એક મીઠું પ્રકરણ – સુન્દરમ્

મુંબઈની ફેલોશિપ સ્કૂલ !
એ મારું મુંબઈનું પહેલું જ દર્શન હતું, 1931માં.
સત્યાગ્રહની લડતમાં ગામડાઓમાં આથડ્યા ભટક્યા પછી એકદમ મુંબઈની આ ફેશનેબલ સ્કૂલમાં મારે આવવાનું થયું. ગામડાંના રસ્તાઓની પગે ચોંટેલી ધૂળ તો હજી સાફ થઈ ન હતી, અને નેતરની પૉલિશવાળી ખુરશીમાં બેસી પાઠ ભણાવવાનું, ગામડાંનાં કાળાં મેલાં છોકરાંઓને બદલે રંગબેરંગી પતંગિયાં જેવા બાળકોને મારે શિક્ષણ આપવાનું મળ્યું. ઘડીભર તો મને લાગ્યું કે હું કોઈ સ્વપ્નમાં આવી ગયો છું. પણ પછી તો મુંબઈનું સ્વપ્ન ઊડવા લાગ્યું. સ્વપ્ન ઊડી જતું ગયું અને મુંબઈનું સત્ય મને સમજાવા લાગ્યું.

હું બાળકોને પૂછતો કે હૃદય કેટલું મોટું હોય તો જવાબ મળતો, આવડું, માથા જેવડું; ખેતરો, બોરડીનાં ઝાડો વગેરેમાનું બાળકો કશું જાણતાં નહિ. આવાં બાળકો હતાં અને બીજાં અત્યંત બુદ્ધિશાળી બાળકો પણ હતાં. જે વિષયમાં હું પરીક્ષા લેતો તેમાં મારે પોતાને જવાબો લખવાના હોય તો હું જેટલા માર્ક મેળવું તે કરતાં વધારે માર્ક લઈ જનાર વિદ્યાર્થી અહીં હતા. ગામડાંનાં કે શહેરનાં બધાં બાળકો મને એકસરખી રીતે અજ્ઞાન લાગ્યાં, એકસરખી રીતે સુંદર લાગ્યાં. એમને હું પ્રવાસે લઈ જતો.

શહેરના ભપકામાં અને ફેશનેબલ જીવન જીવતાં એ બાળકોનો આત્મા પણ અમે નાના હતા ત્યારે જેવો તલસતો તેવો તલસી રહેલો મેં જોયો. મુંબઈનાં સૌંદર્ય સ્થળો અને ઊછળતા હૃદયે જોયાં અને નિશાળના વર્ગોમાં જે હું એમને ન ભણાવી શકેલો તે મેં અહીં ભણાવ્યું. તેમને નિશાળના વર્ગોમાં હું જે ન ઓળખી શકેલો તેમને મેં અહીં રખડતાં રવડતાં ઓળખ્યાં.

બાળકો મને હેરાન પણ કરતાં. બીજા શિક્ષકોને પણ હેરાન કરતાં. મારા વર્ગમાં શરૂઆતના દિવસોમાં વધારે ઘોંઘાટ રહેતો. સારું હતું કે શિક્ષાનું અહીં વાતાવરણ ન હતું, નહિ તો આ પૂર્વે મારી અશક્તિને હું બાળકોને જેમ મારતો તેમ અહીં પણ મારી બેસત. પણ મેં મારા હાથની ચળને કબજે રાખી. પરિણામે મેં બાળકોને દિલથી જીત્યાં અને થોડા વખતમાં અમારા વર્ગો, એક અત્યંત આનંદભરી વસ્તુઓ બની રહી.

મુંબઈમાં મને માત્ર મારાં વિદ્યાર્થીઓ જ – છોકરા અને છોકરીઓ – ગમતાં. મુંબઈનો હું એકે એક ખૂણો ફરી વળ્યો. બધાં સૌંદર્ય સ્થળોએ ભમ્યો. થોડા દિવસમાં મુંબઈ જાણે વાસી થઈ ગયું. માત્ર મારાં વિદ્યાર્થીઓજ મને હંમેશાં પ્રસન્ન રાખતાં. એમની પાસે બેસવાનું મને ગમતું. એમની જોડે વાતો કરવાનું, રમવાનું, ભણાવવાનું ગમ્યા જ કરતું. મેં મુંબઈમાંથી વિદાય લીધી, ફરીને સત્યાગ્રહમાં ઝંપલાવવાને. મને કશું દુ:ખ ના થયું. માત્ર એક જ દુ:ખ થયું. આ બાળકોથી છૂટાં પડવાનું. દિવસો લગી મારા સ્વપ્નમાં એ આવ્યા કર્યાં. એમનાં તોફાન, એમની રમતો, ‘સર’ ‘સર’ કહી મારી આસપાસ ફરી વળતાં એમન ટોળાં, એમની ચર્ચાસભાઓ, બધું મારી પાછળ પાછળ ભમવા લાગ્યું.

મુંબઈ હું ભૂલી ગયો છું.
પણ આ નિશાળની મીઠી જિંદગી નહિ ભૂલું. ફેલોશિપ સ્કૂલે મને એક નવી ફેલોશિપ આપેલી છે. મારા જીવનનું એ એક નાનકડું પણ મીઠું પ્રકરણ છે.

[‘મૈત્રી’ મુંબઈનું ફેલોશિપ સ્કૂલનું પત્ર 1900. અને ‘ચિદંબરા’ માંથી.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાત્સલ્યનો ઓઘ – ડૉ. પલ્લવી ભટ્ટ
સત્યનો માર્ગ – મોહનદાસ ગાંધી Next »   

8 પ્રતિભાવો : એક મીઠું પ્રકરણ – સુન્દરમ્

  1. Good memories stored in the mind are never vanished.

  2. “…હું બાળકોને પૂછતો કે હૃદય કેટલું મોટું હોય તો જવાબ મળતો, આવડું, માથા જેવડું; ખેતરો, બોરડીનાં ઝાડો વગેરેમાનું બાળકો કશું જાણતાં નહિ….”

    “…ગામડાંનાં કે શહેરનાં બધાં બાળકો મને એકસરખી રીતે અજ્ઞાન લાગ્યાં, એકસરખી રીતે સુંદર લાગ્યાં…”

    “…શહેરના ભપકામાં અને ફેશનેબલ જીવન જીવતાં એ બાળકોનો આત્મા પણ અમે નાના હતા ત્યારે જેવો તલસતો તેવો તલસી રહેલો મેં જોયો….”

    બાળકો વિશેના ૩ અવિસ્મરણીય વાક્યો … !!! શું માનવું છે બધાનું ??

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.