પીછું – પાર્થ પુનાલાલ ગોલ

[જામનગરની એમ.પી. શાહ મેડીકલ કૉલેજના M.B.B.Sના બીજા વર્ષના વિદ્યાર્થી શ્રી પાર્થભાઈની એક વાર્તા આપણે મહિના અગાઉ માણી હતી. આજે માણીએ તેમની અન્ય એક કૃતિ. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો golparth@yahoo.co.in પર અથવા +91 9974298335 પર સંપર્ક કરી શકો છો.]

આજે મને કંટાળો આવે છે. કદાચ ઘણો બધો કંટાળો. મન નથી લાગતું. ખબર નથી પડતી કે શું થયું છે. ટી.વી. ચાલુ કરી ને ચેનલો બદલાવતાં આંગળી દુ:ખી ગઈ તોય કંટાળો દૂર ન થયો. એકેય પ્રોગ્રામે મને કે મારા મનને આકર્ષયો નહીં એટલે ગુસ્સામાં, દુ:ખતી આંગળી વધુ જોરથી દબાવી રિમોટથી ટી.વી. બંધ કર્યું. રિમોટ સોફામાં મૂકી ઊભો થયો. મોટેથી બૂમ પાડીને ઊર્વીને કીધું : ‘હું ઉપરના રૂમમાં જાઉં છું….’ એણે પણ રસોડામાં રોટલી બનાવતા બનાવતા જવાબરૂપે ‘હા’ કહી.

મારા પગ સડસડાટ સીડી ચઢવા લાગ્યા. લાકડાના કઠેડાનો ટેકો લઈ આરસના એ ઠંડા પગથિયાં પર હું પગ મૂકી ઊર્ધ્વારોહણ કરવા લાગ્યો. જો કે આજે તો આ પગથિયાં પણ ગરમ લાગે છે, ખબર નહીં આ બેચીની શાની છે ! રૂમમાં પ્રવેશી ‘સ્લીપવેલ’ના એ સરસ આરામદાયક ગાદલા પર હું આડો પડું છું. આંખો બંધ કરીને ઊંઘવાની કોશિશ કરું છું પણ પાછો નિષ્ફળ નીવડું છું. ત્યાં જ અચાનક મારા મનમાં એક વિચાર ઝબકે છે કે લાવને સમય છે તો માળિયું ફંફોળું. જુની વસ્તુઓ જોવા તરત નાનકડી ટિપોઈ પર ઊભો રહી માળિયાનું કબાટ ખોલું છું. નજર સામે એક પતરાની પેટી દેખાણી. કાટથી અડધી કાળી થઈ ગઈ હતી. એકાએક નજર તેની બાજુમાં મૂકેલી ચમકારા મારતી નવીનક્કોર એક બીજી પતરાની પેટી પર પડી. યાદ આવ્યું કે જ્યારે પાંચમા ધોરણમાં પહેલી વાર હોસ્ટેલમાં જવા માટે નક્કી કરવામાં આવ્યું ત્યારે પપ્પા હોંશથી મારા માટે આ પેટી લઈ આવ્યા હતા ને ત્યારે હું તેને પટારો કહેતો. પપ્પાએ સરસ મજાના ‘ઓઈલપેન્ટ’ વડે એના પર મારું નામ મરોડદાર અક્ષરોમાં લખી આપેલું…. – બધું જ યાદ આવીને જાણે નજરો સામે છવાઈ ગયું. વળી, આમતેમ નજર નાખતાં સામે કાટ ખાઈ ગયેલું તાળું દેખાયું અને તેની સાથે દોરીથી બાંધેલી એની ચાવી પણ હતી. અજાણતા જ આંગળીઓમાં ચાવી પકડાઈ ગઈ. તાળામાં પરોવતા જ એક ઝાટકે તાળું ખૂલી ગયું. નવાઈ લાગી કે આટલું જૂનું તાળું આટલું જલદી કેવી રીતે ખૂલી ગયું !

પટારો ખુલતાં જ સામે પુસ્તકોનું સંમેલન દેખાણું. ઘણા બધા પુસ્તકો તેમાં હતાં. દસમા ધોરણથી લઈને કૉલજ અભ્યાસ સુધીના બધા પુસ્તકો સાચવી રાખેલા. એ બધાને જોઈ જોઈને મન પણ દસમાથી કૉલેજકાળની એ દુનિયામાં વિહાર કરવા લાગ્યું. એટલામાં મારી નજર લાલ રંગના પૂઠાંવાળા ‘એનેટોમી’ના પુસ્તક પર પડી. મારા ફર્સ્ટયર એમ.બી.બી.એસનું એ પુસ્તક હતું. મારા હાથ એ પુસ્તક તરફ વળ્યા અને બે હાથ વડે મેં તેને બધા પુસ્તકો વચ્ચેથી ખેંચીને કાઢ્યું. માળિયામાં જ રાખીને તેને ખોલ્યું તો આંખો સામે એક પીછું દેખાણું. એ મોરપીછમાં જાણે આંખોને આંજી દે એટલું તેજ હતું ! પુસ્તકમાં સાચવીને રાખ્યું હતું તેથી તેના રંગો પણ આછા નહોતા થયા. હજી જાણે નવા જેવું જ લાગતું હતું. એને જોઈને હું ભુતકાળના એ કૉલેજના દિવસોમાં ખોવાઈ ગયો.

બપોરનો એ લાઈબ્રેરીમાં વિતાવેલો સમય અને સામે બેઠેલી પૂર્વીને જોઈ રહેલી આંખો યાદ આવી ગઈ. આખી ઘટના પહેલા સ્મૃતિમાં આવી અને પછી મનના પડદા પર તેના દરેક ચિત્રો વારાફરતી પસાર થવા લાગ્યા. જાણે કે એક નાનકડું ચલચિત્ર શરૂ થઈ ગયું ! દરરોજ બપોરે બે વાગ્યે જમ્યા પછી પૂર્વી ચોક્કસ લાઈબ્રેરીમાં વાંચવા આવતી અને નક્કી કરેલી જગ્યાએ જ એ બેસતી. બેસીને જાણે એ તો ચોપડીઓની દુનિયામાં ખોવાઈ જતી. એની પાછળ પાછળ હું પણ જતો. જ્યાં એ બેસતી એ જ કમ્પાર્ટમેન્ટમાં મારી ખુરશી પણ ગોઠવાતી ને મારી આંખો મારા પુસ્તક કરતાં એના પુસ્તકમાં વધારે રહેતી ! તે સિવાય એની સાથે લાવેલી એની સુંદર બેગ પર…. ગરમીના કારણે કાઢેલા એના સેન્ડલ પર… ખુરશી સાથે વીંટળાઈને લટકતી એની ચુંદડી પર…. પાણી ભરીને લાવેલી તેની બોટલ પર…. લગભગ એની દરેક વસ્તુ પર મારી નજર ફરતી. એના વાળમાં ભરાવેલું બક્કલ મારા કરતાં નસીબવાળું હતું કારણકે એને એના વાળમાં રહેવાનું મળતું. એની પાણીની બોટલ નસીબદાર હતી કે તે તેના હાથોનો સ્પર્શ પામતી. વળી, એ બોટલનું મોં તો એનાથીય વધુ નસીબવાળું હતું કારણ કે એના હોઠોનો સ્પર્શ એને મળતો…. આવી રીતે હું આ બધાયની ઈર્ષ્યા કરવામાં અને એના સૌંદર્યને નીરખવામાં મારો સમય પસાર કરતો.

એક દિવસ તે વાંચવા બેઠી જ હતી ત્યાં તેની સહેલી દાખલ થઈ અને એના કાન પાસે કંઈ ગણગણી ને પછી તુરંત જ પૂર્વી હાંફળી-ફાંફળી થતી ફટાફટ બધો સામાન બેગમાં ભરવા લાગી અને સેન્ડલ માં પગ નાંખી ફટાફટ લાઈબ્રેરીની બહાર નીકળી ગઈ. પરંતુ આ ઉતાવળમાં તેના એક પુસ્તકમાંથી નાનકડું પીછું સરી પડ્યું. કદાચ મારા માટે જ સરક્યું હશે કારણ કે મારા સદભાગ્યે આ વાત એના ધ્યાનમાં નહોતી આવી. એ વખતે એ કમ્પાર્ટમેન્ટમાં મારા અને એના સિવાય એક ત્રીજી વ્યક્તિ હતી પરંતુ એ પણ પોતાના પુસ્તકમાં મોં નાખીને વાંચવામાં વ્યસ્ત હતી. આ જોઈને મેં મોકો ઝડપી લીધો. લગભગ તો દોડીને જ મેં એ પીછું મારા હાથમાં ઉપાડ્યું હતું અને પછી હાંફતો હાંફતો પાછો ખુરશીમાં ગોઠવાઈને એ પીછાંને ઘણા લાંબા સમય સુધી પંપાળતો રહ્યો હતો. આજેય આ બધું યાદ છે. એ અવિસ્મરણીય આનંદ હતો ને પછી એ પીછું મેં મારી ‘એનોટૉમી’ના પુસ્તકમાં સાચવીને મૂકી દીધેલું.

લાઈબ્રેરી છોડતી વેળાએ પાછો એક નવો વિચાર આવેલો. મેં પેન્સિલ લઈને એ જ્યાં બેસતી હતી ત્યાં જઈ નાના અને ઓળખાય નહીં એવા અક્ષરે લખેલું કે, ‘તમારું પીછું સલામત છે. આખી જિંદગી જીવની જેમ સાચવીશ. તમારા કરતાં પણ વધારે કાળજીથી રાખીશ. – લિ. તમારા પીછાનો નવો માલિક.’ બસ, પછી તો બે દિવસ પછી એણે એ વાંચ્યું હશે તેથી જવાબમાં લખેલું કે : ‘સારું સાચવજો.’ કંઈ નક્કી ન કરી શકાયું કે એનો આ જવાબ ગુસ્સાનો હતો કે પ્રેમનો હતો. તેથી પછી કોઈ દિવસ આગળ વધવાની હિંમત ન કરી શક્યો. – એટલામાં જ વિચારતંદ્રા તૂટી અને વધારે પડતું ઝૂકવાને કારણે ટીપોઈ પરનો પગ સરક્યો અને ટીપોઈ ધડામ દઈને નીચે પડી. સંતુલન જાળવીને હું લટકી ગયો પરંતુ ટીપોઈનો અવાજ સાંભળીને રોટલી કરતી ઊર્વી એ બૂમ પાડી : ‘પાર્થ શું થયું ?’ મારી પત્ની મારી કેટલી ચિંતા કરે છે, નહીં ! બીકથી હાંફતો હાંફતો ફટાફટ ટિપોઈ ઊભી કરીને ચોપડી પટારામાં ગોઠવી, પટારો બંધ કર્યો. તાળું ખુલ્લુ છોડી અને માળિયાનો દરવાજો બંધ કરી નીચે ઊતરતો હતો ત્યાં જ હાથમાંથી છટકી ગયેલું પીછું નીચે જમીન પર પડેલું દેખાણું. હજી કાંઈ કરી શકું એ પહેલાં તો ઊર્વી રૂમમાં દાખલ થઈ. ‘શું કરો છો તમે ?’ થોડા ગુસ્સા અને થોડા પ્રેમથી એણે સવાલ કર્યો, ‘શેનો અવાજ થયો ?’
મેં કહ્યું : ‘કંઈ નહીં. ટિપોઈ પડી ગઈ એનો અવાજ થયો અને માથે હું ઊભો હતો એટલે વધારે અવાજ થયો.’
એ અવાજ સાંભળી થોડું હસી ને પૂછ્યું : ‘તમને કંઈ થયું તો નથી ને ?’
મેં સ્મિતસહ જવાબ આપ્યો : ‘તને લાગે છે કે મને કંઈ થાય ?’ પણ ત્યાં જ એની નજર નીચે જમીન પર પડેલા પીંછા પર પડી.
‘આ શું છે ? ક્યાંથી નીકળ્યું ?’
‘કંઈ નહીં. એક જૂની બુકમાંથી નીકળ્યું. કૉલેજકાળમાં સંઘરેલું હશે એટલે મળ્યું, પણ હવે એની જરૂર નથી એટલે નીચે ફેંકી દીધું. નકામું છે.’ મેં કહ્યું.
કંઈક સ્મિત સાથે તે બોલી : ‘ના રે ના, નકામું થોડું છે. કેવું સરસ છે જુઓ ને ! આને કંઈ આમ ફેંકાય થોડું ?’ એણે નીચે નમીને હાથમાં ઉપાડ્યું.
‘તો શું કરીશ એનું ?’ મેં થોડા ગુસ્સામાં પૂછ્યું.
‘કંઈ નહિ, સાચવીશ. જીવની જેમ સાચવીશ. તમારા કરતા પણ વધારે કાળજીથી તમારી યાદ માનીને રાખીશ.’ તે પીછાંને પંપાળતી પંપાળતી રૂમની બહાર નીકળી ગઈ અને હું એમ ને એમ અવાચક બનીને એને જોઈ રહ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાચન શિબિરની મુલાકાતે – મૃગેશ શાહ
ગરીબ છોકરી અને શિયાળાની રાત – ડૉ. આઈ. કે. વીજળી વાળા Next »   

21 પ્રતિભાવો : પીછું – પાર્થ પુનાલાલ ગોલ

 1. સરસ રચના……તદન સ્વાભાવિક વેગથી વાંચતા વાંચતા ક્યારે વાર્તા પૂરી થઈ ગઈ એ જ ખબર ના પડી.

 2. પાર્થભાઈ, … હવેથી તમારી કલમથી નીકળેલી દરેક વાર્તાની કમ સે કમ મને તો કાયમ ઈંતેજારી રહેશે !!… keep up the best of urs …

 3. Vikram Bhatt says:

  પ્રસંશનીય પ્રયાસ.
  Keep it up young boy,,,

 4. ચાંદસૂરજ says:

  બંધુશ્રી પાર્થભાઈ,
  આપની મુલાયમ યાદોના આ પીંછડાએ મનના પેટારામાં સંઘરાયેલાં કઈક મોરપીંછોને જાણે વાચા આપી અને યાદોના રંગોથી ભરી દીધા.

 5. ArpitaShyamal says:

  Just Beautiful…Amazing…no words for it…different type of love story..
  keep it up Parth…..All the best for bright future…

 6. Rupal says:

  ેVery nice story. Keep it up.

 7. Payal says:

  પાર્થ,
  તમે તો મરજીવા ની અદા થી સંસ્મરણ ના સાચા મોતી લઈ આવ્યા…
  ખુબ સુંદર..

 8. pragnaju says:

  પાર્થની સુંદર કૃતિ.
  વાંચતા શેર યાદ આવ્યો.
  ’પહુંચ ગયા હૈ વો ઉસ મંઝિલે તફક્કુર પર
  જહાં દિમાગ ભી દિલકી તરહ ધકતા હૈ’
  હજુ તો એનાટોમી,પુસ્તક,પીંછુમાંથી ઈરવીન હોસ્પીટલમાં જશો ત્યારે ચેતન પ્રેરણાઓ મળશે…
  સાહીત્યની કલમ પકડી રાખશો.
  ઈફ્તદા ઈતની અચ્છી હુઈ…
  અંજામ અચ્છા હી હોગા…

 9. ભાવના શુક્લ says:

  પીછાની નિયતી પણ ક્યા ક્યા જઈ મળી!!!!!!
  બીતે હુએ લમ્હોકી કસક યાદ તો હોગી..ખામોશી મે હો ચાહે મુલાકાત તો હોગી..

 10. Rajesh Trivedi says:

  nice luv story, no crying, no waiting, no laughing, no quarrelling but still just luving……..

 11. RAJESH,SHAH.VAPI says:

  PICHANI SATHE SATHE MAN PAN PANKHO LAGAVI ALOKIK DUNIYAMA VIHARRI RAHU.DHANYAVAD

 12. Dipak Parikh says:

  ભુતકાળની યાદોને તાજા કરવાનો ખુબજ સરસ પ્રયાસ.મને પણ મારી કૉલેજના દિવસો યાદ આવી ગયા.keep it up! Congratulations.

 13. Bhavin says:

  સો સિમ્પ્લ, its going going and story comes to end… very good.. well done

 14. MINTI says:

  HEY PARTH YOUR STORY IS REALLY VERY INTRESTING.
  KEEP IT UP.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.