વાત એક વિજયની…. – મહેશ યાજ્ઞિક

‘ડાબા હાથે જે ખાંચો આવે એમાં અંદર જજો.’ બપોરે એક વાગ્યે અમદાવાદની હવામાં ઉકળાટ હતો. પાનના ગલ્લાવાળાએ સામે ઊભેલા આગંતુકને વધુ જાણકારી આપવા ઉમેર્યું : ‘પોળના બધાં ઘરમાં દુકાન કે ગોડાઉન બની ગયાં છે. બાકી રહ્યું છે એ એક ઘર ચંદુભાઈ મિસ્ત્રીનું. બારણા ઉપર લોખંડની જાળી બીડેલી છે….’
‘થેંક્યુ…. થેંક્યુ વેરી મચ….’ યુવાને નીચે મૂકેલી સૂટકેસ હાથમાં લીધી અને આગળ વધ્યો. ભરબપોરે પોળની અંદર ખાસ ચહલપહલ નહોતી. વાદળી રંગની રંગેલી જાળી ઉપર એની નજર પડી. જાળી પછી ઓટલો હતો. અંદરનું બારણું બંધ હતું. સૂટકેસ પગ પાસે મૂકીને એણે જાળી ખખડાવી. ‘કોણ ?…’ અંદરના રૂમમાંથી કોઈ વૃદ્ધાએ બૂમ પાડી. જવાબ આપ્યા વગર એણે ફરી વાર જાળી ખખડાવી.
‘આવું છું…..’
પાંસઠેક વર્ષની વૃદ્ધાએ બારણું ખોલ્યું. એના ઊંઘરેટા ચહેરા પર અણગમો તરવરતો હતો. માંડ આંખ મળી હશે એ જ વખતે ખલેલ પડી એ એને નહોતું ગમ્યું. જાળી ખોલ્યા વગર એ ઓટલા પર ઊભી રહી. આછા કથ્થાઈ રંગની ઘસાઈ ગયેલી સાડી, સફેદ વાળની અંબોડી, પાતળો દેહ, કપાળની વચ્ચોવચ્ચ લાલઘૂમ ચાંદલો, સહેજ ચીબું નાક અને ચહેરાના પ્રમાણમાં થોડીક મોટી આંખો. આવનાર યુવકને એ ઓળખી શકી નહીં.

‘કોનું કામ છે ?’ ડોશીએ ફરીથી પૂછ્યું. કંઈ જવાબ આપે એ અગાઉ યુવાનના ખિસ્સામાં મોબાઈલ રણક્યો. સ્ક્રીન ઉપરનું નામ જોઈને એણે જવાબ આપ્યો : ‘વિશ્વાસ રાખ. પહોંચી ગયો છું. સાંભળ…’ એના અવાજમાં આદેશ હતો, ‘વચ્ચે ડિસ્ટર્બ ના કરતી. કામ પતે પછી વાત કરાવીશ.’ એણે મોબાઈલ ખિસ્સામાં સરકાવ્યો. આંખમાં સવાલ લઈને ડોશી હજુ પોતાની સામે તાકી રહી છે એ જોઈને એણે પૂછ્યું, ‘ચંદુભાઈ મિસ્ત્રીનું ઘર આ જ ને ?’
‘હા…’ લગભગ છણકો કરતી હોય એમ ડોશીએ પૂછ્યું : ‘પણ તું છે કોણ ?’
‘તમે ના ઓળખ્યો પણ ચંદુકાકા ઓળખી જશે.’
‘એ કઈ રીતે ઓળખશે ?’
‘ચહેરાના અણસાર ઉપરથી.’
‘એ નહીં ઓળખી શકે. ઓળખશે તોય મને ઓળખાણ નહીં આપી શકે.’ ડોશીના અવાજમાં લાચારી છલકાતી હતી. ‘લકવો થઈ ગયો છે. ઝાડો-પેશાબ પણ પલંગમાં કરાવવા પડે છે. જીભ ઝલાઈ ગઈ છે એટલે બોલી નથી શકતા….’
‘ઓહ ગોડ ! એમની આવી દશા ?’
‘આજકાલ કરતાં બે વર્ષ થઈ ગયાં. નખમાંય રોગ નહોતો. ને ઘડીકમાં તો અડધું અંગ ખોટું પડી ગયું…’ વૃદ્ધાએ જાળીનું બારણું ખોલ્યું. યુવાન અંદર આવ્યો. વૃદ્ધા આગળ વધી એની પાછળ પાછળ એ અંદરના રૂમમાં પહોંચ્યો.

ભેજવાળા ઓરડાની દીવાલોમાં ઠેરઠેર પોપડાં ઊખડી ગયાં હતાં. અંધારિયા ઓરડાનું અંધારું દૂર હટાવવા માટે એક ઝાંખો બલ્બ પોતાનું માંદલું અજવાળું પાથરી રહ્યો હતો. રૂમની વચ્ચોવચ્ચ લાકડાનો જૂનો પલંગ હતો. એના ઉપર સિત્તેરેક વર્ષનો વૃદ્ધ સૂતો હતો. એનું સૂકલકડી શરીર હાડપિંજર જેવું લાગતું હતું. આંખો ઊંડી ઊતરી ગઈ હતી. આછા થઈ ગયેલા સફેદ વાળ વિખરાયેલા હતા. આ બંને અંદર આવ્યા એટલે એના શરીરમાં સળવળાટ થયો. મહાપ્રયત્ને લગીરેક ગરદન ફેરવીને એ તાકી રહ્યો. એની અસહાય આંખોમાં પરવશતા તરવરતી હતી. આખા ઓરડામાં બંધિયારપણાની વિચિત્ર ગંધ આવતી હતી. પલંગ પાસે પડેલી નકશીદાર ટિપોઈ પણ જર્જરિત હાલતમાં હતી. એના ઉપર પ્લાસ્ટિકના જગમાં પાણી ભરેલું હતું. બાજુમાં ગ્લાસ પડ્યો હતો. પલંગની સામે પડેલી લાકડાની ખુરશી ઉપર એ બેઠો. વૃદ્ધા પલંગમાં ડોસાના પગ પાસે બેઠી.

‘બે વર્ષ પહેલાં લકવાનો એટેક આવ્યો ત્યારે હૉસ્પિટલમાં રાખ્યા’તા પણ કંઈ ફેર પડ્યો નહીં. હૉસ્પિટલનો ખર્ચોય મારી નાખે એવો હતો. ઘેર લઈ આવી. એ પછી આ ખાટલો પકડ્યો એ પકડ્યો. આવ્યા ત્યારથી આમ ને આમ છે…’ સહેજ અટકીને વૃદ્ધાએ યુવાન સામે જોયું. ‘પાણી આપું તને ?’ અહીંની દશા જોયા પછી પાણી પીવાની ઈચ્છા મરી પરવારી હતી એટલે એણે ડોકું ધુણાવીને ના પાડી.
‘હવે તો તારી ઓળખાણ આપ…’
‘નામથી તમે નહીં ઓળખો.’ ફિક્કું હસીને યુવાને વારાફરતી બંનેની સામે જોયું, ‘ચોથી-પાંચમીમાં ભણતો’તો ત્યારે આ ઘરમાં ઘણી વાર આવી ગયો છું…’ સહેજ અટકીને એણે ધીમેથી ઉમેર્યું : ‘સતીશની સાથે.’

સતીશના નામના ઉચ્ચારની સાથે આખા ઓરડાનું વાતાવરણ બદલાઈ ગયું. આંખો પહોળી કરીને સવિતાબહેન એની સામે તાકી રહ્યાં, પલંગમાં સૂતેલા ચંદુભાઈની આંખ પણ ચમકી. યુવાન ઉપર નજર ફેરવીને એમની આંખ સામેની દીવાલ ઉપર સ્થિર થઈ ગઈ. સામેની દીવાલે પચીસેક વર્ષના યુવાનની છબી લટકતી હતી. એમણે ત્યાં જોયું એટલે યુવાને પણ એ છબી તરફ નજર કરી. એકાદ મિનિટની સ્તબ્ધતા પછી પણ ઓરડાનું વાતાવરણ સહી ના શકાય એવું ભારેખમ લાગતું હતું.
‘તું સતીશનો ભાઈબંધ છે ?’ સવિતાબહેને નજીક આવીને યુવાનની આંખોમાં આંખો પરોવીને પૂછ્યું.
‘સ્કૂલમાં સાથે ભણતા’તા ?’
યુવાને કંઈ જવાબ ના આપ્યો.
‘અમારી દશા જોઈને કંઈ સમજાય છે ? એકનો એક દીકરો અને એક વર્ષથી એ ક્યાં છે ને શું કરે છે એની કંઈ ખબર નથી..!’ જોનારને હચમચાવી મૂકે એવી પીડા સવિતાબહેનના ચહેરા ઉપર તરવરતી હતી. આટલાં વર્ષોનો થાક અસહ્ય બોજ બનીને ગળામાં અટવાયો હોય એમ ધ્રૂજતા અવાજે એ બબડી. ‘હવે તો એ જીવે છે કે…’ વાક્ય અધૂરું મૂકીને એણે છબી સામે જોયું. પછી છત તરફ નજર કરીને બંને હાથ ઉપર કર્યા. ‘એ જીવે છે કે નહીં એય ઉપરવાળો જાણે ! એકબીજાનું મોઢું જોઈને દિવસો ટૂંકા કરીએ છીએ. અમને ય ઉપર બોલાવી લે એની રાહ જોઈને બેઠા છીએ….’

ચંદુભાઈના લકવાગ્રસ્ત ચહેરા ઉપર પણ અસહ્ય પીડા પથરાયેલી હતી. ‘મેટ્રિક પાસ થઈને એ મુંબઈ પહોંચી ગયેલો. સુથારીકામમાં એના બાપનેય આંટી મારે એવો હોશિયાર. અમે ના પાડતા’તા પણ એણે કીધું કે મુંબઈમાં બહુ પૈસો છે. સારા કારીગરને અમદાવાદ કરતાં ચાર ગણા પૈસા મળે. પાંચ વર્ષમાં એને લાઈન મળી ગઈ. ચાલીમાં ઓરડીયે ભાડે રાખેલી. વર્ષે એક વાર અમદાવાદ આવે. હું તો એના માટે કન્યા ગોતતી’તી પણ નખ્ખોદ જાય મૂવા ત્રાસવાદીઓનું… એમણે બોમ્બ ધડાકા કરાવ્યા એ પછી એના કોઈ વાવડ નથી !’
‘એ જ્યાં રહેતો હતો ત્યાં તમે કંઈક તો તપાસ કરાવી હશે ને ?’
સવિતાબહેને નિરાશાથી માથું ધુણાવ્યું, ‘છેલ્લે આવ્યો ત્યારે કહેતો’તો કે કમાટીપુરામાં ઓરડી છે. એરિયા સારો નથી. સારા એરિયામાં રૂમ મળશે ત્યારે તમને લઈ જઈશ. મોબાઈલ રાખતો’તો એનો નંબર લખી આપેલો અમને. એ સિવાય એનો કોઈ અતોપતો અમારી પાસે નહોતો.’ એમના અવાજમાં લાચારી વધુ ઘેરી બની, ‘આ તારા કાકાને કોઈ સગાં ભાઈ-બહેન નહીં ને મારેય પિયરમાં પીપળા ઊગ્યા છે. મુંબઈ કંઈ નજીક છે ? અમારા વતી કોણ જઈને તપાસ કરે ? પોળના જૂના પાડોશીઓ હોત તો કોઈક જાત પણ આઠ-દસ વર્ષથી તો બધી દુકાનો થઈ ગઈ છે. એ ધંધાવાળાઓને ગરીબ ડોસા-ડોશીની પરવા ક્યાંથી હોય ?…’ ડોશીની આંખ એક પળ માટે ચમકી. ‘હું એકલી બધે પહોંચી વળું. મુંબઈ તો શું મક્કા સુધી દોડું પણ પછી આમનું કોણ ? એમને રેઢા મૂકીને કઈ રીતે નીકળું ? હૃદય ઉપર પથ્થર મૂકીને મન મનાવી લીધું કે ઉપરવાળાએ જે ધાર્યું હશે એ થશે. નાનો કીકલો તો છે નહીં. આ માગશરમાં સત્યાવીશ પૂરાં થયાં’તાં. જીવતો હશે તો ગમે તે રીતે પાછો આવી જશે….’ બંને હાથ લમણે ટેકવીને એ બબડી. ‘કરમની કઠણાઈ. નસીબમાં જે ભોગવવાનું લખ્યું હોય એ સહન કર્યા વગર છૂટકો છે ? રોઈ રોઈને આંખનાં આંસુંય ખૂટી ગયાં છે. શ્વાસ ચાલે ત્યાં સુધી એની રાહ જોઈને સબડતાં રહીશું આ ઘરમાં….’ એના શબ્દેશબ્દમાંથી પીડા ટપકતી હતી. ‘રોજ સાંજે દીવો કરું ત્યારે કોઈ બૈરી ના કરે એવી પ્રાર્થના કરું છું. ભગવાનને કહું છું કે, ‘મારા પહેલાં એમને ઉપાડી લેજે. મારો દેહ નહીં હોય તો એમનું શું થશે ?’ અવાજમાં ડૂમો ભરાવાથી એ અટકી. હળવેથી ખોંખારો ખાઈને ગળું સાફ કર્યું : ‘અલ્યા, હવે તો બોલ. કોણ છે તું ?’
‘સાવ સાચું કહું તો જિંદગીમાં પહેલી વાર આજે અમદાવાદમાં પગ મૂક્યો…’

સવિતાબહેને ચોંકીને એની સામે જોયું. એ કંઈક પૂછવા જતાં હતાં. હાથથી ઈશારો કરીને યુવાને એમને રોક્યાં. ‘પ્લીઝ, પહેલાં મારી વાત સાંભળો. મારું નામ વિજય… વિજય ગજ્જર. મૂળ ડીસાનો પણ નાનપણમાં મા-બાપ મરી ગયાં એટલે રાધનપુરમાં મામાને ત્યાં ઊછરેલો. નાનપણથી જ આડી લાઈને ચડી ગયેલો. દસ વર્ષની ઉંમરે તો બીડી પીતો’તો. ચાલાકી અને હોશિયારી ખરી પણ ભણ્યો નહીં. પંદર વર્ષની ઉંમરે લખ્ખણ જોઈને મામાએ ઝૂડ્યો. એ રાતે એમના ઘરમાં ધાપ મારીને ભાગી ગયો મુંબઈ. પૈસા હતા ત્યાં સુધી જલસા કર્યા. એ પછી નાના-મોટા જાકૂબીના (ઠગાઈના) ધંધા શરૂ કર્યા. ફૂટપાથ ઉપર સૂવાનું ને તક મળે ત્યાં હાથ મારવાનો. પકડાઉં ત્યારે પોલીસ ઢોરમાર મારે – પૂરી દે…. એ પછી થોડાક પૈસા ભેગા થયા એટલે જોગેશ્વરીના એક તબેલાના વૉચમેનને ભાડું આપીને ત્યાં સૂઈ રહેવાની વ્યવસ્થા ગોઠવી દીધી. છેલ્લે જેલમાં ગયેલો ત્યારે એવો ભયાનક માર પડેલો કે મહેનત-મજૂરી કરીને રોટલો રળવાનું નક્કી કર્યું….’

એકધારું આટલું બોલીને એ અટક્યો. સવિતાબહેન અને ચંદુભાઈ ધ્યાનથી સાંભળતાં હતાં.
‘વિચાર પરિવર્તનનું બીજું કારણ બહુ મહત્વનું હતું. તબેલાના વૉચમૅનની છોકરી બહુ રૂપાળી હતી. એની જોડે આંખ મળી ગઈ’તી. એનું નામ માયા. તેજ મિજાજની અને ભારે સ્વમાની. બાજુના છ ફલેટમાં એ ઘરકામ કરવા જતી. ફલેટવાળા એને ફલેટની ચાવી આપીને જતા રહે એટલી વિશ્વાસુ. માયાને મારા મનની વાત કહી તો એ વીફરી. એણે ચોખ્ખું કહ્યું કે, તારી ગરીબી વેઠીશ પણ તારા હરામીવેડા સહન નહીં થાય. મહેનત કરીને પૈસા કમાય એ પછી મારી સાથે વાત કરજે. ચોરી-ચપાટી કે હરામના પૈસા ઉપર થૂંકીશ પણ નહીં…. માયાના વિચાર જાણ્યા પછી હાથરૂમાલ અને મોજાં વેચવાનું શરૂ કર્યું. આખો દિવસ લોકલ ટ્રેનમાં પ્રવાસીઓ વચ્ચે ભટકીને સાંજ પડ્યે સો-દોઢસો રૂપિયા કમાતો હતો. એ જોઈને માયા ખુશ હતી પણ મને સંતોષ નહોતો. કંઈક મોટા પાયે ધંધો કરવાની ધગધગતી લાલસા હતી મારા મનમાં….’

વિજય અટક્યો. હવે પછીની વાત કહેવા માટે હિંમતની જરૂર હતી એ મેળવવાની મથામણ એના ચહેરા પર હતી. શબ્દો ગોઠવવાની પળોજણમાં એનું મગજ રોકાયેલું હતું. સવિતાબહેન ઉત્સુકતા અને જિજ્ઞાસાથી એની સામે તાકી રહ્યાં હતાં.
‘આજથી એક વર્ષ અગાઉ…..’ વિજયનો અવાજ ધીમો થઈ ગયો, ‘એકઝેટ તારીખ કહું તો અગિયારમી જુલાઈએ સાંજે અંધેરી સ્ટેશને મોજાં અને રૂમાલ લઈને ઊભો હતો એ વખતે એક યુવાને ત્રણ જોડી મોજાં ખરીદ્યાં. એણે પાંચસોની નોટ આપી. મેં એને ચારસો સિત્તેર રૂપિયા પાછા આપ્યા. સોની એક નોટ થોડી ખરાબ હતી એટલે એણે રકઝક પણ કરી. એ પછી બોરિવલી જતી ટ્રેનમાં હું ઘુસ્યો. ડબ્બામાં કાયમની જેમ ભીડ હતી. પ્રવાસીઓ વચ્ચે મેં ધંધો ચાલુ કર્યો.’ વિજયના અવાજમાં ધ્રૂજારી હતી. ‘બોરિવલી સ્ટેશન પાસે ટ્રેન પહોંચી એ જ વખતે અમારા ડબ્બામાં ભયાનક વિસ્ફોટ થયો. બોમ્બ ધડાકો એટલો જબરજસ્ત હતો કે આખો ડબ્બો ચિરાઈ ગયો. કંઈ સમજાય એ અગાઉ અમે બહાર ફેંકાઈ ગયા હતા. આગની જવાળાઓ લપકતી હતી. ચીસાચીસ અને રોક્કળની વચ્ચે મગજ બહેર મારી ગયું હતું. હું ડબ્બાથી વીસેક ફૂટ દૂર પડ્યો હતો. ઊભો થવા પ્રયત્ન કર્યો ત્યારે ભાન થયું કે ડાબા પગની ત્રણ આંગળીઓ કપાઈ ગઈ હતી. મારી બાજુમાં પીડા ભરેલો ઊંહકારો સંભળાયો એટલે મેં એ તરફ જોયું અને હું થીજી ગયો. મેં જેને મોજાં વેચ્યાં હતાં એ યુવાન પીડાથી કણસતો હતો. એના હાથ-પગ સલામત હતા પણ ડબ્બામાંથી વછૂટેલું પતરું એની ગરદનમાં ઘૂસી ગયું’તું. ધડધડાટ લોહી વહેતું હતું. ‘મારાં મા-બાપ અમદાવાદ રહે છે…’ એનો અવાજ તૂટતો હતો. એના હોઠ પાસે હું કાન લઈ ગયો. ‘બ્રિફકેસમાં નામ-સરનામું બધું છે. પ્લીઝ…’ એ આગળ બોલે એ અગાઉ એના શ્વાસ અટકી ગયા. મારી સામે તાકી રહેલી એની આશાભરી આંખો હજુ ઉઘાડી હતી. મેં એ હળવેથી બંધ કરી.’

સવિતાબહેન શ્વાસ રોકીને સાંભળતાં હતાં. છેલ્લા શબ્દો સાંભળ્યા પછી એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. ચંદુલાલના લકવાગ્રસ્ત ચહેરા પર આંસુની ભીનાશ ચમકતી હતી.
‘તમારી પીડા સમજી શકું છું પણ મારી વાત હજુ પૂરી નથી થઈ…’ વિજયનો અવાજ ધ્રૂજતો હતો, ‘મૂળથી શેતાની દિમાગ એટલે મેં બહુ ઝડપથી નિર્ણય લઈ લીધો. આજુબાજુ એવી પરિસ્થિતિ હતી કે કોણ શું કરે છે એનું કોઈને ભાન નહોતું. મેં ફટાફટ એના ખિસ્સામાંથી પાકિટ ને મોબાઈલ કાઢી લીધાં. બ્રિફકેસ ખોલીને એની ડાયરી અને વિઝિટિંગ કાર્ડ ઉપર નજર ફેરવી લીધી. બ્રિફકેસમાં એની ઓરડીની ચાવી પણ હતી. આજુબાજુના લોકોને બોલાવ્યા અને સતીશને હૉસ્પિટલ પહોંચાડ્યો. એનું નામ સતીશ મિસ્ત્રી અને મારું નામ વિજય ગજ્જર એટલે મેં હૉસ્પિટલમાં એનું નામ સતીશ ગજ્જર તરીકે લખાવ્યું અને મારો નાનો ભાઈ છે એ રીતે રજૂઆત કરીને એની ઓરડીનું સરનામું લખાવ્યું. પોસ્ટમોર્ટમ પછી એના અંતિમ સંસ્કાર પણ વિધિસર કરાવ્યા….’

સવિતાબહેનનાં ધ્રૂસકાં હજુ ચાલુ હતાં. ‘એણે જે ચાલીમાં રૂમ રાખી હતી એનો કબજો મેં લઈ લીધો બ્રિફકેસ મારી પાસે હતી. ચાવી પણ હતી. બધી વિગત પણ ડાયરીમાંથી યાદ કરેલી એટલે એમાં કોઈ તકલીફ ના પડી. સરકાર તરફથી મારા પગની ઈજાના પચાસ હજાર રૂપિયા મને મળ્યા. સતીશના ભાઈ તરીકે પાંચ લાખ રૂપિયાનું વળતર પણ મને મળી ગયું !…’ વિજય નીચું જોઈને ધીમે ધીમે આખી કથા કહેતો હતો. ઊંચું માથું કરીને સવિતાબહેન એની સામે તાકી રહ્યાં હતાં.
‘એક વર્ષે તું આ સમાચાર આપવા આવ્યો ?’ સવિતાબહેનના અવાજમાં વહેરી નાખી એવી ધાર હતી : ‘આખા વર્ષમાં એકેય વાર તને અમારો વિચાર ના આવ્યો ?’
‘ના…..’ વિજયે નિખાલસતાથી કહ્યું, ‘મારે કંઈક ધંધો કરવો’તો અને થોડી ઘણી મૂડી જોઈતી’તી. એ મળી ગઈ એટલે પાછી શા માટે આપું ? માયા સાથે લગ્ન કરવાની તીવ્ર ઈચ્છા હતી. એની વિચારસરણી જાણતો’તો એટલે એને પણ આ વાત નહોતી કહી. બીજે નોકરી મળી છે અને રહેવાની જગ્યા મળી છે એવું એને કહેલું…. ગયા અઠવાડિયે લગ્નનું નક્કી કરવા અમે મળ્યાં ત્યારે એણે મારી ઊલટતપાસ લીધી. મેં એને આખી વાત કહી. એણે મને અહીં ધકેલ્યો. તમારી માફી માગવા અને જે તમારું છે એ પાછું આપવા. એ રણચંડી પાસે જૂઠું બોલવાની મારી તાકાત નથી. પ્રેમ કરું છું એટલે એને છોડવાની મારી ઈચ્છા નથી. તમારા હકનું પાછું આપું એ પછીયે મારી પાસે થોડી ઘણી મૂડી રહેશે. એમાંથી હું અને માયા મહેનત કરીને જીવીશું…’

બંનેની સામે બે હાથ જોડીને વિજય ઊભો રહ્યો. ‘પાંચ લાખનો ચેક અને ઓરડીની ચાવી લઈ લો અને શક્ય હોય તો માફી આપો. બહુ મોટો અપરાધ કર્યો છે તમારો…’ ચંદુલાલની બંને આંખ ભીની હતી. બે હાથ વચ્ચે માથું પકડીને સવિતાબહેન કંઈક વિચારી રહ્યાં હતાં.
‘માયાને હજુ મારા પર ભરોસો નથી’ વિજયે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો. ‘તમે એને કહી દો કે તમે મને માફ કર્યો છે અને ચાવી ને પૈસા મળી ગયા છે.’ વિજયે નંબર જોડ્યો. ‘માયા, સાંભળ. સતીશનાં મમ્મી-પપ્પાની પાસે ઊભો છું. વાત કર….’ વિજયે મોબાઈલ સવિતાબહેન તરફ લંબાવ્યો.

‘છોકરી, સાંભળ’ સવિતાબહેનના અવાજનો રણકાર અત્યારે સાવ અનોખો હતો, ‘સતીશ અમારો દીકરો હતો. વર્ષે એક વાર આવીને એ વર્ષના દાળ-ચોખા ને તેલ ભરી જતો’તો. દૂધ, શાકભાજી માટે બૅંકમાં પૈસા જમા કરાવી જતો’તો… અમે બે ડોસા-ડોશી એકલાં રહેતાં’તાં… વિજયે ભાઈ તરીકે ઓળખાણ આપીને એના અંતિમ સંસ્કાર કર્યા એટલે એ ય અમારો દીકરો ગણાય. આ ઘર છોડીને મુંબઈ આવવાનું અમારું ગજું નથી. તમે બેઉ એની ઓરડીમાં રહેજો. સામટા પૈસાનીય અમારે જરૂર નથી. સતીશની જેમ તમે બેઉ વર્ષે એક વાર આવજો ને અમારી સંભાળ રાખજો. મરીએ ત્યારે આવીને અવલમંઝિલે પહોંચાડજો અને સાંભળ, વિજય જેવા વંઠેલને મારા દીકરા જેવો સારો માણસ બનાવજે – એ જવાબદારી તારી….’

એ બોલતાં હતાં. વિજયની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યા હતા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પુણ્ય પરવાર્યું નથી…. – સંકલિત
શ્રીમદ્ વિનોદ ગીતા – વિનોદ જાની Next »   

29 પ્રતિભાવો : વાત એક વિજયની…. – મહેશ યાજ્ઞિક

 1. trupti trivedi says:

  Shri Maheshbhai , You have put feelings in words. Excellent.

 2. રજુઆતની અવર્ણનીય શૈલી !! … ઉત્તમ …

 3. CA. JITENDRA J. TANNA says:

  ખુબ સરસ.

 4. Deven says:

  Some articles are unforgettable. This one is one of them.

 5. Dhaval B. Shah says:

  ખુબજ સુન્દર રજુઆત.

 6. Naresh Dholakiya says:

  Excellent….Right way feelings are expressed and end result is the marvellous…At least unexpected from such a poor people…

  Please continue to inspire people

  Naresh

 7. CM Parmar says:

  મહેશભાઈ, તમારા લેખોની કાગને ડોળે રાહ જોતા હોઈએ છીએ.
  લેખના અંત ભાગની માવજત મોટીમસ દાદને લાયક હોય છે.
  તમોને રુબરુ મળવાની પણ અંતરની ઈચ્છા છે.

  સી.એમ. પરમાર, મણીનગર
  ૯૪૨૬૦૦૮૪૩૧
  સીએમપરમાર એટ જીમેઈલ.કોમ

 8. ભાવના શુક્લ says:

  વિજય ખરા અર્થમા વિજય પામ્યો. એક માયા(સ્ત્રી)ની વાત માની બીજી માયા(પૈસા)નો મોહ છોડવા જતા બુરાઈથી ભલાઈ તરફ જવાનો સુંદર રસ્તો મળી ગયો.
  સરસ માવજત ભરી રજુઆત..

 9. pragnaju says:

  સવિતાબેનનો રણકાર-“વિજય જેવા વંઠેલને મારા દીકરા જેવો સારો માણસ બનાવજે –એ જવાબદારી તારી” બોલતા જ…
  વંઠેલ વગડો દોડીને ખાવા ધાતો ભેંકાર
  વ્યાકુળ વદને અબોલા જીવો કરતા પોકાર
  શ્યામ શ્વેત વાદળીઓ હોંશે સજાવતી આકાશ
  આજ ધરતીના પટે પથરાયો પ્રેમનો પ્રકાશ
  અને વિજયનો વિજય થયો

 10. Dr Ghanshyam Tank says:

  Dear Maheshbhai,
  Only one word to appreciate your story.
  Fantastic.
  You are a master storytellar.
  Regards,
  Dr G G Tank (UK)
  drggtank@hotmail.com

 11. Tina says:

  Hello Mrugesh Bhai,

  What a beautifully written article?
  I am completely out of words how best to describe as my heart is still full of emotions.
  I hope, you continue to write such heart warming stories and inspire all of us..

  Meghna

 12. Nilesh Bhalani says:

  શુ કહુ ખબર નથેી પડ્તેી એત્લેી સરસ વર્ત છ

  Supperb n amazing story, the imotions are touchy

  Thanks a lot for the Story

 13. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ. દિ વ્ય ભાસ્કર મા દર ર્વિવારે મહેશભાઇ ને વાચવા મળે.

 14. છેવટે માયાનો જ વિજય થયો
  સરસ

 15. Maharshi says:

  nice one….

 16. Devendra Shah says:

  ખુબ સુન્દર. અન્ત તો અતિ સુન્દર !! હઐયા ને હલાવિ દિધુ !!!
  ધન્યવાદ

 17. A really really beautiful story. I liked it from the depth of my heart like every one here has liked it. But None of the above readers have said anything about the brutal (ghatki) bomb blasters. Such bomb blasts at many a places in India have taken lives of many young people whose parents and family members are suffering the losses of lives of their dear and near ones. May GOD give “Sadbuddhhi” to these cruel people who are involved in such activities. Likewise it has happened in Jaipur recently.

 18. Hardik Panchal says:

  Excellent…….superb………….bija koi words nathi avadata……..

 19. saurabh desai says:

  looks like every sentence is written from true heart.While reading every sentence touch to the heart.so much imotionally and touchy story.Executed in good manner….

 20. Ketul Patel says:

  Really heart touching & amazing ……
  All words seems poor for this story…
  દિલ સે …..ખુબ જ સરસ લખાણ …..

  looks like every sentence is written with true feelings…….

 21. nayan panchal says:

  હૈયુ હચમચાવી નાખતી વાર્તા.

  દરેક માણસ સંપૂણપણે સારો નથી હતો અને સંપૂણપણે ખરાબ નથી હતો.
  બૉમ્બ બ્લાસ્ટે તો કોણ જાણે કેટલા કુટુંબ ઉજાડી મૂક્યા છે. તકવાદી માણસો આવા મોકાનો પણ લાભ લેવાનુ ચૂકતા નથી. મૂંબઈમા રહીને આ વસ્તુ ખુદ અનુભવી છે. પરંતુ સારા માણસો પણ છે અને દુનિયા ચાલતી રહે છે.

  નયન

 22. મુસ્તાક બાદી, જામનગર says:

  પ્રતિભાવ આપવા માટેના શબ્દો ખૂટી ગયા હોય તેમ શબ્દો મળતા નથી. શ્રી મહેશ યાજ્ઞિક્ની કલમનો જાદૂ જ એ રીતનો છે. “વાત એક વિજયની” વિષે વાત કરું તો વિજયની જેમ પ્રેમ માટે કોઇપણ વ્યક્તિ કશું પણ કરી શકે છે, પરંતુ શ્રી મહેશ યાજ્ઞિકની જેમ તે અંગેની વાતને અમુક લેખકો જ રજૂ કરી શકે છે. શ્રી શરદ ઠાકર ઉપરાંત શ્રી મહેશ યાજ્ઞિક પણ મારા પ્રિય લેખક છે.

 23. Rajni Gohil says:

  બલિયસી કેવળ ઇશ્વરેચ્છા! વિજયનો વિજય (જીત) થયો ખરો. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે… ની યાદ આપી જાય છે આ વાર્તા.

 24. dipak says:

  Amazing & excellant,I have no words to say more.

 25. Munvvar says:

  great…………………..pls give me your full collection site………………

 26. riddhi says:

  saras 6e

 27. second riddhi says:

  બહુ જ સરસ ૬

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.