ઘડિયાળ – જ્યોતીન્દ્ર દવે
‘કેટલા વાગ્યા, ખબર છે ?’
‘દોઢ થઈ ગયો.’
‘હવે સૂઈ જાઓ. પછી કાલે ઉઠાશે નહિ.’
‘પણ હજી ઊંઘ આવતી નથી અને છ જ પાનાં બાકી છે.’
‘તે કંઈ નહિ, પણ હવે સૂઈ જાઓ. દોઢ થઈ ગયો !’
****
‘હવે ઊઠવું છે કે નહિ ?’
‘હજી ઊઠવાનું મન થતું નથી.’
‘પણ નવ થવા આવ્યા. પછી ઑફિસ જતાં મોડું થઈ જશે.’
‘પણ હજી ઊંઘ બરાબર ઊડી નથી.’
‘એ તો ચા પીશો એટલે ઊડી જશે. ખબર છે, નવ વાગી ગયા !’
****
‘દશ થયા હોં ! હજી નાહ્યા નથી ? આજે જરૂર મોડું થવાનું.’
‘જમવા આવવું છે કે નહિ ? સાડા દશ થવા આવ્યા.’
‘પણ મને ભૂખ નથી.’
‘કંઈ નહિ, બે કોળિયા ખાઈ લો.’
****
‘કેટલું મોડું થયું ? હું તો ફિકર કરી કરીને અડધી થઈ ગઈ.’
‘કેમ ? હજી તો સાડા સાત જ થયા છે !’
‘હા, પણ રોજ સાડા છએ આવો છો ને સાડા સાત થઈ ગયા છતાં ન આવ્યા, તે અમને કેટલી ફિકર થાય ?’
‘આજે જરા કામ વધારે હતું તેથી મોડું થઈ ગયું.’
‘હું તો ક્યારની ઘડિયાળ સામે જોઈ જોઈને ચિંતા કર્યા જ કરું છું કે થયું શું ?’
****
રાતે સૂતાં પહેલાં રોજ ઘડિયાળને ચાવી આપતાં હું મનમાં ખાંડ ખાઉં છું કે, હું ઘડિયાળને કૂંચી આપી ચલાવું છું; પણ વસ્તુસ્થિતિ એથી ઊંધી છે. ઘડિયાળને હું નહિ, પણ મને ઘડિયાળ ચાવી આપીને ચલાવે છે. એ કહે છે, ત્યારે મારે ઊંઘી જવું પડે છે – ઊંઘ આવતી હોય કે નહિ તો પણ. એની આજ્ઞા થાય ત્યારે મારે ભૂખ લાગી હોય કે નહિ, તોયે જમવા બેસવું પડે છે. ગમે તેટલી ઊંઘ આવતી હોય તોય એ હુકમ કરે છે, ત્યારે મારે પરાણે પણ પથારીનો ત્યાગ કરવો પડે છે. કાળની ગતિ માપવાનો ડોળ કરતી એ આપણને ગતિમાન કરે છે. ‘कालो न यातो वयमेव याता:’ વખત જતો નથી, આપણે જ જઈ રહ્યા છીએ.’ આપણે માનીએ છીએ કે ઘડિયાળ આપણી ચલાવેલી ચાલે છે, પણ ખરી રીતે એના દોર્યા આપણે જ ચાલીએ છીએ.
કહે છે કે, યંત્રવાદે માણસોને યંત્ર જેવા બનાવી દીધા છે. એમાંયે ઘડિયાળે તો હદ વાળી છે. એણે મનુષ્યનો પૂર્ણપણે કબજો લઈ લીધો છે. બર્નાર્ડ શૉએ એક સ્થળે લખ્યું છે : ‘સ્ત્રીજાતિની પુરુષવર્ગ ગુલામી કરે છે, એથી વધારે અધમ ગુલામગીરી દુનિયામાં બીજી હશે ખરી ?’ પરંતુ ઘડિયાળની ગુલામી મનુષ્યજાત કરી રહી છે, તેથી વધારે ગુલામી બીજી કોઈ નહિ હોય અને છતાં જે મનુષ્ય અથવા જે પ્રજા એની ગુલામી વધારે દઢતાથી પાળે તે મનુષ્ય અથવા તે પ્રજા વધારે સંસ્કૃત ને સભ્ય ગણાય ! ઘડિયાળના શાસનનું ઉલ્લંઘન કરનાર ક્રાંતિકારી તરીકે માન ન પામે એટલું જ નહિ, પણ અસભ્ય, જંગલી ને અણઘડની ઉપાધિ પણ મેળવે !
એક વખત એક પ્રતિષ્ઠિત ગૃહસ્થે મને મળવા બોલાવ્યો હતો. હું એમને ત્યાં એમણે આપેલા સમયે ગયો, ત્યારે એ નહોતા. તપાસ કરતાં એમના મુનીમે કહ્યું : ‘હમણાં જ તમારી વાટ જોઈને ચાલ્યા ગયા.’
‘કેમ ? મને બાર વાગ્યે મળવાનું કહ્યું હતું ને ? બાર હજી હમણાં જ થયા.’
‘ના સાહેબ, અત્યારે બારના ઉપર ચાર મિનિટ થઈ ગઈ છે. બાર ને ત્રણ મિનિટ સુધી તમારી રાહ જોઈને પછી ચાલ્યા ગયા.’
‘ઓહો ! પાંચ મિનિટ પણ વાટ ન જોઈ ?’
‘પાંચ મિનિટ !’ આશ્ચર્યની અવધિ દર્શાવતાં મુનીમ બોલ્યા : ‘પાંચ મિનિટ મારા શેઠ રાહ જુએ ! તમે એમને ઓળખતા નથી ?’
‘ના, આ રીતે તો નથી જ ઓળખતો.’
‘એમનું કામ બરાબર ટાઈમસર – એમાં જરા પણ હેરફેર થાય તે એમનાથી ખમાય નહિ. ઊઠવાનું છ વાગ્યે, પોણા છએ નહિ ને સવા છએ પણ નહિ; દાતણ કરવાનું છ ને પાંચ મિનિટે; ચા પી લેવાની છ ને પંદર મિનિટે; જમવાનું દશ વાગ્યે – દશમાં પાંચ કમે નહિ ને દશ ઉપર પાંચે નહિ; પેઢીએ જવા માટે અગિયાર ને અગિયાર મિનિટે નીકળે – તેમાં અગિયાર ને દશ મિનિટ કે અગિયાર ને બાર મિનિટ થાય તે ન ચાલે. સમજ્યા ?’
‘હા, સમજ્યો. આટલી ચોક્કસ તો ઘડિયાળ પોતે પણ ન રહી શકે. અને… તમારા શેઠે આમ મરવાનો વખત પણ બરાબર નક્કી કરી મૂક્યો હશે ?’ મેં કહ્યું ને જવાબની રાહ જોયા વગર ત્યાંથી હું ચાલી નીકળ્યો.
બધા માણસ છેક આવા ઘડિયાળરૂપ બની ગયા નથી હોતા. પરંતુ ઘડિયાળનો વત્તોઓછો પ્રભાવ તો આપણા સર્વ પર પડે છે. યંત્રોએ મનુષ્યને યંત્ર જેવો બનાવ્યો છે એ ખરું છે, તેમ એ પણ સાચું છે કે, મનુષ્યે યંત્રોમાં ઓછીવત્તી માણસાઈ પણ મૂકી દે છે. અને માણસને છેક યંત્ર સમો બનાવવામાં સૌથી વધારે સફળતા મેળવનાર ઘડિયાળ પોતે બીજાં સર્વ યંત્રો કરતાં વધારે માણસાઈભરી લાગે છે. ઘણી વાર તો એ યંત્ર નથી, પણ કોઈક ઈચ્છાશક્તિવાળું પ્રાણી છે, એમ પણ લાગી આવે છે.
આપણી ખરેખરી સહચરી, પત્ની કરતાં ય વધારે, ઘડિયાળ છે. ઘરના ઓરડામાં, શાળામાં ને ઑફિસમાં, નાટ્યશાળામાં ને દવાખાનામાં બધે ઘડિયાળ હોવી જ જોઈએ. એટલું જ નહિ, પણ આપણા હૃદયની પાસે રહી ગજવાનો કબજો પણ સ્ત્રી કરતાં વધારે હકથી એણે લીધો છે. પત્ની તો એક વખત લગ્નસમયે કરગ્રહણ કરે છે. આ તો રોજ કરગ્રહણ કરી કર પર ચડી બેસે છે. ગૃહિણી વગરનું ગૃહ, કહેવત રચનારા ગમે તે કહે તોયે, હોઈ શકે; ઘડિયાળ વગરનું નહિ. બૈરીની ટકટક ન સાંભળીએ તો ચાલે, પણ ઘડિયાળની ટકટક સાંભળ્યા વગર છૂટકો જ ન થાય. અને ગૃહિણી, કાંતા કે પ્રિયા, કોઈ પણ કરતાં એને સાચવવી પણ વધારે કાળજીથી પડે.
સ્ત્રીની પેઠે ઘડિયાળ જાતે જ અલંકારરૂપ છે, છતાં એ જવાહિરની શોખીન છે. માતા કે પત્નીની પેઠે એ જગાડે છે ને ઊંઘાડે છે. એ ગભરાવે છે, ને આશ્વાસન પણ આપે છે; ઘરની બહાર કાઢે છે ને ઘેર જવાની ઉત્કંઠા પણ કરાવે છે. પારકાના ઘરમાં નજર કરવા એ આપણને પ્રેરે છે. એને પોતાનો અવાજ સાંભળવો ગમે છે ને આપણને તે સંભળાવવા પણ આતુર રહે છે. કાંટા બે હાથ સમા પહોળા કરી જાણે એ કાંઈ માગતી હોય એમ આપણને લાગે છે. પ્રિયતમાની પેઠે એને પણ એક વાર જોઈને કોઈ ધરાતો નથી. એના મુખદર્શનની ઉત્કંઠા વારંવાર થાય છે. પોતાના કોમલ અથવા ગંભીર સ્વરથી એ આપણા શ્રવણનું ને સુંદર મુખચંદ્ર વડે નયનનું રંજન કરે છે. સ્નેહ વિના એને ચાલતું નથી. સ્નેહના અભાવે એની કાર્યશક્તિ મંદ પડી જાય છે. એ ઘરમાં હોય તો એકાંત લાગતું નથી. રાતના કોઈ ન હોય ને ઊંઘ ન આવતી હોય, ત્યારે એના અવાજથી આપણને હૂંફ મળે છે ને આપણને એકલા જ નથી એવું લાગે છે.
રસશાસ્ત્રમાં નાયિકાના ભેદ પાડ્યા છે, તેવા ઘડિયાળના પણ પાડી શકાય. કેટલીક મુગ્ધા અજ્ઞાત યૌવના જેવી હોય છે, તો ઘણી ખરી ખંડિતા પણ હોય છે. રૂપગર્વિતા તો લગભગ બધી જ હોય છે – રૂપ હોય કે ન હોય તોયે રૂપનો ગર્વ તો એને હોય જ છે. કેટલીક એવી શરમાળ હોય છે કે, આપણો હાથ અડકે એટલે ગભરાઈને અટકી જાય. ધીરા-અધીરાના ભેદ તો લગભગ બધાના અનુભવમાં આવ્યા છે. તમે ગમે તેટલી સમજાવો, પટાવો, ધમકાવો, ઘડિયાળી પાસે લઈ જઈ દુરસ્ત કરાવો, તોયે કેટલીક ઘડિયાળો એવી હોય છે કે જે રોજ મોડી જ જવાની; કેટલીક એથી ઊલટી રીતે, હંમેશ વહેલી જ ચાલવાની. સમયની સાથે રહેવાનું જાણે એ શીખી જ ન હોય એમ લાગે છે. કેટલીક પ્રગતિવાદી હોય છે, એટલે ચાલુ સમય કરતાં કલાક અડધો કલાક આગળ રહેવું જ જોઈએ એવો એનો દઢ નિશ્ચય થઈ ગયો હોય છે. ત્યારે બીજી કેટલીક પ્રાચીનતાની પૂજારી હોય છે ને એની નજર હંમેશ ભૂતકાળ તરફ જ રહે છે.
પણ સર્વથી અદ્દભુત ઘડિયાળ તો હમણાં મારી પાસે આવી છે તે છે. એણે બન્ને લક્ષણોનો ઘણો સુંદર સમન્વય સાધ્યો છે. ધીરા-અધીરા બંને નાયિકાના ગુણો એણે પોતાનામાં ઉતાર્યા છે, બે દહાડા એ આખા ગામની ઘડિયાળો કરતાં આગળ રહે છે ને ત્રીજે દહાડે એકદમ સૌની પછવાડે આવી જાય છે. આજે અડધો કલાક વહેલી હોય તો આવતી કાલે વીસ વીસ મિનિટ મોડી પણ પડે. એના પર કોઈ રીતે ભરોસો રાખી શકાય જ નહિ. અને ક્યારે વહેલી જશે અથવા ક્યારે મોડી જશે એનો પણ કંઈ નિયમ નહિ. ટકોરા વગાડવાની બાબતમાં તો એ અદ્દભુત અનિશ્ચિતતા દાખવે છે. એ ક્યારે ટકોરા વગાડશે એ કહી શકાય નહિ.
એક વખત એણે અમારે ત્યાં આવેલા મહેમાનને ગભરાવી મૂક્યા હતા; એમને સવારની ગાડીએ જવાનું હતું. પાંચ વાગ્યે ઊઠવાનો નિશ્ચય કરીને અને એ નિશ્ચયપાલનમાં અમારે બધાંએ યોગ્ય સહાય કરવી એવું અમારી પાસેથી વચન લઈને એ નિશ્ચિતતાથી સૂઈ ગયા. ‘છ થઈ ગયા ને મને કોઈએ જગાડ્યો નહિ – અરે ? ઊઠો ઊઠો, છ વાગી ગયા ?’ એમ બૂમબરાડા પાડી એમણે મને જગાડ્યો.
‘અરે ! હજી તો હું હમણાં જ સૂતો છું આટલી વારમાં છ શી રીતે થાય ?’ એમ અહી હું ઊભો થયો.
‘અરે ! હમણાં જ મેં ઘડિયાળમાં છના ટકોરા સાંભળ્યા ને !’ એમણે કહ્યું અને દીવો કરી ઘડિયાળ આગળ જઈ જોયું તો સવાત્રણ થયા હતા !
‘હજી તો બહુ વાર છે !’ એમ કહી અમે બન્ને પાછા નિદ્રાધીન થઈ ગયા. થોડી વારે ‘ચાલો, હવે તો ખરા પાંચ થયા’ કરીને એમણે મને પાછો જગાડ્યો, આંખ ચોળતાં ચોળતાં આસપાસ પ્રસરી રહેલું ગાઢ અંધારું જોઈ મેં કહ્યું : ‘નહિ, હજી ઘણી વાર છે.’
‘ના, આ વખત તો આઠ ટકોરા થયા. ત્રણ વાગ્યે છ ટકોરા થાય, તો આઠ ટકોરા થાય ત્યારે પાંચ વાગ્યા સમજી લેવાનું. તમારી ઘડિયાળમાં ત્રણ ટકોરા વધારે થાય છે.’
‘તમે ભૂલો છો.’
‘ઊંહું, આપણે જોઈએ.’
ફરી દીવો સળગાવી અમે ઘડિયાળ આગળ જઈ જોયું તો ચારમાં દશ કમ હતી ? અને તે પછી તો જાણે રસ પર ચડી હોય તેમ સવારના સાત સુધી એણે સતત ટકોરા વગાડ્યા જ કર્યા. મારા મહેમાને એકવાન સુધી ગણીને, મેં એકસો ને તેંતાળીસ સુધી ગણ્યા પછી આગળ ગણવાનો પ્રયત્ન છોડી દઈ ઊંઘવાનો યત્ન કરવા માંડ્યો ને પછી ઊંઘવાનો યત્ન છોડી દઈ વાત કરવાનો યત્ન કરવા માંડ્યો ને છેવટે વાત કરવાનો યત્ન છોડી દઈ ફરી ઊંઘવાનો યત્ન કરી જોયો. પણ એ દરમિયાન અમને કોઈને ઘડિયાળને વાગતી અટકાવવાનો યત્ન કરવાનું સૂઝ્યું નહિ ? હમણાં કેટલા દિવસથી એ ઘડિયાળને કૂચી આપવાનું છોડી દીધું છે, પણ એની જીવવાની લાલચા એવી પ્રબળ છે કે, હજી એ ચાલ્યા જ કરે છે !
જરાજરામાં કમાન છટકી જાય એવી પણ કેટલીક હોય છે. તમે એની સામું જુઓ કે એની કમાન છટકી જવાની. કેટલીક બહુ આળસુ હોય છે. એને પડી રહેવું જ ગમતું હોય છે. એને ઊભી રાખો તો એ નહિ ચાલે. ભીંતે લટકાવો તો એ અટકી પડશે; પણ ટેબલ પર કે બીજે કોઈ સ્થળે એને સુવાડી દો એટલે એ તરત ચાલવા માંડશે. જેને વારેવારે શરદી થઈ જાય એવી નાજુક તબિયતની ઘડિયાળ પણ મેં જોઈ છે. શિયાળાના દહાડામાં એને ઘણુંખરું શેક કરવો પડતો. સગડી આગળ લઈ જઈ એને જરા ગરમાવો આપવામાં આવે, તો બે કે ત્રણ દિવસ માંડમાંડ ચાલીને પછી એ અટકી જ પડે !
પ્રત્યેક ઘડિયાળને પોતપોતાનું વ્યક્તિત્વ હોય છે. દરેકના દેખાવ ને સ્વભાવ જુદા હોય છે ને જોનારાના હૃદયમાં તે ભાવ પણ જુદા જુદા ઉત્પન્ન કરે છે. કેટલીક નાની બાલિકા જેવી સરળ ને નાજુક દેખાય છે, કોઈક યૌવનની મસ્તીથી ભરેલી તો કોઈક ઠરેલ ને ઠાવકી પ્રૌઢા, તો કેટલીક મરવાને વાંકે જીવતી હોય એવી વૃદ્ધા સમી પણ દેખાય છે. કોઈક આપણી નજર આખો વખત ખેંચી રાખે એવી હોય છે તો કોઈક એના સામું જોવાનુંયે મન ન થાય એવી હોય છે. કોઈક લલચાવે એવી હોય છે, તો કોઈક ક્ષોભ ઉત્પન્ન કરે એવી પણ હોય છે. ઘણા વખત પર અમારે ત્યાં એક મોટી ઘડિયાળ હતી. ધીર, ગંભીર, પ્રૌઢ, દમામદાર એવી એ ઘડિયાળોનો રણકો પણ એવો જ ભવ્ય ને ગંભીર હતો. સાંભળનાર પણ બે ઘડી થંભી જતો. અમારો નોકર એ ઘડિયાળવાળા ઓરડામાં જતાં ગભરાતો અને એના ટકોરા સાંભળી થોડી વાર ચૂપ બની જતો.. મેં એને એક વખત પૂછ્યું : ‘અલ્યા તું આ ઘડિયાળ જોઈને આટલો ગાભરો કેમ થઈ જાય છે ?’
‘મને આ ઘડિયાળ દેખીને મારી સાસુ સાંભરી આવે છે !’ એણે જવાબ દીધો.
‘હેં ? સાસુ ? આ ઘડિયાળ જોઈને તને સાસુ સાંભરી આવે છે ? પણ તેમાં ડરે છે શું કામ ?’ મેં સવાલ કર્યો.
‘મારી સાસુનું મોં બરાબર આ ઘડિયાળ જેવું જ છે ને એનાથી હું કોણ જાણે કેમ પણ ગભરાઉં છું બહુ. એથી તો આજ કેટલાં વરસથી સાસરે જતો નથી; ત્યારે મારી સસરી એ અહીં આવી !’
મતભેદના વિષયમાં તો એ વિદ્વાનોને પણ ટપી જાય એવી હોય છે. બે વિદ્વાનો કોઈક વાર એકાદ બાબતમાં એકમત થાય, પણ બે ઘડિયાળ કદાપિ એકસરખી નહિ ચાલે. આપણામાં કહેવત છે, કે ‘કપાળે કપાળે જુદી મતિ’ તેમ કહી શકાય કે ‘ઘડિયાળે ઘડિયાળે જુદો વખત.’ અમેરિકાના પહેલા પ્રમુખ વિશે અનેક સાચીજૂઠી વાતો રચાઈ છે. તેમાં એક એવી છે કે, એનો કારભારી હંમેશ મોડો આવતો. એક દિવસે એને વેળાસર આવવાનું સૂચન કર્યું. કારભારીએ પોતાનો બચાવ કરતાં ઘડિયાળનો વાંક કાઢ્યો ને કહ્યું : ‘ઘડિયાળ મોડી હોવાથી મને મોડું થાય છે.’
‘તો તમે ઘડિયાળ બદલો અથવા મારે કારભારી બદલવો પડશે.’ પ્રમુખે જવાબ વાળ્યો ને એ કિસ્સો અમર થઈ ગયો.
પણ આ પ્રમુખની બુદ્ધિમત્તા એનું ચારિત્ર્ય એની ઉદ્યોગપરાયણતા ઈત્યાદિ ઈત્યાદિ વિષે બહુ માન છતાં કહેવું જોઈએ કે ઘડિયાળ વિષેનું એનું જ્ઞાન અત્યંત સંકુચિત હોવું જોઈએ. બીજી ઘડિયાળ હંમેશાં સાચો સમય બતાવે એવી જ આવશે એ વિષે એને ખાતરી હતી ? અને એની પોતાની ઘડિયાળ સાચી ને એના કારભારીની ખોટી એમ એણે કેમ માની લીધું ? કદાચ ધારી લઈએ કે બીજી બધી ઘડિયાળ કરતાં એ કારભારીની ઘડિયાળ મોડી હતી, એટલે કે લઘુમતીમાં હતી, તો કહેવું જોઈએ કે એમાં પણ બહુમતીના જોરે સત્યનો નિર્ણય કરી શકાય ? ખરું જોતાં, જેના પર આખી દુનિયા વધારેમાં વધારે વિશ્વાસ મૂકી પોતાનાં સર્વ કાર્યો કરે છે, તે ઘડિયાળ સૌથી ઓછામાં ઓછી વિશ્વાસને પાત્ર છે અને એક ઘડિયાળને ખરી માની બીજીને ખોટી ઠેરવનાર આપણે કોણ ? એટલું જ નહિ, પણ જ્યાં પંદરસત્તર ઘડિયાળ જુદોજુદો વખત દર્શાવતી આપણી સામે ઘૂરકી રહી હોય, ત્યાં કોનું માનવું ને કોનું નહિ ? દાખલા તરીકે, આજે હું ઘેરથી ઘડિયાળમાં અગિયાર જોઈને નીકળ્યો અને ફક્ત મારા મહોલ્લાની જ આઠ ઘડિયાળો જોઈ, તે તેમાં નીચે પ્રમાણે વખત થયો હતો : પહેલીમાં 10-45, બીજીમાં 11-5, ત્રીજીમાં 11-3, ચોથીમાં 10-52, પાંચમીમાં 11-15, છઠ્ઠીમાં 10-49, સાતમીમાં 11-35 ને આઠમીમાં 9-45 ! આમાં મારે શું સમજવું ? હજી વધારે ઘડિયાળો જોઈ હોત તો તો આથીયે વધારે ગૂંચવણ ઊભી થાત એના કરતાં નવ ને બારની વચ્ચેનો સમય થયો છે એમ માની મેં મનનું સમાધાન કર્યું ને વધારે પંચાત કર્યા સિવાય કેટલા વાગ્યા છે એનો વિચાર કરવો માંડી વાળ્યો.
નિરંતર ગતિ કરી રહેલા આ સંસારનું ઘડિયાળ બહુ ઉત્તમ પ્રતીક છે. હંમેશ એને ચાલ્યા જ કરવાનું, જરાય થોભવાનું નહિ. અટકે એટલે એ નકામી અને આટલી આટલી ગતિ કરીને ય જવાનું કશે નહિ. આખરે તો હતા ત્યાંના ત્યાં. પ્રગતિવાદીની પેઠે એ પણ ‘હું હંમેશ પ્રગતિ કર્યા કરું છું.’ એમ માનીને મલકાયા કરતી હશે; પણ આખરે તો ચક્રમાં પૂરાઈને એને ફર્યા કરવાનું જ છે. મનુષ્યો એકબીજા સાથે ભેગા થાય છે ને પાછા છૂટા પડી જાય છે. તેને માટે એક સંસ્કૃત કવિએ સમુદ્રમાં ભેગા મળતા ને ભેગા મળીને પાછા વિખૂટા પડી જતા લાકડાના ટુકડાની ઉપમા આપી છે. એને બદલે વારંવાર ભેગા થતાને પાછા છૂટા પડી જતા ઘડિયાળ કાંટાની ઉપમા આપી હોય, તો એ વધારે યુક્ત લાગે છે. ઘણી વાર એક કાંટો જાણે બીજા કાંટાને શોધવા પકડી પાડવા મથતો હોય એમ પણ લાગે છે ને તે જોઈને ગ્રીક ફિલસૂફે સ્ત્રી ને પુરુષને અવિભક્ત આત્માનાં બે અડધિયાં તરીકે ગણાવી એક અર્ધાત્મા બીજો અર્ધાત્માની શોધમાં ફરે છે એવી કલ્પના કરી છે તે યાદ આવે છે. અવિભક્ત સમય ભગવાનનાં આ બે અડધિયાં એકબીજાની શોધમાં ફરે છે, કવચિત ભેગાં થઈ જાય છે, પણ વિધિની (કે ઘડિયાળીની) ક્રૂર લીલાને બળે ફરી જુદાં પડે છે ને ફરી પાછાં ભટકે છે. એમની એ અનંત ભ્રમણા પૂરી થતી જ નથી !
હમણાં હમણાં ઘડિયાળો કોઈ ચોરસ, કોઈ અષ્ટકોણ, કોઈ લંબચોરસ એમ જાતજાતના ઘાટની આવે છે; પણ ઘડિયાળ તો ગોળ જ હોઈ શકે એવો મારા મનમાં પૂર્વગ્રહ બંધાઈ ગયો છે. કોણ જાણે કેમ ગોળ હોય તે જ ઘડિયાળ. બીજી બધી ઘડિયાળની વિકૃતિ-મજાક હોય એમ મને લાગે છે. નાનપણથી ઘડિયાળની ગોળાકૃતિ જોઈને એની બીજી આકૃતિ હોઈ જ ન શકે એવું મનમાં ભરાઈ ગયું છે. ઘડિયાળ ગોળ હોય તો જ એમાં કાંટા ઘાંચીની ઘાણીના બળદ પેઠે ફર્યા કરે ચોરસ કે ખૂણાવાળી ઘડિયાળ હોય તો કાંટા એના ખૂણામાં ભરાઈ બેસે અથવા એકાદ ખૂણો તોડી એમાંથી માર્ગ કાઢી નાસી જાય એવું મને લાગે છે.
ઈશ્વરે મનુષ્યને પોતાની આકૃતિ પ્રમાણે જ ઘડ્યો એમ કહેવાય છે, તે જ પ્રમાણે મનુષ્યે પોતાની મુખાકૃતિ પરથી જ ઘડિયાળના મુખની આકૃતિ પણ નક્કી કરી છે અને એ આકૃતિ બદલવી એટલે મનુષ્ય ને ઘડિયાળ વચ્ચેના સામ્યને ધોકો પહોંચાડવા જેવું છે એમ મને લાગે છે. શૂન્યમાંથી સૃષ્ટિ સરજાઈ એ વાત પણ મીંડા જેવી ઘડિયાળ સમજાવે છે. અને એક રીતે આપણે સૌ પણ ઘડિયાળો જેવા જ છીએ ને ? કોઈકે આપણને ચાવી આપી દીધી છે અને તેથી આ સંસારચક્રમાં પડી આપણે ચાલ્યા જ કરીએ છીએ. સંસારના અનાદિ અનંત ચક્રમાં આપણે નિરંતર ભ્રમણ નિરુદ્દેશ ને નિરુપાય, ક્યાં જઈએ છીએ. કોણ કહી શકે કે માનવજીવનના આ અનવરત ભ્રમણનો ઉદ્દેશ શો છે, ક્યે સ્થાને જઈએ અટક્શે ? આપણને આપેલી ચાવી ઊતરી જશે એટલે ભ્રમણામાંથી મુક્તિ મળશે, એમ માની મનનું સમાધાન કરી લઈએ છીએ ને એને મોક્ષનું મોટું નામ આપી ધર્માધર્મ, નીતિઅનીતિ, કાર્યાકાર્ય આદિના નવા નવા કાંટાઓ સરજાવી તે વડે સમય જેવા જ અગમ્ય ને અનાદિ અનંત એવા મનુષ્યત્વનું માપ કાઢવા મથીએ છીએ.
મને નવાઈ લાગે છે કે, માનવજીવનની તુલના વિચારકોએ અનેક વસ્તુ સાથે કરી છે, પણ એને ઘડિયાળ જોડે કેમ નહિ સરખાવ્યું હોય ? બંને અનેક બાબતોમાં સરખાં જ છે.
Print This Article
·
Save this article As PDF
સરસ લેખ.
સમય સમય બલવાન, નહિ મનુષ્ય બલવાન.
કાબે અર્જુન લુટિયો, વહિ ધનુષ વહિ બાણ !!!
નયન.
ઘડિયાળની જનમ પત્રિકા વંચાઈ ગઈ.
Excellent article. Jyotindra Dave’s articles never fail to put a laugh on face.
ખૂબ જ રમુજી લેખ..
જ્યોતિન્દ્ર ભાઈ ની એક વધુ રમુજી વ્યંગ રચના.
….. Dave Saheb… “CHHATHI” Muki laage chhe “GHADIYAL ni”…Tyare paan TIME jova jevo hato…
kharu ne Neelaben…
અત્યારના યુગમા મશિન જેવુ જીવન જીવતા લોકો માટૅ ઍક્દમ અનુરુપ લેખ.
ખુબ ખુબ અભિનન્દન.
વાસ્તવિક,વ્યંગાત્મક, પ્રેરણાત્મક…….
ખૂબ મજા આવી ……
અનેકવાર વાંચેલો લેખ ફરી ફરી માણવાનું મન થાય.તેમની વ્યંગ રમુજ સાથેનો લેખ પ્રસન્નતા લાવે અને લગભગ દરેક લેખ પાછળ સનાતન સત્ય સહજતા-સરળતાથી સમજાય તે રીતે મુકેલું-સદા યાદ રહી જાય જેમકે -“માનવજીવનના આ અનવરત ભ્રમણનો ઉદ્દેશ શો છે, ક્યે સ્થાને જઈએ અટક્શે ? આપણને આપેલી ચાવી ઊતરી જશે એટલે ભ્રમણામાંથી મુક્તિ મળશે, એમ માની મનનું સમાધાન કરી લઈએ છીએ ને એને મોક્ષનું મોટું નામ આપી ધર્માધર્મ, નીતિઅનીતિ, કાર્યાકાર્ય આદિના નવા નવા કાંટાઓ સરજાવી તે વડે સમય જેવા જ અગમ્ય ને અનાદિ અનંત એવા મનુષ્યત્વનું માપ કાઢવા મથીએ છીએ.”
very funny. i love the kind of humor highly respected jyotindra dave has written. very witty, but very intelligent.
I liked this story very much hope you will write more stories
અરે ખુબ જ અદ્ભુત્.
Very few gujrati authors are humerous,,,one of them is Jyontindra Dave,,,nice article
I am very happy to find this website
Pls. stay connet with me by my mail id.
Heartly
Thank U
જ્યોતીન્દ્રભાઇ જેવા જ સમજાવી શકે કોઇ સંવેદનશીલ મુદા ને આમ સરળતાથી
અદભુત લેખક…….
Regards,
Nisheeth Pandya
Mumbai