટા પ્રોફેસરની ભણાવવાની રીત અનોખી હતી. એક વાર જેવું એમણે વિદ્યાર્થીઓને ભણાવવું શરૂ કર્યું કે ભડાક કરતાં દરવાજો ખૂલ્યો અને એક સુંદર સ્ત્રી અંદર ધસી આવી. એ અને પ્રોફેસર હસહસીને વાતો કરવા લાગ્યાં. થોડી વાર પછી વાતો કરતાં કરતાં બંને બહાર ગયાં અને દરવાજા પાસે વાતો કરતાં રહ્યાં. જ્યારે યુવતી ચાલી ગઈ, ત્યારે પ્રોફેસર અંદર આવ્યા અને બોલ્યા : ‘હમણાં તમે જે જોયું, એ હતો વાર્તાનો અંત. આના પરથી તમારે વાર્તાનો આરંભ અને મધ્ય લખવાનો છે.’ આજે આપણે જે જોઈએ છીએ, એ નદીઓની જીવનકથાનો અંતિમ ભાગ છે. એના પરથી મેં એના આરંભ અને મધ્યની કલ્પના કરી છે. એ આપને કહું.

શું નદીઓને એમનો માર્ગ તૈયાર મળ્યો હતો ? આપણે પહેલાં એક છેડાથી બીજા છેડા સુધી નહેર ખોદી લઈએ, પછી બટન દબાવીએ એટલે એમાં બંધનાં પાણી વહેવા માંડે. એવી જ રીતે શું કોઈએ ગંગોત્રીથી લઈને ગંગાસાગર સુધીનો માર્ગ ખોદીને તૈયાર કર્યો, પછી ગંગાએ વહેવું શરૂ કર્યું ? શું કોઈએ અમરકંટકથી ખંભાતની ખાડી સુધીનો માર્ગ ખોદીને તૈયાર કરી આપ્યો અને લીલો વાવટો ફરકાવ્યો, એટલે નર્મદાએ વહેવું શરૂ કર્યું ? ના. નદીઓને પોતાના માર્ગ જાતે જ કંડારવા પડે છે. નદીઓ નિજનું નિર્માણ નિજે જ કરતી હોય છે. લાખો વર્ષોની જહેમત પછી નદી પોતાનો પટ તૈયાર કરે છે. જે રીતે પક્ષીને એનો માળો બાંધવો પડે છે, માણસને એનું ઘર બાંધવું પડે છે, એવી જ રીતે નદીને પણ એનો આવાસ જાતે તૈયાર કરવો પડે છે. એ એના પુરુષાર્થનું ફળ છે, આવો પુરુષાર્થ નથી પહાડ કરતો, નથી જંગલ કરતું કે નથી સરોવર કરતાં. નદી સ્વનિર્મિત ભવનમાં રહે છે. આ માટે એ પહાડોને કંડારે છે, ખીણોને ખોદે છે, ચટ્ટાનોને પીસીને એની રેતી બનાવે છે. પોતાનો માર્ગ કંડારતી વેળા એના મનમાં એક જ વાત રમે છે – ન દૈન્યમ, ન પલાયનમ. નદીનું આ જે લડાયક રૂપ છે એ એને ક્ષત્રિય બનાવે છે.

નદી જો કે આરંભમાં ક્ષત્રિય હતી, તો મધ્યમાં બ્રાહ્મણ હતી. હજારો વર્ષો પહેલાં માણસ ગુફાઓમાં રહેતો અને શિકાર કરીને પેટ ભરતો. આખરે એ ખેતી કરતાં શીખ્યો. ખેતી માટે પાણી જોઈએ. એથી એ નદીકાંઠે ઠરીઠામ થયો. એ શિકારીમાંથી ખેડૂત બન્યો, જંગલમાંથી મેદાનમાં આવ્યો, યાયાવરમાંથી ગૃહસ્થ બન્યો. ફુરસદના સમયે એ નવી નવી ચીજો બનાવવા લાગ્યો. એ સર્જન કરવા લાગ્યો. જ્ઞાન-વિજ્ઞાનની ઉપાસના કરવા લાગ્યો. આમ પહેલાં agriculture આવ્યું, પછી culture આવ્યું. બંને શબ્દો cult ધાતુમાંથી બન્યા છે. cultનો અર્થ છે ખેડવું. એક ખેતર ખેડે છે, બીજો પોતાના આત્માનું ખેડાણ કરે છે. આથી સભ્યતા અને સંસ્કૃતિનો આવિર્ભાવ થયો. દુનિયાની જેટલી પણ મહાન સંસ્કૃતિઓ છે, એ બધીનો જન્મ નદીઓના કાંઠે થયો છે. હવે વિદ્યાની ઉપાસના એ તો મુખ્યત્વે બ્રાહ્મણનું કાર્ય. આમ પોતાના મધ્યકાળમાં નદી બ્રાહ્મણ હતી.

આરંભમાં નદી ક્ષત્રિય હતી, મધ્યમાં બ્રાહ્મણ હતી તો ખૂબ જ દુ:ખની સાથે કહેવું પડે છે કે આજે આપણે એને શૂદ્ર બનાવી દીધી છે. આપણે આપણી પવિત્ર નદીઓનાં જળ એટલાં ગંદાં કરી મૂક્યાં છે કે કેટલેક ઠેકાણે તો પીવાને લાયક નથી રહ્યાં. શહેરોની ગટરોનાં મળમૂત્ર, કારખાનાંઓનાં ગંદા પાણી, ખેતરોમાં છંટાતી જંતુનાશક દવાઓ – આ બધું વહીને છેવટે તો નદીઓમાં જ આવે છે. પ્રદૂષણના લીધે નદીઓની માછલીઓ મરવા લાગી છે અને જેમને આ ગંદું પાણી પીવું પડે છે, એ ગ્રામીણો જાતજાતની બીમારીઓનો ભોગ બને છે. સારી વાત એ છે કે મારે જેની વાત કરવી છે એ નર્મદા આજેય ઠીક ઠીક સ્વચ્છ છે. એ ઓછામાં ઓછી પ્રદૂષિત છે. ભાગ્યથી એના કાંઠે નથી મોટાં શહેરો કે નથી મોટાં કારખાનાં. એથી એ પોતાનું શીલ જાળવી શકી છે.

નર્મદા અનેક રીતે વિશિષ્ટ નદી છે. આજે જ્યાં હિમાલય છે, ગંગા-યમુનાનું મેદાન છે, કરોડો વર્ષો પૂર્વે ત્યાં છીછરો સમુદ્ર હતો. જ્યારે હિમાલય નહોતો, વિન્ધ્યાચળ અને સાતપુડા ત્યારે પણ હતા. જ્યારે ગંગા નહોતી, નર્મદા ત્યારે પણ હતી. શ્રેષ્ઠ ભલે ગંગા હોય પણ જ્યેષ્ઠ નર્મદા છે. નર્મદાની બીજી વિશેષતા એ છે કે સંસારમાં એકમાત્ર નર્મદાની જ પરિક્રમા કરવામાં આવે છે. સેંકડો વર્ષોથી હજારો શ્રદ્ધાળુઓ એની પરિક્રમા કરતા આવ્યા છે. મેં પણ આ પરિક્રમા કરી છે પણ મારો તરીકો જુદો હતો અને મારાં કારણ પણ જુદાં હતાં. આ પરિક્રમા મેં સળંગ નહીં પણ કટકે કટકે કરેલી. એક સાધ્વીને મેં કહ્યું કે નોકરીને લીધે આ પરિક્રમા એકસાથે નથી કરી શકતો, રજાઓમાં થોડી થોડી કરીને કરું છું તો એમણે કહ્યું કે, બેટા, આનું દુ:ખ ન કરતો. બુંદીકા લડ્ડુ પૂરા ખાઓ તો મીઠા લગતા હૈ ઔર ચૂરા ખાઓ તો ભી મીઠા હી લગતા હૈ.

આ પદયાત્રાઓ મેં મારાં ચિત્રો માટે નવા વિષયો, નવા રૂપાકારો ને નવી રંગસંયોજના શોધવા માટે કરેલી. નર્મદા પરિક્રમાનાં મારાં ચિત્રોનાં મેં અનેક એકલ પ્રદર્શનો કર્યાં છે. યાત્રા શરૂ કરતી વેળા લખવાનો કોઈ વિચાર મનમાં નહોતો. પરંતુ ચિત્રોની સાથે સાથે યાત્રા-વૃત્તાંત પણ લખાતાં ગયાં અને એનાં બે પુસ્તકો પણ થયાં. આમ નર્મદાએ એક ચિત્રકારને એક લેખક પણ બનાવી દીધો, પણ જરા જુદા પ્રકારનો લેખક. જુઓ, લેખનમાં દિમાગ અને હાથની જુગલબંધી હોય છે. દિમાગ જે કહે, હાથ એ લખે. આથી મોટા લેખકોને સિદ્ધહસ્ત લેખક કહેવામાં આવે છે. મારા લેખનમાં જુગલબંધી દિમાગ અને પગ વચ્ચે હતી. જો પગ અઢી હજાર કિલોમીટરથીય વધુ ચાલ્યા ન હોત તો આંખ શું જોત અને હાથ શું લખત ? હું સિદ્ધહસ્ત લેખક ભલે ન હોઉં; પણ આપાદમસ્તક લેખક તો છું !

આજકાલ પ્રવાસ મુખ્યત્વે વાહનોથી થાય છે, કેટલાક તો નર્મદાની પરિક્રમાય વાહનથી કરે છે. વાહન દ્વારા કરેલો પ્રવાસ એટલે મધ, તૈયાર મધ. પગપાળા કરેલો પ્રવાસ એટલે જાતે ઝાડ ઉપર ચડીને ઉતારેલો મધપૂડો અને એમાંથી કાઢેલું મધ. ઝાડ ઉપર ચડતાં ઉઝરડા પડે, ચામડી છોલાય, મધમાખોના ડંખની ચચરાટી ખમવી પડે, તેમ ઝાડ ઉપરથી પડી જવાનો ભય પણ ખરો. પરંતુ આ રીતે મેળવેલ મધનો સ્વાદ કંઈ ઔર જ હોય છે. જ્યારે પગે ચાલીને પ્રવાસ કરીએ છીએ, ત્યારે આપણે ઘણું સંપન્ન કરીએ છીએ. પગે ચાલીએ ત્યારે ધરતીનો સ્પર્શ, આકાશની વિશાળતા, હરિયાળાં ખેતરો, ગામને વીંટળાઈને વહેતી નદી, વિસ્તૃત વનરાઈઓ, ગ્રામજનોનું આતિથ્ય – બધું જ મળે છે. પગપાળા પ્રવાસમાં સૃષ્ટિની પ્રસન્નતા જોડે આત્માનું અદ્વૈત રચાય છે. એથી જ શાસ્ત્રકારોએ કહ્યું – ‘ચરૈવેતિ, ચરૈવેતિ’ ચાલતા રહો, ચાલતા રહો.

ન જાને કોણે અને ક્યારે નર્મદાની પહેલી પરિક્રમા કરેલી અને એક પરંપરાનો શુભારંભ કર્યો. પરિક્રમા અસ્તિત્વમાં આવી અને આજે પણ ચાલી રહી છે. આનો અર્થ એ થયો કે સમાજને આની આવશ્યકતા છે, એ નિરર્થક નથી. નિરર્થકતા સદીઓ સુધી જારી ન રહી શકે. શરૂનાં વર્ષોમાં આમાં કેવું તો જોખમ રહ્યું હશે ! આ જોખમ હવે ઓછું થઈ ગયું છે પણ સમાપ્ત નથી થયું. એક નદીના કાંઠે કાંઠે 3 વર્ષ, 3 મહિના અને 13 દિવસ સુધી ભિક્ષા માગીને ઉઘાડે પગે ચાલવું કાંઈ સાધારણ તપશ્ચર્યા નથી. આ કાર્ય આસ્થા, અપરિગ્રહ, અભય, ધીરજ અને કષ્ટ સહન કરવાની અપાર ક્ષમતાની માંગ કરે છે. ઘરબાર અને કુટુંબકબીલાનો મોહ તજવો પડે છે. મૃત્યુના વરણ માટે પણ તૈયાર રહેવું પડે છે. અને પરકમ્માવાસી આ કઠિન કાર્ય કરે છે પોતાના મનની ખુશી માટે, પોતાના આત્માની સંતુષ્ટિ માટે. પરિક્રમા કરવા બદલ એને કોઈ ચંદ્રક આપવામાં નહીં આવે, એનં જાહેર સન્માન કરવામાં નહીં આવે, તેમ છતાં દર વરસે હજારો શ્રદ્ધાળુઓ અત્યંત આનંદની સાથે આ કઠણ પરિક્રમા કરે છે. કેટલાક તો બબ્બે, ત્રણ-ત્રણ કે એનાથીય વધુ વાર કરે છે.

મને લાગે છે કે આની પાછળ પુણ્ય અર્જિત કરવાની ધાર્મિક ભાવનાની સાથે સાથે ‘ચરૈવેતિ’ની આધ્યાત્મિક ભાવના પણ કામ કરે છે. ‘ચરૈવેતિ’ની ભાવના માણસને દુર્ગમથી દુર્ગમ પ્રદેશમાં લઈ જાય છે – પછી એ તીર્થાટનના રૂપમાં હો, પર્યટનના રૂપમાં હો અથવા પર્વતારોહણના રૂપમાં હો, આ યાત્રાઓ રહસ્યમય ઢંગથી આપણા જીવનને સમૃદ્ધ કરે છે. નિસ્સંદેહ આમાં જોખમ છે, પરંતુ માણસ જોખમ ખેડવા ઈચ્છે છે, પોતાના સામર્થ્યનું પારખું કરવા ઈચ્છે છે. પોતાની જાતને અજમાવવા ચાહે છે. ભ્રમણ-લાલસા હંમેશાં રહી છે અને હંમેશાં રહેશે. પરિક્રમા એનો જ પાવન પ્રકાર છે. નર્મદાકાંઠેની મારી પદયાત્રાઓ તીર્થાટન અને પર્યટન આ બંને વચ્ચેની ચીજ છે. ક્યારેક હું મારી જાતને પૂછું છું કે જોખમ અને હાડમારીથી ભરેલી આ પદયાત્રાઓ મેં શા માટે કરી ? અને દર વખતે મારો જવાબ એક જ રહેતો – જો મેં આ પદયાત્રાઓ ન કરી હોત તો મારું જીવન વ્યર્થ થઈ જાત. જે માણસ જે કામ માટે સર્જાયો છે, એણે એ કામ કરવું જ જોઈએ અને હું નર્મદાની પદયાત્રાઓ માટે નિર્માયો છું. મારો જન્મ જબલપુરમાં. મારા ગાંધીવાદી પિતા પ્રકૃતિપ્રેમી હતા. કિશોરવયમાં પિતાજી સાથે ભેડાઘાટથી જબલપુર સુધી પગે ચાલીને આવતો. બાપદીકરો 25 કિલોમીટર સાથે ચાલતા. મને લાગે છે કે મારા પિતા જ મને નર્મદા-સૌંદર્યથી દીક્ષિત કરી ગયા છે. અને જો મારી નસોમાં યાયાવરનું લોહી છે તો મને ચોક્કસ મારા પિતા પાસેથી જ મળ્યું છે. જબલપુરમાં રહું છું એથી હિન્દી મને મારી બીજી માતૃભાષા લાગે છે. ચિત્રકળાના અભ્યાસ અર્થે પાંચ વર્ષ સુધી શાંતિનિકેતન રહ્યો. ત્યાં મને મારા પ્રાત:સ્મરણીય ગુરુ આચાર્ય નંદલાલ બોઝ પાસેથી સૌંદર્ય જોવાની દષ્ટિ મળી. પાછો વળીને જોઉં છું તો સ્પષ્ટ સમજાય છે કે વિધાતાને મારી પાસેથી નર્મદા પરિક્રમાનું કાર્ય કરાવવું હતું, પ્રવાસવર્ણન લખાવવાં હતાં, ચિત્રો બનાવડાવવાં હતાં અને આ કાર્ય જરા સારી રીતે થઈ શકે એ માટે મારું શાંતિનિકેતન જવું જરૂરી હતું – પરિક્રમા માટેનું પાથેય મને ત્યાંથી મળવાનું હતું. પરંતુ, જ્યાં સુધી મને આ વાત સમજાઈ કે હું નર્મદા પરિક્રમાના કાર્ય માટે સર્જાયો છું, ત્યાં સુધી હું પચાસની વયે પહોંચી ગયો હતો.

બાલ્યાવસ્થા, યુવાવસ્થા ને વૃદ્ધાવસ્થા આ જીવનનો સ્વાભાવિક ક્રમ છે. પરંતુ મારા જીવનમાં આ અવસ્થાઓ પોતાના વારા મુજબ ન આવી. બાલ્યાવસ્થા પછી તરત વૃદ્ધાવસ્થા આવી ગઈ ! 25 થી 50 સુધીનો ગાળો વૃદ્ધાવસ્થાનો રહ્યો. એ દરમિયાન મેં વિદ્યાર્થીઓને ભણાવવા સિવાય બીજું ખાસ કાંઈ ન કર્યું. આમેય મેં ખાસ કાંઈ નથી કર્યું, પણ આ ગાળામાં તો કાંઈ જ ન કર્યું. આ મારી સર્જનાત્મક રિક્તતાનો કાળ છે. પરંતુ પચાસની વયે મેં નર્મદાકાંઠેની પદયાત્રાઓ શરૂ કરી. પૂ. નંદબાબુએ સૌંદર્ય જોવાની જે દષ્ટિ આપેલી અને જે પચીસ વર્ષો સુધી નિદ્રામગ્ન રાજકુમારીની જેમ નિસ્પંદ પડી હતી, એ જાણે આળસ મરડીને જાગી. સાચી વાત તો એ છે કે આ પદયાત્રાઓ મેં મારાં ચિત્રો માટે નવા વિષયો, નવા રૂપાકારો અને નવાં રંગ-સંયોજનોની ખોજના ઉદ્દેશથી કરેલી. એ વેળા પ્રવાસવર્ણન લખવાની કોઈ વાત મનમાં નહોતી. પરંતુ ત્યાંથી આવ્યા બાદ ચિત્રો તો બન્યાં જ, પ્રવાસવર્ણન પણ લખાતાં ગયાં. આમ નર્મદાએ એક ચિત્રકારને લેખક પણ બનાવી દીધો. આનાથી લાભ એ થયો કે જ્યારે મને લાગે છે કે નર્મદાનું અમુક સૌંદર્ય શબ્દોમાં ઠીકથી વ્યક્ત નહીં થઈ શકે, આને માટે રંગો-રૂપાકારો ઠીક રહેશે, ત્યારે હું એને ચિત્રોમાં વ્યક્ત થવા દઉં અને જ્યારે લાગે કે આને માટે શબ્દો ઠીક રહેશે, ત્યારે શબ્દોમાં કહું.

મારી પાસે બે ભાષાઓની નાગરિકતા છે. આનો લાભ એ થયો કે મારાં પુસ્તકો હું બંને ભાષામાં લખી શક્યો. જ્યારે મારી પદયાત્રા મધ્યપ્રદેશમાં ચાલે ત્યારે પહેલાં હિન્દીમાં લખું પછીથી ગુજરાતીમાં; અને જ્યારે ગુજરાતમાં ચાલે ત્યારે પ્રથમ ગુજરાતીમાં લખું ત્યાર બાદ એનું હિન્દી કરું ! લેખ જો ગુજરાતીમાં લખું તો એનું હિન્દી કરતાં નવા વિચાર, નવી ઉપમા કે નવી કલ્પના સૂઝે. ત્યારે ગુજરાતી લેખ પાછળ રહી જાય અને ગુજરાતી લેખનું સંશોધન કરવા જતાં હિન્દી લેખ પાછળ રહી જાય. આમ ચાલ્યા જ કરે. બંને ભાષાના લેખો જાણે એકબીજાને નિર્દેશ આપતા રહે કે તારી વાત આ રીતે નહીં પણ આ રીતે કર; પરંતુ આમાં મારો બરડો બેવડ થઈ જાય. હું મારા લેખોને ખૂબ કઢું છું, એક ભાષાના ગ્લાસમાંથી બીજી ભાષાના ગ્લાસમાં ઠાલવતો રહું છું, થોડી મલાઈ મિલાવું છું, થોડું ઠંડું થવા દઉં છું, ગ્લાસને ઠાંસી ઠાંસીને ભરું છું, પછી જ મારા વાચકોને આપું છું. છતાં મનમાં ડર તો રહે જ છે કે ક્યાંક કોક કહી ન દે કે આ દૂધ તો પાણીવાળું છે ! બે ભાષાઓમાં લખવું મારા માટે લાભદાયક સિદ્ધ થયું છે. બંને ભાષાના લેખોએ એકબીજાને પુષ્ટ કર્યા છે. મારાં ગુજરાતી અને હિન્દી પુસ્તકો જોડકાં એટલે કે ટ્વિન્સ છે.

ક્યારેક લાગતું કે જે કામ હૃદયથી થવું જોઈતું હતું, એ બુદ્ધિથી થઈ રહ્યું છે. પછી ખ્યાલ આવતો કે હૃદય તો પોતાનું કામ કરી ચૂક્યું, હવે બુદ્ધિ એને તપાસી લે, એની ભૂલો સુધારી આપે તો એનાથી રૂડું શું ? હૃદય કુંવારી છોકરીની જેમ ઊડાઊડ કરે, બુદ્ધિ ઘરનાં ઘરડાં ફઈબાની જેમ એના ઉપર નજર રાખે, એને બહેકવા ન દે. દિલ અને દિમાગ મળીને લેખનની ગૃહસ્થી ચલાવે તો કેવું સારું !

એ સાચું કે હું ચિત્રકાર છું તેમ લેખક પણ છું, પરંતુ હું સાધારણ ચિત્રકાર છું અને લેખક પણ સાધારણ જ છું. પહેલાં વિચારતો કે કેવું સારું થાત જો ભગવાને મને માત્ર ચિત્રકાર બનાવ્યો હોત, પણ ઉચ્ચ કોટિનો ચિત્રકાર અથવા માત્ર લેખક બનાવ્યો હોત પણ મૂર્ધન્ય કોટિનો લેખક. ભગવાને મને અડધો લેખક અને અડધો ચિત્રકાર શા માટે બનાવ્યો ? પરંતુ આજે વિચારું છું કે ભગવાને જો મને માત્ર ચિત્રકાર બનાવ્યો હોત – ભલે ને શ્રેષ્ઠ ચિત્રકાર – તો નર્મદા વિશે લખત કોણ ? અને જો માત્ર લેખક બનાવ્યો હોત – ભલે ને મોટા ગજાનો લેખક – તો નર્મદાનાં ચિત્રો કોણ બનાવત ? નર્મદાને અસાધારણ લેખક અથવા અસાધારણ ચિત્રકાર કરતાં એક એવા માણસની જરૂર હતી કે જેમાં બંનેનો સમાવેશ હોય – પછી એ સાધારણ જ કાં ન હોય. હું જ એ સાધારણ ચિત્રકાર-લેખક છું. આનો અર્થ એ થયો કે દુનિયાને મારા જેવા સાધારણ માણસોની પણ જરૂર છે.

નર્મદાના રાશિ-રાશિ સૌંદર્યમાંથી હું એક ખોબો સૌંદર્ય જ લાવી શક્યો છું. મારો આ પ્રયાસ એક સાધારણ માણસનો નિર્બળ પ્રયાસ છે. સાચી વાત એ છે કે નર્મદાસૌંદર્યનો આજ સુધી હું તાગ નથી મેળવી શક્યો. એથી હું જે લાવ્યો છું એ ‘ચકીની ચાંચનું ચણ’ જ છે. હા, મનમાં એક ભોળો વસવસો જરૂર છે – મારે હજુ સો વર્ષ વહેલા જન્મવું જોઈતું હતું, જ્યારે નર્મદાકાંઠાનાં જંગલો કપાણાં નહોતાં, જ્યારે માણસે પ્રકૃતિને ક્ષત-વિક્ષત નહોતી કરી, જ્યારે નર્મદા નિર્બાંધ ગતિએ વહેતી હતી અને જ્યારે નર્મદા-પરિક્રમાનો સુવર્ણકાળ હતો. ત્યારે મને નર્મદાના સૌંદર્યનો અસલી ભંડાર જોવા મળ્યો હોત. આ ધરતી ઉપર મારે ફેક્સ અથવા ઈ-મેલથી આવવું જોઈતું હતું; આવ્યો ટપાલમાં !

એ સાચું કે વાચકો તેમજ વિદ્વાનોએ મારા પુસ્તકને વખાણ્યું છે. બની શકે છે કે એ મહાન નદીની મહત્તાનો કંઈક અંશ મારા પુસ્તકમાં આવી ગયો હોય. લોકોને મારું વર્ણન કાવ્યાત્મક લાગ્યું છે. પરંતુ નર્મદાનો સંસ્પર્શ તો કોઈને પણ કવિ બનાવી શકે છે. શાંતિનિકેતનમાં આચાર્ય નંદલાલ બોઝનાં ચરણોમાં બેસીને ચિત્રકળાનું અધ્યયન કરવાનો મને અવસર મળ્યો. એમનાથી મને સૌંદર્ય જોવાની દષ્ટિ મળી. ત્યાંનું અધ્યયન મારી ચિત્રકળા તેમજ મારા સાહિત્ય બંને માટે ખૂબ જ લાભદાયક રહ્યું. કોઈ પણ કૃતિનું સર્જન કરવું – પછી એ લેખ હોય કે ચિત્ર – મને ઘૂઘવતી નદીમાં છલાંગ મારવા જેવું લાગે છે; પાર કરી શકીશ કે કેમ, ખબર નથી. કદાચ દરેક સર્જકને આ જોખમ ખેડવું પડે છે. નર્મદાકાંઠેની પદયાત્રાઓએ મારા જીવનને હંમેશને માટે સ્થાન બનાવી લીધું છે. આના વિના મારું જીવન છીછરું અને તરસ્યું રહી જાત. આનાથી જ મારા લેખો અને મારાં ચિત્રોને આકાર મળ્યો. આ યાત્રાઓ થકી મને પ્રકૃતિથી ધાર્મિક પ્રેમ થયો. મને લાગ્યું કે નદીકાંઠે બેસવું એ હરિયાળાં મેદાનોને નિહાળવાં, એ ઉત્તમ કોટિનો સત્સંગ છે.

નર્મદાની પૂરી પરિક્રમા કરી ચૂક્યો છું. પ્રવાસવર્ણનનાં બે પુસ્તકો લખી ચૂક્યો છું – હિંદી તેમજ ગુજરાતીમાં. મરાઠી અને બંગાળી અનુવાદો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. અંગ્રેજી અનુવાદ પ્રેસમાં છે. મેં મારું કામ પૂરું કરી લીધું છે, તેમ બુઢાપામાં ઊંડે સુધી ખૂંપી પણ ગયો છું. એક ડાહ્યા માણસ તરીકે મારે હવે ચૂપચાપ ઘરમાં બેસી રહેવું જોઈએ. કેટલાક વરસ સુધી બેસી પણ રહ્યો. પરંતુ આજથી ચાર વર્ષ પહેલાં, આયુના પંચોતેરમાં વર્ષમાં પ્રવેશ કરતાંની સાથે જ મારો જૂનો પદયાત્રાપ્રેમ જાગી ઊઠ્યો. ઘડપણને કોરાણે મૂકીને નર્મદાની પદયાત્રાઓ ફરીથી શરૂ કરી દીધી. આ પુનરાવૃત્તિ પદયાત્રામાં મારી પત્ની કાન્તા પણ સાથે ચાલે છે. આ બીજી પરિક્રમાના 800 કિલોમીટર થઈ પણ ગયા. આગળ જતાં ત્રીજું પુસ્તક પણ આવશે. સાચી વાત એ છે કે હું નર્મદાના સૌંદર્યલોકમાંથી બહાર આવવા ઈચ્છતો જ નથી. વહાણના પંખીની જેમ ઊડી ઊડીને પાછા ત્યાં જ આવી જાઉં છું. શું કરું, બીજું કંઈ મને આવડતું પણ તો નથી.

[પૂરા 21 પાનાઓમાં લખાયેલા આ વક્તવ્યને સાઈટ પર એક સાથે પ્રકાશિત કરવાનું જરા કપરુંકાર્ય હોવાથી, લેખક શ્રી અમૃતલાલભાઈની જેમ આપણે પણ આ પરિક્રમાનો આસ્વાદ કટકે કટકે માણતાં રહીશું. અહીંથી આગળ ઉપર તેઓ નર્મદાપરિક્રમાના સુંદર અનુભવો વર્ણવે છે અને સાથે-સાથે નદી કિનારે વસ્તી ભારતીય સંસ્કૃતિ, ગ્રામ્ય સમાજના મનોભાવો અને પ્રકૃતિનું સુંદર રસદર્શન આપણને કરાવે છે…… પરંતુ એ બધી વાતો ફરી ક્યારેક. – તંત્રી, રીડગુજરાતી. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મોટાં બેન – ડૉ. દેવચંદભાઈ યોગી
ન્યાય – કુન્દનિકા કાપડીઆ Next »   

14 પ્રતિભાવો : એક નદીની સાથે યાત્રા – અમૃતલાલ વેગડ

 1. Jagruti says:

  Vanchavani Khuba j majaa aavi ….. Narmada parikramani have pachhina varnan ni raah joiye chhiye

 2. Maharshi says:

  ખુબ સરસ પ્રવાસ તથા પ્રકૃતિ વર્ણન!

 3. ભાવના શુક્લ says:

  બહુ જ સરસ… ખાસ કલ્ચર અને એગ્રીકલ્ચરની વાત બહુ અર્થપૂર્ણ રહી.

 4. Paresh says:

  એવુ સાંભળ્યું છે કે નર્મદા પરિક્રમા પવિત્ર પણ છે અને જોખમી પણ. જે લોકો શક્યા છે તેમને પ્રણામ. સુંદર પ્રકૃતિ વર્ણન. આભાર.

 5. Ashish Dave says:

  Can not wait for the next round…

  Ashish Dave’
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.