એક પ્રેરણાત્મક વક્તવ્ય – અનુ. વિકાસ નાયક

[ યુવા લેખક તેમજ ‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાં ‘ઈન્ટરનેટ કૉર્નર’ના કોલમિસ્ટ શ્રી વિકાસભાઈના પુસ્તક ‘મહેક’ માંનો એક લેખ આપણે થોડા મહિનાઓ અગાઉ માણ્યો હતો. આજે માણીએ એ જ પુસ્તકમાંનો વધુ એક સુંદર લેખ, સાભાર.]

[જુલાઈ 2, 2004ના રોજ બેંગલોરના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટના વિદ્યાર્થીઓ સમક્ષ માઈન્ડ ટ્રી કન્સલ્ટિંગના સી.ઓ.ઓ. (ચીફ ઑપરેટિંગ ઑફિસર) શ્રી સુબ્રોતો બાગ્ચીએ એક વક્તવ્ય આપ્યું હતું. જેનો અનુવાદ અહીં રજૂ કર્યો છે. આખું વક્તવ્ય ત્રણ ભાગમાં સમાવાયું છે અને ત્રણેય ભાગ અહીં પ્રકાશિત કરવામાં આવ્યા છે. ખરેખર ખૂબ પ્રેરણાત્મક વિચારોને આવરી લે છે આ વક્તવ્ય. ચોક્કસ આમાંથી આપણે ઘણુંબધું શીખી શકીએ.]

[ભાગ – 1 ]

થોડા સમય માટે સરકારી સેવક રહી ચૂકેલા મારા પિતાના પાંચ પુત્રોના પરિવારમાં હું સૌથી નાનો હતો. તે વખતે મારા પિતા કોરાપુટ, ઓરિસ્સામાં જિલ્લા રોજગારી અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. આપણે આજે વિચારી પણ ન શકીએ એટલું પ્રાથમિક જીવન હતું તે સમયે. ત્યાં વીજળી ન હતી. નજીકમાં ક્યાંય પ્રાથમિક શાળા ન હતી અને નળમાં પાણીય આવતું ન હતું. પરિણામે હું આઠ વર્ષનો થયો ત્યાં સુધી તો મેં શાળા જોઈ જ ન હતી. મને ઘરે જ થોડું ઘણું શિક્ષણ મળતું.

મારા પિતાની બદલી દર વર્ષે થયે રાખતી. કુટુંબનું રાચરચીલું જીપના પાછલા ભાગમાં સમાઈ જાય એટલું જ હતું. તેથી અમારા કુટુંબને એક સ્થળેથી બીજે સ્થળે જવામાં ખાસ તકલીફ પડતી નહિ. મારી માતા ઘણી ઝડપથી નવી જગ્યાએ ઘરનો સરસામાન ગોઠવી દેતી અને અમારો જીવનપ્રવાહ આમ જ ચાલ્યા કરતો. મારી માતા તે સમયે મૅટ્રિક્યુલેટ હતી જ્યારે તેનાં લગ્ન મારા પિતા સાથે થયાં. મારી માતાનો ઉછેર તે સમયના પૂર્વ બંગાળમાંથી આવેલા શરણાર્થી એવી એક વિધવા સ્ત્રીએ કર્યો હતો.

સરકાર દ્વારા માતા પિતાને તેઓ જિલ્લા રોજગાર અધિકારી હોઈ એક જીપ આપવામાં આવી હતી. તેમની કચેરીમાં કોઈ ગૅરેજ ન હતું તેથી જીપ મારા ઘર સામે જ રહેતી. મારા પિતા ઑફિસે જવા માટે જીપનો ઉપયોગ કરતા નહોતા. તેઓ કહેતા જીપ સરકાર દ્વારા આપવામાં આવેલી એક અતિ કીમતી સ્ત્રોત છે – તેઓ વારંવાર કહેતા કે જીપ ‘તેમની’ (પોતાની) નહોતી, પણ તે સરકારની હતી. તેઓ ભારપૂર્વક તે જીપનો ઉપયોગ ફક્ત તે પ્રદેશના અંતરિયાળ કે દૂરના ભાગમાં જવા માટે જ કરતા અને સામાન્ય દિવસો દરમિયાન કચેરીમાં પગે ચાલીને જ જતા. તેઓ અમને પણ ક્યારેય જીપમાં બેસાડી ક્યાંય લઈ જતા નહિ. અમે એ જીપમાં ત્યારે જ બેસતાં જ્યારે તે જીપ અમારા ઘર સામે ઊભેલી હોય. બાળપણમાં પિતા પાસેથી શીખેલો એ અમારો પહેલો પાઠ હતો – જે આજના કોર્પોરેટ મૅનેજર્સ ખૂબ મહેનત બાદ શીખે છે અને ઘણાં તો ક્યારેય શીખતાં જ નથી !

એ જીપના ચાલકને પણ કચેરીના બીજા સભ્યો જેટલું જ માન આપવામાં આવતું હતું. નાનાં બાળકો એવા અમને શીખવવામાં આવેલું કે તેમને ક્યારેય નામ દઈને બોલાવવા નહિ. અમારે જ્યારે તેમને બોલાવવા હોય ત્યારે તેમના નામ પાછળ ‘દાદા’ એવું સંબોધન કરવાનું શીખવવામાં આવ્યું હતું. હું જ્યારે મોટો થયો અને મેં મારી પોતાની ગાડી વસાવી અને ‘રાજુ’ નામનો ડ્રાઈવર રાખ્યો ત્યારે એ જ પાઠ મેં મારી નાનકડી દીકરીઓને શીખવ્યો. આથી, તેમની સહેલીઓ પોતાના વાહનચાલકોને ‘અમારો ડ્રાઈવર’ એમ કહી સંબોધે ત્યારે મારી દીકરીઓ પોતાના વાહનચાલકને ‘રાજુ કાકા’ કહીને સંબોધતી. જ્યારે હું કોઈ શાળા કે કૉલેજ જતા વિદ્યાર્થીને પોતાના ડ્રાઈવરને તુચ્છકારે સંબોધતાં જોઉં છું ત્યારે હું કમકમી જાઉં છું. મારા માટે આ પાઠ ખૂબ મહત્વનો છે – તમે તમારાથી નાના માણસોને, તમે તમારાથી મોટા માણસોને આપતા હોવ એ કરતાં વધુ માન અને ઈજ્જત આપો. એ મહત્વનું છે કે તમે તમારા ઉપરીઓને જે સમ્માન આપો છો તે કરતાં વધુ તમારે તમારા હાથ નીચે કામ કરતી વ્યક્તિઓને આપવું જોઈએ.

મારા પિતાની જ્યાં જ્યાં બદલી થતી ત્યાં નવા ઘેર મારી માતા માટીનો ચૂલો બનાવતી. ત્યારે ગૅસ કે ઈલેક્ટ્રિક સગડી જેવાં સાધનો નહોતાં. અમારી સવાર ચા સાથે શરૂ થતી. ચા પીતાં પીતાં મારા પિતા અમારી પાસે ‘ધ સ્ટેટમેન’ નું ‘મુર્ફોસલ’ વર્તમાનપત્ર જે એક દિવસ મોડું આવતું – મોટેથી વંચાવડાવતા. અમે શું વાંચતા, તેની ત્યારે અમને કંઈ ગમ પડતી નહોતી, પણ આ રોજનો ઘટનાક્રમ અમને એ વાતની પ્રતીતિ કરાવવા માટે હતો કે બહારનું વિશ્વ ‘કોરાપુટ’ જિલ્લા કરતાં ઘણું વિશાળ હતું અને આજે હું અંગ્રેજી બોલી શકું છું, એક ઓરિયા શાળામાં ભણવા છતાં, એ આ રોજના ઘટનાક્રમને જ આભારી છે. વર્તમાનપત્ર વાંચી લીધા બાદ તેની સુઘડતાથી ગડી કરી અમારે મૂકવું પડતું. પિતાજીએ એક સરળ પાઠ અમને શીખવેલો. તેઓ કહેતા, ‘તમારું વર્તમાનપત્ર અને તમારું જાજરૂ તમારે એવી સ્થિતિમાં રાખવાં જોઈએ, જેવા તમે બીજાઓને ત્યાં તે હોવા જોઈએ એવી ઈચ્છા રાખતા હોવ (એટલે કે તમને તે જોઈને તરત વાપરવાનું માન થાય તેવાં સુઘડ અને સ્વચ્છ હોવાં જોઈએ.)’ આ પાઠ અપ્રત્યક્ષ રીતે બીજાઓ વિશે વિચારવાની વાત પણ શીખવતો હતો. ધંધાની શરૂઆત અને અંત આ સરળ વ્યવહારિક સિદ્ધાંત સાથે જ થતા હોય છે.

અમે નાનાં બાળકો હતાં તેથી છાપામાં રેડિયાની જાહેરખબર જોઈ હંમેશાં પ્રભાવિત થઈ જતાં કારણ ત્યારે અમારા ઘેર રેડિયો ન હતો. અમે લોકોને ઘેરે રેડિયો જોયો હતો આથી જ્યારે છાપામાં ફિલિપ્સ, મરફી કે બુશ રેડિયોની જાહેરખબર જોતાં ત્યારે દરેક વખતે પિતાને પૂછતા કે આપણે ઘેર રેડિયો ક્યારે આવશે ? દરેક વખતે પિતાજી જવાબ આપતા આપણે ઘેર તેની જરૂર નથી. કારણકે મને ભગવાને પાંચ પાંચ રેડિયો (અમે પાંચ બાળકો) આપ્યા છે ! અમારું પોતાની માલિકીનું ઘર પણ ન હતું તેથી ઘણી વાર અમે પિતાજીને પૂછતા કે આપણું પોતાનું ઘર ક્યારે હશે ? તે વખતે પણ તેઓ તે જ પ્રકારનો જવાબ આપતા કહેતા, ‘આપણને પોતાના ઘરની જરૂર નથી. હું એક નહિ પાંચપાંચ ઘર ધરાવું છું.’ આવો જવાબ સાંભળી અમે ખુશ તો નહોતા થતા, છતાં પણ અમે શીખ્યાં કે પોતાની સફળતા અને સુખી હોવાની લાગણી ક્યારેય ભૌતિક સાધનો કે સંપત્તિ દ્વારા માપવાં જોઈએ નહિ.

સરકારી કર્મચારીઓને રહેવા માટે મળતા ઘરમાં ભાગ્યે જ ફૂલ-ફળની વાડી જેવું કંઈ જોવા મળે. પણ મારી માતાને તેનો ખૂબ શોખ. આથી જ્યાં જ્યાં પિતાની બદલી થાય તે જગાએ મારી માતા અને હું નાના-નાના છોડવા ગોતી લાવીએ અને મારી માતા નાની એવી વાડી બનાવે. બપોરે જમ્યા પછી મારી માતા સૂતી નહિ. તે પોતાના રસોડાનાં સાધનો લઈ તેના દ્વારા મારી મદદથી માટીના ક્યારા બનાવતી. અમારા ઘરની આજુબાજુ અમે અનેક ફૂલછોડ વાવ્યાં હતાં. કીડીઓ અને બીજાં જંતુઓ ક્યારેક આ ફૂલછોડને નુકશાન પણ પહોંચાડતાં, પણ મારી માતા ચૂલામાંથી રાખ લઈ તે માટીમાં ભેળવી અને ફરી પાછાં બીજ વાવતી અને હવે કીડીઓ પણ આ ફૂલછોડને નુકશાન પહોંચાડી શકે તેમ નહોતી…. તે સમયે ફરી એક વાર મારા પિતાની બદલીનો હુકમ આવ્યો. કેટલાક પાડોશીઓએ મારી માતાને પૂછ્યું, એક સરકારી ઘરને સુશોભિત કરવા તેણી શા માટે આટલી બધી મહેનત કરતી હતી ? શા માટે તેણી ફૂલ-ફળના છોડ ઉગાડતી જેનો લાભ અમારી બાદ જે નવા લોકો એ ઘરમાં રહેવા આવવાના હશે તેમને જ મળે તેમ હતું ? મારી માતાએ જવાબ આપ્યો કે તેના માટે એ મહત્વનું નથી કે તેને આ ફૂલ-ફળ સંપૂર્ણ ખીલેલાં જોવા નથી મળવાનાં. તેણીએ કહેલું, ‘મને તો રણને પણ લીલુંછમ કરવાના કોડ છે અને હું જે જે જગાએ જઈશ તે તે જગાએ હું પહેલા હતી તે કરતાં વધુ સુંદર બનાવ્યા બાદ જ છોડીને જવાનું પસંદ કરીશ.’

સફળતાનો એ પહેલો પાઠ હતો જે હું બાળપણમાં શીખ્યો – તમે પોતાના માટે શું બનાવ્યું (કે પેદા કર્યું) તેનું મહત્વ નથી, પણ પોતાની પાછળ શું મૂકીને જાઓ છો એ તમારી સફળતા નક્કી કરે છે.

[ભાગ – 2]
હું ખૂબ નાનો હતો ત્યારે મારી માતાની આંખે મોતિયો આવ્યો. તે સમયે મારા સૌથી મોટા ભાઈને ભુવનેશ્વર યુનિવર્સિટીમાં ભણાવવાની નોકરી મળી અને તે સિવિલ સર્વિસીઝની પરીક્ષા માટે પણ તૈયારી કરતા હતા. ઘરથી દૂર તેમણે ભુવનેશ્વર જવું પડે તેમ હતું તેથી એવું નક્કી થયું કે મારી માતા તેમની સાથે જાય અને હું પણ તેમની જોડે ટીંગાઈ ગયો. અહીં આવ્યા બાદ જીવનમાં પહેલીવાર મેં ઘરમાં વીજળી જોઈ અને નળમાં પાણી જોયું. આ લગભગ 1965ની વાત છે. તે સમયે ભારતનું પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલુ હતું. મારી માતાની આંખે મોતિયો આવેલો તેથી તેમને વાંચવામાં તકલીફ પડતી અને આમેય તેઓ બંગાળી હતાં. તેથી તેમને ‘ઓરિયા’ ભાષા આવડતી નહોતી તેથી મારાં રોજબરોજનાં કામોમાં એક કામ તેમને ત્યાંનું સ્થાનિક વર્તમાનપત્ર વાંચી સંભળાવવાનું પણ હતું. આખેઆખું વર્તમાનપત્ર ! આ પ્રક્રિયાએ મારામાં વિશાળ એવા બાહ્ય જગત સાથે જોડાયાની લાગણી જન્માવી. મેં જુદીજુદી વસ્તુઓમાં રસ લેવા માંડ્યો. યુદ્ધ વિશેના સમાચારો વાંચતી વખતે મને લાગ્યું જાણે હું પણ યુદ્ધ લડી રહ્યો છું. હું મારી માતા સાથે આ બધા વિષયો પર ચર્ચા કરવા લાગ્યો. આ રીતે અમો એક વિશાળ વાસ્તવિકતાનો ભાગ બની ગયા. આજ સુધી, હું મારી સફળતા એ વિશાળ એવા બાહ્ય જગતના જોડાણ દ્વારા જ માપું છું.

એ દરમિયાન જ યુદ્ધ વ્યાપક બન્યું. ત્યારના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ સૂત્ર આપ્યું ‘જય જવાન જય કિસાન’ અને રાષ્ટ્રને દેશભક્તિના રંગમાં રંગી દીધું. વર્તમાનપત્ર વાંચી આપવા સિવાય મને તો ખ્યાલ સુદ્ધાં ન હતો કે આ ચળવળનો હું કેવી રીતે એક ભાગ હતો, પણ મને કંઈક કરવાનો જુસ્સો હતો. તેથી વર્તમાનપત્ર વાંચ્યા બાદ રોજ હું યુનિવર્સિટી પાસે આવેલી પાણીની મોટી ટાંકી જ્યાંથી બધાને ત્યાં પાણી જતું, ત્યાં પહોંચી જતો અને ત્યાં કલાકો સુધી ચોકી કરતો. કારણ મને લાગતું કે જાણે દુશ્મનો કે જાસૂસો આ ટાંકીમાં ઝેર ભેળવી દેશે અને બધા લોકો ઝેરી પાણી પીને મૃત્યુ પામશે પણ તેઓ એમ કરે તે પહેલાં હું તેમને પકડી લઈશ અને બીજે દિવસે મારું નામ બધાં વર્તમાનપત્રોમાં ચમકશે ! પણ દુર્ભાગ્યે, દુશ્મનો ક્યારેય ભુવનેશ્વરની તે ટાંકીતરફ ન આવ્યા અને મને કંઈ કરી દેખાડવાની તક ન મળી પણ આ ઘટનાએ મારી કલ્પનાશક્તિ ખોલી નાંખી. કલ્પનાશક્તિ જ સર્વસ્વ છે. જો આપણે ભવિષ્યની કલ્પના કરી શકીએ તો જ આપણે ભવિષ્યમાં કંઈક કરી શકીએ, કંઈક બની શકીએ. સફળતાની આ એક ચાવી છે.

તે પછીનાં થોડાં વર્ષોમાં, મારી માતાની દષ્ટિ ક્ષીણ થતી ચાલી, પણ તેણીએ મારામાં એક વિશાળ દષ્ટિનું નિર્માણ કર્યું, એવી એક દષ્ટિ જેના દ્વારા હું જગતને આજે પણ જોઉં છું અને મેં અનુભવેલું કે મારી આંખોથી તે પણ જોતી હતી. થોડાં વર્ષો બાદ તો તેની દષ્ટિ સાવ જતી રહી. અમારે તેનું ઑપરેશન કરાવવું પડેલું. મને યાદ છે જ્યારે તે ઑપરેશન બાદ ઘેર આવી અને તેમણે મારો ચહેરો ધારીધારીને પહેલી વાર જોયો ત્યારે તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ હતી. તેણે કહેલું : ‘ઓ ભગવાન, મને ખબર જ નહોતી કે તું આટલો મોટો છે !’ આજ સુધી તેણે કરેલાં તે વખાણથી હું ખૂબ ખુશ થઈ જાઉં છું.

દષ્ટિ પાછી મળ્યાના કેટલાક અઠવાડિયામાં જ ફરી તેને આંખનો એક રોગ લાગુ પડ્યો અને એકાએક તેને બંને આંખે અંધાપો આવ્યો. આ વાત 1969ની છે. તેણી 2002માં મૃત્યુ પામી. પણ આ 32 વર્ષ દરમિયાન તેણે પોતાના અંધાપા વિશે કે પોતાના દુર્ભાગ્ય વિશે ફરિયાદનો એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો હોય એવું મને યાદ નથી. તેણીને અંધાપા બાદ પોતાની અંધ આંખો દ્વારા શું અને કેવું દેખાતું હશે એ વિશે કુતૂહલપૂર્વક મેં પૂછ્યું. તેણે જવાબ આપ્યો : ‘ના, મને અંધારું દેખાતું નથી. મારી આંખો બંધ હોય ત્યારે પણ મને તો પ્રકાશ જ દેખાય છે.’ તેણી આઠ વર્ષની હતી ત્યારથી રોજ સવારે તે યોગાસન કરતી, પોતાની ઓરડીમાં ઝાડુ વાળતી અને પોતાનાં કપડાં પોતે જ ધોતી. મારા માટે, સફળતા એ સ્વતંત્રતાની લાગણી છે, દુનિયાને જોવામાં નહિ પણ પ્રકાશને જોવામાં છે.

એ પછીનાં વર્ષોની ઘટમાળમાં હું મોટો થયો, ભણ્યોગણ્યો, મેં ઉદ્યોગ શરૂ કર્યો અને મારી જીવનયાત્રાનો એક નવા તબક્કાનો મારી મેળે પ્રારંભ કર્યો. એક સરકારી કાર્યાલયમાં કારકુન તરીકે જોડાઈ મેં મારી કારકિર્દીની શરૂઆત કરી, આગળ જતાં ડી.સી.એમ. ગ્રૂપ સાથે જોડાઈ હું ‘મૅનેજમેન્ટ ટ્રેઈની’ બન્યો અને અંતે જ્યારે 1981માં ભારતમાં કમ્પ્યુટર્સની ચોથી પેઢી આવી ત્યારે મેં આઈ.ટી. ઈન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું. જીવને મને અનેક નવી જગ્યાએ જવાનો મોકો આપ્યો. મેં સર્વોત્તમ લોકો સાથે કામ કર્યું, અઘરાં એવાં અનેક કાર્યો કર્યાં અને આખા જગતનું ભ્રમણ કર્યું.

[ભાગ – 3 ]

1992માં, જ્યારે હું અમેરિકામાં એક હોદ્દો સંભાળી રહ્યો હતો ત્યારે મને જાણ થઈ કે મારા પિતા, જેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા અને મારા સૌથી મોટાભાઈ સાથે રહેતા હતા, તેઓ ખૂબ ભયંકર રીતે દાઝી ગયા હતા અને તેમને ન્યૂ દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હું તેમને મળવા ભારત આવ્યો. તેમની ગરદનથી પગના અંગૂઠા સુધી પાટાપિંડી કરેલા શરીર સાથે તેઓ કેટલાક દિવસો સુધી ગંભીર સ્થિતિમાં રહ્યા. સફદરજંગ હૉસ્પિટલ એક ગંદી, અમાનવીય જગા હતી, જેના ઓરડામાં વંદા ફરતા. દાઝેલાઓ માટેના વોર્ડમાં થોડીઘણી નર્સો, પૂરતા સાધનસામગ્રીના અભાવે અને પૂરતી સંખ્યાના અભાવે હંમેશાં આમથી તેમ દોડ્યા કરતી અને થાકી જતી. માનવતાનું તો જાણે અહીં નામોનિશાન નહોતું.

એક સવારે, પિતાજી પાસે ગયો ત્યારે મેં જોયું કે લોહીની એક બોટલ જે તેમને ચઢાવવામાં આવી હતી તે ખાલી થઈ ગઈ હતી. મને ડર લાગ્યો કે ક્યાંક હવા મારા પિતાની નસમાં જતી રહેશે તેથી મેં એક નર્સને બોલાવી તે બોટલ બદલવા કહ્યું. તેઓએ ઉદ્ધતાઈથી મને તે મારી જાતે કરી લેવા જણાવ્યું. તે ખંડ જાણે મૃત્યુનો ઓરડો હોય એવો ભયંકર મને લાગ્યો. મને અનહદ દુ:ખ થયું અને ગુસ્સા અને નિરાશામિશ્રિત લાગણી અનુભવતો હું ત્યાં નિ:સહાય બેસી રહ્યો. અંતે જ્યારે તેણી પસ્તાવા સાથે પાછી આવી ત્યારે મારા પિતાએ આંખો ખોલી ધીમેથી કહ્યું : ‘બહેન, હજુ સુધી તું ઘેર નથી ગઈ ?’ અહીં એક માણસ હતો જે મૃત્યુની પથારીમાં સૂતેલો હતો, પણ છતાં તેને સામે ઊભેલી કામના બોજાથી ત્રસ્ત નર્સની વધુ ચિંતા હતી. હું તેમના વિરક્ત અને તપસ્વી જેવા સ્વભાવથી આભો જ બની ગયો. ત્યાં મને શીખવા મળ્યું કે બીજા માણસ માટે તમે કેટલી કાળજી લઈ શકો તેની કોઈ સીમા નથી હોતી. મારા પિતા તે ઘટના બાદ બીજા જ દિવસે મૃત્યુ પામ્યા.

તેઓ એક એવી વ્યક્તિ હતી જેમની સફળતાની વ્યાખ્યા તેમના સિદ્ધાંતો દ્વારા, તેમની કરકસર વૃત્તિ દ્વારા, તેમની સરળતા તથા તેમની દરેક વસ્તુ સાથે જોડાણની ભાવના દ્વારા થઈ શકે. એ બધાંથી ઉપર, તેમણે મને શીખવ્યું કે સફળતા તમારી અગવડો વગેરેને અતિક્રમી જવાની તમારી ક્ષમતામાં છે પછી ભલેને ગમે તેવી સ્થિતિમાં હોય. જો તમે ઈચ્છો તો, તમારી સભાનતાને તમારી આજુબાજુના સંયોગો વગેરેથી ઉપર લઈ શકો છો. સફળતા ભૌતિક સુખ-સાધનો ભેગાં કરવામાં નથી. (જેવા કે રેડિયો જે તેમણે ક્યારેય ખરીદ્યો નહોતો કે ઘર જે તેમની પોતાની માલિકીનું ન હતું.) તેમની સફળતા હતી, તેમણે પોતાની પાછળ મૂકેલા વારસામાં. જે ઓછા પગારવાળા, જેને ખાસ કોઈ ઓળખતુંયે નહોતું એવા એક સરકારી ચાકરની નાનકડી દુનિયાથી પર એવો એક માણસના સિદ્ધાંતોનો વારસો હતો.

મારા પિતા બ્રિટિશ રાજમાં દઢપણે માનનારા હતા. આઝાદી પછીના ભારતના રાજકારણના પક્ષો દેશમાં રાજ કેવી રીતે કરી શકશે તે વિશે તેઓ ખૂબ ચિંતીત હતા. બ્રિટિશ રાજનું પતન તેમના માટે એક દુ:ખની ઘટના હતી. જ્યારે મારી માતા તેમની તદ્દન વિરોધી વિચારસરણી ધરાવતી હતી. જ્યારે સુભાષચંદ્ર બોઝે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ છોડી દીધી અને તેઓ ડાકકામાં આવ્યા હતા ત્યારે મારી માતાએ જે એ સમયે શાળામાં ભણતી એક નાનકડી વિદ્યાર્થીની હતી, તેમના ગળામાં ફૂલોનો હાર પહેરાવ્યો હતો. તેણી ખાદી કાંતતાં પણ શીખી હતી અને તેણે એક ભૂગર્ભ ચળવળમાં પણ ભાગ લીધો હતો. જેમાં તે તલવાર અને ખંજર કેમ વાપરવાં તે શીખી હતી. પરિણામે અમારા ઘરમાં રાજકારણ તરફના દષ્ટિકોણની બે વિવિધ વિચારધારા. વિશ્વને લગતા મોટામોટા પ્રશ્નો વિશે મારી માતા અને મારા પિતા જુદાંજુદાં મંતવ્યો ધરાવતાં હતાં. આ દ્વારા અમે શીખ્યા કે કોઈ વિભિન્ન વિચારધારા ધરાવતા મનુષ્ય સાથે પણ કેવી રીતે જીવવું અને પરસ્પર અસંમતિ ફક્ત વાતચીત સુધી જ સીમિત રાખવી. સફળતા, કોઈ એક હઠીલી અંતિમ સ્થિતિનું નિર્માણ કરવામાં નથી, પણ તે બીજાના વિચારોને પણ અપનાવવામાં છે, વિભિન્ન વિચારધારા સાથે પણ આગળ વધવામાં છે.

મારી માતા બ્યાંસી વર્ષની ઉંમરનાં હતાં ત્યારે તેમને લકવાનો હુમલો થયો અને તેને ભુવનેશ્વરી સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હું ફરી એક વાર અમેરિકાથી ભારત આવી પહોંચ્યો, તેને મળવા માટે. તે લકવાગ્રસ્ત અવસ્થામાં જ હતી. તેવી સ્થિતિમાં હું તેની સાથે બે અઠવાડિયાં હૉસ્પિટલમાં રહ્યો. તેણીની તબિયતમાં જરા પણ સુધારો નહોતો કે તે હાલીચાલી પણ શકતી ન હતી. છેવટે મારે ફરી પાછા કામે જવું પડ્યું. તેને મૂકીને જતી વખતે મેં તેના ચહેરાને ચૂમ્યો હતો. તે સમયે લકવાગ્રસ્ત અવસ્થામાં તૂટ્યાફૂટ્યા અવાજમાં તેણે કહેલું, ‘તું મને શા માટે ચૂમે છે ? જા અને બહારના વિશ્વને ચુંબન આપ.’ તેની જીવન નદી, તેની યાત્રાના અંતિમ તબક્કામાં હતી, જીવન અને મૃત્યુના સુભગ સમન્વય પાસે. આ સ્ત્રી જે ભારતમાં એક શરણાર્થી તરીકે આવી હતી, જેનો ઉછેર વિધવા એવી માતાએ કર્યો હતો અને જે હાઈસ્કૂલથી વધુ ભણી પણ ન હતી, જે અતિ સામાન્ય એવા એક સરકારી નોકરને પરણી હતી – કે જેનો છેલ્લો પગાર ત્રણસો રૂપિયા હતો, દુર્ભાગ્યે જેણે બંને આંખો પણ ગુમાવી દીધી હતી અને જેણે પોતાના જીવનમાં અનેક દુ:ખો અને મુસીબતો વેઠ્યાં હતાં. તેણી મને જગતને ચુંબન કરવા કહી રહી હતી !

મારા માટે, સફળતા એક લક્ષ્ય રાખવામાં છે. દુ:ખો વગેરેને અતિક્રમી જઈ ઉપર ઊઠવામાં છે. સપનું જોવામાં છે. નાના લોકો પ્રત્યે સંવેદના રાખવામાં છે, જગત સાથે જોડાણમાં છે, સચ્ચાઈમાં છે, પ્રમાણિકતામાં છે. જીવને તમને જે આપ્યું છે તે કરતાં કંઈક વધુ કરી પાછું તેને આપવામાં છે. સામાન્ય લોકો વચ્ચે રહીને જ અસામાન્ય એવું કંઈક કરવામાં છે.

ભાઈઓ અને બહેનો, તમે મને સાંભળ્યો એ માટે તમારા સહુનો ખૂબ ખૂબ આભાર. તમને બધાને મારી હાર્દિક શુભેચ્છા. જાઓ અને જગતને ચુંબન આપો.

[ કુલ પાન : 112. કિંમત : 75. પ્રાપ્તિસ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ. અમદાવાદ-380001 ફોન : 91-79-26564279. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ન્યાય – કુન્દનિકા કાપડીઆ
પુણ્ય પરવાર્યું નથી…. – સંકલિત Next »   

11 પ્રતિભાવો : એક પ્રેરણાત્મક વક્તવ્ય – અનુ. વિકાસ નાયક

 1. વત્‍સલ વોરા says:

  ખૂબ જ સરસ વકતત્વ્‍ય છે.

  શ્રી વિકાસભાઇ નાયકના ૩ પુસ્‍તકો મેં મારા પોતાના પુસ્‍તકાલય માટે વસાવી લીધાં છે. ખરેખર બહુ જ સારા પુસ્‍તકો છે.

  શ્રી વીજળીવાલા પછીના સારા વકતવ્‍યોવાળા પુસ્‍તકો છે.

  આભાર

 2. Paresh says:

  ખરેખર પ્રેરણાત્મક અને અનૂસરવા લાયક વ્યક્તવ્ય.

  “મારા માટે, સફળતા સામાન્ય લોકો વચ્ચે રહીને જ અસામાન્ય એવું કંઈક કરવામાં છે.”

  અતિસુંદર, આભાર

 3. trupti trivedi says:

  I do not have words to express. Simply Excellent. If we follow the droplet of moral mentioned above , we will be happy in our life.

 4. pragnaju says:

  આપણા બધાની વાત-
  “સફળતા એક લક્ષ્ય રાખવામાં છે. દુ:ખો વગેરેને અતિક્રમી જઈ ઉપર ઊઠવામાં છે. સપનું જોવામાં છે. નાના લોકો પ્રત્યે સંવેદના રાખવામાં છે, જગત સાથે જોડાણમાં છે, સચ્ચાઈમાં છે, પ્રમાણિકતામાં છે. જીવને તમને જે આપ્યું છે તે કરતાં કંઈક વધુ કરી પાછું તેને આપવામાં છે. સામાન્ય લોકો વચ્ચે રહીને જ અસામાન્ય એવું કંઈક કરવામાં છે.”
  આમાં સફળતાનાં બધા સિધ્ધાંતો આવી જાય છે

 5. ભાવના શુક્લ says:

  પ્રેરણાદાયક વાતો…વાચવા માત્રથી જ મન ને શાતા વળે છે. સફળતા મળવી એ પણ સફળતાની વ્યાખ્યા આપણે શુ કરીએ છીએ તે પર નિર્ભર છે.

 6. Hiral Thaker "Vasantiful" says:

  ” તમે પોતાના માટે શું બનાવ્યું (કે પેદા કર્યું) તેનું મહત્વ નથી, પણ પોતાની પાછળ શું મૂકીને જાઓ છો એ તમારી સફળતા નક્કી કરે છે.”

  “: ‘ના, મને અંધારું દેખાતું નથી. મારી આંખો બંધ હોય ત્યારે પણ મને તો પ્રકાશ જ દેખાય છે.’”

  “મારા માટે, સફળતા એક લક્ષ્ય રાખવામાં છે. દુ:ખો વગેરેને અતિક્રમી જઈ ઉપર ઊઠવામાં છે. સપનું જોવામાં છે. નાના લોકો પ્રત્યે સંવેદના રાખવામાં છે, જગત સાથે જોડાણમાં છે, સચ્ચાઈમાં છે, પ્રમાણિકતામાં છે. જીવને તમને જે આપ્યું છે તે કરતાં કંઈક વધુ કરી પાછું તેને આપવામાં છે. સામાન્ય લોકો વચ્ચે રહીને જ અસામાન્ય એવું કંઈક કરવામાં છે.”

  ખરેખર ખુબ જ સરસ પ્રેરણાદાયી લેખ

 7. Ashish Dave says:

  Heart touching and inspiring

  Ashish Dave
  Sunnyvale California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.