- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

શ્રીમદ્ વિનોદ ગીતા – વિનોદ જાની

[ ભારતીય સાહિત્ય અકાદમી (દિલ્હી) દ્વારા પ્રકાશિત અને શ્રી રતિલાલ બોરીસાગર દ્વારા સંપાદિત ‘અર્વાચીન ગુજરાતી હાસ્યરચનાઓ’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવેલી છે. ]

ગગજી ડોસા પોતાના દીકરાના દીકરાની દીકરીના લગ્નપ્રસંગે ગામને પાદર આવી પહોંચેલી જાનનું સામૈયું કરવા ગયેલા પોતાના વિરાટ પરિવાર સાથે પોતે અંધ હોઈ નહીં જઈ શકેલા અને ઘર બહારના ઓટલે બેસી બીડી પી રહ્યા હતા. પરિવાર મોટો ને મોટો થતો જતો હતો છતાં જેની આંખ ખૂલી ન હતી તેવા ગગનજીને એટલે પણ ગામના લોકો ‘આંધળો’ કહેતા હતા.

ગામને પાદર આવી પહોંચેલી જાનનું સામૈયું કરવા ગયેલા લોકોમાં ગામનો મગનો વાળંદ પણ હતો. જાન આવી પહોંચી અને સામૈયું થયા પછી જાન જાનીવાસે પહોંચશે ત્યાં વરરાજા, અણવર વગેરેની દાઢી કરવી પડશે એ ખ્યાલે હજામતનાં સાધનોની પેટી મગનો ઘેર મેલીને આવેલો. હજામતનાં સાધનોની પેટીનો વિચાર જેને આવ્યો છે તે વતાશ્રેષ્ઠ (હજામતનિષ્ણાત) મગનો વાળંદ પેટી લેવા ગામમાં પાછો આવ્યો. મગનો આમેય પહેલેથી જ દોઢડાહ્યો તે ઘેરથી હજામતની પેટી લઈને સીધો જાનીવાસે પહોંચવાને બદલે ગગજી ડોસાને જાન આવી પહોંચ્યાના સમાચાર આપવા ગગજીને ઘેર આવ્યો.

મગનાને આવેલો જાણીને ગગજી ડોસા બોલ્યા : ‘હે મગના વાળંદ ! આપણા ગામની ભાગોળે જ્યાં આપણા ગામના કૈંક આશાભર્યા લગ્નવીરોના પાળિયા ખોડાયેલા છે તેવી પવિત્ર શહીદભૂમિમાં લગ્ન કરવાની ઈચ્છાથી આવી પહોંચેલા વરરાજા સાથે વરપક્ષવાળા અને તેમનું સામૈયું કરવા ત્યાં એકઠા મળેલા મારા વિરાટ પરિવાર અને આપણા ગામના નવરા લોકોએ શું કર્યું એ મને વિસ્તારથી કહી સંભળાવ.’
મગનો વાળંદ બોલ્યો : ‘હે ગગજીભા ! સામે જાનનું આવેલું ટોળું જોઈને આપના દીકરાના દીકરા એટલે કે લગ્નોત્સુક કન્યાના પિતા પોપટે સામૈયામાં સાથે રાખેલા ગામના ગોર અને દર અઠવાડિયે નિશાળમાં પરીક્ષા ગોઠવનારા માસ્તર જટાશંકર પાસે પહોંચી જઈને આ વચન કહ્યાં :

‘હે જટાશંકર ! હે ગામના ગોરભા ! પરણવા ગાડે ચઢીને આવેલા વરરાજાના ગામમાં એક સમયે તમે માસ્તર હતા ત્યારના આપના એ વખતના ડફોળ વિદ્યાર્થી કે જે સામે જાનના ટોળાને ઢોરના ધણની જેમ સાચવીને ઊભો છે તે વાલજીના દીકરા લવજી સાથેના જાનના મોટા ટોળાને તમારા જાડા કાચનાં ચશ્માં ચઢાવીને જુઓ. જાનના ટોળામાં જમવાનું વટક વાળી દે તેવો જનમભૂખ્યો પશલો અને મારો જમાઈ અરજણ છે. માથે પાળિયાં આવ્યા છે છતાંય જાનમાં આવવાના અભરખા ઓછા થયા નથી તેવા નેણશીડોહા અને કાયમ માગીને બીડીઓ ફૂંકનારા બબાભા પણ છે. વળી (જાનપક્ષે) ધનજી, મનજી, મોતી, માવજી અને વાઘજી જેવા વાતવાતમાં ધિંગાણું કરી બેસે તેવા બાઝકણાં લોકોય છે. ખભે કાયમ ધારિયું રાખીને ફરતો ખીમજી, આખું ગાડું ઉલાળી દેનારો બાલિયો, પેલી પોતાના ભાઈના ભાઈબંધ સાથે ભાગીને પરણેલી શાન્તાનો દીકરો સવજી અને પાંચ પૈણતરે ઠેકાણે પડેલી દેવલીના દીકરાઓ છે. એ બધાં આપણે ત્યાં જમણવારનો મોહનથાળ ખૂટાડવા જ આવ્યા છે.

હે ગામગોર જટાશંકર ! આપણા પક્ષે જે નામચીનો છે તેમને આપ જાણી લો. આપણા ટોળામાં જે આગેવાનો છે તેમનાં નામ આપની જાણ માટે કહું છું. એક તો તમે જટાગોર, બીજા મગના વાળંદના ડોહા ડાહ્યા વાળંદ, જેના કરતાં એનો ગધેડો ડાહ્યો છે તે રામજી કુંભાર, ગામના શેઠ જૂઠીદાસ, આપણા ગામના દમિયલ દરભાર દીપુભા, બકાલું વેચનારો વીરિયો, સોનાનું પિત્તળ કરી આપનારો જસિયો સોની અને અફીણિયા અમરતનો છોકરો ભગલો જેવા નામચીન આગેવાનો આપણી સાથે છે. આ ઉપરાંત પણ જાનપક્ષને સરકસની જેમ જોવા આવેલા આપણા ગામનાં ઘણાં નવરા લોકો પણ આપણા ટોળામાં આવીને ઊભા છે.

મારા દાદા ગગજીના પરિવારની અમારી સંખ્યા વિરાટ હોઈ આપણો સામૈયા માટે આવેલો કન્યાપક્ષ સંખ્યાબળમાં વિરાટ છે. જ્યારે વાલજીના દીકરા લવજીની દેખભાળ નીચે ઊભેલું જાનપક્ષનું ટોળું આપણા પ્રમાણમાં નાનું અને વામણું લાગે છે. પછી કન્યાના પિતા પોપટને રાજી કરવા જટાગોરે આપણામાં રિવાજ ન હોવા છતાં જાણે જાનપક્ષને યુદ્ધ માટે નિમંત્રણ ન દેતા હોય તેમ પોતાના ખડિયામાં સાથે લાવેલ રામજી મંદિરનો શંખ મોટેથી વગાડ્યો. એ સાંભળીને વરરાજાનું ગાડું હાંકનાર કોઠાડાહ્યો કાનોકેશવ એક સમયે કૉંગ્રેસ સેવાદળનો સભ્ય હોઈ સરઘસમાં બ્યૂગલ વગાડવામાં નિષ્ણાત હતો. આ કાનાકેશવે જાનમાં સાથે લાવેલ પોતાનું માલિકીનું બ્યૂગલ વગાડ્યું. તેની સાથે વરરાજા અરજણ પાસે કોઈ વાજિંત્ર ન હોવાથી અને બંને હાથ નારિયેળ પકડવામાં રોકાયેલા હોઈ તેણે મોઢેથી સિસોટી વગાડીને સંતોષ માન્યો. જાનમાં સાથે આવેલ સ્થૂળકાય બટકા પહેલવાને કકડીને લાગેલી ભૂખના ક્રોધથી ઢોલી પાસેથી ઢોલ લઈને એટલા જોરથી ઢોલ પીટ્યો કે ઢોલનું ચામડું ચિરાઈ ગયું. જેને જે હાથમાં આવ્યું તેણે તે વગાડીને ગામની ભાગોળ ગજવી મૂકી. સાઈકલ લઈને સામૈયામાં આવેલાઓએ સાઈકલની ઘંટડીઓ વગાડી, એક ટ્રૅકટરવાળાએ હૉર્ન વગાડ્યું. તગારા સાથે ખેતરે જવા નીકળેલા અને જાનને જોવા રોકાઈ ગયેલા કેટલાક લોકોએ તો તગારાં ખખડાવીને શોર કર્યો. ઘણે લાંબેથી જાન લઈને આવેલા જાનૈયાઓએ તો ભૂખના દુ:ખથી એટલા જોસથી જાતજાતના અવાજો કર્યા કે તેનાથી કન્યાપક્ષવાળાના કાનમાં ધાક પડી ગઈ.

હવે હે ગગજી ભા ! જેના ગાડા ઉપર બપોરનો તડકો રોકવા મેલી ચાદર બાંધેલી છે એવા વરરાજા અરજણે કન્યાપક્ષના વિરાટ સમૂહને સામૈયા માટે આવેલો જોઈને પોતાના હાથમાંનું નાળિયેર બરાબર પકડતાં ગાડું હાંકનાર કાનાકેશવને આ પ્રમાણે કહ્યું :
ધોળકાના પાદર જેવી મારા સસરાના ગામની આ ઉજ્જડ ભાગોળે મારું સામૈયું કરવા મારા સસરા આખું ગામ સાથે લઈને આવ્યા લાગે છે. સામૈયામાં આવેલા લોકોને તો જો. કામધંધા પરથી ઊઠીને સીધેસીધા ધંધાનાં ઓજાર-હથિયાર સાથે આવી પહોંચ્યા જણાય છે. જો પેલાના હાથમાં કરવત છે એ ગામનો સુથાર લાગે છે. પેલો તો વળી ઘણ લઈને આવ્યો છે એ લુહાર લાગે છે. અને કુંભાર તો આખો ચાકડો ઉપાડીને ઊભો છે. હાથમાં દાતરડાં અને કોદાળીવાળાઓ તો જો. અને મારા બાપ ડાહ્યા વાળંદને જોઈને વરરાજાએ કહ્યું : ‘પેલાને જો, હાથમાં અસ્ત્રા સાથે આપણા બાલ-દાઢી સામે તાકી રહ્યો છે.’ હે ગગજી ભા ! જાનમાં ગાડાં આપણાવાળાથી થોડાં છેટાં ઊભેલાં. વરરાજા અરજણ હાથમાં નાળિયેર સાથે ગાડામાંથી ઊભો થઈ પોતાનું સામૈયું કરવા કોણ કોણ આવ્યું છે તે જોવા અધીરો બન્યો હોય તેમ ગાડાખેડુ કાનાકેશવને કહેવા લાગ્યો : ‘હે કાનાકેશવ ! સામૈયું કરવા કોણ આવ્યું છે તે મારે જોવું છે. માટે આપણા ગાડાને જાનપક્ષ અને સામૈયું કરવા આવેલા કન્યાપક્ષના ટોળાંની વચ્ચે લઈ જઈને ઊભું રાખ.’

કાનાકેશવ આમ અરજણનો જિગરી ભાઈબંધ. પાછો કોઠાસૂઝવાળો. મુશ્કેલીમાં મારગ કાઢનારો. કેટલીય વાર પૈણેલો તે સંસારજીવનનો ઊંડો અનુભવીયે ખરો. સામાના ગળે પોતાની વાત ઉતારી દેવામાં એક્કો. ઢોરાંની પાછળ વગડો વેઠેલો. પાવો વગાડી જાણે ને લાગ આવે તો ગોફણમાં ઢેખાળો મેલી ધાર્યું નિશાન પાડનારોય ખરો. અરજણ જેવો ભાઈબંધ પરણવા જાય ત્યારે કાનાકેશવ જ અણવર હોય ને ! વળી ગાડું અને બળદ પણ એનાં જ એટલે ગાડું હાંકનારોય એ જ… અરજણના કહેવાથી વરરાજાનું ગાડું બંને પક્ષોની વચ્ચે લાવીને ખડું કરી દીધું. હાથમાં નાળિયેર સાથે ગાડામાં ઊભેલા અરજણે સામા પક્ષે જોયું તો સાસરિયા પક્ષના વિરાટ ટોળાને જોઈને થોડો ડઘાઈ ગયો. એ ટોળામાં સસરાજી, કાકાજી સસરાઓ, મામાજી સસરાઓ, માસાજી સસરાઓ, ફુઆજી સસરાઓ, સાળાઓ, સાઢુઓ જેવા સાસરિયા પક્ષના અનેક સગાંઓની વણઝાર જોઈને એ ધ્રૂજી ઊઠ્યો; અને અત્યંત દીનભાવમાં ડૂબેલો તે ખેદપૂર્વક આ પ્રમાણે બોલ્યો :
હે કાનાકેશવ ! મારી સામે ઊભેલા આ શ્વસુરપક્ષના માંધાતાઓને જોઈને મારાં અંગો ઢીલાં થઈ જાય છે અને મારું મોં પણ સુકાય છે…. કોઠાસૂઝવાળા કાનાકેશવે ફાળિયામાંથી પિપરમીટની એક ગોળી કાઢીને અરજણને આપી જેથી તેનું મોં સુકાતું બંધ થાય. હવે પિપરમીટની ગોળી જેના મુખમાં ગોઠવાઈ છે અને ક્ષણ માટે જેનું મોં સુકાતું બંધ થયું છે તેવા અરજણે પહેલાંનો દીનભાવ મોં પર ચાલુ રાખી આગળ કહ્યું :
‘હે કાનાકેશવ ! મારા શરીરમાં કંપારી છૂટે છે તથા રૂંવાડાં ખડાં થાય છે. હાથમાંથી નાળિયેર પડું પડું થઈ રહ્યું છે, અને ધોળો પાવડર છાંટેલા મોઢા પરની ચામડી બળું બળું થાય છે. મારાથી ઊભા રહેવાતું નથી, મારું મન ભમે છે અને હું મારી જાતને ભૂલી રહ્યો છું. વળી કે કાનાકેશવ ! મને બધાં અવળાં, અશુભ ચિન્હો દેખાય છે.

આ સાંભળી કાનાકેશવે અરજણને પૂછ્યું, અલ્યા એકસોવીસ તમાકુનું પાન તો ઠઠાડ્યું નથી ને ! એનાથી આવું બધું થાય. કાનાકેશવની વાત જેના શ્રવણે પડી નથી તેવા અરજણે પેટછૂટી વાત કરવા માંડી : ‘હે કાનાકેશવ ! લગ્નથી આટલાં બધાં સગપણ વધી જવાનાં હોય તો આ મોંઘવારીમાં આ લગ્ન કરવાથી કંઈ શ્રેય થાય એમ મને નથી લાગતું. હે કાનાકેશવ ! આ બધા સાથે કાયમનો સંબંધ જોડીને હું લગ્નજીવનનું કોઈ સુખ મેળવવા ઈચ્છતો નથી.’

હે કાળિયા (કાનો રંગે કાળો હોવાથી દોસ્તીના દાવે અરજણ કાનાને કાળિયો પણ કહેતો), લગ્નજીવનના આનંદમાં કોઈ વિઘ્ન નહીં હોય એમ ધારીને જ અમે વરઘોડો કાઢીને અહીં સુધી લાંબાં થયાં છીએ. પરંતુ કન્યાપક્ષનાં આટઆટલાં સગાંઓને સામે જોઈને મને મારા ભાવિ જીવનની ચિંતા થાય છે. આ બધાં વારાફરતી પણ મારે ત્યાં મહેમાન થશે તો હું તો દેવાળિયો થઈ જઈશ. લગ્નથી સ્વર્ગનું સુખ મળવાનું હોય તોપણ હું આવડી મોટી પીડાથી ડરીને લગ્ન કરવા ઈચ્છતો નથી. આ બધાં લોકો સાથે ક્યારેક તો વહેવારની લેવડદેવડમાં મન ખાટાં થવાનાં. એવું થવાનું હોય તો અમને આ લગ્નથી શો આનંદ ?

કાનાકેશવ જમાનાનો ખાધેલ હતો એટલે સાસરિયા પક્ષની વિરાટ સેનાને જોઈને ગભરાઈ ગયેલા અરજણની વાતો સાંભળી પોતાની મોટી મૂછમાં હસતો હતો. અરજણે મૂછોમાં સંતાયેલા કાનાકેશવના હાસ્યને જોયા વગર બોલવાનું ચાલુ રાખ્યું : ‘અરેરે ! આ તે કેવું વિચિત્ર કહેવાય ? અમે ઘણું ખોટું કરવા તૈયાર થઈ વરઘોડો કાઢીને આવ્યા છીએ કેમ કે અમે માત્ર સંસારસુખની લાહ્યમાં શ્વસુરપક્ષનાં લોકો સાથે ભવિષ્યનો થનાર કંકાસ બાંધવા નીકળ્યાં છીએ.’ વેવાઈના ગામની ભાગોળે આમ કહીને શોકથી વ્યાકુળ થયેલા મનવાળો અરજણ હાથમાનું નાળિયેર બાજુ પર મૂકી દઈને ગાડામાં પાથરેલી રજાઈ પર બેસી પડ્યો.

આ પ્રમાણે વેવાઈની ગામની ભાગોળે ‘સાસરિયા પક્ષના વિરાટસમૂહનું નિરીક્ષણ’ નામનો ‘શ્રીમદ્ વિનોદ ગીતા’નો પહેલો અધ્યાય સંપૂર્ણ. (‘શ્રીમદ્ વિનોદગીતા’ પુસ્તકમાંથી સાભાર.)

[કુલ પાન : 219. કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : સાહિત્ય અકાદમી, રવીન્દ્ર ભવન, 35, ફિરોઝ શાહ રોડ, ન્યુ દિલ્હી – 110 001.]