- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

પાનબાઈ – ડૉ. ઉષા જોશી

[‘પ્રાચીન નારીરત્નો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

માનબાઈ અને પાનબાઈ બે સગી બહેનો. માનબાઈ રૂપ રૂપનો અંબાર. રજપૂત કોમની. માનબાઈના સૌંદર્યને કારણે તેનું સામેથી માગું આવેલું એટલે વહેલું થઈ ગયેલું. પાનબાઈનું હજી શોધવાનું બાકી હતું. પિતાની ઈચ્છા બંને બહેનોનાં લગ્ન સાથે થઈ જાય તેવી ખરી. ખર્ચની દષ્ટિએ પણ પહોંચી વળાય.

આ બાજુ ગંગાબાઈના પતિ ગુજરી ગયા એટલે બધો બોજો તેમને માથે આવ્યો. વળી એક જ દીકરો. થોડીઘણી જમીન એટલે ખેતી કરીને ગુજરાન ચલાવે. એકનો એક દીકરો હતો ફૂલફટાકિયો. લહેરી આંખોમાં કાજળ આંજે. જાત જાતનાં નખરાં કરવામાં પાવરધો. ગંગાબાઈએ ધારેલું કે એને પરણાવી દઈશું એટલે આવનારી સીધા રસ્તે વાળશે. એટલે ગંગાબાઈએ માનબાઈનાં લગ્ન કરવા અંગે કહેણ મોકલાવ્યું. દીકરીના બાપને તો સામાવાળા કહે તેમ કરવું પડે. એમનો હાથ દબાયેલો રહે. પાનબાઈનું પછીથી થઈ પડશે કરીને તેમણે પણ વાત મંજૂર રાખી. લગ્નની સઘળી તૈયારી શરૂ કરી દીધી. માનબાઈનું મન બેબાકળું રહે. મનમાં ને મનમાં અકળામણ ભોગવે, પણ કંઈ બોલી ન શકે. આજથી દોઢસો વરસ પહેલાં પરિસ્થિતિ જુદી હતી. મા-બાપે જે નક્કી કર્યું હોય તે સ્વીકારી લેવું પડે. ગમા-અણગમાનો પ્રશ્ન ન રહે.

જાન આવવાનો દિવસ હતો. આ બાજુ માનબાઈએ હિંમત એકઠી કરીને કહી દીધું : ‘હું એ છેલછબીલાને નહિ પરણું. કાળું દેખાય એવાને તો પરણાય ?’
પિતાએ કહ્યું : ‘આ સોનાં જેવાં રૂપ તો મનખા અવતારને તારવા દીધાં છે પ્રભુએ.’
‘ના મારા ભવને એની સાથે નહિ અભડાવું.’ ફરીને માનબાઈએ સઘળી હિંમત કરીને પિતાને કહી દીધું.
પિતાએ ફરી સમજાવતાં કહ્યું : ‘બેટા, તું નાની હતી ત્યારથી એની ચૂંદડી ઓઢી છે. હવે એને ન પરણે તો મારી આબરૂનો સૂરજ આથમી જાય. જો હમણાં બે ઘડીમાં તો જાન આવી પહોંચશે. મારી ઈજ્જત, આબરૂ ખાતર આ સમય સાચવી લે બેટા !’
‘ના બાપુ ! ક્યો તો ઝેર ખાઉં પણ આવા કાળા મોંવાળાનું, જેનું ચારિત્ર્ય ઊજળું નથી તેને તો ન પરણું. દેહના માતમ હોય એની સાથે પરણું તો મારાં સત જળવાઈ જાય ! તમે જ ક્યો કે તમારી આબરૂ મોટી ? કે મારું સત ?’

આ બધી વાતો સાંભળી રહેલી પાનબાઈ બોલે છે : ‘મોટી બહેન સ્ત્રીનો ધર્મ કેમ છોડે છે ? બાપુની આબરૂનાં ખોરડાંનાં નળિયાં ભાંગી પડશે !’
માનબાઈએ કહ્યું : ‘પાનબાઈ, બાપનું બહુ દાઝતું હોય તો તું એને પરણી જાને !’
પાનબાઈએ કહ્યું : ‘બહેન, ચૂંદડી તેં ઓઢી છે પછી મારાથી કેમ પરણાય ?’
‘ઠીક. જ્યાં સુધી એની ચૂંદડી ઓઢનારી છું ત્યાં સુધી ? પછી હું ન હોઉં તો બાપનાં નળિયાં ભાંગવાં ન દેતી.’ પાનબાઈની નજર સામે જ મોટીબહેને વિષનો કટોરો ગટગટાવી લીધો. માનબાઈના હાથમાંથી બાપે કટોરો ઝૂંટવ્યો ત્યાં તો ગળા નીચે ઉતારી દીધો. લથડતે પગલે પટારા પાસે જઈને ચૂંદડી કાઢી. હીબકે હીબકે રડતી પાનબાઈને ચૂંદડી ઓઢાડી દીધી : ‘મેં મારાં સત જાળવ્યાં, તું બાપની આબરૂ જાળવજે.’ ઘરઆખામાં રોક્કળ થઈ ગઈ. દરવાજાની બહાર ઢોલ અને શરણાઈ શરૂ થયાં. બાપે અને પાનબાઈએ, માનબાઈના મડદાને પડખેના ઓરડામાં સુવાડીને ગોદડું ઓઢાડી દીધું. વજ્ર જેવું હૈયું કરીને તે પ્રમાણે કરવું પડ્યું.
બાપે કહ્યું : ‘દીકરી પાનબાઈ, હવે મારી આબરૂ જાવા ન દેતી ! નહિતર મારે પણ વખ ઘોળવાનો વખત આવશે.’
‘ચિંતા ન કરો બાપુ ! તમારી આબરૂને ડગવા નહિ દઉં.’
ત્યાં તો જાન આવી ગઈ છે તે સમાચાર આપવામાં આવ્યા. કકળતે કાળજે બાપે જાનનાં સામૈયાં કર્યાં ને ઉતારા દીધા. સાંજે વરરાજા પરણવા આવ્યા. પાનબાઈ ચૂંદડી ઓઢીને પરણવા બેઠાં. પરણીને જાન પાદરે આવી. રડતાં રડતાં બે હાથ જોડીને પિતાએ પાનબાઈની સાસુ ગંગામાને સઘળી વાત કરી. આ સાંભળીને ગંગામા બોલી ઊઠી : ‘અરર અરર, આ તો ગજબ થઈ. તમે ખરા ! સતને આમ જ જળવાય. જરાય ચિંતા ન કરતાં. પાનબાઈ મારી જ દીકરી છે.’ જાનને વિદાય કર્યા પછી માનબાઈની ઠાઠડી બાંધી. ગામ આખું તેમના દુ:ખમાં સામેલ થયું.

આ બાજુ માનબાઈનાં રૂપ જેણે જોયાં હતાં તેણે પાનબાઈનો ઘૂંઘટ હટાવીને જોયું. બે ડગલાં પાછળ હટી ગયો. મેં જોયાં હતાં એ માનબાઈ તો રૂપ રૂપના અંબાર જેવાં હતાં. હું તો એને પરણ્યો હતો.
રજપૂત બોલી ઊઠ્યો : ‘તું કોણ છે ? તારા જેવી કુબજા સાથે હું મારો ભવ બગાડું ? કોણ છે તું ?’
‘હું પાનબાઈ છું. માનબાઈમાં રૂપ કરતાં સત ઊજળાં હતાં ! તેણે તમારાં કાળાં કામો જોયાં હતાં. તમે બબ્બે છોકરીઓની આબરૂ લૂંટી. માનબાઈને આ જાણી એ પછી તમને પરણવા કરતાં ઝેર ઘોળીને પી ગઈ. તમારે એના રૂપને પરણવું હતું. માનબાઈને તમારી પાસે એના રૂપ નહોતાં અભડાવવાં.’ આ બધું સાંભળીને તેણે પાનબાઈને માર્યું. હાથ પકડીને ઘરની બહાર કાઢતો હતો. ત્યાં ગંગામાં વચ્ચે આવીને ઊભા રહ્યાં.
‘દીકરા, એ પાનબાઈ તને પરણીને આવી છે. એને ઘર બહાર ન કઢાય.’ ગંગામાએ માથા ઉપર હાથ ફેરવતાં સમજાવ્યું.
‘પણ મા, ચૂંદડી તો માનબાઈને ઓઢાડી હતી. આ કાળી લોપાટ ક્યાંથી આવી ?’
‘દીકરા, બસ કર. માનબાઈનાં રૂપ તો સતનાં હતાં. તારાં કાળાં કામોએ એને અભડાવી માર્યાં. લીલા તોરણેથી પાછો ન આવે એટલે પાનબાઈએ તને સાચવી લીધો.’
‘પણ મારે પાનબાઈને નથી સાચવવી. એને ઘરની બહાર કાઢી મૂક.’
‘પાનબાઈ તો તને પરણીને આવી છે. હવે એ આ ઘરનો ઉંબરો ન છોડે !’ ગંગામાએ કકળતા મને સમજાવ્યું.
‘તો આ ઘરનો ઉંબરો હું છોડી દઉં છું.’ એમ બોલીને તે ઘરની બહાર ચાલી નીકળ્યો. ગંગામા પાછળ પાછળ ગયાં, ‘દીકરા, પાછો વળ, આ ન શોભે. હું તને પગે લાગું છું.’ પણ એ તો પહેરેલાં કપડાંએ ચાલી નીકળ્યો.

આ બાજુ ગંગામા અને પાનબાઈ રડ્યા કરે છે. મનમાં આશ્વાસન લે છે, ક્યાં જશે ? આવશે એ તો, કોણ એને રાખશે ? વાટ જોતાં જોતાં પૂરેપૂરું એક વરસ થઈ ગયું. થોડીઘણી જમીન હતી. ગંગામા અને પાનબાઈ તેમાં ખેતી કરીને ગુજરાન ચલાવે છે. રાત પડે છે ને ભજનની ધૂન લલકારે છે. પાનબાઈ કહે છે : ‘મારા કપાળને અને કંકુને વેર છે. હવે કોને દેખાડવા ચાંદલો કરું ?’ કહીને નિસાસો નાખે છે.
ગંગામા કહે છે : ‘ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળી રે, જેને મા’રાજ થયેલા મે’રબાન રે.’ દીકરો ઘર છોડીને ચાલ્યો ગયો તે ગંગામાથી સહન થઈ શક્યું, પણ અઢાર વરસની કોડભરી કન્યાનું દુ:ખ સહન કરવું આકરું પડે છે. ગંગામાએ વાતવાતમાં પાનબાઈનું મન જાણવા માંડ્યું.
‘પાનબાઈ, આ જુવાનજોધ જાતને જાળવવી આકરી છે. તમે બીજાને….’
‘ના મા, એક ફેરો એક ભવનો. બીજો ફેરો તો બીજા ભવમાં શોભે. એવી વાત ન ઉચ્ચારતાં. આમ ફેરા જ ફરતાં રહીએ તો સાચો ફેરો ભૂલી જવાય ! હવે તો મનને સાવ કોરું કરી નાખ્યું છે ! થોડો મેલ હતો તે એક વરસમાં સાવ નિતારી નાખ્યો છે.’ ત્યારે ગંગાસતી કહે છે : ‘જેના ચિત્તની વૃત્તિ નિર્મળ છે એના ઉપર તો ઈશ્વર આશીર્વાદ વરસાવે છે બાપ !’

ધીરે ધીરે પાનબાઈ પણ ગંગાસતી ભેગાં ભક્તિમાં ઓતપ્રોત થવા માંડ્યાં હતાં. પણ હજી પાનબાઈનું મન ડગુમગુ થાય છે. મન તો નિતારીને નિર્મળ કરી નાખ્યું છે પણ હજી ભક્તિમાં જોઈએ એવો ભાવ નથી આવ્યો. ત્યારે ગંગાસતી પાનબાઈને કહે છે :
‘લાગ્યાભાગ્યાની જ્યાં લગી ભે રહે મનમાં પાનબાઈ, ત્યાં લગી ભક્તિ નહિ થાય. શરીર પડે વાકો ધડ તો ભડે રે પાનબાઈ, સોઈ મરજીવા કહેવાય રે.’ અરે પાનબાઈ, મનમાં ભોરિંગ જેવો ભો હશે ત્યાં લગણ ભક્તિ નહિ થાય. શરીર પડી જાય ને પછી મરેલા શરીરનું ધડ લડે એ તો મરજીવો. મોહને મારીને શરીર પાડી દ્યો. આ શરીરને ધડ સમજીને મરજીવા થઈ જાવ !
‘શરીર મેલી દ્યો ને ધડ થઈ જાવ. ફળિયું લીંપીને તમે તુલસીક્યારો થઈ જાવ ! પાનબાઈ !’ પણ પાનબાઈનું મન સ્થિર નથી. ઓસરીમાં બેઠાં હોય ને ખડકીની દિશામાં નજર કરીને બેસે, હમણાં જ આવશે એ. પાછું બીજું વરસ પણ પસાર થઈ ગયું. પરણેતર આવ્યો નહિ. ક્યારેક પાનબાઈના મનમાં હજુ આશાનાં કિરણો આવી જાય છે કે આવશે આવશે. એ સમયે ગંગાસતી બોધ આપે છે :
‘મનને સ્થિર કરીને આવો રે મેદાનમાં પાનબાઈ, તો તો મટાડું સરવે કલેશ. હરિનો દેશ તમને દેખાડું રે પાનબાઈ, જ્યાં નહીં રે પરણને વેશ.’ ગંગાસતી સ્થિર મનથી પાનબાઈને જીવવાની વાત કરે છે. પાનબાઈને બીજો ફેરો કરવાની સલાહ પણ અવારનવાર આપે છે.

બબ્બે વરસ થઈ ગયાં. દીકરાને પાછા ફરવાની કોઈ આશા દેખાતી નથી. ગંગાસતી વિચારે છે, આ જીવને ઊંડા અભરખાના કૂવામાંથી કાઢી લેવો જોઈએ. નહિતર જીવ કૂવામાં તરફડિયાં મારી ડૂબી જશે. ગંગાસતી કહે છે : ‘એકમાં એક થઈ જાવ, બીજામાં ન જીવો પાનબાઈ, બીજામાં જીવીને જીવ ન રોળો પાનબાઈ.’ હવે રંગબેરંગી ચૂંદડીઓ ઓઢવાની પાનબાઈએ બંધ કરી છે. ગંગાસતી કહે છે : ‘ભીલી ભાતની ચૂંદડી ઓઢી કોને દેખાડીશ બાઈજી.’ પાનબાઈને તો હવે ગળપણ નથી ભાવતાં એટલે કહે છે :
‘ગળપણ ખાઈને દેહનાં રૂપ કોને ખાતર વધારીએ.’
ધીરે ધીરે ગંગાસતીનાં વેણ સાંભળી પાનબાઈમાં વૈરાગ્યનો વધારો થવા માંડે છે.
‘કોના કપાળે કંકુ અમર રહ્યાં છે, કોની ચૂંદડી રંગે સદાય રૂપાળી રહી છે અને કંઈ લગણ ગળપણ દાંતે નભાવ્યાં છે પાનભાઈ.’ નાના ખેતરમાં અન્ન વાવીને સાસુવહુ જીવે છે.
‘કોઈક અભ્યાગતને ખવરાવ્યા વિના પેટ ન ભરીએ પાનબાઈ ! ધરતી તો પેટનું પેટ છે પાનબાઈ ! કોડિયું તો ધૂળનું પેટ પાનબાઈ !’

ગંગાસતીને હવે લાગવા માંડે છે કે પાનબાઈને બીજો ફેરો નથી કરવો. દીકરો હવે પાછો આવવાનો નથી. તો જીવવા માટે કોઈનો ટેકો તો જોઈએ ને ? તો એવો ટેકો શું કામ લેવો કે જે કાલ સવારે ભાંગી જાય ? ટેકો લ્યો તો એવો લ્યો કે મર્યા પછી પણ સાથે આવે ને ભક્તિ જેવો સબળો ટેકો બીજો ક્યાં મળવાનો છે ?’
‘શીલવંત સાધુને વારેવારે નમીએ પાનબાઈ, જેના બદલે નહિ વ્રતમાન રે.’ ગંગાસતી જે સાધુની વાત કરે છે તે સાધુ એટલે જીવ. જીવ તો શિવ છે. તેના સમર્થનમાં પાનબાઈ કહે છે , ‘જીવને સાધુ માનીને જીવને નમો, પણ એ જો શીલ હોય તો જીવને શીલવંત બનાવી દ્યો !’ તો બીજી તરફ એમ પણ કહે છે કે ભગવાં પહેરી સાધુ થનારાને ન નમીએ. શીલવંત સાધુને સાત વાર નમીએ. જેના વ્રતમાન ન બદલે એ જ સાચા સાધુ છે.

ગંગાસતીને હવે ખાતરી થાય છે કે પાનબાઈ હવે બદલાઈ ગયાં છે. એ સમયમાં તો સાસુ પુત્રવધૂને મહેણાં મારીને વીંધી નાખતી હતી. ગંગાસતી મહેણાં નથી મારતાં, પણ જીવને શિવ સુધી લઈ જવાની વાતો પદ્યમાં કરે છે. મા દીકરીમાં સંસ્કાર રોપે છે ત્યારે દીકરી અનુભવી નથી હોતી. એટલે રંગ જલદી ચડતો નથી, પણ ધીરે ધીરે ઘડાય છે. ગુણની પરંપરા અકબંધ જાળવે એવાં સાસુ ગંગાસતી હતાં. ગંગાસતી જેવી ગુણની પરંપરા આજેય ઘણાં ઓછાં ઘરોમાં જીવે છે. ગંગાસતીને દીકરો જતો રહ્યો એનું દુ:ખ બહુ નથી, પણ પાનબાઈને જીવાડવાનું દુ:ખ છે. પાનબાઈ માથેથી દુ:ખનો ભારો ઉતારીને સરળતાથી જીવે એવું કંઈક આપીને જોવાની ઈચ્છા હતી.

ગંગાસતી કહે છે : ‘વીજળીને ઝબકારે મોતી પરોવવું પાનબાઈ, નહિતર અચાનક અંધારું થાશે.’
‘જીવનમાં વીજળી જેવાં અજવાળાં વારે વારે નથી આવતાં, પાનબાઈ ! ચમકારો થાય ત્યારે જ મોતી પરોવી લ્યો. પછી તો આંખે અંધારાં આવશે, અંધારાં આવતાં વાર નહિ લાગે. આ જીવતરનાં અજવાળામાં જે લેવું છે એ લઈ લ્યો !’ ગંગાસતીએ જે ઉપદેશ પાનબાઈને આપ્યો તે તેમના જીવનમાં ઉતાર્યો. ગંગાસતી હવે પૂર્ણતાને આરે આવીને ઊભાં છે. આ બાજુ પાનબાઈ સંપૂર્ણ સ્વતંત્ર જીવન જીવવા તૈયાર થઈ ગયાં છે. સાસુના ઉપદેશો ગ્રહણ કરી લીધા. હવે એની એ વાત તેમને મહેણાં જેવી લાગે તે સ્વાભાવિક છે એટલે પોતે ગંગાસતીને હસતાં હસતાં કહે છે : ‘છૂટાં રે તીર હવે નો મારીએ બાઈજી, મેંથી સહ્યું નવ જાય, કલેજાં મારાં વીંધી નાખ્યાં, બાઈજી, છાતી મારી ફાટું ફાટું થાય રે.’ તમે જે આપ્યું છે તેનાથી મારી છાતી ફુલાય છે.
‘બાણ રે વાગ્યાં ને રૂંવાડાં વીંધાણાં, બાઈજી, મુખથી સહ્યું નવ જાય….’ પાનબાઈને ઘડવા માટે ગંગાસતીએ જે કર્યું તે તેમણે સહર્ષ અપનાવી લીધું.

એક વખત ગંગાસતી બોલતાં હતાં ને પાનબાઈ સાંભળતાં. હવે પાનબાઈ બોલે છે ને ગંગાસતી હરખાતાં સાંભળે છે. ગંગાસતી કહે છે : ‘ખોળામાં બેસારી તમને વસ્તુ રે આપું, જેથી આપણાપણું ગળી તરત જાય.’ ગંગાસતી પાનબાઈને ખોળામાં બેસાડીને માથે હાથ ફેરવે છે.
‘પાનબાઈ મેં તો ત્રિભુવનને નીરખી લીધો. રસ માણી લ્યો. પ્રેમ જોતો હોય એટલો લઈ લ્યો. હવે તો હોઠે પ્યાલો આવી ગયો છે. મારે જે કહેવું હતું તે સઘળું કહી દીધું છે.’ ગંગાસતી અલખને ઓવારે જતાં રહ્યાં. હવે સાસુ બોલવાનાં નથી. પાનબાઈમાં જ સાસુ જીવવા માંડ્યાં હતાં.
‘જ્યાં રે જોઉં ત્યાં હરિ હરિ ભાળ્યા, રસ તો પીધો અગમનો અપાર. એક નવધા ભગતિને સાધતાં મળી ગયો તુરિયામાં તાર.’ તુરિયામાં તાર મેળવીને, વગાડીને ભક્તિમાં લીન થઈ જવા જેટલી શક્તિ તો પાનબાઈમાં જ હતી. જ્યાં જુએ ત્યાં હરિ જ દેખાય છે.

આજે આપણે પાનબાઈ અને ગંગાસતીના પદ્યને યાદ કરીને સાસુ, વહુનાં સતને યાદ કરીએ છીએ. ગંગાસતીના ઉપદેશો જીવનઘડતરની ચાવીરૂપ બની ગયા.

[કુલ પાન : 116. કિંમત રૂ. 50. પ્રાપ્તિ સ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ]