વાચન શિબિરની મુલાકાતે – મૃગેશ શાહ

સાહિત્યના ક્ષેત્રમાં આપણે ત્યાં અનેક અવનવા કાર્યક્રમો અને વિવિધ પ્રવૃત્તિઓ યોજાય છે. વ્યક્તિગત રીતે મને ‘ઉદ્દઘાટનો’ તેમજ ‘વિમોચનો’ કરતાં વાચનને વેગ મળે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું વધારે ગમે છે. તેમાંય વળી નાનકડાં ભૂલકાંઓને વાંચતા કરવાના હોય તો તેનાથી વધુ રૂડું શું ? ગાંધીનગર સ્થિત કેટલાક યુવાનો દ્વારા ‘બાળ વાચન શિબિર’નું આયોજન તા. 16-17-18 મે, 2008ના રોજ કરવામાં આવ્યું અને મને તેમાં એક દિવસ ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મારા માટે તો જો કે આ ‘જોઈતું હતું અને વૈદે કહ્યું’ જેવી વાત હતી. આજે આ વાચન શિબિરનો આનંદ આપની સાથે વહેંચવો છે પરંતુ તે પહેલાં તેની થોડીક રૂપરેખા જોઈ લઈએ.

gpic1બાળકો માટેની આ શિબિર આયોજીત કરવાનો મૂળ વિચાર શ્રી પ્રણવભાઈ જોશીપુરાનો છે. તેઓ પોતે ડૉક્ટરેટ (Ph.D) છે અને ગાંધીનગર ગર્લ્સ કૉલેજ ખાતે ફરજ બજાવે છે. આ વિચારને કાર્યાન્વિત કરવામાં તેમને સાથ આપી રહ્યા છે તેમના ખાસ મિત્રો તેમજ રીડગુજરાતીના નિયમિત વાચકો શ્રી તરંગભાઈ હાથી તેમજ શ્રી વત્સલભાઈ વોરા. બંને મિત્રો સચિવાલયમાં ફરજ બજાવે છે. (અત્રે ઉલ્લેખનીય છે કે તરંગભાઈના ઘણા લેખો આપણે રીડગુજરાતી પર અગાઉ માણ્યા છે.) વળી, તેમના મિત્રો પત્રકાર શ્રી જ્વલંતભાઈ ઓઝા તેમજ શ્રી દર્પણભાઈ બૂચ તેમની સાથે જોડાયા છે. આ સુંદર કાર્યને સફળ બનાવવા ગર્લ્સ કૉલેજ ટી.વાય. બી.એ. શાખાની વિદ્યાર્થીનીઓ કિન્નરી રાવલ, ભૂમિ પંડ્યા, જયના ઠાકર, યાત્રી દવે, મિત્તલ પંડ્યા ખૂબ ઉત્સાહથી પોતાની સેવાઓ આપી રહી છે. સૌના મનમાં બસ એક જ વિચાર છે કે બાળકોને વેકેશનમાં સાહિત્ય વાંચતા કરવા છે. સૌ પોતપોતાના નોકરી, વ્યવસાય અને અભ્યાસમાંથી સમય કાઢીને કંઈક કરવા કટિબદ્ધ છે. ત્રણ દિવસીય આ શિબિરની ન તો કોઈ ફી છે, ન તો કોઈ ઈનામ વિતરણના સમારંભો. અહીં કોઈ સંસ્થા કે ‘ટ્રસ્ટ-મંડળ’ નથી. સૌ ભેગા મળીને પોતાની રીતે કામ વહેંચી લે છે. હેતુ કેવળ બાળકોને વાંચતા કરવાનો. કશું મેળવવા માટે નહીં, પરંતુ સમાજને કશુંક આપવા માટેનું આ આયોજન છે.

સેક્ટર 8માં આવેલી ‘સેન્ટ ઝેવિયર્સ’ સ્કૂલમાં પગ મૂકતાંની સાથે મારી સૌ પ્રથમ મુલાકાત વત્સલભાઈ સાથે થાય છે. તેઓ પોતે ખૂબ સારા ક્રિકેટર છે અને વેકેશનમાં અનેક વિદ્યાર્થીઓને ક્રિકેટની તાલીમ આપે છે. ચાલતા-ચાલતા શિબિરના મુખ્ય હેતુથી તેઓ મને અવગત કરે છે. વિશાળ મેદાનને પાર કરીને સ્કૂલમાં પ્રવેશતાં મને જાણે વર્ષો પછી સ્કૂલે જવાના દિવસો પાછા આવ્યા હોય એવી અનુભૂતિ થાય છે ! ઊંચી લાલ ઈંટવાળી ઈમારતમાં દાખલ થતા ચારે તરફ બાળકોનો કિલ્લોલ સંભળાઈ રહ્યો છે. વિવિધ વિભાગોને નિહાળતાં હું શિબિરના તમામ આયોજકોનો પરિચય મેળવી રહ્યો છું. ઘોંઘાટ ભરી દુનિયાથી જાણે કેટલેય દૂર નિર્દોષ બાળપણના વિસ્મય જગતમાં ફરી સરી પડ્યા હોઈએ એવો આનંદ અહીં અનુભવાય છે. લીમડાની શીતળ છાંયવાળા પરિસરના ચોગાનમાં અમુક બાળકો જમીન પર સૂતાં સૂતાં વાંચી રહ્યા છે, કેટલાક બેન્ચ પર બેઠા છે, કેટલાક મિત્રોને પોતે વાંચેલી વાર્તા સંભળાવી રહ્યા છે તો વળી અમુક બાળસખાઓ ઊંચે દાદરે એકાંત શોધીને ગોઠવાયા છે. હાથમાં પુસ્તક લઈને જેને જ્યાં ફાવ્યું ત્યાં તેઓ બેસી ગયા છે. સૌ પોતાની મસ્તીમાં મસ્ત છે. કેટલાક બાળકોને યોગ્ય પુસ્તક શોધી આપીને પ્રણવભાઈ મારી સાથે વાર્તાલાપમાં જોડાય છે.

પ્રશ્ન : પ્રણવભાઈ, સૌથી પહેલા મને એ વાતની ઈંતેજારી છે કે આપને આવો સુંદર વિચાર આવ્યો કેવી રીતે ?
ઉત્તર : મૃગેશભાઈ, એમાં એવું છે કે અમે આ અગાઉ અનેક યુવા-વાચન શિબિરોનું આયોજન કર્યું છે અને તે ખૂબ સફળ રહ્યું છે. જો કે તેમાં એટલી વિશેષ આયોજનની જરૂરિયાત નથી રહેતી જેટલી આ બાળ શિબિર માટે કરવી પડતી હોય છે. યુવાનોને જરૂરી પુસ્તકો આપીને તેમને અનુકૂળ વ્યવસ્થા ગોઠવી આપીએ એટલે પત્યું. પરંતુ આ તો અમારા માટે ‘ચેલેન્જિંગ’ કહી શકાય એવું કામ છે. પરીક્ષાના પરિણામો હવે આવી રહ્યા હોવાથી મોટા ભાગના લોકો પ્રવાસેથી પરત આવી ગયા છે. આમ, અમને વિચાર આવ્યો કે બાળકો માટે જો શિબિર કરવી હોય તો આ ઉત્તમ સમય છે. વધારે ને વધારે બાળકો તેનો લાભ આ સમયમાં લઈ શકશે. આ રીતે અમને આ વાચન શિબિર આયોજીત કરવાની ઈચ્છા સહજ જ થઈ આવી. વિચારને કાર્યાન્વિત કરવામાં મારા મિત્રો તો સાથે હતા જ !

gpic2પ્રશ્ન : પરંતુ, આપને એ વાતનો ડર ન લાગ્યો કે આપને એક ‘વાચન શિબિર’ આયોજિત કરવાની હતી ? અને એ પણ એવા ભૂલકાંઓ માટે જે આખું વર્ષ પુસ્તકોના બોજ નીચે રહ્યા છે. એ લોકો વેકેશનમાં ચોપડી પકડવાનું પસંદ કરે ખરા ?
ઉત્તર : આપની વાત એકદમ સાચી છે. અમને એ પ્રશ્ન પહેલેથી જ હતો પરંતુ અમારે અભિગમ જ એવો રાખવો હતો કે આ ‘વાંચન છે’ એવું બાળકોને ખ્યાલ જ ન આવે. એ માટે અમે વ્યવસ્થિત આયોજન કર્યું. જુદી જુદી પ્રવૃત્તિઓ શોધી કાઢી અને સમગ્ર શિબિરની રૂપરેખા એવી રીતે ઘડી કાઢી કે ક્યાંય કોઈ બાળકને તે બોજારૂપ ન લાગે. અમારો ઉદ્દેશ એમને માત્ર વાંચતા કરવાનો ન હતો, પરંતુ તેમને સાચા અર્થમાં વાંચન માટેનું વાતાવરણ પૂરું પાડવાનો હતો. કોઈ બાળકને બે-ચાર કલાક માટે પુસ્તકાલયમાં પુસ્તકો વચ્ચે મૂકી આવીએ એથી એ કંઈ વાંચતું થઈ જતું નથી. એને જરૂર હોય છે વાંચનનો રસ ઊભો કરે એવા વાતાવરણની, અને તમે અહીં જોઈ શકો છો કે આ બધા કેટલી મસ્તીમાં પોતાના પુસ્તકો લઈને બેસી ગયા છે ! અહીં એકદમ મુક્ત વાતાવરણ છે. જેને જે પુસ્તક ગમે તે અહીંથી લઈ શકે છે અને જ્યાં ઈચ્છા થાય ત્યાં બેસી જાય. ખુલ્લામાં બેસીને પોતાના મનગમતા પુસ્તકમાં કલ્પનાની નજરે જોઈને કશુંક નવું શીખવાનો એમને જુદો જ આનંદ પ્રાપ્ત થાય છે. તમે જોઈ શકો છો કે 80 થીયે વધુ બાળકો રોજ સવારે 8 થી 12 અહીં શિબિરમાં નિયમિતરૂપે હાજરી આપી રહ્યા છે.

પ્રશ્ન : પ્રણવભાઈ, એક ટૂંકો પ્રશ્ન કરું તો : વાચન શિબિર જ કેમ ?
ઉત્તર : આપણે ત્યાં અનેક ‘વેકેશન એક્ટીવિટીઝ’ યોજાય છે. કરાટે, મ્યુઝિક, ડાન્સ અને ચિત્રકામના અનેક આયોજનો થાય છે. એ કંઈ નવી વાત નથી. અહીં ગાંધીનગરમાં પણ અનેક સંસ્થાઓ એ માટે કાર્યરત છે અને રૂચી પ્રમાણે લોકો તેમાં ભાગ લે એ સારી વાત છે પરંતુ અમે જોયું કે અહીં ગાંધીનગરમાં બાળકોને વાચન માટે પ્રોત્સાહિત કરે એવી કોઈ પ્રવૃત્તિ નથી થઈ રહી અને વળી તમે કહ્યું તેમ, લોકોના મનમાં એવો ભ્રમ હોય છે કે બાળક આખુ વર્ષ વાંચે એટલે તે વાંચવાનું હોય એવી પ્રવૃત્તિ તો પસંદ નહિ જ કરે ! વાસ્તવમાં ઈતર-વાચન એ બાળ ઉછેર માટે ખૂબ પાયા જરૂરિયાત છે. એના વગર તેની કલ્પનાને પાંખો કોણ આપશે ? તે પોતાના માતૃભાષાના સાહિત્યથી પરિચિત થાય એ જરૂરી લાગ્યું. એ માટે અમને થયું કે ‘વાચન શિબિર’ જ એક માત્ર ઉપાય છે. કેટલાં બાળકો ભાગ લેશે એ બાબતે અમને મૂંઝવણ જરૂર હતી પરંતુ મનમાં અડગ નિર્ણય હતો કે કરવું છે તો કરવું જ છે !

gpic3પ્રશ્ન : આ શિબિર માટે આપને જે સહકાર પ્રાપ્ત થયો તે વિશે કંઈક કહેશો ?
ઉત્તર : જરૂર. શિબિર આયોજિત કરવાનું નક્કી કર્યું એ પછી અમે ત્રણેય મિત્રો આ સ્કૂલના ફાધરને મળવા આવ્યા. ઓળખાણ તો કોઈ હતી નહીં પરંતુ અમે અમારો વિચાર સવિસ્તાર એમની સામે રજૂ કર્યો અને તેમણે આ શાળાનો ઉપયોગ કરવાની સહર્ષ મંજૂરી આપી દીધી. અમારું એક ઘણું મોટું કામ આસાનીથી ઊકલી ગયું. કલાસરૂમ, પુસ્તકો ગોઠવવા માટે ટેબલ, શિક્ષકરૂમ, બાળકોને ખુલ્લામાં બેસીને જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવા માટે આ વિશાળ ચોગાન – આ બધું અમને આમ જ વિનામૂલ્યે મળી ગયું.

એ પછી બીજો પ્રશ્ન અમારી સામે એ હતો કે પુસ્તકો ક્યાંથી લાવવા ? જેટલી ઓળખાણ હતી તેટલા સરકારી પુસ્તકાલયોમાં જઈને અમે અમારો વિચાર સમજાવીને ત્રણ દિવસ માટે પુસ્તકો ફાળવી આપવા વિનંતી કરી. નસીબજોગે એ કામ પણ સરળતાથી પાર પડ્યું ! તેઓ એ અમને 375થી વધુ પુસ્તકો આપ્યા. અમે સૌ મિત્રો અને આયોજનમાં સહાય કરી રહેલી આ વિદ્યાર્થીનીઓ પણ પોતપોતાના ઘરેથી પુસ્તકો લઈ આવી. આમ, અમારી પાસે સારો એવો સ્ટોક જમા થયો. બાળકો માટે જરૂરી હતા એ પુસ્તકો અલગ અલગ જગ્યાએથી ભેગા કર્યા. અમારા મિત્રોમાં કોઈએ પુસ્તકો ગોઠવવાનું કામ સંભાળ્યું, કોઈએ બાળકોને સાચવવાનું તો કોઈએ અન્ય વ્યવસ્થાનું. સૌ કોઈ પોતાનું જ સમજીને કામે લાગી ગયા. આ રીતે સૌનો સહકાર મળતો રહ્યો.

પ્રશ્ન : આ શિબિરમાં કયા પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ હોય છે ?
ઉત્તર : જુઓ, સવારે 8.30 સુધીમાં બધા બાળકો આવી જાય છે. અહીં ટેબલ પરથી પોતાને ગમતું પુસ્તક શોધી, રજિસ્ટરમાં લખાવીને પોતાની મનપસંદ જગ્યાએ બેસી જાય છે. સવારનો એક-દોઢ કલાક એ લોકો પોતાને મનગમતું વાંચે છે. એ પછી ઘરેથી લાવેલ નાસ્તો-પાણી કરીને બધા દશ વાગ્યે કલાસરૂમમાં ગોઠવાય છે. અમે અહીં પ્રત્યેક દિવસે જુદા જુદા કેળવણીકારો અને વિવિધ ક્ષેત્રનાં નિષ્ણાત વ્યક્તિઓને બોલાવીએ છીએ. 10 થી 11 વાગ્યા સુધી તેઓ બાળકોને સરસ મજાની વાર્તાઓ કહે છે. માત્ર એટલું જ નહિ, બાળકોએ સવારે જે વાંચ્યું હોય તે બધા વચ્ચે આવીને બોલવાનું હોય છે. તેઓને પોતે લખેલી વાર્તા કે કવિતા વાંચવાનો પણ અવસર આપવામાં આવે છે. થોડોક વિરામ લઈને છેવટના એક કલાકમાં અમે તેઓને બહાર ચોગાનમાં બેસાડીને પ્રકૃતિનું રસદર્શન કરાવીએ છીએ. તેમની સાથે વિચારોની આપ-લે કરીએ છીએ. વિવિધ પ્રાણીઓ અને વૃક્ષો વિશે માહિતી આપીએ છીએ. કોઈક જુદા પ્રકારની પ્રવૃત્તિ પણ કરાવીએ છીએ – જેમ કે આજે અમે સૌને ઘરેથી પોસ્ટકાર્ડ લાવવાનું કહ્યું છે. તેઓ તેમની આ શિબિરનો અનુભવ પોસ્ટકાર્ડ પર લખશે અને પછી તેમના કાકા-મામા-ફોઈ કે માસાને સરનામે પોસ્ટ કરશે. આ રીતે બાળક જે વાંચે છે તે વિચારતું થાય છે અને પછી તેને શબ્દોમાં વર્ણવવાની કોશિશ કરે છે. બપોરે 12 વાગ્યે શિબિર વિરામ લે છે. વાલીઓ સહુ બાળકોને લેવા આવે છે અને ખેલતાં-કૂદતાં બાળકો સૌ પોતપોતાની ઘરે જાય છે.

પ્રશ્ન : શિબિરનો તમારો કોઈ રસપ્રદ અનુભવ કહેશો ?
ઉત્તર : ચોક્કસ મૃગેશભાઈ, હું તમને ગઈકાલની જ વાત કહું. અમે ગઈકાલે બાળકોને પેલા સસલા અને સિંહની વાર્તા અધૂરી કહીને છોડી દીધી હતી. સસલું સિંહને દોરીને પેલા કૂવા પાસે લઈ જાય છે…. બસ, પછી એ વાર્તા એમણે જુદી જુદી રીતે પૂરી કરવાની હતી. કૂવામાં સિંહને પોતાનું પ્રતિબિંબ દેખાય છે અને ગર્જના કરે છે…. એ પ્રસંગ તો મૂળ વાર્તામાં છે જ; પરંતુ અહીં બાળકોએ પોતાની કલ્પનાશક્તિથી જુદા પ્રકારના અંતનું સર્જન કરવાનું હતું. કોઈકે લખ્યું કે સિંહ પાણીમાં જોવા જાય છે ત્યાં સસલું એને ધક્કો મારી દે છે… તો વળી કોઈકે એમ લખ્યું કે સિંહ પાણીમાં જોતો હોય છે ત્યાં પાછળથી એક ગાય આવે છે અને એને શિંગડું મારે છે એટલે સિંહ પાણીમાં પડી જાય છે !…. બધાની પોતાની કલ્પનાશક્તિ અને પોતાના વિચારો છે. જેને જે ગમે એ રીતે તે લખે. આ મારા માટે ખરેખર એક સરસ અનુભવ રહ્યો અને અમને એ કરવામાં ખૂબ આનંદ આવ્યો.

પ્રશ્ન : પ્રણવભાઈ, અહીં ક્યા પ્રકારના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? ગુજરાતી માધ્યમ કે અંગ્રેજી માધ્યમ – એવું કશું ખરું ?
ઉત્તર : અહીં એવા કોઈ નિયમો રાખવામાં નથી આવ્યા. સૌ એક સમાન છે. કોઈ પણ તેમાં ભાગ લઈ શકે છે. જો કે સંખ્યાની દષ્ટિએ જોઈએ તો અંગ્રેજી કરતાં ગુજરાતી માધ્યમના બાળકો વધારે છે. પરંતુ અમે ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાના પુસ્તકો અહીં રાખ્યા છે. પોતાની રૂચી અનુસાર તેમને વાંચન મળી રહે છે. વર્ગખંડમાં કોઈને પોતાની વાર્તા અંગ્રેજીમાં કહેવી હોય તો તેને છૂટ છે. ઘણાં બાળકો અંગ્રેજી કવિતા પણ લખીને લાવે છે. તેમ છતાં, અમારી તમામ પ્રવૃત્તિઓમાં ભાષાનું માધ્યમ ગુજરાતી જ રાખવામાં આવ્યું છે. અંગ્રેજી શાળામાં ભણતા બાળકોના ઘરમાં ગુજરાતી બોલાતું હોવાથી એમને સમજવામાં કશી તકલીફ નથી પડતી, ઊલટાનું એ બાળકો ગુજરાતીમાં પણ રસ લેતા થાય છે.

પ્રશ્ન : તમારા સાથી મિત્રો અને આ કાર્યમાં સર્વ પ્રકારે સહયોગ કરનાર આપની વિદ્યાર્થીનીઓના અનુભવો પણ જણાવશો ?
ઉત્તર : જરૂર. ચાલો એ માટે આપણે શિક્ષકરૂમમાં તેમને રૂબરૂ મળીએ….

અમે શિક્ષકખંડમાં પ્રવેશીએ છીએ. એક ટેબલ પર બાળકોના અંગ્રેજી તેમજ ગુજરાતી પુસ્તકોની જાણે ચાદર પથરાયેલી છે ! ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓ, પંચતંત્રની વાર્તાઓ, ઈસપની બોધકથાઓ, ચંપક, ફૂલવાડી મેગેઝીનથી લઈને વિવિધ પ્રકારના બાળસાહિત્યનો આમાં ખજાનો છે. બીજી તરફ એક મોટા ટેબલ પર ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યના ઉત્તમ પુસ્તકો ગોઠવાયેલા છે. કદાચ કોઈ મોટી ઉંમરના બાળકો શિબિરમાં ભાગ લે તો એમને પોતાને ગમતું વાંચન મળી રહે તેવા હેતુથી આ પુસ્તકો રાખવામાં આવ્યા છે. પાસેના સોફા પર બે વિદ્યાર્થીનીઓ રજિસ્ટરમાં પ્રત્યેક પુસ્તકોની નોંધણી કરી રહી છે. બાળકો પુસ્તક બદલવા આવે છે, જમા કરાવે છે, નવા પુસ્તકની નોંધ કરાવે છે અને ફરી પાછા પોતાના મિત્રો સાથે જઈને વાંચવા બેસી જાય છે. સૌ કોઈ પોતાના આ મનગમતા કાર્યમાં વ્યસ્ત છે. અમે સૌ વર્તુળાકારે બેસીએ છીએ અને બધા આયોજકો-સહાયકો વારાફરતી પોતાના અનુભવો વર્ણવી રહ્યા છે.

જયના ઠાકર કહે છે કે ‘અમને આ શિબિર કરવાની ખૂબ ઉત્સુકતા હતી અને શું થશે તથા કેવી રીતે થશે એની ઈંતેજારી પણ ખૂબ હતી. સદભાગ્યે બધું સરસ ચાલી રહ્યું છે. અહીં સંતાનોને મૂકવા આવનાર માતા-પિતાના વિવિધ દષ્ટિકોણનો અમને પરિચય થયો. કેટલાક માતાપિતા એવું વિચારે છે કે સવારના સમયમાં બાળકને ક્યાંક કોઈ પ્રવૃત્તિમાં મોકલી દઈએ તો ઘરના બધા કામ શાંતિથી થઈ શકે…. જ્યારે કેટલાક માતાપિતા ગંભીરતાથી વાંચનની જરૂરિયાત સમજે છે અને પોતે આ કાર્યમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે તે માટે તત્પરતા પણ બતાવે છે. ઘણાના મનમાં વળી એમ છે કે બાળક એટલો સમય ટી.વી ચેનલો ઓછી જોશે અને તડકામાં રખડશે નહિ… એ હેતુથી પણ તેઓ અહીં બાળકને મોકલી આપે છે. ખરેખર, માતાપિતાની વિવિધ પ્રકારની વિચારસરણીથી અમે અહીં પરિચિત થયા. અરે ! અમુક માતાપિતા તો એવા હોય છે જે અંગ્રેજી માધ્યમમાં ભણતા તેમના સંતાનોને ગુજરાતી બાળકોથી દૂર રાખવાની કોશિશ કરે છે. કદાચ બાળકોનું અંગ્રેજી નબળું થઈ જાય તો ? એણે તો સફરજનને ‘એપલ’ જ કહેવાનું ! ખરેખર, આપણે ત્યાં બાળકો કરતાં એમના માતાપિતાને કેળવણીની વધારે જરૂર છે એમ ક્યારેક લાગે છે !’

પુસ્તકોની આપ-લેનું કાર્ય સંભાળી રહેલ યાત્રી અને મિત્તલ કહે છે કે ‘પહેલા દિવસે ગુજરાતી પુસ્તકોને કોઈએ હાથ પણ ન અડકાડ્યો. બધા અંગ્રેજી પુસ્તકો જ શોધતા હતા. પરંતુ બપોરે અમે જ્યારે ગુજરાતીમાં વાર્તા વંચાવવાની અને કહેવડાવાની પ્રવૃત્તિ કરી એ પછી ઘણાને એમ થયું કે ગુજરાતી વાર્તામાંય અંગ્રેજી જેટલી જ મજા આવે છે. આજે સવારથી જ બાળકો ઢગલો ગુજરાતી પુસ્તકો વાંચવા લઈ ગયા છે. બીજો એક એવો અનુભવ થયો કે ગઈ કાલે બાળકો પુસ્તકનું પૂઠું જોઈને પુસ્તક લઈ જતા. ઉપર સિંહ અને શિયાળ દોરેલા હોય એટલે હોંશભેર પુસ્તક ‘ઈશ્યૂ’ કરાવી જાય ! પરંતુ વાંચતા અંદરનું લખાણ બરાબર સમજાય નહીં એટલે વળી પરત મૂકી જાય. આજે તો તેઓ ટેબલ પાસે ઊભા રહીને પુસ્તક બરાબર જુએ છે, અંદરથી એકાદ ફકરો વાંચી જાય છે અને જો સમજાય તો જ ‘ઈશ્યૂ’ કરાવે છે. એટલે તેઓમાં ચોક્કસ એક જરૂરી ફેરફાર આવી રહ્યો છે એમ અમે અનુભવી રહ્યા છીએ.’

અન્ય સહાયકોમાં ભૂમિ અને કિન્નરી કહે છે કે ‘અમને પણ તેઓની સાથે કામ કરવામાં ખૂબ આનંદ આવી રહ્યો છે. ગઈકાલે તો તેઓ ફક્ત મૂંગા રહી વાંચ્યા કરતાં આજે તો એકબીજાને સારી વાર્તા કહે છે, પુસ્તકની આપ-લે કરે છે અને મિત્રએ જે પુસ્તક વાંચ્યું હોય એ નોંધી રાખે છે જેથી એ વાંચવાનું ચૂકી ન જાય. વાંચેલી વસ્તુને એ વિચારે છે અને શબ્દોમાં કહેવાનો પ્રયત્ન કરે છે. મુક્ત વાતાવરણને લીધે તેઓનો ઉત્સાહ વધ્યો છે. બાર-તેર વર્ષનો એક છોકરો તો ‘ગાંધીજીની આત્મકથા’ લઈ ગયો છે ! અમે ખાસ નોંધ્યું છે કે જેઓ નાના બાળકો છે એ મોટા પુસ્તકો વાંચવાનો પ્રયત્ન કરે છે કારણ કે તેઓ વિચારે છે કે મોટાલોકો વાંચે એવું વાંચીએ તો જલદી મોટા થવાય અને ઉંમરમાં જે બીજા કરતાં મોટા બાળકો છે તેઓ છકો-મકો, મિયાંફૂસકી વગેરે વાંચીને પોતાના બાળપણને યાદ કરી લેતા હોય છે. વળી, અંગ્રેજી માધ્યમમાં ભણતા કેટલાક બાળકો મૂંઝવણમાં મૂકાયાનું અમે અહીં નોંધ્યું છે કારણ કે જે પુસ્તકો અહીં રાખવામાં આવ્યા છે એનું સ્તર એમને સમજમાં આવતું નથી અને ગુજરાતી પુસ્તકો તેઓ વાંચી શકતા નથી ! તેમ છતાં, બાળકોના વિચારો, એમની વિસ્મયભરી દુનિયા અને તેમના વાંચનરસનો અહીં સુપેરે પરિચય થાય છે. અમે ધાર્યું હતું એના કરતાં શિબિર ખૂબ સરસ રીતે ચાલી રહી છે અને અમારો ઉત્સાહ પણ ખૂબ વધ્યો છે.’

gpic4વાર્તાલાપ પૂરો થતાં, અગામી પ્રવૃત્તિ શરૂ થવાને થોડી વાર હોઈને હું કેટલોક સમય બાળકો સાથે ચોગાનમાં બેસીને વિતાવું છું. એ લોકો શું વાંચે છે અને શું વાત કરે છે એ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છું. કેટલાક તો વાંચનમાં એટલા ડૂબી ગયાં છે કે આજુબાજુમાં કોણ આવે-જાય છે એની એમને ખબર જ નથી ! એક ખૂણે બેઠેલા ચિન્ટુ-મિન્ટુની પાસે જઈને હું બેસું છું. મિન્ટુ ને તો મોટી વાર્તાઓ વાંચવામાં જરાય રસ નથી. એને તો કોમિક્સ જ ગમે છે. ચિન્ટુ મારી સાથે વાતો કરે છે.
‘ચિન્ટુ, તમે બેઉ મિત્રો છો ? સાથે ભણો છો ?’
‘ના. અમે સાથે નથી ભણતા પણ એ મારા ઘરની ઉપર રહે છે.’
‘બરાબર. તો તને અહીં આવવાનું ગમે છે કે ?’
‘હોઉ…’
‘કંટાળો ના આવે ? આખું વર્ષ તો વાંચવાનું હોય તો પછી અત્યારે ચોપડી પકડવાની ગમે ?’
‘સર, એ તો બધું યાદ નહીં રાખવાનું ને એટલે ગમે ! પેલું તો બધું યાદ રાખવાનું હોય….’
‘એ વાત ખરી. તો પછી શું વાંચવાનું ગમે ?’
‘મને તો રાજા-રાણીની વાર્તાઓ બહુ ગમે. પેલો રાણીનો હાર પોપટ લઈ જાય છે ને એ વાળી….’
‘એમ ! તો તને બધી વાર્તા યાદ રહે ખરી ?’
‘યાદ તો રહે પણ પછી હું બહુ ધમાલ કરું ને તો પછી ભૂલી જાઉં !’ મારો આ નાનકડો બાળમિત્ર પછી કેવી ધમાલ કરી એનું રસપ્રદ વર્ણન આરંભે છે ત્યાં તો વર્ગમાં જવાનો સમય થઈ જાય છે.

gpic5આખો વર્ગ બાળકોથી ખીચોખીચ ભરાયેલો છે અને ચારે તરફ કલબલ કલબલ…. કોઈ નાસ્તાનો ડબ્બો ખોલીને ખાવામાં વ્યસ્ત છે તો કોઈ પોતાની અધૂરી વાર્તા પૂરી કરવામાં. કોઈ એકબીજાના વાળ ખેંચે છે તો કોઈ એકબીજાના કાન. કેટલાક વિચારોમાં મગ્ન છે તો કેટલાકને વળી ઘરેય યાદ આવતું હશે ! કોઈક તો બેન્ચ પર ઊંઘવાની તૈયારી કરી ને બેઠા છે ! હવે પોતે વાંચેલી વાર્તા કહેવાનો સમય થયો છે. પ્રણવભાઈ આવીને વર્ગનું સંચાલન સંભાળે છે. બાળકોને શાંત કરી રહ્યા છે. સૌ આયોજકો પોતપોતાનું સ્થાન સંભાળી લે છે. સહાયકો બાળકો વચ્ચે જઈને ગોઠવાઈ ગયા છે. બધા આ ભૂલકાંઓની વાર્તાઓ સાંભળવા આતુર છે. ‘ચલો આજે કોણ વાર્તા કહેશે ?’ ત્યાં તો બધાના હાથ ઉપર ! આત્મીયતાને લીધે કોઈને કોઈ પ્રકારનો ડર નથી. વારાફરતી સ્ટેજ પાસે આવીને પોતે જે વાર્તા વાંચી હોય એ કહી સંભળાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બોલવામાં તેઓની શૈલીમાં ઘણું વૈવિધ્ય છે. શબ્દો પર ભાર આપવાનો, મોં થી હાવભાવ કરી બતાવવાના વગેરે જાણે આપમેળે શીખી ગયા છે. કેટલાકને તેમની ઓછી ઊંચાઈને ધ્યાનમાં રાખીને ખુરશી પર ઊભા રાખવા પડ્યા છે ! થોડા સમયમાં વાર્તાઓનો આ પ્રથમ તબક્કો પૂરો થાય છે.

હવે બીજો તબક્કો ‘સ્વરચિત વાર્તાઓ’નો છે. બાળકોએ તેમણે જાતે લખેલી કવિતાઓ અને વાર્તાઓ વાંચવાની છે. અનેક બાળકો ભાતભાતની વાર્તાઓ લખીને લાવ્યા છે. દરેકને વાર્તા કહેવી છે. નવાઈની વાત એ છે કે તેમના વિચારોમાં તત્વજ્ઞાનથી લઈને ભ્રષ્ટ નેતાઓ અને આતંકવાદ સુધીના વિષયો છે. દરેક બાળક નિખાલસભાવે પોતાની કૃતિ રજૂ કરે છે. એક બાળકી ‘ઈશ્વર તો હમારા સબસે બડા દોસ્ત હૈ’ કહીને પોતે રચેલી કવિતાની ખૂબ સરસ પંક્તિઓ બોલી બતાવે છે. એક બાળક અંગ્રેજીમાં લખેલી પોતાની એક નાનકડી વાર્તા કહી સંભળાવે છે. સૌથી સરસ સાતમા ધોરણમાં ભણતી એક ધ્વનિ નામની છોકરીની વાર્તા છે જેને અહીં પ્રકાશિત કરવી ઉચિત સમજું છું. તો ચલો માણીએ એની વાર્તા, એના જ શબ્દોમાં…..

વાર્તાનું શીર્ષક છે : ‘વધુ પડતી સગવડ’

gpic6એક શહેર હતું. એમાં રેશમા નામે એક છોકરી રહેતી હતી. રેશમા ધોરણ-5 માં અભ્યાસ કરતી હતી. તે દર વર્ષે તેના કલાસમાં દ્વિતિય નંબર મેળવતી હતી. અને તેના કલાસમાં પ્રથમ નંબરે આવતી મિહાશી.

રેશમાના પિતાજી દુકાનનું નામું લખવાનો વ્યવસાય કરતાં હતાં. રેશમાની મા ઘરકામ કરતી. રેશમાના ઘરમાં બે ઓરડા અને એક રસોડું હતું. તેના ઘરની સ્થિતિ સારી હતી. તેને જરૂરિયાત પૂરતી બધી જ વસ્તુઓ મળી રહેતી પણ તે હંમેશા એક જ વાતનો અફસોસ કરતી કે તેનો પોતાનો કોઈ અલગ રૂમ નથી, જેમાં એકદમ શાંત વાતાવરણ હોય, જેમાં તે પોતે એકલી બેસી વાંચી શકે, રમી શકે અને પોતાની સખીઓને પોતાનો રૂમ બતાવી શકે. અને તો એનો પહેલો નંબર પણ આવે.

એક દિવસ તેણે પોતાના માતા-પિતા પાસે એક અલગ રૂમની માંગણી કરી અને કહ્યું : ‘મમ્મી-પપ્પા મને એક અલગ રૂમ જોઈએ છે. જેમાં હું વાંચી શકું એકદમ શાંતિથી અને મારો પહેલો નંબર આવે. મારી બધી સખીઓનો અલગ રૂમ છે. તેઓ તે જ રૂમમાં વાંચે છે અને રમે છે…’

રેશમાના દાદા આ બધી વાતો સાંભળતા હતાં. તેણે રેશ્માને કહ્યું : ‘તારા કલાસમાં પહેલો નંબર કોનો આવે છે ?’ રેશમાએ કહ્યું : ‘મિહાશીનો’. દાદાએ કહ્યું : ‘સારું આપણે કાલે મિહાશીના ઘરે જઈશું.’ રેશમા દાદાની વાત સાંભળી મનમાં ખુશ થઈ અને વિચાર્યું હાશ હવે તો કાલે મિહાશીનો રૂમ જોઈને પપ્પા અને દાદા મારો રૂમ બનાવડાવશે.

બીજે દિવસે રેશમા સવારે વહેલી ઊઠીને તૈયાર થઈને દાદા સાથે મિહાશીના ઘરે ગઈ. મિહાશીના પપ્પા રેલ્વે કર્મચારી હોવાથી રેલ્વે સ્ટેશન અને રેલ્વેના પાટાની એકદમ નજીક રેલ્વે કવાટર્સમાં મિહાશીનું ઘર હતું. રેશમા જ્યારે મિહાશીના ઘેર પહોંચી ત્યારે તે નવાઈ પામી ગઈ. મિહાશીના ઘરમાં માત્ર એક જ ઓરડો (રૂમ) હતો. એક ખૂણામાં મિહાશીના મમ્મી ચૂલા પર રસોઈ બનાવી રહ્યાં હતાં. બીજી બાજુ મિહાશીના દાદા-દાદી નીચે પથારી કરીને આરામ કરી રહ્યાં હતાં. મિહાશી તેના દાદાને પોતાને ન આવડતાં પ્રશ્નો પૂછી રહી હતી. અને રેલ્વે સ્ટેશનના ધમધમતા વાતાવરણમાં અભ્યાસ કરી રહી હતી. આ જોઈને રેશ્મા તરત જ પોતાના ઘરે પાછી ફરી અને મન લગાવીને વાંચવા લાગી. તેણે રમવા, ઈતર પ્રવૃત્તિઓમાં ઓછું ધ્યાન આપ્યું અને અભ્યાસમાં વધુ ધ્યાન આપ્યું. આખરે વાર્ષિક પરીક્ષા આવી. રેશમાનાં બધાં જ પેપરો સારા ગયાં હતાં. વાર્ષિક પરીક્ષાનું પરિણામ આવ્યું. રેશમા ખુશીથી ઊછળી પડી કારણ કે તેનો પહેલો નંબર આવ્યો હતો અને તેણે મિહાશીને પાછળ પાડી ન હતી કારણ કે મિહાશીનો પણ પહેલો નંબર આવ્યો હતો. આ રીતે રેશમાને સમજાયું કે વધુ પડતી સગવડ વગર પણ આપણે આપણું ધાર્યું કામ કરી શકીએ છીએ…
****

gpic8તાળીઓનો ગડગડાટ સાથે વારાફરતી ભૂલકાંઓ પોતપોતાની કૃતિઓ વાંચી સંભળાવે છે. વચ્ચે અમે બાળકોને પ્રશ્ન પૂછીએ લઈએ છીએ કે ‘ભલે તમે અંગ્રેજી કે ગુજરાતી ગમે તે માધ્યમમાં ભણતા હોવ, પરંતુ તમારામાંથી જેટલાને ગુજરાતી વાંચતા-લખતા આવડતું હોય તેઓ આંગળી ઉપર કરે…’ (પરિણામ તમે બાજુના ફોટોગ્રાફમાં જોઈ શકો છો.)

હવે ત્રીજા તબક્કાની શરૂઆત થાય છે જેમાં આમંત્રિત મહેમાને બાળકોને વાર્તા સંભળાવવાની છે. આજના આમંત્રિત મહેમાન છે કલાગુર્જરીની ગાંધીનગર ખાતેની શાખાના મંત્રી શ્રી મનોજભાઈ શુક્લ. તેઓ સંગીત નાટ્ય અકાદમીમાં ડેપ્યુટી ડાયરેકટર તરીકેની ફરજ બજાવે છે અને સાથે સાથે બાળકો માટે આ પ્રકારની સેવાઓ નિયમિત આપતા રહે છે. મનોજભાઈ પોતાની વાતની શરૂઆત કરે છે :
‘બાળમિત્રો, આજે તમારે વાર્તા સાંભળવાની છે ને ?’
‘હા…’
‘પણ એ પહેલા તમને એક પ્રશ્ન પૂછું કે વાર્તા કેવી રીતે બને છે ?’
ખૂણામાંથી રુદ્રેશ નામનો એક બાળક બોલે છે : ‘સર, વાર્તા વિચારોથી બને છે.’
‘ખૂબ સરસ બેટા. તારી વાત એકદમ સાચી. વાર્તા વિચારોથી બને છે. વાર્તામાં વિચારોને ગોઠવવા પડે છે. એક વિચારને પકડી રાખીને વાર્તાને ગૂંથવી પડે છે. દશ માણસ જુદા જુદા વિચારો કરે તો વાર્તા નથી બનતી પરંતુ એક માણસ દશ જુદા વિચાર કરે તો દશ જુદી વાર્તાઓ બનાવી શકે છે. એ વાત આજે હું તમને અહીં પ્રયોગ કરીને દેખાડીશ. તો તમે સૌ એ પ્રયોગ જોવા તૈયાર છો ને ?’
‘હા…સર…’
‘તમારામાંથી હું બાર જણને પસંદ કરીને અહીં બોલાવીશ. હું જેમને પસંદ કરું તેઓ અહીં સ્ટેજ પાસે આવે.’
gpic7 (બાર જણ સ્ટેજ પાસે વર્તુળાકારે ગોઠવાય છે.)
‘જુઓ, હવે તમારે દરેક જણે બે વાક્યો બોલવાના છે. આપણે એ સાબિત કરવાનું છે કે બાર જણ ભેગા મળીને એક વાર્તા નથી બનાવી શકતા. વાર્તા બનાવવા માટે એક જણે પદ્ધતિસર વિચાર કરવાનો હોય છે. બરાબર ? આપણે આ પહેલા નંબરથી શરૂ કરીશું. પહેલા નંબરનો છોકરો જે બે વાક્ય બોલે એના અનુસંધાનમાં જ બીજા નંબરના છોકરાએ એ વાર્તા આગળ ચલાવવાની… શરત એટલી કે બારમા નંબરના છોકરા પાસે એ વાર્તા પૂરી થઈ જવી જોઈએ. દાખલા તરીકે આ રમેશ જો એમ બોલે કે ‘એક રાજા હતો. તે સુંદરનગરમાં રાજ્ય કરતો હતો…’ તો એના પછી સુરેશે કંઈ પણ બે વાક્ય બોલવાના, જેમ કે : ‘એ રાજા પ્રજાના સુખદુ:ખ જાણવા રાત્રે વેશપલટો કરીને નીકળતો હતો. તે ખૂબ ભલો હતો….’ બસ આ પ્રમાણે. એ વાર્તા અહીં બેઠેલા કિન્નરી દીદી અને જયના દીદી નોંધશે અને પછી તમને વાંચી સંભળાવશે જેથી સાબિત થાય કે આ રીતે વાર્તા બનતી નથી. તો સૌ કોઈ પ્રયોગ માટે તૈયાર છો ને ?’
‘હા સર…’

બધા બાળકો પોતાના મનના વિચારોને આધારે બે વાક્યો ઉમેરતાં જાય છે. પંદરેક મિનિટે આખું વર્તુળ વાર્તા પૂરી કરે છે. નોટબૂકમાં નોંધાયેલી વાર્તા કિન્નરી મોટેથી વાંચી સંભળાવે છે. પ્રયોગને અંતે મનોજભાઈ બાળકોને ફરી પૂછે છે :
‘તો બાળકો વાર્તામાં કંઈક ખૂટે છે. શું ખૂટે છે ?’
એક કહે છે : સર, પાત્રો બરાબર નથી.
gpic9 બીજો કહે છે : સર, વાર્તામાં લીન્ક જળવાતી નથી.
ત્રીજો કહે છે : સર, વાર્તામાં શરૂઆત અને અંત રસપ્રદ હોવા જોઈએ. એ તો છે જ નહીં !
‘એમ નહીં બાળમિત્રો, તમે મને એક શબ્દમાં કહો કે વાર્તામાં શું ખૂટે છે ? ફક્ત એક જ શબ્દ. મને એ કહો કે વાર્તામાં શું હોવું જોઈએ ?’ મનોજભાઈ પૂછે છે.
‘બોધ’
‘વિચાર’
‘શિખામણ’
ત્યાં દૂર પાછળ બેઠેલી એક નાનકડી દીકરી બોલી ઊઠે છે : ‘સર વાર્તા લખવા માટે સૌપ્રથમ વાર્તા લખવાની ઈચ્છા હોવી જોઈએ !’ (અમે સૌ એનો જવાબ સાંભળીને સ્તબ્ધ ! એને આટલો ઊંચો વિચાર કેવી રીતે આવ્યો હશે ?)
એક ટપુડો બોલે છે : ‘સર વાર્તામાં ચંગૂ-મંગૂ ખૂટે છે !’ (ઓત્તારી !)
‘ચલો બાળમિત્રો, હવે હું કહી દઉં છું કે વાર્તામાં શું ખૂટે છે. વાર્તામાં ‘ઘટના’ ખૂટે છે. ઘટના વગર વાર્તા બનતી નથી. વાર્તામાં કશુંક બનવું જોઈએ અને એના પરથી આપણને કંઈક શીખ મળવી જોઈએ. તો હવે હું તમને એવી વાર્તા કહીશ કે જેમાં ઘટનાય છે અને કોઈક શિખામણ છે.’

મનોજભાઈ બાળકોની અદાથી સૌ સાથે એકરસ બનીને વાર્તા કહેવા માંડે છે. સૌ એક ધ્યાનથી સાંભળી રહ્યા છે. 80 બાળકોનો વર્ગ એવો તો શાંત છે કે જાણે કોઈ બેઠું જ નથી ! વાર્તા પ્રમાણે પ્રાણીઓના અવાજો કાઢીને તે બાળકોને સમજાવે છે. ક્યારેક વાત કરતાં કરતાં પાટલી પર ચઢી જાય છે અને બાળકો હસી પડે છે ! અડધો કલાક તો જાણે બાળકો એકદમ રસમાં ડૂબીને કોઈ અલગ દુનિયામાં ખોવાઈ જાય છે.

gpic10સવારના અગિયાર વાગ્યા છે. આજની શિબિરનો હવે અંતિમ ભાગ ‘પ્રકૃતિ-દર્શન’નો છે. રિસેસ બાદ સૌ બાળકોને લીમડાના ઝાડ નીચે ચોગાનમાં એકત્ર કરવામાં આવ્યા છે. આજે તેમને ‘સાપ’ વિશે શીખ આપવાની છે અને તેમને ભયમુક્ત કરવાના છે. બધા અર્ધવર્તુળાકારે ગોઠવાય છે. પ્રણવભાઈ બધાને આવતીકાલની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપતાં જણાવે છે કે ‘સૌએ આવતીકાલે તેમના માતાપિતાને લઈને આવવાનું છે અને તેમના માતાપિતાએ પણ અહીં વાર્તા લખવાની છે.’
‘શેની પર વાર્તા લખવાની છે સર ?’ એક બાળક પૂછે છે.
‘એ વિષય હું કાલે આપીશ હોં. તો ચલો બધા નોટમાં લખી લો કે કાલે મમ્મી-પપ્પાને લઈને આવવાનું છે. એ પછી હવે તમને આ ભૂમિ દીદી ‘સાપ’ વિશે માહિતી આપશે. એ પોતે ‘સ્નેક-કેચર’ એટલે કે સાપ પકડવામાં નિષ્ણાત છે. એ વિશે તમને એ સરસ વાતો કરશે. બધા ધ્યાનથી સાંભળજો હોં કે.’

બધા ધ્યાનમગ્ન બનીને સાંભળે છે. ભૂમિકા સૌને સાપના પ્રકારો અને જાતિ-પ્રજાતિ વિશે સમજ આપે છે. ગુજરાતમાં કયા પ્રકારના સાપ ઝેરી અને બીનઝેરી હોય છે તેનો સવિસ્તાર પરિચય આપે છે. ‘સાપ દૂધ પીવે’ જેવી અંધશ્રદ્ધાઓ દૂર કરીને એમને સાચી માહિતી આપે છે. પોતાના વક્તવ્યના અંતે બાળકોને કહે છે કે ‘આમ, સાપથી ડરવાની કોઈ જરૂર નથી. તમારી આજુબાજુ કે આસપાસના ઘરોમાં જો સાપ નીકળે તો તમારે મને ફોન કરવાનો. અમારી ટીમ હોય છે, એ તરત આવીને એને લઈ જશે, પણ એને મારવાનો નહીં. પર્યાવરણનું રક્ષણ કરવાનું, ઓ.કે. ?’
gpic11 ‘પણ દીદી, તમારો નંબર તો અમારી પાસે નથી !’ : એક ભૂલકું.
‘સારું. એ હું તમને કાલે આપીશ. તમારે એ લખી લેવાનો અને પછી મને ફોન કરવાનો, બરાબર ?’
‘પણ દીદી, આજે સાપ નીકળી આવે તો શું કરવાનું ?!’ એક દીકરીએ પૂછ્યું.
(બધા ખડખડાટ હસી પડે છે !) છેવટે અમારે તાત્કાલિક નંબર લખાવવો પડે છે ! ભાતભાતની વાતો સાંભળીને બધા બાળકો ખૂબ આનંદમાં છે.

બપોરના બાર વાગ્યા છે અને આજની શિબિર અહીં પૂરી થાય છે. દોડીને બાળકો દરવાજા પાસે પહોંચે છે અને લાઈન બનાવીને ઊભા રહી જાય છે. બહાર વાલીઓ પોતાના ભૂલકાંઓની પ્રતિક્ષા કરતાં તૈયાર ઊભા છે. જેવા મમ્મી-પપ્પાને જુએ છે કે બાળકો દોડતાં એમની પાસે પહોંચી કહેવા લાગે છે : ‘મમ્મી આજે અમે શું કર્યું ખબર છે ?….’ અને પોતાની વાતો કહેવા માંડે છે. કલાકોની બાળકોના અવાજોથી કિલ્લોલતા વર્ગખંડો અને સ્કૂલનું પરિસર સૂનકાર બને છે પરંતુ અમારા સૌના હૈયામાં કદીયે ન ભૂલાય એવો અવર્ણનીય અપાર આનંદ છે.

સૌની વિદાય લઈને હું ગાંધીનગર છોડી રહ્યો છું ત્યારે જાણે ચારધામની યાત્રા કરીને પરત ફરી રહ્યો હોઉં એવી પ્રસન્નતા અને સંતોષ હૃદયમાં છવાઈ રહ્યા છે. આવી સુંદર પ્રવૃત્તિ, કોઈ હેતુ વગર પોતાનું આર્થિક યોગદાન અને કીંમતી સમય આપીને આયોજિત કરનારા આ તમામ આયોજકો અને સહાયકોને તો જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા પડે. આપણા સાહિત્યકારો અને સંસ્થાઓ પોતાનો થોડોક સમય આ પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં ફાળવે તો કેટલું સારું. આશા છે કે યુવામિત્રોના આ આયોજનથી પ્રેરાઈને ગુજરાતમાં તેમજ વિશ્વના અન્ય સ્થળે લોકો આ પ્રકારની શિબિર યોજવા પ્રયાસ કરશે તો તેમનો પરિશ્રમ લેખે લાગશે.

[ આપના સૂચનો આવકાર્ય છે : ડૉ. પ્રણવ જોશીપુરા : +91 9825013753. શ્રી વત્સલ વોરા : +91 9909921097. શ્રી તરંગ હાથી : +91 9427605204. ઈ-મેઈલ : tarang.hathi@nic.in ]

શિબિરના તમામ ફોટોગ્રાફ્સ માટે નીચેની લીન્ક કલીક કરો :

vanchan_shibir

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શિમલાની આસપાસ – હેતલ દવે
પીછું – પાર્થ પુનાલાલ ગોલ Next »   

60 પ્રતિભાવો : વાચન શિબિરની મુલાકાતે – મૃગેશ શાહ

 1. ધવલ says:

  આવી શિબિરો – ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને આપણા દેશના ભવિષ્ય – એ બધાય માટે ઉત્તમ વિચાર છે. અહીં અમેરિકામાં તો લોકોને વાંચન પાછળ એટલી મહેનત કરતા જોઈએ છીએ જે મેં પહેલા આપણે ત્યાં જોયું નહોતું. તેથી આ લેખ વાંચીને એનો બેવડો સંતોષ થયો. આખી ટીમને મારા તરફથી સલામ !

 2. nayan panchal says:

  મ્રુગેશભાઈ,

  તમે તો મને હોન્ગકોન્ગ મા ચારધામની યાત્રા કરાવી દીધી. What a wonderful experience, I wish I could be part of such wonderful events. I would like to add that whatever you read at such age, contributes largely in your growing up as a person. (and it doesn’t include text-books). And everyone must know how to read-write in mother language.

  Thanks once again.

  nayan panchal

 3. urmila says:

  I am impressed and happy to read this article – holidays is the best time for children to read books and pay attention to their developments in other walks of life – which actually teaches them to oercome life hurdles as they grow and mature and become good citizens of the country – encouraging them to write and express their feelings helps to relieve anxiety and stresses from their daily life – my good wishes to the whole team and thanks to Mrugeshbhai for publishing this article

 4. sujata says:

  Really delighted to read your article………each and every child has some kind of hidden talent but some times they cannot utilise them but such type of activities provides them good field…….congratulations to all people behind such brilliant idea and many thanks to Mrugeshbhai ………jiyo!

 5. RAZIA MIRZA says:

  વાહ !મૃગેશભાઈ વાહ!
  અસ્મિતા પર્વ પછી બાળ વાંચન શિબિર ની મુલાકાતે ઘણોજ આનંદ આવ્યો

 6. ખુબ જ સુંદર પ્રવૃત્તિ … !!! … અમારા નવસારીમાં પણ સુપ્રસિધ્ધ સયાજી વૈભવ લાયબ્રેરીમાં મને યાદ છે ત્યાં સુધી દર મહિને અથવા પખવાડીયે “મને ગમતું પુસ્તક” વિષય પર વાર્તાલાપ યોજાય છે .. આ પ્રવૃત્તિ ખાસ શાળાના બાળકો માટે યોજવામાં આવે છે … નવસારીની ઘણુંખરું દરેક શાળાના વિદ્યાર્થીઓ એમાં ભાગ લે છે … કોઇ પણ બાળક અગાઉથી પોતાનું નામ નોંધાવીને પોતાને ગમતા પુસ્તક વિશે નક્કી થયેલા દિવસે લાયબ્રેરીમાં ઉપસ્થિત સભાને સંબોધન કરી શકે … જ્યારે આ પ્રવૃત્ત શરુ થયેલી ત્યારે નવસારીની બધી શાળાઓના બાળકોમાં જાણે રીતસરનો “રોગચાળો” વ્યાપી ગયેલો 🙂 … મને પૂરેપુરું યાદ નથી પણ આશરે હું ૮મા કે ૯મા ધોરણમાં હોઇશ એ સમયે … એ સમયે સ્ટેજ ફીયર હોવાને લીધે મેં ક્યારેય ભાગ નહોતો લીધો !! 🙂 ..

  હકીકતમાં મને હજી પણ પૂરેપૂરી ખાતરી નથી કે મને એક્દમ સાચું યાદ હોય આના વિશે … !! કોઇને સાચી જાણકારી હોય તો સુધારી શકો છો …

 7. Thank you mrugeshbhai for such a wonderful article. I m thoroughly delighted to read it.you have not only covered it well but also have made it intresting. It seems through the comments that the efforts of our whole team have grown worthy. And without your sincere efforts this publicity would never have been possible.

 8. dr sudhakar hathi says:

  શીબીર તો ઘના થાય પન બાલકોને પુશતકો ની સાથે રાખવનો શિબિર ઉત્તાંમ હતો વેકેશન ની ઉત્તમ પ્રુવતિ આભીનેનદન સુધાકર હાથી

 9. nayan panchal says:

  It seems you were one of the team members of this Shibir. I would like to thank you n wish you good luck for such more successful n meaningful events. I wish I could be part of such events.

 10. Vatsal Vora says:

  મૃગેશભાઇ,

  આપે ખૂબ જ સુંદર રીતે અમારી વાંચન શિબિરને ઉજાગર કરી છે. આવી નાની પ્રવૃત્તિને તમે અમારે ત્‍યાં આવીને જે પ્રોત્‍સાહન આપ્‍યું છે તે દર્શાવે છે કે તમે માતૃભાષાના વિકાસ અને જતન માટે કેટલા સજાગ છો!

 11. સુરેશ જાની says:

  ચારધામની યાત્રા કરીને પરત ફરી રહ્યો હોઉં એવી પ્રસન્નતા અને સંતોષ હૃદયમાં છવાઈ રહ્યા છે.

  આ વાત બહુ ગમી . આ શીક્ષણનું પાયાનું કામ છે. આવી પ્રવ્રુત્તીઓ ચાલે છે, તે જાણી બહુ આનંદ થયો.

 12. Maharshi says:

  ખુબ બિરદાવવા લાયક પ્રવૃત્તિ!!! આખા આયોજનમા સંકળાયેલા દરેક વ્યક્તિને ખુબ ખુબ આભાર કે તેઓએ માતૃભાષાનું સિંચન કરવા માટે જહેમત ઉઠાવી. મૃગેશભાઇ, તમારો આભાર તો માનીયે તેટલો ઓછો છે. જય હિન્દ!

 13. NARESH HOKSHI says:

  HONARABLE MUGESHBHAI,
  VERY GOOD TRY TO CLAIM NEW THOUTH.

  I REQUEST TO YOU THAT YOU ALSO EXPLAIN YOUR REPORT ABOUT ASMITA PARVA, ATTENDED BY YOU AT TALGAJARDA,ON LAST HANUMAN JAYANTI.
  NARESH CHOKSHI

 14. Pruthvi says:

  Varsho pachi mari school joi ne ghano j anand thayo. St.Xavier’s , Sector -8, Ch-3. Juni yaado taji thai ane ankh bhini thai. Many times I think why god haven’t given me a remote control of my life. I would have rewind my school days through out my life.
  Many thanks to organizers.

 15. dipika says:

  Apde game tetla mota thai jaiye pan darek vyakti ma badpan chhupayelu hoy chhe ane kyarek ene vyakt karvani ghani maja avati hoy che. Nana bhulkao mate aa shibir nu aayojan karva badal Pranavbhai ane emni team ne khub khub Abhinandan. Ane tenu shabdo ma rupantar kari photos sathe duniyabhar na readers sudhi pahochadva badal Mrugeshbhai no khub khub Aabhar.

  Dhvani e lakheli varta khub j rasprad chhe. Darek baadak ma ghani sarjnatmak ane kalpana shakti chhupayeli hoy chhe , Jene jarur hoy chhe protsahan ane tak ni. Jetla badako e aa shibir ma bhag lidho e darek ne pan Khub Khub Abhinandan.

  Well Done, Keep it Up.

 16. Margesh says:

  Dear Mrugesh Bhai,
  Thanks a lot for such a wonderful article. Your article pulled me to my childhood vacation days when everyday at 8 o’clock in the morning we two friends used to go to M.J. Library in children section and till 12 o’clock enjoying the ride on the horse of our fantasy. we had finished reading of almost every gujarati book in the child section till my 10th class vacation.
  Again thank you very much for such a nice article.

 17. nilam doshi says:

  મૃગેશભાઇ, ખુબ ખુબ અભિનન્દન્….સારા કાર્યને ઉજાગર કરવાનુ સરસ કામ…
  આવુ કાર્ય વારઁવાર થતુ રહે એ આજના સમયની પ્રથમ જરૂરિયાત છે.ઘણીવાર સારા કર્યો દુનિયાના ખૂણે ખાંચરે થતા રહે છે…પણ તેમની જાણકારી મળતી નથી. આવી જાણકારી ખૂબ જરૂરી છે. કોઇ એમાંથી પ્રેરણા લઇ શકે..કે સારા કાર્યમાં જોડાઇ શકે…આંગળી ચીંધવાનું તમારું આ કાર્ય ઉમદા છે.
  અને નિસ્વાર્થભાવે આ કાર્ય કરનાર ને તો અનેકગણા અભિનન્દન્..આવા લોકોને બોલવાની કે ચર્ચા કરવાની કોઇ જરૂર રહેતી નથી..તેમના વતી તેમનું કાર્ય જ બોલે છે..અને કાર્ય જયારે બોલે ત્યારે એ દિલને સ્પર્શ્યા સિવાય રહે જ નહીં…

 18. Asha Manish Kharod says:

  Pranavbhai and all volunteers
  Congretulations for running successful reading camp. Best part is it is about pure joy of reading and encouraging kids for reading.

  Asha-Manish

 19. kavita says:

  ગમ્મત અને જ્ઞાન.

 20. Nilesh says:

  બહુજ સરસ. વાંચીને ખૂબજ આનંદ થયો – હું પણ જાણે આ શિબિરમાં જઈ આવ્યો હોઉં એવું લાગ્યું.

 21. વિકાસ પટેલ, ગાંધીનગર says:

  સેક્ટર ચ(3)માં આવેલી ‘સેન્ટ ઝેવિયર્સ’ સ્કૂલમાં પગ મૂકતાંની સાથે મારી સૌ પ્રથમ મુલાકાત વત્સલભાઈ સાથે થાય છે.

  નાનકડુ કરેક્શનઃ
  ————-
  સેક્ટર 8 માં આવેલી……………

 22. Yatri Dave says:

  Thank you Mrugesh Bhai for your Support.I am impressed and happy to read this article.I would like to thank you n wish you good luck for such more successful n meaningful events.Without your sincere efforts this publicity would never have been possible.I wish that we will enjoy a lot in fature with another camp.It is just starting and we got such a remarkable support from Parents & Children.I am lucky because I am a part of “SARJAN”….And I am sure that it will create many good things not only for the Children but also for the whole society,because good reading always makes good persons.Again thank you very much for such a nice article.I am very impressed.Thank you so much.

 23. manvantpatel says:

  મુક્ત વાતાવરણ,સમય,નિર્ભેીકતા વડે યોજાયેલુઁ આ પર્વ
  સફળ બનાવેી ,શ્રેી.મૃગેશભાઇ,ડૉ.પ્રણવભાઇ,વત્સલભાઇ,ને
  તરઁગભાઇએ ચાર ધામ યાત્રા રૂપે પૂર્ણ કરેી ,ભુલકાઁને સરસ
  વાચનરસ પૂરો પાડ્યો,તે બદલ સૌ પરમેશ્વરના કૃપાપાત્ર જ
  બન્યા છો.શિવાસ્તે પઁથાનઃ સઁતુ !સાભાર લાખો અભિનઁદન !

 24. Nitin says:

  Dear Mrugeshbhai,

  I am really thankful to you for posting such a good story on readgujarati page.I never heard such a good activity news.its realy encourage us to do somthing good for society.I also like to give congratulations to all organisers who organise such a camp for childrens.children’s always have a talant,we need to give tham a opportunity and time for better future.

  we also working on our village child development project,I requesting all readers to pl.visit following link and give your feedback aswell as guideline and suggestion for project development.

  http://www.nabuur.com/modules/villages/mystory.php?villageid=100

  Thanking you,
  Rgards,
  Nitin

 25. AMI says:

  khub j saras. Vacation ma aa j rita prog. thava joie.

 26. ArpitaShyamal says:

  Thanks a lot Mrugesh bhai for such a nice and useful article….

 27. ચાંદસૂરજ says:

  વડિલબંધુશ્રી મ્રુગેશભાઈ,
  “વાંચન શિબીર”ના સાનિધ્યમાં આપણા ગુર્જર બાળકોને સંમિલિત કરી, એ બાળસેનાના ચરણોમાં વાંચનરસની ઝાંઝરીઓ પહેરાવી,એના રણકતાં ઝણકારને બસ વહેતો મૂકી,એમાંથી સાંપડતા આનંદના વહેણોમા નહાતાં બાળકો કેવા કિલ્લોલે ચડે છે એ દાખવી અને એનું પ્રતિપાદન કરાવવા બદલ એના આયોજકોને ધન્યવાદ સહિત અભિનંદન! આ અનેરાં અનુભવને કસાયેલી કલમથી સુંદર કવનમાં કલમબધ્ધ કરનારાં આપ સરખા કલમના કસબીને લાખલાખ વંદન સહિત ધન્યવાદ.

 28. વત્‍સલ વોરા, ગાંધીનગર says:

  અમે આવી જાતની શિબિર વધુ સારી કઇ રીતે કરી શકીએ તે માટે પણ અમે સૌને કોમેન્‍ટસમાં સૂચનો મોકલવા કે આપવા જણાવીએ છીએ.

 29. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ…..!!!!!!!!

  “‘કંટાળો ના આવે ? આખું વર્ષ તો વાંચવાનું હોય તો પછી અત્યારે ચોપડી પકડવાની ગમે ?’
  ‘સર, એ તો બધું યાદ નહીં રાખવાનું ને એટલે ગમે ! પેલું તો બધું યાદ રાખવાનું હોય….’”…… બાળપણ આને જ કહેવાય….આ જ કહી આપે છે કે હવે “ભાર વગરનુ ભણતર” રહયુ નથી…!!!

 30. Gira Shukla says:

  WOW!!!! It’s the best thing that you all have done to provide the best for today’s children’ future.. I am very happy to know that kids are not just learning from their text books but also from outside reading…

  ” ત્યાં દૂર પાછળ બેઠેલી એક નાનકડી દીકરી બોલી ઊઠે છે : ‘સર વાર્તા લખવા માટે સૌપ્રથમ વાર્તા લખવાની ઈચ્છા હોવી જોઈએ !’ ”
  I really admire this little girl for her answer… If you think over it.. she’s definitly correct.. before you find what’s missing in the story.. it’s more important that you should have the desire for it… =) Indeed, it was an excellent answer.. yet, i do agree with the answer that occurence was missingin the story… 🙂

  This “Vanchan Shibir” reminded me of my first and last “Vanchan Shibir” that I had attended in 2003… in Vallabh Vidhyanagar.. It was arranged by Charutar Vidhya Mandal I believe.. One of the Guest was Dr. Ramesh M. Trivedi Sir. I don’t remember others though… it was for 9th graders … and were selected 3 students from each school in V.V. Nagar.. and I am glad I was part of it.. plus I love reading.. =)

  I enjoy reading this article… I am very proud to know that little kids are soo keen on and inspired by themselves about reading.. Great to know that reading is considered more advantageous fact.. I respect each and everyone who participated in this program…

  Thank You…

 31. Gira Shukla says:

  p.s. I love how Chand Suraj Bhai expressed his opinions!! 😀

 32. Kishor Patel says:

  વાહ વાચવાની મજા આવી.

 33. કલ્પેશ says:

  મૃગેશભાઇ અને વાંચન શિબિરના કાર્યકર્તાઓને અભિનંદન.

  મને લાગે છે કે ઘણી વસ્તુઓ આપણને બાળપણમા શિખવાડવામા આવે તો ઘણુ સારુ. એક યુવાન તરીકે ઘણી વસ્તુઓ મને નથી આવડતી અથવા યોગ્ય માર્ગદર્શન નથી મળ્યુ.

  ૧) શાક/અનાજ/કઠોળ ખરીદવા, બનાવવા. દરેક યુવાન ઘરમા જે જમે છે, એ પોતે બનાવી શકે કે નહી? (સ્ત્રીઓને બધુ પહેલેથી શિખવાડાય છે)
  ૨) ઘરની સાફ-સફાઇ કરવી. ઝાડુ/પોતુ કરવુ, ઘરના વાસણ ધોવા.
  ૩) બટન ટાંકવા, ઇસ્ત્રી કરવી. સુઘડતા અને સ્વચ્છતા જાળવવી.
  ૪) ગંદકી ના કરવી. કચરાને ટોપલીમા જ ખાલી કરવો.
  ૫) લોકો અને સમાજ, વાતાવરણ પ્રત્યે જાગૃત રહેવુ અને આપણી જવાબદારીનુ ભાન.
  દા.ત. લગ્ન સમયે શોરબકોર, ફટાકડાનો વપરાશ?
  ૬) બગાડ ન કરવો. જોઇએ એટલુ જ વાપરવુ.
  ૭) ટ્રાફિકના નિયમો જાળવવા.
  ૮) પોતાના પ્રત્યે સભાનતા. વ્યાયામ, ઘ્યાન અને આપણા યોગ, આયુર્વેદનો જીવનમા સમાવેશ.
  ૯) દરેક કાર્યને માન આપવુ. બધાને સરખા જોવા (સ્ત્રી/પુરુષ, ઉચ્ચ/હલકી જાતિ, હિંદુ/મુસલમાન, કારકુન/શેઠ). ભલે કોઇ સફાઇ કામ કરતુ હોય કે ગટર સાફ કરે. કામ નાનુ કે મોટુની ગેર-માન્યતા દૂર થાય.
  ૧૦) બાળપણમા જ પૈસાનુ મહત્વ અને આયોજન (બજેટ) કરવાની તક.
  બાળકોને કામ કરવા દેવા અને પૈસા હાથમા ના આપી દેવા. કેમ કમાવાય છે એ તેઓ જાણે.
  ૧૧) સ્ત્રી (બહેન, મા, પત્ની) મા ભેદભાવ ના રાખતા એમ જાણવુ કે બને બધુ કામ કરી શકે છે.
  એટલે આ પુરુષનુ અને આ સ્ત્રીનુ કામ એ ભેદ મનમાથી કાઢી નાખવો.
  ૧૨) જાહેર કાર્યમા ભાગ લેવો જે બીજાની ટીકાથી દૂર હોય અને નક્કર કામ કરી શકાય.
  બીજાના કામમા ભૂલ કાઢવા કરતા આપણે ભૂલ સુધારીએ

  અને, દરેકને કઇ નવુ કરવાથી ના રોકીએ (આમ ના કરાય, તેમ ના થાય)
  આપણો માનસિક મેલ દૂર કરીએ. (દા.ત વિધવા-વિવાહ, કોઇની સગાઇ તૂટી જાય તો સ્ત્રીઓને યોગ્ય પાત્ર મળતા પડતી મુશ્કેલી)

  જો યુવાન તરીકે આપણને આમાથી થોડુ પણ આવડે તો ઘણુ સારુ.

  છેલ્લે એવુ શિક્ષણ જે આપણા જીવનને પાયાથી મજબૂત બનાવે અને આપણે આપણા પૂર્વગ્રહોમાથી મુક્ત થઇએ.

 34. Nilesh says:

  કલ્પેશભાઈ, તમારી વાત બહુજ સરસ છે. જીવનનો પાયો મજબૂત બનાવવાનું શિક્ષણ શાળામાં નથી અપાતું તેથી આ વાંચન શિબીર જેવી પૂરક પ્રવૃતિઓ જરૂરી છે.

 35. Jignesh Vasavada says:

  Dear Dr Pranav…….

  Nice insprational work fur the Future of India……

  Wel done..

  Jignesh Vasavada
  Pune

  P.S. Thankyou Mrugeshbhai for wonderful and ealborative article and interview.. Keep it up..

 36. sanjay p swadia says:

  Dr joshipura saheb,

  simply great

  koi sawal ja nathi

  salam

  sanjay p swadia
  jamnagar

 37. Ami says:

  બધા જ આયોજકો ને તથા આ શિબિરની માહિતી આપવા બદલ મૃગેશભાઈને પણ ખુબ ખુબ અભિનદન. આવી સરસ પ્રવ્રુતિઓ વારે ધડીએ યોજવામાં બધા સાથ આપે એવી શુભકામનાઓ.

 38. Tarang Hathi says:

  બીજી કઈ કઈ શિબિર કરી શકાય તે વિશે સૂચનો આવકાર્ય છે. અમારો પ્રયત્ન તો લોકો માટે કઈક ઊત્તમ કરવું એ છે.

  રીડગુજરાતી ના સુજ્ઞ વાચકો પાસે અમને આશા છે કે અમે આવી વધારે પ્રવ્રુત્તી કરી શકીએ તે વિશે સૂચનો આવકાર્ય છે.

  આભાર,

  તરંગ હાથી.

 39. Apeksha says:

  Baalko ni reading ni bhukh jagadvani ati aavashyakta chhe.aaje vanchan khub ochhu thatu jay chhe,pan nana baalako ma vanchan nu pratham thi j aaropan karvama aave to vanchva ni tenama aadat padshe ane mota thai ne aana thi pan vadhu saari vanchan shibir nu aayojan kari shakshe.

  shree Tarang hathi ane temni team ne aava satkarya badal khub khub abhinandan.keep it up….

 40. sejal says:

  hey i m very happy to see my taste of people i was unlucky tht i could not join this session due to my exam.this is a very apprecitacing task of pranav sir.hope next time can join it.

  n yatri u r a lucky girl tht u got such a nice chance before me
  may god bless u jadu……….
  bye

 41. Nilesh says:

  તરંગભાઈ,

  વાંચનનું મહત્વ સમજાય અને ટેવ પડે એ માટે બીજું ઘણું કરી શકાય.

  દરેક શહેર / ગામની શાળાઓમાં ત્યાંના પ્રિંસિપલને મળીને – વાંચવાના મહત્વ સમજાવવા માટેના એક કે બે કલાકની Talks નુ શાળામાં જ આયોજન કરી શકાય. આ પ્રકારના સેશનમાં વાલીઓને બોલાવીને વાંચનનું વાતાવરણ ઘરમાં વધે એના માટે શું કરી શકાય એના અનુભવો કહી શકાય. મારા બે બાળકોના અનુભવથી મને લાગે છે કે બે વર્ષનાં બાળકને પણ મા કે બાપ જો એકાદ એ વયને અનુરૂપ પુસ્તક વાંચીને સંભળાવે તો નાની ઉમંરથી જ રૂચી પેદા થાય છે. રાત્રે બાળક સૂતી વખતે મા કે બાપ એકાદ સારી વાર્તા વાંચી શકે. આવી વાતો જો એકાદ કે બે કલાકના સેશનમાં કહેવાય તો ઘણાં ગુજરાતી મા-બાપોને સાચી દિશા મળશે.

  ગુજરાતમાં કામ કરતી અલગ અલગ ધાર્મિક / સામાજીક સંસ્થાઓને આમાં સાંકળી શકાય. મ્યુઝિયમ જેવા મંદિરો બાંધવામાં લાખો / કરોડો રૂપિયા ખર્ચવા કરતા ગામે ગામ લાઈબ્રેરીઓ બંધાવવી જોઈએ. હું બે વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર્ના ગામડામાં ગયો હતો ત્યારે મને ખરેખર આશ્ચર્ય અને દુ:ખ થયું હતું કે સાવ નાના ખોબા જેવા ગામમાં અલગ અલગ જ્ઞાતિઓનાં આઠ મંદિરો હતાં પણ ગામમાં સમ ખાવા પૂરતી એક નાનકડી લાઈબ્રેરી પણ નહોતી.

  ગુજરાતી ઉધોગપતિઓને મળી એમનો સહયોગ લઈ શકાય. Philonthropy ની ભાવનાથી કદાચ એ લોકો મદદ નહીં કરે પણ કોઈ અનુભવી માર્કેટિંગ તજજ્ઞની મદદ લઈ સારો well conceived project હોય તો corporate sponsorship પણ મળી શકે.

 42. Anjani Joshipura says:

  માત્રુભાશા નુ બહુ સરસ સન્માન કર્યુ. ધન્યવાદ.

 43. સુરેશ જાની says:

  સાવરકુંડલાના ડોક્ટર દંપતી પ્રફુલ્લભાઈ અને ઈંદીરાબેન શાહે ‘સોનલ’ ફાઉન્ડેશન સ્થાપી આ બાબતમાં બહુ સરસ કામ કર્યું છે.
  તેમનો ટુંક પરીચય વાંચો –

  http://gujpratibha.wordpress.com/2007/08/29/praful_shah/

 44. Baldev Patel says:

  Dear Mr. Mrugesh,

  Nice article,

  Nice work by Dr. Joshipura, Mr. Darpan Buch, Mr. Jwalant Oza, Mr. Tarang Hathi, Mr. Vatsal Vora & Respected Girls.

  Hu Jyare mara native KHARNA jaun chhu, tyare jovun chhu ke tya na balko savar thi sanj sudhi kricket tichya kare che. Tichya shabada amaro north gujarat no talpadi bhasha no chhe etle prayog karyo chhe.

  Vanchan ketlu jaruri chhe te aaje balko ne samjavavu joie. even parents pan persone interest dekhve te pan jaruri chhe. ahi america ma to kidz mobile, tv and internet per rachya pachya rahe chhe. ahi to balpan na j nathi. balak mathi tarat yuvan thai jaay chhe. kishoravastha to skip thai gai chhe. ahi ne generation ma javalle j loko reading karta hashe.

  hu sarpanch ne malyo ne me kahyu ke balko mate shu suvidha chhe to tamne nanno bhanyo. me kahyu ke hu balako mate play house jevu banav magu chhu to sarpanch kahe chhe ke ahi balko ne avi ramato ma koi interst nathi.

  have je balko ne ramato jeva ma interest nathi tene vanchan ma kya thi hoy. setar ma lachko vadhva javanu game chhe, bore na pani ma dhingamasti karvanu game chhe to vanchan kem nahi gamtu hoy.

  Gandhinagar na balako nasibdar chhe k temna mate shibir ni team khade page chhe.

  Bhai Mrugesh te to maja karavi didhi. aa shibir ne karne mane gana ideas aavya chhe. gaam me ekad library hovi joie tevu maru manvu chhe.

  mane america ma 40 varas thaya hal mari age 73 chhe hu aaje mara pautro ne gujarati lakhta vanchta shikhvadu chhu. Desi Hisab ni book pan me temne aapi chhe.

  aavi shibiro gujarat ma thati rahe to loko ne vanchan pratye ruchi kelvay ne te jaruri che. me joyu ke aa shibir organiz karvama Nagar members Vadhare chhe. Nagar Community aame bhare hoshiyar.

  Good Keep it up.

  yours sincerely,

  Baldev Patel

 45. Nilesh says:

  મિત્રો,

  એક નોંધ:

  gujarati-education@yahoogroups.com નું નામ બદલીને promotegujarati@yahoogroups.com રાખવામાં આવ્યું છે.

  જે મિત્રો / મુરબ્બીઓને ગુજરાતી ભાષા માટે આવા સુંદર પ્રયત્નો માટે કાયમ સંપર્ક રાખવાની ઈચ્છા હોય એમણે promotegujarati-subscribe@yahoogroups.com ને ઈમેઈલ મોકલી આ ગ્રુપમાં જોડાવવાનું હાર્દિક આમંત્રણ છે.

  રતિકાકા ચંદરીઆ, ડૉ. પંકજ જોશી, ડૉ. નિશીથ ધ્રૂવ, સુરેશભાઈ જાની જેવા ચોવીસ મિત્રો / મુરબ્બીઓ આ નેટવર્કમાં અત્યાર સુધી જોડાયા છે.

  લિ.

  નિલેશ

 46. Tarang Hathi says:

  નિલેશ ભાઈ

  romotegujarati@yahoogroups.com માં મેં અરજી કરી છે.

 47. Nilesh says:

  અને તમે અમારી સાથે જોડાઈ ગયા છો! Welcome!!!

 48. Sanjay Upadhyay says:

  Aa lekh ghano modo vanchavama avyo chhata maro pratibhav aapvani lalach roki shakai nahi.
  Jyan sudhi avi khevna karnara loko chhe tya sudhi gujarati bhashane mate chinta karvani jarur nathi.
  Aa karya ne ek zumbesh banavi game game pahonchadavama ave to sarkari sahay vina pan shikshan ane sanksar nu sundar karya thai shake.
  Readgujarati aa mate ek prerak paribal bani shake.
  Khub khub abhinandan ane shubhechchhao.

 49. અરે, આવો સુંદર લેખ છેક અત્યારે મારી નજરે ચડ્યો. જો કે શું કરું? ઍપ્રીલ – મે માં હું ખુબ જ વ્યસ્ત હોઉં છું તેથી મારી ગમતી આ પ્રવૃતિથી ત્યારે મારે પરાણે વિમુખ થવું પડે છે.

  ઉછળતા તરંગોના સમુહરુપી બાળકોને એક સ્થળે એકત્રીત કરવા અને આ વાચનયાત્રામાં સંમિલિત કરવા તે એક ઐતહાસિક ઘટના છે. સર્વ આયોજકો ને ખુબ ખુબ અભીનંદન.

 50. richie dabhi says:

  Excellent work done by you
  pls carry on such kind of work and if i can help u out in any manner pls let me know i will try to do it at my best
  may god bless u

 51. Tapan says:

  Its a very gud idea and main thing is that u all have implemented in a such a guud manner for the kids in vacation time.
  Excellent…………….!!
  so, all the best for next events….!

 52. it is really a very noble idea to inculcate the habit of reading in children. reading is a good habit which should be cultivated in young children whose minds are very much receptive at this age. a person whose reading habit is developed never finds oneself alone in life.and there is no other company than good books. good books also give a positive direction to your life.
  tarangbhai and their team really need to be congratulated.
  keep it up.

 53. […] જરૂર એટલા માટે નથી કારણકે ગતવર્ષે ‘વાચન શિબિરની મુલાકાતે’ અને ‘વડગામની વાટે’ લેખોમાં આપણે […]

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.