- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વાત્સલ્યનો ઓઘ – ડૉ. પલ્લવી ભટ્ટ

[થોડા સમય અગાઉ ડૉ. પલ્લવીબેન(પેટલાદ, ગુજરાત)ના ‘મમ-વિશ્વ’ પુસ્તકમાંથી કેટલીક કૃતિઓ આપણે માણી હતી. આજે આપણે તેમના અન્ય પુસ્તક ‘વાત્સલ્યનો ઓઘ’ માંની એક રચના માણીશું. તેમની આ પ્રસ્તુત વાર્તા જુદી જુદી આઠ ભાષાઓમાં અનુવાદિત થઈ છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 2697 251793.]

ઝરમર ઝરમર બરફ વર્ષા થતી હતી. ગ્રીષ્મ સ્કૉટલૅન્ડમાંથી વિદાય થઈને જાણે શિશિરને પાછી મોકલવાનાં એંધાણ આપતા હતા. ઑલિવ અને ચિનારના વૃક્ષો પરથી પાન ઝટપટ ખરતાં જતાં હતાં. અહીંની દુનિયામાં પોતાનું સાધન ન હોય ત્યારે અવરજવરમાં મુશ્કેલ પડે. તમે જે જગ્યાએ હો ત્યાં એક ચોકી જેવું બૂથ જેવું હોય અને એક બૉક્સ હોય જે બૉક્સ પર ટેક્સી સ્ટેન્ડનો નંબર હોય. પૈસા એટલે કે એક પાઉન્ડ નાંખો અને ડિજિટ નંબર લગાવો પછી તમે જે સ્થળે હો ત્યાં ટૅક્સી લેવા આવે.

જ્યારે લંડનમાં આવવાનું થાય ત્યારે પ્રત્યોશા અને ચંદ્રમૌલિની યજમાન બનું. બન્ને મારા બાળમિત્રો, હવે દંપતીમિત્રો, સરસ મૈત્રી બંધાયેલી છે. એક જ પરિવારના હોઈએ એવો એકબીજા માટેનો ભાવ અને આદર છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં બપોર પછી આવું એટલે સાંજે બન્નેમાંથી જે વહેલા પરવારે તે મને લેવા આવે.

આજે ઠંડીનો જબ્બર ચમકારો હતો. ફરનાં કપડાં પણ ધ્રુજાવી દેતાં હતાં. બે હાથ ઘસતી ઘસતી યુનિવર્સિટીના પ્રાંગણમાં ઊભી હતી. ત્યાં પ્રત્યોશા લેવા આવી અને હું એની સાથે ઘેર જવા માટે જોડાઈ. રસ્તા તદ્દન સુમસામ. માત્ર સર-સર-સર કારના અવાજો કાને અથડાતા હોય. રોજની જેમ આજે પ્રત્યોશાએ શિવકુમાર શર્માની ‘કૉબ ઑફ વૅલી’ ની કૅસેટ વગાડવી શરૂ કરી. મને આ કૅસેટ ખૂબ ગમતી. પહાડોની વચ્ચેથી ઝરણાંનો ખળખળ અવાજ જાણે આસપાસ બધું જ જીવતું કરી દેતો અને મનને નિરવની ક્ષણો મળતી. તેવા સમયે હું આંખો બંધ કરીને બેસતી પણ આજે ખુલ્લી આંખે અંદર ડૂબતી હતી. અને અહીંની યથાર્થતા સમજવા કોશિશ કરતી જે મને વલોણાની જેમ વલોવતી હતી.

પ્રત્યોશા બોલી : ‘જો કાલે તું ટૅક્સી લઈને અહીં આવે ત્યારે જરૂર અમને ભાવતાં થેપલાં કરજે.’ – મેં માત્ર ડોકું ધુણાવ્યું. ઘેર પહોંચ્યા આડી-અવળી વાતો થઈ અને સામેના ઘરના કાચના બારણામાં દેખાતું નાનું શિશુ હજુ મારા મનનો કબજો છોડી શકયું નહોતું. ચંદ્રમૌલિએ પ્રત્યોશાને કીધું, ‘આ તમારી સખી ક્ષિપ્રા શું વિચારે છે ?’
પ્રત્યોશા બોલી, ‘રામ જાણે ! ઘર યાદ આવ્યું હશે !’ એમની વાતો મારા કાને અથડાતી નહોતી. હું પે’લા શિશુમાં લયલીન બની.
ક્ષિપ્રા : ‘શું થયું છે ?’ કહી મને ઢંઢોળી.
‘કંઈ નહીં….’ અને મેં કાચના બારણામાંથી નીચેના ફલૅટમાં બંધ પેલા શિશુ તરફ આંગળી ચીંધી.
પ્રત્યોશા બોલી : ‘પાગલ છો. આમ એક દિ’ મરી જવાની.’
હું ખડખડાટ હસી. ‘એ તો સુંદર મરણ કહેવાય.’ અને પ્રત્યોશાના પતિ ચંદ્રમૌલિએ કહ્યું : ‘કેમ ?..’
મેં કીધું : ‘હવે તમે મારી બેનપણીના પતિદેવ. એ મારી બેન બરાબર ? તો એક સાળી તરીકે મદદ કરો ને !’

‘પ્લીઝ, પેલા શિશુને થોડો વખત આ ઘરમાં રાખું ? એની મા મારા કરતાં વહેલા જાય છે. હું જ્યારે જાઉં છું એ પહેલાં આવે છે. એટલે એમની ગેરહાજરીમાં આ બાળકને સંભાળવું છે. પ્લીઝ, બાળક આમ કૃત્રિમ જીવન જીવે છે. એ મને નથી ગમતું. એના ઘરમાં ટી.વી. ચાલુ હોય, સ્ક્રીન પરના કાર્ટૂન જુએ. આટલા નાના બાળકની આંખ પર ટી.વી.ની લાઈટ અને એના રેઈઝની અસર એની આંખ પર કેવી પડે ! હજી તો એનો પૂર્ણ શારીરિક વિકાસ બાકી છે. એની આસપાસ દૂધની બૉટલ સવારથી ભરેલી હોય – એનો હાથ અફળાયને હાથ આવે તો ઠીક નહીં તો એના પોતાના જ વાળ તણીને રડ્યા કરે. રમકડાં હાથ આવે ન આવે. એના પેમ્પરમાં કુદરતી હાજત થઈ હોય તે એવાને એવા જ હોય તો ડાયપર કોણ બદલાવે ? અને એમાં એની કોમળ ચામડી કેવી થઈ જાય ? એ બધું હું જોઈ શકતી નથી. જુવો, આ રૂંવાડાં ઊભાં થઈ જાય છે. મારા ભાઈ શેઠ મને મદદ કરોને, બે હાથ જોડું…પ્લીઝ.’

ચંદ્રમૌલિ : ‘તારી વાત ક્ષિપ્રા સાચી છે. અહીંની દુનિયાની નક્કર વાસ્તવિકતા આ છે. અહીં કશું જ સલામત કે સ્થિર નથી. દરેક ક્ષણે નોકરી જવાનો ભય હોય છે ને અસ્તિત્વ ટકાવવા લાગણી પર કુઠરાઘાત કરવો પડે છે. પછી મા હોય તોય તેણે તેનું માતૃત્વ ભૂલવું પડે. તું સાચવે એની કદર કોણ કરે ? ક્યારેક એને વાગે કે માંદુ પડે, તો તું મુશ્કેલીમાં મુકાય અને અહીંના કાયદા માનવહક્ક અને સલામતી તરફ વધુ છે. અમે પણ તને બચાવી ન શકીએ.’
મે કીધું : ‘જુઓ તમે બંને જણાં, હું છું, આપણે ખરે જ સરળ નિખાલસ હોઈએ તો શા માટે કોઈ જુદું વિચારે ? કદાચ એ મા પણ મૂંઝાતી હોય વિધેયાત્મક વિચારને…’ એમની વાત માનવા મારું અંતર તૈયાર નહતું. ઘરેથી બહાર જતાં-આવતાં લિફટમાં એ ફ્રેન્ચ પરિવાર મળતો. બેનનું નામ ઍન હતું એના પતિનું નામ ફિલિપ હતું. બંને અહીં ગર્વમેન્ટ જૉબ કરતાં હતાં. બંનેનો સર્વિસ ટાઈમ એક હતો માટે ના છૂટકે બાળકને ઘરમાં એકલું પૂરીને જતાં અને ‘બેબી-સીટર’ પસંદ ન હતું.

અમે મળતાં ત્યારે એકબીજાને ‘ગુડમોર્નિંગ કે ‘ગુડ આફટરનૂન’ કહેતાં, એક દિવસ મેં હિંમત એકઠી કરીને કહ્યું : ‘Mrs. Anne I like to care your little one. Will you please accept it ?’ અને હસતાં હસતાં એ બોલી, ‘Oh really ?’ કહીને એણે ‘yes, yes’ કહી દીધું અને હું આનંદવિભોર બની ગઈ. સાંજે એ પ્રત્યોશાને મળવા આવી. ચંદ્રમૌલિ અને પ્રત્યોશાએ મને ખૂબ સમજાવી ને એમાં ન પડવા કહ્યું પણ હું એકની બે ન થઈ. ફિલિપે ચંદ્રમૌલિને પૂછ્યું કે કેટલા પાઉન્ડ મારે આ તારી યજમાનને આપવાના છે ? એટલે ચંદ્રમૌલિએ મારી સામે જોયું અને મેં કીધું, ‘Nothing.’ પછી ગુજરાતીમાં માત્ર બોલી, ‘આકાશ ભરીને માત્ર પ્રેમ.’

ઍન જતાં પહેલાં એનું બાળક આપી જાય ને સાથે એની બધી સામગ્રી હોય, રમકડાં, પેમ્પર, દૂધની બૉટલ, જ્યુસ, બધું જ… એને આ બેબી ચૅરમાં આસપાસ કામ લઈને ફરું ને કંઈ કંઈ ગાઉં. ઘરમાં યંત્રસામગ્રી હોવાથી ઘરનું બધું જ કામ એકદમ સરળ બની જાય અને બાળમિત્ર સાથે રમત શરૂ થાય. એની સાથે રમતાં રમતાં બાળગીતો-હાલરડાં ગાઉં. એમાં ખાસ ગિજુભાઈ બધેકાનાં બાળગીતો હોય. ‘ચક્કી ચોખા ખાંડે છે, પીતાંબર પગલાં પાડે છે, મોર ચણ ચણે છે, ઢેલ પાણી ભરે છે, ભાઈના ન્હાનો હબુક કોળિયો…’ કહીને એને જ્યુસ પિવડાવું અને ભઈલુ ખડખડાટ હસે, આંખો ચોળે ત્યારે ખભા પર સુવાડી ચાલતાં ચાલતાં ઝવેરચંદ મેઘાણીનું ‘શિવાજીનું હાલરડું’ ગાઉ. આ બધું જ બીજા બાળમિત્રો જુએ, જેઓ ફલેટના પેસેજનાં રમતાં હોય એમની સામે આંખ મળે અને હસુ.

એક દિવસ એક બાળમિત્રે હિંમત કરીને કહ્યું, ‘Shall we come ?’ અને મેં ‘yes’ કહી બારણું ખોલ્યું. સુઆન, મોના વગેરે બાળમિત્રો સાથે ક્યારેય ભાષા ન નડી. એમને હિતોપદેશ, પંચતંત્રની વાર્તા કહું. ક્યારેક વૈતાલપચ્ચીસીની વાર્તા કહું. ભારતમાં બાળપણમાં કેવું સરસ રમતાં એની વાતો કરતી. મોટું ચોગાન હોય, વડલો હોય અને એની આસપાસ આંબલી-પીપળીનો દાવ રમીએ. પાંચીકાથી રમીએ, ભમરડાથી રમીએ અને સંતાકૂકડી રમીએ. પછી તો અહીં પણ સંતાકૂકડીઓ, થપ્પાની રમત શરૂ થઈ. આ બાળમિત્રોની આંખમાં હું અજબની ચમક જોઉં, પરિતોષનો ભાવ અનુભવું. આપણે બધા રાતોરાત મોટા બનવામાં આ બાળજગતને કેટલો અન્યાય કરીએ છીએ એનું ભારે દુ:ખ થતું.

એક દિવસ ઍને કહ્યું કે ભારત જેવી કુટુંબવ્યવસ્થા અહીં નથી એટલે વાત્સલ્યનું સોરામણ અહીંની વ્યક્તિમાં એના જન્મ સાથે જ જોડાયેલું છે. એટલે જ કેટલાક પ્રશ્નો પહાડ જેવડા હોય છે. ઍન એ વાત સ્વીકારતી હતી. ઘરમાં બાળકો એકબીજાના શર્ટ, ફ્રૉક પકડીને છૂક છૂક ગાડી રમતાં અને ‘છૂક છૂક સરસર ગાડી જાય.’ એવું ગુજરાતી આવડે એવું બોલી ગાતા. હવે ભઈલુ ભાંખોડિયા ભરતો થઈ ગયો એટલે ‘હાઉક’ કરે. ત્યારે મોના હસીને કહે, ‘હાઉ…કલી…ભઈલું…’ પછી મને કહે, right didi ? પ્રત્યોશા દીદી કહે એટલે આ બધાં એમ જ કહે.

સુખના દિવસો પક્ષીની ફફડાતી પાંખની જેમ સહજ રીતે ઊડી જાય છે અને એ ક્ષણ મારી પાસે આવી અને મેં બાળકોને કહ્યું : ‘હવે હું ઈન્ડિયા જઈશ. મારી રજા પૂરી થઈ ગઈ છે. વીઝા પૂરો થઈ ગયો છે.’ અને બાળકો સડક થઈ ગયાં. પછી ચંદ્રમૌલિએ સમજાવ્યું કે ‘ભારતમાં જુદાજુદા વસ્ત્રો પહેરેલી ઢીંગલીઓ મળે છે, તે લેવા દીદી જાય છે. આપણે Dall House બનાવીશું.’ આ વાત સાંભળી રોબિન ચિડાયો અને નાનો હોવાથી બિચારો શું કરે ? મારો ગૂંથેલો મોટો ચોટલો છોડીને ચાલી ગયો. એનાં મનની વાત સમજતી હતી. પણ જવું તો હતું જ. મને પણ ગમતું ન હતું. મનમાં થયું કે થોડી ક્ષણો સાચવીને એમને શા માટે આશા આપી ? પણ અંદરથી એટલો સંતોષ હતો કે જે પળો એમની સાથે પસાર કરી તે તદ્દન સ્વાભાવિક અને નૈસર્ગિક હતી તેનો માત્ર સ્પર્શ આપ્યો કે એમના બાળપણની સ્મૃતિમાં ક્યારેક સચવાઈ રહે – આ બધી ક્ષણો અને સ્મૃતિઓ – જે ક્યારેક એમને પ્રસન્ન કરે.

ભારે હૈયે લિફટમાંથી બહાર નીકળી ત્યારે બધાં જ બાળકો ત્રણ ચાર બોર્ડ લઈને ઊભાં હતાં :
‘Don’t go didi, we love you. Please don’t go.’
આ અમૂલ્ય નિધિ પ્રાપ્ત કરવી એ પણ એક સદનસીબ છે. જેની તોલે દુનિયાની બધી જ સંપત્તિ મારે માટે વામણી છે.

[ કુલ પાન : 47. કિંમત રૂ. 30. પ્રાપ્તિસ્થાન : ડૉ. પલ્લવીબેન ભટ્ટ, અભીપ્સા, 22, ગોકુલ સોસાયટી, સાઈનાથ રોડ. પેટલાદ 388 450. ફોન : +91 2697 251793.]