સંચિત સોનેરી ક્ષણો – વર્ષા અડાલજા

‘મા, મારું લંચ ?… તરુણ, ઊઠ જલદી. કૉલેજનું મોડું થાય છે. તરુણિયા ઊઠે છે કે નહીં ! હે ભગવાન ! એટલું મોડું થાય છે.’
‘તો પછી સિધાવો. તું જ મોડું કરાવે છે દીદી. બિચ્ચારા ભગવાન પર શું કામ ચિડાય છે !’ રાણીએ સૂતાં સૂતાં છાપું વાંચતાં કહ્યું.
મા ચિડાઈ : ‘તું સૂતી સૂતી શું ઉપદેશ આપે છે ! જરા ઊઠીને મોટી બહેનને મદદ કરતી હોય તો !’
‘અરે ભઈ, મૈં ક્યા કરું ? લંચ તું બનાવે, તૈયાર એણે થવાનું એમાં હું શું કરું ?’
માથું ઓળતાં ઓળતાં ઈશાનીએ દુપટ્ટો રાણી તરફ ફેંક્યો : ‘ચલ, આને ઈસ્ત્રી કરી આપ.’
બગાસું ખાતાં રાણી પરાણે ઊઠી અને ઈસ્ત્રીની સ્વિચ ઓન કરી. તરુણે બ્રશ કરતાં કરતાં ટી-શર્ટને રાણી તરફ ફેંક્યું.
‘જરા આને પણ…’
રાણીએ ટી-શર્ટ નીચે નાખી દીધું. ‘તારું કામ તું કર. હું શું કામ કરું ? મા, આ જો ને..’
ઈશાનીએ બૂમ પાડી : ‘હું જાઉં પછી તમે બંને નિરાંતે લડજો. મારી નવ-પાંચની ફાસ્ટ જશે તો પ્રોબ્લેમ. ખસ, હં મારા દુપટ્ટાને ઈસ્ત્રી કરી લઈશ.’
રાણી જલદી દુપટ્ટાને ઈસ્ત્રી કરવા લાગી. ‘ના, ના. હું કરું છું ને ! ઈસ્ત્રી ગરમ નહોતી.’

મા ઈશાનીની પર્સ લઈ ઉતાવળે આવી. લંચ બૉક્સ અને પાણીની નાની બોટલ પર્સમાં મૂક્યાં. ઈશાનીએ દુપટ્ટો ખભે નાખતાં, ચંપલમાં પગ નાખતાં નાખતાં રીતસર દોડી. એનું ‘બાય’ પૂરું સંભળાયું ન સંભળાયું અને એ દાદર ઊતરી ગઈ. પોણા નવ થયા હતા. બરાબર સાત મિનિટમાં સ્ટેશન પહોંચે.. તો જ… દોડીને રસ્તો ક્રોસ કર્યો. સવારમાં પણ કેટલી ગિરદી રહેતી હોય છે ! એણે આસપાસ જોયું. ક્યાં જતા હશે આટલા બધા માણસો ? રોજ ને રોજ ?

એકશ્વાસે સ્ટેશનનો પુલ ચડવા માંડી. માણસો ક્યાં જાય ? જે એ કરે છે તે બધા કરે છે. જીવન જીવવા માટે રેસના ઘોડાની જેમ સતત દોડવાનું છે. કોઈની સાથે એ ભટકાઈ. પણ ‘સૉરી’ કહેવાનીયે ફુરસદ કોને હતી ? લૉકલ ટ્રેન આવું આવુંમાં હતી. જલદી જલદી પુલ ઊતરવા લાગી. એટલું સારું હતું કે લેડીઝ કમ્પાર્ટમેન્ટ પુલની નજીક જ હતું. ત્યાં સ્ત્રીઓનાં ટોળાં ઊભાં હતાં. પુલ ઊતરી પડી એ ટોળે વળીને ઊભેલી સ્ત્રીઓમાં ભળી ગઈ. આ બધા રેસના ઘોડાઓ જ હતા ! એવી રેસ જેમાં ન હારવાનું હતું, ન જીતવાનું હતું. જેમાં સતત દોડવાનું હતું, મોઢે ફીણ આવી જાય, થાકીને ઢળી પડો ત્યાં સુધી. જેમ એક દિવસ પપ્પા ઢળી પડ્યા હતા એમ.

ખૂબ ગરમી થતી હતી. એ પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. દુપટ્ટો તો અત્યારે જ ચોળાઈ ગયો હતો અને હજી ઘેટાંબકરાં ગુડઝ ટ્રેનમાં ભરાઈને જાય એમ લોકલના ડબ્બામાં પુરાઈને જવાનું હતું. ચસોચસ. લોકલ ધસમસતી આવતી દેખાઈ. બંદૂક ફૂટીને સ્ટાર્ટ થતા દોડવા થનગનતા ઘોડાની જેમ સ્ત્રીઓ ડબ્બામાં કૂદી પડવા સજ્જ થઈ ગઈ. લોકલ ઊભી રહેતાં સ્ત્રીઓને લશ્કરના સૈનિકોની જેમ હલ્લો જ કર્યો. નીચે ઊતરવા માગતી સ્ત્રીઓ ફરી ડબ્બામાં ધકેલાઈ ગઈ…. એ પણ ટોળાની સાથે ઘસડાતી ડબ્બામાં અંદર પહોંચી ગઈ. ધક્કામુક્કી, ચીસો, બોલાચાલીના એટલા અવાજો આવતા હતા પણ ઈશાની બે હાથ ઊંચા કરી કાને મૂકી ન શકી. જેમ ઊભી છે એમ જ આ ભીંસાતી ગિરદીમાં ઊભા રહેવાનું હતું, દાદર સુધી. દાદર મોટું ટોળું ઊતરી જશે. અને એથીયે મોટું ટોળું દુશ્મનો વળતો હુમલો કરે એમ ડબ્બામાં ઘૂસશે. એ બે ઘટના વચ્ચેની બેપાંચ ક્ષણોમાં જો કોઈ ખાલી થતી સીટ પર જબદજસ્તીથી બેસી શકે તો સ્ટેચ્યૂની સ્થિતિથી મુક્ત થઈ જરા પગને રાહત મળે અને ચર્ચગેટ સુધી…

ચર્ચગેટનું સ્મરણ થતાં ભીંસાતી ગિરદીમાં એક શ્વાસ મોકળે મને લઈ શકી એમ ઈશાનીને સારું લાગ્યું. સીટ મેળવવાની પેલી બેપાંચ ક્ષણ ચર્ચગેટના વિચારે ગુમાવી દીધી. દાદર પર ટ્રેન ઊભી રહી, હડુડુ કરતું એક મોટું ટોળું ઊતર્યું અને ચડવાની કોશિશ કરી બીજી સ્ત્રીઓ સાથે ભિડાયું. સખત ધક્કામુક્કી થઈ. એમાં ઈશાની વધારે અંદરની તરફ દબાઈ. લોકલ ઊપડી. એને ખૂબ તરસ લાગી હતી પણ ઠાંસોઠાંસ ગૂણીઓની જેમ આસપાસ બધા એકમેક પર એવા ખડકાયા હતા કે પર્સ ખોલી પાણીની બાટલી કાઢવાની કોઈ ગુંજાઈશ નહોતી. ચર્ચગેટ સ્ટેશન પર પાણી પી લઈશ, કૉફીના સ્ટૉલ પાસે. એના ચહેરા પર સ્મિત ફરકી ગયું.

ચર્ચગેટ. એક ધક્કા સાથે ટ્રેન ઊભી રહેતા, એક વિશાળ ધસમસતાં મોજાંની જેમ લોકો પ્લેટફોર્મ પર ઠલવાઈ ગયા. ઈશાની પણ એક જલબિંદુની જેમ ફંગોળાઈ ગઈ. જાતને સંકોરતી એ કૉફીના સ્ટૉલ પાસે આવી. ગિરદીથી પોતાને તારવીને એક તરફ ઊભી રહી અને છુટકારાનો ઊંડો શ્વાસ લીધો. સૌને સ્ટેશનમાંથી નીકળી જવાની ઉતાવળ હતી. ઊભા રહેવાની કોને ફુરસદ હોય ? એણે ચોતરફ જોવા માંડ્યું પણ એની નજર ઠરી નહીં. પ્લેટફોર્મ નં 3 અને 4 પરથી ઊપડતી ફાસ્ટ ટ્રેન માટે લોકો દોડી રહ્યા હતા. સ્લો, ફાસ્ટ ટ્રેન, લોકોની ધક્કામુક્કી, વિશાળ માનવસમૂહના શ્વાસ ઉચ્છવાસથી ઘેરાયેલી હવા – બધું જ જાણે એને સૌની સાથે ચર્ચગેટ સ્ટેશનથી બહાર ધકેલતું હતું. એની નજર સામે ઑફિસની ઘડિયાળ હતી. પણ પગ જવા ઊપડતા નહોતા. આવું તો ભાગ્યે જ બનતું. એણે ઘડિયાળમાં જોયું. દસમાં પાંચ. બસ હજી પાંચ મિનિટ. પછી નીકળી જવું પડશે. એ નિરાશ થઈ ગઈ. ખ્યાલ આવ્યો કે એને ક્યારની તરસ લાગી હતી. પર્સમાંથી બાટલી કાઢી એણે મોંએ માંડી.
‘સોરી ઈશી.’
મોં ફુલાવી એ દૂર ખસી ગઈ : ‘આટલું મોડું વિનુ ? દસ મિનિટ મોડો છે તું.’ ઈશાનીની બાટલી એક ઘૂંટડે ખાલી કરી વિનોદે કહ્યું :
‘હું તો ટાઈમસર હતો. જો તારા માનમાં દાઢી નથી કરી. પણ બે નંબર પર રોજની જેમ ઊભો હતો અને અચાનક ત્રણ નંબર પર એનાઉન્સ થઈ હું દોડીને પુલ ચડ્યો પણ એટલી ભીડ થઈ ગઈ અને પાટા ક્રોસ ન કરવાના તારા સમ…’ ઈશાનીએ એના મોંએ હાથ દાબી દીધો. એની નજર સામે એના પિતાની લાશના ટુકડાનું લોહી ભરેલું પોટલું આવી ગયું.

‘કમ ઑન’, કૉફી પીએ. હજી આપણી પાસે પૂરી દસ મિનિટ છે.’ વિનોદે પ્લાસ્ટિક ગ્લાસમાં બે કપ કૉફી લીધી. ચાર નંબરના પ્લૅટફોર્મ પરથી હડેડાટ કરતાં લોકોનાં ટોળાં નીકળ્યાં. એ બંને 3 નંબર ખાલી પ્લૅટફોર્મ પર આવી ગયાં અને કૉફી પીવા લાગ્યાં.
‘વિનુ, મમ્મીને કેમ છે ?’
‘આ ઉંમરે પેરેલિસિસમાં પહેલા જેવું નોર્મલ તો માણસ ન જ થાય ને !’
‘અ હા. એય ખરું. અને તરુણનું એડમિશન ?’
‘બૅંગલૉરમાં ટ્રાય કરે છે.’
વિનોદે ખાલી ગ્લાસ ફેંકયો : ‘બંગ્લૉર ? તને ખબર છે ઈશી ?’
‘જાણું છું. ત્યાં હૉસ્ટેલમાં રહેશે એટલે ખર્ચ વધી જશે. પણ એના ફ્યૂચરનો સવાલ છે.’
‘એમ તો અહીંયે સારી કમ્પ્યુટર ઈન્સ્ટિટ્યૂટ છે.’
‘અ…હા… જોઈએ. ચાલ નીકળીશું ?’ બંનેએ હાથ પકડ્યો અને ચર્ચગેટ સ્ટેશનની બહાર નીકળ્યાં.
‘ઈશી, તો મળીએ.’

ઈશાનીએ ફલાઈંગ કિસ આપી, ઝડપથી ઊભરાતી ગિરદીમાં ખોવાઈ ગઈ. વિનોદે એનાથી જુદી દિશામાં મરીનલાઈન્સ તરફ ચાલવા માંડ્યું. સરકારી ઑફિસની ધૂળ ખાતી ફાઈલમાં ઈશાનીનો આખો દિવસ કેદ થઈ ગયો. પ્રાઈવેટ કંપનીની એ.સી. ઑફિસમાં જુનિયર ઑફિસરની ખુરશીમાં બેસી વિનોદને જરા પણ ફુરસદ ન મળી. સાંજે છમાં પાંચે વિનોદે ફોન કર્યો, નીકળું છું, ઈશા… ઈશાની ફાઈલો સમેટી, વિમેન્સ મૅગેઝીન ક્યારની વાંચી રહી હતી. ક્યારેક મિસિસ મિરચંદાની લટકો કરી પૂછતી,
‘સબકો ભાગને કી જલદી હૈ, એક તું દેખ. પાય લટકા કે મેરા હી મૅગેઝીન પઢતી હૈ. હાય રે કિસ્મત !’ એ હસી દેતી.
‘વો ક્યા હૈ સાડે છ બજે કી અંધેરી ફાસ્ટ મેં જગહ મિલ જાતી હૈ. અબ જલદી સ્ટેશન જા કે ક્યા કરું ?’
‘તું ખુશનસીબ હૈ રે !’
‘ક્યૂં ?’
‘તું ઘર જાયેગી. મા આરતી ઉતારેગી, ખાના ખિલાયેગી. મુઝે ઘર પે જા કે હજાર કામ હૈ. ખાના પકાને કા હૈ, બચ્ચોં કી પઢાઈ દેખની હૈ, ફિર હસબન્ડ તો વેઈટ કરતા હૈ’ એ આંખ મિચકારી હસી દેતી. પછી ભારે શરીર ઊંચકી ચાલવા લાગતી. ત્યાં વિનોદનો ફોન આવી જતો અને મૅગેઝીનનો ઉલાળિયો કરી એ ભાગતી.

ઈશાની મરીનડ્રાઈવ આવી ત્યારે વિનોદ ચણાનાં બે પડીકાં લઈ એમની નિયત જગ્યાએ પ્રતીક્ષા કરતો હતો. દરિયા તરફ મોં ફેરવી બંને પાળ પર બેસી ગયાં. ઊતરતા આછા અંધકારમાં છેક દૂર સુધીની ઈમારતો ઝગમગી ઊઠી હતી. ઈશાનીએ વિનોદને ખભે માથું ઢાળી દીધું. સોનેરી બિછાત સંકેલી લઈ સૂરજે પણ વિદાય લઈ લીધી હતી. એનાં તેજકિરણો જેવી ઝડપથી સરી જતી આ સોનેરી થોડી ક્ષણોને ઈશાનીએ મુઠ્ઠીમાં જકડી લીધી હતી. બસ, પછી અંધકાર ઊતરવાનો હતો અને રાત પડી જવાની હતી. સવારથી રાત સુધી પથરાયેલો આ દોડધામભર્યો જવાબદારીનો, ચિંતાનો દિવસ. એમાંથી થોડી આ ચોરી લીધેલી નિતાંત રમણીય, સ્નેહભર્યા સખ્યની ચમકતી ક્ષણો એટલી જ એની પ્રાપ્તિ હતી. એના ઊડતા વાળ પર હાથ ફેરવતાં વિનોદે પૂછ્યું : ‘ઊંઘી ગઈ ઈશાની ?’
‘ના, ઘેનમાં ડૂબી ગઈ હતી.’ એ સીધી બેસી ગઈ. પછી હસીને બોલી :
‘આખો દિવસ ઝટ પસાર થતો નથી વિનુ, પણ આ સમય આપણી ફાસ્ટ લોકલ જેવો સડસડાટ દોડતો જાય છે. દાદર પર પણ બે મિનિટ રોકાતો નથી. શું વિચારે છે, વિનુ.’
‘કંઈ નહીં. પપ્પાને મોતિયો આવે છે. કાલે સાંજે ડૉક્ટરની એપોઈન્ટમેન્ટ છે.’
‘તું રજા લઈશ કાલે ?’
‘ના, વિજુફોઈ અને પરાગ જશે. આમ પણ પરાગની ટવેલ્થની એકઝામની વાંચવાની રજા છે. અને તું જાણે છે, હું જઈશ તોય વિજુફોઈ તો જશે જ. એટલે મેં કાલે રજા નથી લીધી.’
‘વિજુફોઈને તારા પપ્પાનું બહુ વળગણ છે નહીં !’
‘અરે ભાઈ જાન હાજર છે એવું. ફુઆએ મારીને કાઢી મૂક્યા ત્યારે બીજા બે ભાઈ હતા છતાં મોટા ભાઈએ જ સાચવ્યાં. રાખ્યાં. ત્યારે તો પ્રેગનન્ટ હતાં.’
‘રાગિણીનું મોં જોવાય એ રાક્ષસ ન આવ્યો ? તમે કોઈને પોલીસ કમ્પ્લેન, કેસ કાંઈ ન કર્યું ?’
‘ઈશાની, એટલાં વર્ષો પહેલાં તો આવો વિચાર ન આવતો ને ! એની વે. ત્યારે હું તો સાવ નાનો એટલે… પણ રાગિણીયે ફોઈ જેવી પ્રેમાળ. એણે ઘર ઉપાડી લીધું છે. ફોઈ મમ્મીની ચાકરી કરે છે.’

ઈશાની ચૂપ રહી. થોડો વખત બંને શાંત બેસી રહ્યાં. સમયના ખાલી અવકાશમાં ધસી આવતાં દરિયાનાં મોજાં ફીણ બની વીખરાતાં રહ્યાં. બંને ઊભા થઈ ગયાં અને ચર્ચગેટ તરફ ઉતાવળે ચાલવાં લાગ્યાં. સ્ટેશનમાં દાખલ થયાં ત્યારે મનુષ્યપ્રવાહ થોડો પાંખો થયો હતો. ટ્રેનો ભરાઈ ભરાઈને ચાલી ગઈ હતી. સાત ને પાંચની અંધેરી ફાસ્ટ માટે બંને ચાર નંબરના પ્લૅટફોર્મ પર આવ્યાં ત્યારે ટ્રેન આવી રહી હતી. લેડીઝ ડબ્બા પાસે ઈશાની ઊભી હતી અને હાથ ઊંચો કરતો વિનોદ આગળ ચાલી ગયો.

અંધેરી સ્ટેશનથી ઊતરી ચાલતી ઈશાની ઘરે પહોંચી ત્યારે મા ભાખરી કરતી હતી અને રાણી અને તરુણ નિરાંતે ટી.વી. જોતાં હતાં. ઈશાનીએ પર્સ ખુરશીમાં ઉલાળી અને ચંપલ કાઢ્યાં. રાણી દોડતી આવી.
‘કૅડબરી લાવી દીદી ? ભૂલી ગઈ ને ? તારી કિટ્ટા.’
ઈશાની બાથરૂમમાં ચાલી ગઈ. માએ ઠપકો આપ્યો : ‘રાણી, તું નાની છે હવે ? હજી થાકીને ચાલી આવે છે ઈશા અને તું…’
‘તો શું થયું ? એક નાની અમથી ચોકલેટ યાદ ન રહે ?’ મોં લૂછતાં ઈશાની બહાર આવી અને પર્સ ખોલી. રાણી ઊછળી પડી. તરુણ પણ પાસે આવી ગયો : ‘યુ આર ગ્રેટ દીદી.’ બંનેના હાથમાં ચોકલેટ આપતાં ઈશાની હસી.
‘જમ્યા પછી તમે બંનેએ આખો દિવસ શું કર્યું એનો હિસાબ આપવાનો છે, ઓ.કે. ?’
તરુણે ચોકલેટનો ટુકડો ઈશાના મોમાં મૂકતાં કહ્યું : ‘દીદી, તું ગયે ભવ નક્કી સી.એ. હઈશ.’
‘હું તો સી.એ. ન થઈ શકી પણ રાણીએ સી.એ બનવાનું છે, તેં મને વચન આપ્યું છે, યાદ છે ને રાણી ?’

હસતાં વાતો કરતાં બધાં જમ્યાં. થોડો વખત ટી.વી. જોયું. તરુણે બધાંની પથારી કરી. માએ ભાજીની બે ઝૂડી વીણી. રાત્રે માએ ઈશાનીની બાજુમાં લંબાવ્યું. ઈશાનીએ ધીમેથી પૂછ્યું :
‘તું ગઈ’તી ડૉક્ટર પાસે મા ?’
એણે કશો જવાબ ન આપ્યો. ઈશાની બેઠી થઈ ગઈ.
‘મારા સમ છે. શું કહ્યું ડોક્ટરે ?’
‘બેટા….’
‘પ્લીઝ મા…’
‘એમણે કહ્યું, ગર્ભાશય નીચું આવી ગયું છે. ઑપરેશન કરવું પડશે.’
‘ઠીક છે. આવતે અઠવાડિયે હું રજા લઈ લઈશ. અરે રડે છે તું મા ? કમાલ છે તું. હું છું પછી શું કામ ચિંતા કરે છે ?’
‘ચિંતા નહીં પણ…. તારા પર બોજ…’ ઈશાનીએ માના મોં પર હાથ દાબી દીધો અને માથા પર હાથ ફેરવવા લાગી. થોડી વારે લાગ્યું કે એ ઊંઘી ગઈ છે, એને સરખી રીતે સૂવડાવી ઓઢાડ્યું.

ખુલ્લી બારીમાંથી ઠંડો પવન વહી આવતો હતો, બારીમાંથી ચંદ્ર દેખાતો નહોતો પણ એના આછા ઉજાસમાં અંધકાર વધુ ઘેરો લાગતો હતો, પણ એની મુઠ્ઠીમાં થોડી સોનેરી ક્ષણો કેદ હતી, આવનારા અનેક સૂર્યાસ્તમાંથી સંચિત કરેલી. એ પડખું ફરી ગઈ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમારી અવિસ્મરણીય મુલાકાત – નીલમ દોશી
શિક્ષકોનું બહારવટું – શાહબુદ્દીન રાઠોડ Next »   

22 પ્રતિભાવો : સંચિત સોનેરી ક્ષણો – વર્ષા અડાલજા

 1. ખુબ જજ્જ્જ્જ સુંદર …

 2. Mohit Parikh says:

  Beautifully described. Such a vivid story. Hats off to Varsha Adalaja, as usual!!!

 3. ArpitaShyamal says:

  wow, wonderful, beautiful, amazing…these are the words for all stories of “varsha Adalaja”..
  I am a very big fan of Varsha Adalaja….Thanks a lot Mrugeshbhai for posting such a nice story of my favorite author.

 4. Ashish Dave says:

  Varshaben…as always…too good

  Ashish Dave
  Sunnyvale, California

 5. manesh says:

  બહુજ સરસ . A peek in the life of a common person is much more facinating than the look at some scandlous life of a film star.

 6. ભાવના શુક્લ says:

  મિડલક્લાસની ધબકતી કુણી લાગણીઓની સુંદર શબ્દ સફર.
  કઈ કેટલીય અઘરી રાતો આવી સંધ્યાની સોનેરી બે-પાંચ ક્ષણો ને સહ્ય બને છે.

 7. heta says:

  beautiful…

 8. indiantroy says:

  Really touchy.. tears burst in my eyes when I reached end of the story.. keep up good work..

 9. Trupti says:

  નાજુક લાગણીઓ ને જવાબદારી સાથે સુન્દર રીતે વણી છે. આભાર.

 10. vivek desai, dubai says:

  its really nicely described story. it depicts real picture of fast and hard life of middle class mumbaikars. i had been in mumbai for 4.5 years. varshaben, i really appreciated all your lekhs. i was fortunate to here you at bhartiya vidhya bhavan, and it was such a nice time for me to here you there. all your stories / lekhs has always have some good & purposeful meaning. thanks for your such a nice article.

 11. Maitri Jhaveri says:

  Excellent!!!! beautiful…….
  No words to describe………….

 12. જીતેન્દ્ર જે. તન્ના says:

  Very Good Story. A perfect Description of the life of people in Metro cities.
  માણસો ક્યાં જાય ? જે એ કરે છે તે બધા કરે છે. જીવન જીવવા માટે રેસના ઘોડાની જેમ સતત દોડવાનું છે.
  આ બધા રેસના ઘોડાઓ જ હતા ! એવી રેસ જેમાં ન હારવાનું હતું, ન જીતવાનું હતું. જેમાં સતત દોડવાનું હતું, મોઢે ફીણ આવી જાય, થાકીને ઢળી પડો ત્યાં સુધી.

  Too Good.

 13. BINDI says:

  AMAZING!!!!

 14. Pratibha says:

  સફરની આવી સોનેરી ક્ષણોથી જ સંસાર ભરેલો લાગે છે ભુતકાળના સ્મરણોની યાદ, ભવિશ્યની કોઈ પળએ સોનેરી હોવાની અનુભુતિ આનંદ આપી જાય છે

 15. Pinky says:

  jindgi ni hadmari, nani umare javabdari ane potana swapno vachhe pisatu vyaktitav kadach jiv va nu j bhuli jay chhe. Jane yantravat samay pasar thato jay chhe. Varsha Adalja aa vaat khub sahaj rite kahi jay chhe ke amuk manso ketla nasibdar hoy chhe. Kyarek apne koi ne “adopt” kari ne, aa varta mathi kaik sikhi sakiye????

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.