- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

પુણ્ય પરવાર્યું નથી…. – સંકલિત

[‘અખંડ આનંદ’ માં પ્રકાશિત થતી ‘પુણ્ય પરવાર્યું નથી’ કૉલમમાંથી સાભાર સંકલિત. તમામ સત્યઘટનાઓ છે.]

[1] માનવતાનો અંશ – મીનાક્ષી દેસાઈ

‘અરે તરલામાસી ? તમે ગોંડલથી અહીં રાજકોટ ક્યારે આવી ગયાં ? કેમ છે હવે તમારા પગે ? ઑપરેશન કરાવ્યું હતું ને ?…’ મારાં પાડોશી વિદ્યાબહેનને ત્યાં મારા ફલેટની ચાવી મૂકી હતી તે લેવા ગઈ ત્યારે એમણે તરત જ પૂછ્યું. એમને અટકાવી મેં કહ્યું : ‘હવે ઘણું સારું છે, એક જ ઢીંચણ પરની ઢાંકણી બદલાવવાની હતી ને. મારી ભાણી શર્વરી અને જમાઈ સોહમભાઈનો ખૂબ જ આગ્રહ હતો, વળી જમાઈના મામા ગોંડલના પ્રખ્યાત ‘ઓર્થોપેડિક સર્જન’ – અને વર્ષોથી ત્યાં પ્રેક્ટિસ કરે એટલે જ મેં ગોંડલ એને ઘેર જવાનો વિચાર કર્યો, પણ….’
‘પણ શું ? અરે અહીં ઊભા ઊભા તમારો પગ દુ:ખશે ને ? આવો હીંચકે બેસીએ, ક્યાં સુધી ઊભાં રહેશો ?’
મેં કહ્યું : ‘ઓપરેશન પછી દસ-બાર દિવસ તો આરામ કર્યો, વળી શર્વરીનાં સાસુ મારું ખૂબ જ ધ્યાન રાખે, પણ અહીં આવવાનો વિચાર કરતી હતી, ત્યાં જ મારી ભાણીને સખત એક્સિડંટ થયો. સવારે એના બાબાને શાળાએ પોતાના સ્કૂટર પર મૂકવા ગઈ; પરંતુ બાબાને મૂકીને જ્યાં પરત આવી રહી હતી, ત્યાં જ નવા બનાવેલા રસ્તા પરના ‘બમ્પ’ પરથી એનું સ્કૂટર ‘સ્લીપ’ થઈ ગયું. અને એક બાજુએ પડી, બીજી બાજુ એની પર્સ. આખો ચહેરો – માથું – બધું જ રક્તથી રંગાઈ ગયું. અરે, આંખ બચી ગઈ, પણ એક આંખ નીચે પણ વાગ્યું હતું. બીજી બાજુ એની પર્સ પડી હતી. પ્રભુનો કેટલો પાડ માનીએ કે જાણે એમનો દૂત જ ના મોકલ્યો હોય ? એમ, ત્યાં જ બાજુના સરકારી ચોથા વર્ગના-કર્મચારીઓના રહેણાંક માટેના કવાટર્સમાં એક ડ્રાઈવર લખુભાનું રોડની પાસે જ છેલ્લું રહેણાંક. તે આ જોઈ તરત જ દોડી આવ્યા. શર્વરીને તે સમયે જોકે થોડુંઘણું ભાન હતું, એટલે એણે લખુભાની નિશાની કરી પર્સ બતાવી અને એટલું જ બોલી : ‘અંદર મોબાઈલ છે, આ નંબર…. પર મારા હસબન્ડ ને ફોન’ – અને એણે ભાન ગુમાવી દીધું.

લખુભાનો ફોન આવ્યો કે સોહમભાઈ ગાડી લઈ થોડાઘણા પૈસા સાથે રાખી પાડોશમાં રહેતા એમના મિત્ર રોહિતભાઈને સાથે લઈ, લખુભાએ બતાવેલી જગ્યાએ પહોંચી ગયા. લખુભાએ એ દરમિયાન એની પત્નીને અંદરથી બોલાવી કહ્યું, ‘તું આ બહેન પાસે જ ઊભી રહે, હું સાહેબને બંગલે જઈ જીપ લઈને તરત આવું છું.’ બંગલો નજીક જ હતો. જીપમાં બન્નેએ મળી મારી ભાણીને સુવડાવી, અને એની પર્સ પોતાની પાસે રાખી. સોહમભાઈએ ત્યાં પહોંચી તરત જ લખુભાને કહ્યું : ‘હમણાં તમારી જીપમાં જ એમને રાખો, મારા મામા ડૉ. અલ્પેશભાઈ જોષીનું ક્લિનિક અહીં પાસે જ છે, ત્યાં અમારી સાથે તમે આવી શકશો ?’ તરત જ લખુભા કહે, ‘અરે સાહેબ એ શું બોલ્યા ? આ બહેન તો મારી દીકરી જેવી જ છે ને ? અત્યારે એને જેમ બને તેમ જલદી દવાખાને લઈ જવી જોઈએ. એને દૂર લઈ જવી પડે તો શું હું ના પાડું ?’

ડૉક્ટર અલ્પેશભાઈના ક્લિનિકમાં શર્વરીને પ્રારંભિક ટ્રીટમેન્ટ તાત્કાલિક આપી, અને આંખના ડોક્ટરને બોલાવી આંખની નીચેના ભાગમાં ટાંકા લેવડાવી દીધા. લગભગ અઢી કલાક એને ત્યાં રાખી. પરંતુ લખુભા તો ક્લિનિકની બહાર જ ઊભો રહ્યો. થોડી થોડી વારે અંદર ડૉકિયું કરે કે કોઈ દેખાય તો આ દીકરીના પતિને બોલાવી, આ એની પર્સ સોપું.’ દોઢેક કલાક બાદ જેવી સોહમભાઈ પર એની નજર પડી કે બહાર એમને આવવા ઈશારો કર્યો. પર્સમાં દોઢ તોલા સોનાનું મંગલસૂત્ર, મોબાઈલ, લગભગ ત્રણેક હજારની કિંમતની ‘રીસ્ટ વૉચ’ અને થોડા ઘણા પૈસા હતા. સોહમભાઈને એ સોંપી લખુભા કહે, ‘લો સાહેબ, જોઈ લેજો, કાંઈ ખૂટતું તો નથી ને ? જીવની જેમ સાચવ્યું છે. દીકરીની આ અનામત સાચવો, નાનો માણસ છું પણ દીકરી સાજી થઈ જાય પછી જરૂર મારે ઘેર પધારજો.’ સોહમભાઈ તો સજળ નયને એને ભેટી જ પડ્યા, અને કહે : ‘મોટાભાઈ તમારો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી.’

એકવાર તો ઘેર પાછા ફરતાં એના ઘર પાસે ગાડી ઊભી રાખી. લખુભાને મળી, ‘ફરી જરૂર આવીશું.’ કહી ઘેર આવ્યા. અઢી કલાકે કાગડોળે ઘરમાં હું અને ભાણીનાં સાસુ એના આવવાની રાહ જોતાં હતાં. લોહીના ઘણાં જ ડાઘા – ચહેરા ઉપર, સૂઝી ગયેલા હોઠ અને માખણ જેવી ચામડી પરના કાળા ડાઘ જોઈને મને થયું કે ‘મને તમ્મર જ જાણે આવી જશે.’. ઘરમાં એ.સી રૂમમાં સતત બરફ ઘસી અને અન્ય ટ્રીટમેન્ટ બાદ એકાદ મહિના બાદ સોહમભાઈ અને શર્વરી લખુભાને ઘેર ગયાં. પહેલાં તો ખૂબ વિચાર્યું કે ‘શું લઈ જઈશું ? કેવી ગિફ્ટ આપીશું ?’ પરંતુ શવરીએ સૂચવ્યું કે ‘દિવાળી પાસે આવે છે, આપણે રોકડા જ આપીએ તો ?’ સોહમ કહે : ‘પણ લેશે ખરા ?’ પરંતુ પછી તો રોકડા જ આપવાનો નિર્ણય કર્યો અને એ બન્ને જેવા લખુભાના ઘરમાં પ્રવેશે ત્યાં જ એક નાનકડો બાબો રમતો રમતો ત્યાં આવ્યો, લખુભાએ એમને કહ્યું : ‘જો બહેન, હું નહોતો કહેતો, તમે તો મારી દીકરી જેવડાં જ લાગો છો, એ તો ગામડે રહે છે, પણ એના આ બાબાને અહીં રાખી અમે ભણાવીએ છીએ.’

બસ મોકો મળી ગયો. બાબાને પાસે બોલાવી, ભાણીએ વહાલ કરી એને માથે હાથ ફેરવી પૂછ્યું : ‘શું નામ છે તારું ? શું ભણે છે ?’ આમ કહી પાંચસો પાંચાસોની બે નોટો એના ગજવામાં સેરવી કહ્યું : ‘લે બાબા, દિવાળી આવે છે ને ? ફટાકડા ફોડશે ને ?’
લખુભા તો ખુરશી પરથી ઊભા થઈ ગયા. ‘અરે આ શું કરો છો બહેન ? અમારાથી દીકરીનું કદી લેવાય ?’ ત્યાં સોહમભાઈએ તરત જ બાજી સંભાળી લીધી અને કહે : ‘દીકરી એના ભાણાને આપી રહી છે ને ?’

આ વાત સાંભળી વિદ્યાબહેન તરત જ બોલ્યાં : ‘આજે જ્યારે સમાજના દિગ્ગજો કરોડો પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે; ત્યારે લખુભા જેવો અદનો આદમી શોધ્યોયે ના જડે, એક તો મોંઘીદાટ ચીજો સાચવીને, દોઢ કલાક સુધી પાછી એને આપવા માટે ઊભો રહ્યો, આવી ભાગ્યે જ બનતી ઘટનાઓથી જરૂર એમ લાગે કે માનવતાનો અંશ હજી ક્યાંક ક્યાંક ડોકાય છે.’

.
[2] માનવતાનું સગપણ – અર્જુન કે. રાઉલજી

બપોરનો લગભગ સાડાબારથી એકનો સમય હતો. ઓલ્ડપાદરા રોડ ઉપર લારીમાં તાજાં તાજાં મીઠા જામફળ લઈને એહમદ બેઠો હતો. રડ્યા-ખડ્યા ઘરાકો આવતા હતા.

એક સ્કૂલ બસ આવી. તેમાંથી ઘણાં બધાં બાળકો ઊતર્યાં. બાળકો સ્કૂલ યુનિફોર્મમાં જ હતાં. બધાં બાળકો પોતપોતાના રસ્તે પડ્યાં. લગભગ આઠેક વરસની ઉંમરની એક બાળકી પણ ઊતરી. પાછળના સોસાયટી વિસ્તારમાં રહેતી હોવી જોઈએ કારણ કે તે આમતેમ જોતી જોતી ગભરાતી ગભરાતી રોડ ક્રોસ કરી રહી હતી. લારીવાળો અહેમદ બધું બેઠો બેઠો જોતો જ હતો. બાળકીએ અડધો રોડ તો ક્રોસ કરી નાખ્યો હતો. બાકીનો અડધો રોડ તે ક્રોસ કરી જ નાખત પણ પાદરા સાઈડેથી એક ધસમસતી બાઈક આવી અને લગભગ સાતેક ફૂટ દૂરથી તેણે રોડ ક્રોસ કરી રહેલી બાળકીને જોઈ – તેણે સજ્જડ બ્રેક મારી – ચી…યું….યું…. અવાજ પણ થયો – પણ બાઈક ફૂલ સ્પીડમાં હતી – બાળકી સાથે અથડાઈ – બાળકી રોડ ઉપર ચત્તીપાટ પડી… એહમદે આ જોયું. તેણે બાઈકવાળાને ગાળ દઈ ઊભો રાખવાનો પ્રયત્ન કર્યો પણ હવે તે ઊભો રહે ખરો ? સનસનાટ કરતો નીકળી ગયો….

એહમદે પોતાનું ખમીસ કાઢીને ફૂટપાથ ઉપર પાથર્યું. બાળકીને તેના ઉપર સુવડાવી દીધી અને આવતાં જતાં વાહનો રોકવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એક કાર આવી. એહમદે હાથ કર્યો એટલે કાર ઊભી રહી. કોઈક કાકા ડ્રાઈવિંગ કરતા હતા, બાજુમાં ઘરેણાંથી લદાયેલી જાજરમાન મહિલા બેઠી હતી.
કાકાએ પૂછ્યું : ‘શું થયું ?’
‘આ બાળકીને અકસ્માત થયો છે. તેને માથામાં વાગ્યું છે. લોહી નીકળે છે…. તાત્કાલિક તમારી ગાડીમાં દવાખાને લઈ જવી છે….’
‘ના… ભાઈ… ના… અમારે ઉતાવળ છે. અને આ પોલીસના લફરામાં કોણ પડે ?’ પેલી સ્ત્રીએ કહ્યું અને કાર મારી મૂકી…. લોકો ભેગા થવા માંડ્યાં… જાતજાતની સલાહો આપતા હતા. પણ અહેમદનું મન માનતું નહોતું. તે તો બાળકીને તાત્કાલિક દવાખાને લઈ જવા માગતો હતો.

એક રીક્ષાવાળો આવ્યો. શું થયું છે તે જાણવાના આશયથી રીક્ષા ધીમી પાડી. એહમદે હાથ કર્યો એટલે તેણે રીક્ષા ઊભી રાખી. રીક્ષા ખાલી જ હતી. એહમદે વાત કરતાં ઉમેર્યું, ‘એને દવાખાને લઈ જવી છે જે ભાડું થશે તે આપી દઈશ….’
‘તમારી શું સગી થાય છે ?’
‘સગપણ તો કશું જ નથી. માનવતા સિવાય….’
‘તો મારે પણ એ જ સગપણ છે ને ? તમારી પાસે મારાથી કેમ પૈસા લેવાય ?’ બંને જણ સાથે મળીને બાળકીને નજીકના દવાખાને લઈ ગયા. ડૉકટરને બધી વાત કરી અને સારવાર આપવા વિનંતી કરી. સાથે સાથે ‘બાળકીનાં માબાપ દવાખાનાનું બીલ નહીં આપે તો અમે આપી દઈશું…’ એમ જણાવ્યું. ડૉક્ટર બોલી ઊઠ્યા : ‘ના…ના… ભાઈ… મને ખબર છે કે પુણ્ય પરવાર્યું નથી જ….’ બાળકીના દફતરમાંથી સ્કૂલ ડાયરી કાઢી તેમાંથી તેનાં માબાપનો ફોન નંબર શોધી – બાળકીનાં માબાપને બોલાવ્યાં. તેના પપ્પા કોઈક સરકારી કચેરીમાં ઑફિસર હતા. તેમણે એહમદ અને રીક્ષાવાળાને પાંચસો-પાંચસો રૂપિયા આપવા માંડ્યા, તો તેમણે તેનો સાદર ઈન્કાર કરી દીધો.

ભાઈશ્રી એહમદ પાસેથી જ્યારે મેં આ વાત જાણી – તો મેં તેને ખૂબ ખૂબ અભિનંદન આપ્યાં અને મારું મન પોકારી ઊઠ્યું : ‘ના…ના… હજુ પુણ્ય પરવાર્યું નથી જ…’

.
[3] અદના આદમીની ઈમાનદારી – દેવા એન. બુદેલિયા

આપણને ઘણી વખત ધનથી નાના પણ મનથી મોટા એવા કોઈ મૂઠી ઊંચેરા માનવી વિશે વાંચવા-સાંભળવા મળે છે, પણ પ્રત્યક્ષ આવા કોઈ પ્રસંગની અનુભૂતિ થાય, ત્યારે તેની સાચી મહત્તા સમજાય છે. આવો એક અનુભવ મને પણ થયેલો.

થોડા સમય પહેલાં મને ટી.બી. થઈ ગયેલો. ડૉક્ટરે આ સમય દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં ફળ-ફ્રૂટ ખાવાની સલાહ આપેલી. તેથી દરરોજ હું નોકરી પર જતી વખતે ચાર રસ્તા પરની ફળની એક લારી પરથી એકાદ-બે સફરજન ખરીદતો. લગભગ એકાદ અઠવાડિયાથી આ ક્રમ ચાલતો હતો.

એક દિવસ સવારે નોકરી પર જતાં પહેલાં હું સફરજન ખરીદવા લારી પર ગયો. એક સફરજન લઈ મેં પચાસની નોટ આપી. હજી સવારનો બોણીનો સમય હતો ને લારીવાળા પાસે છુટ્ટા પૈસા નહોતા. છતાં તેણે બીજી કોઈ વાર પૈસા આપી જવા કહ્યું; પણ મેં બાકીના પૈસા જમા રાખવા કહ્યું, કારણ કે મારે જરા ઉતાવળ હતી…. આ પછી અચાનક દોઢ મહિના માટે મારે બહારગામ જવાનું થયું. એ દરમ્યાન હું મારા બાકી નીકળતા પાંત્રીસ રૂપિયાવાળી વાત સાવ ભૂલી જ ગયો.

બહારગામથી પાછા ફર્યા બાદ એક દિવસ નોકરી પર જતાં પહેલાં હું એ ફળની લારી પર ગયો. ટોપલીમાંથી સારું જોઈ એક સફરજન ઉઠાવ્યું ને પચાસની નોટ ધરી. મારા આશ્ચર્ય વચ્ચે લારીવાળાએ એ પચાસની નોટ પાછી વાળી અને સામેથી બીજી વીસ રૂપિયાની નોટ મારા હાથમાં મૂકતાં કહ્યું : ‘આપકે દેઢ મહિને પુરાને પૈંતીસ રૂપિયે જમા થે. મૈં હરરોજ આપકી રાહ દેખતા થા, કિ કબ આપ આયેં ઔર મૈં પૈસે વાપસ કરું.’ ક્ષણભર તો હું નવાઈ પામતો એને જોઈ જ રહ્યો. પછી અચાનક મગજમાં ઝબકારો થયો કે દોઢ મહિના પહેલાંના મારા પાંત્રીસ રૂપિયા અહીં જમા હતા. મેં લારીવાળાનો આભાર માન્યો. તેની પ્રમાણિકતા પ્રત્યે મને માન ઉપજ્યું. પાંત્રીસ રૂપિયાની રકમ ભલે નાની રહી, પણ લારીવાળાની નજરમાં તેનું મૂલ્ય તો ખરું જ ને ! ને સવાલ પાંત્રીસ રૂપિયાનો નહિ, પણ નેક ઈરાદાનો છે. હવે જ્યારે આવા કોઈ અદના આદમીની ઈમાનદારી કે મોટાઈની વાતો સાંભળું છું, ત્યારે પેલો લારીવાળો અચૂક યાદ આવી જાય છે.