શિક્ષકોનું બહારવટું – શાહબુદ્દીન રાઠોડ

[‘મારે ક્યાં લખવું હતું ?’ પુસ્તકમાંથી સાભાર.]

એક વાર શિક્ષક-મિત્રો સૌ ચર્ચાએ ચડ્યા. સર્વશ્રી શાહ, શુક્લ અને સાકરિયા, દોશી, દક્ષિણી અને દવે-જોષી, જાની અને મુલતાની – રાઠોડ, રાણા, ચૌહાણ અને પઠાણ તેમ જ અન્ય શિક્ષક-મિત્રો, જિલ્લામાંથી આવેલા નિરીક્ષકો સૌ એવા ચર્ચાએ ચઢ્યા કે બપોરના ભોજન માટે વારંવાર વિનંતી કરવા છતાં કોઈ મંચ છોડતા નહોતા.

દોશીસાહેબે કહ્યું : ‘ભારતનું ભાવિ વર્ગખંડોમાં આકાર લઈ રહ્યું છે. દેશના ભાવિ નાગરિકોને ઘડવાનું દુષ્કર કાર્ય આપણે કરી રહ્યા છીએ, છતાં સમાજમાં આપણું જોઈએ તેવું માન નથી, સન્માન નથી, સ્થાન નથી. આપણે નીકળીએ ત્યારે વાલીઓ અદબથી ઊભા નથી થઈ જતાં. આ પરિસ્થિતિ શોચનીય છે, વિચારણીય છે.’ શ્રી સાકરિયા સાહેબે કહ્યું : ‘સન્માન એ વ્યક્તિની યોગ્યતા પ્રમાણે આપોઆપ પ્રાપ્ત થાય છે કે એ મેળવી લેવું પડે છે ? આ મુદ્દો સ્પષ્ટ થાય તો વધુ સારું.’ તરત જ શિક્ષકો બે વિભાગોમાં વહેંચાઈ ગયા. એક વર્ગે કહ્યું : ‘જો આપણામાં લાયકાત હશે તો સન્માન આપોઆપ મળી જશે. “માનવતાનું કાર્ય કરતાં કીર્તિ એ આવી પડેલી આપત્તિ છે.” આવું ડૉક્ટર આલ્બર્ટ સ્વાઈટ્ઝર કહેતા.’ જ્યારે બીજા વર્ગની એવી દલીલ હતી, ‘માગ્યા વગર મા પણ પીરસતી નથી, માટે સમાજ સન્માન આપશે એવી વ્યર્થ આશામાં જીવવા કરતાં કર્મવીરની જેમ મેળવી લેવા પ્રબળ પુરુષાર્થ કરવો.’

શ્રી ઠાકરસાહેબે કહ્યું : ‘પ્રયત્ન કરવા છતાં પણ જો સન્માન ન મળે તો ? તો શું કરવું ?’ અને અચાનક ઊભા થઈ શ્રી રાણાસાહેબે કહ્યું : ‘બહારવટે ચડવું.’ રાણાસાહેબના ચહેરા ફરતું તેમનું વર્તુળ જોવા સૌ પ્રયાસ કરવા માંડ્યા. આવેશમાં અને વીરરસના સંચારને લઈ રાણાસાહેબનું અંગ ધ્રૂજવા લાગ્યું. તેમણે કહ્યું : ‘બહારવટે ચડવું ! પ્રાચીન કાળમાં જ્યારે સ્વમાનનો ભંગ થતો ત્યારે વીર પુરુષો બહાર રહી વટ રાખતા, જેથી બહારવટિયા કહેવાતા. આપણે પણ આપણા માનને ખાતર, સ્થાનને ખાતર બહારવટે ચડવું.’ સમગ્ર શિક્ષણજગત માટે આ વિચાર ક્રાંતિકારી હતો, જલદ હતો, પોતાની અને સમાજની ઊંઘ ઉડાડી દે તેવો હતો. નવી ભરતી થઈ હોય તેવા યુવાન શિક્ષકો પોતાનું શૌર્ય અને પરાક્રમ દાખવવા થનગની ઊઠ્યા. અમુકે શોર મચાવ્યો, ‘બહારવટે ચડવું ! બહારવટે ચડવું !’ અમુક ખંધા અનુભવી શિક્ષકોએ બહારવટે ચડી, લૂંટ ચલાવી, જો માત્ર સંપત્તિ જ પ્રાપ્ત કરવી હોય તો તે બહારવટે ચડ્યા વગર પણ કઈ-કઈ રીતે સહેલાઈથી મેળવી શકાય તેવા ટૂંકા રસ્તા સૂચવ્યા, પરંતુ એ માન્ય રહ્યા નહિ. પરંતુ નિષ્ઠાવાન, બુદ્ધિમાન ગણાતા દવેસાહેબ જેવાની વાત વિચારવામાં આવી. દવેસાહેબે કહ્યું : ‘હક્ક-રજાઓ વ્યર્થ જાય તે પહેલાં મેળવી લ્યો. પ્રાયોગિક ધોરણે બહારવટાનો પ્રાથમિક અનુભવ પ્રાપ્ત કરો અને એમાં જો સફળતા મળે તો જ કાયમી ધોરણે બહારવટું અપનાવવું, નહિતર નહિ.’ શ્રી દવેસાહેબની વાત સૌને વાજબી લાગી. જેને જે પ્રકારની રજા પ્રાપ્ત હોય તે પ્રમાણે રજા-રિપોર્ટો ભરવાનું નક્કી થયું અને પ્રથમ બહારવટાનો અનુભવ મેળવી પછી જ અંતિમ નિર્ણય લેવો એવું સર્વાનુમતે નક્કી થયું.

બીજે દિવસે સૌએ ગૌરવભેર શાળામાં પ્રવેશ કર્યો, વિધિસર રજા-રિપોર્ટો રજૂ કર્યા અને શાળાનો ત્યાગ કરી સૌ ચાલી નીકળ્યા અને પહોંચ્યા બજારમાં. બજારમાંથી પ્રાથમિક ખરીદીનું મહત્વનું કાર્ય સૌ પ્રથમ પૂર્ણ કરવાનું હતું તેનો પ્રારંભ કરવામાં આવ્યો. શાહીના બ્લ્યુ, લાલ અને લીલા રંગના ખડિયા ખરીદ્યા. મહત્વની બાબત હોય તો જ લાલ શાહીનો ઉપયોગ કરવો અને જે મંજૂર કરવામાં આવે ત્યાં લીલી શાહીથી લખવું – આમ નક્કી થયું. પચીસ ઘા કાગળની ખરીદી થઈ. ઉપરાંત ફૂટપટ્ટીઓ, પેન્સિલો, રબ્બરો, પેનો અને બોલપેનો, ફાઈલો અને થોડાં પુસ્તકો ખરીદવામાં આવ્યાં. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીભાઈના ‘સોરઠી બહારવટિયા’ અને ‘ દરિયાપારના બહારવટિયા’ વગેરે પુસ્તકો જે મળ્યાં તે લેવામાં આવ્યાં. અસલ કાઠિયાવાડી દોહાસંગ્રહ અને શૌર્યગીતોના સંગ્રહો વસાવવામાં આવ્યા. આટલી સામગ્રીથી સજ્જ થઈ અર્ધી-અર્ધી ચા પીને સૌએ વનવગડાની વાટ લીધી. ‘ચાલ્યો ઘોર રજનીમાં ચાલ્યો, માર્ગ જ્યોતિ અનુપમ ઝાલ્યો’ – આવું ગુજરાતીના શિક્ષક શ્રી બાબરિયાએ ગાયું. બાંડિયાવેલીના રસ્તે પ્રયાણ કરતાં સૌ માંડવામાં આવી પહોંચ્યા. મહાનદીના કાંઠે ભેખડો જોઈ આચાર્ય શ્રી રાઠોડે કહ્યું : ‘બહારવટિયાને રહેવાને અનુકૂળ એવા ભયાનક સ્થાનમાં આપણે આવી પહોંચ્યા છીએ.’ એટલે નદીના કાંઠે બગલા બેસે એમ શ્વેત વસ્ત્રોમાં શોભતો શિક્ષક-સમુદાય બેસી ગયો.

ચોકસાઈ એ જીવનમાં સ્વીકારવા જેવો સદગુણ છે, માટે આપણે પ્રત્યેક કાર્ય ચોકસાઈપૂર્વક કરવું – આમ વિચારી કાર્યના પ્રારંભમાં બે-ત્રણ ઘા કાગળ વાપરી નાખવામાં આવ્યા. અનેક પ્રકારનાં પત્રકો બનાવવામાં આવ્યાં. ઉદાહરણ રૂપે એક પત્રક નંબર ‘અ’ – એક અનુક્રમ નંબર, ઘટનાસ્થળ, લૂંટમાં મેળવેલ માલ – ‘આ’ ખાનાનાં પાછાં બે પેટા ખાનાં – રોકડ અને દાગીના, લૂંટમાં બતાવેલ પરાક્રમ, લૂંટનો માલ ખરીદનારની સહી, લૂંટનો માલ વેચનારની સહી અને છેલ્લું ખાનું રિમાર્કનું. કોઈએ સૂચન કર્યું, ‘ત્રણ ઠેકાણેથી ટેન્ડર લઈ કોઈ પણ કાર્ય કરવું, જેથી ઑડિટ ઓબ્જેક્શનની તકલીફ ન રહે.’

પત્રકોનું કાર્ય પૂર્ણતાએ પહોંચ્યા પછી જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી. સૌ પ્રથમ શસ્ત્ર-સમિતિનું નિર્માણ થયું. તેના પ્રમુખ અને મંત્રી નિમાઈ ગયા. સાથે નોંધ કરવામાં આવી : ‘હાલ તુરત આપણે દંડા, સોટીઓ, લાઠીઓ, ચાકુ તેમ જ ગડદિયાથી કામ ચલાવવું, પરંતુ આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થતાં જાનહાનિ કરી શકાય એ કક્ષાનાં હિંસક શસ્ત્રો પણ વસાવી લેવાં, જેનો ઉપયોગ સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર થયા પછી પ્રમુખશ્રીની મંજૂરી પછી થશે.’ ત્યાર બાદ અન્વેષણ-સમિતિની નિમણૂક થઈ, જેનું કાર્યક્ષેત્ર હતું ક્યાં-ક્યાં લૂંટ કરવા જેવી છે, ક્યાં ધાડ પાડવામાં ઓછું જોખમ રહેલું છે તેની તપાસ કરવી અને અહેવાલ કારોબારીમાં રજૂ કરવો. તેના હોદ્દેદારો પણ નિમાઈ ચૂક્યા. હવે રચના થઈ લલકાર-સમિતિની, જે યુદ્ધ જેવા પ્રસંગો આવી પડે તો શૌર્યગીતો ગાઈ, વીરરસના દુહાઓ રજૂ કરી, સૌમાં જોમ અને જુસ્સો જગાવે. આ સમિતિનું કાર્ય અને હોદ્દેદારોની નિમણૂકની કાર્યવાહી પૂરી થઈ. વ્યાયામ-શિક્ષક શ્રી પઠાણના સૂચનથી એક શિસ્ત-સમિતિની રચના કરવામાં આવી. સમગ્ર યુદ્ધનું સંચાલન શિસ્તબદ્ધ રીતે થાય તેની જવાબદારી તેમને અને શ્રી મોથલિયાને સોંપવામાં આવી. યુદ્ધપ્રસંગે શિક્ષકગણની આગેવાનીનું સુકાન આચાર્ય શ્રી રાઠોડે સંભાળવું અને તેમને અચાનક ક્યાંક કાર્યક્રમ નિમિત્તે જવાનું થાય તો આગેવાની શ્રી મુલતાનીએ લેવી તેમ નક્કી થયું. જો કે યુદ્ધના સમયમાં કોઈએ રજા લેવી નહીં એવું પણ સાથે નક્કી થયું, છતાં જરૂરિયાત ઊભી થાય તો ધોરણોસરની કાર્યવાહી કરવી એવી જોગવાઈ પણ કરવામાં આવી. ઉતારા અને ભોજન-સમિતિઓની પણ રચના થઈ અને આવા કપરા કાળમાં તેમણે પણ પોતાનાં સ્થાનો સંભાળી લીધા.

અન્વેષણ-સમિતિના કન્વીનર શ્રી સી.બી. ઠાકરે સમાચાર આપ્યા કે અહીંથી એક જાન પસાર થવાની છે. તેમની પાસે કેટલી સંપત્તિ અને આભૂષણો છે તે અન્વેષણનાં પૂરતાં સાધનો પ્રાપ્ત નહિ હોવાથી જાણી શકાયું નથી, છતાં આપણી અપેક્ષાઓથી વધુ જરૂર હશે એવું કહ્યા વગર હું રહી શકું તેમ નથી. અન્વેષણ-સમિતિના રિપોર્ટ પર ગંભીરતાથી ચર્ચાવિચારણા થઈ. જાન પર ધાડ પાડવાનો અને લૂંટ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. તમામ સમિતિઓ કાર્યરત બની ગઈ. વ્યાયામ-શિક્ષક પઠાણે યુદ્ધની પૂર્વતૈયારી રૂપે જે કવાયત કરાવી તેમાં જ મોટા ભાગના શિક્ષક-મિત્રો થાકી રહ્યા, છતાં ફરજમાં અડગ રહ્યા. શ્રી બાબરિયાએ બુલંદ અવાજે ‘સૌ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે, યાહોમ કરીને પડો ફતેહ આગે’ ગીત લલકાર્યું. આચાર્યશ્રી શાહબુદ્દીન રાઠોડે શિક્ષકગણનું સેનાપતિપદ સંભાળ્યું અને સૌ નીકળી પડ્યા. આ તરફથી શિક્ષક-સમાજ અને સામેથી આવતી જાન સામસામાં આવી ગયાં. આચાર્યશ્રીએ બુલંદ અવાજે પડકાર કર્યો : ‘ખબરદાર, જ્યાં છો ત્યાં જ ઊભા રહેજો. અહીં ભીષણ રક્તપાત થશે, સ્ત્રીઓના આક્રંદ અને બાળકોનાં રુદનથી વાતાવરણ કરુણ બની જશે. આ સ્થિતિ સહી લેવી એ અમારા માટે અસહ્ય હોવાથી હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આ સમસ્યાનું નિરાકરણ મંત્રણાના મેજ પર થાય. આ હત્યાકાંડ રોકવા શાંતિભર્યા માર્ગો પણ છે જ. વાટાઘાટોનાં દ્વાર પણ ખુલ્લાં છે જ, પરંતુ આ બધું આપના સાનુકૂળ પ્રતિભાવ પર આધાર રાખે છે.’

જાનવાળા આચાર્યશ્રીના નિરર્થક લંબાણભર્યા પ્રવચનમાં કંઈ સમજ્યા નહિ – માત્ર આટલું જ સમજ્યા કે ‘આ છે કોઈ ફંડફાળો ઉઘરાવવાવાળા, પણ આમ વગડામાં દુ:ખી કેમ થાય છે તે સમજાતું નથી.’ જાનવાળાની વાતો સાંભળી આચાર્યશ્રીએ કાયમની ટેવ પ્રમાણે કહ્યું : ‘બંધ કરો અવાજ અને શાંતિપૂર્વક હું પૂછું તે પ્રશ્નો સાંભળી તેના પ્રત્યુત્તર આપો’

પ્રશ્ન પહેલો : તમારી સાથે સામનો કરી શકે તેવા હથિયારધારી વોળાવિયા કેટલા ?
પ્રશ્ન બીજો : તમે ક્યાંથી નીકળ્યા છો ?
પ્રશ્ન ત્રીજો : તમે ક્યાં જવાના છો ?
પ્રશ્ન ચોથો : તમારી પાસે રોકડ અને દાગીના કેટલાં છે ?
પ્રશ્ન પાંચમો : તમે કુલ કેટલાં માણસો છો ?

જાનવાળા કહે, ‘કોક નાટક કંપનીવાળા રમતે ચડી ગયા લાગે છે.’ સામતુભાબાપુએ બંદૂક કાઢી, કાર્ટિસ ચડાવ્યા અને પડકાર કર્યો : ‘અલ્યા કોણ છો ?’ જવાબમાં સૌ સમિતિના હોદ્દેદારોનાં રાજીનામાં આવી ગયાં. આચાર્યશ્રીએ ગૌરવભેર કહ્યું : ‘હાલ તુરત આપણે માનભેર આ અભિયાન મુલતવી રાખીએ છીએ.’ શ્રી પઠાણે આદેશ આપ્યો : ‘પીછે મુડેગા… પીછે મુડ..’ સૌ ફરી ગયા અને પાછા તળાવને કાંઠે આવી પહોંચ્યા. તાત્કાલિક સામાન્ય સભાની મિટિંગ યોજવામાં આવી અને આચાર્યશ્રી રાઠોડે રજૂઆત કરી : ‘આ સમગ્ર વ્યવસાયનું નિરીક્ષણ કરી, પૃથક્કરણ કરી, પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરી, વિશ્લેષણ કર્યા બાદ એવું જણાય છે કે આ વ્યવસાય આપણી ચિત્તવૃત્તિને પ્રતિકૂળ હોવાથી ત્યાજ્ય છે.’ સ્ટેશનરી સૌએ વહેંચી લીધી અને પુસ્તકો શાળાની લાઈબ્રેરીમાં ભેટ આપી સૌ રજા-રિપોર્ટ કૅન્સલ કરી, શિક્ષણ-કાર્યમાં લાગી ગયા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંચિત સોનેરી ક્ષણો – વર્ષા અડાલજા
ઓસ્ટ્રેલિયાનું વિદ્યાર્થીજગત – પિનલ દેસાઈ Next »   

39 પ્રતિભાવો : શિક્ષકોનું બહારવટું – શાહબુદ્દીન રાઠોડ

 1. Mital says:

  Ghana samay pachhi Murabbi Shri Shahbuddin Rathod no lekh vanchyo.
  Khoob majaa padi..Aam to CD ma temna jokes and aa baharvatiya no prasang sambhadiye j chhiye, to pan vaanchi ne sakhat majaa padi gayee…
  Thanks

 2. madhukant.gandhi says:

  Dear Mrugeshbhai…I have delighted to read Shahbuddinbhai`s artical…I have enjoyed personaly whenever he has visited Dubai`s Gujarati Samaj`s programs…many thanks…keep it up…regards.madhukant.

 3. ભાવના શુક્લ says:

  તેમના પોતાના અવાજમા ડાયરામા અને કેસેટમા સાંભળેલ અવિસ્મરણીય રમુજી વાતો મા વનેચંદનો વરઘોડૉ અને શિક્ષકોનુ બહારવટુ સૌથી વધારે વખત સાંભળેલા. (ખાસ તો મારા મમ્મી શિક્ષિકા હતા આથી પપ્પા ભારવટુ તો ખાસ સંભળાવતા..) આજે ફરી લાઠી (કલાપીનગર) મા વર્ષો પહેલા સાંભળેલો અવાજ અને લેખ ના શબ્દો એકાકાર થતા ગયા અને એજ અનેરો રસ પીરસતા ચાલ્યા.

 4. pragnaju says:

  કેટલીયવાર વાંચેલું તેમના મોઢે સાંભળેલું ફરી માણ્યું…ખૂબ સુંદર્

 5. Deven says:

  Mr. Rathod is the personality who gave new dimensions to gujarati rumour. I enjoyed it very much although i have heard it lots of time in his own Kathiyawadi Voice.

 6. જલ્સો ….. આને કહેવાય !!!

 7. Vatsal Vora says:

  માનનીય શાહબુદ્દીન ભાઇનો એક સુંદર જોક હજી આજે પણ મને ખૂબ હસાવે છે

  ‘‘ અમે પાંચ મિત્રો એક ગામમાં મે‘માન થઇને ગયા હતાં, ત્‍યાં જઇને હાથપગ ધોયા અને પછી ત્‍યાં અમને જમવા માટે બોલાવ્‍યા એટલે અમે સૌ રસોડામાં ગયા.

  રસોડામાં અમારા પાંચ માટે લાંબુ પાથરણું પાથર્યું હતું એ જોઇને અમારામાંથી એક જણાએ કહયું કે, ‘‘ મને સુતા-સુતા ખાવાનું નહીં ફાવે!!‘‘, એટલે શાહબુદ્દીનભાઇએ કહયું કે કોડા આ તારા એકલા માટે નથી આપણાં બધાં માટે છે!!

 8. roshani says:

  khub j anand thayo jyare a lekh vacho.jate teacher to hu pan chhu,ane ek teacher ni fitrat ne shahbuddin bhai je saras rite upsavi te vachi anand sathe dukh pan thau k ek teacher ne hji pan a man maltu nathi je bija vayvsayo ne mle chhe.asha chhe teacher no vayvsay man patr bni rhe.ha shahbuddin bhaina avaj hasy sabhar lekh vach va mle.

  ok thanks.

 9. રોશનીબેન, તમારી વાત કદાચ સાચી પણ છે કે શિક્ષકોને પૂરતું માન નથી મળતું … પણ મેં મારા શાળા જીવન દરમિયાન અનુભવ્યું છે કે જે પણ શિક્ષકોએ અભ્યાસક્રમમાંથી બહાર નિકળીને પોતાના અનુભવો અને પોતાનું વાંચન અને અન્ય ચીજો વહેંચી છે, તેમને અમે વિદ્યાર્થીઓએ વધારે યાદ રાખ્યા છે …. હું આજે પણ મારી નવસારીની શાળામા જાઉં છું અને મારા પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક ના દરેક શિક્ષકોને સ્ટાફ-રૂમમાં જઈને મળું છું …. મારા ૫-૬-૭ ધોરણના શિક્ષકને પણ મારું નામ હજી યાદ છે … મને ખુદને શિક્ષકગણ માટે ખુબ જ માન છે ….
  દરેક વિદ્યાર્થીને જ પણ એક સામાન્ય વિદ્યાર્થી- કે જે કદાચ શાળા માટે કે શિક્ષકો માટે એટલો ભાવુક નથી- એના માટે કદાચ કોઇ શિક્ષક એટલે માનનીય બને છે કે જેમાંથી એને કાંઈક પ્રેરણા મળી હોય …. જે છોકરું એટલું ભાવનાત્મક વૃત્તિવાળું નથી હોતું એને માટે બીજા દરેક શિક્ષક “ટીચર” કે “સર” બની જતાં હોય છે …. જ્યારે મને પોતાને મારા દરેક શિક્ષક/શિક્ષિકા .. ગ્રેજ્યુએશન-પોસ્ટ ગ્રેજ્યુએશન સહિતના બધાના નામ-ચહેરા યાદ છે .. !!

  પણ એ શિક્ષકો/શિક્ષિકાઓ કે જેમણે અભ્યાસક્રમથી બહાર આવી અથવા એની સાથે પોતાના અનુભવો, પોતાનું ઇતર વાંચન વણી લીધેલું એઓ એક અલગ છાપ અંકિત કરી ગયા !! એમને હું હજી પણ મારી વાતો-ચર્ચાઓમાં અચૂક યાદ કરું … આપમેળે ઉલ્લેખ થઈ જાય .. !!

  🙂 માનનિય શિક્ષકો/શિક્ષિકાઓ .. મારી આ વાતને પ્લીઝ ખુબ વધારે દિલ પર ના લેશો .. નહિ તો એક સુંદર કટાક્ષલેખનો આનંદ ઉઠાવવાને બદલે મારી વાતો પર ચર્ચા શરુ થઈ જશે ….

 10. Samir says:

  I always used to listen to Rathodsaheb’s jokes on cassettes and TV. Lots of fun

 11. PRIYANK TRIVEDI says:

  it is good article.commedy with deep thoghts can only deliver by shri shah buddin.

 12. Jatan says:

  વાહ શાહ્બુદીનભાઇ વાહ, વણન તો તમારુજ હો, બહુ મજા આવી

 13. Jignesh says:

  સુદર્

 14. Gordhan says:

  Very frequently we use to listen Jokes from Rathodsaheb but every time same Jokes able to make us laugh…..it will never be old….

 15. Jignesh says:

  જય શ્રી ક્રિશ્ના,

  ખરેખર મઝા પડી ગઈ હો !!

  — જીજ્ઞેશ ખંભાયતા

 16. dhananjay says:

  ખુબ જ સુન્દર લેખ .સામ્ભલ્વા નો જેત્લો આનન્દ આવ્યો હતો,તેવો જ વાચવા મા આવ્યો.

 17. piyush says:

  ghani var sambhlyu 6 pn maj ave 6.
  labhu merai ni vat melvine muko to saru….

 18. yogesh says:

  શાહ્બુદ્દિન ભૈઇ નુ સર નામુ આપવા વિનન્તિ અથ્વા ફોન નુમ્બર્
  આભાર સહ્,
  યોગેશ્

 19. Vishal Jani says:

  વાહ રાઠોડ સાહેબ વાહ! જેટલી સાંભળવાની મજા એટલી વાંચનમાં પણ.
  – યોગેશભાઇ, થાન(સુરેન્દ્રનગર) માં જઇને ઉભા રહો અને કોઇને પણ કહો તો તેમના ઘરે મુકી જશે.

 20. vipul pandya says:

  wah….jevi maza shahbuddin bhai ne sabhalvani aave chhe…tevi j maza temna hasy sabhar lekho ma aavi…thanks…

 21. pranav patel says:

  really it’s very funny.

 22. hasmukh says:

  જેટલી સાંભળવાની મજા એટલી વાંચનમાં પણ.

 23. sandip says:

  ઘણા સમય પછી ફરિ વાર આ લેખ વચવ મલ્યો, પેહલ જેવોજ આનન્દ આવયો.આભાર.

 24. Bakhalakiya Aashish says:

  roshaniji

  shikshak to haal pan pujniy che ane rahe che ……………

  aak vaat aapada shamaj ma shamany che ke KOY PAAN VYVCHAY MAA MANSA NE POTANA KARATA BE JO VYVCHY VADHARE PASHAN AAVE CHE
  BUT TECHER IS BEST& GOOD &VANDNIYA CHE

  ASHISH BAKHALAKIYA

 25. Johnson Christian says:

  ઘણા વખત પહેલા સાંભળયુ હતુ, આજે ફરી આખો પ્રસંગ તાજો થઈ ગયો,
  શાહ્બુદ્દિન સાહેબની વાક્છટા એટલે કહેવું પડે ભાઈ……

  આપનો એક રમુજ પ્રેમી ચાહ્ક્
  જ્હોન્સન ક્રિશ્ચિયન્ (વડોદરા)

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.