- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ઓસ્ટ્રેલિયાનું વિદ્યાર્થીજગત – પિનલ દેસાઈ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રીમતી પિનલબેનનો (પેરામટ્ટા, સીડની) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pinal1425@gmail.com સંપર્ક કરી શકો છો.]

સમયના દરેક દસકાઓમાં માણસના મનમાં કોઈક વિશેષ વસ્તુ પ્રાપ્ત કરી લેવાની અદમ્ય ઈચ્છા જન્મતી હોય છે. બીજા કરતાં પોતાની પાસે કંઈક વધારે છે એવું તેણે દુનિયાને બતાવી દેવું હોય છે. અગાઉના સમયમાં આ ઈચ્છા માત્ર પદ, પ્રતિષ્ઠા કે પૈસા પૂરતી મર્યાદિત હતી, પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી તેમાં ‘વિદેશગમન’ નામનો એક નવો વિષય ઉમેરાયો છે. વળી, તેમાંય ટૂંકાગાળાના વિદેશ પ્રવાસ કે કાયમી વસવાટની સાથે સાથે ‘વિદેશઅભ્યાસ’નું મહત્વ પણ એટલું જ વધ્યું છે.

માનવી સાચા અર્થમાં ‘વિશ્વમાનવી’ બનવા જઈ રહ્યો છે. વિશ્વના આંતરબાહ્ય પ્રવાહો સાથે તે સતત પોતાનો તાલ મિલાવી રહ્યો છે. પોતાના જીવનસ્તર પ્રત્યે તે સભાન છે અને દુનિયા સાથે કદમથી કદમ મેળવીને ચાલવા માટે ઉત્સુક છે. જીવનધોરણ ઊંચું લાવવા માટે તે પરિશ્રમ કરવામાં પાછો પડે તેમ નથી. સૌથી આનંદની વાત તો એ છે કે વ્યક્તિની સાહસવૃત્તિ આજકાલ ઘણી વધી છે. ગમે તેવી પરિસ્થિતિમાંથી તે માર્ગ કાઢવા માટે સક્ષમ બન્યો છે. પરંતુ હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ પ્રગતિ અને વિકાસ તેને સુખ, શાંતિ અને પ્રસન્નતાના પથ તરફ દોરી જાય છે ? શું તે વિકાસની સાથે પોતાના જીવનમાં વિશ્રામનો અનુભવ કરી શક્યો છે ? શું તેની શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્વસ્થતા તે જાળવી શક્યો છે ? ….. કે પછી આ ભૌતિક વસ્તુઓ મેળવવાની દોડમાં પોતાના મૂલ્યો સાથે તે સમાધાન કરી રહ્યો છે ? તે ‘બદલાઈ’ રહ્યો છે કે ‘ટેવાઈ’ રહ્યો છે ? – આ એક વિચારવા જેવો વિષય છે.

આજ ના સમયમાં આપણને પ્રગતિ માટે વર્ષો સુધી રાહ જોવી પાલવે તેમ નથી. દાયકાઓ સુધી એક ટેબલ પર કામ કરીને ‘કલાર્ક’ માંથી ‘ઑફિસર’ બનવું એ તો જાણે ઈસવીસન પૂર્વેની વાતો છે ! આજના સમયમાં એટલી પ્રતિક્ષા કરવી લગભગ અસંભવ છે. એ જ બાબત અભ્યાસના ક્ષેત્રની છે. હવે તો ‘ડિસ્ટિંક્શન’ આવે એ તો ‘બિચારો’ કહેવાય છે ! નેવું ટકાની નીચેના માર્કસ ઘોર નિષ્ફળતામાં ગણાય છે ! આ તીવ્ર દોટથી પ્રેરાઈને નવીપેઢીના માતા-પિતા બાળકના અભ્યાસ પ્રત્યે પહેલેથી સભાન બને છે. આ સભાનતાને પરિણામે આપણે ત્યાં ‘વિદેશ-અભ્યાસ’ નો એક નવો જ પ્રવાહ છેલ્લા કેટલાક વર્ષોથી અસ્તિત્વમાં આવ્યો છે. અગાઉ ફક્ત જ્વલંત કારકીર્દિ ધરાવતા વિદ્યાર્થીઓ જ પરદેશ અભ્યાસ માટે જતાં, પરંતુ હવે તેવું રહ્યું નથી કારણ કે આજના સમયમાં ફક્ત અભ્યાસ કરવા માટે કોઈ અભ્યાસ કરતું નથી ! દરેકનું લક્ષ્ય ઉચ્ચ ગુણવત્તાવાળા જીવનધોરણ, બૅંક-બેલેન્સ અને મોજશોખથી ભરેલા જીવન તરફ હોય છે. અભ્યાસ તો આ બધું મેળવવાનું એક સાધનમાત્ર બની રહે છે. માતાપિતાને પોતાના સંતાનોને આ દોટમાં સામેલ કરવામાં આનંદ આવતો હોય છે.

વિદેશમાં અભ્યાસ કરવાના કારણો વિશે જો વિચાર કરવામાં આવે તો તેમાં સૌથી પહેલું કારણ માતાપિતાના મનોરથો છે. માતાપિતાના મનોરથો ઘણી વાર સંતાનોના સપનાંઓને ‘ઑવરટૅક’ કરી જતાં હોય છે. ફલાણા કાકા-મામા-માસી-ફોઈની છોકરી કે છોકરો વિદેશ ભણવા માટે ગયો તો આપણે શું કામ પાછળ રહી જઈએ ? બેટા, તારે પરદેશ તો જવાનું જ….. અહીં બી.કોમની ડિગ્રી લઈને બેસી રહ્યે દાળ નહીં ઉકળે ! ડૉલર ભેગાં થશે તો લાઈફ બની જશે…. અમારી જિંદગી તો જેમ તેમ ગઈ, પણ આ મોંઘવારીમાં તમે પૈસા વગર કેમ જીવશો ?…. – આવા ‘સંસ્કાર’ નવી પેઢીના માતાપિતાઓ પોતાના સંતાનોને રોજ આપતા હોય છે. પરદેશ અભ્યાસઅર્થે જવા માટે બીજું કારણ છે સંતાનનું મિત્રવર્તુળ. પોતાના મિત્રો-સખીઓને વિદેશ જતાં જોઈને દેશમાં નોકરી કે અભ્યાસ કરતી યુવાપેઢી કંઈક ન પામ્યાની લઘુતાગ્રંથી અનુભવે છે. એક વાર વિદેશ જઈ આવવું એ પોતે જ ઘણું મોટું ‘ક્વોલિફિકેશન’ ગણાય છે કારણ કે એનાથી લગ્ન આદિ કાર્યો ઘણાં સરળ થઈ જાય છે ! ઉંમર વીતી જાય પછી કદાચ પસ્તાવાનો વારો આવે એ બીકે તેને વિદેશ અભ્યાસની તક ઝડપી લેવી વધારે યોગ્ય લાગે છે. આ બાબતમાં ત્રીજું કારણ છે ‘માધ્યમો અને સુવિધાઓ’. આજકાલ રોજ અખબારમાં વિશ્વના અનેક દેશોમાં ભણવા માટેની જાહેરખબરો પ્રકાશિત થતી હોય છે. વ્યવસ્થિત સલાહ આપે એવી એજન્સીઓ કાર્યરત થઈ છે અને સૌથી મોટું તો બૅન્ક-લૉન ખૂબ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેમ છે. આ સુવિધાઓનો લાભ કોણ જતો કરે ? ફટાફટ એડમિશન લઈ લો, ફી ભરો, વીઝા કઢાવો અને ઊપડો……

અમેરિકા અને યુ.કે પછી આ પ્રવાહ હવે ઓસ્ટ્રેલિયા તરફ વળ્યો છે. મેરેજ પછી અહીં આવીને મારે ઘણા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓના સંપર્કમાં આવવાનું થયું. તેઓના સુખ-દુ:ખ, અભ્યાસ, રહેણી-કરણી વિશે ઘણી બાબતો જાણી. કેટલીક બાબતોથી ગૌરવ અનુભાવાયું તો કેટલીક હકીકતો જાણીને ગ્લાની પણ થઈ. અહીંના વિદ્યાર્થીજગતની સમસ્યાઓ અને સંવેદનાઓના જાણે અમે રૂબરૂ સાક્ષી બન્યાં. દેશમાં માતાપિતાને ન કહી શકાય એવી કેટલીય બાબતો અમને જણાવીને તેમણે પોતાની હૈયાવરાળ ઠાલવી. ક્યાંક અમને શાંત, સ્વસ્થ અને યોગ્ય લક્ષ્ય તરફ આગળ ધપતું જીવન દેખાયું તો ક્યાંક પાટા પરથી ઉતરી ગયેલી ગાડીની જેમ અસ્તવ્યવસ્ત અને ઠેબાં ખાતું જીવન નજરે ચઢ્યું. સીડનીમાં પગ મૂકવાથી લઈને સ્થાયી થવા સુધીની જુદી જુદી સંઘર્ષગાથા તેઓના મુખે જુદી જુદી રીતે સાંભળવા મળી.

પોતાના મિત્ર-સખીઓના આધારે કે સંગાથે પહેલીવાર સીડનીમાં પગ મૂકતો યુવાન (કે યુવતી) સ્વાભાવિક છે કે અનેક સપનાંઓ લઈને આવે છે. મનમાં વિચારે છે કે : ‘ફક્ત બે વર્ષનો સવાલ છે ને ! અઠવાડિયાના 20 કલાક તો જોબ છે જ. થોડા સમયમાં કમાઈને બધો ખર્ચો કાઢી લઈશ… બરાબર સેટ થઈને ભણી લઈશ એટલે તરત PR (Permanent Residence) ની ફાઈલ મૂકી દઈશ… પછી મમ્મી-પપ્પા આવી જાય એટલે નિરાંત….’ પ્લેનના પૈંડા ધરતીને અડે છે અને તેની દોડ શરૂ થઈ જાય છે. શરૂઆતમાં તો વિસ્મયનું જગત વિકસે છે. ઓહો ! કેવું સરસ શહેર… આહા….. આટલી બધી સ્વચ્છતા ! આપણને તો અહીં ગમી ગયું !…. પણ ધીમે ધીમે વાસ્તવિકતાનું ભાન થાય છે કે અહીં જીવનની નવી શરૂઆત એકલા હાથે કરવાની છે. અન્ય લોકો સાથે મળીને રહેવાનું છે, વહેંચીને કામ કરવાનું છે તથા તમામ બાબતોમાં સતર્કતા અને સાવધાની વર્તવાની છે. ટ્રેન કેમ પકડવી ?…. કૉલેજ કેવી રીતે જવું… એ બધું જાતે શીખવાનું છે. અનુભવે તેને સમજાય છે કે અહીં કોઈને કોઈના માટે સમય નથી. ભારતની જેમ કોઈ વારેઘડિયે ફોન કરીને અહીં તમારા ખબરઅંતર પૂછવા કોઈ નવરું નથી. ‘Its your problem’ અહીંનું મૂખ્ય સૂત્ર છે. તમારું જીવન છે એની બાજી તમે જાતે જ લડો. અચાનક આવી પડેલી આ પરિસ્થિતિથી તે થોડો ગભરાય છે.

વિવિધ માનસિકતાવાળા લોકો સાથે એક રૂમમાં રહેવાનું છે. સાથી મિત્રો ગમે તેવા હોઈ શકે છે. શાંત, સૌમ્ય, સાહસી, જીવનલક્ષ્ય તરફ એકાગ્રતાથી ગતિ કરનારા, સમયનું મહત્વ સમજનારા તથા બીજાને મદદરૂપ બને એવા મિત્રો અહીં મળી આવે છે જ્યારે ‘ડ્રિંક્સ’ ને શરબતની જેમ પીનારા યુવાનો અને મોજમજાને જીવનનો મંત્ર બનાવનારાઓની પણ ક્યાં ખોટ હોય છે ? ક્યાંક સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિણમતી દેખાય છે તો ક્યાંક પોતાના જીવનમૂલ્યો પ્રત્યે સભાનતા પણ નજરે ચઢે છે. કોઈક પોતાના પ્રોજેક્સ, અભ્યાસ અને જોબમાં વ્યસ્ત છે તો કોઈક ફિલ્મો, સીડીઓના ઢગલા અને ઈન્ટરનેટની મોજમસ્તીમાં ગળાબૂડ છે. આ બધી વિવિધતાઓ વચ્ચે તેણે શ્રેય-પ્રેયનો માર્ગ પસંદ કરવાનો છે. ક્યાંક લપસી ન પડાય એ રીતે પોતાનો પ્રત્યેક કદમ જોઈ વિચારીને તેણે મૂકવાનો છે.

થોડાક દિવસો વીત્યાં. હવે આવતીકાલથી કૉલેજ શરૂ થાય છે. કૉલેજ કેવી રીતે જવાનું ? ‘સ્ટ્રીટ ડિરેક્ટરી’ ખોલીને તે રસ્તો શોધી લે છે. બીજે દિવસ સવારે વહેલા ઊઠીને પોતાના કામ આટોપે છે. અહીં ગરમાગરમ નાસ્તો આપવા માટે મમ્મી નથી. જાતે દૂધ, બ્રેડ, લૅબી ખાઈને કે જ્યુસ પીને તૈયાર થાય છે. બે-એક કિલોમીટર ચાલીને સ્ટેશને પહોંચે છે. કદાચ આટલું ચાલવાનો આ એનો પહેલો અનુભવ હશે ! થાકી જાય છે. ટિકિટ ક્યાંથી લેવી ? કેવી રીતે સ્ટેશનમાં દાખલ થવું…. બધું જુએ છે… શીખે છે… જાણીતા મિત્રને ફોન કરીને પૂછી લે છે. પોતાની આસપાસ અનેક લોકોને જોબ માટે દોડતા જુએ છે. પહેલીવાર અહીંના રોજિંદા જીવનથી પરીચિત થાય છે. કૉલેજના કલાકો પછી થોડો થાકેલો અને કંટાળેલો સાંજના અંધારામાં વગર ‘સ્ટ્રીટલાઈટે’ ઘર શોધતો શોધતો રૂમ પર પહોંચે છે, પણ મનમાં કંઈક શીખ્યાનો તેને નૂતન આનંદ છે. તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. ઘરે પહોંચતા એને ખબર પડે છે કે આજે રસોડું તેના માથે છે. દેશમાંથી જે કંઈ શીખીને આવ્યો છે તે બનાવવાની કોશિશ કરે છે. છેવટે બની તો જાય છે પણ ખાવાનો ઉત્સાહ બચતો નથી. મમ્મી તો કેવી સરસ થાળી તૈયાર રાખે ! I really miss india…. પણ શું થાય ? દુનિયા કા નારા… બઢે ચલો…. જમી-પરવારીને હોમવર્ક પૂરું કરતાં રાતના બાર વાગી જાય છે. વહેલી પડે સવાર….. બસ, આજ અહીંનો નિત્યક્રમ છે.

કામના દિવસો આ રીતે પસાર થાય છે. સપ્તાહનો અંત એટલે કે શનિ-રવિના દિવસોમાં એને ક્યાંય જવાનું મન થતું નથી. પણ એમ કંઈ ઘરમાં બેસી રહ્યે ચાલે ? આગામી અઠવાડિયાની જરૂરી વસ્તુઓનું લીસ્ટ બનાવીને કરિયાણું ખરીદવાનું છે, વાળ કપાવાના છે… બીજા અનેક નાના-મોટા કામો તો જુદાં. આ કંઈ ઈન્ડિયા થોડું છે તે પોળના નાકે આવેલી દુકાનોમાંથી બધી ખરીદી પાંચ મિનિટમાં થઈ જાય ? અહીંયા તો દરેક કામ મોટું જ લાગે છે ! રવિવારની સાંજે કોઈને મળવા જવાનું કે બીચ પર ટહેલવાનું. કેટલાંક તો વળી પબ અને પાર્ટીઓમાં વ્યસ્ત ! બસ, આમને આમ સપ્તાહ પૂરો. સોમવારથી ફરી કસરત શરૂ !

ચલો, કૉલેજ તો ગમી ગઈ. અભ્યાસ પણ શરૂ થઈ ગયો. પરંતુ હવે આ ડૉલર ખાલી થવા માંડ્યા તેનું શું ? ટ્રેનની રોજની ટિકિટ, ઘરનું ભાડું, લાઈટબીલ, ઈન્ટરનેટ, પ્રોવિઝન અને અન્ય ખર્ચા. આવક તો દૂર દૂર સુધી દેખાતી નથી. આ તો યાર ચિંતા થવા માંડી ! હવે તો જોબ શોધવી જ પડશે. પણ ક્યાં શોધું ? કોને મળું ? કોને વાત કરું ?….. ત્યાં વળી કોઈકે કહ્યું ‘એજન્સી’ માં જા. હવે આ ‘એજન્સી’ વળી કઈ બલાનું નામ છે ? પૂછપરછ કરતાં ખબર પડી કે જેમ દેશમાં મકાન-લે વેચ માટે દલાલો હોય છે તેમ અહીં આપણી લે-વેચ કરવા માટે, એટલે કે આપણને જોબ અપાવવા માટે ‘એજન્સીઓ’ હોય છે. એમને મળો એટલે તમારો બેડો પાર ! તે થોડો ગભરાય છે. મિત્રોને પૂછીને બાયોડેટા વગરે બનાવે છે. ઈન્ટરવ્યૂમાં શું પૂછશે ? વાત કેવી રીતે કરવી ? ધક…ધક… થાય છે… પણ બે-ચાર મુલાકાતો બાદ તે ટેવાઈ જાય છે. તપાસ કરતાં એને ખ્યાલ આવે છે કે અહીં વિદ્યાર્થીઓ માટે નોકરીના વિકલ્પો મર્યાદિત છે. ડૉલર સારા મળે છે પણ નોકરી તો વેઈટર, ક્લીનર કે સેલ્સમેનની કરવી પડે છે. પાછો જોબ છૂટી જવાનો ડર તો ખરો જ ! શરૂઆતમાં તેને આશ્ચર્ય થાય છે કે જોબ શું કામ છૂટી જતી હશે ? અનુભવે સમજાય છે કે અહીં જોબ મળવી કે છૂટી જવી એ કોઈ બહુ મોટી ઘટના નથી. દશ દિવસની જોબ હોય કે દસ વર્ષની, માલિકને જે દિવસે તમારી જરૂર ન હોય એ દિવસે તમને મીઠી મધ જેવી ભાષા વાપરીને તે ‘આવજો’ કહી શકે છે. ડિગ્રીઓ કરતાં અહીં અનુભવનું મહત્વ વધારે છે. બોલવામાં ચપળ અને આવડતવાળા વ્યક્તિઓ અહીં રાજ કરી શકે છે. એ આવડત ભલે ને જૂઠું બોલવાની કેમ ન હોય ! નોકરીમાં ખોટા અનુભવો આસાનીથી બતાવી શકાય છે ! ધારો તેવો સરસ ‘બાયોડેટા’ બનાવી શકાય છે, ફક્ત એને સાબિત કરવાની શાબ્દિક આવડત તમારામાં હોવી જોઈએ. અસત્ય બોલવામાં કંજૂસાઈ કરનારને ઘરે બેસીને હવા ખાવાનો વખત આવે છે. આ બધા સાથે મહેનતની પણ અહીં સારી એવી કદર કરવામાં આવે છે. જે જેટલી મહેનત કરે છે તેટલું તે જરૂરથી પામે છે.

શરૂઆતમાં તો એને ‘ક્લિનિંગ’ (સાફસફાઈ) જેવી સામાન્ય જોબ મળે છે. ‘સ્ટીલકૅપ’ બૂટ પહેરીને હાથમાં મોટા ડંડાવાળું પોતું પકડીને આખી ફેક્ટરીમાં સફાઈ કરવાની…. ઓ બાપા ! મારી તો કમ્મર તૂટી ગઈ… ઘરે તો સાવરણીયે પકડી નહોતી. (પણ આ બધું કંઈ ઘરે ના કહેવાય. મમ્મી પપ્પાને તો એમ જ કહેવાનું કે ફેક્ટરીમાં જૉબ મળી !) ઠીક… થોડા મહિના કાઢી નાખીએ એટલે ચોક્કસ સારી જોબ મળશે. મિત્ર કહે છે કે 1200 ડૉલર ખર્ચીને નર્સિંગનો કોર્ષ કરી લે. પણ હમણાં એટલા ડૉલર કોણ ખર્ચે ? ધીમે ધીમે જે મળે એ કરવું સારું…. દિવસો-મહીનાઓ વીત્યાં. હવે જોબ બદલાઈ. પંદર કિલોના ખોખાં ઊંચકવાના ! પણ પહેલી જોબ કરતાં ડૉલર વધારે છે. છે તો મજૂરીનું જ કામ પણ ડૉલર હાથમાં આવે છે એ જોઈને જાણે બધો થાક ઊતરી જાય છે. આપણે ત્યાં આવા કામના આટલા બધા પૈસા મળે ખરા ? મનને આવી રીતે મનાવી લેવું પડે છે. છેવટે ‘કારવૉશિંગ’ જેવી ખરાબમાં ખરાબ જોબ પછી તો હવે બધી જ જોબ સહેલી લાગે છે. જો કે નોકરી કરીને ઘરે આવ્યા પછી હાથમાં રૂમાલ પકડવાનીયે શક્તિ નથી રહેતી, પણ શું થાય ? ભણ્યા અને કમાયા વગર કંઈ છૂટકો છે ? હવે પરીક્ષા આવે છે એટલે રાત્રે જાગીને બધા ‘પ્રોજેક્ટસ’ પૂરા કરવા પડશે. નાપાસ થઈશું તો પરીક્ષા ફી અને સેમિસ્ટર ફી બેઉના ડૉલર ભરવા પડશે. ખાવા-પીવામાં જે હશે તે ચાલશે પણ જોબ અને કૉલેજ તો સમયસર ચાલવા જ જોઈએ. આખરે મારે સફળતા મેળવવાની છે… કંઈક કરી દેખાડવાનું છે… હિંમત હારવાની નથી…..

બસ, આ અહીંનું વિદ્યાર્થી જગત છે. જેને જીવનનો સુવર્ણકાળ ગણવામાં આવે છે તેવી યુવાની અહીં ભવિષ્યની ચિંતામાં, દુનિયાની દોડ અને માતાપિતાના મનોરથો વચ્ચે દબાયેલી પડી છે. શરૂઆતમાં વિદ્યાર્થી અકળાય છે, કંટાળે છે પણ પછી તેને આ સંઘર્ષ કોઠે પડી જાય છે. તેથી બધાની જેમ તે પણ બોલતો થઈ જાય છે કે : ‘ટેવાઈ ગયા’. આ ટેવાઈ જવાની ઘટનાને આપણે ‘સેટ’ થઈ ગયા એમ સમજી ચલાવી લઈએ છીએ. એક વાત ચોક્કસ છે કે અહીં જે વ્યક્તિ સંઘર્ષ કરે છે તેનાથી કદાચ બમણું મેળવે છે પરંતુ આ મેળવવાનો માપદંડ કેવળ ‘આર્થિક’ જ છે એ વાત વીસરાવી ન જોઈએ. ‘ડિજિટલ કેમેરા’, ‘હેન્ડીકૅમ’, ‘લેપટોપ’ જેવા રમકડાંઓ આસાનીથી વસાવી શકાય છે. ઘરવપરાશની વસ્તુઓ, અદ્યતન સાધનો તમે સેલમાંથી સસ્તા ભાવે મેળવી શકો છો. ઘણી વાર તો લોકોએ ત્યજીને ફૂટપાથ પર મૂકેલા ઉપકરણો મફતમાં ઘેર લાવી શકો છો ! પણ માણસના જીવનનું ધ્યેય શું ફક્ત આટલા પૂરતું જ સીમિત છે ? ‘પ્રગતિ’ ને હવે કેવળ આપણે આર્થિક ફૂટપટ્ટીથી જ માપીશું ? ખરેખર તો પૂરું પેટ ભરવાનો સમય ના મળે, ઉત્સવો માણવાના ન મળે તથા ઘરપરિવારથી દૂર રહીને કેવળ આવકલક્ષી આયોજનમાં સફળ નીવડીએ તેને જીવનની સાચી પ્રગતિ તરીકે મૂલવી શકાય ખરું ?

આપણે ત્યાં દેશના અખબારોમાં પાનાંઓ ભરીને વિદેશ અભ્યાસ માટે જવાની જાહેરખબરો ઠલવાતી રહે છે. માતાપિતા વિચારે છે કે ભણવાની સાથે જોબ મળી જાય એના જેવું બીજું રૂડું શું ? પરંતુ તેઓ ઉપર જણાવ્યું એમ ‘જોબ’ શબ્દનો સાચો અર્થ સમજતા નથી. કહેવાય છે ‘જોબ’ પણ એ હોય છે તો મૂળમાં ‘વર્ક’ એટલે કે ‘લૅબર વર્ક’. દીકરા કે દીકરીને જોબ મળી – એવી વાત સાંભળીને નાતમાં માતાપિતાની છાતી ગજગજ ફૂલે છે. ઘણી વાર તો ટકા ઓછા હોય ત્યારે ‘હોટલ મેનેજમેન્ટ’ જેવા નાના કોર્ષથી વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં એડમિશન લેવાની કોશિશ કરે છે. ભોળાં માતાપિતાને એની જાણ નથી હોતી કે ત્યાં એમને કંઈ થેપલાં બનાવવાનું શીખવાડવામાં નહીં આવે, ત્યાં તો ‘નોનવેજ’ જ બનાવવું પડશે. આવી તો કેટલીય નાની બાબતો છે જેની ઊંડી તપાસ કર્યા વગર જ માતાપિતા પોતાના સંતાનોને વિદેશ ધકેલી દે છે. પોતાની પ્રકૃતિ અનુસાર કેટલાક પરિસ્થિતિનો સામનો કરીને જીવી લે છે જ્યારે કેટલાક આર્થિક સદ્ધરતાના અભાવે પરિસ્થિતિથી લાચાર બનીને પોતાને ગોઠવવાની કોશિશ કરે છે. આખરે બધાની પ્રકૃતિ એક સરખી નથી હોતી એટલું તો આપણે સમજવું રહ્યું. એક જ દવા શું બધાને એકસરખી રીતે માફક આવી શકે ખરી ? પણ માતાપિતા તો માને છે કે સંતાન કમાતું થઈ ગયું એટલે જાણે જંગ જીતી ગયા !

પરદેશ જવું અને કમાવવું એ કોઈ ખોટી બાબત નથી, પરંતુ અહીં પ્રશ્ન છે યોગ્ય ઉંમરે યોગ્ય દિશામાં નિર્ણય લેવાનો. પોતાના દેશમાં વ્યક્તિ ભણે, આર્થિક રીતે થોડો સદ્ધર બને અને યોગ્ય ઉંમરે પરિપક્વતા સાથે પરદેશ ભણવા જાય તે તો ખરેખર આવકારદાયક છે. તેનાથી તેની પ્રતિભા વિકસે છે, ઘડાય છે, સ્વતંત્ર નિર્ણય કરતો થાય છે. પોતાના અભ્યાસમાં ઊંડો ઊતરીને વિશ્વને તે કશુંક નવું પ્રદાન કરી શકે છે. પરંતુ માત્ર દેખાદેખી કરીને કે વિદેશ જવાની ઘેલછાને લીધે 22-23 વર્ષના સંતાનોને ‘કેરિયર’ ની દોડમાં ધકેલવામાં આવે છે તે કેટલા અંશે ઉચિત છે ? એ આપણે વિચારવું રહ્યું. હું અહીં એવા ઘણા નાની વયના ભારતીય વિદ્યાર્થીઓને છ કલાક સુધી સાબુના પાણીએ ટાયરો ઘસતા જોઉં છું ત્યારે મારી આંખના ખૂણા ભીનાં થઈ જાય છે. મને લાગે છે કે શું એમના જીવનની હાલત થઈ છે ! ન તો માતા-પિતાની હૂંફ, ભાઈ-બહેનોનો પ્રેમ કે ન તો તહેવારોનો આનંદ. પાંચ વર્ષ મોડા કમાતા થઈએ એમાં કયું મોટું આભ તૂટી પડવાનું હતું ? એમાંય છોકરીઓની જે દશા થાય છે એ તો ખરેખર દયનીય છે. એક તો યુવા અવસ્થામાં એને પિયરમાં રહેવાનો માંડ પાંચ-સાત વર્ષનો સમય બચ્યો હોય, એમાં એને ઘરથી દૂર પરદેશ મોકલવામાં આવે છે કારણ કે એ દુનિયાની દોડમાં પાછળ ન રહી જાય ! પોતાના પગ પર ઊભા રહેવાની શું માણસે આટલી મોટી કિંમત ચૂકવવી પડતી હશે ? કેવળ આર્થિક સદ્ધરતાના આયોજન માટે જીવનમાં જે વર્ષો ચાલ્યા જાય છે એને આપણે પાછા લાવી શકીશું ખરા ?

મારે આ સંતાનોના માતાપિતાને સીધો પ્રશ્ન પૂછવો છે કે તમને શું લાગે છે, આ બધું બરાબર થાય છે ? તમે તમારા સંતાનો પર જે બોજો નાખ્યો છે એના દશમા ભાગનો બોજો પણ તમે એમની ઉંમરના હતા ત્યારે વેઠ્યો હતો ખરો ? સંતાનોને પગભર કરવાની ઉતાવળમાં શું તમે સંતાનોના જીવનમાંથી સારું વાંચન, સારું જમવાનું, સાત્વિક કેળવણી, જીવન ઘડતર, ઉત્સવપ્રિયતા… એ બધું નથી છીનવી રહ્યા ? તમારું સંતાન હિંચકે બેસીને તમારા ખોળામાં માથું રાખીને તમારી સાથે એની યુવા અવસ્થાની મૂંઝવણ કહે કે સુખ-દુ:ખની વાતો કરે એટલો તમે એને સમય આપ્યો છે ખરો ? જે માતાપિતા સમજ્યા વગર કે બરાબર તપાસ કર્યા વગર પોતાના સંતાનોને વિદેશ મોકલી આપે છે તેમને પાછળથી પસ્તાવાનો વારો આવતો હોય છે. અમુક સંજોગોમાં કેટલાક યુવાનો દારૂ-સિગારેટ કે ઓનલાઈન મિત્રો બનાવવાના રવાડે ચઢીને પોતાનું કિંમતી જીવન બરબાદ કરી નાખે છે. માતાપિતાની જાણ બહાર મુક્ત જીવન જીવવાની ઘેલછામાં તેઓ આડે રસ્તે પણ ચઢી જતા હોય છે. સંતાનો એ માતાપિતાનું એક પ્રકારનું ‘Investment’ છે, તે ‘waste’ ના થઈ જાય તે ધ્યાન રાખવાની જવાબદારી પણ એમની જ છે ને ?

વિદેશ ભણવા જવું એ ખૂબ સારી બાબત છે પરંતુ તેની પાછળ આપણો યથાર્થ દષ્ટિકોણ કેળવાશે તો આપણે તેનો યોગ્ય લાભ ઊઠાવી શકીશું. સ્વસ્થ અને સમ્યક આર્થિક, સામાજિક આયોજન માટે જીવનના તમામ પાસાઓ પર દષ્ટિ રાખવી અત્યંત જરૂરી બને છે. આ માટે માતાપિતા અને વિદેશ જનાર સંતાન યોગ્ય અને પૂરતી માહિતી મેળવે તે સૌથી અગત્યની બાબત છે તેમ મને લાગે છે. સમય-સંજોગોથી પ્રભાવિત થયા વિના, જાગૃતિ અને વિવેકથી જો જીવનના પથ પર ચાલીશું તો સફળતાની સાથે શાંતિ અને સ્વસ્થતાને પણ પામી શકીશું.